બર્થ ડે ગિફ્ટ - ‘National Story Competition-Jan Amita Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બર્થ ડે ગિફ્ટ - ‘National Story Competition-Jan

બર્થ ડે ગિફ્ટ :

અમીતા પટેલ

૧૦ દિવસ ની અંદર રીપલ ની ચાલીસમી બર્થ ડે આવવાની હતી. પહેલી વાર વેલ ઇન એડવાન્સ યાદ રાખી ને એના પતિ આકાર એ એને પૂછ્યું કે “ શું જોઈએ

તને ગિફ્ટ માં ? “ રીપલ ને નવાઈ લાગી.. ઓહોહો .. તમને યાદ છે ? ગ્રેટ ! પણ ના ! મને કંઈ જ જોઈતું નથી !”. “ અરે, એમ તે કેમ ચાલે ? તું બોલ એ હું હાજર કરું, બ્રાન્ડેડ ડ્રેસીસ કે ગુચ્ચી નું પર્સ કે સોનાનો સેટ, ફાઈવ સ્ટાર હોટેલ માં ગ્રાન્ડ પાર્ટી..બોલ શું જોઈએ તારે ? “ અબજોપતિ આકારે કહ્યું. રીપલ કહે “વાહ, શું વાત છે જનાબ ! આ વખતે તો તમે કંઈ ખાસ્સા મહેરબાન છો ને ! “ આકાર એ સીરીયસલી કહ્યું,” હા, રચના, હું માનું છું કે જીન્દગી માં સેલીબ્રેશન ના મોકા વારંવાર નથી આવતા. બધા ને બોલાવી ને તારી ૪૦ મી વર્ષગાંઠ ભેગા મળી ને મનાવશું.” “ઓકે ડીયર !” કહી ને રીપલ એ થમ્બઝ અપ કરી સંમતિ આપી. પણ અચાનક

રીપલ કંઇક યાદ કરી ને ઉદાસ થઇ ગઈ. આકારે પૂછ્યું, શું થયું ? “ કંઈ નહિ, આ તો રચના ની યાદ આવી ગઈ એટલે ! “. આકાર: ઓફ્ફોહ, વર્ષો ના વહાણા

વાઈ ગયા, પણ તું હજી એને ભૂલી નથી !” રીપલ : હા, આકાર, આજ દિન સુધી ની મારી સૌથી સારી ગીફટ મને મળેલી મારી સોળમી વર્ષગાંઠ પર ! રચનાએ આપેલો સુખડી નો કટકો ! અને મારા માટે કદાચ એના થી વિશેષ કંઈ જ નથી.. ભલભલી કિંમતી ભેટ ની એની સામે કંઈ જ વિસાત નથી ! “ હા ભાઈ જાણું છું હું,

ચલ હવે અત્યારે મૂડ ના બગાડ.” કહી ને આકાર ઓફીસે જવા રવાના થયો પણ રીપલ ને કામ માં જીવ જ ના ચોંટ્યો. ૨૪ વર્ષ પહેલાં ની શાળા ની લાઈફ નજર સામે ચલચિત્ર ની પટ્ટી ની જેમ ફરવા લાગી.

રીપલ અને રચના ની પહેલ વહેલી ફ્રેન્ડશીપ થઇ આઠમા ધોરણમાં કે જયારે રચના ની ખાસ ફ્રેન્ડ મહિમા એ અચાનક સાતમા ધોરણમાં પોતાની શાળા બદલી કાઢી. આ આગલા વર્ષ માં રીપલ ને મહિમા સાથે થોડી થોડી દોસ્તી થયેલી પણ તેણે શાળા બદલી તો રીપલ ને રચના બંને જાણે એકલા પડી ગયા. આઠમા ધોરણ ના પહેલા જ દિવસે રિસેસ માં બંને ભેગા થઇ ને મહિમા વિષે વાતો કરતા રહ્યા કે એને ના પાડી તો બી સ્કૂલ બદલી કાઢી અને હવે એના વગર ક્યાં થી મજા આવશે ?.. વગેરે વગેરે.. બે-ત્રણ દિવસ આમ વાતો કરતાં કરતાં દોસ્તી ક્યારે ગાઢ દોસ્તી માં ફેરવાઈ ગઈ, બંને ને ખબર ના પડી. રોજ એક જ બેંચ પર સાથે બેસવાનું ને સાથે જ નાસ્તો કરવાનો ! રોજ ક્લાસ માં આવી ને રચના દફતર ખોલે ને ચોપડીઓ કાઢતા પહેલાં એની મમ્મી એ બનાવેલી સુખડી નો નાનો કટકો રીપલ ને આપે ! પછી જ ભણવાનું સારું થાય ! જો કે ભણવામાં પણ બંને ખૂબ જ હોશિયાર.. બંને ને આગળ પાછળ જ નંબર આવે.. રચના નો ૫ મો ને રીપલ નો છટ્ઠો ! બંને ની હોશિયારી અને સરળ સ્વભાવ તથા બીજા ને મદદ કરવાની ભાવના ને લીધે આખી સ્કૂલ ના એ બંને લાડકવાયા થઇ ગયા. ધીમે ધીમે સ્કૂલ ના પ્રિન્સીપાલ, બધા શિક્ષકો અને આખા ક્લાસ માં રચુ-રીપુ ની જોડી ના નામ થી એ બંને ઓળખાવા લાગ્યા.

એક બીજા ની કંપની ને ખૂબ માણતાં, બંને જણ એક બીજા ના પ્રેરક ને માર્ગદર્શક બની રહ્યા. નવમાં ધોરણ ની ફાઈનલ એક્ઝામ આવતા પહેલા બંને એ નક્કી કર્યું કે આ વર્ષે તો બંને એ નંબર આગળ લાવવો જ છે. એના માટે કઈ રીતે ભણવું એની સ્ટ્રેટેજી તૈયાર કરી ને બંને એ ધગશ થી ભણવાનું ચાલુ કર્યું.

કોક વાર રિસેસ માં પણ નાસ્તો કરવા નો છોડી ને વાંચન કરે... એમ કરતાં ફાઈનલ એક્ઝામ આવી ને બંને ના પરીણામ જાહેર થયા તો બંને ખુશી ના માર્યા ઉછળી પડ્યા કારણ કે રચના ત્રીજા અને રીપલ ચોથા નંબરે પાસ થયેલી. બંને ને એમની મહેનત નું ફળ મળેલું. હવે સામે મસ મોટું દસમા નું બોર્ડ દેખાતું હતું. પણ એ પહેલા કોમર્સ કે સાયન્સ લાઈન નક્કી કરવાની હતી. બંને એ સાથે મળી ને નક્કી કર્યું કે આટલા સારા ગુણ થી પાસ થતા હોઈએ તો સાયન્સ લાઈન જ લેવી. પણ વેકેશન માં રજા માણવા આવેલા રચના ના કઝીન એ રચના ને કન્વીન્સ કરી દીધી કે છોકરીઓ માટે તો કોમર્સ જ ઉત્તમ !

દસમા ના પહેલા દિવસે રચના એ આવી ને જયારે ડિકલેર કર્યું, ત્યારે રીપલ ને માથે તો જાણે આભ તૂટી પડ્યું. એણે રચના ને બહુ સમજાવી પણ એ ટસ ની મસ ના થઇ. લાઈન બદલાઈ જાય તો બંને ભેગા ક્યાં થી રહી શકે એમ વિચારી ને બંને દુઃખી હતા જ. પણ સદનસીબે, શાળા માં કોમર્સ ને સાયન્સ ના વિદ્યાર્થીઓ રૂમ ના અભાવે ભેગા જ બેસવાના હતા. ખાલી મેથ્સ અને સાયન્સ ના વિષય માટે જુદા ક્લાસ માં જવાનું રહેતું. રચના એ રીપલ ને સમજાવી કે ભણવાના રસ્તા અલગ છે, પણ આપણે બંને સાથે જ છીએ.

અને ધીમે ધીમે દસમા નું ભણવાનું સારું થયું. કોમર્સ ના વિષયો ના ક્લાસ ચાલે ત્યારે ભણતી વખતે રચના એકલી પડતી. રીપલ ની ખાલી જગ્યા એ નિશા એની બેંચ પર આવી ને બેસતી. ભણવા માં સાવ સાધારણ પણ દિલ ની ભોળી ને સરસ. ધીમે ધીમે રચના ને નિશા સાથે દોસ્તી વધતી ગઈ. બીજી બાજુ, રીપલ ને સાયન્સ માં પ્રતિષ્ઠા અને પ્રેરણા સાથે દોસ્તી થઇ. પણ રિસેસ માં તો બંને દોડી ને નીચે ભેગા થઇ જાય ને નાસ્તો સાથે જ કરે.

પણ એક દિવસ રિસેસ માં રીપલ રચના પાસે આવી જ નહિ. રચના એ રાહ જોઈ ને નાસ્તો પણ ના કર્યો ને રિસેસ પૂરી થઇ ગઈ. બે પીરીયડ પછી ની નાની રિસેસ માં જ રચના દોડી ને રીપલ પાસે ગઈ ને પૂછ્યું કે કેમ ના આવી ? બહુ લાપરવાહી થી રીપલ એ કહી દીધું કે મારે હોમવર્ક હતું એટલે... તને ખ્યાલ નહિ આવે.. હું તો સાયન્સ માં છું ને. રચુ ને ખરાબ તો લાગ્યું પણ મન વાળી લીધું કે હશે, રિપુ ટેન્શન માં હશે..પછી તો ઘણી વાર આમ બનવા લાગ્યું અને રીપલ રીસેસ માં ના આવવાના કારણ પણ કહેતી નહિ. રચના મન મારી ને નિશા સાથે નાસ્તો કરી લેતી. અને ધીમે ધીમે એ રૂટીન થવા લાગ્યું. રોજ નો નાસ્તા નો સાથ બી ધીમે ધીમે સાવ છૂટી ગયો.

રચના ના મન પર આ વાત ની ખૂબ અસર થવા લાગી. ભણવામાં એનું ચિત્ત જ ના ચોંટે પણ એના પપ્પા નું ખૂબ પ્રોત્સાહન હતું, એ સતત રચના ને સારું ભણવા માટે પ્રેર્યા કરતાં.અને રચના એ મન મક્કમ કરી ને નક્કી કર્યું કે હું દસમા માં ખૂબ જ સારા માર્ક્સ થી પાસ થઈશ ને આગળ જઈ ને સી.એ. થવાની પપ્પા ની મહત્વાકાંક્ષા પૂરી કરીશ. અને એ ભણવા બાજુ વળી ગઈ.

બીજી બાજુ, રીપલ કંઇક જુદા જ મૂડ ને કેફ માં હતી. સાયન્સ લાઈન વાળા સુપીરીયર કેહવાય એવું પ્રતિષ્ઠા અને પ્રેરણા એની આગળ સતત બોલ્યા કરતાં ને એમ કરતાં રીપલ ને પણ થોડું અભિમાન આવી ગયેલું. હવે તો ક્લાસ માં કે રીસેસ માં ક્યાંયે ક્યારેય રચના સાથે બોલવાનું જ ના થતું. ખાલી સ્માઈલ ની આપ-લે. એમ કરતાં પ્રથમ પરીક્ષા માં રચના આખા ક્લાસમાં પ્રથમ આવી ને રીપલ ચૌદમા નંબરે ! રચના ને ખબર પડી તો એને પોતાના માટે આનંદ કરતાં રીપલ માટે વધુ વિષાદ થયો. સામે થી જઈ ને એણે રીપલ ને સાંત્વના આપવા પ્રયાસ કર્યો. પણ રચના બોલે એ પહેલાં જ રીપલ કહે “ ખબર છે બધી, કઈ રીતે તારો પહેલો નંબર આવ્યો.. બધા સાહેબો ની લાડકી થઇ ને ફરે છે, ફૂલ લાગવગ છે ને એના જ માર્ક્સ મળ્યા છે ને તેમાય વળી કોમર્સ ! તો શું ધાડ મારી ?” રચના ડઘાઈ ગઈ પણ કંઈ જ બોલ્યા વગર ચૂપચાપ ત્યાં થી જતી રહી. ઘરે આવી ને ખુબ રડી.આ જ છે મારી ખાસ રિપુ ? મને કોન્ગ્રેચ્યુલેશન કહેવાનું તો ચૂકી ગઈ ને આવડો મોટો ઈલ્ઝામ ! “

શું એ જલે છે મારા થી ?

ખેર, સમય વિતતા રચના વધુ મહેનત કરી ને સારા ને સારા માર્ક્સ લાવતી રહી ને રીપલ વધુ ને વધુ ડાઉન થઇ ગઈ. ફાઈનલ એક્ઝામ ના થોડા દિવસો પહેલાં, રીપલ ના બર્થ ડે ના દિવસે વિદ્યાર્થીઓ ની ઓછી હાજરી ના લીધે અચાનક સરે રીપલ ને ઉભી કરી ને રચના ની બેંચ પર એની બાજુ માં બેસાડી. ખચકાતા રીપલ ત્યાં બેઠી. રચના એ દફતર ખોલી, ડબ્બો કાઢી, એમાં થી સુખડી નો કટકો લઇ એને આપતા કહ્યું, “ હેપ્પી બર્થ ડે,રીપલ ! “. રીપલ થેંક યુ કહી ને લઇ લીધો.

પણ મનોમન વિચાર્યું કે રીચુ મને હવે રીપલ કહી ને બોલાવતી થઇ ગઈ ! હિંમત કરી ને એણે રચના ને કહ્યું, “ રચું, મેં તને હંમેશા મીસ કરી. મને ક્યારેય આ લોકો જોડે ગમ્યું નથી. અરે! એ લોકો તો મને વાતચીત માં શામેલ પણ નથી કરતાં, ચુપચાપ હું નાસ્તો કરી ને એકલી બેસી રહું છું. જાણે મારી તો કોઈ ને પડી જ નથી !”. રચના એ કહ્યું કે, “ હા રીપલ, મને પણ તારા વગર નહોતું જ ચાલતું, જ્યાં સુધી તે મારી પર ઈલ્ઝામ લગાડ્યો ને ત્યાં સુધી ! બહુ મક્કમ મન કરવું પડ્યું છે તને ભૂલવા ! અને હું મૂવ ઓન થઇ ગઈ છું, તું પણ મને ભૂલી ને આગળ વધજે.. વિશ યુ એ વેરી હેપ્પી લાઈફ.”

‘ટીંગ ટોંગ..‘ બેલ ના અવાજ સાથે ચોંકી ને રીપલ વર્તમાન માં પાછી આવી, ત્યારે એની આંખો માં થી અશ્રુધારા વહી રહી હતી. શાળા માં પ્રથમ નંબરે પાસ થઇ ને રચના એ રંગ રાખ્યો હતો. રીઝલ્ટ ના દિવસે એની પર અભિનન્દન ની ઝડી વરસાતી લાઈન થઇ ગઈ હતી પણ એ લાઈન માં એ ક્યાંય પાછળ હડસેલાઈ ગઈ હતી. પોતે માત્ર ૬૦% લઇ ને પાસ થઇ હતી. કોક બીજી શાળા માં એડમીશન લઇ ને રચના જતી રહી. બંને ના રસ્તા ફંટાઈ ગયા.ને આજ દિન સુધી કદી એ મળી નહી.. મળી તો માત્ર એની યાદો માં..

છેવટે બર્થ ડે નો દિવસ આવી પહોંચ્યો.પાર્ટી ની રોનક બરાબર જામી હતી. ફૂલો અને ફુગ્ગા ઓ થી સુંદર ડેકોરેશન કરેલું. સરસ મજા ના કપડા માં મહેમાનો રંગબિરંગી પીણાં પી રહ્યા હતા.આકાર તો ખુશ હતો જ પણ તેમના કિડ્સ અલંકાર અને રિવા તો મમ્મી ની બર્થ ડે પાર્ટી માં ખુશી થી ઉછળતા બીજા છોકરાઓ સાથે ધમાલ મચાવી રહ્યા હતા. કેક કટિંગ નો ટાઇમ થયો. બધા ભેગા થયા..ત્યાં અચાનક લાઈટો જતી રહી. બધે બૂમાબૂમ થઇ ગઈ. અંધારા માં રચના એ કહ્યું ક આકાર, જો તો આ લાઈટો કેમ ગઈ ? આ કઈ નવું વર્ષ થોડું છે કે હોટેલ વાળા એ લાઈટો બંદ કરી દીધી ? ત્યાં તો અચાનક રોશની થી રૂમ ઝળહળી ઉઠ્યો.. રીપલ ની એક્ઝટ સામે રચના ઉભી હતી, હાથ માં સુખડી નો ડબ્બો લઇ ને..

અવાચક રીપલ એને અપલક જોઈ રહી. આટલા વરસે પણ એ તરત ઓળખાઈ ગઈ. રચના એ કહ્યું “ હેપ્પી બર્થ ડે, રિપુ! “ “થેંક યુ.. કહી ને રીપલ દોડી ને એને ગળે વળગી ગઈ. બંને ની આંખો અનરાધાર વરસી રહી..ક્યાય સુધી બંને છુટા પડવાનું નામ ના લે.રીપલ રચના ને કહ્યું કે “ માફ કરી દે મને, એ ઉંમર જ કેવી હતી, સમજ્યા વિચાર્યા વગર હું કંઇક બોલી ગઈ ને આપણી દોસ્તી ને જમીનદોસ્ત કરી નાખી”. રચના એ કહ્યું “ માફી ની જરૂર જ નથી. એમ હોત તો હું પણ આજે આવી જ ના હોત. હું પણ નાદાન જ હતી. મેં પણ આટલી નાની વાત નું ખોટું લગાડી ને એક સારી દોસ્ત ને આટલા વર્ષો માટે ગુમાવી દીધી. ચલ ભૂલી જા બધું, આજ થી ફરી થી આપણા બે ની રચુ-રિપુ ની જોડી !

છેવટે આકારે આવી ને કહ્યું કે મેડમ, સરપ્રાઈઝ કેવું લાગ્યું ? રચના એ કહ્યું તારા હસબંડ ને થેંક યુ કહે.. મને એ જ અહીં લઇ આવ્યા છે. રીપલ આશ્ચર્ય થી પૂછ્યું, હેં આકાર, સાચે ? આકાર એ કહ્યું કે,”હા રીપલ, મેં તને તે દિવસે દુઃખી થતી જોઈ ત્યાર થી જ નક્કી કરેલું કે રચના ને તો હું પાતાળ માં થી બી શોધી લાવીશ.પણ એટલી મહેનત ના કરવી પડી. અહીં પૃથ્વી પર થી મળી ગઈ”..“પણ કઈ રીતે ભાળ મળી ? “. “ આજ ના ઈન્ટરનેટ ને ફેસબુક ના જમાના માં કઈ અઘરું નથી. બસ, તને ખાલી તારો ઈગો નડતો હતો. હવે ચલ, કેક કાપ જલ્દી થી ને બંને બહેનપણીઓ મો મીઠું કરીને જૂની કડવી યાદો ને ભૂલી જાવ. “

રીપલ :”હા,મોં તો મીઠું કરીશું, પણ કેક થી નહિ, સુખડી થી ! અને આકાર, થેંક યુ સો મચ !! મારી જીંદગી ની સૌથી વધુ કિંમતી ભેટ મને આપવા બદલ !

***