ગોલ્ડ - ફિલ્મ રિવ્યુ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગોલ્ડ - ફિલ્મ રિવ્યુ

ગોલ્ડ – ભારતના ખેલ ઇતિહાસનું ગોલ્ડન ચેપ્ટર

જમાનો બાયોપિક અને સત્ય ઘટનાઓ પર ફિલ્મ બનાવવાનો આવી ગયો છે, અને એમાં પણ જો તેમાં રાષ્ટ્રવાદ ભળે તો ક્યા કેહને? ભારતીય ખેલ ઈતિહાસના સુવર્ણ પ્રકરણ તરીકે સ્થાન પામનાર ૧૯૪૮ની લંડન ઓલિમ્પિક્સ હોકી પર અક્ષય કુમારની ફિલ્મ એ આ સત્ય ઘટના પર આધારિત કાલ્પનિક ફિલ્મ છે એ નોંધ લઈને ફિલ્મ થિયેટરમાં જોવા જવી હિતાવહ રહેશે.

ગોલ્ડ

કલાકારો: અક્ષય કુમાર, કુણાલ કપૂર, મૌની રોય, અમિત સાધ, સન્ની કૌશલ અને અતુલ કાળે

સંગીત: સચિન-જીગર

નિર્માતાઓ: રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર

નિર્દેશક: રીમા કાગતી

રન ટાઈમ: ૧૫૬ મિનીટ્સ

કથાનક

૧૯૩૬ની બર્લિન ઓલિમ્પિક્સમાં ભારતે બ્રિટીશ ઇન્ડિયાના ઝંડા હેઠળ હોકી ગોલ્ડ મેડલ જીત્યો હતો. પરંતુ બર્લિનમાં એક ઘટના એવી બને છે કે આ હોકી ટીમનો મેનેજર તપન દાસ (અક્ષય કુમાર) નક્કી કરી લે છે કે તે આઝાદ ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ ભારતના ઝંડા હેઠળ આવેલી ટીમને ગમેતે ભોગે અપાવીને જ રહેશે. પરંતુ બીજું વિશ્વયુદ્ધ શરુ થઇ જતા બે વખત ઓલિમ્પિક્સ રદ્દ થાય છે. નવરો થઇ ગયેલો તપન દારૂના રવાડે ચડી જાય છે અને સમગ્ર મુંબઈમાં બદનામ થાય છે.

ત્યાંજ એક આશાનું કિરણ જાગે છે અને વિશ્વયુદ્ધ સમાપ્ત થતા જ ભારતની આઝાદીની આશા બળવાન બને છે. તપન પોતાનો પ્લાન લઈને લંડન ઓલિમ્પિક્સના બે વર્ષ પહેલા જ ભારતીય ટીમ બનાવવા અંગે ઇન્ડિયન હોકી ફેડરેશનના ચિફ શ્રીમાન વાડિયા પાસે જાય છે અને ભારતને હોકીમાં ગોલ્ડ મેડલ અપાવવાનો વાયદો કરે છે. વાડિયા તપનના ઝનૂનને ઓળખીને તેને ભારતીય હોકી ટીમ બનાવવાની મંજૂરી આપે છે.

પરંતુ આ કામ મુશ્કેલી ભર્યું હતું કારણકે સમગ્ર ભારતમાંથી ટેલેન્ટ શોધવાનું હતું. તપન હાર નથી માનતો અને તે બર્લિન ઓલિમ્પિક્સના હીરો સમ્રાટ (કુણાલ કપૂર) પાસે જાય છે, પરંતુ સમ્રાટ તો નિવૃત્તિ જાહેર કરી ચૂક્યા હોય છે. પરંતુ તે નવી ટીમ માટે અમુક નામ જરૂર સૂચવે છે. તપન વધુ મહેનત કરે છે અને છેવટે તે આઝાદ ભારતની પ્રથમ હોકી ટીમ ઉભી કરે છે જે લંડન ઓલિમ્પિક્સમાં ભાગ લેવાની હતી.

લંડન ઓલિમ્પિક્સ માટે બરોબર તૈયારી થઇ શકે તે માટે ભારતીય ટીમની ઘોષણા પણ કરી દેવામાં આવે છે અને ત્યાં જ ભારત-પાકિસ્તાનના ભાગલા થવાની જાહેરાત થાય છે અને દેશભરમાં રમખાણો ફાટી નીકળે છે. તપનની ટીમનો કપ્તાન ઉપરાંત અડધી ટીમ પાકિસ્તાન જતી રહે છે, કેટલાક એન્ગલો ઇન્ડિયન્સ ઓસ્ટ્રેલિયા ભાગી જાય છે. વાત ફરીથી જ્યાંથી શરુ થઇ હતી ત્યાં આવીને અટકે છે.

તપન નિરાશ થઇ જાય છે અને પાછો દારૂ તરફ વળે છે, પરંતુ સમ્રાટ આ વખતે તેની મદદે આવે છે. સમ્રાટ તપનની અંદરના ઝનૂનને ફરીથી જગાવે છે. તપન ફરીથી ભારતભરમાં ફરીને ટીમ ઉભી કરે છે. અત્યંત મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ ટીમ બન્યા પછી પણ ફેડરેશનમાં તપનના દુશ્મન મિસ્ટર મહેતા (અતુલ કાળે) તેનું નામ બદનામ કરીને લંડનની ટૂરમાંથી એની બાદબાકી કરી દે છે.

લંડન ગયા પછી પણ વિવિધ બેકગ્રાઉન્ડ્સમાંથી આવતા ખેલાડીઓ વચ્ચે ખટરાગ વધે છે અને તપન દાસે જાતે જોયેલું સપનું ચપટી ભરમાં રોળાઈ જતું નજરે પડે છે...

ટ્રીટમેન્ટ

ફિલ્મ ભલે ઐતિહાસિક ઘટના પર આધારિત છે પરંતુ તે ફેક્ટ બેઝ્ડ નથી, એટલેકે તેની વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. હા, સમ્રાટમાં તમને ધ્યાનચંદ અને મિસ્ટર વાડિયામાં તમને નવલ તાતાની છબી દેખાઈ શકે તેમ છે. આપણે માતૃભારતી પર જ બે દિવસ અગાઉ આ ઐતિહાસિક કથાનકની સત્ય કથા જાણી હતી, એ કથામાં જે હકીકતો જણાવી છે તેમાંથી આ ફિલ્મમાં કશું જ નથી અથવાતો બહુ ઓછી હકીકતો સામેલ કરવામાં આવી છે. રતન તાતાના પિતાશ્રી નવલ તાતા જેને આ ગોલ્ડ લાવવા પાછળના આર્કિટેક્ટ ગણવામાં આવે છે તે અહીં મિસ્ટર વાડિયા તરીકે દર્શાવવામાં આવ્યા છે પરંતુ ખૂબ નાની ભૂમિકામાં.

ઇતિહાસમાં આ રીતે કોઈ તપન દાસ હોય એવું નોંધાયું હોવાની જાણ નથી. ટૂંકમાં ફિલ્મની ટીમે અક્કલવાળો રસ્તો અપનાવ્યો છે જેથી તેઓ ફિલ્મને વધારે રસપ્રદ બનાવી શકે. એક બીજું ઉદાહરણ પણ લઈએ. જો ૧૯૪૮ની એ ઐતિહાસિક મેચનું સ્કોર કાર્ડ જોઈએ તો ભારત ફાઈનલ આસનીથી ૪-૦થી હારી ગયું હતું, પરંતુ અહીંયા ફિલ્મ જ્યારે તેના અંત તરફ ગતિ કરે છે ત્યારે એ આખીયે સ્કોર લાઈન બદલાઈ જાય છે. જો હોય તે, પરંતુ ફિલ્મના લખનાર અને તેનું નિર્દેશન કરનાર રીમા કાગતી પોતાનો જુગાર સફળતાથી રમ્યા છે અને ફિલ્મમાં ભાગ્યેજ કોઈ ડલ મોમેન્ટ છે.

અદાકારી, સંગીત, નિર્દેશન વગેરે...

અક્ષય કુમાર, શું વાત કરીએ આ અદાકારની. કદાચ પોતાની વધતી જતી ઉંમરને સમય પહેલા જ ઓળખી ગયેલો આ એક માત્ર અદાકાર છે અને આથી જ તે પોતાની ઉંમરને લાયક રોલ્સ કાં તો સ્વિકારે છે અને કાં તો ખાસ લખાવે છે. આ ઉપરાંત અક્ષય કુમાર હવે રાષ્ટ્રવાદી કથાનકનો હિરો ફિક્સ થઇ ગયો છે જેમ એક સમયમાં મનોજકુમાર હતા. આ ફિલ્મ ભલે ગઈ સદીની મધ્યની વાત કરતી હોય પરંતુ અક્ષય કુમાર એમાં પણ રાષ્ટ્રવાદનો જીવ રેડી દે છે અને ફિલ્મમાં જ્યારે જ્યારે પણ દેશપ્રેમ અંગે અક્ષય કોઈ ડાયલોગ બોલે છે ત્યારે દર્શક આપોઆપ તાળી પાડવા લાગે છે.

ફિલ્મના બાકીના કલાકારોમાં કુણાલ કપૂર એની ધીરગંભીરતાથી ઈમ્પ્રેસ કરી જાય છે. આ ઉપરાંત અમિત સાધ જેને રજવાડાના રાજકુમારની ભૂમિકા સોંપવામાં આવી છે તે ખરેખર પોતાના એટીટ્યુડથી તેને સાબિત કરે છે. મેનેજર મિસ્ટર મહેતા તરીકે અતુલ કાળે એની થોડા સમયની નેગેટીવ ભૂમિકામાં ધાર્યું નિશાન પાર પાડે છે. મૌની રોય જેમ અક્ષયની અન્ય ફિલ્મોમાં હિરોઈનનો રોલ હોય છે તેમ એ પણ શો પીસથી વિશેષ નથી.

હા, અક્ષય બાદ આ ફિલ્મમાં જો સહુથી વધુ કોઈ ઈમ્પ્રેસ કરે છે તો તે છે હિંમત સિંગ તરીકે સન્ની કૌશલ. એક પછી એક મેચ ન રમાડવા બાદની વ્યથા અને જ્યારે બે વખત આ વ્યથા વ્યક્ત કરવા માટે એ ગુસ્સો દેખાડે છે તે નેચરલ લાગે છે.

ફિલ્મનો વિષય રાષ્ટ્રવાદ હોવાથી સચિન-જીગરના ભાગે કશું ખાસ નથી આવ્યું, પરંતુ તેમણે બે ગીતો “નૈનો ને બાંધી કોઈ ડોર રે..” અને “ચડ ગઈ ઓયે” માં મજા કરાવી છે.

ફરી વાત કરીએ રીમા કાગતીની. એમણે વાર્તાના ઐતિહાસિક પોતને ન વળગી રહીને તેના પર આધારિત જ રહીને બહુ અક્કલવાળું કામ કર્યું છે. કારણકે ઈતિહાસ ઘણીવાર બોરિંગ પણ હોઈ શકે છે જ્યારે તેના અંગે થતી કલ્પના મજા કરાવી જતી હોય છે. રીમા કાગતીએ મોટેભાગે આ ઐતિહાસિક ઘટનાને પોતાની કલ્પનાના રંગે જ રંગી છે. પરંતુ હા એક બે જગ્યાએ અમુક વાત ખટકે છે. જેમ કે ભારતીય ટીમના વિન્ડ શીટર્સ, કે પછી એક સીનમાં અમિત સાધે પહેરેલો ટ્રેક સ્યુટ કે પછી અમિત સાધની જ હોકીનું કવર. આ બધું આધુનિક યુગનું વધારે દેખાય છે નહીં કે ૧૯૪૮નું. પરંતુ જ્યારે આટલી સુંદર ફિલ્મ બની હોય ત્યારે આટલી નાની મોટી ભૂલો ઇગ્નોર કરવી જ યોગ્ય રહેશે.

છેવટે...

ફિલ્મ ભલે ઈતિહાસ કરતા કાલ્પનિક વાત કરતી હોય પરંતુ આ ઘટના નહોતી જ બની એવું કોઈજ ન કહી શકે. માટે ભારતના અભિમાન માટે અને રગેરગમાં રાષ્ટ્રવાદનું લોહી ગરમ થઈને ફરીથી દોડવા લાગે એ માટે અને ગોલ્ડની સમગ્ર ટીમ, ખાસકરીને અક્ષય કુમારના પ્રયાસ માટે ફિલ્મ બિલકુલ જોવી જોઈએ.

૧૫.૦૮.૨૦૧૮, બુધવાર (સ્વતંત્રતા દિવસ)

અમદાવાદ