મર્ડરર'સ મર્ડર - પ્રકરણ 16 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડરર'સ મર્ડર - પ્રકરણ 16

કૉન્સ્ટેબલ એક કાગળ લઈને હાજર થયો, “‘નાગન્ટ એમ 1895’ તરીકે ઓળખાતી આ રિવૉલ્વરનો પરવાનો ભાસ્કરભાઈ વાસુના નામે ઇશ્યુ થયેલો છે.”

ઝાલાને ચમકારો થયો. ભાગ્યોદય હોટેલમાં જમા થયેલા વિશેષના પુરાવા તેમને યાદ આવ્યા. પુરાવામાં વિશેષનું નામ વિશેષ ભાસ્કરભાઈ વાસુ લખ્યું હતું.

“રિવૉલ્વર અને પરવાનેદાર વિશે જે જે માહિતી મળી તે લખી લાવ્યો છું.” કૉન્સ્ટેબલે કાગળ ધર્યું.

ઝાલાએ કાગળ વાંચ્યો. પરવાનેદારના નામ સામે વિશેષના ઘરનું સરનામું લખ્યું હતું. પહેલાથી જ સફળ કોન્ટ્રાક્ટર તરીકે પંકાયેલા ભાસ્કરભાઈ પર, વર્ષો પહેલા, જમીનના કબજા બાબતે હુમલો થયો હતો. તેમાં તેઓ આબાદ રીતે બચી ગયા હતા, પરંતુ પછી, સ્વરક્ષા માટે સાઇડ લોડિંગ સેવન શોટ રિવૉલ્વર ખરીદી લીધી હતી. ત્યારથી તે રિવૉલ્વર તેમની પાસે હતી અને તેઓ સમયે સમયે તેનો પરવાનો રિન્યૂ કરાવી લેતા હતા.

ઝાલાએ “ઓકે” કહેતા કૉન્સ્ટેબલ ચાલ્યો ગયો. કૅબિનમાં એકલા પડેલા ઝાલા વિચારવા લાગ્યા, ‘વર્ષો પહેલા ભાસ્કરભાઈ પર હુમલો કરનારા દુશ્મનનો આમાં કોઈ હાથ નહીં હોય ને ? વિશેષની લાશ રૂમમાંથી મળી હોત અને રૂમની બારી ખુલ્લી હોત તો દૂર રહેલી ઊંચી ઇમારતની બારી કે છતમાંથી સ્નાઇપરે વિશેષને વીંધી નાખ્યો હોય તેવું બની શકત, પરંતુ લાશ બાથરૂમમાંથી મળી છે અને રૂમ નંબર 2231માં કોઈ ગયું આવ્યું નથી. વળી, બાથરૂમમાંથી જે રિવૉલ્વર મળી છે તે વિશેષના પપ્પાના નામે છે.’ ડાભીને નંબર જોડવા તેમણે ફોન અનલોક કર્યો, પણ ફોનમાંથી નંબર ડાયલ થાય તે પહેલા જ ફોનમાં રિંગ વાગી. ડાભીએ સામેથી ફોન કર્યો હતો.

“જય હિંદ સર.” ડાભીએ કહ્યું. “રૂમ નંબર 2231માંથી રાત્રે બાર વાગ્યે એક ફોન કૉલ થયો છે. જે નંબર પર વિશેષે વાત કરી હતી એ નંબર છે, 0265 264 63 **. અમે એ નંબર પર ફોન કર્યો તો કોઈએ ઉઠાવ્યો નહીં. તપાસ કરાવી તો માલૂમ પડ્યું કે તે નેહાના ઘરનો નંબર છે.”

“ઓહ...”

“હા. પછી મેં એક કૉન્સ્ટેબલને નેહાના ઘરે મોકલ્યો તો ત્યાં તાળું લટકતું હતું. પડોશમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું કે નેહાના મમ્મી-પપ્પા બહારગામ ગયા છે અને આજે સાંજે આવવાના છે. જોકે, પડોશી પાસેથી નેહાના મમ્મી-પપ્પાનો નંબર મળી જતા તેમને નેહા વિશે જણાવી દીધું છે. તેઓ વડોદરા આવવા નીકળી ગયા છે.”

“હવે સમજાયું. વિશેષે નેહાના ઘરના ફોન પર ફોન કરી તેને મળવા આવવા કહ્યું હશે, સમય પણ ફોન પર જ નક્કી થયો હશે. આપણે નેહાના મોબાઇલમાં આવતા તમામ કૉલનું રેકૉર્ડિંગ કરતા હતા, લેન્ડલાઇનનું નહીં. વળી, વિશેષનો ફોન તો સ્વિચ ઑફ જ હતો, તેણે હોટેલના ફોનમાંથી ફોન કર્યો એટલે આપણે આ આખી વાતથી અજાણ રહ્યા.”

“યસ સર.”

“બીજી એક વાત... રૂમ નંબર ૨૨3૧માંથી મળેલી રિવૉલ્વર વિશેષના પપ્પાના નામે ઇશ્યુ થયેલ છે.”

“હમ્મ.” ડાભી ઝાલાનો કહેવાનો અર્થ સમજી ગયા. “જુવાન દીકરો ગુમાવી ચૂકેલા બાપની પૂછપરછ કરવી અઘરી પડશે, છતાં શક્ય તેટલું જાણી લાવીશ.”

“ઠીક છે.”

ડાભીએ ફોન કાપ્યો અને એક કૉન્સ્ટેબલ પરવાનગી લઈ કૅબિનમાં પ્રવેશ્યો. તેણે ઝાલાને ફાઇલ આપી. ફાઇલ પર “ફોરેન્સિક રિપૉર્ટ” લખ્યું હતું. ઝાલાએ ફાઇલ ખોલી. પહેલું પાનું વાંચી તેમની મુખાકૃતિ બદલાઈ. આંખમાં નંબર ધરાવતો માણસ ઝીણા અક્ષર વાંચવા આંખો ઝીણી કરે તેમ તેમણે આંખો ખેંચીને વાંચવા માંડ્યું. આખો રિપૉર્ટ વંચાઈ જતા તેમણે જમણા હાથની મૂઠીને ડાબા હાથની હથેળીમાં પછાડી. તેઓ બોલ્યા, “આ કેસ તો ગૂંચવાતો જ જાય છે.”

****

ફોરેન્સિક રિપૉર્ટનો સાર કંઈક આ પ્રકારે હતો.

1. આરવીના ઘરમાંથી મળી આવેલા મોટા ભાગના પગલાં ઘરના સભ્યોના હતા. એક જ પગલાં કે જેમાં જમણા પગની છાપ બરાબર ઊપસી ન્હોતી તે લંગડો વ્યક્તિ બહારનો માણસ હતો. આશ્ચર્યની વાત એ હતી કે ભાગ્યોદય હોટેલ પરથી મળેલી વિશેષની ફૂટપ્રિન્ટ્સ અને ઘરમાંથી મળેલી લંગડા વ્યક્તિની ફૂટપ્રિન્ટ્સ અલગ હતી.

2. ‘મહાકાલ જ્યોતિષ’ના કાર્ડ પરથી એક કરતા વધારે માણસોની ફિંગરપ્રિન્ટ્સ મળી હતી, જેમાંની કોઈ પણ, ભાગ્યોદય હોટેલમાંથી મળેલી વિશેષની ફિંગરપ્રિન્ટ્સ સાથે મેચ થતી ન હતી.

3. ડૉ. લલિત અને આરવીના બેડરૂમના દરવાજા પર જે એકસરખા ચીકાશવાળા ડાઘ મળ્યા હતા, તે બંને જગ્યાએ ડાઘની આસપાસ, મનીષાબેન(આરવીના મમ્મી)ની આંગળીઓના નિશાન મળ્યા હતા. ઉપરાંત, અભિલાષાના દરવાજા બહાર લાગેલા ડાઘ પાસે આરવીની આંગળીઓના અને આરવીના દરવાજા બહાર લાગેલા ડાઘ પાસે અજાણી વ્યક્તિની આંગળીઓના નિશાન મળ્યા હતા, જે ‘મહાકાલ જ્યોતિષ’ના કાર્ડ પરની એક ફિંગરપ્રિન્ટ સાથે મેળ ખાતા હતા.

4. જે રૂમમાં આરવીની લાશ પડી હતી તે રૂમના દરવાજાના નૉબ પર ઘરના સભ્યો સિવાય કોઈની ફિંગરપ્રિન્ટ્સ મળી ન હતી.

5. આરવીના બાથરૂમમાં જે ફૂટપ્રિન્ટ્સ હતી તે બીજા કોઈની નહીં પણ ખુદ આરવીની જ હતી.

6. જે બ્લેડથી આરવીના હાથની નસ કાપવામાં આવી હતી તે બ્લેડ પર કોઈ વ્યક્તિની આંગળીઓના નિશાન ન્હોતા મળ્યા.

7. આરવીના બેડની જમણી બાજુના મેજ પરથી મળેલો નાનકડો વાળ DNA ટેસ્ટીંગ માટે મોકલી દેવાયો હતો અને તેનો રિપૉર્ટ આવવો બાકી હતો.

ફોરેન્સિક રિપૉર્ટનો મતલબ સાફ હતો કે બલર બંગલામાં ઘુસનાર, આરવીના બેડરૂમમાં જઈ તેની હત્યા કરનાર, જેના ખિસ્સામાંથી ‘મહાકાલ જ્યોતિષ’નું કાર્ડ સરી પડ્યું હતું તે ખોડંગાતા પગવાળો માણસ વિશેષ ન હતો. અલબત્ત, વિશેષ તો બલર બંગલામાં પ્રવેશ્યો જ ન્હોતો.

આ અનપેક્ષિત હતું, પણ અનપેક્ષિતની અપેક્ષા ન રાખી હોય એટલે તેની ઉપેક્ષા કરી શકાતી નથી.

****

ઝાલાએ પોતાનું માથું બે હાથથી દબાવ્યું. તેઓ વિચારવા લાગ્યા, ‘બ્લેડ પર કોઈની આંગળીઓના નિશાન મળ્યા નથી તે સૂચવે છે કે આરવીને બ્લેડ મારનાર હત્યારાએ હાથ મોજા પહેર્યા હતા. પણ તો પછી, દરવાજા પરના દિલના ડાઘ પાસે અજાણી આંગળીઓના નિશાન કેમ મળ્યા ? શું રૂમમાં બે અલગ અલગ માણસો પ્રવેશ્યા હતા ? કે પછી તે એક જ માણસ હતો અને તેણે કોઈ કારણસર હાથમોજું કાઢ્યું હતું ?

‘એસબીઆઈ’ અને ‘વિજય સેલ્સ’ના કૅમેરાના રેકૉર્ડિંગ તેમજ સોસાયટીના રજિસ્ટર પ્રમાણે વિશેષ હરિવિલા સોસાયટીમાં પ્રવેશ્યો છે, પણ ફોરેન્સિક રિપૉર્ટ પ્રમાણે તે બલર બંગલામાં ગયો નથી. તો પછી, અલગ ફૂટપ્રિન્ટ્સ ધરાવતો, ‘મહાકાલ જ્યોતિષ’ના કાર્ડ પર તથા આરવીના દરવાજાના ડાઘ પાસે ફિંગરપ્રિન્ટ્સ ધરાવતો માણસ કોણ છે ? વળી, વિશેષ નિર્દોષ હતો તો તે પોલીસથી ભાગતો શા માટે રહ્યો ? શું તે આરવીની હત્યામાં આડકતરી રીતે સંડોવાયેલો હતો કે બીજું કોઈ કારણ હતું ? સોસાયટીની બહારથી કોઈ આવ્યું નથી, વિશેષ બંગલામાં ગયો નથી તો પછી એક જ શક્યતા બચે છે. હત્યારો હરિવિલા સોસાયટીનો જ કોઈ રહીશ છે. અને જો એવું છે તો તેને શોધવામાં ખાસ મુશ્કેલી નહીં પડે. હરિવિલા સોસાયટીમાં રહેતા હોય અને જમણા પગમાં કાયમી કે હંગામી ખોટ ધરાવતા હોય તેવા કુલ માણસો, બે-પાંચથી વધારે નહીં હોય. તે દરેકની ફૂટપ્રિન્ટ્સને ઘરમાં મળેલી ફૂટપ્રિન્ટ્સ સાથે મેચ કરીશું તો સાચો ગુનેગાર પકડાઈ જશે.

ઉપરાંત, બલર બંગલાનો કોઈ સભ્ય આ હત્યાનો ભેદ જાણે છે. ઘરનો દરવાજો અગિયાર વાગ્યે બંધ થયા પછી સવારે જ ખૂલ્યો હોય, તો બહારનો માણસ અંદર કેવી રીતે પ્રવેશી શકે ? માટે, ચોક્કસ અંદરનું કોઈ ભેદી રીતે વર્તી રહ્યું છે. જોકે, સજ્જનતાનું મહોરું સાચા ચહેરાને ઢાંકી શકશે, મિટાવી નહીં શકે.

બીજું, ફોરેન્સિક રિપૉર્ટ પ્રમાણે આરવીના બાથરૂમમાં મળેલી ફૂટપ્રિન્ટ્સ તેની પોતાની જ છે. નેહાએ કબૂલ્યું છે કે આરવી નશાકારક દ્રવ્યો લેતી હતી અને આરવીના પર્સમાંથી ગોલ્ડ ફ્લૅકનું ખોખું ય મળ્યું છે. માટે, બાથરૂમમાં બેસી ગોલ્ડ ફ્લૅક પીનાર આરવી પોતે હતી તે સ્પષ્ટ થાય છે.

મનીષાબેન પણ કંઈક જાણતા હોય એવું લાગે છે. બંને દરવાજા પર લાગેલા ચીકાશવાળા ડાઘ પાસે ત્રણ જ વ્યક્તિની આંગળીઓના નિશાન મળ્યા છે – એક આરવીના જે હવે રહી નથી, બીજા પેલા અજાણ્યા માણસના જેને હજુ શોધવાનો છે, અને ત્રીજા મનીષાબેનના... તેમની પાસેથી જાણવું પડશે કે તે ડાઘ શાના છે ? તે ડાઘ જે પણ વસ્તુ કે સ્ટીકરના છે તેને આરવીની હત્યા સાથે કંઈક સંબંધ છે.’

ઝાલાએ ખૂબ વિચાર કર્યો અને કોરો કાગળ તથા પેન લઈ, આગળ શું કરવું તે વિશે મુદ્દાઓ લખવા લાગ્યા.

ક્રમશ :