મર્ડરર'સ મર્ડર - પ્રકરણ 15 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડરર'સ મર્ડર - પ્રકરણ 15

બાથરૂમની હાલત ભયાનક હતી, અંદર પગ મૂકતા જ લપસી પડાય તેવું હતું. નેહાનો દેહ ફરસ પર પડ્યો હતો. દરવાજા પાસે જમણી બાજુએ, ઊભા રસોડા જેવા પ્લેટફૉર્મમાં વોશ બેઝિન જડેલું હતું. વોશ બેઝિનની પાસે પ્લેટફૉર્મ પર, ઘડી કરેલો હોટેલનો સફેદ ટુવાલ સંકેલેલો પડ્યો હતો. દરવાજાની સામેની બાજુએ મોટા કદનું બાથટબ હતું. પાણીથી છલોછલ ભરેલું હોવા છતાં, બાથટબની ઊપરનો નળ ખુલ્લો હતો. ટબમાં ઠલવાતું વધારાનું પાણી, છલકાઈને ગટર તરફ વહી જતું હતું. તે છલકાતા, સાબુના ફીણ મિશ્રિત પાણીથી જ બાથરૂમની ફરસ ઘર્ષણરહિત બની હતી. બાથટબની પાછળની દીવાલ પર કોઈએ રાતા રંગની પિચકારી મારી હોય એમ તે લોહીથી તરબતર બની હતી. ટબમાં ભરાયેલું પાણી લાલ હિંગળોક દેખાતું હતું. તે લાલ પાણીની ઉપલી સપાટી પર કોઈના વાળ તરતા હતા. ઝાલાને એ સમજતા વાર ન લાગી કે ટબની અંદર લાશ પડી છે અને તેના રક્તથી જ પાણી લોહીવર્ણું બન્યું છે.

પોલીસવાળાને આવી ઘટનાઓ છાશવારે જોવા મળતી હોય છે અને કમનસીબે તેમને તેની આદત પડી જતી હોય છે. પોતાના કપડાં પર ચોંટેલી ધૂળ ખંખેરી નાખતા હોય એમ ઝાલાએ લાગણીઓ અને સંવેદનાઓ ખંખેરી નાખી. ફરસ પર પડેલી નેહા બેશુદ્ધ છે કે મૃત એ જાણવા તેમણે તેની નાડી તપાસી. “આ હજી જીવે છે, તેના શ્વાસ ચાલે છે. હોટેલ મેનેજરને ઝડપથી બોલાવ.” ઝાલાએ કહ્યું, પણ સાથે આવેલી યુવતી જડવત્ ઊભી રહી.

“તને કહું છું.” ઝાલાએ જોરથી બૂમ પાડી. ત્યારે જ ડાભી રૂમમાં પ્રવેશ્યા. તેઓ યુવતીને રૂમની બહાર લઈ ગયા. તેમણે હેમંતને ફોન કરી, મેનેજરને રૂમ નંબર 2231માં લઈ આવવા કહ્યું.

રૂમ ખોલ્યાની પાંચ જ મિનિટમાં આખી હોટેલમાં દોડાદોડ મચી ગઈ. ઍમ્બ્યુલન્સ કે 108ની રાહ જોયા વિના, હોટેલ માલિકની મોંઘીદાટ ગાડી ઉપયોગમાં લઈ, નેહાને મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. હોટેલની પ્રતિષ્ઠા દાવ પર લાગી હોવાથી માલિકની માણસાઈ ખીલી ઊઠી હતી.

બાથટબના લાલ પાણીમાં ડૂબેલી વિશેષની અનાવૃત્ત લાશ બહાર કાઢવામાં આવી. વિશેષના માથામાં ગોળી વાગી હતી, તેનું માથું વધેરેલા નારિયેળની જેમ ફાટી ગયું હતું. બાથટબના તળિયેથી સપ્રેસર(સાયલેન્સર) લાગેલી રિવૉલ્વર મળી આવી.

“માથાની હાલત જોતા લાગે છે કે ગોળી ખૂબ નજીકથી મારવામાં આવી છે.” ડાભીએ કહ્યું.

તેમની વાત પર ધ્યાન આપ્યા વિના ઝાલાએ તેમને, રૂમમાં રહેલ થેલો અને પર્સ ચેક કરવા કહ્યું. ડાભીએ તેમ કર્યું. થેલામાં સ્વિચ ઑફ કરેલો મોબાઇલ, ચાર્જર, પાવર બેંક, પૈસાથી ખીચોખીચ ભરેલું પાકીટ, ટુવાલ, ત્રણ જોડ કપડા, નિકર, મોજા, રૂમાલ, બ્રશ, ટૂથપેસ્ટ, ઊલિયું વગેરે સામાન હતો. નેહાના પર્સમાં મોબાઇલ સિવાય, મેકઅપનો સામાન અને થોડા પૈસા હતા. ડાભીએ નકારમાં માથું ધુણાવ્યું.

“લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલવાની વ્યવસ્થા કરો. છેલ્લા ચોવીસ કલાકમાં હોટેલમાં પ્રવેશેલા તેમજ હોટેલ છોડી ગયેલા તમામ માણસોની વિગતો મેળવો. વિશેષના ચેક ઇન થયાથી અત્યાર સુધીના કૅમેરાના તમામ રેકૉર્ડિંગ જોઈશે. રૂમ નંબર 2231ના ફોનનો ઉપયોગ થયો છે કે કેમ, વિશેષે રૂમમાંથી કોઈને ફોન કર્યા છે તો કોને અને ક્યારે કર્યા છે તે માહિતી પણ મેળવો.”

ઝાલા અકળાયા હોય એવું લાગતું હતું ; બે દિવસમાં એકબીજા સાથે કનેક્શન ધરાવતા બે માણસોની લાશ મળી હતી અને એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તે બચશે કે કેમ તે પણ હજુ નક્કી ન હતું.

ઝાલા સીધા જ રિસેપ્શન કાઉન્ટર પર ગયા. તેમણે પ્રિયંકાને, બીજા માળના છેલ્લા ચોવીસ કલાકના વીડિયો રેકૉર્ડિંગ બતાવવા કહ્યું. તેઓ પ્રિયંકાની પાસેની ખુરશી પર બેસી સ્ક્રીન સામે જોવા લાગ્યા. વિશેષ હોટલમાં પ્રવેશ્યો ત્યારે તેના હાથમાં કાળો થેલો હતો. પ્રિયંકા ફાસ્ટ ફૉરવર્ડ કરી રેકૉર્ડિંગ બતાવવા લાગી. બીજા માળે કોઈ હિલચાલ થતી ત્યારે રેકૉર્ડિંગ નોર્મલ સ્પીડે ચલાવવામાં આવતું.

વિશેષને રૂમ સોંપ્યા પછી બીજા દિવસે સવાર સુધી, તેના રૂમમાં કોઈ ગયું-આવ્યું ન હતું. રેકૉર્ડિંગ મુજબ રાત્રે આઠ વાગ્યે તે પોતે રૂમનો દરવાજો ખોલી ફર્સ્ટ ફ્લોર પર આવેલી રેસ્ટોરાંમાં ગયો હતો. રાતના ભોજનને ચાલીસ મિનિટ ફાળવ્યા બાદ તે ફરી પોતાના રૂમમાં આવી ગયો હતો. એ ચાલીસ મિનિટ દરમિયાન તેનો રૂમ એવો ને એવો લૉક ઍન્ડ કી રહ્યો હતો. બાદમાં, છેક ચાર વાગ્યે એક હિલચાલ થઈ હતી. મધરાતના ચાર વાગ્યે રૂમ નંબર 2231નો દરવાજો ખૂલ્યો, વિશેષ રૂમની બહાર આવ્યો, પૅસેજમાં ઊભો રહ્યો અને ફરી રૂમમાં ચાલ્યો ગયો. આ દરમિયાન તે ન તો કોઈને મળ્યો કે ન તો બીજે ક્યાંય ગયો, પોતાના જ રૂમના દરવાજા પાસે પાંચેક મિનિટ ઊભો રહી તે ફરી પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો.

આ મૂવમેન્ટ જરા વિચિત્ર હતી. કોઈ માણસ કોઈ પણ કારણ વગર પોતાના રૂમની બહાર શા માટે નીકળે, અને તે ય અડધી રાત્રે ! ઝાલાએ તે ભાગ ફરી ફરી જોયો, પણ કોઈ તારણ ન કાઢી શક્યા.

મધરાતની તે હલચલ બાદ સવારે સાતને અઠ્યાવીસ સુધી રૂમનો દરવાજો એ જ પરિસ્થિતિમાં રહ્યો હતો.

સાતને પચીસે હોટેલમાં પ્રવેશેલી નેહા લિફ્ટનો ઉપયોગ કરી બીજા માળે ગઈ અને રૂમ નંબર 2231ના દરવાજા પાસે પહોંચી ત્યારે સાતને સત્યાવીસ થઈ હતી. નેહા સીધી એ જ રૂમ પાસે ગઈ તે સૂચવતું હતું કે વિશેષના રૂમ નંબર 2231ના રોકાણ વિશે તેને ચોક્કસ માહિતી હતી. નેહાએ ડૉર બેલ પર આંગળી દબાવી અને એકાદ મિનિટ સુધી દરવાજો ખૂલવાની રાહ જોઈ. બાદમાં તેણે દરવાજે નૉક કર્યું પણ હાથનો ધક્કો વાગતા દરવાજો ખૂલી ગયો. દરવાજો ખૂલ્યો ત્યારે સાતને અઠ્યાવીસ થઈ હતી, નેહા સીધી અંદર ગઈ અને દરવાજો બંધ થઈ ગયો.

રેકૉર્ડિંગની ટેપને પોતાના દિમાગમાં ફરી ફરી દોડાવતા ઝાલા પોલીસ સ્ટેશન તરફ રવાના થયા. રૂમ નંબર 2231ને કામચલાઉ ધોરણે સીલ કરી દેવામાં આવ્યો હતો. પલ્સર ચલાવી રહેલા ઝાલા વિચારવા લાગ્યા, ‘રૂમમાં પ્રવેશવાનો બીજો કોઈ રસ્તો નથી, વિશેષ અને નેહા સિવાય અંદર કોઈ ગયું નથી, તો વિશેષને ગોળી કોણે મારી ? રેકૉર્ડિંગ જોતા તો બે જ શક્યતાઓ લાગે છે : 1. વિશેષે આત્મહત્યા કરી હોય. 2. નેહા પર્સમાં રિવૉલ્વર લઈને આવી હોય અને તેણે વિશેષને ગોળી મારી દીધી હોય.

પણ, વિશેષ આત્મહત્યા શા માટે કરે ? કદાચ ક્ષણિક આવેગમાં આવી તેણે આરવીની હત્યા કરી હોય અને હવે પસ્તાવો થતો હોય કે પછી પોલીસમાં પકડાઈ જવાનો ડર લાગ્યો હોય. તો બીજી બાજુ વિશેષની હત્યા કરવા માટે નેહા પાસે કોઈ દેખીતું કારણ નથી. શું તે પોતાની બેસ્ટ ફ્રેન્ડની મોતનો બદલો લેવા માંગતી હતી ? આમ તો આ બેમાંથી એકેય શક્યતા ગળે ઉતરે એવી નથી છતાં, આવેશમય ગુના અને તર્કને કશો સંબંધ હોતો નથી. થવામાં તો કંઈ પણ થઈ શકે પણ એના માટે ન થવાનું થયું હોવું જોઈએ.

પલ્સર પોલીસ ચોકીએ પહોંચ્યું એટલે ઝાલાએ ડાબા પગે બાઇકનું સાઇડ સ્ટેન્ડ ટેકવ્યું અને ચાવી કાઢી પીઆઈની કૅબિન તરફ ચાલ્યા. તેમણે એક કૉન્સ્ટેબલને બોલાવ્યો અને રૂમનંબર 2231માંથી સાથે લીધેલી રિવૉલ્વર આપીને કહ્યું, “કોઈએ આનો પરવાનો મેળવ્યો છે કે કેમ તે ચેક કરીને જણાવ.”

કૉન્સ્ટેબલ રિવૉલ્વર લઈને ચાલ્યો ગયો. ઝાલા ફરી વિચારવા લાગ્યા, ‘રૂમની અંદર જે કંઈ પણ બન્યું છે તે વિશે ફક્ત બે જ માણસો જાણે છે – એક વિશેષ અને બીજી નેહા. પણ, વિશેષ હવે રહ્યો નથી અને નેહા હોસ્પિટલમાં છે. જો તે બચશે તો અને તો જ બધા પ્રશ્નના સાચા જવાબ મળશે.’

ક્રમશ :