મોનિકા ૯ (અંતિમ) Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

મોનિકા ૯ (અંતિમ)

મોનિકા

મિતલ ઠક્કર

પ્રકરણ-૯ (અંતિમ)

રેવાનના શબ્દ શબ્દએ અવિનાશના રુંવે રુંવે આગ લગાવી દીધી હતી. છેલ્લા ઘણા દિવસોથી તે જે વિચારતો હતો એ જ આખરે સત્ય બનીને બહાર આવ્યું હતું. ખુદ રેવાને તેના મોંએ ધ્રૂજતા શબ્દોએ કબૂલાત કરી હતી કે મોનિકાના પેટમાં તેનું બાળક છે. તેણે આખા પરિવારની સામે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. તેનો એકરાર જ તેને ગુનેગાર સાબિત કરી દેતો હતો. તેણે મોનિકાના પેટમાં પોતાનું બાળક હોવાથી જ કહી દીધું કે "આ બાળક મારું છે.."

અવિનાશે જોયું કે રેવાનના શબ્દોથી મોનિકાના ચહેરા પર કોઇ આશ્ચર્યના ભાવ ન હતા. તેની વાતમાં જાણે સંમતિનો અણસાર હતો. પણ બળવંતભાઇ રેવાનની વાતથી ચોંકી ઊઠ્યા હતા. તેમનો સ્વર ઊંચો થઇ ગયો: "આ શું બકે છે રેવાન? આ બાળક તારું કેવી રીતે થઇ ગયું?"

બળવંતભાઇના આક્રોશવાળા ચહેરા સામે જોઇને રેવાન શાંત સ્વરે બોલ્યો:"પપ્પા, તમારે દાદા બનવું નથી? આ બાળક તમને દાદા બનાવશે. આ ઘરનો એ ચિરાગ બનશે..."

"મને અંધારામાં રાખીને આ ઘરમાં ચિરાગની વાત કરે છે." અવિનાશને એમ કહેવાનું મન થઇ ગયું પણ પપ્પાના જવાબની તે રાહ જોવા લાગ્યો.

બળવંતભાઇ હવે ક્રોધમાં આવી ગયા."રેવાન, તું શું બોલે છે એનું તને ભાન છે?"

"હું સાચું જ બોલું છું. આ બાળક હવે મારું છે. અવિનાશભાઇ બાળકને જન્મ અપાવવા માગતા નથી. ભાભીએ બાળકને જન્મ આપવો છે. એટલે મેં નક્કી કર્યું છે કે હું તેને દત્તક લઇ લઇશ..."

"વાહ! ભાઇએ સારી ચાલ રમી છે. પોતાના બાળકને દત્તક લઇને પાપ છુપાવી શકાય ને!" અવિનાશ મનોમન બબડ્યો.

"અરે એ તો આ ઘરનું બાળક હશે. એને દત્તક લેવાની વાત જ ક્યાં આવે છે?" રેવાનની વાતથી બળવંતભાઇ ગુંચવાયા.

"બાળક ઘરનું છે પણ હું તેનો પાલક પિતા બનીશ અને કુસુમ એની પાલક માતા બનશે."

"કુસુમ? એટલે કે મોનિકાની બહેન? રેવાન તું શું વાત કરી રહ્યો છે એ મને સમજાતું જ નથી..." બળવંતભાઇને રેવાન તરફથી એક પછી એક આંચકા મળી રહ્યા હતા.

રેવાનના અવાજમાં લાગણી હતી. :" જુઓ, આજે મેં ભાભીને મારો એક નિર્ણય જણાવ્યો છે.. અવિનાશભાઇને હમણાં બાળકની જરૂર ન હોવાથી ના પાડી રહ્યા છે. તેમને બે વર્ષ પછી બાળક જોઇએ છે. મને ભાઇની એ વાતની નવાઇ લાગે છે કે તે પોતાના બાળકને સ્વીકારી કેમ રહ્યા નથી? હવે જ્યારે કુદરતે તેમનું બાળક આ પૃથ્વી પર અવતરવા મોકલ્યું છે ત્યારે તેને જન્મવા દેવું જોઇએ. અને મોનિકાભાભી એને જન્મ આપવા તૈયાર છે. એ માટે મારે લગ્ન જલદી કરવા પડશે. હું તમને કહી શક્યો ન હતો પણ ભાભીની બહેન કુસુમને હું કોલેજકાળથી ચાહું છું. કુસુમ પણ મને પસંદ કરે છે. હું કોલેજ પૂરી કરું પછી નોકરીએ લાગીને તેની સાથે લગ્ન કરવાની વાત વિચારતો હતો. હવે પરિસ્થિતિ એવી ઊભી થઇ છે કે મારે કુસુમ સાથે લગ્ન કરી લેવા પડશે. આમ પણ મને એક નોકરી મળી જ જવાની છે. અને લગ્ન કરીશ તો ભાભીને સાથ મળશે. એ પણ તેમની જ બહેનનો....."

બળવંતભાઇ તો એકીટશે રેવાન સામે જોઇને તેની વાત સાંભળી રહ્યા હતા.

રેવાને અવિનાશ અને મોનિકા તરફ એક નજર નાખી વાતને આગળ ચલાવી:"પપ્પા, તમને વાંધો નથીને હું કુસુમને આ ઘરમાં લાવું તો?"

"બેટા, તું કુસુમને લાવે કે બીજી કોઇ છોકરીને. તને પસંદ હોય એ મારા માટે પૂરતું છે. અને કુસુમ તો ઘરની જ દીકરી છે. મોનિકાની જેમ આ ઘરમાં સમાઇ જશે."

"રેવાન, આટલા સમયથી તેં કુસુમ વિશે કંઇ કહ્યું જ નહીં? અને મોનિકા તું પણ છૂપી રીતે રેવાનને મદદ કરી રહી હતી ને?" અવિનાશને થયું બંનેને સવાલોથી ગૂંચવી દઉં અને સાચી વાત બહાર કઢાવું?"

રેવાને વાત કરી એના પરથી અવિનાશને એક વાતની રાહત થઇ કે રેવાન મોનિકાના બાળકને પોતાનું બાળક કહેતો ન હતો. તે દત્તક લઇને પોતાનું બનાવવાનું કહેતો હતો. તો શું પોતે ખરેખર દિયર-ભાભીના પવિત્ર સંબંધના બાબતે ખોટી શંકા કરી રહ્યો હતો કે પછી બંનેની આ કોઇ ચાલ છે? મોનિકાને ત્રણ મહિનાનો ગર્ભ કેવી રીતે હોય શકે? એ પ્રશ્ન ફરી ફરીને તેને નહોર મારી રહ્યો હતો.

મોનિકાએ પોતાની વાત કહી:"અવિનાશ, મને તો આજે જ ખબર પડી. રેવાને મને ઉદાસ જોઇ ત્યારે મેં એને કહી દીધું કે તમે બાળકને આ દુનિયામાં લાવવા માગતા નથી. એ સાંભળી રેવાન ચોંકી ગયો. તેણે આ વાતનો વિરોધ કર્યો. તેણે મને કહ્યું કે ભાઇનો આ નિર્ણય તદ્દન ખોટો છે. આ ઘર એક બાળકની કિલકારીઓ સાંભળવા તરસી રહ્યું છે. પપ્પા વર્ષોથી પોતાના પુત્રના બાળકને રમાડવા માગે છે. હવે જ્યારે ઘરમાં ખુશીનો સમય આવી રહ્યો છે ત્યારે એને પાછો ધકેલવો એ ક્યાંની બુધ્ધિમત્તા છે. તેણે ત્યારે એ વાતનું રહસ્ય ખોલ્યું કે તે મારી બહેન કુસુમને પસંદ કરે છે. બંને ઘણી વખત મારી હાજરીમાં લડતા રહેતા હતા. એટલે મને તો આવી કલ્પના પણ ન હતી. અને અવિનાશ, મને આજે ખબર પડી કે રેવાનભાઇ મારા ઘરે લગ્ન પહેલાં અને પછી કેમ વધારે આવતા હતા! એ મારું વધારે ધ્યાન કેમ રાખતા હતા એ આજે સમજાયું! એ મને મસ્કા મારતા હતા. હું તેનાથી પ્રભાવિત થઇ જઉં ને કુસુમ માટે હા પાડું..!" રેવાને મોનિકાને અટકાવીને કહ્યું: "એ...એ… એવું ન હતું ભાભી! તમે રાજી ના હોત તો પણ અમે તો લગ્ન કરવાના જ હતા! અને ભાઇ! હું આખા પરિવારની માફી માગું છું કે મેં કુસુમ સાથેના પ્રેમની વાત કોઇને કરી નહીં. હું પહેલાં મારા પગ પર ઊભો થવા માગતો હતો. પછી લગ્ન માટે વાત કરવાનો હતો. કુસુમના મમ્મી-પપ્પાને પણ હજુ અમારા પ્રેમની વાતની ખબર નથી. એ એવું સમજે છે કે અમે કોલેજના મિત્રો છીએ. હવે એમને પપ્પાએ જાણ કરવી પડશે!"

બળવંતભાઇ બોલ્યા:"રેવાન, મારા તરફથી તને કુસુમ સાથે લગ્ન કરવાની હા છે. હું કાલે જ મોનિકાના પપ્પાને મળીને બધી વાત કરીશ. પણ અવિનાશ, તું બાળક માટે ફેરવિચાર કર એવી મારી તને વિનંતી છે."

બળવંતભાઇ બે હાથ જોડી દયામણા ચહેરા સાથે તેની સામે જોઇ રહ્યા.

અવિનાશે તેમના હાથ નીચા કર્યા અને કહ્યું:"પપ્પા, આમ ના કરો. હું મોનિકા સાથે વાત કરી તમને જણાવું છું..."

અવિનાશ ઊભો થયો અને મોનિકાને કહ્યું:"ચાલને આપણી રૂમમાં..."

અવિનાશની પાછળ મોનિકા જતી હતી ત્યારે રેવાને તેને અંગુઠાથી સાંકેતિક શુભેચ્છા આપી. મોનિકાએ તેને ખુશીનું સ્માઇલ આપ્યું.

બળવંતભાઇ મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. "હે ભગવાન! સૌ સારાવાનાં કરજો!"

મોનિકા રૂમમાં આવી એટલે અવિનાશે દરવાજો બંધ કર્યો. મોનિકા અવિનાશને વળગી પડી. અવિનાશે તેને બેડ પર બેસાડી અને ઠપકો આપતો હોય એમ બોલ્યો:"મોનિકા, તારે રેવાનને આપણી વાત કરવાની શું જરૂર હતી. આપણું બાળક છે, આપણે નક્કી કરવાનું છે..."

"પણ અવિનાશ આ બાળક પર તમારા જેટલો જ હક્ક રેવાનનો અને પપ્પાજીનો છે. જ્યારે બાળક આવવાનું જ છે ત્યારે તેના વિશે દરેક પોતાનું મંતવ્ય વ્યક્ત કરી શકે છે. રેવાને તો મારા ભાઇની જગ્યા લીધી છે. તે દિયર કહેવાનો છે પણ મારો સગો ભાઇ હોય એમ કાળજી રાખે છે. અને હવે કુસુમ સાથે પરણશે એટલે મારી તેની સાથે બીજા એક સંબંધની સગાઇ વધશે. એને આપણા પ્રત્યે લાગણી છે. છતાં આખરી નિર્ણય તો આપણે જ લેવાનો છે. અને અવિનાશ! તમે માની જાવને. આપણું બાળક તમારા માટે શુભ જ રહેશે."

"મોનિકા, આપણે આટલી ઉતાવળ કરવાની ન હતી. લગ્નને ત્રણ માસ થયા છે અને એટલા જ મહિનાનું બાળક હશે એવું જાણીને કોઇ પણ શું કહેશે કે પરિવાર નિયોજન જેવું કંઇ રહ્યું જ નથી?" અવિનાશે ફરી પોતાના મનમાં ઘૂમરાતી વાતને જીભ પર લાવી દીધી. તેને હજુ સમજાતું ન હતું કે તેણે લગ્ન પહેલાં સુહાગરાત મનાવી ન હતી. અને એક મહિના જેટલું વિદેશ રહીને આવ્યા પછી તેણે સંબંધ બાંધ્યો હતો. એટલે બાળક બે મહિનાનું જ હોય.

"તમે ભાન ભૂલ્યા હતા એ ભૂલી ગયા તો હું શું કરું?" મોનિકા શરમાઇને બોલી.

"હું ક્યારે ભાન ભૂલ્યો?" અવિનાશ નવાઇથી બોલ્યો.

"વાત તો બહુ મોટી કરતા હતા! સુહાગરાત બે-ત્રણ દિવસ પછી મનાવવી જોઇએ. પણ રાત્રે ઊંઘ ઊડી ગઇ હતી ને? તમારો પોતાના પર કાબૂ ના રહ્યો અને ભાન ભૂલ્યા...! ત્યારે અડધી રાત્રે પરિવાર નિયોજન યાદ ના આવ્યું ને? હું નવી છું એટલે થોડો સમય તમે સંયમ રાખવાના હતા. પણ એક રાત રોકાઇ શક્યા નહીં.… એ મારા રૂપનો જ કમાલ ને...!"

અચાનક અંધારી રાતમાં વીજળીનો ચમકારો થાય એમ તેના મનમાં એ પહેલી રાત ચમકી ઊઠી. એ રાત્રે તેણે સુહાગરાત મનાવવાની ના પાડી હતી પણ રાત્રે તેની બળવત્તર બનતી ઇચ્છાઓને કાબૂમાં કરવાનું મુશ્કેલ બન્યું હતું. તેણે શરાબનો સહારો લીધો હતો અને ભાન ભૂલીને મોનિકાને વળગીને સૂઇ ગયો હતો. એ રાત્રે તેણે અભાનાવસ્થામાં મોનિકા સાથે સુહાગરાત મનાવી લીધી હતી. પરિવાર નિયોજનની કોઇ તક ન હતી. તેણે શરાબ પીધી હતી એ વાત પણ મોનિકા જાણી ગઇ હતી. પોતાનું ખરાબ ના દેખાય એટલે આજ સુધી તેણે એ વાતનો ઊલ્લેખ કર્યો ન હતો. હું તેને બેવફા માની રહ્યો હતો. કેટલો મૂરખ હતો. પતિ-પત્નીના સંબંધમાં વિશ્વાસ સૌથી મોટી મૂડી છે એ હું વિસરી ગયો અને તેના પર શંકા કરતો રહ્યો. લક્ષ્મણ જેવા ભાઇ ઉપર પણ મેં શંકા કરી. હું મારા જ બાળક્નો કાતિલ બની રહ્યો હતો. સારું થયું કે રેવાને બાળકને દત્તક લેવાનો વિચાર કર્યો અને આખી વાત સ્પષ્ટ થઇ ગઇ. અજાણતામાં મારી શંકા આખા પરિવાર માટે આફત બની ગઇ હોત.

"અરે! તમે ક્યાં ખોવાઇ ગયા? એ રાતને ફરી યાદ કરી રહ્યા છો કે શું!" કહી મોનિકા હસવા લાગી.

"મોનિકા! એ રાત યાદ આવી ગઇ એ સારું જ થયું. મારા મનમાંનો અંધકાર દૂર થઇ ગયો!" મનોમન બોલી તેણે મોનિકાના બંને હાથ પકડી કહ્યું:"મોનિકા, મને માફ કરી દેજે. મારો નિર્ણય ખોટો હતો. તું આપણા બાળકને જન્મ આપશે. આ ઘરમાં બાળકની કિલકારી અને રેવાનના લગ્નની શરણાઇ ગુંજશે!"

ખુશ થયેલી મોનિકા અવિનાશને ભેટી પડી. અને પછી આનંદના આ ખબર બળવંતભાઇને અને રેવાનને આપવા તે દોડતી નીચે જવા લાગી.

અવિનાશની આંખમાં આંસુ હતા.

સમાપ્ત.

રેટ કરો અને રિવ્યુ આપો

Sejal

Sejal 4 અઠવાડિયા પહેલા

hirali ashish

hirali ashish 11 માસ પહેલા

Kanaksinh Solanki

Kanaksinh Solanki 11 માસ પહેલા

Jyoti Trivedi

Jyoti Trivedi 12 માસ પહેલા

Loopy

Loopy 1 વર્ષ પહેલા