મર્ડરર'સ મર્ડર - પ્રકરણ 19 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડરર'સ મર્ડર - પ્રકરણ 19

ડાભી હરિવિલા સોસાયટીમાં પહોંચી સીધા નેપાળીને મળ્યા હતા.

“અહીં કેટલા વર્ષથી નોકરી કરે છે ?” ડાભીએ પૂછ્યું.

“મૈ તો બહુત સાલ સે હું સા’બજી.”

“તો તો સોસાયટીના બધા લોકોને ઓળખતો હોઈશ.”

“સા’બજી સોસાયટી તો બરા(બડા) હૈ, સાઠ બંગલે કા મિલા કે દો સૌ સે જ્યાદા લોગ હોગા. ફિર ભી ચહેરા દેખકર પતા ચલ ઝાતા(જાતા) હૈ.”

“સોસાયટીના કોઈ રહીશ અપંગ-હૅન્ડિકૅપ છે ?” ડાભીએ પોતાના જમણા પગ તરફ આંગળી ચીંધી.

“હૈ તો સહી પર નામ નહીં પતા. આપ એક કામ ક્યોં નહીં કરતે, સોસાયટી કે ચેરમેન સા’બ સે હી મિલ લીજીએ. વહ સહી સહી ઇન્ફરમેશન દે શકેંગે.”

“શું નામ છે ચેરમેનનું ?”

“બાબુભાઈ ત્રિવેદી, બંગલો નંબર – ગ્યારહ. શાયદ ઘર પર હી હોંગે, વહ રીટાયર હૈ તો જ્યાદાતર ઘર પર હી હોતે હૈ.”

****

ડાભી બંગલો નંબર 11માં પ્રવેશ્યા ત્યારે, તેમની મુલાકાત પાંસઠ વર્ષના શાંત-ઠરેલ બુઝુર્ગ સાથે થઈ. બાબુભાઈ આ ઉંમરે પણ ખાસ્સા તંદુરસ્ત દેખાતા હતા. ડાભીએ તેમને પોતાનો પરિચય આપ્યો અને વિવેકથી કહ્યું, “અમને ખાતરી છે કે આરવીનો હત્યારો આ જ સોસાયટીમાં રહે છે.”

“શું ?” બાબુભાઈ ચોંક્યા, તેમની આંખો પહોળી થઈ ગઈ.

“અમને શંકા છે કે હત્યારો જમણા પગે ખોડંગાય છે અને તેને પકડવા અમારે આપની મદદની જરૂર છે.”

“મારી મદદની ?” બાબુભાઈને આશ્ચર્ય થયું.

“હા. સોસાયટીમાં રહેતા હોય અને જમણા પગે ખોડંગાતા હોય તેવા તમામ રહીશોની યાદી અમારે જોઈએ છે. એ સિવાય હમણાં થોડા સમય પહેલા કોઈને જમણા પગે ઈજા થઈ હોય તેના નામ પણ...” ડાભીએ સ્પષ્ટતા કરી.

“અહીં રહેતા બધા જ લોકો જેન્ટલમેન છે. મને નથી લાગતું કે સોસાયટીના કોઈ રહીશે આવો ભૂંડો ગુનો કર્યો હોય.”

“અમે બાજને પારેવાંનાં કપડાં પહેરીને ફરતાં જોયાં છે.”

બાબુભાઈએ થોડો વિચાર કર્યો અને બોલ્યા, “ઠીક છે, હું આપને મદદ કરવા તૈયાર છું. આ સોસાયટી બની ત્યારથી હું અહીં રહું છું એટલે સોસાયટીના દરેક સભ્યને ઓળખું છું. વળી, યાદી બનાવવાની વાત છે તો અમે એક ચોપડો બનાવ્યો છે જેમાં કયા બંગલોમાં કયો પરિવાર રહે છે, પરિવારમાં કેટલા સભ્યો મોજૂદ છે, દરેક સભ્ય શું કામ કરે છે, ઘરમાં કોઈ નોકર છે કે કેમ વગેરે તમામ વિગતો નોંધીએ છીએ. આ ચોપડો ચેરમેનના એટલે કે મારા જ ઘરે હોય છે. ચોપડામાંના નામ વાંચીને વિચારતો જઈશ તો એક પણ સભ્ય નહીં છૂટે. પણ, હું ફક્ત એવા જ લોકોના નામ આપી શકીશ જેઓ પહેલાથી અપંગ છે, હમણાં કોઈને જમણા પગે ઈજા થઈ હોય, નાનો-મોટો ઘા વાગ્યો હોય, તો મને ખબર નથી. અડધી કલાક આપો, હું લિસ્ટ બનાવી આપું છું.”

‘વાંધો નહીં’ કહી ડાભી ઘરની બહાર નીકળ્યા.

****

ઘડિયાળનો કાંટો સક્રિય હોય ત્યાં સુધી માણસે નિષ્ક્રિય ન રહેવું જોઈએ એવું માનતા ડાભી, થોડી વાર પછી બલર બંગલોમાં દાખલ થયા. ‘મોઢે આવેલા’ લોકો નીચે દીવાનખંડમાં બેઠા હતા. અણમાનીતા મહેમાનને જોઈ લલિત તેમની પાસે ગયો.

“મારે મનીષાબેનની પૂછપરછ કરવી છે.” ડાભીએ કહ્યું.

લલિત તેમને એક રૂમમાં દોરી ગયો અને પછી મનીષાબેનને બોલાવી આવ્યો.

ફૉર્મલ નહીં પણ નૉર્મલ રહેવાનું પસંદ કરતા ડાભી, કોઈ ઔપચારિક સૌજન્ય દાખવ્યા વિના સીધા મૂળ મુદ્દા પર આવ્યા. “ડૉ. લલિત અને આરવીના બેડરૂમના દરવાજા પર એક સરખા આકારના ચીકાશવાળા ડાઘ હતા. ત્યાં બંને જગ્યાએ અમને આપની આંગળીઓના નિશાન મળ્યા છે.” ડાભીએ મનીષાબેનને કહ્યું.

“તો ?” લલિત વચ્ચે કૂદી પડ્યો.

“મારે એ જાણવું છે કે તે ડાઘ શાના હતા ? મતલબ, ત્યાં શું ચોંટાડેલું હતું ?”

મનીષાબેન થોડા અસ્વસ્થ બન્યા અને વિચાર કરીને કહેવા લાગ્યા, “આરવીના મૃત્યુની આગલી રાત્રે મારું માથું દુખતું હતું. લગભગ સાડા અગિયારે હું મારા રૂમની બહાર નીકળી અને અભિલાષા તથા આરવીને અભિલાષાના રૂમમાં પ્રવેશતા જોયા. હું તેમની પાછળ ગઈ અને મેં કહ્યું કે મને માથું દુખે છે. મારી વાત સાંભળી, આરવી દવા લેવા તેના રૂમમાં દોડી ગઈ અને અભિલાષા વૉશ રૂમમાં ગઈ. તે બે-પાંચ મિનિટ હું અભિલાષાના રૂમમાં એકલી હતી. બરાબર તે જ સમયે મારું ધ્યાન બેડરૂમના ઉઘાડા દરવાજા પર પડ્યું. કિશોરો કાંડા-ઘડિયાળ પર ચોંટાડે અને અંધારામાં ચમકે એવું રેડિયમનું નાનકડું દિલ ત્યાં ચોંટ્યું હતું. હું દરવાજા પાસે ગઈ અને મેં તેને ઉખેળ્યું. મને લાગ્યું કે આ કામ નિખિલનું હશે. અભિલાષાનો દીકરો આવો કચરો વીણી લાવતો હોય છે. મને તે દિલ ફેંકી દેવાનો વિચાર આવ્યો, પણ હું તેમ કરું તે પહેલા આરવીએ દેખા દીધી. તે મારા માટે માથાની અને ઊંઘની ગોળીઓ લઈ આવી હતી. મેં વિચાર્યું કે હું તે દિલને મારા રૂમની ડસ્ટબિનમાં ફેંકી દઈશ. આથી, હું અભિલાષાના રૂમમાંથી બહાર નીકળી મારા રૂમ તરફ ગઈ. પછી, મારા રૂમમાં પ્રવેશતા પહેલા મને ફરી નવો વિચાર આવ્યો કે નિખિલ આ વિશે જાણશે તો કાળો કકળાટ કરશે. તે જયારે મમતે ચડી જાય છે ત્યારે તેને સમજાવવો અશક્ય બની જાય છે. આથી મેં, તેને તે વિશે પૂછીને, પછી જ દિલ ફેંકવાનું નક્કી કર્યું. હવે, હું જે રૂમમાં રોકાઈ હતી તેનો અને આરવીનો દરવાજો સામસામે પડતા હતા. તેથી, હું તે દિલને આરવીના દરવાજા પર લગાવી દઉં તો સવારે મારો દરવાજો ખોલતાંવેંત મને તે દેખાય અને મારે તે વિશે નિખિલને પૂછવાનું છે એવું યાદ આવે. આ કારણે, મેં તેને આરવીના દરવાજા પર લગાવી દીધેલું.”

ડૉગ સ્કવૉડ સાથે ફરતી વખતે ડાભીએ નિખિલનું ઉદ્ધત વર્તન જોયું હતું. લાડમાં ઉછરીને બગડી ગયેલા નિખિલને પૂછ્યા વગર સ્ટીકર ફેંકી દેવામાં આવે તો તે મમતે ચડી જાય એવો મનીષાબેનનો ડર તેમને અસ્થાને ન લાગ્યો.

“તો બીજા દિવસે સવારે આપે તે સ્ટીકર ત્યાંથી ઉખેળ્યું અને કચરાટોપલીમાં ફેંક્યું.” ડાભીએ ઊલટ તપાસ કરી.

“સાચું કહું તો હું તેના વિશે સાવ ભૂલી ગઈ હતી, આ તો તમે પૂછ્યું એટલે યાદ આવ્યું. બીજા દિવસે સવારે... (તેઓ વિચારવા લાગ્યા) ના, લગભગ તે ત્યાં ન્હોતું, અને હોય તો મને ખબર નથી. કદાચ ઘરના કોઈ સભ્યએ ઉખેળી લીધું હોય.”

“ઠીક છે.” કહી ડાભી અભિલાષાને મળ્યા. તેણે આછા રાખોડી રંગની સાડી પહેરી હતી. સાડીનું કપડું પાતળું હતું. ઘાટા ભૂખરા રંગના બ્લાઉઝ સાથે મેચ થતી સાડીની એવા જ રંગની કિનાર સાવ સાદી હતી. પારદર્શક સાડીના નેપથ્યમાં અભિલાષાની પાતળી કમર સુંદર દેખાતી હતી. ચેન કે મંગળસૂત્ર વગરની તેની લાંબી ગરદન કમાલ દેખાતી હતી. શરીરના ઉન્નત અંગ-ઉપાંગ આ હુસ્નપરીના દેહમાં અજીબ લાવણ્ય ઊભું કરતા હતા. તેના અનુપમ રૂપાળા દેહમાં એવું લાલિત્ય હતું જે દરેક પુરુષને તેના તરફ ખેંચે. પોતાની પ્રેયસી કે પત્નીના રૂપમાં કલ્પી હોય તેના કરતા હજારગણી સ્વરૂપવાન રમણીને ડાભી અનિમેષ જોઈ રહ્યા.

“યેસ ઇન્સ્પેક્ટર.” અભિલાષા ઘૃણાથી બોલી, પોતાના અંગ-ઉપાંગ પર નજર ફેરવી રહેલા ડાભી પર તેને ચીડ ચડી હતી. જોકે, એમાં ડાભીનો વાંક ન હતો ; ખાખી કે ભગવા કપડાં પહેરવાથી માણસનું ઐહિક આકર્ષણ મટી જતું નથી.

ક્રમશ :