બાજીગર - 11 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

બાજીગર - 11

બાજીગર

કનુ ભગદેવ

૧૧ - નાગપાલની તપાસ ....!

નાગપાલ ક્યાંક બહાર જવાની તૈયારી કરતો હતો.

દિલીપ સોફા પર બેસીને આજના તાજા અખબાર પર નજર દોડાવતો હતો.

સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.

‘દિલીપ...!’ નાગપાલ બોલ્યો, ‘જરા જો તો...કોણ છે ..?’

‘લે કર વાત...! દિલીપે અખબારમાંથી માથું ઊંચું કરતાં શરારતભર્યા અવાજે કહ્યું, ‘આ તો સુરદાસને પણ દેખાય તેવી વાત છે કે ટેલીફોન સાહેબ છે...!’

‘અક્ક્લના દુશ્મન...ટેલીફોન કોનો છે એ જો...!’

‘લે...એટલી પણ તમને ખબર નથી...? ટેલીફોન તો આપણી માલિકીનો છે....!’ દિલીપ ઠાવકા અવાજે બોલ્યો.

દિલીપ અત્યારે અવળચંડાઈ કરવાના મુડમાં છે એ વાત નાગપાલ તરત જ સમજી ગયો.

છેવટે એણે જ આગળ વધીને રિસીવર ઊંચક્યું.

‘હલ્લો...મેજર નાગપાલ સ્પીકિંગ...!’ એ બોલ્યો.

‘નાગપાલ સાહેબ, હું વામનરાવ બોલું છું...’ સામે છેડેથી ઇન્સ્પેકટર વામનરાવનો પરિચિત સ્વર તેને સંભળાયો.

‘બોલ...’

‘નાગપાલ સાહેબ, શેઠ કાશીનાથને ત્યાં એક ગંભીર બનાવ બની ગયો છે !’

‘ગંભીર બનાવ...?’ નાગપાલે ચમકીને પૂછ્યું.

‘હા... એના પુત્ર સુધાકરે આપઘાત કરી લીધો છે. દસેક મિનિટ પહેલાં જ કાશીનાથે હેડક્વાર્ટરે મને ફોન કરીને આ સમાચાર આપ્યા છે.’

‘ઓહ...’

‘આપ કાશીનાથને ત્યાં આવો છો ને ...?’

‘હા...હું સીધો ત્યાં જ પહોંચું છું. તેં કાશીનાથને જરૂરી સૂચનાઓ આપી દીધી છે ને ?’

‘હા...’

‘ભલે, તો હું અડધા કલાકમાં જ પહોંચી જઈશ. મને એનું સરનામું જણાવી દે...!’

સામે છેડેથી વામનરાવે તેને કાશીનાથનું સરનામું જણાવી દીધું.

નાગપાલે રિસીવર મૂકી દીધું.

‘કોનો ફોન હતો અંકલ...?’દિલીપે ઉત્સુક અવાજે પૂછ્યું.

‘વામનરાવનો...!’

‘ઓહ...તો તો જરૂર કોઈક લાશ તમારા વિયોગમાં આંસુ સારતી હશે ખરું ને ?’

‘હા...’

‘કોણ ગયું...?’

‘કાશીનાથનો પુત્ર સુધાકર...!’

‘કોણે રવાના કર્યો...!’

‘જાતે જ રવાના થયો છે...!’

‘ઓહ...!’ દિલીપ બબડ્યો.

‘ચાલ, દિલીપ...!’ કહીને જવાબની રાહ જોયા વગર નાગપાલ બહાર નીકળી ગયો.

અનિચ્છાએ દિલીપને પણ ઉભા થવું પડ્યું.

બે મિનિટ પછી તેમની કાર વિશાળગઢના આલીશાન રાજમાર્ગ પર દોડતી હતી.

‘અંકલ...!’ સહસા દિલીપ બોલ્યો.

‘બોલ...!’

‘સુધાકરે આપઘાત શા માટે કર્યો હશે ?’

‘થોડી ધીરજ રાખ...!’

‘કેમ...?’

‘આપણે હમણાં જ ત્યાં પહોંચી જશું. તું પોતે જ એને પૂછી લેજે...!’

‘હું તો પૂછીશ જ ...પરંતુ જો સુધાકરનો મૃતદેહ જવાબ નહીં આપે તો તમારે આપવો પડશે. મારી આ શરત તમને કબુલ હોય તો હા કહો નહીં તો કાર ઉભી રાખો એટલે હું ચાલતો થઉં !’

નાગપાલે કાર ઉભી રાખવાનો કોઈ પ્રયાસ ન કર્યો.

થોડીવારમાં જ તેની કાર કાશીનાથના બંગલા સામે પહોંચીને ઉભી રહી ગઈ.

બંને નીચે ઉતર્યા.

બંગલાની બહાર પોલીસની જીપ ઉભી હતી. અર્થાત્ વામનરાવ આવી ગયો હતો.

બંગલામાં લોકોની મોટી ભીડ એકઠી થયેલી હતી.

સુધાકરના આપઘાતના સમાચાર પડોશીઓમાં ફેલાઈ ગયા હતા.

વામનરાવ તેમની જ રાહ જોતો વરંડામાં ઉભો હતો.

ભીડમાંથી માર્ગ કરીને નાગપાલ તથા દિલીપ વરંડામાં પહોંચ્યા.

વામનરાવ તેમને અંદર લઇ ગયો.

ડ્રોઈંગરૂમમાં અતુલ, મંદાકિની અને કાશીનાથ ઉપરાંત બીજા ત્રણ-ચાર અંગત માણસો મોજુદ હતા.

કિરણ તથા મંદાકિની ધ્રુસકાં ભરતી હતી.

અતુલ તેમને આશ્વાસન આપતો હતો પરંતુ તેમનું રુદન ચાલુ જ હતું.

કાશીનાથનો ચહેરો ગમગીન હતો. એની આંખોમાં આંસુ ચમકતાં હતા.

‘મૃતદેહ ક્યાં છે...?’ નાગપાલે પૂછ્યું.

‘મારી સાથે આવો સાહેબ...!’

કાશીનાથ તેમને સુધાકરના શયનખંડમાં લઇ ગયો.

નાગપાલે મૃતદેહનું બારીકાઈથી અવલોકન કર્યું.

પછી એની નજર ટેબલ પર પડેલા કામ્પોઝના ખાલી પાનાં તથા ગ્લાસ અને પાણીના જગ પર પડી. જગ અડધો ભરેલો હતો.

‘મિસ્ટર કાશીનાથ...!’ મૃતદેહ તથા ટેબલ પર પડેલી ચીજ-વસ્તુઓનું અવલોકન કર્યા બાદ નાગપાલે ટટ્ટાર થઇ, કાશીનાથને ઉદ્દેશી પૂછ્યું, ‘સુધાકરે મરતાં પહેલા કોઈ ચિઠ્ઠી અર્થાત્ સુસાઇડ નોટ લખી છે ?’

‘જી, હા....’ કહીને કાશીનાથે સુધાકરે લખેલી ચિઠ્ઠી નાગપાલના હાથમાં મૂકી દીધી.

ગ્લાસ, જગ તથા કામ્પોઝના ખાલી પાનાં પણ કબજે કરી લેવાયાં.

‘તમને આ ચિઠ્ઠી ક્યાંથી મળી હતી મિસ્ટર કાશીનાથ ?’

‘ગ્લાસ નીચે દબાવેલી હતી.’

‘ઓહ...’

નાગપાલે ચિઠ્ઠી વાંચી વામનરાવને આપી દીધી.

ગ્લાસ, જગ વિગેરે પરથી આંગળાની છાપો લેવામાં આવી.

ફોટોગ્રાફરે પોતાનું કામ પતાવ્યું.

‘નાગપાલ સાહેબ...!’ ફોટોગ્રાફર તથા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટનું કામ પતી ગયા પછી વામનરાવે પૂછ્યું, ‘હવે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપું ?’

‘ના, વામનરાવ....પહેલાં હું સુધાકરના કુટુંબીજનોને થોડી પૂછપરછ કરવા માંગું છું.’

‘ભલે ચાલો...’

એક સિપાહીને શયનખંડમાં રાખીને તેઓ ડ્રોઈંગરૂમમાં પહોંચ્યા.

કિરણ તથા મંદાકિનીનું રુદન શાંત પડી ગયું હતું.

‘સૌથી પહેલાં હું સુધાકરની પત્ની સાથે વાત કરવા માંગુ છું.’ નાગપાલ બોલ્યો.

‘બોલો સાહેબ...!’ કિરણે આગળ આવીને કહ્યું, ‘ હું જ તેમની પત્ની છું.’

‘તમારું નામ શું છે ?’ નાગપાલે વાતચીતની શરૂઆત કરતાં પૂછ્યું.

‘જી...કિરણ...!’

‘તમારા પતિએ શા માટે આપઘાત કર્યો, એ બાબતમાં તમે કશું જાણો છો ?’

‘ના...આ બાબતમાં હું કશું જ નથી જાણતી.’ કિરણે જવાબ આપ્યો.

‘શું રાત્રે તમે તમારા પતિ પાસે નહોતા ?’

‘ના...’

‘તો પછી ક્યાં હતા ?’

‘હું કાલે બપોરે મારી નણંદ મંદાકિનીને ઘેર ગઈ હતી. સાંજે ઘેર પાછી ફરવાનું વિચારતી હતી ત્યાં જ અચાનક મંદાકિનીની તબિયત લથડી જતાં મારે આખી રાત તેની પાસે રોકાવું પડ્યું હતું. સવારે અહીં આવીને મેં મારા પતિને ઉઠાડ્યા તો તેઓ ન ઉઠ્યા...’ કહીને કિરણ ધ્રુસકાં ભરવા લાગી.

‘પ્લીઝ, રડો નહીં...શાંત થાઓ...’

કિરણે માંડ માંડ પોતાના રુદન પર કાબુ મેળવ્યો.

‘તમે છેલ્લે તમારા પતિને ક્યારે મળ્યા હતા ?’

‘કાલે સવારે તેઓ ઓફીસ જવા માટે નીકળ્યા ત્યારે...!’

‘એ વખતે તેમનો મૂડ કેવો હતો?’

‘સારો ન્હોતો.’

‘એટલે...?’

‘તેઓ છેલ્લા પાંચ-સાત દિવસથી ખુબ જ ગુમસુમ, ઉદાસ અને ચૂપ રહેતાં હતા.

‘તમે તેમની આ હાલત શા માટે છે, તે અંગે તમારા પતિને પૂછ્યું હતું ?’

‘હા...’

‘તેઓ શું જવાબ આપતા હતા ?’

‘કંઈ નહીં...હસીને મારી વાતને ટાળી દેતાં હતા !’

‘તમારા બંને વચ્ચે કંઈ ઝઘડો કે બોલાચાલી તો નહોતી થઇ ને ?’

‘ના...અમે બંને એકબીજાને ખુબ જ ચાહતાં હતાં એટલે ઝઘડો કે બોલાચાલી થવાનો સવાલ જ ઉભો નથી થતો.’ કિરણ નકારાત્મક ઢબે માથું હલાવતા મક્કમ અવાજે બોલી.

નાગપાલને કિરણ પાસેથી આપઘાતનું કોઈ કારણ જાણવા ન મળ્યું.

‘મિસ્ટર કાશીનાથ...!’એ કાશીનાથ તરફ ફરીને બોલ્યો. ‘તમે આ બાબતમાં કશું કહી શકો તેમ છો ?

‘માત્ર એટલું જ કે સુધાકર છેલ્લા પાંચ-સાત દિવસથી ખુબ જ ચિંતાતુર અને પરેશાન રહેતો હતો.’

‘તમે ચિંતાનું કારણ પૂછ્યું હતું ?’

‘હા, પૂછ્યું હતું !’

‘તો...?’

‘એણે મને કશું જ ન જણાવતાં માત્ર એટલું જ કહ્યું હતું કે એ પોતાની પરેશાનીનું કારણ ભગવાનને પણ જણાવી શકે તેમ નથી.’

નાગપાલને આ મામલો બેહદ ગંભીર લાગતો હતો.

પરંતુ વાસ્તવમાં મામલો શું છે, એ તેને નહોતું સમજાતું.

‘વારૂ, તમને છેલ્લે સુધાકર ક્યારે મળ્યો હતો ?’

‘રાત્રે ડીનર વખતે...! પરંતુ એ બે-ચાર કોળિયા ખાઈને જ ઉભો થઇ ગયો હતો.

‘ડીનર વખતે તમારે તેની સાથે ખાસ કોઈ વાતચીત થઇ હતી ?’

કાશીનાથે રાત્રે ડીનર વખતે પોતાને સુધાકર સાથે જે કંઈ વાતચીત થઇ હતી, તેની વિગતો જણાવી દીધી.

પરંતુ તેની વાત પરથી નાગપાલને ખાસ કશું જાણવા ન મળ્યું.

મામલો હજુ જેમનો તેમ જ હતો.

સુધાકરના આપઘાતનું કોઈક નક્કર કારણ તેને નહોતું દેખાતું, એ વિચારમાં ડૂબી ગયો.

‘મિસ્ટર કાશીનાથ...!’ થોડી પળો સુધી વિચાર કર્યા બાદ એણે કહ્યું, ‘હું સુધાકરના શયનખંડની તલાશી લેવા માંગું છું. આ કેસમાં આગળ વધી શકાય એવી કોઈક ચીજ-વસ્તુ ત્યાંથી મળી આવે એ બનવાજોગ છે.

‘જરૂર...મને કંઈ વાંધો નથી. આપ ખુશીથી તલાશી લઇ શકો છો. સુધાકરને એવી કઈ ચિંતા સતાવતી હતી, કે જેના કારણે તેને આપઘાત કરવા જેવું પગલું ભરવું પડ્યું, એ હું પણ જાણવા માંગું છું.’

નાગપાલ દિલીપ અને વામનરાવ સાથે સુધાકરના શયનખંડમાં પહોંચ્યો.

કાશીનાથ તેમની સાથે જ હતો.

જયારે મંદાકિની, કિરણ તથા અતુલ ડ્રોઈંગરૂમમાં જ રોકાઈ ગયા હતા.

નાગપાલે દિલીપ અને વામનરાવની મદદથી સુધાકરના શયનખંડની તલાશી લીધી.

પરંતુ કેસમાં આગળ વધી શકાય એવું કોઈ સૂત્ર તેમને ન મળ્યું.

‘દિલીપ...’ સહસા નાગપાલ બોલ્યો.

‘જી, અંકલ...’

‘મરનારના ગજવાની તલાશી લે...!’

દિલીપ આગળ વધીને સુધાકરના મૃતદેહ પાસે પહોંચ્યો અને એણે પહેરેલા વસ્ત્રોની તલાશી લેવા લાગ્યો.

બહારના ગજવામાંથી થોડા ધંધાકીય કાગળ પત્રો અને પર્સ મળ્યું.

એણે પર્સ ઉઘાડીને જોયું.

એમાં પૈસા સિવાય બીજું કશું જ નહોતું.

પછી એણે કોટના અંદરના ગજવાની તલાશી લીધી.

અંદરના ગજવામાંથી એક ખાખી રંગનું કવર તેને મળ્યું.

કવર જોઇને કાશીનાથ એકદમ ચમકી ગયો.

બરાબર આવું જ કવર બાજીગરે તેને તથા ધરમદાસને મોકલ્યું હતું.

‘જો તો દિલીપ...કવરમાં શું છે ?’

દિલીપે કવરમાંથી અતુલ તથા કિરણના રોમેન્ટિક ફોટા બહાર કાઢ્યા.

ફોટા જોઇને તે એકદમ ચમકી ગયો.

એણે ચુપચાપ એ ફોટા નાગપાલના હાથમાં મૂકી દીધા.

ફોટા જોઇને નાગપાલને સુધાકરના આપઘાતનું કારણ સમજાઈ ગયું.

‘આ ફોટા શાના છે નાગપાલ સાહેબ ?’ કાશીનાથે પૂછ્યું.

નાગપાલે તેને ફોટા બતાવ્યા તો એના પગ નીચેથી જમીન સરકી ગઈ.

‘ના...આવું બને જ નહીં...!’ એ ચીસ જેવા અવાજે બોલ્યો.

‘મિસ્ટર કાશીનાથ...!’નાગપાલે ગંભીર અવાજે કહ્યું, ‘હું ન ભૂલતો હોઉં તો આ ફોટામાં કિરણની સાથે તમારો જમાઈ અતુલ છે ખરું ને ?’

‘હા....પણ...’

‘પણ...શું...?’

‘ન તો મારા દીકરાની પત્ની કિરણ આવી છે કે ન તો મારો જમાઈ અતુલ...! બંનેના ચારિત્ર્ય એકદમ પવિત્ર અને નિર્દોષ છે...! આ દુનિયામાં મારાથી વધુ તેમને બીજું કોણ ઓળખતું હોય ? તેઓ કદાપી આવું હીન કૃત્ય કરે જ નહીં...!’

‘તો પછી અ ફોટા...?’

‘નાગપાલ સાહેબ...’ કાશીનાથ વચ્ચેથી જ તેની વાતને કાપી નાખતા રોષમિશ્રિત ઉત્તેજનાથી બોલ્યો, ‘આ એ કમજાતનું ષડ્યંત્ર છે કે જેણે આ ફોટા સુધાકરને પહોંચાડ્યા છે.’

‘આ ફોટા કોણે સુધાકરને પહોંચાડ્યા છે, એની તમને જાણ ખબર છે ?’

‘હા... હું તેને બહુ સારી રીતે ઓળખું છું.’

‘એમ...?’

‘હા...’

‘કોણ છે એ ...?’

‘બાજીગર...’

‘શું...?’ નાગપાલે ચમકીને તેની સામું જોતાં પૂછ્યું.

‘હા, નાગપાલ સાહેબ...!’ કાશીનાથ બોલ્યો, ‘તે એક નંબરનો ધૂર્ત અને ચાલાક છે...! એ રાજનારાયણના કુટુંબને પોતાના ષડ્યંત્રનો શિકાર બનાવી ચુક્યો છે અને હવે એણે મારા કુટુંબને પણ પોતાના ષડ્યંત્રનો શિકાર બનાવવાની શરૂઆત કરી દીધી છે.’

‘મિસ્ટર કાશીનાથ...! નાગપાલનો અવાજ બેહદ ગંભીર હતો, ‘તમે કિરણ, મંદાકિની અને અતુલને અહીં બોલાવી આપો. હું એકાંતમાં તેમની સાથે થોડી વાત કરવા માંગું છું.’

‘પણ, , , ’

‘મિસ્ટર કાશીનાથ...ડ્રોઈંગરૂમમાં બીજા લોકોની હાજરીમાં હું તેમની સાથે જે વાતચીત કરવા માંગું છું, તે થઇ શકે તેમ નથી એટલે જ અહીં બોલાવવાનું કહું છું. તમે બેફિકર રહો. બધી વાતચીત તમારી હાજરીમાં જ થશે.

કાશીનાથે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

પછી તે કિરણ, મંદાકિની તથા અતુલને બોલાવી લાવ્યો.

નાગપાલે એ ત્રણેયને ફોટા બતાવ્યા તો તેમના દિમાગ પણ ચકરાવે ચડી ગયા.

‘આ...આ બધું ખોટું છે... બકવાસ છે...!’ કિરણ તીવ્ર અવાજે બોલી ઉઠી.

મંદાકિનીની નજર સામે ટ્રેનમાં બનેલો એ બનાવ તરવરી ઉઠ્યો કે જયારે તેઓ ભોજન કર્યા પછી બેભાન થઇ ગયાં હતાં અને જયારે એ ભાનમાં આવી ત્યારે એણે કિરણ તથા અતુલને એકબીજાના આલિંગનમાં જકડાઈને સૂતેલાં જોયા હતાં.

અતુલ પણ એ જ બનાવ વિશે વિચારતો હતો.

‘તો પછી આ ફોટાઓનો શું અર્થ સમજવો ? નાગપાલે પૂછ્યું.

‘નાગપાલ સાહેબ ...આ એ જ માણસનું ષડ્યંત્ર છે કે જેણે ટ્રેનની મુસાફરી દરમ્યાન અમારાં પાણીમાં ઘેનની દવા ભેળવીને અમને બેભાન કરી દીધા હતા. અમારી બેભાન હાલતનો લાભ લઈને એણે આ ફોટા પાડી લીધા હોય એવું મને લાગે છે.’ અતુલ ગંભીર અવાજે બોલ્યો.

‘એટલે...?’

જવાબમાં અતુલે કાશ્મીર જતી વખતે ટ્રેનમાં બનેલા બનાવની વિગતો કહી સંભળાવી.

‘હા, નાગપાલ સાહેબ...!’ મંદાકિની તેની વાતને સમર્થન આપતાં બોલી, ‘અતુલની વાત સાચી છે. મેં પોતે જ તેને કિરણની બાજુમાંથી ઉઠાડ્યો હતો.’

‘નાગપાલ સાહેબ...!’ અતુલે પૂર્વવત રીતે ગંભીર અવાજે કહ્યું, ‘અમને બેભાન કરનારે, શા માટે બેભાન કર્યા હશે, તેનું કારણ એ વખતે અમે સમજી નહોતા શક્યા. પરંતુ હવે આ ફોટા પરથી આમ કરવાનું કારણ પણ સ્પષ્ટ થઇ જાય છે. આ ફોટા પાડવા માટે જ અમને બેભાન બનાવવામાં આવ્યા હતા.’

‘મેં એ કમજાત પાસેથી આવી આશા નહોતી રાખી.’ મંદાકિની ધ્રુસકાં ભરતા બોલી.

જયારે કિરણ એમ વિચારીને રડતી હતી કે- જો આ વાત હતી તો સુધાકરે તેને શા માટે ન જણાવી ? તેઓ ત્રણેય ભેગા થઈને તેની ગેરસમજ દુર કરી દેત...! આ સંજોગોમાં એને આપઘાત ન કરવો પડત !’

‘નાગપાલ સાહેબ... એ યુવાનનો ચહેરો મને બરાબર રીતે યાદ છે...!’ અતુલ રોષભર્યા અવાજે બોલ્યો, ‘ એ લબાડ મને જયારે પણ નજરે ચડશે ત્યારે હું તેની હાલત એવી કરી નાખીશ કે તે જિંદગીભર યાદ રાખશે....!’

અતુલ વિગેરેના ખુલાસાથી નાગપાલને સંતોષ થઇ ગયો હતો.

‘એ યુવાન જરૂર બાજીગરનો જ માણસ છે નાગપાલ સાહેબ...’ કાશીનાથે કહ્યું.

‘મિસ્ટર કાશીનાથ...!’ નાગપાલ ગંભીર અવાજે બોલ્યો, ‘જ્યાં સુધી કોઈ નક્કર પુરાવો ન મળે ત્યાં સુધી આ ષડ્યંત્ર પાછળ બાજીગરનો હાથ છે એમ માની શકાય તેમ નથી.’

‘આપ મારા પર ભરોસો રાખો નાગપાલ સાહેબ...!’

‘મિસ્ટર કાશીનાથ, પોતે જ સુધાકરને આપઘાત માટે લાચાર કર્યો છે, એ વાત બાજીગરે તમારી સામે કબુલ કરી છે ખરી ?’

‘નાગપાલ સાહેબ, એ કમજાત લાચાર નથી કરતો....! એ સંજોગો જ એવા ઉભા કરે છે કે માણસ પોતાની ઈચ્છાથી જ આપઘાત કરી લે છે અને આ વાતનો પુરાવો સુધાકર છે!’

નાગપાલે ધીમેથી માથું હલાવ્યું.

‘નાગપાલ સાહેબ, મારે આપને એક વિનંતી કરવાની છે !’

‘બોલો...!’ નાગપાલે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતા કહ્યું.

‘આપ આ ફોટાવાળી વાત જાહેર કરશો નહીં. આ અમારા બંને કુટુંબોની આબરૂ અને પ્રતિષ્ઠાનો સવાલ છે !’

‘હું સમજુ છું. મિસ્ટર કાશીનાથ...! સુધાકરના આપઘાતનો મને ખુબ જ અફસોસ છે. જો આ બનાવ પાછળ બાજીગરનો હાથ હશે તો હું તેને માફ નહીં કરું...!’ નાગપાલ બોલ્યો, ‘લો...આ ફોટાને તમે તમારા હાથેથી જ સળગાવી નાખો.’ કહીને એણે ફોટા તથા લાઈટર કાશીનાથના હાથમાં મૂકી દીધા.

કાશીનાથે આભારવશ નજરે નાગપાલ સામે જોયું.

પછી એણે ફોટાને સળગાવી નાખ્યા.

ત્યારબાદ સુધાકરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો.

નાગપાલ વિગેરે પણ વિદાય થઇ ગયા.

સુધાકરના સમાચાર સાંભળીને કાશીનાથના સંબંધીઓ આવી પહોંચ્યા હતા.

આમ ને આમ બપોર પડી ગઈ.

બપોર પછી થોડો સમય મળતાં જ કાશીનાથ ધરમદાસ પાસે પહોંચી ગયો.

ધરમદાસે તેને આવકાર અને આશ્વાસન આપ્યું.

ત્યારબાદ બંને જાણ બેસીને વાતો કરવા લાગ્યા.

‘ધરમદાસ...આ ષડ્યંત્ર બાજીગરનું જ છે...! એણે જ એ ફોટા સુધાકરને પહોંચાડ્યા હતા.’

‘ના...કાશીનાથ ...! એવું બને જ નહીં...! સુધાકર બાજીગરના ષડ્યંત્રનો શિકાર નથી બન્યો. એ ફોટા બીજું કોઈક પણ સુધાકર સુધી પહોંચાડી શકે તેમ છે.’

‘બીજું કોણ...?’

‘સુધાકરના મૃત્યુથી કોઈ લાભ થતો હોય એવો કોઈક માણસ....!’

‘એટલે....?’

‘તારું કોઈ સગું-સંબંધી...!’

‘ધરમદાસ...સુધાકરના મોતથી લાભ થતો હોય એવું મારું કોઈજ સગું-સંબંધી નથી. મારા મૃત્યુ પછી મારી બધી મિલકત સુધાકરને મળત...હવે એ કિરણને મળશે અને કિરણ સુધાકરની ખૂની નથી. કિરણે જાણીજોઈને જ અતુલ સાથે સુઈને બીભત્સ ફોટા પડાવ્યા એમ જો તું કહેવા માંગતો હો તો એ વાત મારે ગળે નથી ઉતરતી. આવું હરગીજ નથી બન્યું...! તેઓ કાશ્મીર જતી વખતે ટ્રેનમાં જ બાજીગરની યોજનાનો શિકાર બન્યા હતા. એ કમજાત ખુબ જ ચાલાક છે....! એની રમતની અગાઉથી નહીં, પણ રમત પૂરી થઇ ગયા પછી ખબર પડે છે !’

‘કાશીનાથ...!’

‘ધરમદાસ....! એ કમજાતે આપણી સાથે કેવી ઊંડી રમત રમી હતી તે વાત તું ભૂલી જતો લાગે છે. આપણે રજનીકાંત તથા તેના કુટુંબીજનોના ખૂન કર્યા હતા, એ વાતનો તેની પાસે કોઈ પુરાવો નહોતો. પરંતુ એ કમજાતે કેવી રીતે કેસેટના રૂપમાં પુરાવો મેળવી લીધો. તે તો તું જાણે જ છે ! આટલું જાણતો હોવા છતાં પણ આ ષડ્યંત્ર પાછળ બાજીગરનો હાથ નથી એમ તું કહે છે ? તું જોજે ધરમદાસ....બાજીગર તારા કુટુંબને પણ નહીં છોડે !’

કાશીનાથની વાત સાંભળીને ધરમદાસના મોંમાંથી ચિત્કાર સરી પડ્યો.

‘હું સાચું જ કહું છું દોસ્ત...!’ કાશીનાથ બોલ્યો, ‘બાજીગર ઝેરીલો સાપ છે અને સાપ પાસેથી અમૃતની આશા રાખવી મૂર્ખાઈ ભરેલી છે...! એને ગમે તેટલું દૂધ પીવડાવો તો પણ તે ઝેર જ ઓકે છે.’

‘તારી વાત સાચી છે કાશીનાથ... પરંતુ આપણે તેની વિરુદ્ધ કરી પણ શું શકીએ તેમ છીએ ? કશું જ કરી શકીએ તેમ નથી.’ ધરમદાસે ઊંડો નિઃસાસો નાખતા કહ્યું.

સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.

ધરમદાસ સોફા પરથી ઉભો થઈને ટેલીફોન પાસે પહોંચ્યો.

એણે રિસીવર ઊંચક્યું.

‘હલ્લો...ધરમદાસ સ્પીકિંગ...! તમે કોણ બોલો છો...?’

‘તારી બરબાદીનો પરિચય પૂછે છે ધરમદાસ...? આ દુનિયામાં તારા જેવો મૂરખ માણસ બીજો કોઈ નહીં હોય...!’ સામે છેડેથી બાજીગરનો બરફ જેવો ઠંડો અને બરછીની ધાર જેવો તીખો અવાજ તેને સંભળાયો.

‘બાજીગર...! કોઈક અજ્ઞાત ભયથી ધરમદાસનું કાળજું કંપી ઉઠ્યું.

‘ધરમદાસના મોંએથી બાજીગરનું નામ સાંભળીને કાશીનાથ પણ એકદમ ચમકી ગયો હતો.

‘હા...હું બાજીગર જ છું...! મેં કાશીનાથના દીકરાને મારા ષડ્યંત્રનો શિકાર બનાવીને કેવી રીતે ઈશ્વરના ધામમાં પહોંચાડી દીધો છે, એ તો તું જોઈ જ ચુક્યો હોઈશ !’

‘તો...તો શું એ કામ તારું હતું બાજીગર....?’ કહેતાં કહેતાં ધરમદાસનો રિસીવરવાળો હાથ કંપવા લાગ્યો. એના કપાળ પર પ્રસ્વેદ બિંદુઓ ચમકી ઉઠ્યા.

‘લે, કર વાત ...! સામે છેડેથી આવતા અવાજમાં કટાક્ષનો સુર હતો, ‘તો શું આ કામ તારા પરમ પૂજ્ય પિતાશ્રીએ સ્વર્ગમાંથી ઉતરી આવીને કર્યું છે ?’

‘તું...તું માણસ નહીં પણ શયતાન છો બાજીગર...!’

‘જરૂર...પરંતુ તારા અને કાશીનાથ જેટલો મોટો શયતાન હું નથી. હું શયતાન છે, તો તમે બંને મહા શયતાન છો !’

‘તું...તું છેવટે શું ઈચ્છે છે ...?’

‘તારા તથા કાશીનાથના કુટુંબનો નાશ...!’

‘ના...!’ ધરમદાસના મોંમાંથી તીણી ચીસ નીકળી ગઈ.

‘હું સાચું જ કહું છું.’

‘અમે...અમે તારું શું બગાડ્યું છે બાજીગર...? અમારી અને તારી વચ્ચે શું દુશ્મનાવટ છે ?’

‘જે દુશ્મનાવટ છે, એ પણ જણાવી દેવામાં આવશે કમજાત...’

‘બાજીગર...!’

‘હવે તારો વારો છે ધરમદાસ...!’

‘એટલે...?’

‘હવે હું તને મારા ષડ્યંત્રનો શિકાર બનાવીશ !’

‘ના...!’ ધરમદાસ પર કે વીજળી ત્રાટકી, ‘ભગવાનને ખાતર આવું ન બોલ બાજીગર...! તારે જોઈતી હોય તો મારી બધી મિલકત લઇ લે...પણ ઘડપણમાં આવા ખરાબ દિવસો ન બતાવ !’

‘તારા નસીબમાં જે લખ્યું છે, એ તો તારે જોવું જ પડશે કમજાત...!’

‘બાજીગર...!’ ધરમદાસનો ચહેરો સળગેલા કાગળની જેમ કાળો પડી ગયો.

સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઇ ગયો.

ધરમદાસના હાથમાંથી રિસીવર છટકીને ઝૂલવા લાગ્યું.

એ કિંકર્તવ્ય વિમૂઢ જેવો બની ગયો હતો.

‘ધરમદાસ...!’ કાશીનાથે આગળ વધીને તેને ઢંઢોળ્યો.

‘ન...ના...!’ જાણે કોઈક ભયંકર સપનું જોયું હોય એમ તે ચમકી ગયો.

એ થોડી પળો સુધી શૂન્ય નજરે કાશીનાથ સામે તાકી રહ્યો.

‘બાજીગરે શું કહ્યું છે ધરમદાસ...?’

એના અવાજથી ધરમદાસની ચેતના જાગૃત બની.

‘એણે...એણે મને પડકાર ફેંક્યો છે...!’

‘પડકાર...?’

‘હા...’

‘કેવો પડકાર...?’

‘એ...એ કમજાત આપણા બંનેના કુટુંબનું નામોનિશાન ભૂંસી નાખશે. એ આપણામાંથી કોઈનેય જીવતા નહીં મુકે કાશીનાથ....!’

‘શું...?’

‘હા...’ કહીને ધરમદાસે ફોન પર બાજીગર સાથે થયેલી વાતચીતની વિગત જણાવી દીધી.

ધરમદાસની વાત સાંભળીને કાશીનાથનો ચહેરો કાપો તોય લોહી ન નીકળે એવો થઇ ગયો.

‘તેં સાચું જ કહ્યું હતું કાશીનાથ કે સુધાકર બાજીગરના ષડ્યંત્રનો શિકાર બન્યો છે. એ કમજાતે પોતાના મોંએથી આ વાત કબૂલી છે. એણે હવે મારા કુટુંબને પોતાના ષડ્યંત્રનો શિકાર બનાવવાનું નક્કી કર્યું છે. આપણે કેટલા લાચાર છીએ કાશીનાથ ? આપણે આ બાબતમાં પોલીસની મદદ પણ લઇ શકીએ તેમ નથી.’

કાશીનાથે ધીમેથી માથું હલાવ્યું.

‘ધરમદાસ...! સહસા કંઇક યાદ આવ્યું હોય એમ તે બોલ્યો, ‘સુધાકરના આપઘાત પાછળ પોતાનો હાથ છે, એ વાત બાજીગર તારી સમક્ષ કબુલ કરી ચુક્યો છે ખરું ને ?’

‘હા...’

‘તો આપણે આ વાત નાગપાલ સાહેબને જણાવી દેવી જોઈએ.’

‘નાગપાલ સાહેબ વળી શું કરશે ?’

‘સુધાકરના આપઘાત પાછળ બાજીગરનો જ હાથ હોય તો એણે કોઈપણ ભોગે તેને પકડી લેશે એવું વચન એણે મને આપ્યું છે. મને નાગપાલ સાહેબ પર પૂરી શ્રધ્ધા છે...!’

‘એમ...?’

‘હા...’

‘તો તું તારે ખુશીથી તેને જણાવી દેજે...!’

‘હું અહીંથી સીધો તેમની પાસે જ જઉં છું.’

‘ભલે...’

કાશીનાથ તેની રજા લઈને વિદાય થઇ ગયો.

સૌથી પહેલા તે પોલીસ હેડક્વાર્ટરે ગયો અને વામનરાવ પાસેથી નાગપાલના બંગલાનું સરનામું લઈને ત્યાં પહોંચ્યો.

એ વખતે નાગપાલ ક્યાંક બહાર જવાની તૈયારી કરતો હતો.

‘આવો મિસ્ટર કાશીનાથ !’ એણે આવકાર આપતાં કહ્યું, ‘બેસો...!’

કાશીનાથ તેની સામે બેસી ગયો.

‘બોલો, શા માટે આવવું પડ્યું ?’ નાગપાલે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતાં પૂછ્યું.

‘નાગપાલ સાહેબ, બાજીગરે પોતાનો ગુનો કબૂલી લીધો છે...!’

‘શું...?’ નાગપાલે ચમકીને પૂછ્યું.

‘હા...સુધાકરને એણે જ આપઘાત માટે લાચાર કર્યો હતો, એ વાત એણે થોડીવાર પહેલાં જ ફોન પર કબૂલી લીધી છે.’

‘ઓહ....વારુ, એક વાતનો જવાબ આપો...!’

‘પૂછો...’

‘શું તમારે બાજીગર સાથે કંઈ દુશ્મનાવટ છે ?’

‘નાગપાલ સાહેબ, હું તો તેને ઓળખતો પણ નથી...મેં તેને ક્યારેય જોયો પણ નથી તો પછી મારી વચ્ચે કોઈ દુશ્મનાવટ હોવાનો સવાલ જ ક્યાં ઉભો થાય છે ? અલબત્ત, એક વાત તો હું પૂરી ખાતરીથી કહું છું કે એ મારા તથા ધરમદાસ પ્રત્યે ખાર રાખીને બેઠો છે. એણે ધરમદાસને પણ પોતાના ષડયંત્રનો શિકાર બનાવવાનો પડકાર ફેંક્યો છે !’

‘મિસ્ટર કાશીનાથ, શું બાજીગર તમને તથા ધરમદાસને બ્લેકમેઈલ કરતો હતો...?’

કાશીનાથના ચહેરાનો રંગ ઉડી ગયો.

એ કશો જ જવાબ ન આપી શક્યો.

એ સાચી હકિકત જણાવી શકે તેમ ન હતો.જો જણાવે તો બ્લેકમેઈલીંગનું કારણ પૂછી શકે તેમ હતો. અને આ કારણ તો એ પોતાના આત્માને પણ જણાવી શકે તેમ નહોતો.

મનોમન એણે ખોટું બોલવાનો નિર્ણય કર્યો.

‘તમે મારી વાતનો જવાબ ન આપ્યો મિસ્ટર કાશીનાથ ?’ એને ચૂપ જોઇને નાગપાલે ફરીથી પૂછ્યું.

‘ના...અમે ક્યારેય તેના બ્લેકમેઈલીંગનો ભોગ નથી બન્યા !’ કાશીનાથે જવાબ આપ્યો.

કાશીનાથ ખોટું બોલે છે, એવું અનુમાન કરવું નાગપાલ જેવા માણસ માટે જરા પણ મુશ્કેલ નહોતું.

‘મિસ્ટર કાશીનાથ....!’ એ ગંભીર અવાજે બોલ્યો, ‘તમે એક ડોક્ટરથી છુપાવવાનો પ્રયાસ કરો છો...!’

‘જી...? હું સમજ્યો નહીં...?’

‘તમે બધું સમજો છો પણ ન સમજવાનો ડોળ કરો છો...!’

‘હું ખરેખર જ નથી સમજ્યો ....!’ કાશીનાથે મનમાં ગભરાટ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરતા કહ્યું. બાકી નાગપાલે પોતાનું જુઠ્ઠાણું પકડી પાડ્યું એ વાત તે સમજી ચુક્યો હતો.

નાગપાલ થોડી પળો સુધી વેધક નજરે કાશીનાથના ચહેરા સામે તાકી રહ્યો.

નાગપાલની નજરનો તાપ કાશીનાથથી ન જીરવાયો.

એ નીચું જોઈ ગયો.

‘મિસ્ટર કાશીનાથ ...!’ નાગપાલનો અવાજ પૂર્વવત રીતે ગંભીર હતો, ‘તમે ખોટું બોલો છો એની મને ખબર છે...! ખેર, હું સાચું બોલવા માટે તમને લાચાર નહીં કરું...! હું કરી શકું તેમ પણ નથી. તમે તમારી મરજીના માલિક છો... તમને જેમ રુચે તેમ કરવાની છૂટ છે. હું તમને અટકાવી શકું તેમ નથી. પરંતુ એટલું જરૂર કહીશ કે તમે મારી સામે ખોટું બોલીને તમારા જ માર્ગ પર કાંટા ફેંકો છો. જો તમે મને સાચી હકીકત જણાવી દીધી હોત તો હું બાજીગર કોણ છે, એ જાણીને તેને પકડવા માટે મારાથી બનતા તમામ પ્રયાસ કરી છુટત...! ખેર તમારે ન કહેવું હોય તો તમારી મરજી...! બાજીગરને પકડવાના મારા પ્રયાસો હું ચાલુ જ રાખીશ. જો બાજીગર તમને કોઈ સંદેશો આપે તો તરત જ મને જાણ કરી દેજો.’

‘ભલે નાગપાલ સાહેબ...!’ કાશીનાથે હકારાત્મક ઢબે માથું હલાવ્યું.

ત્યારબાદ તે નાગપાલની રજા લઈને વિદાય થઇ ગયો.

***

‘દીપક...” બાજીગરનો બરફ જેવો અવાજ ગુંજ્યો, ‘તું બધું સમજી ગયો ને ?’

‘જી, સર....! એક અઠવાડિયામાં જ આપને અતુલની લાયસન્સયુક્ત રિવોલ્વર મળી જશે.’

‘રાઈટ...રિવોલ્વર ક્યાંય પડી ગઈ છે, ચોરાઇ ગઈ છે, એ વાતની તેને ગંધ સુધ્ધાં ન આવવી જોઈએ. જો આ વાતની તેને ખબર પડશે અને એ રિવોલ્વર પડી ગયાની કે ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી દેશે તો એની રિવોલ્વર આપણને કોઈ કામમાં નહીં આવે.’

‘આપ બેફિકર રહો સર...! એને જરા પણ ગંધ નહીં આવે.’

‘રિવોલ્વર પરથી અતુલના આંગળાની છાપ ન ભૂંસાય એનું ખાસ ધ્યાન રાખજે.’

‘યસ સર...!’

‘જ્યાં સુધી મને એની રિવોલ્વર ન મળે ત્યાં સુધી હું ધરમદાસના કુટુંબને મારા ષડ્યંત્રનો શિકાર બનાવી શકું તેમ નથી. જયારે હું કોઈપણ ભોગે તેને શિકાર બનાવવા માંગું છું.’

‘જી, સર...!’

‘મારી આખી યોજનાનો આધાર અતુલની રિવોલ્વર પર જ છે દીપક...! એટલે આ કામમાં કોઈ ચૂક ન થવી જોઈએ. આ કામમાં તું પ્રવીણ, હરીશ કે વિલિયમ ગમે તેની મદદ લઇ શકે છે ! એ ત્રણેય પણ હોશિયાર અને વિશ્વાસુ છે.’

‘યસ સર...’ દીપકે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

ત્યારબાદ તે ચાલ્યો ગયો.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 3 માસ પહેલા

Ronak Patel

Ronak Patel 8 માસ પહેલા

Jalpa Navnit Vaishnav

Jalpa Navnit Vaishnav 11 માસ પહેલા

Nimisha Patel

Nimisha Patel 2 વર્ષ પહેલા

Mahendra

Mahendra 2 વર્ષ પહેલા