માટી ના સંસ્કાર Amita Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માટી ના સંસ્કાર

"સાર્થક .... જો મેં બેગ ભરી છે, તું ચેક કરી લેજે તો." મધ્ય પ્રદેશ માં ટાઇગર સેંચુરી જોવા જતા ૨૬ વર્ષ ના દીકરા સાર્થક માટે ૧૦ દિવસ ની બેગ અને નાસ્તા પૅક કરતાં શાલિની અે બૂમ પાડી.

"હા, મોમ " એવો નિર્લેપ અને ટૂંકાક્ષરી જવાબ સાંભળી ને શાલિની ની આંખ માં આંસુ છલકાયા. ક્યારે આ છોકરો એના ગમ માં થી બહાર નીકળશે ? આવડા મોટા આ છોકરા ની વર્ષો પછી બેગ એણે ભરી આપી છે ,નહીં તો એકદમ પોતાના મુજબ જ કામ થવું જોઈયે, એવો આગ્રહી સાર્થક પોતાની બેગ ને હાથ પણ ના લગાડવા દે. પાસે ઊભેલા સમીર અે શાલિની ને ખભે હાથ મૂક્યો અને આંખ થી ઈશારો કર્યો કે આપણે બંને થઈ ને દિકરા ને સંભાળી લઈશું.

અઢી વર્ષ થી નોકરી માં સેટ થયેલા સાર્થક ને પરણાવી ને ઠેકાણે પાડવા મમ્મી બહુ ઉત્સુક હતી. પણ એ હંમેશા ના જ પાડતો. કહેતો કે શું ઉતાવળ છે, હજી મારે નોકરી માં મહેનત કરી ને આગળ વધવું છે અને મારી કંઈ એવી ઉંમર જ કયાં થઈ છે ? મને પણ મિત્રો સાથે આ લાઇફ જીવી લેવા દો. અને શાલિની નું એક ના ચાલતું કારણ કે સમીર પણ દિકરા ને જ સપોર્ટ કરતો.

છેલ્લાં કેટલાંય દિવસ થી સાર્થક ગુમસુમ રહેતો. અને મા ને સમજ પડ્યા વગર રહે ? એક વાર ત્રણે સાથે રાતે બેઠેલા ત્યારે શાલિની અે વાત ઉખેળી અને કહ્યું કે તને શું થયું છે ? જે પણ કંઈ પ્રોબ્લેમ હોય અે કહીશ તો જ આપણે એનું સોલ્યુશન કાઢી શકશું. અને અે ચોંધાર આંસુ અે રડી પડ્યો.. નાના બાળક ની જેમ.. મા ના ખોળા માં માથું નાખી ને ! મોમ ડેડ બંને ગભરાઈ ગયા અને પૂછ્યું કે જે કંઈ પણ હોય, અે તું અમને પેટછૂટી વાત કરી દે, અમે તને ફૂલ સપોર્ટ કરશું.

અને સાર્થક અે કહ્યું, મોમ ડેડ, આઇ એમ ઈન લવ. ઓહ.. બંને સાંભળી રહ્યાં..હા તો બેટા, આ તો સારી વાત છે, એમાં રડવાનું કેમ ? કારણકે અે છોકરી મુસ્લિમ છે ! તમે પણ એ સ્વીકારશો નહીં અને એના મમ્મી પપ્પા પણ આની સંમતિ આપશે નહીં !

ક્ષણ ભર માટે બંને અવાચક બની સાંભળી રહે છે. બંને ના શરીર માં જાણે લોહી ઠરી ગયું. કળ વળતાં સમીરે પૂછ્યું , કે તું એને ક્યાં મળ્યો ? કંઈ રીતે મળ્યો ? શું અે પણ તારા પ્રેમ માં છે ? વાત તો કર !

અને સાર્થક ની નજર સામે ચલચિત્ર ની પટ્ટી ની જેમ ૪ મહિના પહેલાં નો સમય તાદૃશ થયો. ટાઈમ પાસ માં એક ડેટિંગ સાઈટ ખોલી ને જોયું અને એમાં એક મહેક કરી ને છોકરી ખૂબ ગમી ગઈ. એમ બી.અે.ભણતી હતી , પણ ઇન્ટર્નશીપ કરવાં અમદાવાદ ૩ મહિના માટે આવેલી. જેવી એણે રિકવેસ્ટ મોકલી, તરત એણે સ્વીકારી.અને સાર્થક અે એને સરસ રેસ્ટોરાં માં મળવા બોલાવી.

પહેલી વાર એકમેક ને જોતાં જ જાણે એમ થયું કે પ્રથમ નજર નો પ્રેમ છે. ખૂબ સાલસતા થી બંને એકમેક સાથે ઘણી અંતરંગ વાત કરી ને છુટા પડ્યાં. અને પછી તો રોજ ઓફિસ થી અે રાતે એને મળવા જતો. એકબીજા ના શોખ, પસંદગી, કેરિયર વગેરે બધા વિશે રોજ વાતો કરતાં. બંને ના બધાં શોખ પણ એકસરખા હતાં.ખાસ તો બંને ને એનિમલ કે બર્ડ સેંચ્યુરી જોવા નો ખૂબ જ શોખ હતો.આમ એકબીજા ની સાથે રોજ મળતાં મળતાં ક્યારે એકમેક ના ગળાડૂબ પ્રેમ માં પડી ગયા , એજ ખબર ના પડી.

ધીમે ધીમે મહેક નો પાછા જવાનો સમય નજીક આવ્યો. સાર્થક અે ખૂબ ડરતાં ડરતાં આઇ લવ યુ કહી જ દીધું. એનો હાથ પકડી ને મહેક ખૂબ રડી. એણે પણ એકરાર કરતાં કહ્યું કે મને પણ લાગે છે કે તારા વગર મારું જીવન સાર્થક નહીં રહે. પણ... ધર્મ ? હિન્દુ મુસ્લિમ લગ્ન માટે કોઈ કાળે મોમ ડેડ તૈયાર જ નહીં થાય. અને સંમતિ વગર લગ્ન કરવું નથી.અને છેવટે બંને એકબીજા ને વળગી ને રડતાં રડતાં છૂટા પડ્યાં...

"તો તારે આ વાત અમને વહેલા ના જણાવાય ? તેં કેમ ધારી લીધું કે અને સંકુચિત મનોવૃત્તિના છીએ ? હજી જા, એનો કોન્ટેક્ટ કર, એને મળ, એના મા બાપ સાથે આપણે વાત કરીશું". ડેડ ના મોઢે થી આવી વાત સાંભળી સાર્થક અવાચક રહી ગયો. સાચે જ હેં, મોમ ડેડ, તમે હસતાં મોં એ સંમતિ આપો ? અરે હા વળી, તને કોક ગમી ગઈ તો તેં પણ એના માં કંઇક ગુણ જોયા હશે ને ?અને અમને તારી પસંદગી પર પૂર્ણ વિશ્વાસ છે. તો ધર્મ ના નામે અમે તારી ખુશી થોડી છિનવીએ ? તરત એણે મહેક ને ફોન લગાવ્યો.પણ મહેક અે કહી દીધું કે મારા માં બાપ બહુ જ ચુસ્ત મુસ્લિમ છે અને આપણો સંબંધ વિચારી જ ના શકાય. અને માબાપ ને ઉપરવટ જઈ ને હું કંઈ જ નહીં કરું. અને હવે આપણે ફોન ઉપર મળવાનું પણ ટાળશું.

હતાશ થઈ ગયેલો સાર્થક ખૂબ ગુમસુમ રહેવા લાગ્યો. ત્યાં વળી મધ્ય પ્રદેશ માં એક ટાઇગર સેંચ્યુરી જોવા જવા માટે ટ્રીપ ઉપડતી હતી. શાલિની અને સમીર અે સાર્થક ને પરાણે આ ટ્રીપ માં જવા માટે જાણે ધક્કો માર્યો. ક્યાંક ફરી આવે તો એના મગજ માં થી આ બધું દૂર જાય અને છોકરો કંઇક નોર્મલ થાય.સાર્થક ને જવા માટે ક્યાં થી પગ ઉપડે ? વન્ય પ્રાણી ઓ જોવા ના ને જંગલ ખૂંદી વળવાના સપનાં તો મહેક સાથે જોયેલા.પણ વિધિ ને સ્વીકાર્યા વગર ક્યાં છૂટકો હતો ? મોમ ડેડનું માન રાખી બેગ લઈ ને અે રવાના થયો.

એમ. પી. ની હોટેલ માં પહોંચી ને એણે જોયું કે આખા ભારત ના જુદા જુદા રાજ્ય માં થી બધાં સહેલ કરવા આવ્યા છે.પહેલાં દિવસે સવારે બસમાં એની જોડે એક વીસેક વર્ષ નો છોકરો બેઠો. એનું બેગપૅક નડતું હતું. સાર્થક અે એને ઉપર ની સીટ માં મૂકી આપ્યું. પેલા છોકરા અે કહ્યું , " થેં ક યુ ! અસીમ હીયર ! " ."હાય, એમ સાર્થક ! ".અસીમ અે પૂછ્યું ," તમે ક્યાં થી ? " "ગુજરાત , અને તમે ?" " હું કેરાલા થી...તમે એકલા આવ્યા છો ? ".સાર્થક અે કહ્યું ,"હા , અને તમે ? " "મારી સાથે મારી બેન અને મમ્મી પપ્પા પણ છે . આજે બેન ને તાવ આવ્યો છે એટલે અે લોકો હોટેલ પર જ રહ્યા છે."

અસીમ ની કંપની માં સાર્થક નો દિવસ સારો રહ્યો. બહુ વાત ચીત ના કરી પણ ફોન નંબર ની આપલે થઈ ગઈ.બીજે દિવસ ફરી બસમાં બેઠો, ત્યાં અસીમ નો ફોન આવ્યો , કે હું તો નહીં આવી શકું, મારી બેન ને હોસ્પિટલ લઇ જવી પડશે. એને ખૂબ ડીહાઈડ્રેશન થઈ ગયું છે. તાત્કાલિક સાર્થક બસ માં થી ઉતરી ને એના રૂમ માં ગયો. અે લોકો સ્ટ્રેચર આવવાની જ રાહ જોતા હતાં. સાર્થક ને જોઈ ને અસીમ અે કહ્યું , અરે તમે ? કેમ ફરવાનું છોડી અહીં આવ્યા ? કંઈ જરૂર નથી. અમે લઇ જ જઈએ છે. સાર્થક કહ્યું, હું કોઈ પણ રીતે કામ લાગું, તો મારું નામ પણ સાર્થક થશે.પોતાના મોમ ડેડ ને મળાવી અસીમ એને અંદર પોતાની બેન પાસે લઈ ગયો.

સામે બેડ પર મહેક સૂતેલી હતી !!! એની નિસ્તેજ આંખો અને બેનૂર મોં એના ખાલી હ્રદય ની ચાડી ખાતાં હતાં. સાર્થક ને જોઈ ને એની આંખો પહોળી થઈ, એક ચમકારો થયો, અે બેઠી થવા ગઈ અને બેઠી થાય અે પહેલાં પથારી માં જ ઢળી પડી .

મારામાર એને હોસ્પીટલમાં ખસેડવા માં આવી. હવે એને લોહી ચડાવવું પડે એમ હતું. અજાણી જગ્યાએ , ફરવાના સ્થળ પર કોઈ ઓળખીતા ના હોવા થી અસીમ અને એના મોમ ડેડ ખૂબ ગભરાઈ ગયા. સાર્થક એમને સધિયારો આપ્યો અને કહ્યું કે , મારું બ્લડ ઓ પોઝિટિવ છે, હું રક્તદાન કરીશ.

તાત્કાલિક એને બાટલા ચડાવ્યાં. એકાદ દિવસ માં મહેક ને સારું થયું અને અે ભાન માં આવી. જાગી ને તરત એણે કહ્યું , ખૂબ આભાર, સાર્થક ! ઘર ના બધાં ચોંકી ગયા.તને નામ ની ક્યાં થી ખબર ? એણે કહ્યું કે હું મળેલી છું આને ગુજરાત માં !.હિમ્મત કરી ને સાર્થક અે કહ્યું , હા, અમે એકમેક ને ખૂબ પસંદ કરીએ છે.મહેક ના મોમ ડેડ એક બીજા સામે જોઈ રહ્યા અને હસી ને કહ્યું, અમે પણ તને પસંદ કરીએ છે . "હેં, શું ખરેખર ? "સાર્થક અે પૂછ્યું .હા વળી, જ્યારે તારું લોહી મારી દીકરી ને ચડાવ્યું ત્યારે તો અમે કંઈ ધર્મ ના જોયો અને જ્યારે દિલ ની આપ લે હોય ત્યારે ધર્મ જોવાનો હોય ? બોલ બેટા, તારે ઘરે ક્યારે માંગુ લઇ ને આવીએ ?

ચાર આંખો અનરાધાર વરસી રહી. બે હૃદય ભીનાં થઇ ભારત ની માટીના સંસ્કાર ની સુગંધ થી મહેકી ગયાં. એક મુખ પર લજ્જા ની લાલિમા હતી અને બીજું મુખ હસુહસુ !! સાર્થક અે મોમ ડેડ ને ફોન લગાવ્યો, મારી ટ્રીપ સાર્થક થઈ ગઈ, હું મહેક ને લઇ ને આવી રહ્યો છું !

સમીર શાલિની ને કહે છે, આપણે અરસપરસ ના મુલ્ક ના લોકો ને ઓળખ્યા વગર રૂઢિચુસ્ત હશે , એમ ધારી લઈએ છે. પણ છેવટે તો આપણે સૌ ભારતીય છીએ અને આ ભારતીય માટી ના સંસ્કાર જ છે, જે દરેક માનવી ને બધા જ ધર્મ નું સન્માન કરતાં શીખવાડે છે અને ધર્મ કરતાં માનવતા ને ચડિયાતી ગણે છે.માણસ નું માણસ તરીકે મૂલ્ય આંકતા શીખવાડે છે . આ માટી ના સંસ્કાર તો દરેક ભારતીય જન્મે ત્યાર થી જ સાથે લઈ ને જન્મે છે અને અે જ આપણને સૌ ને જોડી ને રાખે છે.