મોનિકા ૧ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

મોનિકા ૧

મોનિકા

મિતલ ઠક્કર

પ્રકરણ-૧

આખરે અવિનાશના લગ્ન લેવાઇ ગયા. તે મોનિકાને પરણીને લઇ આવ્યો હતો.

ઘરમાં વર્ષો પછી કોઇ સ્ત્રીના પગલાં પડ્યાં અને આખું ઘર જાણે ઝગમગી ઊઠ્યું. ભાઇ રેવાન અને પિતા બળવંતભાઇ તો અવિનાશથી વધુ ખુશ દેખાતા હતા. હવે ઘર સંપૂર્ણ થયું હતું.

અવિનાશ અને મોનિકા તેમના બેડરૂમમાં પ્રવેશ્યા ત્યારે અંદરની નયનરમ્ય સજાવટ જોઇને ખુશ થઇ ગયા. સુંદર ફૂલોથી સજાવેલા કમરામાં સુંદર મહેક આવી રહી હતી. બંને રોમાંચિત થઇ ગયા. રેવાન તેમની પાછળ જ હતો.

"વાહ દિયરજી, તમે તો સ્વર્ગની જેમ રૂમ સજાવ્યો છે." મોનિકાએ કમરો જોઇ ખુશી વ્યક્ત કરી.

"તમે મારા ભાઇ માટે સ્વર્ગમાંથી ઉતરી આવ્યા છો! એટલે માહોલ તો મારે બનાવવો જ પડેને ભાભીજી!" રેવાને હસીને જવાબ આપ્યો. અને તે "ગુડ નાઇટ ફર્સ્ટ નાઇટ!" કહીને જવા લાગ્યો.

"અરે! દિયરજી, તમે ક્યાં ભાગ્યા? બેસો તો ખરા!" મોનિકાએ હાથથી ઇશારો કરી રેવાનને અંદર આવવા કહ્યું.

"ભાભી! હું તો ક્યાંય ભાગતો નથી. નીચે જ બેઠો છું. પણ આ મારા ભાઇને ભાગવા દેતા નહીં. બહુ મુશ્કેલીથી તમારા હાથમાં આવ્યા છે!" રેવાને હસીને કહ્યું.

"તમારા દિયર-ભાભીનો એપિસોડ પૂરો થાય તો હું કંઇક કહું?" અવિનાશે બંને પાસે બોલવાની પરવાનગી માગી.

"ભાઇ, તમારે હવે કંઇ કહેવાની જરૂર નથી. ખબર છે કે તમને ઉતાવળ છે! અમારી દિયર-ભાભીની મજાક-મસ્તી તો હવે ચાલતી જ રહેશે. તમે અત્યારે આરામ કરો. સવારે મળીએ." કહી અવિનાશને બોલવા દીધા વગર રેવાન ધડધડ દાદર ઊતરી ગયો.

"મસ્તીખોર છે!" મોનિકા બોલી.

"બહુ બોલકણો છે. તારે કંપની રહેશે મોનિકા." કહી અવિનાશ બેડ પર બેઠો.

"કેમ તમે બોલવાની બાધા લીધી છે? મોનિકાએ હસતાં હસતાં પૂછ્યું.

"આમ પણ લગ્ન પછી પતિએ બહુ બોલવાનું ક્યાં હોય છે!" કહી મોનિકાની મજા લેતો અવિનાશ બેડ પર પડ્યો. અને બોલ્યો:"પપ્પા અને રેવાને બોલી બોલીને મને પરણાવ્યો છે, બોલ ખબર છે તને? આ બંદા લગ્નની બેડીમાં હમણાં બંધાવવા માગતા ન હતા."

***

બળવંતભાઇ આકરા પાણીએ ના હોત તો અવિનાશ લગ્ન માટે જલદી તૈયાર થયો ના હોત. બળવંતભાઇ છેલ્લાં ઘણાં વર્ષોથી અવિનાશના લગ્ન કરવા માગતા હતા. અવિનાશ એન્જીનીયર બન્યા પછી એક મલ્ટીનેશનલ કંપનીની નોકરીમાં એટલો વ્યસ્ત રહેતો હતો કે તેની લગ્નની ઇચ્છા હોવા છતાં મોડું જ થતું રહ્યું. એને ત્રીસમું બેઠું એટલે બળવંતભાઇ અકળાયા. બળવંતભાઇની ઉતાવળ પાછળ ચોક્કસ કારણ હતું. પત્ની પાર્વતીના અવસાનને દસ વર્ષ થઇ ગયા હતા. ઘરમાં કોઇ સ્ત્રી ન હતી. બીજો નાનો પુત્ર રેવાન કોલેજના છેલ્લા વર્ષમાં આવી ગયો હતો. તે પણ ભાઇને લગ્ન માટે મનાવતો હતો. તે એકલો કંટાળતો હતો. ઘરમાં હવે કરફ્યુ જેવું વાતાવરણ રહેતું હતું. બળવંતભાઇ ભક્તિમાં લીન રહેતા હતા અને અવિનાશ તેની નોકરીમાંથી જ ઊંચો આવતો ન હતો. ઘર એ ઘર જેવું લાગતું જ ન હતું. હવે ઘરમાં કોઇ સ્ત્રી પગલાં પાડે અને પછી પગલીનો પાડનાર પણ આવે એવી લાગણી બળવંતભાઇ અને રેવાનની હતી. એક મોટો અવિનાશ હતો જે ઉંમર વીતી રહી હોવા છતાં ઘરસંસાર શરૂ કરવા તૈયાર થઇ રહ્યો ન હતો. રસોઇ અને વાસણ-કપડાં માટે બાઇ આવી જતી હતી. બીજી કોઇ સમસ્યા ન હતી. પણ ઘરની સ્ત્રી વગર પરિવાર અધૂરો હતો.

એ દિવસે બળવંતભાઇએ રેવાન સાથે મસલત કરી અને નક્કી કરી લીધું કે આજે કોઇપણ રીતે અવિનાશને લગ્ન માટે તૈયાર કરવાનો. ત્યારે દરરોજ રાત્રે આઠ વાગે આવતો અવિનાશ દસ વાગે પણ આવ્યો ન હતો.

બળવંતભાઇએ રેવાનને કહ્યું:"ક્યાંક તેં ચાડી ખાધી નથી ને?"

"ના પપ્પા, હું તો તમારા પક્ષમાં છું." રેવાન બોલ્યો.

"ભાઇ, આજના છોકરાઓ પક્ષપલટુ નેતાઓ જેવા જ હોય છે. તેં ખાનગીમાં એને કહી દીધું હોય તો આજે કામના બહાને ના પણ આવે." બળવંતભાઇને હજુ રેવાન પર શંકા હતી.

"પપ્પા, હું સાચું કહું છું. જુઓ આ ફોન લગાવ્યો... સ્પીકર પર જ વાત કરીએ." રેવાને પોતાની સાબિતિ આપવા પ્રયત્ન કર્યો.

ફોનની રીંગ વાગી રહી હતી. કેટલીક રીંગ પછી અવિનાશે ફોન ઉઠાવ્યો.

"બોલ ભાઇ" અવિનાશે રેવાનનો નંબર જોઇ કહ્યું.

"હવે બોલવા જેવું શું બાકી રાખ્યું છે. તમે કેટલા વાગે આવવાનું કહ્યું હતું એ પપ્પાને કહો, ફોન સ્પીકર પર જ છે." રેવાને નારાજ થઇને કહ્યું.

"હા પપ્પા, હું આઠ વાગે આવી જવાનો હતો. પણ વિદેશથી એક ડેલીગેશન આવ્યું છે એને હોટેલમાં થાળે પાડવામાં મોડું થઇ ગયું છે. પણ ચિંતા ના કરશો હું કલાકમાં ઘરે હોઇશ."

"હા, ચાલ હવે જલદી આવજે..." બળવંતભાઇએ તેનો સમય બગાડ્યા વગર ફોન કટ કરી દીધો.

કલાક સુધી બંને મૂગા મૂગા ટીવી પર સમાચારની ચેનલો જોતા રહ્યા.

અગિયાર વાગે અવિનાશ આવ્યો ત્યારે તેના ચહેરા પર થાક વર્તાતો હતો.

"ભાઇ, ફ્રેશ થઇને આવી જાવ. હું થાળી પીરસી રાખું છું." રેવાને કહ્યું.

"પણ વાત શું છે પપ્પા, તમે બહુ ગંભીર દેખાવ છો. તબિયત તો સારી છે ને? બધી દવાઓ નિયમિત લો છો ને?" અવિનાશે કપડાં બદલી હાથ ધોતાં કહ્યું.

"મારી તબિયતની ચિંતા તારે ના કરવી પડે એટલે તને હવે મારે કંઇક કહેવું છે. તું પહેલાં જમી લે." બળવંતભાઇ શાંતિથી વાત કરવા માગતા હતા.

અવિનાશે વિદેશી મહેમાનો સાથે થોડું ખાધું હતું એટલે બહુ ખાઇ શક્યો નહી. તે જમીને હોલમાં આવ્યો ત્યારે બળવંતભાઇ અને રેવાન તેની રાહ જોતાં બેઠા હતા.

"આ બંગલો તને કેવો લાગે છે?" બળવંતભાઇએ તેને પૂછ્યું એટલે નવાઇથી ચારે તરફ નજર નાખી અવિનાશ બોલ્યો. :"પપ્પા, બંગલો થોડો જૂનો થયો છે. રંગ ઝાંખો થયો છે. ઉપરના આપણા ત્રણેયના બેડરૂમ તો સારા છે. તમે કહેતા હોય તો રંગ કરાવી દઇએ."

"રેવાન, હવે આને કઇ ભાષામાં સમજાવું કે આ બંગલો હવે ભૂતબંગલા જેવો લાગે છે એ..." બળવંતભાઇ સહેજ ચિડાયા.

"ભાઇ, હવે તમે લગ્ન માટે કેટલી રાહ જોવડાવવાના છો એ કહો. મા હોત તો તમારો કાન પકડીને ક્યારનાય લગ્નની ચોરીમાં બેસાડી દીધા હોત." રેવાને બળવંતભાઇનો ઇશારો સમજાવ્યો.

"તમે કેમ ઉતાવળ કરો છો? મારે હજુ નોકરીમાં એક પ્રમોશન લેવાનું છે. વધારેમાં વધારે છ કે બાર મહિના લાગશે. હમણાં ઓફિસના કામે આંટા-ફેરા વધારે છે. પછી તમે કહેશો તેની સાથે સાત ફેરા ફરી લઇશ. હમણાં લગ્ન કરીશ તો એને સમય આપી નહીં શકું." અવિનાશે પોતાનું આયોજન કહ્યું.

બળવંતભાઇ હવે ઉગ્ર થયા:"જો તું વર્ષોથી આવું જ કહેતો આવ્યો છે. તારી વધતી ઉંમરનો તને કંઇ ખ્યાલ છે કે? ત્રીસની ઉપર ચાલી જઇશ પછી છોકરીઓ તારી સાથે લગ્ન કરવા જલદી તૈયાર નહીં થાય. બધી છોકરીઓ તારા હા પાડવાની રાહ જોઇને બેસી રહી નથી."

"પણ પપ્પા, હવે થોડા મહિના રોકાઇ જાવને!" અવિનાશ ધીમેથી કરગર્યો.

"ના હવે હું તારું કંઇ સાંભળવાનો નથી." બળવંતભાઇ આજે જીદે ચઢ્યા હતા.

"એક રસ્તો છે. તમારે વહુ જ લાવવી છે ને ? તો આપણે રેવાનને પરણાવી દઇએ." અવિનાશે બળવંતભાઇને ઉપાય સૂચવ્યો.

રેવાન વચ્ચે જ કૂદી પડ્યો. "ભાઇ, હું તો ઘોડે ચઢવા તૈયાર છું. તમારી જેમ વર્ષો બગાડવા માગતો નથી. પણ આ પપ્પા માનતા નથી."

અવિનાશ સમજી ગયો કે બંનેની મિલિભગત છે. તેણે છેલ્લો પ્રયત્ન કરી જોયો:"પપ્પા, આવતા મહિને હું વિદેશની ટ્રીપ પરથી પાછો આવું એ પછી આપણે છોકરીઓ જોવાનું શરૂ કરી દઇએ."

"છોકરીઓ તો મેં જોઇને રાખી છે. તારે મત્તુ જ મારવાનું છે."

"શું વાત કરો છો!" અવિનાશને થયું કે બંને પૂરી તૈયારી સાથે બેઠા છે.

આનાકાની કરતા અવિનાશને આખરે બળવંતભાઇએ અલ્ટીમેટમ આપી દીધું કે જો તે એક માસમાં લગ્ન નહીં કરી લે તો તેઓ વૃધ્ધાશ્રમમાં ચાલ્યા જશે.

અવિનાશ પાસે બીજો કોઇ રસ્તો ન હતો.

તે છોકરી જોવાની ઝંઝટમાંથી છટકવા માગતો હોય એમ મજાકમાં કહ્યું:"એવું ના થાય કે મારા વતી રેવાન છોકરીઓ જોઇ આવે?!"

"અરે! તારે આખી જિંદગી એની સાથે જીવવાની છે. તારે જાતે જ જવું પડે. આવી વાતમાં આળસ ના ચાલે. હવે લાંબી વાતો છોડ. આ....લે યાદી. કાલથી જ આપણે બંને છોકરીઓ જોવાનું શરૂ કરી દઇએ." બળવંતભાઇએ ટેબલના ખાનામાંથી યાદી કાઢી તેને બતાવતાં કહ્યું.

"પણ પપ્પા રેવાન સાથે આવે તો સારું." અવિનાશને એકલા પપ્પા સાથે જવાનું ગમતું ન હતું.

"અરે! છોકરી જોવા કોણ આવ્યું છે એમાં ગૂંચવાડો થશે તો? તમારો બંનેનો ચહેરો અને બાંધો આમ તો સરખા જેવો છે. રેવાને થોડી દાઢી રાખી છે એટલો જ ફરક છે." બળવંતભાઇએ ડર વ્યક્ત કર્યો.

અવિનાશ આ બાબતે માન્યો નહીં. તેણે રેવાનને સાથે લેવાની જીદ કરી એટલે બળવંતભાઇએ નમતું જોખવું પડ્યું.

અવિનાશે બીજા દિવસથી જ છોકરીઓ જોવાનું શરૂ કરી દીધું. પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિ થઇ. પહેલી ત્રણ છોકરીઓને અને તેના પરિવારને અવિનાશ ગમી ગયો. પણ અવિનાશની ઉંમર સામે વાંધો પડ્યો. બંને વચ્ચેનું આઠ-દસ વર્ષનું અંતર હોવાથી આ બાબતે છોકરીના મા-બાપ કોઇ બાંધછોડ કરવા માગતા ન હતા.

રાત્રે બળવંતભાઇ ખિજવાયા:"હું વર્ષોથી કહેતો હતો કે હવે છોકરીઓ જોવા માંડ જોવા માંડ. પણ મારું સાંભળતો જ ન હતો." પણ પછી માંડ માંડ તૈયાર થયેલા અવિનાશનો ઉત્સાહ વધારવા બોલ્યા:"તું ચિંતા ના કર અવિનાશ. હું થોડી વધુ ઉંમરની છોકરીઓ શોધી કાઢીશ."

વળી છોકરીઓ જોવાનું શરૂ થયું.

એક પછી એક છોકરીઓ જોવાતી ગઇ. અને મોનિકાનો વારો આવ્યો. મોનિકાની ઉંમર પચીસ સુધી પહોંચી ગઇ હતી. તે ભણેલો-ગણેલો અને મોટી પોસ્ટ પર નોકરી કરતો છોકરો શોધતી હતી. બળવંતભાઇને પણ ઘર પસંદ આવ્યું. તેના પરિવારમાં એક નાની બહેન નમિતા જ હતી. તેમનું પોતાના જેવું નાનું કુટુંબ સુખી કુટુંબ બળવંતભાઇને વધારે પસંદ આવ્યું હતું. આ તરફ મોનિકાના માતા-પિતા પણ સાસુ-નણંદ ન હોવાથી છોકરી વધુ સુખી રહેશે એવું વિચારી રાજી હતા.

અવિનાશે મોનિકા માટે હજુ જવાબ આપ્યો ન હતો. બળવંતભાઇ ઉતાવળ કરતા હતા. એક સારી જગ્યા જવાની તેમને ચિંતા હતી.

બે દિવસ રાહ જોઇને તેમણે અવિનાશને કહી દીધું:"આજે મારે જવાબ જોઇશે."

આખરે અવિનાશે પોતાના દિલની વાત કહી દીધી:"મને તો મોનિકા પસંદ આવી છે. રેવાન, તારું શું કહેવું છે?"

ત્યાં બળવંતભાઇ બોલી ઉઠ્યા:"એને શું વાંધો હોય. લગન તારે કરવાના છે."

"પપ્પા, એનો અભિપ્રાય પણ જરૂરી છે. હું પત્ની પસંદ કરું છું તો એણે ભાભી પણ પસંદ કરવાની છે." અવિનાશ રેવાનના અભિપ્રાયને મહત્વ આપતો હતો.

"તમને છોકરી ગમી છે તો હા પાડી દો. હું હજી ભાભી તરીકે તેમની કલ્પના કરી શક્યો નથી. હું તમારી જોડે તમારા માટે છોકરી જોવા આવ્યો હતો. ભાભી જોવા નહીં!" રેવાને મજાક કરતાં પોતાનો અભિપ્રાય આપી દીધો.

અને બળવંતભાઇએ મોનિકાના પિતાને હા કહેવડાવી દીધી.

અવિનાશ અને મોનિકાના જેટલી ઝડપથી લગ્ન નક્કી થયા એટલી જ ઝડપથી લેવાઇ પણ ગયા.

***

પહેલી રાત ઉજવવા માટે થનગનતી મોનિકાએ લગ્ન માટે અવિનાશ કેવી રીતે તૈયાર થયો તેની બધી વાત ટૂંકમાં સાંભળી લીધી. હવે તે વધારે રાહ જોવા માગતી ન હતી. પહેલો અનુભવ કરવા મોનિકાએ અંગડાઇ લઇને અવિનાશને આકર્ષવાનું શરૂ કર્યું. શરમના આવરણ એક પછી એક દૂર થઇ રહ્યા હતા. આછા અજવાળામાં બંને તરફ લાવા ભડકી રહ્યો હતો. અવિનાશ પણ રોમેન્ટિક મિજાજમાં આવી ગયો હતો. તેનો અંગેઅંગ પર થતો સ્પર્શ મોનિકાને એક નવી જ અનુભૂતિ કરાવી રહ્યો હતો. બે શરીર એક થવા માટે થનગની રહ્યા હતા. અવિનાશ તેની સાથે પ્રેમ કરી રહ્યો હતો પણ શરૂઆત કરી રહ્યો ન હતો. મોનિકા શરીર સંબંધ બાંધવા ઉતાવળી બની હતી. તેણે સખીઓ પાસેથી પહેલી રાતના રોમાંચ અને આનંદના અનુભવની ઘણી વાતો સાંભળી હતી.

અવિનાશ થોડીવારે તેનાથી અળગો થઇ ગયો.

"કેમ શું થયું?" મોનિકાને સપનું તૂટી ગયું હોય એમ લાગ્યું.

"હવે સૂઇ જઇએ." અવિનાશે સહેજ નિરાશાના સૂરમાં કહ્યું.

"કેમ?" મોનિકાએ નવાઇથી પૂછ્યું.

"મારો મત છે કે સુહાગરાત લગ્નના બે-ત્રણ દિવસ પછી મનાવવી જોઇએ. કામસૂત્રમાં પણ એવું લખ્યું છે. છોકરી માનસિક અને શારીરિક રીતે સજ્જ થવી જોઇએ. નવું ઘર, નવો પરિવાર, નવો માહોલ બધું જ નવું હોય ત્યારે તેને થોડો સમય મળવો જોઇએ....ગુડનાઇટ સ્વીટડ્રીમ્સ!" કહી અવિનાશ સૂઇ ગયો.

મોનિકા "સ્વીટડ્રીમ્સ" બોલી શકી નહી. તે જીવનનો નવો અનુભવ કરવા ઉત્સુક હતી. પણ તેનું સપનું તૂટી ગયું. તે શરમને કારણે પોતાના દિલની વાત અવિનાશને કહી શકી નહીં. અવિનાશનું વર્તન તેને થોડું અજીબ લાગ્યું. આજના જમાનામાં લગ્ન સુધી ઘણાં યુગલ રાહ જોતા નથી. સગાઇ પછી મોકો શોધીને પહેલી રાતનો અનુભવ વહેલો મેળવે લે છે. ત્યારે અવિનાશ લગ્ન પછી તેને રાહ જોવાનું કહી રહ્યો છે. તેના મનમાં અચાનક સવાલ થયો. "ક્યાંક અવિનાશ નપુંસક તો નથી ને? તે જલદી લગ્ન કરવા તૈયાર ન હતો એમ કહેતો જ હતો. તેના પિતા અને ભાઇના હઠાગ્રહને કારણે તૈયાર થયો હતો. કે પછી બીજું કોઇ કારણ છે....?"

વધુ હવે પછી...

રેટ કરો અને રિવ્યુ આપો

Vijay

Vijay 12 માસ પહેલા

Vaishali

Vaishali 1 વર્ષ પહેલા

Jagruti Upadhyay

Jagruti Upadhyay 1 વર્ષ પહેલા

Mamta Soni Pasawala

Mamta Soni Pasawala 1 વર્ષ પહેલા

Hardas

Hardas 1 વર્ષ પહેલા