ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 15 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 15

ટર્નિંગ પોઇંટ ઇન એલ..

પ્રકરણ ૧૫

પપ્પા તમને ગમ્યો ને મારો સાહ્યબો?

“હા. આવો પાછાં ક્યાંક બહાર જમવા ના જતાં રહેશો.” જાનકીના ઠંડા પ્રતિભાવથી અક્ષર જરા મૂંઝાયો. પણ ફોન મૂકીને પરીને ફોન કર્યો. પરીએ ફોન ઉપાડીને કહ્યું, “ભાઈ પિક્ચરમાં નથી?”

“ના, પણ તું ક્યાં છે?”

“મારું શૂટિંગ હમણાં જ પત્યું. પ્રિયંકા મેમ અને અલયને મૂકવા જઈશ. હોલિવૂડ સ્ટ્રિટના આપણા ઍપાર્ટમેન્ટ કૉમ્પ્લેક્સમાં..’

“હું અને રૂપા આવીએ છીએ. રાહ જોજે.”

“ભલે.. પણ પ્રિયંકા મેમ અને અલય થાક્યાં છે.”

“હું તો રૂપાના હીરોને મળવા આવું છું. કયા એપાર્ટ્મેન્ટમાં છે?”

“રૂપાને ખબર છે કૅન્ટીનની બાજુનો એપાર્ટમેન્ટ..”

“ભલે.”

થોડા ડ્રાઇવ પછી પરીનો ફોન આવ્યો. તે પહોંચી ગઈ હતી. અને કેટલે દૂર છો? અક્ષર કહે, “હજી દસેક મિનિટ લાગશે. ત્યાં સુધીમાં ફ્રૅશ થઈ જાવ.”

દસેક મિનિટમાં રૂપા અને અક્ષય પહોંચ્યાં ત્યારે અલય પણ ફ્રૅશ થયેલ હતો.

અલય ફિલ્મી હીરો હતો.. દેખાવડો, તંદુરસ્ત અને રૂપા સાથે તર્ત જ પહેલી નજરે જચી જાય તેવું હસતું વ્યક્તિત્વ હતું. અક્ષર કરતાં હાઇટ વધુ હતી. તેણે અક્ષરને આવકારતાં બહુ ઊર્મિપૂર્વક હાથ મેળવ્યા..” આવો આવો ડૉકટર! આપને મળીને બહુ આનંદ થયો.”

“હા, પિક્ચરમાં રૂપાને મઝા ના પડી અને સમય હતો તેથી મેં જ કહ્યું, ચાલ અલયને મળીએ.”

“સો નાઇસ ઓફ યુ..શું લેશો? ચા, કૉફી કે ડ્રિંક?” એણે વિવેક કર્યો.

“ચાલો, આપણે કૅન્ટીનમાં સાથે જ જઈએ.”

“તમને જોઈને કોઈ પણ કહી દે કે પરીના તમે ભાઈ છો. એક જ બીબાંઢાળ છો. સ્કિન જુદી છે, બાકી બધું જ સરખું છે.”

રૂપા અક્ષર અને અલયને જોઈ રહી હતી. અક્ષર ડૉક્ટર થવાનો તેથી કારકિર્દી બદલાવાની.પણ અક્ષર અલયની સરખામણીમાં ઊતરતો લાગ્યો. પરીને આ પ્રોગ્રામ થયો તે નહોતું ગમ્યું પણ અક્ષર તો વાતે ચઢ્યો હતો. કૉફી પિવાઈ રહી પછી હાથ મિલાવી ને છૂટા પડ્યા ત્યારે કોમળ હાથે તેનો હાથ દાબતાં કહ્યું, “મળશું ક્યારેક.. ચાલો જઈએ..”

ઔપચારિક વાતો કરતા હતા ત્યારે રૂપા અલય અને અક્ષરને કેમ સરખાવતી હતી તે તેને પણ સમજાતું નહોતું..અલય રૂપાને ઉદ્દેશીને બોલ્યો, “પ્રણયદૃશ્યો આપ સરસ કરી લો છો તેનું કારણ સમજાયું. અક્ષર જ્યાં મન અને આંખો સામે હોય ત્યાં અનુભૂતિ જીવંત થઈ જ જાય ને? પ્રિયંકા મેડમે તમારા વિશે જે કહ્યું છે તે બરોબર જ છે.”

રૂપા થોડીક શરમાઈ અને બોલી, “સાહ્યબો મારો છે ને મઝાનો?”

અલયને સંબોધી અક્ષર બોલ્યો, આપણી “સરખી ઉંમર છે તો આપ આપ કહેવાનું માંડી વાળીએ? દોસ્ત બનીએ?”

“જરૂર. મને પણ આનંદ થશે.” કહી એણે ફરીથી અક્ષર સાથે હાથ મિલાવ્યા.

ઘરે સમય કરતાં વહેલા પહોચ્યાં ત્યારે જાનકીને આનંદ થયો..અને પૂછ્યું, ” પિક્ચરમાં મઝા ના આવી?”

“હા, અને તમને મળવું જરૂરી હતું.. તમે ફોન ઉપર ખીજવાયેલાં લાગતાં હતાં તેથી.” અક્ષરે નરમાશથી વાત કરી.

“હા..તારી કચોરી બનાવવાની મહેનત માથે તો ના પડવી જોઈએ ને? તેમાં કેટલો બધો કુથો છે ખબર છે ને?”

“હા મોમ...પણ આ તમારી ગુડિયાને પણ બરોબર શીખવી દેજો કે જેથી મને આખી જિંદગીની શાંતિ. તમારી પાસે તે હવે પાંચ જ વર્ષ છે.”

જાનકીને આ લઢણ ગમતી હતી. તે મલકી. રામઅવતાર પણ ત્યારે આવી ગયા અને ભોજનના ટેબલ ઉપર પરી, રૂપા, અક્ષર અને રામઅવતાર ગોઠવાયા. જમવાનું પાકું હતું અને હસી મજાક કરતાં અક્ષર જાનકીને મસકા મારતો જતો હતો. રૂપાને આવી સાંજ ગમતી હતી. એનો સાહ્યબો આવી સાંજનો પાક્કો હીરો હતો. એના મગજમાં અજાણતાં અલય સાથે અક્ષરની સરખામણી થઈ ગઈ. અક્ષર તો સંપૂર્ણ અને લાજવાબ હતો. અલયમાં હજી આવી કોઈ ખૂબી જોઈ નહોતી.

અક્ષર બોલ્યો, “મોમ, તમે બધાં હવે ટેક્ષાસ જોવા આવો. સાન એન્ટોનીઓ મઝાનું ટાઉન છે.”

રામઅવતાર કહે, “ સદાશિવભાઈ અને મેઘાબહેન તૈયાર થશે તો એકાદ વીકઍન્ડ પ્લાન કરીશું. બાકી અમે એકલાં આવીને જુવાનિયાઓ સાથે શું વાત કરીએ?”

“પપ્પા તો ખબર નહીં આવે કે નહીં પણ મોમને ગમશે..જુઓ તો ખરા, તમારા દીકરાની જીવનશૈલી... મને પણ એક વીક ઍન્ડ ખાવાનું ઘરનું મળશે.”

રૂપા ખુશ હતી..તે જાણતી હતી, મસકાનું મોટું ટીન ખુલ્લું કર્યું હતું..જમાઈ દીકરો થાય તે તો મોટી વાત જ હતી જાનકી માટે… જોકે રામઅવતાર સરળતાથી વાતોમાં આવે તેમ નહોતા પણ તેઓ જાણતા હતા કે જાનકી રાજી થાય છે તો થવા દો. તે જરૂર હોય ત્યાં અને ત્યારે પોતાનું દૃષ્ટિબિંદુ મૂકતો.

જાનકી મા તો સરળ છે પણ રામઅવતારજીને કડક કોન્સ્ટેબલના રૂપમાં જ જોયા હતા તેથી ક્યારેક અક્ષર એટલી બધી વાતોમાં છૂટ ન લેતો. એમને અક્ષરની કૉમેન્ટ ઉપર હસવા જેવું ક્યારેય ન લાગતું. અને તેઓ માનતા કે જમાઈને જમ થતાં વાર ન લાગે. તેથી તે પણ કડક સસરાનો રોલ ભજવતા. વળી સદાશિવભાઈ પૈસાદાર તેથી તેમની સાથેનો વહેવાર સૌમ્ય અને માપનો રાખતા.

બીજે દિવસે એ જ ફ્લાઇટમાં જવાનું હતું તેથી તેઓ કલાકો જ ગણતા હતા.

પરી અને અક્ષરને તેથી થોડુંક અતડું લાગતું પણ જાનકી મેમે કહી જ રાખેલ કે એ અમારા સોલ્જરજી છે. બધે તે લો, લાવો અને પડતું મૂકોવાળી વાતોમાં હોય અને તે સારું પણ ...રૂપા સ્વસ્થ થઈ એટલે બહેન અને ભાઈએ વિદાય લીધી.

“અક્ષર સહેજ પણ ઉછાંછળો નથી.” આજે પહેલી વખત રામઅવતારજી બોલ્યા.”

“સરસ.” કહી જાનકીએ રૂપાને બોલાવી.

રૂપલી, આજે તારા બાપા પહેલી વખત બોલ્યા..“અક્ષર સહેજ પણ ઉછાંછળો નથી. આ તો બહુ મોટું સર્ટિફિકેટ તારા બાપાએ આપ્યું.”

રૂપાએ કહ્યું, “હેં પપ્પા, તમને ગમ્યો ને મારો સાહ્યબો?”

“પણ હું તો હજી કહીશ, આ મહિને મહિને લોસ એન્જેલસ આવે તે કરતાં ત્યાં ભણીને જલદી ગ્રેજુએટ થાય તે સારું નહીં?”

“કેમ તમારો સમય ભૂલી ગયા?” જાનકીએ ટકોર કરી.

“ભારતમાં ભણવાનો આવો ખર્ચો નહીં. વળી એક વર્ષમાં બે વર્ષ સાથે પૂરું કરી શકાય તેવી સગવડ પણ નહીં ને? અહીં તો તમારી ઝડપ અને સમજ હોય તો બે વર્ષમાં ચાર વર્ષનું લોકો ભણતા હોય છે.”

“કેમ, મને જલદીથી ભગાડી મૂકવી છે.. પપ્પા, હવે તો હું મારા પગ ઉપર છું અને ભણતરની સ્કૉલરશીપ પણ મળી છે..” સહેજ લાડ કરતાં રૂપા બોલી,... રામસ્વરૂપે રૂપાના માથા પર હેત પાથરતાં નકારો ભર્યો. અને જાનકી ઠરેલા અવાજમાં બોલી,

“ના બેટા, પણ છોકરીને સારું ઘર મળ્યા પછી લાંબો વિવાહસંબંધ રાખવાનો મત અમારો નહીં.”

***

મુંબઈથી સમાચાર આવ્યા. મોટા મામા આશિષ ચૌધરી ખૂબ જ અસ્વસ્થ છે.પદ્મજાની તરત ટિકિટો કઢાવી પ્રિયંકાએ તેમને રવાના કર્યાં. થોડાંક અસ્વસ્થ તો યુનિટમાં સૌ થઈ ગયાં. આશિષ સાથે છેલ્લાં બે વર્ષથી તણાવ ચાલતો હતો. પ્રોજેક્ટ ૨૬ અને ૨૭ના ટેક્ષ ભરાયા નહોતા. નફો વહેંચાયો નહોતો. પ્રિયંકા માનતી હતી કે ચોપડો ચોખ્ખો કરવાનું કામ મોટા મામાનું છે અને પ્રિયંકા મામાને હિસાબમાં ક્ષતિ બતાવતી તો તારી મમ્મીએ કહ્યું હતુંવાળી વાત કરે. રોજ રોજ આ કંકાસથી થાકીને જ પદ્મજાને પ્રિયંકા લોસ એન્જેલસ રાખતી. મમ્મીનો ભુલકણો સ્વભાવ અને આખાબોલા મામાના હિસાબો કદી મેળ ખાય જ નહીં. નાની બહેન મૂઉં ઘી ઢળ્યું તો ખીચડીમાં કરીને તે વાત બહુ ચોળે નહીં પણ પ્રિયંકાએ ખોળી કાઢ્યું કે મામા જશ લેવાનો હોય તો પૈસા તો પદ્મજાના અને નામ એમનું કરતા હતા..

***