નો રીટર્ન-૨ ભાગ-19 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-19

નો-રીટર્ન-૨

ભાગ-૧૯

( આગળ વાંચ્યુઃ- ક્લારાને ઉદભવેલાં ખતરનાક ઇરાદાઓને અમલમાં મુકવા રોગન માલ્ટા એભલસીંહને ફોન કરે છે.... બસ સ્ટેશને વિનીત સામેથી અનેરીને આવતી જોઇ આસક્તિ ભરી નજરે તાકી રહે છે.... અને ઇન્દ્રગઢમાંથી એકાએક રાજન બિશ્નોઇ ગાયબ થઇ જાય છે....હવે આગળ વાંચો.)

સખત હેરાનીથી મારું માથું ચકરાતું હતું. મેં અનેરીને બસ સ્ટેશનનાં પરીસરમાં વિનીતનાં ગળે વળગતી જોઇ હતી. આ પ્રથમ વખત નહોતું કે તેણે આવું કર્યું હોય, રેલ્વે પ્લેટફોર્મ પર તે આ પહેલાં વિનીતને વળગી પડી હતી. તેની આ હરકતથી મને ચોક્કસપણે સમજાયું હતું કે તે વિનીતનાં પ્રેમમાં પડી છે. એ હકીકત મારા માટે ઘોર હતાશાપ્રેરક હતી. હું મનોમન અનેરીનાં પ્રગાઢ પ્રેમમાં પડી ચૂકયો હતો એટલે તો આજે બે દિવસથી સતત તેની પાછળ પડછાયાની જેમ ભમી રહયો હતો. મારે કરવા જેવા ઘણા કામ બાકી હતાં છતાં અનેરીનું વળગણ મને તેની પાછળ ખેંચી રહયું હતું. ઇન્દ્રગઢમાં મારી રાહ જોવાતી હતી. આજે ઘણાં વર્ષો પછી, લગભગ દસ વર્ષ બાદ પિતાજીને મળવાનો સોનેરી અવસર આવ્યો હતો. તેઓ બે દિવસમાં ઇદ્રગઢ પહોંચવાના હતાં, એ ઉપરાંત દાદાએ સ્વપ્નમાં જે આદેશ આપ્યો હતો એ મુજબ પણ અત્યારે મારું મારા રાજ્યમાં હોવું અનિવાર્ય હતું. પણ... એ બધું છોડીને હું કોઇ અલેલ- ટપ્પુ મવાલીની જેમ એક ખૂબસૂરત યૌવનાં પાછળ લગભગ ગાંડો બનીને તેનો પીછો કરી રહયો હતો. એક વખત તો મનમાં વિચાર પણ ઉદ્દભવ્યો કે શું ખરેખર આ હું જ છું, કે પછી મારી અંદર કોઇ અલગ વ્યક્તિ છે...!

અનેરીને ફોન કર્યા બાદ ઝડપથી ચેક- આઉટ પતાવીને હું ગીતા-મંદિર દોડી આવ્યો હતો. મને એમ હતું કે બસ- સ્ટેશનની ભીડમાં મારે તેને શોધવા ભારે મથામણ કરવી પડશે, પરંતુ એવું ન થયું. જેવો હું સિક્યુરીટી ચેકિંગ પતાવીને સ્ટેશનનાં પરસાળમાં દાખલ થયો કે સામે જ, એક બાકડાં પાસે મને તે વિનીતનાં આલીંગનમાં સમાયેલી દેખાઇ. એ પ્રગાઢ આલીંગનનો મતલબ ન સમજુ એટલો નાનો પણ નહોતો હું. તરત મને સમજાયું હતું કે મારું અહી આવવું અને અનેરીની પાછળ ફરવું તદ્દન વ્યર્થ છે. ખિન્ન હ્રદયે હું ત્યાંથી જ પાછો ફરી જવા માંગતો હતો કે અચાનક.... પેલાં ફોટોગ્રાફ્સ મનમાં ઝબકયાં. સાલું આ મન બડી અજીબ ચીજ છે. અનેરી હવે કોઇ કાળે મને મળવાની નથી એ સત્ય હકીકત જાણ્યાં પછીયે પેલા ફોટોગ્રાફ્સ્ જોવાની અદમ્ય ઇચ્છા તો સળવળી જ ઉઠી. અને સાથોસાથ એક બળવો, એક વિદ્રોહ પણ મનમાં જનમ્યો. જો હવે એ મને મળવાની નથી તો આમ લપાતા-છુપાતા તેની પાછળ રખડવાનો શું અર્થ...? ડાયરેક્ટ તેની સામે જઇને તેને જ શું કામ ન પુછી લઉં...! એ વિચારે આપોઆપ અંદરથી જાણે એક આદેશ થયો હોય એમ મારા પગને કોઇએ ધક્કો માર્યો અને હું કંઇ પણ વિચાર્યા વગર વિનીત અને અનેરીની દિશામાં આગળ વધ્યો. એક વખત એ ફોટાઓ જોઇ લઉં પછી એ તેનાં રસ્તે અને હું મારા રસ્તે. આ કહાની આજે અહીં જ ખતમ. આખરે મારામાં પણ એક રાજવી ખાનદાનનો અહંમ દોડતો હતો, કોઇની પાછળ આમ બેતહાશા પાગલ બનવું મારા અહંમને ઠેસ પહોંચાડતું હતું.

“ મારે પેલા ફોટોગ્રાફ્સ જોવા છે....!” કોઇ જ આડી- અવળી પૂર્વભૂમિકા બાંધ્યા વગર હું તેમની સામે જઇને ઉભો રહી ગયો હતો.

***

“ બોસ...! વહેતા સમય સાથે મારી ધીરજ ખૂટી રહી છે. તમે પેલી છોકરીનાં વાવડ મેળવો અથવા મને ઇન્ડિયા જવાની પરવાનગી આપો. આમ હાથ ઉપર હાથ ધરીને કયાં સુધી બેસી રેહવું....! ” ઠીંગણાં કદનાં જોસે પોતાનાં અવાજમાં બને એટલી શાલીનતા ઉમેરતાં વાક્યો ઉચ્ચાર્યા, પરંતુ તેનાં મનમાં તો ભારે અધીરાઇભરી ઉત્તેજનાં વ્યાપેલી હતી. તેને પોતાના બોસ કાર્લોસનું વર્તન સમજાતું ન હતું. કોઇપણ બાબતને એક ઝટકે તડ અને ફડમાં પતાવી નાંખવાની ફિતરત ધરાવતો પોતાનો આ ખૂંખાર બોસ આ મામલમાં આખરે કેમ ઢીલ વર્તી રહયો છે એ તેનાં ભેજામાં ઉતરતું નહોતું, અને એટલે જ તે અકળાતો હતો. જવાબની આશાએ તે સાવ બેફિકરાઇથી સીગારેટ ફૂંકતા કાર્લોસનાં ચહેરા ભણી તાકી રહયો. કાર્લોસે જોશની વાત સાંભળી ખુરશીમાં પોતાનાં મજબુત શરીરને થોડુક હલાવ્યું અને સીગારેટનો એક ઉંડો કશ ખેંચ્યો. તેને જોસની અધીરાઇ સમજાતી હતી. ઉતાવળ તો તેને ખુદને પણ હતી પરંતુ જલ્દી કરવામાં કોઇ ગરબડ ન થાય એનું ધ્યાન રાખવું પણ અત્યંત જરૂરી હતું. તેણે જેને આ કામ સોંપ્યું હતું એ છોકરી ભારે શાતિર હતી. એ પોતાનું કામ પાર પાડશે જ એવી ગળા સુધીની ખાતરી કાર્લોસને હતી. જ્યાં સુધી તેનાં તરફથી કોઇ સંદેશો ન આવે ત્યાં સુધી શાંતી જાળવવી અત્યંત જરૂરી હતી. આ કોઇ નાની સુની રકમનો વહેવાર નહોતો. અબજો- ખર્વો... કદાચ એથી પણ વધુંની કિંમતી જણસની ખોજ હતી. એટલેજ તો તે પોતાનાં આક્રમક સ્વભાવ વિરુધ્ધ ઘણા લાંબા સમયથી શાંતી જાળવીને બેઠો હતો. ઉતાવળ અને અધીરાઇ દાખવવામાં આ મામલો દાવ ઉપર લાગે એમ હતો. અને એવું થાય એ તેને હરગીજ મંજૂર નહોતું.

“ જોસ...! કમ ડાઉન માય બોય...! આઇ અન્ડરસ્ટેન્ડ યોર પેશન બટ, ધીસ ઇઝ નોટ કરેક્ટ ટાઇમ ટુ રીએક્ટ....! ” મોંમાં લટકતી મોંઘીદાટ સીગારેટનો ધુમાડો એક સ્ટાઇલથી હવામાં છોડતો કાર્લોસ બોલ્યો. તેનાં કંઇક અંશે કાળા, ભરાવદાર ચહેરા ઉપર એક અજીબ પ્રકારનો રૂઆબ છવાયેલો હતો. એક એવો રૂઆબ, જાણે આ સમગ્ર કાયનાત તેની મુઠ્ઠીમાં સમાયેલી હોય અને આંખ ઝબકાવતા તે બધું ફૂંકી નાંખવા સક્ષમ હોય.

“ આ તું કહી રહયો છે કાર્લોસ...? જે કામ બંદૂકની નોંક ઉપર એક ક્ષણમાં પતે એમ છે એને છેલ્લાં પંદરેક દિવસથી આપણે એક સાધારણ છોકરીને ભરોસે મુકીને અહીં બેઠાં છીએ...! અત્યારે તારી વિચાર- શક્તિ ઉપર ખરેખર મને સંદેહ ઉદ્દભવે છે. શું થઇ ગયું છે તને, તું આવો તો નથી જ...! ” જોસ મુનીઝે આશ્વર્ય ઠાલવ્યું અને આખરે મનમાં હતું એ બોલી જ નાખ્યું. તે જે લહેકામાં બોલ્યો હતો એ વાત ઉપર એ કમરામાં ભૂંચાલ આવી જવો જોઇતો હતો પરંતુ કાર્લોસ ફકત ધીમુ હસ્યો.

“ માત્ર બે દિવસ જવા દે, પછી આપોઆપ તને બધું સમજાઇ જશે. હવે તું નીકળ, મારે થોડું કામ પતાવવાનું છે...” ભારે ઠંડકથી તે બોલ્યો. ફરી સીગારેટનો એક ઉંડો કસ માર્યો અને મુલાયમ લેધરની ખુરશીમાંથી એકાએક ઉભો થઇ ગયો. તેનાં ઉભા થવાનો મતલબ હતો કે મિટીંગ અહી જ ખતમ. જોસને એ ગમ્યું નહી પરંતુ હવે અહીંથી બહાર જવા સીવાય તેનો કોઇ આરો નહોતો. કંઇક અંશે ગુસ્સા અને ફસ્ટ્રેશનથી ધમધમતો તે નાના- નાનાં પગલા ભરતો કમરાની બહાર નિકળી ગયો. તેને જતાં જોઇ કાર્લોસનાં ચહેરા ઉપર હાસ્ય છવાયું.... “ પુઅર બોય...! ” તે બોલ્યો અને ટેબલ ઉપર પડેલો ફોન ઉઠાવી એક ઇન્ટરનેશનલ નંબર ડાયલ કર્યો... સામેનાં છેડે રીંગ વાગી અને ફોન રિસીવ થયો.

“ કામ પત્યું...? ” તેણે અંગ્રેજીમાં પુંછયું.

“ ઓલ મોસ્ટ ડન...! બટ હેવ સમ પ્રોબ્લેમ્સ...! આઇ ફિક્સ ઇટ સૂન એન્ડ કોલ યુ. યુ ડોન્ટ કોલ મી અગેઇન અધરવાઇઝ આઇ ડ્રોપ્ડ ધ કેસ. ” સામા છેડેથી કહેવાયું. અને એ સાંભળી કાર્લોસ ખડખડાટ હસી પડયો. એ હાસ્યનો પડઘો તેની સંપૂર્ણ સાઉન્ડપ્રુફ ઓફિસનાં ખૂણે- ખૂણે પડઘાઇ ઉઠયો. એ હાસ્યમાં એક ઠંડી ક્રૂરતા ઝળકતી હતી.

“ તું જાણે છે ને કે તારી એક કિંમતી ચીજ મારી પાસે છે...! ”

“ જાણું છું...! પરંતુ તારે પણ મારી એટલી જ જરૂર છે એ પણ હું જાણું છું. ”

કાર્લોસ ફરી વખત હસી પડયો... “ આઇ લાઇક યોર એટીટયૂડ...! એટલે જ તને આ કામ સોંપ્યું છે. પણ.... બે દિવસ, તારી પાસે હવે માત્ર બે દિવસ છે...! જો બે- દિવસમાં કામ ન થયું તો કમસેકમ તારી એ ચીજ ભુલી જજે. ” આટલું બોલીને તેણે ફોન કટ કરી નાંખ્યો. વળી સીગારેટનો એક ઉંડો દમ ભર્યો અને એક લાંબી ક્ષણ બાદ ફેફસામાં ભરાયેલો ધુમાડો હવામાં ફંગોળ્યો. તેનાં ખતરનાક દિમાગમાં આગળનો પ્લાન વિચારવાનું શરૂ થઇ ચૂકયું હતું.

***

ઇન્સ. ઇકબાલ અવિશ્વાસભરી નજરે હાથમાં પકડેલા કાગળનાં ફરફરીયાને જોઇ રહયો. એક કોન્સ્ટેબલ હમણાં જ એક કવર તેનાં ટેબલ ઉપર મુકી ગયો હતો. ઇકબાલે એ બંધ કવર ખોલ્યું હતું અને તેમાંથી નીકળેલાં ગડી વાળેલા કાગળને ખોલ્યો હતો. અહીંનાં ટેલીફોન એક્ષચેન્જ તરફથી એ કાગળ તેને મોકલાયો હતો. ગઇકાલે એક ફોન નંબર વિશે તેણે માહિતી મંગાવી હતી. એ ફોન નંબર કોનો હતો એ નામ તેમાં લખ્યું હતું. એ નામ વાંચીને તેની આંખો ઝીણી થઇ હતી અને ચહેરા ઉપર આશ્ચર્ય છવાયું હતું.

“ એભલસીંહ...! ” ઇકબાલ સવગતહઃ જ નામ બોલ્યો. એભલનું નામ વાંચી તેનાં કપાળે સળ પડયા હતાં અને તે વિચારમાં ખોવાયો. એભલસીંહે હોસ્પિટલમાં ફોન કરીને રાજન બિશ્નોઇ માટે એમ્બ્યુલન્સ મંગાવી હોય એ બાબત કેમેય કરીને તેનાં ભેજામાં ઉતરતી નહોતી. એનો મતલબ તો એ નિકળતો હતો કે જ્યારે રાજન ઉપર હુમલો થયો ત્યારે એભલસીંહ ત્યાં જ, લાઇબ્રેરીમાં હતો, અથવા તો તેણે જ રાજન ઉપર હુમલો કર્યો હોય શકે....! ઇકબાલ ગોટાળે ચડયો. ના...ના..., જો તેણે હુમલો કર્યો હોય તો પછી સામેથી તે શું કામ એમ્બ્યુલન્સ મંગાવે...? એવું કરવામાં તો તે પોતે જ સલવાઇ જાય. પણ, એક વાત નક્કી હતી કે એ સમયે એભલ લાઇબ્રેરીમાં હાજર હતો ખરો...! હવે એ ત્યાં શું કામ હતો, અને તેણે શું કર્યુ કે શુ નથી કર્યુ, એ તો એભલસીંહ ખુદ જ જણાવી શકે તેમ હતો.

ઇકબાલે તરત ટેબલ ઉપર પડેલો ફોન પોતાની તરફ સરકાવ્યો અને રિસીવર ઉઠાવી એભલસીંહનો નંબર ડાયલ કર્યો. તેનાં આશ્વર્ય વચ્ચે એભલસીંહનો ફોન “ સ્વીચ ઓફ ” આવતો હતો.

“ ભગવાન...! ” તેણે કોન્સ્ટેબલ ભગવાન પંતને હાંક મારી. પોલીસચોકીનાં નાનકડા એવા કમરાનાં એક ટેબલ ઉપર ઝળુંબતો ભારેખમ શરીરનો માલીક કોન્સ્ટેબલ ભગવાન પંત બધું કામ પડતું મુકીને ઇકબાલ સમક્ષ હાજર થયો.

“ હો....સાહેબ...! ”

“ એભલસીંહને તો ઓળખે છે ને...?”

“ હો સાહેબ...! પેલો લાલ બુલેટવાળો એ જ ને...? ”

“ હાં.... એ જ...! મારે અડધા કલાકમાં તે મારી સમક્ષ હાજર જોઇએ. ભલે અત્યારે આકાશમાં હોય કે પાતાળમાં, અડધી કલાકની અંદર તે અહીં હોવો જોઇએ. એ કેમ કરવું એ હું તારી ઉપર છોડું છું. મને ગમે ત્યાંથી એભલસીંહ લાવી આપ. સમજાઇ ગયું તને..? ”

“ હો સાહેબ...! ” અચાનક ભગવાન પંતનું ભારેખમ શરીર હરકતમાં આવ્યું અને તેણે સાહેબને સલામ ઠોકી. તરત તેને સમજાયું હતું કે જરૂર એભલસીંહે કોઇક ગરબડ કરી હશે નહિતર સાહેબ આવી રીતે તેને હુકમ કરે નહી. એભલસીંહ ગામનાં ઉતાર જેવો માણસ હતો એટલે તેનાં પગ કુંડાળે ન પડ્યા હોય તો જ નવાઇની વાત કહેવાય. તે તરત કામે લાગી ગયો. બે કોન્સ્ટેબલોને સાથે લઇ તે ધાનેરાની દિશામાં ઉપડયો. એક આછો- પાતળો અંદાજ તેનાં મનમાં ઉભરતો હતો કે એભલ અત્યારે કયાં હોવો જોઇએ. એ અંદાજ મુજબ જ તે આગળ વધ્યો હતો. જો કે તે થોડોક મોડો પડયો હતો જેની પ્રતિતી થોડીવારમાં તેને થવાની હતી.

મોડો તો ઇન્સ. ઇકબાલ પણ પડયો હતો. રાજન ગાયબ છે એ સમાચાર હજું તેનાં સુધી પહોંચ્યા જ નહોતાં. જો એ ખ્યાલ વહેલા આવ્યો હોત તો આ કહાનીમાં એક નવો જ વળાંક આવ્યો હોત...! પણ એવુ થયુ નહોતું. કનૈયાલાલ દિવાન ઉપર હોસ્પિટલમાંથી ડોકટરનો ફોન આવ્યો ત્યારે તેઓ રઘવાટનાં માર્યા ઉચાટ જીવે હોસ્પિટલ તરફ જવા નીકળી પડયા હતાં. તેમણે આ વાત ઇકબાલ ખાનને જણાવવી જોઇએ એવો ખ્યાલ પણ મનમાં ઉદ્દભવ્યો નહોતો.

***

“ મારે એ ફોટા જોવા છે....” એકાએક જ હું તેમની સામે ધસી ગયો હતો. એવું મેં શાં માટે કર્યુ હતું એ આજ દિન સુધી હું સમજી શકયો નથી. કદાચ મારી નિયતી.... મારી કિસ્મતમાં જે અણધાર્યું બનવાનું હતું એની શરૂઆત અહીંથી જ થવાની હતી એ તથ્યથી હું તદ્દન અનભિગ્ય હતો.

અનેરી અને વિનીત બંન્ને ખચકાઇને ઉભા રહી ગયા. તેઓ એસ.ટી. કેન્ટીન તરફ જઇ રહયાં હતાં. રસ્તામાં એકાએક કોઇએ તેમનો રસ્તો રોકયો એટલે તેમનું ખચકાવું સ્વાભાવિક હતું.

“ એય મિસ્ટર, કોણ છો તમે...? આમ રસ્તો રોકીને કેમ ઉભા રહી ગયા છો...? ” વિનીત બોલી ઉઠયો. પરંતુ મેં એ સાંભળ્યું નહોતું. મારું સમગ્ર ધ્યાન અત્યારે અનેરી તરફ હતું. તેનાં સુંવાળા ચહેરા ઉપર એકાએક મને અહીં જોઇને અપાર આશ્વર્ય ઉભર્યુ હોય એવું પ્રતિત થયું. હજું ગઇ રાત્રે જ ગેલેક્ષી હોટલનાં રેસ્ટોરન્ટમાં અમારી વચ્ચે થોડી મીઠી ચડભડ થઇ હતી. તેમાં અત્યારે હું અચાનક અહીં, તેની સમક્ષ પ્રગટ થયો એટલે કદાચ તે ખચકાઇને હેરાનીભરી નજરે મને જોઇ રહી હતી.

“ મારે એ ફોટાઓ જોવા છે...!” અનેરીની બિલોરી કાચ જેવી પારદર્શક આંખોમાં તાકતા મેં ફરીથી કહયું

“ વોટ...? ” તેનાં બેહદ ખૂબસૂરત ચહેરા પર અસમંજસનાં ભાવો ઉભર્યા. હું શું કહી રહયો છું એ કદાચ તરત તેને સમજાયું નહી. ફોટઓ ભરેલું ખાખી કવર હજુ પણ તેનાં હાથમાં જ હતું. મેં એ કવર તરફ આંગળી લંબાવી “ આ કવરમાં જે ફોટાઓ છે એ મારે જોવા છે...! ” એક- એક શબ્દ છૂટો પાડીને હું બોલ્યો.

“ ફોટાઓ જોવા છે મતલબ...? તમે કોઇ પાગલ વ્યક્તિ છો...? અને તમને કેમ ખબર કે આ કવરમાં ફોટઓ છે...? ” તેનો અવાજ એકાએક ઉંચો થયો હતો. હું તેનાં કંઇક અંશે ભારે અવાજ ઉપર ખરેખર ફીદા હતો.

“ મને તો એ પણ ખબર છે કે તમે ઇન્દ્રગઢથી આવ્યા છો....! અને એ પણ જાણું છું કે આ કવરમાં જે ફોટાઓ છે તેનો એક છેડો ઇન્દ્રગઢ સાથે જોડાયેલો છે...! ” તદ્દન ઠંડા કલેજે બોમ્બ ફોડતો હોઉં એમ હું બોલ્યો. અનેરી અને વિનીત, બંન્ને મારી વાત સાંભળીને ત્યાં જ ઠરી ગયા, અને અચંભીત બની સ્થિર થઇ મારા ચહેરા સામું તાકી રહયાં જાણે હું કોઇ એલીયન ન હોઉં.

ખબર નહી કેમ, પણ મને અંતરમાં આનંદ ઉદ્દભવતો હતો, અનેરીને એકાએક ચોંકાવી દેવાનો આનંદ.

( ક્રમશઃ)

લેખકઃ- પ્રવિણ પીઠડીયા.

આપને નો-રીટર્ન-૨ કેવી લાગી એ પ્રતીભાવ ૯૦૯૯૨૭૮૨૭૮ પર લેખકને વોટ્સએપ કરી શકો છો. અથવા તેમની સાથે ફેસબુક પેજ Praveen Pithadiya સાથે જોડાઇ શકો છો.

ધન્યવાદ.

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન.

નસીબ.

અંજામ.

નગર.

આંધી.

પણ વાંચજો.