નો રીટર્ન-૨ ભાગ-22 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-22

નો-રીટર્ન-૨

ભાગ-૨૨

મઝધારમાં ફસાયેલી કોઇ નાંવની જેમ મારી જીંદગી મને આમથી તેમ ફંગોળતી હતી. અનેરીનું વળગણ, તેનાં વિચારો મારો પીછો છોડતાં નહોતાં. સુખની એક ક્ષણ હાથમાં આવીને છટકી ગઇ હતી. અનેરીને ફરી મળી શકાશે એવી એક આશા તો મનમાં હતી કારણ કે તેણે ગેલેક્ષી હોટલનાં રજીસ્ટરમાં તેનું આગળનું ગંતવ્ય સ્થાન ઇન્દ્રગઢનું લખ્યું હતું. મતલબ કે તે અહીંથી ફરી પાછી ઇન્દ્રગઢ જવાની હતી. પણ મને મનમાં શંકા હતી કારણકે એક તો તે ઇન્દ્ઇગઢથી જ અમદાવાદ આવી હતી, ઉપરાંત તેને જે જોઇતું હતું એ પેલા ફોટોગ્રાફ્સ ઓલરેડી તેને મળી ચૂકયા હતા. તો તે હવે ઇન્દ્રગઢ શું કામ જાય...? તેનું કામ તો થઇ ગયું હતું. એકધારું વિચારી- વિચારીને મારું માથું ભમવા લાગ્યું હતું. મારે શું કરવું જોઇએ એ નિર્ણય પણ હું લઇ શકતો નહોતો અને સાવ દિશાશૂન્ય અવસ્થામાં હજુ બસસ્ટેન્ડ માં જ ઉભો હતો.

એક પ્રશ્ન સતત પજવતો હતો કે એ ફોટાઓમાં એવું તો શું હતું...? જો ઇન્દ્રગઢથી તે એ રોલ ઉઠાવી લાવી હોય તો ફોટાઓનું જરૂર કોઇ કનેકશન ઇન્દ્રગઢ સાથે હશે જ...! સાવ એકાએક જ વિચારોની દિશા બદલાઇ હતી અને વળી પાછો હું એક નવા ચક્કરમાં ઉલઝવા તૈયાર થયો હતો.

***

“ આ ફોટાઓ અજીબ છે નહિં...?” વિનીતે એક પછી એક ફોટા ઉથલાવતા અનેરી તરફ નજર ફેંકતાં પુંછયું. તેઓ અત્યારે અમદાવાદની સડકો વિંધતા નેશનલ હાઇવે તરફ જઇ રહયા હતાં. ડ્રાઇવિંગ અનેરી કરી રહી હતી. તેણે સરાસરી જ એક નજર વિનીતનાં હાથમાં રમતા ફોટાઓ ઉપર નાંખી અને ફરીપાછું ડ્રાઇવિંગમાં ધ્યાન પરોવ્યું. અહીંથી તેમની મંઝીલ હિંમતનગર, અને ત્યાંથી પાલનપુર થઇ થરાદ પહોંચવાની હતી. અત્યારે રાતનાં દસ વાગવા આવ્યા હતા અને અનેરીની ગણતરી રાતભર ડ્રાઇવિંગ કરી કાલે સવાર પડતા સુધીમાં ઇન્દ્રગઢ પહોંચી જવાના હતી. એ માટે તેણે આખી રાત સતત ડ્રાઇવિંગ કરવું પડે એમ હતું. ફોટાઓનાં સંદર્ભની એક કડી હજું પણ ઇન્દ્રગઢમાં ખોજવાની હતી.

“ કોઇને આવાં ધડ- માથા વગરનાં ફોટાઓનો શું ખપ હોઇ શકે...?” અનેરી તરફથી કોઇ ઉત્તર ન મળતા વિનીતે ફરીથી સવાલ કર્યો. સખત અકળાતો કંઇક અજીબ નજરે તે એક માથાફરેલ છોકરીને અમદાવાદનાં ભરચક ટ્રાફિકમાં ભારે સિફતથી ડ્રાઇવિંગ કરતાં નિહાળી રહયો. આ સવાલ તેણે હમણાં જ થોડીવાર પહેલા અનેરીને પુંછયો હતો અને તેનો જવાબ જાણવા તે રીતસરનો રસ્તાની વચ્ચે ઉભો રહી ગયો હતો. તેની એ જીદ આગળ નમતું જોખીને અનેરીએ એક કહાની સંભળાવી હતી જે ખરેખર સાચી જ હતી એવું છાતી ઠોકીને તે કહી શકે તેમ નહોતો. અને વળી તેની વાતમાં એક નવો ફણગો તેણે ફોડયો હતો. તેનાં કથન મુજબ આ સમગ્ર કહાનીની શરૂઆત “બ્રાઝિલ” થી થઇ હતી. કયાં ભારત અને કયાં દક્ષિણ અમેરિકાનો એક દેશ “બ્રાઝિલ”, આ બંને દેશો વચ્ચે ઇન્દ્રગઢ અને આ ફોટાઓનું શું અનુસંધાન હોઇ શકે...? જબરો ગુંચવાડો હતો. ઉપરથી અનેરી ચોખવટથી કંઇ જ કહેતી નહોતી. તેણે જે કહાની સંભળાવી હતી એ પણ સાવ અધ્ધરતાલ જણાતી હતી. તેનાં કહયાં મુજબ એક દિવસ તેનાં ઉપર એક ફોન કોલ આવે છે અને તેને એક કામ કરવા માટે રીતસરની ફરજ પાડવામાં આવે છે. એ કામ હતું ઇન્દ્રગઢમાંથી એક કેમેરા રોલ શોધવાનું. અનેરી પહેલા તો સાફ ના-મુકર ગઇ હતી કે તે શું કામ એ કામ કરે....? પરંતુ ફોનમાં એ પછી જે કહેવાયું એ સાંભળીને અનેરી તેમનું કામ કરવા રાજી થઇ હતી અને ઇન્દ્રગઢ આવી હતી. કોઇપણ ભોગે તેણે એ કેમેરા રોલ મેળવ્યો હતો અને તે ત્યાંથી અમદાવાદ આવી પહોંચી હતી. તેને ખ્યાલ હતો કે આ રોલ ફક્ત અમદાવાદ જેવા કોઇ મોટા શહેરમાં જ ડેવલપ થઇ શકશે અને એ કામ તે એકલી નહીં કરી શકે. એટલે તેણે એક સમયે અમદાવાદમાં જ રહીને ભણતા અને હાલ વડોદરા રહેતા તેનાં જુના મિત્ર વિનીતને યાદ કર્યો હતો.

એ ફોટાઓ તો ડેવલપ થયા હતાં પરંતુ તે હવે એ ફોટાઓને લઇને જ વિનીત મુંઝાતો હતો. આ ફોટાઓનાં કારણે અનેરીનો ઇન્દ્રગઢમાં પીછો થયો હતો અને અહીં પણ એક યુવાન અચાનક તેમની સામે આવીને ઉભો રહી ગયો હતો. એથી પણ મોટુ આશ્વર્ય તો ફોટાઓ જોઇને તેને થતું હતું. આવા ફોટાઓ કોઇને શું ખપ નાં હોઇ શકે. ફોટાઓમાં દેખાતા ચિત્ર, વિચિત્ર અને અજીબ હતાં. ઘણી વખત જોવા છતાં તેને એ ચિત્રોનો મર્મ સમજાયો નહોતો. તેને બધું ભેદ-ભરમવાળું લાગતું હતું. આ ચિત્રો અને ખુદ અનેરી પણ....! જો ને, પુંછવા છતાં કયાં તેણે કોઇ જવાબ આપ્યો હતો...!

***

ઇન્દ્રગઢની સીમમાં રાત ઢળી ચૂકી હતી. હજુ તો દસ જ વાગ્યાં હતાં ત્યાં શિયાળવાઓએ ભેંકાર દિસતી સીમમાં રૂદન શરૂ કર્યુ હતું અને આખી સીમ ગજવી મુકી હતી. ઇન્દ્રગઢની સીમ તરફનો આ સમગ્ર વિસ્તાર ઉજ્જડ અને ભેંકાર હતો. આડેધડ ઉગી નિકળેલા બાવળીયા અને થોરનાં ઝૂંડનું સામ્રાજ્ય ચંદ્ર વિનાનાં આસમાનમાં ફેલાયેલા ઘોર અંધકારને કારણે ડરામણું ભાસતું હતું. આવા સમયે ઇન્દ્રગઢનો ભાગ્યે જ કોઇ રહેવાસી સીમ બાજુ આવવાની હિંમત કરે. જ્યાં દિવસનાં અજવાળામાં કોઇ આવતું નહીં ત્યાં રાત્રે તો કોણ આવે...!

પરંતુ... સાવ અમથા- અમથા આ શિયાળવા નહોતાં રડી રહયા. કોઇક હતું જેમણે તેમની હદમાં પ્રવેશ કર્યો હતો. એક સાથે ચાર ઓળાઓ માથે ઓઢીને સીમ વિંધતાં પેલા નાનકડાં ડુંગર તરફ ચાલ્યા જતાં હતાં. એ ચારમાંથી ત્રણની પીઠ ઉપર મોટાં ભારેખમ થેલાં લટકતાં હતાં અને તેઓ ભારે ચૂપકીદીથી આગળ વધતાં હતાં. કોણ હતાં એ લોકો...? અને કાળમિંઢ રાત્રે તેઓ સીમમાં શું કરવા આવ્યા હતાં.?

***

રાજને હાથ ફંફોશીને તેની આજુ-બાજુની જગ્યાનું નિરિક્ષણ કર્યુ.... ઘોર અંધકારનાં કારણે આંખો ખુલ્લી હોવા છતાં તેને કશું જ ભળાતું નહોતું. તે પોતે કયાં હતો અને આ કંઇ જગ્યા છે એનો પણ તેને ખ્યાલ આવતો નહોતો. તે એક ખરબચડી દિવાલનાં ટેકે બેઠો હતો અને હાથ ફંફોશી પરિસ્થિતીનો તાગ લેવા મથતો હતો. અહીંની હવામાં ફેલાયેલી ભારે દુર્ગંધથી તેનું માથું ફાટતું હતું. આ જગ્યા કઇ છે અને અહીં તે કેવી રીતે પહોંચ્યો એ પણ તેને યાદ આવતું નહોતું. તેને તો બસ એટલું જ યાદ હતું કે તે સવારે હોસ્પિટલનાં ખાટલામાંથી ઉભો થઇને ત્યાંનાં કોમન બાથરૂમ સુધી ગયો હતો. હજુ તે લઘુશંકા કરી જ રહયો હતો કે તેનાં નાકમાં એક વિચિત્ર છતાં મીઠી સુગંધ પ્રસરી હતી અને પછી તે એ સુગંધમાં ખોવાતો ગયો હતો. ત્યારબાદ તેની સાથે શું થયું અને તે અહીં આ અંધારી જગ્યાએ કેમ કરતાં પહોંચ્યો એ કશું જ યાદ આવતું નહોતું. તે જાણે વર્ષોથી અવાવરું અવસ્થામાં બંધ પડેલા કોઇ ભંડાકિયામાં પુરાયો હોય એવું અનુભવતો હતો.

***

પેલા ચારેય ઓળા ઝડપથી ચાલતાં નાનકડી ટેકરી જેવા ડુંગર ઉપર બનેલા ઝરુખાં સુધી પહોંચ્યાં. કાળા ડિબાંગ અંધકારમાં અડીખમ ઉભેલો ઝરૂખો કોઇ વર્ષો પુરાણા ભૂતિયા સ્થાનક જેવો ભાસતો હતો. વગડાવ સીમમાં ઘુમરી ખાઇને જોશભેર વહેતી હવા જ્યારે એ ઝરૂખામાં પ્રવેશતી ત્યારે એક વિચિત્ર અવાજ ઉત્પન્ન થતો હતો જેનાં કારણે ઝરુખાની આસપાસનું વાતાવરણ ઔર ડરામણું બનતું હતું. એ ચાર માંથી ત્રણ જણાં, જેમની પીઠ ઉપર મોટા-મોટા થેલા લટકતા હતા તેઓ ઝડપથી એ ઝરૂખા નજીક પહોંચી ઝરુખાની ચારેકોર પ્રદક્ષિણા ફરીને વળી પાછાં હતાં ત્યાંને ત્યાં આવીને ઉભા રહયા, અને અંધકારમાં જ ડોળા તગતગાવી ચોથા વ્યક્તિને પુછયું.

“ કયાં છે એ...?” ભાંગી-તૂટી હિંદી ભાષામાં એ શબ્દો ઉચ્ચારાયા હતાં. પેલો ચોથો વ્યક્તિ બીજું કોઇ નહીં પણ એભલસીંહ હતો. સામેથી જે પુંછાયું એ સાંભળીને આવા ડરામણા વાતાવરણમાં પણ તે મુસ્કુરાઇ ઉઠયો. તેને આ પ્રશ્નની જ અપેક્ષા હતી.

“ આવો બતાવું...” જાણે કોઇ ખૂફીયા જગ્યા બતાવવાં લઇ જવાનો હોય એમ રહસ્યમય રીતે તે બોલ્યો હતો અને પછી આગળ વધીને ઝરૂખાની પશ્વિમ દિશા તરફ ચાલ્યો . તેની પાછળ પેલા ત્રણેય ઓળા ખેંચાયા. જો કે આગળ ચાલતાં એભલસીંહને બડી તાજ્જૂબી ઉદ્દભવતી હતી. તેણે સપનેય નહોતું વિચાર્યું કે જેને તે “માલિક” સમજતો હતો, જેનાં કહેવાથી તેણે પેલી છોકરીનો પીછો કર્યો હતો અને રાજનને ઉઠાવ્યો હતો એ લોકો ગોરાં અંગ્રેજ સાહેબો હશે. એથી પણ વધુ તાજ્જૂબી એ હતી કે આ ત્રણ વ્યક્તિઓમાં એક રૂપ-રૂપનાં અંબાર સમી ગોરી મે”મ પણ હતી. તેની જેવાં ખડ્ડૂસ દિમાગનાં વ્યક્તિને પણ આશ્વર્ય ઉદ્દભવ્યું હતું કે આ લોકોએ મારો સંપર્ક કેવી રીતે કર્યો હશે...! અને આ ત્રણમાંથી એક વ્યક્તિને કેમ ક્યાંક જોઇ હોય એવું લાગે છે. વિચારમાં ખોવાયેલો જ તે આગળ વધતો હતો.

જો કે.… તેમાં આશ્વર્ય થાય એવું કશું જ નવીન નહોતું. જેવી રીતે બીજા વિચારતા હોય એવી જ રીતે પ્રોફેસર થોમ્પસને વિચાર્યું હતું અને તેને અમલમાં મુકયું હતું. ભારતમાં પગ મુકતાંની સાથે જ તેમણે સૌથી પહેલાં તો અહીંની લોકલ ભાષા થોડી ઘણી શીખી લીધી હતી, જેથી અહીનાં લોકો સાથે કોમ્યુનીકેશનમાં સરળતા રહે. એ ઉપરાંત પોતાનાં કામનો એક લોકલ માણસ, એભલસીંહને શોધી કાઢયો હતો. જે તેમનું કામ કોઇપણ સવાલ જવાબ વગર પુરું કરી આપે. તેઓ એક ચોક્કસ પ્રકારની માહિતી લઇને ઇન્દ્રગઢમાં આવ્યાં હતાં. કશુંક હતું જે અહીંથી તેમને મેળવવું હતું. એ કામ અહીંની ભૂગોળ જાણતો હોય એવો માણસ આસાનીથી કરી શકે એમાં કોઇ બેમત નહોતો એટલે તેમણે ગમે તેમ કરીને એભલસીંહને શોધી કાઢયો હતો અને તેને એક યુવતી, જે પાછલા ઘણા દિવસોથી ઇન્દ્રગઢની ધૂળ હેઠળ દબાયેલી એક હૈરતઅંગેજ દાસ્તાં ને જીવંત કરવાની કોશિષમાં લાગી હતી તેની પાછળ લગાવ્યો હતો. એભલસીંહને તેમણે ઘણી મોટી રકમની લાલચ આપી હતી. તેમની એ “ડિલ” ફોન ઉપર જ ફાઇનલ થઇ હતી. આજ દિવસ સુધી તેઓ કયારેય એકબીજાની રૂબરૂ થયા નહોતાં. પ્રોફેસર થોમ્પસનને એ જરૂર પણ લાગી નહોતી. પરંતુ...

એભલસીંહ તેનાં કામમાં નિષ્ફળ નિવડયો હતો. પેલી છોકરી તેનાં કરતાં વધું ચાલાક સાબીત થઇ હતી અને તે ઇન્દ્રગઢની લાઇબ્રેરીમાંથી લાઇબ્રેરીયન છોકરાં પાસેથી કશુંક લઇને એભલસીંહને ચકમો દઇને ભાગી છૂટી હતી. એટલે ના-છૂટકે થોમ્પસન અને તેની સાથે આવેલા બીજા બે પ્રોફેસરોએ મામલો પોતાનાં હાથમાં લેવો પડયો હતો. જો કે તેઓ નહોતા જાણતાં કે એવું કરવામાં તેમનાં ભૂક્કા બોલી જવાનાં હતાં. પણ..ખેર, આખરે થોમ્પસને સૌથી પહેલાં તો એભલને ફોન કરીને ખખડાવી નાંખ્યો હતો અને પછી તેઓ ત્રણેય બીજા દિવસે લાઇબ્રેરીએ પહોંચ્યાં હતાં. ત્યારે બપોરનો સમય હતો, ઉપરાંત તે દિવસે ઇન્દ્રગઢનાં આકાશમાંથી સૂર્યની કાળઝાળ ગરમી વરસતી હતી જેનાં લીધે આખી લાઇબ્રેરીમાં ફકત રાજન બિશ્નોઇ એકલો જ હજર હતો. તે તેનાં તેનાં ડેસ્ક પાછળ બેસીને કંઇક ગડમથલ કરતો હતો.

પ્રોફેસર થોમ્પસન અને તેનાં બંને સાથીઓ લાઇબ્રેરીમાં દાખલ થયા તેની બરાબર બે મિનીટ પહેલાં જ રાજન ડેસ્ક ઉપરથી ઉઠીને લાઇબ્રેરીની પછીતે આવેલા શૌચાલય તરફ ગયો હતો. કુદરતી રીતે જ રાજનનું શૌચાલય તરફ જવું અને પ્રોફેસરોનું લાઇબ્રેરીમાં દાખલ થવું, એ બધું જોગાનું જોગ પરફેક્ટ ટાઇમિંગ પ્રમાણે ગોઠવાયું હતું. જો એ બંને ઘટનાઓ બનવામાં એકાદ મિનિટનો પણ ફરક પડયો હોત તો આ સમગ્ર કહાનીએ એક નવો વળાંક જરુર ધારણ કર્યો હોત. પરંતુ એવું થયું નહોતું. ત્રણેય પ્રોફેસરોએ લાઇબ્રેરીને સંપૂર્ણપણે ખાલી જોઇ અને તેઓ પુસ્તક લેવડ-દેવડનાં ડેસ્ક પાછળ આવેલા સ્ટોરરૂમ તરફ ચાલ્યા હતાં. તેઓને એક કાચો અંદાજ હતો કે જે ચીજ તેઓ શોધી રહયા છે એ જરૂર સ્ટોરરૂમમાં જ તેમને મળશે.

સ્ટોરરૂમનો દરવાજો ખોલી, અંદર દાખલ થઇ દરવાજો અંદરથી ખાલી અટકાવી રાખ્યો જેથી કદાચ અહીંથી જલ્દી નીકળવાનું થાય તો આગળીયો ખોલવાની માથાકુટમાં ન પડવું પડે. સ્ટોરરૂમમાં ઘુસીને ઝડપભેર તેઓએ ખાંખાખોળા કરવાનું શરૂ કર્યુ હતું. સ્ટોરરૂમ વર્ષોથી જાણે વપરાયા વગરનો બંધ પડી રહ્યો હોય એમ ધૂળ અને કરોળીયાનાં ઝાળાથી ઉભરાતો હતો. કોઇપણ જગ્યાએ હાથ લગાવતા ઝીણી ધૂળની ડમરી ઉડતી હતી. થોડી જ વારમાં એ ત્રણેય ધૂળથી કંટાળી ગયાં હતાં. કોઇ ચોક્કસ દિશા વગર આટલાં મોટા સ્ટોરરૂમમાં ખાંખાખોળા કરવાં એ રૂં નાં ઢગલામાંથી સોંય શોધવા જેવું કામ હતું. તેમાં પણ કલારાને ડસ્ટની એલર્જી હતી એટલે તે સૌથી પહેલા કંટાળી હતી. તેનાં માથાનાં વાળનો જથ્થો ખુબ “હેવી” હતો. ઢગલાં જેવા એ વિચિત્ર દેખાતા વાળ માંથી પરસેવો ઉભરાઇને તેની ગરદને રગડવો શરૂ થયો હતો. એ પરસેવાથી અને રૂમમાં ઉડતી ઝીણી ધૂળથી તે ખરેખર પરેશાન થઇ ઉઠી હતી. અને... તેણે એવું કંઇક કર્યુ, જે ત્યારે કોઇએ જોયું હોત તો આશ્વર્યથી આભો જ બની ગયો હોત.

તેણે પોતાનાં બંને હાથ માથા સુધી ઉંચા કર્યા અને કદરૂપા દેખાતા વાળનાં જથ્થાને એક જ ઝાટકે ખેંચીને હાથમાં લઇ લીધાં. એ તેનાં નકલી વાળ હતાં. માથા ઉપરથી જાણે કોઇ મોટો બોજ ઉતરી ગયો હોય એમ તેને “ હાશ” થઇ, અને સાથોસાથ તેનાં ભૂખરાં સિલ્કી વાળ ઉજાગર થયા. એ પછી તે અટકી નહીં અને જોતજોતામાં તેણે પોતાનાં શરીર ઉપર ધારણ કરેલો ઘરડી ઉંમરની સ્ત્રી નો પહેરવેશ ઉતારી નાંખ્યો. હવે તે પોતાનાં અસલ રૂપમાં આવી હતી. આ બધું કરતાં માત્ર ગણતરીની ક્ષણો જ લાગી હતી. જાણે કોઇ સાપ તેનાં શરીર ઉપરથી કાંચળી ઉતારે એમ ક્લારા પ્રુનરે પોતાનો બુઢ્ઢી ઔરતનો વેશ ઉતારી નાંખ્યો હતો. ગરમી અને પરસેવાથી ત્રસ્ત તેનાં શરીરને એનાથી જબરી રાહત મળી હતી. તે જાણતી હતી કે જેટલી ઝડપે તેણે પોતાનો સ્વાંગ ઉતાર્યો હતો એટલી જ ઝડપે તે એ ફરી ધારણ કરી શકે તેમ છે. એટલે જ એક અજાણી જગ્યાએ બહું મોટું જોખમ તેણે લીધું હતું. પ્રોફેસર થોમ્પસન અને રોગન બધું તપાસતા તેને જ જોઇ રહયા હતાં.

ક્લારા ત્યાંથી આગળ વધીને પાછલી દિવાલે ઉભેલા જરી-પુરાણા દેખાતા એક કબાટ તરફ ચાલી હતી અને કબાટ ખોલી તેમાં મુકાયેલા પુસ્તકો વિંખવા લાગી હતી. એ પુસ્તકોનાં થપ્પામાં તેનાં મતલબનું કંઇ નહોતું એટલે નજર ઉઠાવી તેણે કબાટની ઉપર મુકેલાં બે લંબચોરસ ખોખાં તરફ હાથ લંબાવ્યો. એ ખોખાં ભારે જણાતાં હતાં. જરુર તેમાં પણ કંઇક ભર્યુ હતું. તે એ ખોખાને નીચે ઉતારવાની કોશિષમાં લાગી. બરાબર એ સમયે જ.... સ્ટોરરૂમનું બારણું અચાનક ખુલ્યું હતું અને રાજન બિશ્નોઇ અંદર દાખલ થયો હતો. કોઇ યુવતીને કબાટમાં કશુંક શોધખોળ કરતાં જોઇને તે ચોંકયો હતો, અને સાવ ધીમા પગલે તે એ તરફ આગળ વધ્યો હતો. જે ખરેખર તેણે કરવા જેવું નહોતું.

( ક્રમશઃ )