મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 18 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 18

ઝાલા અને ડાભી અલગ અલગ દિશામાં રવાના થયા હતા, ઝાલા સી.જે. દેસાઈને મળવા સિંધરોટ અને ડાભી હરિવિલા સોસાયટી તરફ ગયા હતા.

સિંધરોટ પહોંચીને ઝાલા ‘મહાકાલ જ્યોતિષ’ના સરનામે પહોંચ્યા ત્યારે માલૂમ પડ્યું કે સરનામું ઘર કમ ઑફિસનું છે. બે માળના એ મકાનમાં જ્યોતિષનો પરિવાર ઉપલા મજલે રહેતો હતો, જેના પગથિયાં બહારની તરફ પડતા હતા. ઝાલા નીચેના માળે એટલે કે ઑફિસ તરફ ગયા. દરવાજે લટકતા લીંબૂ-મરચાં પોલીસ નામની પનોતીને રોકી ન શક્યા.

ઝાલા અંદર પ્રવેશ્યા, વેઇટિંગ એરિયા મધ્યમ કદનો હતો. આખા રૂમમાં લાકડાનું ફર્નિચર બનાવવામાં આવ્યું હતું. દરવાજાની સામેની બાજુએ ‘L’ શેપમાં ગોઠવેલા લાકડાની પાટ પર ડઝનબંધ માણસો બેઠા હતા. પોતાનો વારો આવવાની રાહ જોઈ રહેલો દરેક માણસ કોઈને કોઈ ચિંતામાં હતો. પહેરવેશ પરથી કેટલાક ગરીબ તો કેટલાક ધનિક લાગતા હતા, એક માણસના હાથમાં તો મહિના પહેલા લોન્ચ થયેલો આઇ ફોન 8 પણ હતો. લાકડાની પાટ ખતમ થતી હતી ત્યાંથી, બે ફૂટના અંતરે એક દરવાજો પડતો હતો. દરવાજા પર સ્ટીલના અક્ષરોમાં ‘સી.જે. દેસાઈ (ગોલ્ડ મેડલિસ્ટ)’ લખ્યું હતું.

“આપનું શુભ નામ ?” વીસેક વર્ષના રિસેપ્શનિસ્ટ યુવાને ઝાલાનું ધ્યાન ખેંચ્યું.

ઝાલાએ પોતાનું આઇકાર્ડ બતાવ્યું.

“આપ સાચી જગ્યાએ આવ્યા છો, અહીં ઘણાં સરકારી અધિકારીઓ અને પોલીસ ઑફિસર પોતાની સમસ્યાઓનો ઉકેલ મેળવવા આવે છે.” યુવાને કહ્યું.

‘અંધશ્રધ્ધા બાબતે ભણેલા-અભણ, અમીર-ગરીબ, નોકરી-ધંધાવાળા-બેકાર બધા એક સમાન હોય છે. ખેર, લોકોને જ પોતાના ખિસ્સા કપાવવાનો શોખ હોય તો પોલીસ શું કરે ?’ મનમાં બબડી ઝાલાએ કહ્યું, “મારે સી.જે.દેસાઈની પૂછપરછ કરવી છે.”

“પૂછપરછ ?” બે પળ પહેલા લોકોની સમસ્યા દૂર કરવાનો દાવો કરતા યુવાનને, સી.જે. દેસાઈ કોઈ સમસ્યામાં સપડાયા હોય એવું લાગ્યું.

“એક યુવતીની હત્યા થઈ છે અને ઘટના સ્થળ પર ‘મહાકાલ જ્યોતિષ’નું કાર્ડ મળ્યું છે.”

યુવાને બે પળ વિચારીને કહ્યું, “સાહેબ એક ક્લાયન્ટ સાથે વ્યસ્ત છે, ક્લાયન્ટ બહાર નીકળે એટલે આપની મુલાકાત કરાવી દઉં.”

ઝાલાએ કંઈ પણ બોલ્યા વગર વેઇટિંગ એરિયામાં નજર ફેરવી. રિસેપ્શન ટેબલ પર ફેંગ શુઈનો કાચનો નાનકડો કાચબો પડ્યો હતો. એક દીવાલ પર, લાલ મખમલથી મઢવામાં આવેલા ચોરસ ભાગ પર, અલગ અલગ સમયે બનેલી રાજકીય ઘટનાઓના સમાચાર અને તે વિશે સી.જે.દેસાઈએ અગાઉથી કરેલી આગાહીઓના કટિંગ લગાવવામાં આવ્યા હતા. વેઇટિંગ એરિયા સુધી ખેંચાઈ આવેલો બકરો હલાલ થયા વગર ભાગી ન જાય એ માટે આ કટિંગ ખૂબ કામ આવે તેમ હતા. અન્ય બે દીવાલ પર બે મોટા ફોટા લટકતા હતા, એકમાં ગણેશજી કોઈની કુંડળી પાથરીને બેઠા હોય તેવું તૈલ-ચિત્ર હતું તો બીજામાં ચક્કરડાની અંદર ચક્કરડું, તેની અંદર ચક્કરડું અને તેની અંદર પાછું એક ચક્કરડું હતું. દરેક ચક્કરડામાં સિંહ, કરચલો, બળદ, વીંછી, માછલી, કન્યા જેવા અલગ અલગ રાશિના ચિહ્નો ચિતરવામાં આવ્યા હતા.

થોડી વારમાં સી.જે.દેસાઈની કૅબિનનો દરવાજો ખૂલ્યો અને ઝાલાનું ધ્યાન ભંગ થયું. સફેદ ધોતી-સદરામાં સજ્જ પાતળો બટકો માણસ કૅબિનમાંથી બહાર નીકળ્યો. તેણે કપાળ પર લાલ તિલક કરેલું હતું, ગળે આછો લાલ ગમછો વીંટાળેલો હતો, ગમછામાં સફેદ-લાલ રંગના આડા ઊભા પટ્ટા હતા.

‘આને ક્યાંક જોયો છે’ ઝાલા વિચારતા રહ્યા, પણ પોતાની ધૂનમાં રહેલો તે માણસ ઝાલા સામે જોયા વિના બહાર નીકળી ગયો. રિસેપ્શન પર બેઠેલો યુવાન ઊભો થઈ કૅબિનમાં ગયો. પેલા માણસને ક્યાં અને ક્યારે જોયો છે એ વિશે વિચારતા ઝાલા ઊભા રહ્યા, પણ તેમને કંઈ યાદ આવે એ પહેલા જ યુવાને બહાર આવીને કહ્યું, “આપ અંદર જઈ શકો છો.”

ઝાલા સી.જે. દેસાઈની કૅબિનનો દરવાજો હડસેલી અંદર પ્રવેશ્યા.

કૅબિનમાં રહેલા કાચના વિશાળ ટેબલની પેલે પાર, સફેદ કપડાંમાં સજ્જ દેસાઈ, આરામદાયક ખુરશીમાં બેઠા હતા. “બેસો ઇન્સ્પેક્ટર.” તેમણે મીઠાશથી કહ્યું.

સાચા આવકાર અને દેખાડાભર્યા આવકારમાં સુંદર સ્ત્રી અને સાડી પહેરેલા પુરુષ જેટલો તફાવત હોય છે. દેસાઈના આવકારમાં કપટભરી મીઠાશ છે એ વાત અનુભવી ઝાલાના ધ્યાન બહાર ન ગઈ. તેમણે ટેબલની સામેની ખુરશીમાં બેઠક લીધી.

“શું લેશો, ચા કે ઠંડુ ?” દેસાઈએ સૌમ્ય અવાજે પૂછ્યું.

“માહિતી...” ઝાલાએ રૂક્ષતાથી કહ્યું.

દેસાઈ જોરથી હસ્યા અને ઇન્ટરકોમ પર કોઈને નારિયેળપાણી મોકલવા કહ્યું.

“રાજ્યના એક મિનિસ્ટર પણ મારા ક્લાયન્ટ છે.” ફોન મૂકી દેસાઈએ કહ્યું.

“મને એ મિનિસ્ટર વિશે જાણવામાં કોઈ રસ નથી.” દેસાઈના પ્રભાવ પાડવાના પ્રયાસને ઝાલાએ તત્ક્ષણ નેદી નાખ્યો. દેસાઈને તે ન ગમ્યું હોય તેમ તેમના ચહેરાની રેખાઓ બદલાઈ. અંધારિયા ઓરડામાં છવાયેલા આછા પ્રકાશમાં પણ, તેમના ચહેરા પર આવેલું પરિવર્તન છૂપું ન રહ્યું. “મને ડાયવર્ઝન લેવા ગમતા નથી.” ઝાલાએ એવી જ રૂક્ષતાથી કહ્યું. “મારા આવ્યા પહેલા પેલો ધોતી, સદરા, ગમછાવાળો માણસ આપની કૅબિનમાંથી બહાર નીકળ્યો, તે કોણ હતો ?”

“તેજપ્રતાપ... એ ખાસ્સા સમય સુધી બેકાર રહ્યો હતો. તેની જૂની નોકરી છૂટી ગઈ હતી અને નવી નોકરી મળતી ન્હોતી. બિચારો બે મહિના બેસી રહેલો. ગરીબને તો એક દિવસ બેસવું પડે તો ય ન પોષાય અને આ તો બે મહિના ! પછી કોઈએ મારી પાસે આવવાનું કહ્યું એટલે અહીં વિધિ કરાવવા આવેલો. માર્ચના છેલ્લા અઠવાડિયામાં આવ્યો હતો અને પહેલી એપ્રિલે તો નોકરી પણ મળી ગઈ. ત્યારથી તે ‘સોરઠીયા પૉલિમર્સ પ્રાઇવેટ લિમિટેડ’માં નોકરી કરે છે.”

“સોરઠીયા પૉલિમર્સ, ગોત્રી પાસે ?”

“હા.”

‘હમ્મ. ચોવીસ કલાક ચાલતી તે કંપનીમાં સાત-આઠ મહિના પહેલા ધાડ પડી હતી. અડધી રાત્રે પાંચ-સાત લબરમૂછીયા આવેલા અને જમાદાર તથા કંપની સ્ટાફને માર મારીને રોકડ લઈ ગયા હતા. ડાભીએ તે કેસની તપાસ કરી હતી. હું પણ એક-બે વાર ત્યાં ગયેલો. ત્યારે, સ્ટાફની પૂછપરછ દરમિયાન મેં આ માણસને જોયો હશે.’ ઝાલાને તાળો મળી ગયો.

“હરિવિલા સોસાયટીમાં એક યુવતીની હત્યા થઈ છે અને ત્યાંથી આપનું વિઝિટિંગ કાર્ડ મળ્યું છે. એ કાર્ડ હત્યારાના ખિસ્સામાંથી સરકી ગયું હશે એવો અમને અંદાજ છે.” ઝાલાએ કહ્યું.

“અરે ઇન્સ્પેક્ટર સાહેબ, કાર્ડ તો કોઈની પણ પાસે પહોંચી શકે. ક્યાંક કોઈક ફંક્શન કે સભા હોય તો હું માણસ રોકીને મહાકાલ જ્યોતિષના કાર્ડ વહેંચાવતો રહું છું.”

“કેમ આપના અસીલને પોલીસનું ગ્રહણ ન જ લાગે એવો કોઈ નિયમ છે ? આપનો જ અસીલ તે હત્યારો હોય એવું ન બને ? મને એ જણાવો કે હરિવિલા સોસાયટીનો કોઈ રહીશ આપનો ક્લાયન્ટ છે ?”

“એમ તો યાદ નહીં આવે, મારે ત્યાં આખા રાજ્યના લોકો આવે છે. તમારી પાસે કોઈનો ફોટોગ્રાફ હોય તો બતાવો, ફોટો જોઈને હું કહી શકીશ કે એ મારો ક્લાયન્ટ છે કે નહીં.”

“તમને તેજપ્રતાપની આખી જનમકુંડળી યાદ છે, પણ હરિવિલા સોસાયટીનો કોઈ રહીશ તમારો ક્લાયન્ટ છે કે નહીં એ યાદ નથી. યાદશક્તિ પણ પક્ષપાતી હોય તે આજે જાણ્યું.”

“એવું નથી.” દેસાઈ મૂંઝાયા. “તેજપ્રતાપ તો મને પૂછ્યા વગર પાણી પણ નથી પીતો એટલે...” તેમણે ઝાલાની શંકાનું સમાધાન કરવા પ્રયાસ કર્યો.

“બહાર પેલો છોકરો બેસે છે તે આપને મળવા આવનાર તમામ લોકોના નામ અને ટેલિફોન નંબર નોંધે છે. મતલબ, આપની પાસે આવનાર દરેક મુલાકાતીનો ડેટા અહીં સચવાય છે. મારે છેલ્લા છ મહિનાનો મુલાકાતીઓનો ડેટા જોઈએ છે.”

“અહીં કોણ કોણ આવે છે અને શા માટે આવે છે તે વાત ગુપ્ત રાખવા હું બંધાયેલો છું. મોટા ભાગના લોકો એવું ઇચ્છતા હોય છે કે તેઓ જ્યોતિષને કન્સલ્ટ કરી રહ્યા છે એ વાત ગુપ્ત રહે.”

“તમારું એ બંધન હાથીના પગમાં બંધાયેલા દોરડા જેવું છે, તમે ઇચ્છો તો તોડી શકો છો.”

સી.જે.દેસાઈએ થોડી વાર વિચારીને કહ્યું, “સારું... પણ, મારા નિર્દોષ ક્લાયન્ટ્સ પરેશાન ન થાય તેની જવાબદારી તમારી.”

“બિલકુલ.” ઝાલા સહમત થયા અને યુવાન નારિયળપાણીના બે ગ્લાસ લઈ હાજર થયો. સી.જે. દેસાઈએ તેને રજિસ્ટર કમ વિઝિટિંગ બુકમાંથી છ મહિનાના ડેટાની ઝેરોક્સ કરાવી લાવવા કહ્યું.

ક્રમશ :