ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ.
પ્રકરણ ૨૪
‘સહિયર’ – પ્રોજેકટ ૩૫
ઍપાર્ટમેન્ટ નાનું અને સુઘડ હતું. ઘરમાં આવતાંની સાથે આવો ઉત્કટ રૂપાનો પ્રેમ માણી રહ્યા બાદ તેણે પૂછ્યું, “કેમ કોઈ નથી ઘરમાં?”
“હું છું. એકાંત છે અને તું છું. શું એ પૂરતું નથી?”
“હા, પૂરતું છે.”
“પણ તું રાતા ગુલાબ સાથે પેંડા શાને માટે લાવ્યો તે તો કહે.”
“પહેલાં પેંડો ખાઈને મારી સફળતા ઊજવીએ.”
“હા. તું મને ખવડાવ અને પછી હું તને ખવડાવું.”
“જો, પહેલાં મારો સ્ક્રિનટેસ્ટ સફળ. હું તારી સાથે તારી ફિલ્મમાં જ નાનો રોલ ભજવું છું કે જેથી સવારે તારી સાથે સેટ ઉપર રહી શકું.”
“વાઉ! પ્રિયંકા મેમને કેવી રીતે પટાવ્યાં?”
“અને બીજો પેંડો અલયને એક મોટા રોલ માટે તૈયાર કર્યો કે જેથી પરીને સમય મળે. અલય સાથે વાતો કરવાનો અને ડેટિંગ માટેનો.. તું નહીં માને. પ્રિયંકા મેમે જ તેને પરી વિશે ખૂબ ઊંચો અભિપ્રાય આપ્યો.”
“તે તો બહુ સરસ કર્યું. તેનો તો પેંડો બને જ. હવે તારે ફ્રૅશ થવું હોય તો બાથરૂમમાં તું જા. નહાઈને આવે ત્યાં સુધીમાં ખાવાનું ગરમ કરી લઉં અને બુંદીનું રાઇતુ બનાવી લઉં.” હળવેથી ગાલે ચૂમી લેતાં તે બોલી.
“પછી આપણે મારા વિશે પણ નક્કી કરવાનું છે ને? તે જમતાં જમતાં નક્કી કરીએ.” રસોડામાં જતાં જતાં રૂપા બોલી.
અક્ષર નહાવા ગયો અને પરી, મેઘામા અને જાનકીમાને સાંકેતિક ફોન થઈ ગયો. બન્ને પપ્પાઓ સાથે તે લોકો ટિફિન લઈને હાજર થઈ ગયાં. ઘરમાં નાનકડી મહેફિલ થઈ ગઈ. સાન એન્ટોનિઓમાં હૉલિડે ઇનમાં હતું તેવું કલબલાટથી ઘર ભરાઈ ગયું. પંડિત સાથે પ્રિયંકા મેમ અને પદ્મજા ફોઈ પણ હાજર હતાં… રસોડું મેઘામા અને જાનકીમાના હાથમાં હતું. ખાવાનું ગરમ થવા માંડ્યું. કાગળની પ્લેટોમાં સાંજનું ડિનર સર્વ થવાનું હતું.
અક્ષર બહાર આવ્યો ત્યારે ઘરમાં થતી હલચલથી આશ્ચર્યચકિત હતો.
પરી કહે, “ભાઈ, આજે લગ્નનો પડો લખવાનો છે. રૂપાએ બધાંને પોટલોક પાર્ટીમાં તેડ્યાં છે. મેઇન કોર્સ મરાઠીમાં છે અને ડેઝર્ટ જાનકીમાનું છે.”
અક્ષર કહે, “ચાલો, મને તો બહુ ભૂખ લાગી છે. સૌથી પહેલાં મને અહીં રેસિડન્સી મળી તેના પેંડા બધાંએ ખાવાના છે.” મથુરાના પેંડા સ્વામિનારાયણ ટૅમ્પલના નીચે બેઠેલા સૌને પ્રેમથી અક્ષરે ખવડાવ્યા. અને ખાવાનું પીરસાવા માંડ્યું. લગ્નની તારીખ નક્કી થતી હતી ત્યારે રૂપા બોલી, “મારી અણવરિયણ પરી રહેવાની છે, કોઈને વાંધો?”
જાનકી મા કહે, “અણવરિયણને દાપું કેટલું?” અક્ષર બોલ્યો, “તેને ત્યાં સુધીમાં વર શોધી આપવાની મારી જવાબદારી.” સૌ હસી પડ્યાં.
રૂપા કહે, “ અક્ષર, મારી નણંદબાને થોડો સમય તો મારી સાથે રહેવા દે. હું તાંબે બનું તે સાથે જ તેને ઘરમાંથી જવા માટે તૈયારી કરવાની?”
સદાશિવ કહે, “હા, દીકરીના માંડવે ભાઈ મંડાય તે તો શુકન કહેવાય.”
પદ્મજા કહે, “એટલા માટે તો જ્યોતિષજ્ઞાતા અનિલ શાહ આપણી વચ્ચે છે.”
બધાં આજુબાજુ જોવા માંડ્યાં ત્યારે પ્રિયંકા મેમ બોલ્યાં, “મારો નવો જ્યોતિષજ્ઞાતા અનિલ શાહનો રોલ ડૉ. અક્ષર કરવાનો છે.” બધાંએ તાળીઓથી અક્ષરને વધાવ્યો.
બેએક મિનિટ અંદર જઈ માથા ઉપર ટોપી અને હાથમાં પંચાંગ લઈ જ્યોતિષજ્ઞાતાના રોલમાં અક્ષર આવ્યો.. અને પરીને જોઈને કહે, “હું જોઈ રહ્યો છું કે આવનારા ૩ મહિનામાં છૂટી ગયેલ દિલની ધડકન સમો પ્રેમ તારી જિંદગીમાં પાછો આવે છે...”
પરી શરમાઈ રહી હતી ત્યારે પ્રિયંકા મેમ બોલ્યાં, “અલય એક અગત્યના રોલમાં મહિનામાં એલ. એ. આવે છે. પરી પાસે તે અહીં છે તેટલો જ સમય છે તેને સમજવાનો અને તેના પ્રેમમાં પડવાનો. સૌ ખુશ હતાં.. મહેફિલનો રંગ જામતો જતો હતો.
પ્રિયંકા મેમે પંડિતને ઇશારો કરીને રૂપા સાથે જ્યોતિષીના ડ્રેસમાં ઊભેલા અક્ષરના ફોટા લેવાનું કહ્યું અને જાહેરાત કરી કે રૂપા અને ડૉ. અક્ષર ફિલ્મ “સહિયર” (પ્રોજેકટ ૩૫) સ્ટેજ ઉપરથી હટશે અને લગ્નબંધને બંધાશે. અંદાજે ત્રણ મહિના પછી ૩૧ મેના રોજ તેનો લગ્નપડો આજે અપાશે.
એક સામટા ઘણા શુભ સમાચાર અપાયા અને તે વીડિયો પંડિતે વાઇરલ કરી. વેવાઈઓ ભેટ્યા. વેવાણોએ લગ્ન ગીતો ગાયાં અને આ બધી ધમાલમાં રાત્રે બાર વાગી ગયા.
અમેરિકાની મજા તો જુઓ. ખાધેલાં વાસણો ટ્રેશ કૅનમાં અને જે વાસ્ણોમાં ખાવાનું આવેલું તે વાસણો રીપેક થઈ ગયાં અને પાંચ જ મિનિટમાં રસોડું આટોપાઈ ગયું. ૮ વાગ્યે શરૂ થયેલી મહેફિલ બાર વાગે પતી ત્યારે સૌ થાકેલાં હતાં. સૌથી છેલ્લે અક્ષરે જવાની તૈયારી કરી. એ બોલ્યો, “અચ્છા, તો હમ ચલતે હૈં.” અને સ્ત્રીના અવાજમાં બોલ્યો, “ફીર કબ મીલોગે?” ત્યારે રૂપા ગણગણી –
“ન જાઓ સૈયા, છુડાકે બૈયાં, કસમ તુમ્હારી મેં રો પડુંગી, રો પડુંગી.”
ગળે લગાડી રૂપાને તે નીકળ્યો ત્યારે ઘડિયાળ એક વાગ્યાનો ટકોરો વગાડતી હતી મિલનની મધુરી ક્ષણોના ઓડકાર સાથે. તેને થયું પરીને કેવી રીતે સમજાવે સ્ત્રી અને સ્ત્રીના મિલનનો અને સ્ત્રી અને પુરુષના મિલનનો તફાવત ?
***
બીજે દિવસે સેટ ઉપર મેકઅપ અક્ષરનો પણ થયો. જ્યોતિષજ્ઞાતા તરીકે મોઢા ઉપર જાતજાતનાં કૅમિકલો અને ફોટોજનિક ચહેરા બનાવવાની કમાલ. પાઘડી, ચાંદલો અને ખેસની સજાવટ. અડધો કલાકે પહેલો રાઉન્ડ પત્યો. પાછા તેના ચહેરાને માઇક્રોસ્કોપિક નિરીક્ષણ હેઠળ જોયા પછી મેકઅપમેનને સૂચના અપાઈ. ક્યાં વધુ થપેડાની જરૂર છે અને તે માપ નોંધાયું. પછી કૅમેરામેન પંડિતની હાજરીમાં પહેલો ડાયલૉગ બોલાયો –
“આ બધી નબળા નાન્યતર ગ્રહો અને તે કયા સ્થાનમાં બેઠા છે તેના ઉપરથી સમજી શકાય.” આ ડાયલૉગ વારંવાર બોલાતો ગયો.. અવાજનો ઉતારચઢાવ અને ભાવ સાથે બેક્ગ્રાઉન્ડ મ્યુઝિકની અસરો તપાસાતી હતી. ૨૧ રિટેક થયા પછી શૉટ ઓકે થયો. આ કવાયત બોરિંગ સામન્ય માણસને લાગે પણ અક્ષર તો તે માણતો હતો. બીજા શૉટમાં તેને સામેની વ્યક્તિ પૂછે છે, નાન્યતર ગ્રહો એટલે કયા ગ્રહો? અને અક્ષરે કહેવાનું હતું “કેતૂ, બુધ અને શનિ.” આ વખતે બોલવાનું ઓછું હતું પણ રિટેક ફરીથી ૨૫ વખત થયા.
હવે તેના ચહેરા ઉપર કંટાળો દેખાતો હતો. કૅમેરાની લાઇટથી તેને પરસેવો પણ થતો હતો તેથી તેને ૧૦ મિનિટનો બ્રેક આપ્યો અને સાથે સાથે સૂચના પણ હતી કે હવામાં પરસેવો સુકાવા દેવાનો નહીંતર મેકપ બગડી જઈ શકે છે.
બીજા સેટ ઉપર નૃત્યની પ્રેક્ટિસ ચાલતી હતી. થાકી જવાય તેવી પ્રેક્ટિસ કૅમેરા વિના ચાલતી હતી. પરી અને રૂપાનું નૃત્ય જુદું જુદું હતું..પરી વધારે પાશ્ચાત્ય ઢબમાં હતી અને રૂપા પૂર્વીય પદ્ધતિમાં હતી. બન્નેને રિધમ આવડી ગઈ હતી અને મ્યુઝિક સાથે તેઓ આનંદમાં હતાં...બ્રેક દરમ્યાન થોડું પાણી ઊંચેથી પીધું.
બીજો ડાયલૉગ હતો, “તેમને હીરાની વીંટી પહેરાવો અને શુક્રને મજબૂત કરતા જાપ કરાવો.”
અક્ષર સમજી ગયો. રૂપા તો તેના વિવાહની હીરાની વીંટી પહેરતી હતી તેથી તેને લેસ્બિયન ઍટેક નહોતો જ્યારે પરી તો તે અસર હેઠળ રૂપાને બોટી બેઠી.. અને આવા ઍટેક સહિયર અને નજીકનાં સગાંવહાલાંને વધારે થતા હોય છે કારણ કે મનમાં એક પ્રકારની ધાસ્તી સામે શાંતિ હોય છે. સાયકોલૉજિસ્ટ આવાં જોડાંઓને એકલાં રહેવાની ના પાડતાં હોય છે અને સાથેસાથે મનના ઉધામાને રોકતાં અને મજબૂત બનાવતાં શીખવાડતાં હોય છે.
સેટ ઉપર આવીને ડાયલૉગ તૈયાર કરતો હતો ત્યારે પંડિતે ઈશારો કર્યો, તૈયાર છે ને?
હકારમાં માથું હલાવીને અક્ષરે ખોંખારો ખાધો.
***