મોનિકા
મિતલ ઠક્કર
પ્રકરણ-૭
મોનિકાને સારા દિવસો જાય છે એ વાત જાણી અવિનાશ ખુશીથી ઉછળી પડવાને બદલે છળી ગયો હતો. તેને આવી કોઇ કલ્પના જ ન હતી. હજુ તો લગ્નજીવન શરૂ થયું હતું. તે બે વર્ષ સુધી બાળક માટે વિચારવા માગતો ન હતો. મોનિકાએ તેને ઘણી વખત કહ્યું હતું કે આપણે બાળક જલદી લાવવું જોઇએ. મોનિકા પાસે પૂરતા કારણો હતા. પોતાની ઉંમર આમ તો વધુ ન હતી. પણ અવિનાશની ઉંમરને જોતાં બાળક લાવી દેવાની જરૂર હતી. અને બળવંતભાઇ પોતાનું ઘર નાના બાળકની કિલકારીથી ગુંજી ઊઠે એની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા. રેવાન પણ એક વખત કહી ચૂક્યો હતો કે તે દિયર પછી કાકાનો હોદ્દો જલદી મેળવવા માગે છે.
બધાની અપેક્ષાઓ સામે અવિનાશના પોતાના કારણો હતા. તે લગ્નજીવનનો આનંદ માણવા માગતો હતો. બાળક આવ્યા પછી મોનિકા વ્યસ્ત થઇ જવાની હતી. તેણે ઓછામાં ઓછું એક વર્ષ ફેમિલિ પ્લાનિંગનું આયોજન કર્યું હતું. અને વિદેશથી આવ્યો એ રાત્રે પણ તે આ બાબતે સાવધ હતો. મોનિકાને ગર્ભ રહી જાય એવી કોઇ શક્યતા જ ન હતી. અને ભૂલ થઇ હોય તો પણ ત્રણ મહિના તો થઇ જ ના શકે. તેણે શરીર સંબંધ બાંધ્યો એ વાતને બે મહિના જ થયા હતા. અવિનાશને કંઇ સમજાતું ન હતું. સ્થિર પાણીમાં એક કાંકરી પડે અને અનેક વમળ રચાય એમ તેના મનમાં વિચારો ફેલાયે જતા હતા. તે ખાતરી કર્યા વગર કોઇ વાત ઉચ્ચારવા માગતો ન હતો.
ઘરમાં આનંદનો માહોલ હતો. રેવાન તો દોડીને મીઠાઇ લઇ આવ્યો હતો. તેણે પોતાના હાથથી બધાને મીઠાઇ ખવડાવી. મીઠાઇનો સ્વાદ એને કડવો જેવો કેમ લાગ્યો? અવિનાશને થયું કે પોતાને ત્યાં બાળક આવવાનું છે એ વાતની પોતાના અંતરમાં કેમ ખુશી નથી? રેવાન પોતાનાથી વધુ ખુશી વ્યક્ત કરી રહ્યો છે. તે પરાણે પોતાનો ચહેરો હસતો રાખી રહ્યો હતો. અને એ પ્રયાસમાં તેને ગાલના સ્નાયુમાં દુ:ખાવો જણાતો હતો. તે જાણે એક મહોરુ પહેરીને બધાની સામે રજૂ થઇ રહ્યો હતો. પિતા બનવાના સમાચારની ખુશી અંતરમાં ઉમટી શકી ન હતી.
અવિનાશ અને મોનિકા એકલા પડ્યા. અવિનાશે પોતાના બેડરૂમનો દરવાજો બંધ કર્યો. મોનિકાને થયું કે અવિનાશ હમણાં આવીને તેને ભેટી પડશે. પોતે મા બનવાની છે એ મોટી ખુશી હતી. પણ તે કોઇ વિચારમાં ગરકાવ થઇ ગયો હોય એમ લાગતો હતો. મોનિકાએ નવાઇથી હળવાશના સ્વરમાં પૂછ્યું:"અવિનાશ! તમે તો બાળકની જવાબદારીની અત્યારથી જ ચિંતા કરવા લાગ્યા કે શું?"
"હં… ના-ના. આજે એક ક્લાયન્ટ સાથેની મીટીંગના એજન્ડા પર વિચારું છું."
"અરેરે! તમે તો ઘરમાં પણ ઓફિસની ચિંતા લઇને બેસી જાવ છો. ઘરના એજન્ડાની વાત કરો ને. એક વાત કહો ને? તમે કેવું ફીલ કરી રહ્યા છો?"
"હું...? હું તો ખુશ છું. આપણી ધારણા કરતાં આ ખુશી ઘણી વહેલી આવી ગઇ!"
"અરે એ કંઇ આપણા હાથમાં છે? મને પણ ખબર ન હતી કે તમે આવી ભૂલ કરશો!"
"મારી ભૂલ? આપણે તો એક વરસ સુધી બાળક લાવવાનું ન હતું. મને કોઇ ઉતાવળ ન હતી...."
"જાવ જાવ હવે! છોડો આ બનાવટી વાતો! સાંભળો, સાંજે મારા ઘરનાં બધાં આવવાના છે. તમે થોડા વહેલા આવી જજો. બધા આપણાને મળવા આવવાના છે..."
મોનિકાને ઘરમાં ઘણું કામ હતું. તે તરત પોતાના કામે લાગે ગઇ. કામ કરતી વખતે તે વિચારવા લાગી. અવિનાશ બહુ ખુશ નથી કે શું? તેને ઉતાવળ ન હતી પણ આવી જ ગયું તો હવે શું કરવાના? એણે પણ ધ્યાન રાખવું જોઇએ ને? હશે જોયું જશે! મોનિકા બધું ભૂલીને રસોઇ બનાવવા લાગી.
સાંજે મોનિકાના પિતા ધીમંતભાઇ, માતા આરતીબેન અને નાની બહેન કુસુમ આવી પહોંચ્યા. બળવંતભાઇએ બધાને આવકાર્યા. અને બંને પરિવારોએ એકબીજા સાથે મોનિકા-અવિનાશના બાળકના આગમનની ખુશી વ્યક્ત કરી. બળવંતભાઇએ મોનિકાના વખાણ કર્યા.
"ધીમંતભાઇ, તમારી મોનિકા હવે અમારી દીકરી થઇ ગઇ છે. બધાનું ધ્યાન રાખે છે."
"આ તો અમારા માટે આનંદની વાત છે. અમે વિચારતા હતા કે મોનિકા વહુ બનીને પારકા ઘરે જશે તો કેવી રીતે રહેશે? પણ એ તો ફરી દીકરીની જ ભુમિકામાં છે!"
"હા, એ ક્યારેય ફરિયાદનો મોકો આપતી નથી. એના માટે સાસરું પારકું નહીં પોતાનું ઘર છે. તમારા સંસ્કાર સુપેરે દીપાવી રહી છે. પૂછોને રેવાનને..."
"હા, અંકલ. મોનિકાભાભી આવ્યા પછી આ બંગલો હવે ઘર લાગે છે. અવિનાશભાઇ તો નોકરીમાં વધુ વ્યસ્ત રહે એટલે મારે ભાભી સાથે નોંકઝોંક અને મજાક-મશ્કરી થતી રહે છે!" રેવાને ખુશ થઇ કહ્યું ત્યાં મોનિકાની બહેન કુસુમ બોલી ઊઠી:"પણ હવે મારી મોટી બહેનનું વધારે ધ્યાન રાખજો. થોડા મહિના પછી તો અમે લઇ જવાના છે."
"ના. ભાભી તો અહીં જ રહેશે. તને એમની ચિંતા હોય તો તું અહીં રહેવા આવી જજે!"
"ના. એવું ના બને." કુસુમે આત્મવિશ્વાસથી કહ્યું.
"હવે ભાભી જ તને જવાબ આપી દેશે...!" રેવાન પણ જીદ પર હતો.
"અરે! તમે બંને ભેગા થાવ છો એટલે ઝઘડવાનું શરૂ કરી દો છો." આરતીબેન વચ્ચે બોલ્યા.
ત્યારે બળવંતભાઇએ કહ્યું:"રેવાન, પહેલી ડિલિવરીમાં મોનિકાને પિયર મોકલવી પડે."
પણ રેવાન બોલ્યો:"પપ્પા, આ જમાનામાં તો બધા એક જ બાળક લાવે છે! ફરી આપણા ઘરનો વારો કેવી રીતે આવશે."
બધાં હસી પડ્યા.
ધીમંતભાઇ કહે, "વેવાઇ, આપણા જમાઇરાજ કેમ હજુ પધાર્યા નથી."
"આજે ઓફિસમાં કામ વધારે રહેવાનું છે એમ કહેતો હતો. કદાચ મોડું થશે. પણ તમારે ક્યાં ઉતાવળ છે. જમીને જ જવાનું છે."
"ના વેવાઇ, જમવાનું આજે નહીં. ફરી ક્યારેક. અમે થોડીવાર બેઠા છે." કહી ધીમંતભાઇએ રાજકારણની વાત શરૂ કરી.
મોનિકા ઊઠીને નાસ્તો લેવા ગઇ. તેની પાછળ કુસુમ ગઇ. અને પાછળ પાછળ રેવાન ગયો.
મોનિકા ડબ્બામાંથી નાસ્તો કાઢતી હતી ત્યારે કુસુમ પાછળથી તેને ભેટી પડી. "મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ દીદી!"
"થેન્કયુ. તારું ભણવાનું કેવું ચાલે છે?"
"બસ સરસ દીદી."
"છેલ્લું વરસ છે ધ્યાન આપજે."
"દીદી, હવે તમે બહુ કામ ના કરતા. આરામ વધારે કરજો!"
ત્યાં આવે પહોંચેલો રેવાન બોલ્યો:"દીદીની આટલી જ ચિંતા હોય તો તું અહીં રહી પડને!"
કુસુમ શરમાઇ ગઇ. તે કંઇ બોલી ના શકી. પણ રેવાન ઉત્સાહમાં બોલ્યો:"તું કહે તો હમણાં જ તારા અને મારા પપ્પાને વાત કરું. તને ભણાવવાનું પણ હું કરીશ. હું તારાથી એક વર્ષ સિનિયર છું. મને બધું આવડે છે..."
"રેવાનભાઇ! ઘરે મમ્મી-પપ્પા એકલા જ છે. એમને પણ સહારો જોઇએ ને?" મોનિકા બોલી.
"ભાભી, આજે નહીં તો કાલે એમણે એક્લા રહેવાનું જ છે." રેવાનનો ઇશારો કુસુમના સાસરે જવાનો હતો.
ત્યાં આરતીબેન "મોનિકા..." ના નામની બૂમ પાડતા આવ્યા એટલે ત્રણેય ચૂપ થઇ ગયા.
"બેટા, બહુ કંઇ લાવતી નહીં..."
"હા મા." કહી મોનિકા ડિશ ભરવા લાગી.
નાસ્તો અને આઇસ્ક્રિમ ખાધા પછી ધીમંતભાઇએ નીકળવાની વાત કરી.
મોનિકાએ ઇશારો કર્યો એટલે રેવાને અવિનાશને ફોન જોડ્યો. અવિનાશનો ફોન વ્યસ્ત આવતો હતો. બીજી દસ મિનિટ નીકળી ગઇ. ફોન સતત વ્યસ્ત આવતો હતો. રેવાને કહ્યું કે ભાઇ બહુ વ્યસ્ત લાગે છે. મોનિકાનો પરિવાર તેને કાળજી રાખવાનું કહી નીકળી ગયો.
અડધો કલાક પછી અવિનાશનો ફોન આવ્યો કે તેને હજુ મોડું થશે. બધાએ જમીને પરવારી જવું.
મોનિકા પોતાના બેડરૂમમાં અવિનાશની રાહ જોતી બેઠી હતી.
અવિનાશ રાત્રે આવ્યો ત્યારે થાકેલો દેખાતો હતો. મોનિકાને લાગ્યું કે તેણે થોડો નશો કર્યો છે. તેણે ટકોર કરી. "અવિનાશ હવે આ બધું બંધ કરો. આવનારા બાળકનું વિચારો."
"પણ હું શું કરું? નોકરી જ એવી છે. પાર્ટી સાથે જઇએ એટલે સાથ આપવો પડે. હું બહુ લેતો નથી. કંપની આપવા જ એક-બે પેગ લઉં છું."
અવિનાશ કપડાં પહેરીને આડો પડ્યો એટલે મોનિકાએ પોતાના મમ્મી, પપ્પા અને બહેન આવ્યા હતા એની વાત કરી. અને રેવાન પોતાને અહીં જ રાખવા માગતો હતો એની વાત કરી હસી.
"મોનિકા હજુ તો તું ઘણા મહિના છે ને?"
"શું ઘણા? ત્રણ તો પૂરા થશે. સમય જતાં વાર લાગે છે?"
"પણ મને એમ કે બે મહિના જ થયા છે!" અવિનાશ મોનિકા પાસે કોઇ વાત કઢાવવા બોલ્યો.
"હા, તમારે તો મને વધારે સમય સાથે રાખવી હોય એટલે એવું જ વિચારોને?" કહી મોનિકા પ્રેમથી અવિનાશને બાઝી પડી. અવિનાશનું મોં તેની છાતીમાં દબાયું. તેને લાગ્યું કે છતીમાં કશુંક ખૂંચી રહ્યું છે. તે કંઇ બોલી શક્યો નહી. પણ મનોમન તેણે એક નિર્ણય લઇ લીધો હતો. આ નિર્ણય લેવા માટે તે આજે આખો દિવસ ઓફિસ પર જ ગયો ન હતો. તે એક હોટલના રૂમમાં બેસીને એ નિર્ણય માટે વિચારતો રહ્યો હતો. તેણે નિર્ણય પર મહોર મારવા શરાબનો સહારો લીધો હતો. મોનિકાને એની કોઇ ખબર ન હતી! મોનિકા એવું વિચારી શકે એમ પણ ન હતી.
વધુ હવે પછી...