મોનિકા ૬ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

મોનિકા ૬

મોનિકા

મિતલ ઠક્કર

પ્રકરણ-૬

મોનિકાને દિયર રેવાન પાસે આવી અપેક્ષા ન હતી. રાત્રે સૂવા જતી વખતે જ તે વધારે પડતી વાતો કરી રહ્યો હતો. તે દરવાજો બરાબર બંધ કરીને સૂઇ ગઇ હતી. છતાં રેવાન કેવી રીતે અંદર ઘૂસી ગયો હશે એ તેને સમજાતું ન હતું. તેના શરીર પર હાથ ફેરવ્યા પછી મોં પર હાથ એક દબાયો એટલે તેના ગળામાંથી એક શબ્દ નીકળી શકે એમ ન હતો. તેના બીજા હાથમાંથી તેણે હાથ છોડાવવા પ્રયત્ન કર્યો. પણ તેના હાથની પકડ છૂટી નહીં. મોનિકાને એકદમ યાદ આવ્યું કે બેડ પર જ રૂમની મુખ્ય લાઇટની સ્વીચ છે. તેણે જોર કરીને ગબડીને સ્વીચ પર હાથ મૂકી દીધો. લાઇટ સળગી તેની સાથે જ આખા રૂમમાં અજવાળું પથરાઇ ગયું અને પુરુષનો ચહેરો દેખાયો.

મોનિકા ચહેરો જોઇને ચોંકી ગઇ. તેણે છૂટવાના પ્રયત્ન છોડી દીધા અને તેને વળગી પડી."અવિનાશ! આવી મજાક તો થતી હશે? મારો તો જીવ તાળવે ચોંટી ગયો હતો."

મોનિકાને ધીમેથી અળગી કરતાં અવિનાશ કહે,"મારે તને સરપ્રાઇઝ આપવી હતી. તું તો ગજબની ગભરાઇ ગઇ."

"ગભરામણ થઇ જ જાયને! કોઇ પારકો પુરુષ મારા શરીરને હાથ લગાવે તો ચીસાચીસ થઇ જાય. પણ ગભરાયેલી હાલતમાં મારા મોંમાંથી ચીસ જ ના નીકળી...."

"તને કોણ લાગ્યું?"

અવિનાશના પ્રશ્નથી મોનિકા ચોંકી ગઇ. તે રેવાનનું નામ આપી શકે એમ ન હતી. તેણે ખોટી કલ્પના કરી હતી. તેણે આમ કરવું જોઇતું ન હતું. તે સંભાળીને બોલી:"મને એમ કે કોઇ ચોર-બદમાશ અંદર ઘૂસી આવ્યો છે… હવે પછી આવી સરપ્રાઇઝ ના આપતા. મારી તો હાલત કફોડી હતી....."

"આમ તો મેં મારા આવવાની રેવાનને વાત કરી હતી. સાંજે એરપોર્ટ પરથી તને ફોન કર્યો પણ લાગ્યો નહીં એટલે રેવાનને ફોન કરી કહ્યું હતું કે મોનિકાને કહેજે કે હું મોડી રાત્રે આવીશ. તેણે મને લેવા આવવાનું કહ્યું. મેં ના પાડી ત્યારે તેણે જ મને કહ્યું કે આપણે મોનિકાને સરપ્રાઇઝ આપીએ. એટલે રેવાને તને કહ્યું નહીં હોય. એણે જ નીચેનો દરવાજો ખોલી મને આપણા બેડરૂમની વધારાની ચાવી આપી છે… બોલ મજા આવી કે નહીં?!"

"મજા તો હવે ખરી આવશે!" કહી મોનિકા ચાદર ઓઢીને સૂઇ ગઇ.

અવિનાશે ચાદર ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ મોનિકાએ તેને દાદ ના આપી.

અવિનાશે ધીમેધીમે તેની સાથે પ્રેમાલાપ શરૂ કર્યો. મોનિકા થોડી જ વારમાં માની ગઇ. અવિનાશ તેને વળગી પડ્યો."આજે સુહાગરાતની કસર પૂરી કરવાની છે!" કહી અવિનાશ તેના પડખામાં ભરાયો.

સવારે આદત મુજબ મોનિકા વહેલી ઊઠી ગઇ. અવિનાશ ઊંઘતો હતો. તે ઝટપટ પરવારીને બળવંતભાઇ માટે ચા બનાવવા દાદર ઊતરવા લાગી. તેણે રેવાનના રૂમ તરફ નજર નાખી તો દરવાજો બંધ જણાયો. હવે કોલેજની ચિંતા નથી એટલે મોડો ઊઠશે એમ વિચારી તે રસોડામાં આવી.

"વેલકમ..." રેવાનનો અવાજ સાંભળી મોનિકાને નવાઇ લાગી. રેવાન ગેસ પર ચા બનાવી રહ્યો હતો.

"અરે, રેવાન તમે? આટલા જલદી ઊઠી ગયા?"

"મને એમ કે તમે મોડા ઊઠશો! એટલે થયું કે આજે હું બધાને ચા પીવડાવી દઉં."

રેવાનની વાતથી મોનિકા શરમાઇ ગઇ. મોડી રાત્રે અવિનાશ આવ્યા પછી બંને જાગ્યા હતા. મોનિકાને ઊઠવાનું તો મન થતું ન હતું. પણ બળવંતભાઇને ચા આપવી જરૂરી હતી. એમના માટે એ વહેલી ઊઠી ગઇ હતી. "હું ચા બનાવવા જ જલદી આવી છું.."

"તમે આરામ કરો. હું પપ્પાને ચા આપી દઇશ."

"ના હવે વાંધો નહીં. હું બનાવી દઉં છું. તમે બેસો."

"ચા હવે બની જ ગઇ છે તમે હોલમાં બેસો હું લઇને આવું છું."

મોનિકા હોલમાં જઇને બેઠી.

રેવાને તેને ચાનો મગ પકડાવ્યો.

ચાને ચૂસકી લેતાં મોનિકા રીસમાં બોલી:"અવિનાશ આવવાના હતા એ વાત મારાથી કેમ છુપાવી તમે?"

"ભાભીજી! સરપ્રાઇઝમાં મજા છે એ બીજામાં નથી. જો તમને ખબર હોત તો તમે જાગતા બેસી રહ્યા હોત ને? એના બદલે તમને આરામ મળી ગયો ને? નહીંતર તમારો ઉજાગરો લાંબો થઇ જાત!"

રેવાનની વાતથી મોનિકા શરમાઇ ગઇ. "તમે પણ બહુ મજાકિયા છો!"

રેવાન હસી પડ્યો. ત્યાં બળવંતભાઇ આવ્યા.

મોનિકા તેમના માટે ચા લઇ આવી. અને ખુશ થઇ બોલી:"પપ્પા, અવિનાશ આવી ગયા!"

"શું વાત કરે છે! અચાનક?" બળવંતભાઇને નવાઇ લાગી.

"હા પપ્પા, આ રેવાનને ખબર હતી. પણ આપણાને કહ્યું નહીં."

"ચાલો શાંતિથી આવી ગયો એ મોટી વાત છે. હવે તમે ક્યાંક ફરવાનું ગોઠવી જ કાઢો. નહીંતર નવું કોઇ કામ આવી જશે તો પાછું અટકશે..." કહી બળવંતભાઇ પોતાના બેડરૂમ તરફ જવા દાદર ચઢવા લાગ્યા. અવિનાશ ઊઠી ગયો હતો. તેણે બળવંતભાઇને ઉપર આવતા જોયા એટલે ઊઠીને તેમને પગે લાગ્યો. બળવંતભાઇએ તેની સાથે થોડી વાતો કરી અને પોતાના બેડરૂમમાં જતા રહ્યા.

અવિનાશે મોનિકા સાથે કેરાલા ફરવા જવાનો કાર્યક્રમ બનાવી દીધો. બંનેએ રેવાનને આગ્રહ કર્યો પણ તેણે એમ કહ્યું કે તે "કબાબમાં હડ્ડી બનવા માગતો નથી" પણ અવિનાશે વધારે આગ્રહ કર્યો ત્યારે તેણે સાચું કારણ સમજાવ્યું કે બે-ત્રણ જગ્યાએ નોકરી માટે ઇન્ટરવ્યુ આપવાના હોવાથી આવી શકે એમ નથી.

અવિનાશ અને મોનિકા કેરાલાની ટૂર પર નીકળી ગયા. તેમની હનીમૂન ટૂર દસ દિવસ ચાલી. બંનેએ ભરપૂર આનંદ માણ્યો. એક મહિનાના વિયોગની બધી કસર પૂરી થઇ ગઇ.

બંને ઘરે પાછા ફર્યા. રેવાને બંનેને જોઇ કહ્યું:"ભાઇ તો એવા જ છે. પણ ભાભી તમે જાડા થઇ ગયા લાગો છો!"

"તમારા ભાઇએ એટલી ખુશી આપી કે હું ખુશીથી ફુલાઇ ગઇ છું!" મોનિકાએ પણ મજાકમાં જ જવાબ આપ્યો.

અવિનાશ હવે પોતાની નોકરીમાં વ્યસ્ત થઇ ગયો હતો. રેવાનને નોકરી મળી ગઇ હતી. તે પણ સવારે જતો અને સાંજે આવતો હતો. સાંજે તે મોનિકા સાથે થોડી વાતો કરતો. અવિનાશ તો ઘણી વખત રાત્રે મોડો આવતો એટલે રેવાનનું તેની સાથે મળવાનું ઓછું થઇ ગયું હતું. ફોન પર ઘરની કે સામાજિક વાત થઇ જતી હતી.

એક દિવસ મોનિકા રસોડામાં કામ કરી રહી હતી. તેને લોટ ઓછો પડ્યો. તેણે સ્ટૂલ લીધું અને રસોડામાં ઉપર મૂકેલા ડબ્બાને લેવા કબાટ ખોલ્યું. ત્યાં રેવાન આવી પહોંચ્યો.

"અરે! ભાભી મને કહેવું હતું ને. ચાલો ઊતરો. હું ડબ્બો ઉતારી આપું છું."

"હું ઉતારી લઇશ. બહુ વજન નથી.."

"ના. નીચે ઉતરો. આટલો મોટો લોટનો ડબ્બો તમારાથી નહીં પકડાય."

મોનિકાએ ટેબલ પરથી ઉતરવા નીચેની જગ્યા જોઇ. ત્યાં અચાનક તેને ચક્કર ચઢ્યા. તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું. રેવાનને ખ્યાલ આવે એ પહેલાં જ મોનિકાનું શરીર લથડ્યું. રેવાને સમય સૂચકતા વાપરી મોનિકાને પકડી લીધી. મોનિકાને તેણે પોતાના હાથમાં ઝીલી લીધી. ત્યારે જ અવિનાશ અંદર આવ્યો. તેણે જોયું તો રેવાન મોનિકાને હાથમાં ઝાલી તેના મોં પાસે પોતાનું મોં લઇ જઇ કંઇ કહી રહ્યો હતો. અવિનાશ ત્યાં પહોંચી ગયો. અને અકળાઇને બોલ્યો:"શું ચાલી રહ્યું છે?"

"ભાઇ, જુઓને..." રેવાને મોનિકાને અવિનાશના હાથમાં પકડાવી દીધી.

અવિનાશે મોનિકાને પોતાના હાથમાં ઝીલીને જોયું તો તેની આંખો બંધ હતી. "મોનિકા… મોનિકા… શું થઇ ગયું? કંઇક બોલ તો ખરી..."

અવિનાશની બૂમો છતાં મોનિકાએ કોઇ પ્રતિસાદ ના આપ્યો. અવિનાશને લાગ્યું કે મોનિકા ઢોંગ કરી રહી છે. તેણે મોનિકાને હોલમાં સોફા પર સૂવડાવી હલબલાવી. પણ મોનિકા બેભાન પડી રહી. એટલીવારમાં રેવાને ડોક્ટરને ફોન કરી દીધો હતો. "ભાઇ, ભરતકાકા આવતા જ હશે..."

"પણ અચાનક શું થઇ ગયું?"

રેવાને લોટનો ડબ્બો ઉતારવાની વાત કહી. પણ અવિનાશને ન જાણે કેમ એ વાત ગળે ઊતરી રહી ન હતી.

ડો.ભરતભાઇ આવી ગયા. તેમણે તપાસીને દવા આપી. થોડી જ વારમાં મોનિકાએ આંખો ખોલી.

ડોકટરે કહ્યું:"અવિનાશ, ગભરાવાની કોઇ વાત નથી. ખુશ થવાના સમાચાર છે. પણ સાંજે ટેસ્ટ થયા પછી એના પર મોહર લાગશે!"

"શું વાત છે ડોક્ટરકાકા."

"અવિનાશ, મોનિકાને સારા દિવસો જાય છે. હવે તેની વધારે કાળજી લેવી પડશે."

રેવાન તો આનંદથી કૂદી ઊઠયો.

ડોક્ટરે જ્યારે કહ્યું કે ત્રીજો મહિનો લાગે છે ત્યારે અવિનાશને થયું કે જાણે તેને ચક્કર આવવા લાગ્યા છે. તેને બધું ગોળ ગોળ ફરતું લાગ્યું. તેના મનમાં સ્મયનું ચક્ર ઊંધું ફરી રહ્યું હતું. તેના મનમાં ગણતરીઓ ચાલતી હતી. એમાં ત્રણ મહિનાનું ગણિત બેસતું ન હતું. તે લગ્ન કરીને આવ્યો અને સુહાગરાત મનાવ્યા વગર દુબઇ ચાલ્યો ગયો હતો. અને સત્તાવીસ દિવસ પછી આવ્યો હતો. અને એ વાતને હજુ બે મહિના માંડ થયા હતા. તો પછી મોનિકાને ત્રણ મહિનાનો ગર્ભ કેવી રીતે હોય? તેના માથામાં સવાલો હથોડાની જેમ ઝીંકાવા લાગ્યા. ફરી એક વખત તેને રાજન યાદ આવી ગયો. તેને થયું કે રાજનની વાત ખરેખર સાચી પડશે? શું ખરેખર રેવાને મારી ગેરહાજરીમાં.....? તે જેમ જેમ પોતાના વિચારો અટકાવવા મથતો રહ્યો એમ એક પછી એક નવા વિચાર ફેણ કાઢીને તેને ડંખવા લાગ્યા.

વધુ હવે પછી...

રેટ કરો અને રિવ્યુ આપો

Ragini patel

Ragini patel 6 માસ પહેલા

Vijay

Vijay 7 માસ પહેલા

Karuna Talati

Karuna Talati 7 માસ પહેલા

Nathabhai Fadadu

Nathabhai Fadadu 7 માસ પહેલા

Somnath Creations Dilip Pethani

Somnath Creations Dilip Pethani 7 માસ પહેલા