નો રીટર્ન-૨ ભાગ-20 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-20

નો-રીટર્ન-૨

ભાગ-૨૦

કોલાહલ ભર્યા ધમાલીયા વાતાવરણમાં માત્ર બે વ્યક્તિ સ્તબ્ધતા અનુભવતી ઉભી હતી. તેમણે મારા શબ્દો સાંભળ્યા હતાં છતાં જાણે એ શબ્દોનો ભાવાર્થ તદ્દન સમજાયો જ ન હોય એવી અનિર્ણયાત્મક દશામાં ખબર નહીં કેટલો સમય તેઓ એમ જ, નજરોમાં આશ્વર્યભરી મને તાકી રહયાં. એકાએક તેમનાં માટે હું એક રહસ્યમય વ્યક્તિ બની ગયો હતો. અને કેમ ન હોય, અચાનક જ જો કોઇ તમારી સામે પ્રગટ થઇને તમારી કોઇ રહસ્યમય બાબત વિશે પુછે તો ગમે તે માણસ એકવાર તો હબક ખાઈ જ જાય. જે કેમેરારોલ વિશે, તેમાંથી ડેવલપ થયેલાં ફોટા વિશે, એ બંન્ને સિવાય બીજું કોઇ જાણતું નહોતું એ ફોટાઓ હું આમ બેધડકપણે તેમની પાસે માંગી રહયો હતો એટલે તેમનું આશ્વર્યચકિત થવું વ્યાજબી હતું. ગહેરી સ્તબ્ધતાભરી ખામોશીમાં એમ જ થોડી ક્ષણો વિતી. મારો હાથ હજુપણ લંબાયેલો હતો.

“ આઇ ડોન્ટ નો, વોટ આર યુ ટોકીંગ અબાઉટ....! પ્લીઝ લીવ અસ...! ” અનેરીનાં અવાજમાં ગુસ્સો હતો કે અકળામણ એ હું સમજી ન શકયો. તેને ખબર તો હતી જ કે તેની પાછળ ઘણાબધાં માણસો લાગેલા છે છતાં ખુલ્લેઆમ કોઇ તેની સામે આવી ચડશે એવી ધારણા તો તેણે કયારેય બાંધી નહી હોય. તેને અહીથી જલ્દી નીકળી જવાનો વિચાર ઉદ્દભવ્યો. પરંતુ એ દરમ્યાન વિનીત આગળ આવ્યો હતો.

“ જુઓ મિસ્ટર...! તમે જે હો તે....! શરાફતથી અહીથી રવાના થાઓ નહિતર મારે બીજા પગલા ભરવા પડશે....! ” તેનાં ઇરાદા ખતરનાક જણાતા હતાં. વિનીત અનેરી માટે ગમે એટલું મોટુ જોખમ ઉઠાવી શકે તેમ હતો એ ખ્યાલ તો મને હતો જ પરંતુ આવી ભીડભાડવાળી જગ્યાએ અચાનક તે વિફરી બેસે તો મારા શું હાલ થાય એ વિચારે જ મને ધ્રુજારી ઉદ્દભવી. કયાંક મેં ઉતાવળ તો નહોતી કરી નાંખીને...? પરિસ્થિતીની ગંભીરતા પારખવામાં કદાચ હું થાપ ખાઇ ગયો હતો. અનેરીને વિનીતની બાંહોમાં જોઇને હું ફ્રશ્ટેશનમાં અચાનક જ તેમની પાસે દોડી આવ્યો હતો. એ સાવ બાલીશ હરકત હતી એ સમજાય એ પહેલાં તો વિનીત અમારી વચ્ચે આવીને ઉભો રહી ગયો હતો. આ પહેલાં પણ મેં કહયું હતું કે વિનીત શારિરીક રીતે મારાથી બહેતર હતો. તે ઉંચો અને ખડતલ હતો. જો અમારી વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થાય તો ચોક્કસ તે મને ભારે પડે એમ હતો. આખરે બંન્ને રીતે મારી હાર તો નિશ્ચીત જણાતી હતી. જે આનંદ અનેરીની સામે એકાએક પ્રગટ થઇને તેને ચોંકાવી દેવામાં આવ્યો હતો એ આનંદ હવે મને જ મુંઝવણમાં મુકી રહયો હતો. હવે સ્તબ્ધ થવાનો મારો વારો હતો.

ગીતા મંદિરનાં ભવ્ય બસ સ્ટેશનમાં ભૂખરા ગ્રેફાઇટ મઢયા પ્લેટફોર્મ ઉપર અજીબ ટેબ્લો સર્જાયો હતો. અનેરીની ચળકતી આંખો વિનીતનાં ખભા પાછળથી મારાં તરફ ખેંચાયેલી હતી. તેનું હ્રદય સંશય અને થોડીવારમાં અહીં સર્જાનાર પરિસ્થિતી વિશે કલ્પના કરીને ફફડતું હતું. વિનીત મનમાં ખતરનાક ઇરાદા ભર્યો મારી ઉપર હુમલો કરવા સજ્જ બન્યો હતો, અને હું...! કોઇ સાવ બાઘા વ્યક્તિની જેમ હજુ પણ ફોટા માટે એમની તરફ હાથ લંબાવીને ઉભો હતો. સ્ટેશન પરિસરની દિવાલે લટકતી ડિઝિટલ ઘડિયાળનો સમય કાંટો પણ જાણે ત્યાં જ થંભી ગયો હતો. મને સમજાતું નહોતું કે મારે શું કરવું જોઇએ..? જો વિનીત મારી ઉપર હલ્લો કરે તો સ્વાભાવિક છે કે અહીં પ્લેટફોર્મ ઉપર હાજર પબ્લિક તેનાં જ સપોર્ટમાં આગળ આવે, કારણકે એક સ્ત્રી તેની સાથે હતી. અને જો એવું થાય તો આ પ્લેટફોર્મ ઉપર જ મારા છેલ્લા શ્વાસ ગણાય એ પણ નક્કી હતું. અને... હું એ ભીડનાં હાથે ચગદાઇને મરવા નહોતો માંગતો. અચાનક મેં પીછેહઠ કરવાનો નિર્ણય લીધો.

“ ઓ.કે.… ઓ.કે...! ” મેં મારા બંને હાથ એકાએક અધ્ધર કર્યા. “ જુઓ...! મારું એવું કોઇ ઇન્ટેન્શન નહોતું કે હું તમને ગુસ્સે કરું. મારે તો ફક્ત એ જાણવું છે કે એ ફોટાઓ શેનાં છે.... ? બની શકે કે એ બાબતે હું આપની કોઇ મદદ કરી શકું...! આ ફક્ત મારી જીજ્ઞાસા વૃત્તિ જ છે, બીજું કંઇ નહિ. ” હું બોલ્યો તો ખરો પણ મને પોતાને સમજાતું હતું કે એ સાવ બાલીશ વાત હતી. ભલા કોઇ તમને ઓળખતું જ ન હોય ત્યારે તમારી વાતમાં શું કામ આવે...!

“ અનેરી, ચાલ અહી થી....! ” એકાએક વિનીતે પાછળ ફરીને અનેરીનો હાથ પકડયો અને ઝડપથી, લગભગ ખેંચતો જ હોય એમ તે અનેરીને લઇને આગળ વધી ગયો. હું નિઃસહાય નજરે તેમને જતાં જોઇ રહયો. મારાથી કંઇ થઇ શકે તેમ નહોતું. કાચનો એક્ઝિટ ગેટ વટાવીને તેઓ બહાર નિકળી ગયા ત્યાં સુધી હું ત્યાં જ ઉભો રહયો. મને ખબર હતી કે તેઓ અહીંથી કયાં જવાનાં છે..! ચોક્કસ તેઓ ઇન્દ્રગઢ જશે. ત્યાં ફરી વખત અનેરી સાથે મુલાકાત થશે એ પણ મને ખ્યાલ હતો કારણ કે હું પણ ઇન્દ્રગઢ જવાનો હતો. પરંતુ.... અત્યારે તો એ મારાથી દૂર જઇ રહી હતી. કદાચ હંમેશનાં માટે....! એ અહેસાસ બહું તકલીફ દાયક હતો.

***

એભલસીંહે તેનું કામ બરાબર પાર પાડયું હતું. બહું આસાનીથી તે રાજનને ઉઠાવી લાવ્યો હતો. ઇન્દ્રગઢની ભાગોળેથી એક પાક્કો રસ્તો સીધો ધાનેરા પહોંચતો. એ જ ભાગોળે થી થોડું આગળ ચાલતાં એક કાચો ધુળીયો રસ્તો ડાબા હાથ બાજુ ખેતરો તરફ અંદર વળતો. એ ધુળીયો ગાડા કેડો ઇન્દ્રગઢની પશ્વિમ દિશામાં થઇને એક નાનકડા એવા ડુંગર સુધી આવીને અટકી જતો. એ ડુંગર ઉપર અને તેની આસપાસનાં અડધા- એક કીલોમીટરનાં ઘેરાવામાં બેતહાશા ઝાડી- ઝાંખરા અને જંગલી કાંટેદાર બાવળીયા ઉગી નીકળ્યાં હતાં. વર્ષોથી ઇન્દ્રગઢની આ તરફની સીમમાં કોઇ માનવીનાં પગલાં પડયા નહોતાં એટલે આ અવાવરું જગ્યામાં કુદરતે પોતાનું કામ બખૂબી નિભાવ્યું હતું અને ચો-તરફ ગહેરી ખામોશી મઢયું જંગલ ઉગી નીકળ્યું હતું. ડુંગરની ઉપર કોઇક જમાનામાં ઇન્દ્રગઢનાં રાજવીઓએ સહેલગાહ માટે એક ઝરુખાનું નિર્માણ કર્યું હતું. જમીનથી ચારેક ફૂટ અધ્ધર ઓંસરી જેવી ચો- ખૂણીયા પરસાળ, એ પરસાળનાં ચારે ખૂણે એક-એક થાંભલો, અને થાંભલા ઉપર કલાત્મક છત, ચારે દિશામાં ખુલ્લાં એ ઝરુખામાંથી ઇન્દ્રગઢની સીમ અને તેની આસપાસનો સમસ્ત વિસ્તાર દેખાતો. એ દ્રશ્ય ખરેખર બેનમૂન તો હતું જ, ઉપરાંત અહીં આવનારને ડુંગરની ઉંચાઇએથી જોશભેર વાતો પવન એક આહલાદક અનુભવ કરાવતો. વિતેલા સમયમાં ધણા લોકો અહીં સહેલગાહ માટે અથવા હવા ખાવા માટે અથવા તો જંગલી પશુઓનાં શીકાર માટે આવતાં હશે પરંતુ, છેલ્લા ઘણાં વર્ષોથી આ જગ્યા સાવ અવાવરું પડી રહી હતી. હવે ભાગ્યે જ આ તરફ કોઇ આવતું. એભલસીંહે બહું સમજી વિચારીને રાજનને છૂપાવવા આ જગ્યા પસંદ કરી હતી કારણ કે આ ઝરુખાની એક ખાસીયત હતી. એ ખાસીયત એભલ જેવાં થોડાં ગણ્યા- ગાંઠયા લોકો જ જાણતા હતાં અને તેનો લાભ ઉઠાવતાં હતાં.

***

ઇન્દ્રગઢની સરકારી હોસ્પિટલમાં ઘડીભરમાં તો ધમાચકડી મચી ગઇ. દિવાનનો છોકરો કયાંક ચાલ્યો ગયો હતો, એ પણ હોસ્પિટલ જેવી જાહેર જગ્યાએથી એટલે ધમાચકડી મચવી સ્વાભાવિક હતી. મારતી ગાડીએ કનૈયાલાલ હોસ્પિટલે પહોંચ્યાં હતાં અને તેમણે સમગ્ર હોસ્પિટલને માથે લીધી હતી. રાજનની ચાકરીમાં હતી એ નર્સને તો તેમણે રીતસરની ખખડાવી નાંખી હતી, અને પછી ત્યાંનાં સ્ટાફ અને ડોકટરોની બેદરકારીનાં છાજીયા લીધા હતાં. ફરી વખત હોસ્પિટલનો ખૂણે- ખૂણો તેમણે તપાસાડાવ્યો હતો. ત્યારબાદ તેમણે પોતાનાં લાગતાં- વળગતાં તમામ સંબંધીઓને, રાજનનાં મિત્રોને ફોન કરી કરીને રાજન વિશે પૃચ્છા કરી હતી. રાજન પોતાની જાતે જ્યાં કંઇ પણ જઇ શકે તેમ હતો એવી તમામ જગ્યાઓએ તપાસ માટે માણસો રવાનાં કરવામાં આવ્યાં હતાં, પરંતુ લગભગ બે- એક કલાકની ભાગદોડ પછીએ રાજન કયાં ગુમ થઇ ગયો હતો એ વિશે કોઇ જાણકારી હાથ લાગી નહોતી. રાજનને જાણે આસમાન ગળી ગયું હતું અથવા તો એ જમીનમાં સમાઇ ગયો હોય એમ તે એકાએક ગાયબ થઇ ગયો હતો. કનૈયાલાલ આખરે હારી થાકીને કોરીડોરમાં મુકાયેલા એક બાંકડા ઉપર માથે હાથ દઇને બેસી પડયાં હતાં. તેમને કંઇ સૂઝતું નહોતું. પહેલાં તેમનાં પુત્ર ઉપર લાઇબ્રેરીમાં હુમલો થયો અને પછી અચાનક ભેદી રીતે તેનું ગાયબ થઇ જવું તેમની સમજ બહારનું હતું. વારેવારે એક જ સવાલ તેમનાં જહેનમાં ઉભરતો હતો કે આખરે તેમનાં પુત્ર રાજન સાથે જ આવું કેમ બન્યું..? જો કોઇ તેને ઉઠાવી ગયું હોય તો રાજન સાથે તેને શું દુશ્મની હશે...? તેમણે ફોન કાઢયો હતો અને ઇન્સ. ઇકબાલને લગાવ્યો. આ કામ તેમણે પહેલાં કરવા જેવું હતું પરંતુ ત્યારે તેઓ ઘટનાની ગંભીરતાને સમજ્યાં જ નહોતાં. હોસ્પિટલમાંથી જ્યારે ડોકટરનો ફોન આવ્યો ત્યારે તેમને એમ જ લાગ્યું હતું કે રાજન આસપાસમાં જ કયાંક આડા- અવળો ગયો હશે અને થોડીવારમાં આવી જશે, પરંતુ જ્યારે કલાકોની મથામણ બાદ પણ રાજન ન મળ્યો ત્યારે એકાએક સમજાયું હતું કે આ ઘટનાની જાણકારી ઇકબાલ ખાનને આપવી જરૂરી છે અને તેમણે ફોન લગાવ્યો હતો.

“ હેલ્લો ઇકબાલ...! રાજન હોસ્પિટલમાં નથી. ” આટલું બોલતાં કનૈયાલાલનાં ગળે ડૂમો ભરાઇ આવ્યો હતો.

“ હોસ્પિટલમાં નથી મતલબ...? તે કયાં ગયો છે...? ” સામા છેડે ઇકબાલે ભારે હેરાનીથી પુછયું

“ ગુમ થઇ ગયો છે...! ”

“ વોટ...? ” ઉછળી પડયો ઇકબાલ. “ પણ... કેવી રીતે....? આઇ મીન.... તમને કોણે કહયું....? ” ઇકબાલની ધડકનો તેજ થઇ. તેનાં દિમાગમાં ખતરાની ઘંટડીઓ વાગવા લાગી હતી.

“ ડોકટરનો ફોન આવ્યો હતો કે રાજન તેનાં બેડ પર નથી, અને હોસ્પિટલમાં પણ કયાંય નથી. મેં પણ ઘણી શોધખોળ કરી. છેલ્લાં બે-ત્રણ કલાકથી તેને શોધી રહયાં છીએ પણ એની કયાંય ભાળ મળતી નથી....”

“ અને તમે હવે.... છેક અત્યારે મને જણાવી રહયાં છો...? ” ઉકળી ઉઠયો ઇકબાલ.

“ મને એમ કે એ તે આટલામાં જ કયાંક ગયો હશે...! એવી થોડી ખબર હોય કે મળશે જ નહી....!” સાવ ઢીલા, નંખાઇ ગયેલાં અવાજે કનૈયાલાલ બોલ્યાં. રાજન તેમનો એકનોએક વહાલો પુત્ર હતો. લગ્નનાં ઘણા લાંબા સમય બાદ તેમને ત્યાં રાજનનો જન્મ થયો હતો એટલે સ્વાભાવિક પણે તેનો ઉછેર અત્યંત લાડ- કોડમાં અને સુંવાળપભર્યા વાતાવરણમાં થયો હતો. કનૈયાલાલ અને તેમનાં પત્નીનો જીવ વસતો હતો રાજનમાં. એવા સમયે આમ જુવાન-જોધ દિકરાનું ગાયબ થઇ જવું કોઇપણ મા- બાપને વિહવળ બનાવી મુકે. કનૈયાલાલની આંખોમાં રાજનને યાદ કરી-કરીને ઝાકળ ઉભરાતું હતું. ઇકબાલને દિવાન સાહેબ ઉપર અત્યારે શું વિતતી હશે એનો અંદાજ આવતો હતો.

“ તમે ત્યાં જ રહો...! હું હમણાં ત્યાં પહોચું છું....! ” તે બોલ્યો અને ઝડપથી માથે કેપ ચડાવી પોલીસ ચોકીની બહાર નીકળ્યો. હજુ તો તેણે ચોકીની બહાર પગ મુકયો જ હશે કે બરાબર એ જ સમયે ફરીથી તેનો ફોન રણકયો. ફોન કોન્સ્ટેબલ ભગવાનનો હતો. સાથોસાથ એકાએક ઇકબાલને યાદ આવ્યું કે તે નકામો ઉતાવળ કરી રહ્યો છે, કારણકે તે જશે શેમાં..? જીપ તો નથી. તેણે જ ભગવાનને જીપ લઇને એભલસીંહ પાછળ દોડાવ્યો હતો. ઉતાવળમાં તે ચોકીની બહાર તો નિકળી આવ્યો હતો પરંતુ જીપ વગર તે હોસ્પિટલે પહોંચશે કેવી રીતે એ તો વિચાર્યું જ નહોતું. કોન્સ્ટેબલ ભગવાનનો ફોન આવ્યો ત્યારે તેને એ બાબત ધ્યાનમાં આવી હતી.

“ હાં ભગવાન....! બોલ...! શું ખબર...? ” ફોન કાને ધરી સીધું જ તેણે પુછયું.

“ સાહેબ...! પંછી તો ઉડી ગયું...! અહીં શબનમની ખોલી પર તાળું છે. અમે આજુબાજુમાં પુછપરછ કરી તો ખબર પડી કે તે બંન્ને તો સવારમાં જ ખોલીને તાળું લગાવીને નીકળી ગયાં છે. કયાં ગયા છે એ કોઇને ખબર નથી...! ” ભગવાન એક શ્વાસે બોલી ગયો.

“ તો એનો પત્તો લગાવ ભગવાન...! મારે કોઇપણ ભોગે એભલસીંહની ભાળ જોઇએ. આપણાં ખબરીઓને તુરંત અત્યારે જ કામે લગાવી દે, અને જાણકારી મેળવ કે એ કયા “ બીલ ”માં ઘૂસીને બેઠો છે.”

“ હો સાહેબ...! ” ભગવાને ફોનમાં જ સેલ્યુટ ઠોકી અને ફોન ખિસ્સામાં સરકાવ્યો.

ઇકબાલે પાછા ફરી ચોકીની અંદર જવા પગ ઉપાડયાં. તેનું મગજ ફાટફાટા થતું વિચારોનાં ચગડોળે ચડી ગયું હતું, કે પછી તેને કંઇ સમજાતું નહોતું. એભલસીંહ જાતે ફોન કરીને રાજન માટે એમ્બ્યુલન્સ મંગાવે એ કેમેય કરીને તેને ગળે ઉતરતું નહોતું. રાજન ઉપર હુમલો થયો ત્યારે તેનું લાઇબ્રેરીમાં હોવું અને રાજન ગાયબ છે ત્યારે તેનું પણ ગાયબ થઇ જવું કોઇ ભયંકર ષડયંત્રનાં ભાગરૂપે જ હોવું જોઇએ એવો એક વિચાર તેનાં પુલીસીયા દિમાગમાં ઉદ્દભવતો હતો. તેને અચાનક આ મામલો જરૂર કરતાં વધુ ગંભીર જણાવા લાગ્યો. અને પેલા વિદેશી મહેમાનો...!! એ પણ એક કોયડારૂપ હતાં. પેલી બુઢ્ઢી ઔરતની આંખો સાફ જણાવી રહી હતી કે તે કંઇક છૂપાવવાની કોશિષ કરતી હતી. તેનાં બેડરૂમમાં કોઇ વ્યક્તિ હતો જે સંતાઇને તેમની વાતો સાંભળી રહયો હતો. દિવાન સાહેબનાં જણાવ્યાં પ્રમાણે છેલ્લા પંદરેક દિવસથી તેઓ અહીં ઇન્દ્રગઢમાં ધામા નાંખીને પડયાં હતાં. પરંતુ શું કામ...? ઇન્દ્રગઢ જેવા નાનાકડા ગામડામાં કોઇ વિદેશી માણસોને શું રસ હોઇ શકે....? અહી ધૂળ અને માટી સીવાય બીજુ ક્યાં કંઇ હતું, અને ઇન્દ્રગઢનો એવો કોઇ ભવ્ય ભૂતકાળ પણ નહોતો જેનાં વીશે કોઇ સંશોધન કરવા આવે..! આમ છતાં તેઓ અહી હતાં, અને એ પણ પંદર- પંદર દિવસોથી...! આ વાત તેનાં ભેજામાં કેમેય કરીને ઘૂસતી નહોતા.

પોલીસ ચોકીનું ઉંબરું ઓળંગીને ફરી પાછો તે વિચારમગ્ન દશામાં ચોકીમાં દાખલ થયો જ હતો કે સાવ અચાનક એક સંભાવનાં તેનાં જહેનમાં ઉદ્દભવી, અને પોતાનાં જ વિચારથી ચોંકીને ઠઠકીને તે ઉભો રહી ગયો. એ સંભાવનાએ તેનાં જીગરમાં ખળભળાટ મચાવી મુકયો. “ આ બધી ઘટનાઓનાં તાર કયાંક આપસમાં તો જોડાયેલા નહીં હોયને...!? ” સ્વગતહ્ જ તેનાં હોઠ ફફડયા. તેનાં મનમાં ભયંકર ઉલઝન ઉથલ- પાથલ મચાવ લાગી.

“ યસ્સ...! એ વિશે વિચારવું પડશે....! “ તે જાણે પોતાની જાત સાથે જ વાત કરતો હોય એમ એક પછી એક વારદાતની કડીઓ એકબીજા સાથે જોડવા મથી પડયો.

( ક્રમશઃ)

લેખકઃ- પ્રવિણ પીઠડીયા.

આપને નો-રીટર્ન-૨ કેવી લાગી એ પ્રતીભાવ ૯૦૯૯૨૭૮૨૭૮ પર લેખકને વોટ્સએપ કરી શકો છો. અથવા તેમની સાથે ફેસબુક પેજ Praveen Pithadiya સાથે જોડાઇ શકો છો.

ધન્યવાદ.

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નસીબ.

અંજામ.

નગર.

આંધી.

નો રીટર્ન

પણ વાંચજો.