વિશ્વરૂપમ ભાગ - 2 - ફિલ્મ રિવ્યુ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વરૂપમ ભાગ - 2 - ફિલ્મ રિવ્યુ

પહેલો ભાગ વિશ્વરૂપમ અને બીજો ભાગ વિશ્વકદરૂપમ!!

ભારતીય ફિલ્મોના મોટા મોટા અદાકારોનો પહેલેથી જ પ્રોબ્લેમ રહ્યો છે કે તેઓ પોતાની ઉંમરને લાયક રોલ કરતા અચકાય છે. આ લિસ્ટ લાંબુ છે જેમાં રાજ કપૂરથી માંડીને અમિતાભ બચ્ચન અને હવે છેક શાહરૂખ ખાન પણ આવી જાય છે. આ લિસ્ટમાં આપણે કમલ હસનનું નામ પણ ઉમેરી શકીએ એવી વ્યવસ્થા ખુદ કમલ હસને પોતે વિશ્વરૂપમ ફિલ્મનો બીજો ભાગ પ્રસ્તુત કરીને દીધી છે.

વિશ્વરૂપમ

કલાકારો: કમલ હસન, પૂજા કુમાર, રાહુલ બોસ, એન્ડ્રીયા જેરેમિયા, જયદીપ અહલાવત અને શેખર કપૂર

ગીતકાર: પ્રસૂન જોશી

સંગીત: મોહમ્મદ જિબ્રાન

નિર્માતા-નિર્દેશક: કમલ હસન

રન ટાઈમ: 144 મિનીટ્સ

કથાનક:

RAW એજન્ટ વિસામ અહમદ કાશ્મીરી ઉર્ફે વિઝ (કમલ હસન) તેનું અમેરિકા-અફઘાનિસ્તાનનું મિશન પૂર્ણ કરીને ભારત આવતા રસ્તામાં બ્રિટનમાં પોતાની પત્ની નિરુપમા (પૂજા કુમાર), સાથીદાર અશ્મિતા સુબ્રમણ્યમ (એન્ડ્રીયા જેરેમિયા) અને બોસ કર્નલ જગન્નાથ (શેખર કપૂર) સાથે હુમલાનો શિકાર થાય છે. આ હુમલામાં એમની સાથેનો એક અન્ય એજન્ટ માર્યો જાય છે. અહીં વિઝને ખબર પડે છે કે એક ભારતીય અધિકારી નામે મહેતા (અનંત મહાદેવન) પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI સાથે મળી ગયો છે.

વધુ તપાસ કરતા ખબર પડે છે કે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સમગ્ર શસ્ત્ર સરંજામ સાથે ડૂબી ગયેલા બ્રિટીશ જહાજમાં હજી પણ જીવતા રહેલા બોમ્બનો ઉપયોગ આતંકવાદીઓ એવી રીતે કરવાના છે કે જેનાથી લંડન તકલીફમાં મુકાઈ શકે તેમ છે. વિઝ એની પત્ની નિરુપમાની મદદથી આ પ્લાન નિષ્ફળ બનાવે છે અને આ તમામ ભારત પરત આવે છે જ્યાં તેનો વિઝનો જૂનો દુશ્મન ઓમાર કુરેશી (રાહુલ બોસ) અને તેનો ભાઈ સલીમ (જયદીપ અહલાવત) તેની રાહ જોઇને બેઠા હોય છે...

ટ્રીટમેન્ટ

અત્યંત બોરિંગ! કમલ હસન સંપૂર્ણપણે કન્ફ્યુઝ્ડ છે અને ફિલ્મ જોતા તેઓ આપણને પણ કન્ફયુઝનમાં નાખી દે છે. વિશ્વરૂપમનો પહેલો ભાગ રિલીઝ થયે લગભગ પાંચ વર્ષ થઇ ગયા છે અને પબ્લિક મેમરી ટૂંકી હોવાના ન્યાયે ફિલ્મમાં શરૂઆતથી અંત સુધી પહેલા ભાગના હિસ્સાઓ વારંવાર દેખાડવામાં આવ્યા છે જે વધારે કન્ફયુઝન ક્રિએટ કરે છે. એક રીતે એમ પણ કહી શકાય કે પહેલા ભાગના ટુકડાઓ આ ફિલ્મની ‘વાર્તા’ માં મિક્સ કરવાને લીધે દર્શક નક્કી નથી કરી શકતો કે આ બીજા ભાગની વાર્તા એક્ઝેક્ટલી શું છે, જે સાબિત કરે છે કે બીજા ભાગમાં કહેવા માટે કમલ હસન પાસે એક અત્યંત નબળી સ્ક્રિપ્ટ હાજર હતી.

આ ગૂંચવાડો શરુઆતથી જ ઉભો થાય છે જ્યારે શરૂઆતમાં અશ્મિતાને ટ્રેનીંગ આપતા આપતા તેના પ્રેમમાં પડવાનું નાટક કરતા વિઝને તેની એકેડમીના વિદ્યાર્થીઓ જોઈ જાય છે અને તેનું કોર્ટ માર્શલ કરવાનું દ્રશ્ય આવે છે અને પછી તેને છૂપી રીતે મિશન પર મોકલવામાં આવે છે. આ દ્રશ્ય એક્ચ્યુલી પ્રથમ ભાગ માટે શૂટ કરવામાં આવ્યું હતું કે બીજા ભાગમાં એ ફિલ્મ જોયા પછી અમુક કલાક વીતી ગયા બાદ પણ નક્કી કરી શકાતું નથી.

વળી, પહેલા ભાગના દ્રશ્યો અહીં એટલા વિસ્તારથી ઉમેરવામાં આવ્યા છે કે બીજા ભાગની વાર્તા ખરેખરતો સાવ નહીવત કહેવાઈ છે અને બ્રિટનવાળો હિસ્સો કે પછી વહીદા રહેમાનવાળો ભાગ પણ કેમ ઉમેરવામાં આવ્યો એ પણ મોટો પ્રશ્નાર્થ છે. આતો અમેરિકાથી ઇન્ડિયા જતા વચ્ચે લંડન આવ્યું તો ચલો ત્યાંય આતંકવાદી હુમલો ખાળી આવીએ એટલે રાણી પણ ખુશ અને આપણી સરકાર પણ ખુશ, એવી પરિસ્થિતિ મારી મચડીને ઉભી કરી હોય એવું લાગ્યું.

પહેલા ભાગમાં મોટા સમય સુધી વિઝની પત્નીને વિઝ RAW એજન્ટ છે એ કહેવામાં આવ્યું ન હતું અને અહીં તો એ લંડનને બચાવવાના મિશનમાં કૂદી પણ પડે છે, (હા, રીતસર...દરિયામાં જમ્પ મારે છે!!) અને એ પણ માત્ર એક એજન્ટની પત્ની હોવાને લીધે જ અને ન્યુક્લીયર સાયન્સમાં ડોક્ટર હોવાને નાતે!

તો પહેલા ભાગમાં અફઘાનિસ્તાનથી ભાગી ગયેલા ઓમાર અને સલીમ અચાનક ભારતમાં કેવી રીતે પ્રગટ થયા એ સવાલનો પણ કોઈજ જવાબ નથી. જો પહેલો ભાગ ખરેખર ઇસ્લામી આતંકવાદી મિશન પાર પાડવાના મોટા કેનવાસ પર બનાવવામાં આવ્યો હતો તો આ બીજો ભાગ માત્ર વિસામ અહમદ કાશ્મીરીનું કોઈ પર્સનલ મિશન હોય એવું લાગી રહ્યું છે.

અદાકારી, સંગીત, નિર્દેશન વગેરે...

કમલ હસન કોઈ ફિલ્મમાં હોય તો એના રિવ્યુમાં એક લીટી ફરજીયાત લખવી જ પડે કે, “કમલ હસન હોય એટલે એક્ટિંગમાં કશું કહેવાપણું હોયજ નહીં!” પરંતુ અહીં એવું નથી. અહીં કમલ હસનનું માત્ર શરીર ઉપલબ્ધ છે અને એની અંદરનો અદાકારી આત્મા સંપૂર્ણપણે ગાયબ છે. કમલ હસનની ફિલ્મોમાં તેમની વધી ગયેલી ઉંમર ઘણા સમયથી ચાડી ખાય છે અને હવે તો તે એમના અવાજમાં પણ દેખાઈ, સોરી સંભળાઈ આવે છે. ટેક્નોલોજી આટલી બધી વિકસિત થઇ ગઈ હોવા છતાં આ ફિલ્મમાં કમલ હસનના ઘણા સંવાદો સાંભળવા માટે ખાસ મહેનત કરવી પડે છે.

ચહેરો, શરીર અને સ્ફૂર્તિ કોઇપણ ખૂણેથી કમલ હસન RAWના એજન્ટ લાગતા નથી, ન તો દેખાવથી કે ન તો ફાઈટ કરતી વખતે. કમલ હસને ભલે ભૂતકાળમાં હિન્દુસ્તાનીમાં વૃદ્ધ પુરુષનો રોલ ભજવી લીધો હોય પણ હવે એમણે એવા જ રોલ ભજવવાની ઉંમર આવી ગઈ છે એ હકીકત એ પોતે જેટલી જલ્દી સ્વિકારે એટલું એમના માટે જ સારું રહેશે. વિશ્વરૂપમના બીજા ભાગમાં બદનસીબે એવું કોઈજ દ્રશ્ય નથી જેની નોંધ કરતા આપણે કહી શકીએ કે એટલીસ્ટ આ દ્રશ્યમાં તો કમલ હસન છવાઈ જાય છે.

આ ફિલ્મના તેઓ નિર્દેશક પણ છે અને એ હિસ્સાને પણ તેઓ ન્યાય નથી આપી શક્યા. એક તો પબ્લિક મેમરીમાંથી દૂર થઇ ગયા બાદ એમણે સિક્વલ બનાવી અને પછી પહેલા ભાગની વાર્તા શરૂઆતની અમુક મિનિટોમાં કહી દેવાને બદલે બીજા ભાગની વાર્તા કહેતા કહેતા વચ્ચે વચ્ચે તેના એવા થીગડાં માર્યા કે દર્શક મુંજાઈ જાય; ઉપરાંત તેમની દરેક ફિલ્મમાં હોય છે એમ એક મેન્ડેટરી ઇન્ટીમેટ સીન પણ પરાણે ઘુસાડવામાં આવ્યો છે. વિશ્વરૂપમનો પહેલો ભાગ બેશક માણવાલાયક હતો અને અમુક દ્રશ્યો તો તમને અફઘાનિસ્તાનમાં હોવાની ફીલ પણ આપતા હતા, પરંતુ બીજો ભાગ એકદમ નિરાશા ઉપજાવે છે.

જ્યારે ફિલ્મમાં કમલ હસન હોય એટલે બાકીના અદાકારો માત્ર ખાનાપૂર્તિ જ કરતા હોય એ સ્વાભાવિક છે. અહીં એ ફોર્મ્યુલા પણ બૂમરેંગ સાબિત થાય છે કારણકે ખૂદ કમલ હસન જ્યારે નબળું પર્ફોર્મન્સ આપી રહ્યા હોય અને અન્ય સાથીદારોને ખાસ કશું કરવાનું ન હોય ત્યારે ફિલ્મ અદાકારીની બાબતે ધબાય નમઃ થાય જ!

વિશ્વરૂપમ અને તેનો આ બીજો ભાગ ભલે ડબ કરેલો ન હોય પરંતુ બંનેના ગીત-સંગીત પર પણ કોઈ ખાસ ધ્યાન આપવામાં નથી આવ્યું. એટલીસ્ટ આ વિભાગમાં ડબ ફિલ્મની ફોર્મ્યુલા ચાલુ રાખવામાં આવી છે, એટલેકે તમિલમાં ગવાયેલા ગીતોનો ભાવાનુવાદ ઠોકી બેસાડવામાં આવ્યો છે અને એ પણ પ્રસૂન જોશીની કલમે.

છેવટે...

જો કોઈ દર્શક કમલ હસનની ફિલ્મ છે એમ વિચારીને જોવા જશે તો તે નિરાશ થશે, જો તે કોઈ સારી ફિલ્મ જોવી છે એવું નક્કી કરીને જશે તો તે જરૂર નિરાશ થશે અને જો એ વિકેન્ડના ખાલી સમયમાં શું કરવું, તો ચાલો આ નવી ફિલ્મ આવી છે તો જોઈ નાખું તો તો તે બિલકુલ નિરાશ થશેજ!

ફિલ્મ પત્યા બાદ અમદાવાદના એક પ્રખ્યાત RJ મારી સાથે લિફ્ટમાં ભેગા થઇ ગયા, જેમણે મારી સાથેજ ફિલ્મ જોઈ હતી. તેમણે મારી સામે જોઇને પૂછ્યું, “આ શું હતું?” બસ એમના આ સવાલમાં જ ‘વિશ્વરૂપમ II’ નો રિવ્યુ આવી ગયો!

૧૧.૦૮.૨૦૧૮, શનિવાર

અમદાવાદ