પત્ર પતિ પરમેશ્વર ને - Letter to Your Valentine Amita Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પત્ર પતિ પરમેશ્વર ને - Letter to Your Valentine

પત્ર પતિ પરમેશ્વર ને:

અમિતા પટેલ

માય ડીયર પતિ પરમેશ્વર,

હેપ્પી વેલેન્ટાઇન ડે અને હેપ્પી એનીવર્સરી ટૂ ! આજે કેટલાય વરસો પછી તમને પત્ર લખવાનો મોકો મળ્યો કારણ કે આવતી કાલે વેલેન્ટાઇન ડે ના દિવસે આપણી એનીવર્સરી પણ આવે છે, ટાઈમ ફોર ડબલ સેલિબ્રેશન ! અને તમે બહારગામ છો. મને કેટલા સમય થી પ્રેમ ની અભિવ્યક્તિ નો મોકો જ નહોતો મળતો એટલે આજે તક ઝડપી લઉં છું. વ્હોટસએપ્પ ના જમાના માં તમને પત્ર લખવાનું મન થયું કેમ કે ઘણી વાતો તમે રૂબરૂ માં સાંભળતા જ નથી. સંબોધન વાંચી ને બહુ ખુશ ના થઇ જતા કારણ કે તમને ખબર જ છે કે હું તો નાસ્તિક છું. આ તો શું કે જરા આમ લખીયે, તો વાંચવામાં સારું લાગે છે ને, એટલે હોં !

આજ-કાલ કરતાં આપણા લગન ના ૧૮ વર્ષ પૂરાં થઇ જશે. હસતાં-રમતાં જીન્દગી ક્યાં પસાર થઇ રહી છે, તેની ખબર પણ ના પડી, કેમ? મોટે ભાગે તો બધું મેં જ એડજસ્ટ કર્યું છે, એટલે તમને ક્યાં થી લાગે ! કેટકેટલી ખાટી-મીઠી યાદો નાં સંભારણા આજે વાગોળવાનું મન થયું છે. યાદ છે તમને ? નહિ જ હોય ! યાદ રાખવાનું કામ ખાલી સ્ત્રીઓ નું ! આપણી પહેલી એનીવર્સરી એ શું થયેલું ? તમે મને સવારે ઉઠી ને ગિફ્ટ આપવાને બદલે ખીલેલાં ગુલાબ નું ફૂલ આપેલું, જે જોઈ ને મારું મોં મુરઝાયેલી કળી જેવું થઇ ગયેલું. પણ અચાનક સાંજે વહેલા આવી ને તમે મને જ્વેલરી શોપ માં લઇ જઈ ને હીરા નું પેન્ડન્ટ અપાવેલું ને હું કેટલી ખુશી થી ઝૂમી ઉઠેલી ! મારે મન તો તમારા પ્રેમ અને લાગણી ની જ ખરી કિંમત ! પછી ભલે ને પેન્ડન્ટ માં ખાલી એક જ હીરો હતો !

વરસો વિતતા ગયા. પલંગ પર ભીનો ટુવાલ પડેલો હોય,જ્યાં પેન્ટ કાઢ્યું હોય ત્યાં ને ત્યાં રૂમ માં વચ્ચોવચ જ પડેલું હોય, સોફા પર પહેરેલાં મોજાં લટકતા હોય, બૂટ પહેરી ને રસોડા સુધી તમે આવી જાવ વગેરે બધી તમારી હરકતો થી હું ટેવાતી ચાલી.તમે કોઈ દી નહિ સુધરવાના, એમ હું કહેતી રહી ને તમે પોતાનું ફાવતું ગોઠવીને બગડતા ચાલ્યા. તો ય લડતા ઝગડતાં આપણે મજા થી જીન્દગી જીવતા રહ્યાં ને આપણી ખુશી માં બે બાળકો ના જન્મ થી ઓર પણ ઉમેરો થયો.

છોકરાં ના જતન ને ઉછેર માં આપણો સમય વધુ ને વધુ આપતા થયાં, પણ એમાં તમે તો એનીવર્સરી ની ગિફ્ટ જ ઉડાડી મારી !. આપણી સાતમી એનીવર્સરી પર મેં પહેલી એનીવર્સરી યાદ કરીને તમને ગિફ્ટ માટે ઇનડાયરેકટલી હિન્ટ આપતા કહેલું “ તમને ફૂલ દીધા નું યાદ ? “ પણ તમે તો કહેવા લાગ્યા,” ફૂલ ? કયા ફૂલ ? કેવાં ફૂલ ? આ શું સવાર સવાર માં નોકરી ના સમયે પહેલીઓ બુઝાવે છે ? જે કહેવું હોય તે સીધું કહે ને ! કે પછી મને ફૂલ કહે છે, હેં ? “ તમારા આવા રીએક્શન યાદ રાખી ને આપણી દસમી એનીવર્સરી પર તમારા તરફ થી મને ગિફ્ટ માં આપવા હું પોતે એકલી જઈ ને આગલા દિવસે જાતે જ એક ડ્રેસ લઇ આવેલી . પણ તમે તો તે વરસે એનીવર્સરી જ ભૂલી ગયા .તમને બતાડ્યો, તો તમે જરા ઓછ્પાઈ ને ‘સોરી’ કહ્યું ને રાતે બહાર જમવા લઇ જવાનું પ્રોમીસ પણ આપ્યું. પણ પછી ડ્રેસ ની કિંમત ૧૫૦૦૦/- છે એમ જાણ્યું, પછી તમને રાતે કોળીયો જ ગળે નહોતો ઉતર્યો ! અત્યારે મને તો યાદ કરી ને ય બહુ હસવું આવે છે ! તમે તો સાવ નાની નાની વાત માં એકદમ અપસેટ થઇ જાવ છો, ભઈસાબ !

ધીમે ધીમે લાઈફ સેટ થવા લાગી, અને બધી ગુજરાતણ ની જેમ મારું શરીર સહેજ વધી શું ગયું, તમે મને વારે ને વારે કહેતા કે “ આપણા દેશ ની મોંઘવારી ની જેમ તું પણ કૂદકે ને ભૂસકે વધતી જાય છે “. મને થયું કે લાવ જીમ જોઈન કરી ને શરીર ઉતારી નાખું પણ જેવા મેં જીમ માં કૂદકા ને ભૂસકા ચાલુ કર્યા, મારો તો ઢીંચણ જ રહી ગયો ! હવે શું કરું બીજું, બોલો ! ડાયેટ ની વાત ના કરતાં ! એના થી તો મને સીધા ચક્કર જ આવે છે. ખાવા તો જોઈએ કે નહિ ? મજા કરવા માટે જીન્દગી છે અને હું તો ફૂલ્લ-ઓન જીન્દગી જીવવામાં માનું છું. મેં તો સિન્સિયર પ્રયત્નો કર્યા કે નહીં ? કહો જોઈએ ?

આમ તો મને તમારા તરફ થી કોઈ પ્રોબ્લેમ નથી. હું બધું ચલાવી જ લઉં છું પણ તમારી બે-ત્રણ વાતો મને બિલકુલ ગમતી નથી. એક તો શું કે તમે ઘરે આવી ને સીધા ટી.વી. જોવા ગોઠવાઈ જાવ છો ! એમાંય વળી સીરીયલ જોતા હોત તો જુદી વાત. પણ તમારે તો બસ આખો દિવસ ક્રિકેટ, ક્રિકેટ ને ક્રિકેટ ! બીજી કંઇ વાત જ નહિ. વચ્ચે કંઇ બી પૂછીએ તો બસ ખાલી હું-હા માં જ જવાબ મળે.તેમાંય હું જો ભૂલ થી પૂછું કે આ કઈ રીતે આઉટ થયો, તો તમે ચિડાઈ જાવ. આ એક બીજા ને આઉટ કરવા ની રમત જ મને તો સમજાતી નથી. બધા હળીમળી ને રહે તો ઐક્ય અને સામંજસ્ય ની ભાવના કેળવાય. એ બધું સીરીયલ માં થી જ સીખવા મળે પણ તમને તો તમારું ક્રિકેટ જ વહાલું !

બીજું,કે શોપિંગ નું નામ પડે ને તરત તમારું મોં બગડી જાય. તમે તો ત્યાં પહોંચીએ ત્યાર થી પાછા ક્યારે જઈએ,એની જ વેતરણ માં હો છો. મોઢું પણ એક્દમ સોગીયું હોય, જાણે તમને કોકે સજા કરી ના હોય ! ઘણી વાર તમે મને પૈસા આપી ને કહો છો કે તું તારે જે લેવું હોય તે લઇ આવ, પણ એમ મજા ના આવે કંઇ ! અને વળી, થેલીઓ બી કોણ ઉપાડે ?

ત્રીજું, કે કોઈ બી ફ્રેન્ડસ આવે ને તો તમે પોલીટીક્સ ને અર્થતંત્ર ની જ વાતો કરવા મંડી પડો છો. મને તો બજેટ માં જરા ‘જેટલી’ બી સમજ ના પડે, અને સુરેશ ‘પ્રભુ’ કયા ધર્મ ના પ્રભુ છે એય ગતાગમ ના પડે ..મને ગમતાં રેસિપી, કપડાં, શોપીંગ, ફેશન વગેરે ની વાતમાં તો તમને કંઇ રસ જ નાં પડે. જો કે તમે મને દરેક કામ માં ઘણો સારો સહકાર આપો છો. ઘર માં કમ્પ્યુટર બગડે કે સ્કૂટર, નળ બગડે કે લાઈટ, તમે તરત જ બધું રીપેર કરવા બેસી જાવ. એ વાત જુદી છે કે પછી વસ્તુ હોય એના થી ય વધુ બગાડી ને મૂકો છો ! દિલ ના ય સાવ ભોળા, એકદમ શંકર જેવા ! એ વાત સાચી પણ કોઈક ના દેખતાં જે વાત ના કેહવાની હોય ને તો તમે ખાસ કહી જ દો. મેં ગમે તેટલું આગળ સમજાવ્યું હોય, પણ તમે ના કહેવાનું કહી ને બફાટા કરી જ નાખો છો. હવે કેટલા વરસો સુધી મારે કહે કહે કરવાનું ? થોડુંક તો વગર બોલ્યે સમજવાનું રાખો . પછી કહો છો બોલ બોલ કરે છે ..

ખેર ! હશે .. નાનું-મોટું તો પતિ-પત્ની વચ્ચે ચાલ્યા કરે ! હું તો ખુબ ખુશ છું તમારી સાથે ને ઈચ્છું કે ભવોભવ તમે જ મારા પતિ હો ! કારણ કે બીજા કોઈ સાથે નવેસર થી આટલી મહેનત કરતાં હું તો કંટાળી જઉં, હોં. હવે તો આપણા લગન ને પણ ૧૮ પૂરા થશે એટલે આપણો પ્રેમ પણ એડલ્ટ અને મેચ્યોર થયો કેહવાય. તો ચાલો, તમે પાછા આવો એટલે આપણે બે પણ નવી શરૂઆત કરીએ.. તમે મને ફરી થી સાત વચનો આપો.

૧. સવાર ની ચા હવે થી તમે જ મૂકશો .

૨. મારી જોડે ફોટા પડાવતાં મોઢું હસતું રાખશો.

૩. દર ત્રણ મહીને બહારગામ એક સુંદર વેકેશન કરવા લઇ જશો.

૪. મારી રસોઈ ના પણ વખાણ કરશો, ખાલી તમારી મમ્મી ની રસોઈ ના નહિ .

૫. હું કિટ્ટી માં જઉં, ત્યારે જાતે જામી લેશો.

૬. હું કાર ચલાવું, ત્યારે મને સૂચનાઓ નહિ આપો.

૭. હું મોબાઇલ પકડી ને વ્હોટસએપ્પ કરતી બેસી રહું કે ગેમ રમ્યા કરું, તો તમે મને નહિ ટોકો.

આપણે સાત વચનો થી બંધાયેલા છીએ. તો તમે તમારી પતિવ્રતા પત્ની ના સુખ ની ચિંતા ચોક્કસ કરશો, એની મને ખાતરી છે. અને અત્યારે તો ખબર છે ને કે હું સૌથી વધુ શેની રાહ જોઉં છું ? હા, હા,તમારી તો ખરી જ પણ સાથે સાથે એનીવર્સરી ની ગિફ્ટ ની ! લાવવાનું ભૂલતા નહિ હોં !!

પત્ર પૂરો વાંચજો હોં, અધ વચ્ચે થી ફાડી ના નાખતા. તમારું ભલું પૂછવું ! કારણ કે ઘણા વરસો પછી મેં પેન હાથ માં લીધી છે ને ખાસ્સી મહેનત કરી છે. જો અક્ષર ના ઉકલાય, તો ઘરે લેતા આવજો, હું તો મારા અક્ષર નથી ઉકેલી સકતી પણ આપણી દીકરી કદાચ ચોક્કસ વાંચી બતાડશે. પણ આય હાય ! આ તમે નથી તો પત્ર કોણ પોસ્ટ કરવા જશે ? એક કામ કરો, તમારા તકિયા નીચે મૂકું છું, આવી ને વાંચી લેજો ને પ્લીઝ, હું વળી ક્યાં ધક્કો ખાઉ ?

બસ, તો જલ્દી જલ્દી મળીયે, લવ યુ ડીયર ! પણ છેલ્લે એક કડી તમારા માટે સ્પેશીયલ !

વાલમ ઝૂલે તું મારા હૈયા ના હિંડોળે !

વેલેન્ટાઇન ગિફ્ટ ની રાહ હું જોઉં કાગડોળે !!

એ જ લિ. આપની બીટર–હાફ ...