મોનિકા 3 Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

મોનિકા 3

મોનિકા

મિતલ ઠક્કર

પ્રકરણ-૩

મોનિકા ચા લઇને ઉપર જઇ રહી હતી ત્યારે જ વિચારતી હતી કે અવિનાશ સાથે હનીમૂન ટૂરની હવે ચર્ચા કરી લેવી જોઇએ. તેણે કેટલી રજાઓ લીધી છે એ પણ કહ્યું નથી. અવિનાશ ચા પીતો હતો ત્યારે જ ઓફિસથી આવેલા ફોનમાં વિદેશ જવાના સમાચાર હોવાથી મોનિકા ખુશ થઇ ગઇ. પણ જ્યારે અવિનાશે એકલા જવાની વાત કરી ત્યારે મોનિકાને આંચકો લાગ્યો. તેને થયું કે અવિનાશ તેનાથી કંઇક છુપાવી રહ્યો છે. તેને અવિનાશ પર શંકા ઊભી થઇ રહી હતી. પણ તે ચૂપ રહી. તે નારાજ થઇ હોવાનો અવિનાશને ખ્યાલ આવી ગયો.

"મોનિકા, આપણે પછી જરૂર જઇશું. તું કહેશે ત્યાં ફરવા જઇશું. આ વખતે મારે એકલાએ જ જવું પડશે." અવિનાશે પોતાની વાત દોહરાવી.

"મારો ખર્ચ આપણે કાઢીશું. કંપની પાસે નહીં માગીએ. પછી તો તમારા બોસને વાંધો નહીં હોય ને?" મોનિકાએ ઉપાય સૂચવ્યો.

"જો...એ રીતે પણ શક્ય નથી. કંપનીનો નિયમ છે કે કામ અર્થે ક્યાંય પણ જાવ ત્યારે પરિવારના કોઇને પણ સાથે લઇ જઇ ના શકો. સિવાય કે કંપનીની જ કોઇ વ્યક્તિ હોય. અને એનું પણ ત્યાં જવાનું જરૂરી હોય. આટલી મોટી કંપની મારા જેવા એક માટે પોતાનો નિયમ બદલી કે તોડી ના શકે." અવિનાશે ગંભીર થઇને પોતાની મજબૂરી વર્ણવી.

"કહી દો ને કે તમારી જ ઇચ્છા નથી." મોનિકા રીસાઇ ગઇ.

"અરે એવું નથી. ડાર્લિંગ! હું વચન આપું છું કે આપણે ક્યાંક જઇશું." અવિનાશ મોનિકાને મનાવવા લાગ્યો.

"તમે તો લગ્ન પછી રજાઓ પણ લીધી નથી. કશું આયોજન પણ કર્યું નથી." મોનિકાએ નારાજ થઇ કહ્યું.

"મેં દસ દિવસની રજા લીધી હતી. આજે જ રેવાન સાથે બેસીને કાર્યક્રમ બનાવવાનો હતો. પણ હવે આવ્યા પછી જ વાત." અવિનાશ વિદેશ જવા મક્કમ હતો.

"રજા લીધી છે તો ના પાડી દો ને. બીજા કોઇને મોકલશે. આપણી પરિસ્થિતિ સમજશે." મોનિકાએ જીદ પકડી.

"આમ તો આવતા મહિનાની આ ટ્રીપ હતી. તેમાં ફેરફાર થયો છે. અને આ જ તો મોકો છે પ્રમોશન માટેનો. રજામાં પણ હું કામ કરું અને વિદેશમાં સારી ડીલ થઇ જાય તો પ્રમોશન પાકું. પછી આપણી પાસે સમય જ સમય છે. પ્રમોશન પછી જવાબદારી વધશે પણ કામ ઓછું થઇ જશે. પ્રોમિસ કે તું કહે ત્યાં તને લઇ જઇશ." અવિનાશ આ તકને છોડવા માગતો ન હતો. અવિનાશની વાત મોનિકા સમજી શકતી હતી. છતાં તેને ઇચ્છા વિદેશની ટૂરની હતી.

"તમે પપ્પાજી અને રેવાનને વાત કરી લેજો." મોનિકા હથિયાર હેઠા મૂકવા માગતી ન હતી. તેને આશા હતી કે રેવાન કે પપ્પાની વાત તો માનવી જ પડશે. બંને ના પાડે તો અવિનાશનો વિચાર બદલાઇ શકે છે. એ બંનેએ લગ્ન કરવા તૈયાર કર્યો હતો. હવે વિદેશ ન જવા ફરજ પાડી શકે છે.

મોનિકાની વાત સાંભળી અવિનાશ સહેજ ડરી ગયો. તેને ખબર હતી કે બંને જણાં ઘરની નવી વહુનો જ પક્ષ લેવાના હતા. અને પક્ષ લે એમાં કંઇ ખોટું પણ ન હતું. દરેક પોતાની જગ્યાએ સાચું હતું. અવિનાશે રેવાન અને પપ્પાને સમજાવવાની માનસિક તૈયારી કરી લીધી હતી.

મોનિકા રીસાઇને નીચે જતી રહી હતી. તે ન્હાઇધોઇ પરવારીને નીચે આવ્યો ત્યારે પપ્પા મંદિરેથી આવી ગયા હતા. અને રેવાનની રાહ જોતા હતા.

અવિનાશે પપ્પાને પગે લાગી "જયશ્રીકૃષ્ણ" કહ્યા. બળવંતભાઇએ આશીર્વાદની મુદ્રામાં હાથ કર્યો. અને બોલ્યા:"મારે થોડી વાર થઇ ગઇ. આજે અમારા ગૃપને મારા તરફથી ચા-ભજીયાની પાર્ટી આપી. તારા લગ્નમાં બધા આવી શક્યા ન હતા."

"સારું કર્યું પપ્પા." કહી અવિનાશ રસોડામાં ગયો.

મોનિકા થાળી તૈયાર કરી રહી હતી. અવિનાશે મોનિકાને મનાવવા થોડી છેડછાડ કરી પણ મોનિકાએ બરાબર પ્રતિભાવ ના આપ્યો એટલે અવિનાશ પાછો હોલમાં આવતો હતો. ત્યાં રેવાન આવી પહોંચ્યો. અને મજાકના સૂરમાં ધીમેથી બોલ્યો:"ભાઇ, તમે ક્યારથી રસોડામાં જતા થઇ ગયા? ભાભીને બધી રસોઇ આવડે છે. નહીં આવડતી હોય તો હું શીખવી દઇશ."

"રેવાન, તારી ભાભી અત્યારે મજાકના મૂડમાં નથી!" કહી અવિનાશ બહાર આવી ગયો.

રેવાન નવાઇથી જોઇ રહ્યો. સવારે તો ભાભી મસ્ત મૂડમાં હતા. રસોડામાં બહાર આવી ગઇ હતી. હવે અચાનક શું થઇ ગયું. એવું કયું વાવાઝોડું આવી ગયું હશે?

રેવાન ધીમા પગલે રસોડામાં ગયો અને ભાભીની સાડીમાં દેખાતા ખુલ્લી કમરના ભાગમાં ગલીપચી કરી.

ભાભીએ જોયા વગર જ કહ્યું:"જાવ મારે તમારી સાથે બોલવું જ નથી."

"કેમ? મેં કયો ગુનો કર્યો ભાભીજી!" રેવાને આશ્ચર્યથી પૂછ્યું.

રેવાનનો અવાજ સાંભળી મોનિકા ઓઝપાઇ ગઇ. તેણે સાડીનો છેડો કમરમાં બરાબર ખોસી કહ્યું:"રેવાન તમે ક્યારે આવ્યા? સોરી, હું તમારા ભાઇ છે એમ સમજીને બોલી ગઇ..."

"પણ વાત શું છે ભાભી? તમારા ચહેરાઓ પર નવા લગ્નની ચમક જોવાને બદલે ચકમક કેમ જોઇ રહ્યો છું?" રેવાનને ભાઇ અને ભાભીનું વર્તન રહસ્યમય લાગી રહ્યું હતું.

"આપણે જમીને એ વાત કરીશું. પણ તમે મારા પક્ષમાં રહેજો. મને તમારા સાથની જરૂર છે."મોનિકાએ કોઇ સંદર્ભ વગર વાત કરી એટલે રેવાન સમજી ના શક્યો.

ભાભી જમવાનું પીરસવા લાગ્યા. બધા જમવા બેસી ગયા. લગ્નમાં આવેલા મહેમાનોની વાતો કરતાં બધાંએ જમી લીધું. બળવંતભાઇ જમીને ઊભા થયા એટલે મોનિકાએ કહ્યું:"પપ્પાજી અને રેવાન તમે હોલમાં બેસજો. હું બધું ઢાંકીને આવું છું."

બધા હોલમાં પહોંચ્યા એટલે બળવંતભાઇએ ઇશારાથી પૂછયું કે વાત શું છે? રેવાન પણ એ જ રીતે પ્રશ્નસૂચક નજરે અવિનાશને જોઇ રહ્યો હતો.

ત્યાં મોનિકા આવી અને બોલી:"પપ્પાજી, અવિનાશ તો પરમ દિવસે વિદેશ જાય છે. એમને રોકોને..."

બળવંતભાઇએ નવાઇથી પૂછ્યું:"કેમ અચાનક?"

અવિનાશ કહે:"ઓફિસમાંથી ફોન હતો કે અરજન્ટ દુબઇની ટ્રીપ કરવી પડશે. આ ટ્રીપથી મને જલદી પ્રમોશન મળી શકે છે. તકલીફ એ છે કે મારે એકલાએ જ જવું પડશે. કંપનીના નિયમોથી બંધાયેલો છું...."

બળવંતભાઇએ તેને આગળ બોલતા અટકાવી કહ્યું:"તું પણ લગ્નથી બંધાયેલો છે. એમને તો ખબર છે કે કાલે જ તારા લગ્ન થયા છે. ના પાડી દે ને. એ પરિસ્થિતિ સમજશે. નવા લગ્ન થયા હોય ત્યારે પતિ-પત્ની સાથે જ ફરવા જાય એની તો એમને ખબર હશે જ."

"પપ્પા, આ પ્રોફેશનલ અને ઇન્ટરનેશનલ કંપની છે. અહીં સંબંધ- લાગણી કશું જોવાતું નથી. અને હું કંપનીની ગુડબુકમાં રહેવા માગું છું." અવિનાશ પોતાની પરિસ્થિતિ સમજાવવા લાગ્યો.

થોડી દલીલો પછી સસરાજી બળવંતભાઇ હારી રહ્યા હતા એટલે મોનિકાએ દિયર રેવાનને વચ્ચે પાડ્યો. હવે રેવાન જ તેમનો સહારો હતો. "રેવાનભાઇ, હવે તમે જ તમારા મોટાભાઇને સમજાવો. લગ્નના ત્રીજા દિવસે કોઇ પત્નીને ઘરે છોડીને એકલા ફરવા જઇ શકે?"

"ભાભી, ભાઇ ફરવા નથી જવાના. કંપનીના કામથી જવાના છે. એમની વર્ષોની નોકરીમાં આવું ઘણી વખત થયું છે. મને લાગે છે કે એમણે જવું જોઇએ. વર્ષોથી તે પ્રમોશનની તકની રાહ જોઇને બેઠા છે." રેવાને અવિનાશની તરફેણ કરી એ જોઇ મોનિકા ચોંકી ગઇ. તેમનો લાડકો દિયર તેમની જ વિરુધ્ધમાં જઇ રહ્યો હતો. એનું શું કારણ હશે?

"રેવાનભાઇ, તમે પણ એમની ગાડીમાં બેસી ગયા? મારી લાગણીની કોઇને દરકાર જ નથી..." મોનિકા રડું રડું થઇ ગઇ.

રેવાને તેમના માથે હાથ મૂકી આશ્વાસન આપતો હોય એમ કહ્યું:"ભાભીજી, ચિંતા ના કરો. હું છું ને. તમને કંપની આપીશ. તમારે આસપાસમાં ક્યાંક જવું હશે તો હું લઇ જઇશ. ભાઇ વર્ષોથી પ્રમોશન માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ કદાચ એમના માટે સુવર્ણ તક બની જાય.."

મોનિકાને મનમાં પ્રશ્ન થયો કે રેવાન અવિનાશને વિદેશ મોકલવા કેમ કહી રહ્યો છે? એમાં એનો પોતાનો કોઇ સ્વાર્થ હશે? મને કંપની આપવા એ કેમ ઇચ્છે છે?

મોનિકાએ અવળા પાટે ચઢી રહેલા વિચારો પર બ્રેક મારી અને કહ્યું:"ઠીક છે. તમે જઇ આવો. હું એટલા દિવસ પિયર જતી રહીશ."

"તું પિયર જઇશ તો લોકો વધારે વાત કરશે. મારું ખરાબ દેખાશે. મારી વિનંતી છે કે તું અહીં જ રહે. પપ્પાને પણ કંપની રહે..." અવિનાશે મોનિકાને પિયર ના જવા સમજાવી.

રેવાન વચ્ચે જ બોલી ઉઠ્યો:"હા ભાભી, તમે અહીં જ રહો. અમને હવે તમારા વગર ગમશે નહીં..."

નટખટ રેવાનની આ લાગણી હતી કે? મોનિકા વિચારી રહી. પછી બળવંતભાઇની વાત માની તેણે પિયર જવાનું માંડી વાળ્યું.

"તમે જલદી પાછા આવજો." મોનિકાએ આખરે શરણાગતિ સ્વીકારી લીધી. તે પણ પતિની પ્રગતિ ચાહતી હતી. પણ હજુ મિલનની શરૂઆત થઇ ત્યાં વિયોગ આવી ગયો એટલે દુ:ખી હતી.

"આમ તો પંદર દિવસનો જ કાર્યક્રમ છે. પણ ત્યાં પહોંચ્યા પછી રીટર્નનું બુકિંગ કરાવીશ." અવિનાશે પરિસ્થિતિ સમજાવી.

બે દિવસ અવિનાશની વિદેશની તૈયારીમાં જ નીકળી ગયા. ક્યાંય નજીકમાં ફરવા પણ જઇ શકાયું નહીં. પંદર દિવસની ટ્રીપ હતી એટલે મોનિકાએ નાસ્તો પણ બાંધી દીધો.

બે દિવસ અવિનાશ તેની સાથે પ્રેમભરી મસ્તી સાથે અડપલાં પણ કરતો રહ્યો. છતાં મોનિકા નારાજ જેવી જ રહી. ખાસ વાત કરી નહીં.

મોનિકા રેવાન સાથે અવિનાશને એરપોર્ટ પર મૂકવા ગઇ ત્યારે રેવાન તેને વધુ પડતો ખુશ દેખાયો.

પાછા ફરતાં રેવાને એક હોટલ પાસે કાર ઊભી રાખી. અને મોનિકાને કહ્યું:"ચાલો ભાભી."

"ક્યાં હોટલમાં?" મોનિકાએ ગભરાટભર્યા સ્વરમાં નવાઇ સાથે પૂછ્યું.

"હા, આજનું મેનુ તમારી પસંદનું. તમને જે ભાવતું હોય એનું પાર્સલ કરાવી લઇએ." રેવાને ઉત્સાહથી કહ્યું.

"હું ઘરે બનાવીશ."

"ના આજે તમારે ઘરે જમવાનું બનાવવાનું નથી. તમારા હાથની મહેંદી હજુ સુકાઇ નથી અને અમે તમને કામ કરાવી રહ્યા છે." કહી રેવાને મોનિકાનો હાથ પકડી તેને કારની બહાર કાઢી. મોનિકાએ સિફતથી હાથ છોડાવી આગળ વધતા કહ્યું:"તમે ખોટી તસ્દી લો છો."

રેવાને મોનિકાની પસંદનું ખાવાનું પેક કરાવ્યા પછી પપ્પાને ભાવતો પુલાવ પણ લીધો.

ઘરે આવીને ત્રણેય સાથે બેસી જમ્યા.

રાત પડી ગઇ હતી. બળવંતભાઇ વહેલા સૂઇ જતા હતા. તે પોતાના બેડરૂમમાં જતા રહ્યા. મોનિકા હોલના સોફામાં આડી પડી રોજની સિરિયલ જોતી રહી.

રેવાનને કોલેજનું એસાઇન્મેંટ હતું. તે લખતો રહ્યો. પરીક્ષા નજીક હતી એટલે તે મોડે સુધી વાંચવાનો હતો. થોડી વાર પછી તેની નજર મોનિકાભાભી પર ગઇ. મોનિકાભાભીની આંખો બંધ હતી. તેણે ભણવાનું મૂકી દીધું અને ઊભો થયો. ફુલ સ્પીડમાં ફરતા પંખાને કારણે મોનિકાભાભીના શરીર પરથી સાડીનો પાલવ સરી ગયો હતો. બ્લાઉઝમાંથી તેમનું ભરાવદાર યૌવન છલકાતું હતું. તેમનો છાતીથી નાભિની થોડે નીચે સુધીનો કમરનો ભાગ ખુલ્લો થઇ ગયો હતો. સોફા પર એક પગ આડો હતો અને એક પગ વાંકો રાખ્યો હતો એટલે એના પરની સાડી અને ચણીયો ઉપર ચઢી ગયા હતા. તેમના પગની માંસલ ગોરી પીંડીઓ દેખાતી હતી. કોઇપણ પુરુષની નજર બગડે એવું તેમનું માદક રૂપ હતું. યુવાનીમાં પ્રવેશેલો રેવાન ધીમા પગલે મુખ્ય દરવાજા પાસે ગયો અને દરવાજો બંધ કરી દીધો. એ પછી ધીમા પગલે ટીવી બંધ કરીને તે મોનિકાભાભીની એકદમ નજીક ગયો અને તેમના મોં ઉપર ઝૂક્યો. રેવાનને મોનિકાભાભીના શ્વાસોચ્છવાસ સ્પષ્ટ સંભળાવા લાગ્યા.

વધુ હવે પછી...

રેટ કરો અને રિવ્યુ આપો

Vijay

Vijay 7 માસ પહેલા

Dimple

Dimple 7 માસ પહેલા

Vaishali

Vaishali 7 માસ પહેલા

Parul Dharmesh Raichura

Parul Dharmesh Raichura 7 માસ પહેલા

Hardas

Hardas 7 માસ પહેલા