નો રીટર્ન-૨ ભાગ-25 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

નો રીટર્ન-૨ ભાગ-25

નો રીટર્ન-૨.

ભાગ-૨૫

“ ક્યાં છે એ ચીઠ્ઠી..? “ મારો સવાલ સાંભળીને દિવાન સાહેબ ચોંક્યાં હતાં. જે વાતની ફક્ત તેમને અને ઇન્સ. ઇકબાલને જ જાણ હતી તેની મને કેવી રીતે ખબર પડી એનો અચંબો તેમનાં ચહેરા ઉપર તરી આવ્યો.

પણ...બે વત્તા બે કરતાં મને વાર લાગી નહોતી. દિવાન સાહેબ પધાર્યા ત્યારની મારી દ્રષ્ટી તેમનાં ચહેરા ઉપર આવતા ભાવ નિરખવામાં પરોવાયેલી હતી. તેઓ ચિંતિત તો હતાં જ, એ કરતાં પણ વિશેષ કોઇ ગહેરા વિચારોમાં ખોવાયેલા હોય એવું લાગતું હતું. તેમની એ અવસ્થા મારા અનુમાનને પુષ્ટિ આપતી કે જરૂર રાજનનું અપહરણ થયું હોવું જોઇએ અને અપહરણકર્તાઓ દ્વારા કંઇક ડિમાન્ડ દિવાન સાહેબ સામે રાખવામાં આવી હોવી જોઇએ.

“ કુંવર સા...શું કહું આપને...! આજે સવારે જ એક ખત મને મળ્યો. હું અને ઇકબાલ ખાન એ બારામાં જ મસલત કરતાં હતાં કે આપ અહીં પધાર્યા છો એવો સંદેશો મળ્યો એટલે હું દોડી આવ્યો. “ દિવાન સાહેબનાં અવાજમાં ગમગીની સાફ છલકાતી હતી. તેમણે પહેરેલા પહેરણનાં ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારી તરફ સરકાવ્યો. કાગળની ગડી ખોલીને હું એ વાંચવા લાગ્યો..” દિવાન સાહેબ, કુશળ હશો. આપનો પુત્ર રાજન અમારી પાસે છે. જો આપ ઇચ્છતા હોંવ કે તે સહી-સલામત રહે તો આપે અમારું એક કામ કરી આપવું પડશે.

-- સૌથી પહેલાં તો આજથી જ તુરંત પોલીસ તપાસ બંધ થવી જોઇએ. આ પહેલી શરત.

-- બીજું.. ઇન્દ્રગઢની લાઇબ્રેરી અને રાજમહેલ, બન્ને સ્થળે અમારે પતાસ કરવી છે, તો એમાં કોઇ અડચણ ઉભી ન થાય એવી વ્યવસ્થા ગોઠવી આપો.

-- ત્રીજું.. એક છોકરી છે જેને શોધવાની છે. તમારા બાહોશ ઇન્સ. ઇકબાલ ખાનને કહો કે તે અમારા વતી તેનો પત્તો મેળવી આપે.

બસ... આટલું કામ કરી આપો એટલે રાજન હેમખેમ આપને સુપ્રત કરી દઇશું. અમારો ઇરાદો કોઇને સહેજપણ હાની પહોંચાડવાનો નથી જ, પરંતુ જો આ કામમાં કોઇ ગફલત થઇ કે તમે જરાપણ ચાલાકી અજમાવી તો રાજનને ભૂલી જજો. જો આ શરતો તમને મંજુર હોય તો રાત્રે અમારો એક માણસ આપને લેવા આવશે. આપ બેફિકર તેની સાથે ચાલ્યા આવજો. રૂબરું મળીને સોદો ફાઇનલ કરીશું. આપને અને આપના પુત્ર રાજનને સહેજે તકલીફ નહીં પડે એની અમે ખાતરી આપીએ છીએ..”

બસ...આટલું જ લખ્યું હતું પત્રમાં, પણ એ વાંચીને હું ઠરી ગયો હતો. અચાનક મારા મનમાં એક સળવળાટ ઉદભવ્યો. એક એવી વાત જે ઝબકારાની જેમ મને સમજાઇ હતી. “ ઓહ...” ફક્ત એટલાં શબ્દો સર્યા મોં માંથી. પહેલેથી કહું તો મારું સ્વપ્ન...સ્વપ્નમાં દાદાએ કહેલાં શબ્દો...એકાએક મારું ઇન્દ્રગઢ આવવાનું નક્કી થવું...રેલ્વે પ્લેટફોર્મ ઉપર અનેરી સાથે ભેટો થવો...તેની પાસે હતાં એ ફોટાઓ...તેનાથી વિખૂટા પડી અહીં આ ઝમેલામાં પડવું...બધું જ મને ક્ષણવારમાં સમજાયુ હતું. એવું લાગવાં માંડયું હતું કે હું અત્યારે અહીં ઇન્દ્રગઢમાં છું એ કોઇ સંજોગોવશાત નથી ગોઠવાયું. પરંતુ કદાચ કુદરતે જ મારા માટે પહેલેથી બધું પ્લાનીંગ કરી રાખ્યું છે. એ ખ્યાલે એકાએક હું સચેત થઇ ઉઠયો. મારી નસોમાં વહેતા લોહીમાં અચાનક ધમધમાટી વ્યાપી ગઇ. મારા માટે આ ખતરનાક સમય હતો. કાગળની ઘડી વાળીને મેં દિવાન સાહેબને પાછો સોંપ્યો.

“ તમે ઇન્સ. ઇકબાલને અહીં બોલાવી લો, મારે તમારાં બન્ને સાથે થોડી મસલત કરવી છે. “

દિવાન સાહેબ મારી સામું જોઇ રહયાં. તેમને સમજાતું નહોતું કે હું શું કરવા ધારું છું..! હજુ તો આજે સવારે જ વર્ષો પછી મેં આ રાજમહેલમાં પગ મુક્યો હતો, અને આવતાવેંત જ પરિસ્થિતીને સમજ્યા વગર હું તેમને ધડાધડ ઓર્ડર આપવા લાગ્યો હતો એટલે તેમનું ચકીત થવું સ્વાભાવિક હતું. પરંતુ મને સંપૂર્ણ ભરોસો હતો કે આ જાસાચીઠ્ઠી વાંચીને મને જે સમજાયું હતું એનો ખૂલાસો વિગતવાર હું તેમને સમજાવી શકીશ. રાજેશનું અપહરણ એ કોઇ સામાન્ય વારદાત નહોતી જ.

“ વિશ્વાસ રાખો દિવાન સાહેબ, રાજનનો હું વાળ પણ વાંકો નહી થવા દઉં. તે હેમખેમ ઘરે પાછો આવશે એની ખાતરી આપું છું. રહી વાત અપહરણ કર્તાઓની, તો હું તેમને પહોંચી વળીશ..” લગભગ આત્મશ્લાધામાં અપાર આત્મવિશ્વાસથી હું બોલ્યો, જાણે બધી જ સમસ્યાઓ ચપટી વગાડતા સુલજાવી નાંખવાનો ન હોઉં..!

પરંતુ.... એ મારી મુર્ખામી સાબીત થવાની હતી. એક મહા ભયાનક મુસીબતને હું સામેથી આમંત્રણ આપી રહયો હતો એ વાતથી હું બેખબર હતો. મારાં કારણે ભવિષ્યમાં ઘણી જીંદગીઓ ખતરામાં મુકાવાની હતી અને ઘણી ઉગરી જવાની હતી. સદીઓથી કાળની ભયાનક ગર્તામાં દફન એક રાઝ મારી મૂર્ખામીનાં કારણે એકાએક ઉજાગર થવાનું હતું. જેને આજે મેં પલિતો ચાંપ્યો હતો.

@@@@@@@@@@@@@@@

ઇન્સ. ઇકબાલ ખાન બાહોશ અફસર હતો. તેણે ક-મને મારી વાત માની હતી અને તદ્દન અજાણી એવી એક શોર્ટ હેર વાળી ખૂબસૂરત યુવતીની તલાશ તેણે આરંભી હતી. ઇન્દ્રગઢ જેવા નાનકડા ગામમાં એ કંઇ અઘરું કામ નહોતું. કમસેકમ અત્યારે તો મને એવું જ લાગતું હતું. મે તેને અને દિવાન સાહેબને સંપૂર્ણ હકીકતથી વાકેફ કર્યા હતાં કે અમદાવાદમાં મારી સાથે શું શું બન્યુ હતું..! તે બન્ને ખૂલ્લા મોં એ મને સાંભળી રહ્યા જાણે મારી કહેલી એકપણ વાત ઉપર તેમને ભરોસો પડતો ન હોય. મેં તેમને મારા સ્વપ્ન વિશે જણાવ્યું હતું અને પછી અનેરી પાલીવાલ વિશે વિસ્તારથી કહયું હતું. એ છોકરી અહીંથી, એટલે કે ઇન્દ્રગઢથી એક કેમેરા રોલ લઇને અમદાવાદની બજારમાં તેને ડેવલપ કરાવવા ઘૂમતી હતી. તેની સાથે વિનીત નામનો તેનો એક દોસ્ત પણ હતો. પૂરેપૂરી શક્યતાં હતી કે એ કેમેરા રોલ તેણે રાજન પાસેથી યેનકેન પ્રકારે મેળવ્યો હોય, અને એ રોલનાં કારણે જ રાજનનું અપહરણ થયું હોય. જાસાચીઠ્ઠીમાં પણ એ યુવતીને શોધવાનો ઉલ્લેખ હતો જ એટલે મારું અનુમાન પાક્કું થતુ હતું કે એ અનેરી સિવાય બીજુ કોઇ હોઇ ન શકે.

દિવાન સાહેબ અને ઇકબાલને મારી વાત સમજાતી તો હતી પરંતુ તેમનાં ગળાં નીચે ઉતરતી નહોતી. મારું એકાએક આ કેસમાં ઇન્વોલ્વ થવુ એ જ તેમનાં માટે માથાનો દુખાવો બન્યું હતું. જો તેમનું ચાલ્યું હોત તો તેમણે મારી એકપણ દલીલ સ્વિકારી ન હોત, પરંતુ ઇન્દ્રગઢનાં રાજકુંવરને તેઓ સ્પષ્ટ “ નાં “ તો કેવી રીતે પડી શકે..! તેઓ સંપૂર્ણપણે ઇન્દ્રગઢનાં રાજપરીવારને વફાદાર હતાં. અને...મારી વાતમાં થોડોઘણો દમ પણ હતો જ ને...!

ઇકબાલ ખાને તુરંત અનેરી પાલીવાલની ભાળ મેળવવાની કામગીરી આરંભી. મને વિશ્વાસ હતો કે અનેરી અમદાવાદથી ચોક્કસ પાછી ઇન્દ્રગઢ આવી હશે. તે ક્યાં હશે એટલું જ ફક્ત જાણવાનું હતું. અનેરીને ફરીવખત મળવાનાં ખ્યાલે એકાએક હું રોમાંચીત થઇ ઉઠયો હતો. ભલે તે મને અવગણતી હોય, પરંતુ મારા માટે તો તે જ હવે સર્વસ્વ હતી.

રાજમહેલનાં દિવાનખંડમાં એમ જ અમારી બેઠક ચાલતી રહી. ઇન્સ. ઇકબાલ પરાણે કામે વળગ્યો હતો. પોતાનાં કામમાં કોઇ દખલ કરે એ તેને સહેજે પસંદ આવે એવી વાત નહોતી પરંતુ થોડાક પોઇન્ટ તેનાં દિમાગમાં ઉતર્યા હતા. તેણે જેવું વિચાર્યું હતું કે અમેરીકન પ્રોફેસરો અને ઇન્દ્રગઢનો એભલસીંહ, બન્ને આ મામલામાં શામેલ છે એ બાબતની થોડીઘણી પુષ્ટી મારી કથની સાંભળી તેને થઇ હતી અને એટલે જ તે કામ કરવા રાજી થયો હતો. તેનાં માટે સૌથી અગત્યની બાબત રાજનની રિહાઇ હતી એટલે વધું સવાલ-જવાબ કર્યા વગર તે પોલીસ ચોકીએ જવાં રવાનાં થયો.

અમારી એ બેઠક ઘણીલાંબી ચાલી હતી. લગભગ બે કલાક અમે ચર્ચા કરી હતી. ઇકબાલનાં ગયા પછી મેં ઘડીયાળમાં નજર નાંખી ત્યારે બપોરનો એક વાગ્યો હતો. એ સમય દરમ્યાન રાજમહેલનાં કર્મચારીઓ દ્વારા બપોરનું ભોજન પિરસાયું હતું. હજું સવારે જ મેં ભરપેટ નાસ્તો કર્યો હતો એટલે બહું ભૂખ લાગી નહોતી છતાં એ લોકોનાં પ્રેમને વશ થતાં હું ફરીથી જમવા બેઠો. જમવા બેસવાનું બીજું કારણ દિવાન સાહેબ હતા. તેઓ ગઇકાલનાં એકધારા રાજનને શોધવા દોડી રહયાં હતાં. તેમને ખુદને પોતાનાં હોશ રહ્યા નહોતા. થોડુ અન્ન પેટમાં જાય તો તેમને થોડી શાંતી મળે અને દોડવાનું નવું જોમ ઉભરે એ ઇરાદાથી મેં તેમને પણ સાથે બેસાડીને પરાણે જમાડયા હતાં. ભૂખ્યા પેટે તો ભજન પણ નથી થતાં તો દોડાદોડી કેવી રીતે થાય..!

જમી લીધા બાદ સાંજે અહીં રાજમહેલમાં જ મળવાનું નક્કી કરીને દિવાન સાહેબ પણ ગયા હતા. રાજનનાં અપહરણકારોમાંથી કોઇ વ્યક્તિ સાંજે તેમને લેવા આવવાની હતી. એ વ્યક્તિ આવે ત્યારે હું હાજર રહેવા માંગતો હતો એટલે સાંજે તેમને અહીં જ આવી જવાં કહયું હતું.

તમે નહીં માનો પરંતુ અત્યારે મારું મગજ બહું ખતરનાક રીતે દોડતું હતું. મને ખુદને તેનું આશ્ચર્ય થયું હતું કે આવું કેમ બની રહયું છે..! ક્યાં હું હંમેશા સૂનમૂન રહેનારો વ્યક્તિ અને ક્યાં અત્યરનો પવન જોગી..! ઇન્દ્રગઢનાં બેહદ કાબિલ દિવાનજી અને બાહોશ ઇન્સ. ઇકબાલખાન, બન્નેને મેં મારી વાતોમાં સહમત કર્યા હતાં એ કોઇ ચમત્કારથી કમ તો નહોતું જ. ખરેખર ઇન્દ્રગઢની ભૂમીમાં કંઇક તો એવું હતું જેને લીધે હું સંપૂર્ણપણે બદલાઇ ગયો હતો.

ખેર...હવે સાંજે શું કરવાનું હતું એ મારે વિચારવાનું હતું... એ ઉપરાંત ઉપરા-છાપરી લીધેલા ભોજનનાં કારણે મારી આંખો ઘેરાતી હતી એટલે થોડો આરામ કરવાનાં ઇરાદા સાથે હું ઉપરનાં કમરામાં ચાલ્યો ગયો.

@@@@@@@@@@@@@@@@@

ઇન્દ્રગઢની સાંજ બેહદ આહલાદક હતી. તેમાંય અમારા રાજમહેલનાં ઝરુખામાંથી દૂર સીમની પેલે પાર દેખાતા પહાડોની ટોચ પાછળ ઢળતાં સૂરજનો દિલકશ નજારો ભાળી મને હંમેશનાં માટે અહી જ રહી પડવાનું મન થયુ. હું અત્યારે રાજમહેલનાં ત્રીજા મજલા ઉપર બનાવાયેલ ગેલેરી નુંમા વિશાળ અગાશીમાં આરામ ખૂરશી ઢાળીને નિરાંતે બેઠો હતો. અગાશીનાં ચારેય ખૂણે કલાત્મક છત્રીઓ વાળા ઝરુખા બનેલાં હતાં. અસ્સલ રાજસ્થાની સ્થાપત્યનાં નમૂના જેવા એ ઝરુખામાંથી મંદ-મંદ પવન વહેતો હતો. ઝરુખાની પેલે પાર સીંદૂરી ઝાંય ધારણ કરીને સૂરજ પહાડોની ટોચ પાછળ સંતાવા અગ્રસર હતો. વાદળો વીનાનાં ચોખ્ખા ખૂલ્લા આકાશમાં પંખીઓનાં ટોળે-ટોળા પોતાનાં ઘર તરફ પ્રયાણ કરતાં દેખાતા હતા અને ચો-તરફ પ્રસરેલી નિતાંત ખામોશી મઢયો સાંજનો સમય મને અપરંપાર આનંદ બક્ષતો હતો. ખરેખર એવું લાગતું હતું કે હું કોઇ અલગ જ વિશ્વમાં આવી ચડયો છું. હવે ફકત એક જ વ્યક્તિની કમી મને વર્તાતી હતી, અને એ વ્યક્તિ હતી અનેરી. જો અત્યારે અનેરી અહીં મારી બાજુમાં બેઠી હોત તો હું મારી જાતને દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ સમજતો હોત.

અનેરીની યાદ આવતાં જ હું એકાએક વર્તમાનમાં પાછો ફર્યો. ઇન્સ. ઇકબાલનો થોડીવાર પહેલાં ફોન આવ્યો હતો કે તેને અનેરીનો કોઇ સૂરાગ મળ્યો નથી. એ સમાચાર નિરાશાજનક હતાં. પેલાં અપહરણકારો માંથી સાંજે કોઇ વ્યક્તિ અહીં આવવાની હતી, પણ તે ક્યારે આવશે એ સમય જણાવ્યો નહોતો એટલે તેની રાહ જોવા સિવાય અમારી પાસે છૂટકો નહોતો. મારું માનવું હતું કે એ વ્યક્તિ જરુર મોડી રાત્રીનાં જ આવશે. કારણકે આવા કામો મોટેભાગે રાતનાં અંધકારમાં જ થતાં હોય છે. અંધકાર અને અપરાધની બહું પુરાની જુગલબંધી ચાલી આવે છે.

રાત્રે વળી પાછું બત્રીસ ભાતનું ભોજન પીરસાયું હતું. મને તો આ રઘલો અને તેનો બાપ વાલમસીંહ અજીબ વ્યક્તિઓ લાગતાં હતાં. મારી આગતા-સ્વાગતામાં તેમણે પોતાનો જીવ રેડી દીધો હતો અને મારો પડયો બોલ જીલવા મહેલનાં તમામ ચાકરોને તેમણે ખડેપગે હાજર રાખ્યાં હતાં. વર્ષોથી હોસ્ટેલમાં એકલાં રહેવા ટેવાયેલા અને પોતાનું બધું જ કામ જાતે કરતાં વ્યક્તિ માટે તો આ સન્માન સ્વર્ગથી એ અદકેરું હતું. પિતાજી આવે ત્યારે આ તમામ કર્મચારીઓને મેં પુરસ્કારથી સન્માનીત કરવાનું અત્યારથી જ મન બનાવી લીધું હતું.

@@@@@@@@@@@@@@@@@@

દુનિયાભરનું આશ્ચર્ય મારી આંખો સામે હીલોળાતું હતું. આવી તો કલ્પના સુધ્ધા મેં નહોતી કરી કે આવનારી વ્યક્તિ કોઇ ઔરત હશે. બિન્ધાસ્ત, ઠસ્સાદાર, રુપાળી અને બાજારું જણાતી ઔરત...!

સમસ્ત ઇન્દ્રગઢ ઉપર રાતનો કાળો ઓછાયો પથરાયો હતો. કંઇક અંશે રેગિસ્તાન જેવાં આ પ્રદેશમાં રાત થતાં જ ઠંડકભર્યા પવનો વાતાં...મોડી રાત્રી અને પરોઢ થતાં તો સમસ્ત ઇન્દ્રગઢ ઠંડીથી ઠૂંઠવાઇ જતું. એવા અંધકાર અને ઠંડી મઢયા માહોલમાં એક કાર ઇન્દ્રગઢનાં રાજમહેલનાં વિશાળ પ્રાંગણમાં ચૂપકીદીથી દાખલ થઇ ત્યારે અડધી રાત વીતી ચૂકી હતી. મહેલનાં તમામ બાશિન્દાઓ મીઠી નિંદરની આગોશમાં મહાલતાં હતાં. માત્ર હું અને દિવાન સાહેબ, અમે બે વ્યક્તિ જ કોઇની કાગડોળે રાહ જોતાં કોઇ નિશાચર પ્રાણીની જેમ જાગતા બેઠા હતા. કાર મહેલનાં પગથીયા પાસે આવીને રોકાઇ અને તેનું ધીમી ઘરઘરાટી કરતું એન્જીન બંધ થયું. અમે મુખ્ય દરવાજા પાસે, દિવાનખંડની બહાર બેહદ મુસ્તેદીથી ધ્યાન રાખીને બેઠા હતાં. કારને જોઇને અમે બન્ને ખૂરશીમાં ટટ્ટાર થયા. કાર થોભી અને તેનો પાછલો દરવાજો અવાજ કર્યા વીના ખૂલ્યો. દરવાજામાંથી એક પગ બહાર નિકળ્યો અને જમીન ઉપર મુકાયો. તે એક સ્ત્રી નો પગ હતો...અને, થોડીવારમાં તે ઔરત મહેલનાં પગથીયા ચડી અમારી સમક્ષ આવીને ઉભી રહી. સાચું કહું તો આટલી મોડી રાત્રે કોઇ સ્ત્રી મહેલમાં આવશે એવી કલ્પના સુધ્ધા મેં નહોતી કરી. હું દિગ્મૂઢ બનીને તેને જોઇ રહયો.

એકદમ લાલ ભડક સાડી, આભલા ભરેલું પોલકું, પગમાં ખોટા હિરાજડીત એકદમ ભડકભાતનાં ઉંચી હિલનાં સેન્ડલ, ચહેરા ઉપર અડધી રાતેય લગાવેલો ઓવર મેકઅપનો થથેડો...ચાલમાં એક વિચિત્ર, અજીબ પ્રકારનો ઠસ્સો છલકાતો હતો. તેનો ચહેરો ગોળ હતો, ગોળ અને કંઇક અંશે થોડો રૂપાળો ગણી શકાય એવો. ચાલ-ચલન અને પહેરવેશ ઉપરથી જ જણાઇ આવતું હતું કે તે એક ધંધાદારી ઔરત હતી.

તે શબનમ હતી. એભલસીંહની શબનમ...શબ્બો. હું અપાર આશ્ચર્યથી તેને તાકી રહયો. શું આણે રાજનનું અપહરણ કર્યુ હશે...?

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવારજનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો લેખકને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ વોટ્સએપ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.

રેટ કરો અને રિવ્યુ આપો

BHARAT PATEL

BHARAT PATEL 3 અઠવાડિયા પહેલા

TARABEN Chauhan

TARABEN Chauhan 2 માસ પહેલા

very very nice 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

Rima Patel

Rima Patel 3 માસ પહેલા

Riddhi

Riddhi 2 વર્ષ પહેલા

yogesh

yogesh 2 વર્ષ પહેલા