બાજીગર - 8 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

બાજીગર - 8

બાજીગર

કનુ ભગદેવ

૮ - ષડ્યંત્ર ...!

સવારના સાડાસાત વાગ્યા હતા.

અતુલ હજુ હમણાં જ ઉઠ્યો હતો.

સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.

‘હલ્લો...અતુલ સ્પીકિંગ...!’ એણે આગળ વધી રિસીવર ઊંચકીને કાને મુકતા કહ્યું.

‘અતુલ...હું અનુપ બોલું છું...આર્ટિસ્ટ અનુપ રાણા...’ સામે છેડેથી ઉત્સાહભર્યો અવાજ તેને સંભળાયો.

‘અરે..અનુપ...કેમ છે દોસ્ત...? કહેતાં કહેતાં અતુલના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા.

‘મજામાં છું ...!’

‘ક્યાંથી બોલે છે ?’

‘આ શહેરમાંથી જ...!’

‘શું તું વિશાળગઢ આવ્યો છે...?’

‘હા, દોસ્ત...હોટલમાં ઉતર્યો છું...!’

‘આ તો બહુ ખોટું કહેવાય અનુપ...!’ અતુલના અવાજમાં નારાજગીનો સુર હતો.

‘શું ખોટું કહેવાય ?’

‘વિશાળગઢમાં તારા આ મિત્રનું ઘર હોવા છતાં ય તું હોટલમાં ઉતર્યો છો ? શું મારે માટે શરમથી ડૂબી મારવા જેવી વાત નથી ?’

‘તું નાહક જ નારાજ થાય છે દોસ્ત...!’

‘નારાજગીના દિકરા, ચુપચાપ તારો સામાન પેક કરીને મારા બંગલે આવી જ નહીં તો...’

‘નહીં તો શું...?’

‘નહીં તો ન છટકે મારે તારી સાથે ઝઘડવું પડશે...’

‘શાંત દોસ્ત શાંત...! ગુસ્સો કરવાની જરૂર નથી.’

‘ગુસ્સો ન કરું તો શું આનંદથી તાળીઓ પાડું...? અહીં મારો બંગલો હોવા છતાં પણ તને હોટલમાં ઉતરતાં શરમ ન આવી...? તેં આપણી દોસ્તીની આવી જ કદર કરી એમ ને...?’

‘દોસ્ત અતુલ...’

‘ખબરદાર જો મને દોસ્ત કહ્યો છે તો...!’

‘તારી નારાજગી હું સમજુ છું દોસ્ત...!’

‘તો પછી...?’

‘અતુલ, અમને કલાકાર જીવને ઘરનું વાતાવરણ માફક નથી આવતું અને આ કારણસર અમે ઘરથી દુર જ રહીએ છીએ એની તો તને ખબર જ છે.’

‘હા...પણ...’

‘અહીં હોટલમાં મને ફાવી ગયું છે અને અહીં જ બરાબર છું...! ઉપરાંત જ્યાં સુધી વિશાળગઢમાં છું, ત્યાં સુધી તો તને મળતો જ રહીશ ! અગાઉ ક્યારેય અહીં આવીને તને ન મળ્યો હોઉં એવું બન્યું છે ખરું...?’

અતુલ અને ચિત્રકાર અનુપની દોસ્તી ત્રણ વર્ષ પહેલાં ટ્રેનમાં થઇ હતી.

અનુપ ચંદનપુર રહેતો હતો.

બંને વચ્ચે દોસ્તી જામી ગઈ હતી.

અનુપના મૃદુ સ્વભાવથી અતુલ ખુબ જ પ્રભાવિત થયો હતો.

અનુપ દર ત્રણ મહીને પોતાના પેઇન્ટિંગોનું પ્રદર્શન અને વેચાણ કરવા માટે વિશાળગઢ આવતો હતો અને આવતો ત્યારે બીજા કોઈને ન મળે તો કંઈ નહીં, પણ અતુલને તો ચોક્કસ મળતો જ હતો. ચંદનપુરમાં અનુપનો બંગલો હતો પણ તે મોતે ભાગે બંધ જ રહેતો હતો. કારણ કે અનુપનું કામ જ એવું હતું કે તેને લાંબા સમય સુધી ઘરની બહાર જ રહેવું પડતું હતું.

‘અનુપ...’

‘બોલ...’

‘શું તને મારા લગ્નનું આમંત્રણ-કાર્ડ નહોતું મળ્યું ?’

‘તારું કાર્ડ ઘેર આવ્યું હતું પરંતુ એ વખતે હું બહારગામ હતો. નહીં તો તારા લગ્નમાં ન આવું એવું બને ખરું ? કાર્ડ મળ્યું ત્યારે લગ્નની તારીખ વીતી ગઈ હતી.

‘ઓહ...’

‘ભાભી કેવી છે ?’

‘તું ઘેર આવે ત્યારે તારી નજરે જ જોઈ લેજે કે કેવી છે !’ અતુલે સ્મિત ફરકાવતા કહ્યું.

‘આજે સાંજે તારે ક્યાંય પ્રોગ્રામ તો નથી ને ?’

‘ના, કેમ પૂછવું પડ્યું ?’

‘તો હું સાંજે તારે ઘેર આવીશ...!’

‘બસ આ કારણસર જ તેં સાંજના પ્રોગ્રામ વિશે પૂછ્યું હતું ?’

‘હા...’

‘તું ય કમાલ કરે છે !’

‘કેમ...?’

‘એમાં પૂછવાનું હોય ભલા માણસ ?’

‘ના, પણ જો પ્રોગ્રામ હોય તો ...’

‘અનુપ..તું મારા સગા ભાઈ કરતાં પણ વિશેષ છે. તારે ખાતર તો હું ગમે તેવો પ્રોગ્રામ કેન્સલ કરી શકું તેમ છું સમજ્યો...? ભવિષ્યમાં ક્યારેય આવો સવાલ પૂછીશ નહીં...મારા બંગલાના દરવાજા તારે માટે ચોવીસેય કલાક ઉઘાડા જ છે. તું તારે ખુશીથી તારી મરજી પડે ત્યારે આવી શકે છે.’

‘હું સાંજે આવીશ...’

‘જરૂર આવજે...હું તારી રાહ જોઇશ...!’

‘વારુ, અંકલ કેમ છે ...?’

‘મજામાં છે...!’

‘ઓ.કે...દોસ્ત...સાંજે મળીશું...!’

સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઇ ગયો.

અતુલે પણ રિસીવર મૂકી દીધું.

એ જ વખતે મંદાકિની ચાની ટ્રે સાથે અંદર પ્રવેશી.

‘કોનો ફોન હતો ડિયર...?’ એણે ટ્રે સ્ટુલ પર મુકતાં પૂછ્યું.

‘અનુપનો...!’

‘તું તારા ચિત્રકાર મિત્ર, કે જેના ખુબજ વખાણ કરતો હતો. એ અનુપ વિશે કહે છે?’

‘હા...એ મારો જીગરજાન મિત્ર છે. અમારા બંનેના દેહ ભલે જુદાજુદા રહ્યા પણ માન તો એક જ છે !’

‘મેં તો એણે નથી જોયો...!’

‘ક્યાંથી જુએ...?આપણા લગ્નને હજુ માંડ ચાર મહિના થયા છે અને અનુપ પાંચ મહિના પછી વિશાળગઢ આવ્યો છે. તે આજે સાંજે અહીં આવશે. નાસ્તામાં તેને ડુંગરી અને લસણના ભજીયા ખુબ જ ભાવે છે. તું તારા હાથેથી જ બનાવજે.’

‘અને ડિનરમાં ...?’

‘ડિનરમાં તેને ચણાના લોટના પુડલા અને લીલા લસણની ચટણી ભાવે છે.’

‘ભલે...આ બધી વસ્તુઓ હું મારા હાથેથી જ બનાવીશ. હવે તું ઝપાટાબંધ ચા પીને સ્નાનાદિથી પરવારી જા...આજે સાડા આઠ વાગ્યે તારે એક પાર્ટીને મળવા જવાનું છે એમ તું કહેતો હતો ને ?’

‘અરે, બાપ રે...સારું થયું તેં યાદ કરાવ્યું...!’ અતુલ આગળ વધીને ચાનો કપ ઉંચકતા બોલ્યો, ‘અનુપના આગમનની ખુશીમાં આ વાત તો મારા મગજમાંથી જ નીકળી ગઈ હતી.’

ત્યારબાદ અતુલ ઝપાટાબંધ ચા પીને બાથરૂમ તરફ આગળ વધી ગયો.

સ્નાનાદિથી પરવારી તૈયાર થઈને એ બંગલામાંથી બહાર નીકળ્યો ત્યારે સવાઆઠ વાગ્યા હતા.

પાર્ટીને મળ્યા પછી તે ઓફિસે પહોંચ્યો,

આખો દિવસ તે ઓફિસમાં જ રોકાયો.

સાંજે છ વાગતાં જ તે ઘેર પહોંચી ગયો.

આમ તો સામાન્ય રીતે તે ક્યારેય સાત વાગ્યા પહેલાં નહોતો આવતો. પરંતુ આજે અનુપને કારણે તે વહેલો આવ્યો હતો.

સાડા છ વાગ્યે અનુપ આવી પહોંચ્યો.

આશરે પચીસેક વર્ષની વાય અને મોહક ચહેરો ધરાવતો અનુપના હોઠ પર હંમેશા રમતિયાળ સ્મિત ફરકતું હતું. એક કલાકારને છાજે એવાં વસ્ત્રો એણે પહેર્યા હતાં. અર્થાત ટેરી ખાદીનું સફેદ પેન્ટ અને ખાદીનો ઝભ્ભો...!

એની કાળી આંખોમાં પવિત્ર ચમક પથરાયેલી હતી.

ડ્રોઈંગરૂમમાં પ્રવેશતાં જ સૌથી પહેલા તેની મુલાકાત ધરમદાસ સાથે થઇ.

‘હલ્લો અંકલ !’અનુપે આગળ વધીને તેના ચરણસ્પર્શ કર્યા.

‘ઈશ્વર હંમેશા તને સલામત અને ખુશ રાખે દિકરા...!’ ધરમદાસે સ્નેહથી તેના માથા પર હાથ ફેરવતાં કહ્યું. ‘કેમ છે દિકરા...?’

‘તમારા આશીર્વાદથી મજામાં છું અંકલ...!’ અનુપ પ્રસન્ન અવાજે બોલ્યો.

‘અરે માણસના આશીર્વાદથી શું વળે...? સાચા આશીર્વાદ તો ઉપરવાળાના જોઈએ...!’

‘હા એ તો છે જ...! ખેર, તારું કામકાજ કેમ ચાલે છે ?’

‘આરામથી ગુજરાન ચાલે છે...! પરંતુ આપણા દેશમાં બસ, એક વાતની જ કમી છે.’

‘શું ?’

‘આપણા દેશમાં ફિલ્મ સ્ટારોને બાદ કરતાં કોઈપણ કલાકારની કદર કરવામાં આવતી નથી. આજે કલાના ધુરંધર પારખુઓ પણ કદર નથી આવતી. આજે આપણા દેશમાં બસ, એક જ વાતની કમી છે.

‘તારી વાત સાચી છે...!’ ધરમદાસે સ્મિત ફરકાવતા કહ્યું.

‘અંકલ, અતુલ આવી ગયો છે ?’

‘હા..એ તો હું તને કહેતાં સાવ ભૂલી જ ગયો. અતુલ અને મંદાકિની તારી જ રાહ જુએ છે ?’

‘ક્યાં છે તેઓ...?’

‘ઉપર...’

‘સારું, અંકલ...!’ કહીને અનુપ ઉપર લઇ જતી સીડી તરફ આગળ વધી ગયો.

ધરમદાસ એક સિગારેટ સળગાવીને ધીમે ધીમે કસ ખેંચવા લાગ્યો.

એણે સિગારેટ પૂરી કરી ત્યાં જ સહસા બહાર કાર ઉભી રહેવાનો અવાજ ગુંજી ઉઠ્યો.

થોડીપળો બાદ કાશીનાથ ડ્રોઈંગરૂમમાં પ્રવેશ્યો.

એનો ચહેરો બેહદ ગંભીર હતો.

આંખોમાં મૂંઝવણ હતી.

‘આવ કાશીનાથ...? ધરમદાસે સ્મિત ફરકાવીને તેને આવકાર આપતા કહ્યું.

કાશીનાથ તેની સામે એક અન્ય સોફા પર બેસી ગયો.

‘શું વાત છે કાશીનાથ...? તું આટલો ગંભીર શા માટે દેખાય છે...?

‘ધરમદાસ, હું ઉદેપુરની જેલમાં તપાસ કરી આવ્યો છું.’

‘એમ...?’

‘હા...’

‘તારી તપાસનું શું પરિણામ આવ્યું ?’

‘મનોજ પુરોહિત આજથી પંદર વર્ષ પહેલાં જ જેલમાંથી નાસી છૂટ્યો છે.’

‘શું...?’ધરમદાસે ચમકીને પૂછ્યું.

‘હા...’

‘શું તે આજ સુધી નથી પકડાયો ?’

‘ના...’

‘આવું તું કયા આધારે કહે છે ?’

‘હું ક્યાં કહું છું ?’

‘તો...’

‘એ જેલનો જેલર કહે છે. એના કહેવા મુજબ જો મનોજ પકડાઈ ગયો હોત તો એને એ જ જેલમાં લાવવામાં આવત પરંતુ આવું નથી બન્યું એટલે બે જ વાત હોઈ શકે ?’

‘શું...?’

‘કાં તો મનોજ ખુબ જ દુર ચાલ્યો ગયો છે અથવા તો પછી તે મૃત્યુ પામ્યો છે.’

‘એ આટલો જલ્દી મરે તેમ નહોતો. એની તંદુરસ્તી ઘણી સારી હતી.’ ધરમદાસે કહ્યું.

‘બરાબર છે...પણ માણસના શરીરનો શું ભરોસો...?’

‘વાત તો તારી મુદ્દાની છે...!’ધરમદાસ વિચારવશ અવાજે બોલ્યો, ‘ખેર, તો મનોજ પંદર વર્ષ પહેલાં જેલમાંથી નાસી છૂટ્યો છે અને હજુ સુધી નથી પકડાયો ખરું ને ?’

‘હા...’

‘તો મનોજ પુરોહિત જ બાજીગર છે એમ તું કહેવા માંગે છે કાશીનાથ ?’

‘હા...’

‘તું ભલે આવું માનતો હો પણ હું નથી માનતો.’

‘એટલે...?’

‘એટલે એમ કે મનોજ બાજીગર હોય એવું મને નથી લાગતું.’

‘કેમ...?’

‘જો મનોજ જ વાસ્તવમાં બાજીગર હોય તો આજે આટલા વર્ષો પછી આપણી સામે ન આવત...! બલ્કે વર્ષો પહેલાં જ આવી ચુક્યો હોત !’

‘આ દરમ્યાન તે તાકાત એકઠી કરતો હોય એ બનવાજોગ છે...! આ સમય એણે પોતાનું સંગઠન રચવામાં પસાર કર્યો હોય એવું પણ બની શકે છે !’

‘તારા વિચારોની દિશા બદલ કાશીનાથ...!’

‘એટલે...?’

‘તું મગજ ઠંડુ રાખીને શાંતિથી વિચાર...!’

‘શું વિચારું...?’

‘ઘડીભર માટે માની લે કે મનોજ પુરોહિત જ બાજીગર છે... તો પણ આપણે ચોવીસ વર્ષ પહેલા દસ લાખ રૂપિયા ખાતર રજનીકાંત તથા તેના કુટુંબીજનોને મારી નાખ્યા હતા, એ વાતની તેને કેવી રીતે ખબર પડી ?’

‘આ વાત તો બીજા કોઈક પાસેથી એણે જાણી લીધી હશે.’

‘એમ...?’ધરમદાસના અવાજમાં કટાક્ષનો સુર હતો.

‘હા...’

‘તારી બુદ્ધિ બહેર મારી ગઈ લાગે છે કાશીનાથ...!’

‘કેમ...?’

‘કોઈ વળી આ વાત મનોજને શા માટે જણાવે...? ના...આવું બને જ નહીં...! એ આ વાત મનોજને જણાવવાને બદલે પોતે જ આપણને બ્લેકમેઈલ કરત સમજ્યો ?’

‘તારી વાત સાચી છે...! ખરેખર જ મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. મને તો કંઈ જ નથી સમજાતું...! ખેર, હવે શું કરવું છે ?’

‘આપણે બાજીગરને આપવા માટે અડધી સંપતિ જેટલી રકમની વ્યવસ્થા કરી લેવી જોઈએ...!’

‘રકમની વ્યવસ્થા તો મેં કરી લીધી છે. એ કમજાતે મારી ચાર મિલો વેચાવી નાખી છે !’ કાશીનાથ રોષથી ઉકળતા આવજે બોલ્યો.

‘મેં પણ મારી કંપનીની બે ફેકટરી વેચી નાખી છે !’ ધરમદાસે કહ્યું.

‘ એ કમજાત આટલું કર્યા પછી પણ આપણો પીછો નહીં છોડે...આપણને રસ્તે રઝળતા ભિખારી બનાવ્યા પછી જ જંપશે એવું મને લાગે છે.’

‘ભાવિના ગર્ભમાં શું છુપાયું છે એ તો કોણ કહી શકે તેમ છે ?’

‘મને તો આપણું ભવિષ્ય બરબાદ થયેલું જ દેખાય છે !’

‘અરે હા...’ સહસા કંઇક યાદ આવ્યું હોય એમ ધરમદાસ બોલ્યો, ‘કાશીનાથ, તું તારે ઘેર જઈ આવ્યો છે કે પછી સીધો અહીં જ આવ્યો છે ?’

‘ના, ઘેર નથી ગયો. સીધો તારી પાસે જ આવ્યો છું.’

‘ઓહ...તો તો તને રાજનારાયણના કેસની પણ ખબર નહીં જ હોય...?’

‘રાજનારાયણનો કેસ...?’

‘હા...’

‘કેમ...? એનો વળી શું કેસ છે...?’

‘રાજનારાયણ તથા વીરાએ ભેગા થઈને કાલે રાત્રે કેપ્ટન પ્રભાકરનું ખૂન કરી નાખ્યું છે !’

‘આ તું શું બકે છે એનું તને ભાન છે ધરમદાસ ...?’કાશીનાથે ઉત્તેજિત અવાજે પૂછ્યું.

‘તને મારી વાત પર ભરોસો નથી બેસતો ખરું ને કાશીનાથ ?’

‘ના...’

‘પણ સાચું કહું છું...!’

‘અત્યારે રાજનારાયણ ક્યાં છે ?’

‘પોલીસ કસ્ટડીમાં...!’

‘અને વીરા...?’

‘એ પણ તેની સાથે જ છે !’

‘પરંતુ એ બંનેએ પ્રભાકરનું ખૂન શા માટે કર્યું ?’

‘જયારે એક પત્ની જ પોતાના પતિનું ખૂન કરવામાં સામેલ હોય, ત્યારે શું મામલો હશે એનું અનુમાન તું પોતે પણ કરી શકે તેમ છે.’

‘ઓહ...તો રાજનારાયણ તથા વીરા વચ્ચે અનૈતિક સંબંધ હતો એમ તું કહેવા માંગે છે?’

‘હા...’

‘આવું તું કયા આધારે કહે છે ?’

‘આ વાત રાજનારાયણ પોતે જ કબુલ કરી ચુક્યો છે.’

‘શું તું રાજનારાયણને મળવા માટે પોલીસ કસ્ટડીમાં ગયો હતો ?’

‘હા...એણે મારી સામે પોતાનો આ ગુનો કબુલ કર્યો હતો. પ્રભાકરનું ખૂન કર્યા પછી હવે તેને ખુબ જ પશ્ચાતાપ થાય છે પરંતુ હવે પસ્તાવો કરવાથી શું વળે ?’

‘ઓહ...!’ કાશીનાથ એક ઊંડો શ્વાસ લઈને રહી ગયો.

‘કાશીનાથ...!’

‘બોલ...!’

‘મેં રાજનારાયણ પાસથી આવી નીચતાની આશા નહોતી રાખી. ડાકણ પણ પોતાનું ઘર છોડી દે છે...! વીરા તો તેના માટે કિરણ સમાન હતી.’

‘હા...પરંતુ એક વાત તો તું પણ કબુલ કરીશ ધરમદાસ...’

‘કઈ વાત..?

‘એ જ કે ક્યારેય એક હાથે તાળી નથી પડતી...! વીરાનું મન રાજનારાયણ તરફ ખેંચાયું હશે એટલે જ તો તેની આટલી હિંમત ચાલી.’

‘તું ગમે તે કહે કાશીનાથ...! પરંતુ મને રાજનારાયણનું આ રૂપ નથી ગમ્યું. એણે જે કંઈ કર્યું છે, તે ખોટું જ કર્યું છે. એની આબરૂ પર પાણી ફરી વળ્યું છે. આજે આખું શહેર તેના નામ પર થુંકે છે !’

કાશીનાથ ચૂપ થઇ ગયો.

એની પાસે બોલવા જેવું કશું જ નહોતું.

‘તું રાજનારાયણને ક્યારે મળવા જવાનો છો ?’

‘કાલે જ જઈશ...’

ધરમદાસે ધીમેથી માથું હલાવ્યું.

ત્યારબાદ થોડી આડાઅવળી વાતો કર્યા બાદ કાશીનાથ વિદાય થઇ ગયો.

***

અનુપ તથા અતુલ વાતો કરતા હતા. મંદાકિની થોડી વાર પહેલા જ ચાલી ગઈ હતી.

અચાનક દીવાલ ઘડિયાળમાં અગિયાર વાગ્યાના ડંકા પડ્યા.

‘સારું, અતુલ...હવે મને રજા આપ...!’ અનુપ ઉભો થતાં બોલ્યો.

‘હોટલે જઈને શું કરીશ ? એના કરતા તો અહીં જ સુઈ રહે...!’ અતુલે કહ્યું.

‘ના, દોસ્ત...!’

‘કેમ...?’

‘મારે એક પેઈન્ટીંગ તૈયાર કરવાનું છે. નહીં તો અહીં જ સુઈ રહેત.

‘અત્યારે જ કામે લાગી જઈશ ?’

‘ના...તેં મને કામ કરવાને લાયક રાખ્યો છે જ ક્યાં...? અનુપ હસીને બોલ્યો, ‘એટલું બધું ખવડાવી દીધું છે કે બેસી પણ નથી શકાતું. હું તો હોટલે પહોંચીને ઊંઘી જઈશ...!’

‘ઊંઘી જઈશ તો પેઇન્ટિંગ ક્યારે કરીશ ?’

‘રાત્રે ત્રણ વાગે ઉઠીને કામે લાગી જઈશ !’

‘વિશાળગઢમાં ક્યાં સુધી રોકાવાનો પ્રોગ્રામ છે અનુપ...?’

‘આ બાબતમાં હાલ તુરત કશું જ કહી શકાય તેમ નથી.’

‘કેમ...?’

‘અમારા જેવા કલાકારો મૂડી માણસ હોય છે એની તો ખબર જ હશે, અમારો મુડ હોય તો એક જ સ્થળે વરસ વરસ સુધી પડ્યા રહીએ અને મૂળ ન હોય તો એક કલાક પણ ન રોકાઈએ...! અમારો બધો આધાર મુડ પર હોય છે. ખેર, હું અહી ત્રણ-ચાર મહિના રોકાવાનો પ્રોગ્રામ બનાવીને આવ્યો છું. પછી જેવો મુડ...!’

‘તું કાર લઈને આવ્યો છે કે ટેક્સીમાં...?’

‘કાર લઈને જ આવ્યો છું. સારું ત્યારે...ગુડ નાઈટ...!’

‘ગુડ નાઈટ...!’

ત્યારબાદ અતુલ તેને ફાટક સુધી વળાવી આવ્યો.

અનુપ પોતાની કારમાં બેસીને ચાલ્યો ગયો.

એને વળાવી, બંગલામાં પ્રવેશીને અતુલ પોતાના શયનખંડમાં પહોંચ્યો.

મંદાકિની જાગતી હતી.

‘અરે...?તું જાગે છે...? મને તો એમ કે તું સુઈ ગઈ હોઈશ !’

‘મેં સુવાનો પ્રયાસ કર્યો હતો...પરંતુ ઊંઘ ન આવી. મંદાકિની પલંગ પર બેઠી થતાં બોલી, ‘શું તારો મિત્ર અનુપ ચાલ્યો ગયો ?’

‘હા...મેં એણે અહીં જ સુઈ રહેવાનો આગ્રહ કર્યો પરંતુ એણે ના પાડી...! રાત્રે ત્રણ વાગ્યે ઉઠીને પેઇન્ટિંગ કરવા બેસી જવું છે એમ કહેતો હતો.’

‘એક વાત છે અતુલ !’

‘શું ?’

‘તારો આ મિત્ર અનુપ ખુબ જ પૈસાદાર લાગે છે !’

તારું અનુમાન સાચું છે. ચંદનપુરમાં એનો રાજમહેલ જેવો બંગલો છે...! બે પેપર મિલો છે...! પણ સાલ્લાને આર્ટ-પેઇન્ટિંગનો ખુબજ શોખ છે. કહે છે ગુજરાન પેઇન્ટિંગના વ્યવસાયથી ચાલે છે...! સાલ્લો ખોટું બોલે છે. આજે દેશમાં ચિત્રકારોની શું હાલત છે એ વિશે કોઈ જ અજાણ નથી.’

‘એના કુટુંબમાં બીજું કોણ કોણ છે ?’

‘આ દુનિયામાં તે એકલો જ જીવ છે...! એનું કોઈ જ સગુંસંબંધી નથી...! પોતાની મસ્તીમાં જ રહેનારો માણસ છે.’

‘તો પછી તું એને લગ્ન કરી લેવા માટે કેમ નથી સમજાવતો ?’

‘કેટલી વખત સમજાવું...? મેં તેને અનેક વખત આ બાબતમાં સમજાવાનો પ્રયાસ કર્યો છે પરંતુ દરેક વખતે તે એક જ જવાબ આપીને મારી વાતને ટાળી દે છે. કહે છે- લગ્ન પણ કરી લઈશ... શું ઉતાવળ છે ?’

‘એ ઉંમરમાં તો તારાથી મોટો લાગે છે !’

‘હા...એના કહેવા મુજબ તે મારાથી એક વર્ષ મોટો છે. આમ છે બહુ ઉમદા માણસ..મનનો ચોખ્ખો...! કોઈ વાત મનમાં નથી રાખતો...! જે હોય તે સ્પષ્ટ રીતે કહી નાખવામાં મને છે...! પછી સામા માણસને સારું લાગશે કે ખરાબ એની પરવાહ તે નથી કરતો.’

‘સારું...હવે હું દૂધ બનાવી લાવું છું...!’

અતુલે હકારમાં માથું હલાવ્યું.

મંદાકિની ચાલી ગઈ.

***

કાશીનાથે કિરણના નામની બુમ પાડી.

થોડી પળો બાદ કિરણ તેની પાસે આવી.

‘શું વાત છે પિતાજી...?’ એ કાશીનાથને પિતાજી કહીને જ બોલાવતી હતી.

‘શું તું પણ મારી સાથે આવે છે ?’

‘ક્યાં...?’

‘શું સુધાકરે તને નથી જણાવ્યું ?’

‘ના...’

‘હું તારા પિતાજીને મળવા પોલીસસ્ટેશને જઉં છું. તારે એને મળવું હોય તો તું પણ ચાલ...!’

વળતી પળે જ કિરણના ચહેરા પર ક્રોધમિશ્રીત નફરતના હાવભાવ છવાઈ ગયા.

‘શું તારે નથી આવવું...?’એને ચૂપ જોઇને કાશીનાથે પૂછ્યું.

‘ના...’

‘કેમ...?’

‘મારા ચારિત્ર્યહીન અને ખૂની બાપને મળવાની વાત તો એક તરફ રહી, હું તેના ચહેરા પર થૂંકીશ પણ નહીં. મારા માટે તો તે એ જ વખતે મરી ગયો હતો કે જયારે એણે પ્રભાકર અંકલનું ખૂન કર્યું હતું અને મને તેના વાસ્તવિક રૂપની ખબર પડી હતી. પિતાજી... હું મારા બાપને ઘોર નફરત કરું છું...! હું એ નીચ માણસનું મોં પણ જોવા નથી માગતી...!’ કિરણ આવેશભર્યા અવાજે બોલી.

‘કિરણ...!’ કાશીનાથે નર્યા અચરજ અને અવિશ્વાસથી તેની સામે તાકી રહેતા કહ્યું.

‘હું સાચું જ કહું છું પિતાજી...!’ કિરણ પૂર્વવત અવાજે બોલી, ‘ભવિષ્યમાં મહેરબાની કરીને એ નીચ માણસનો મારી સામે ઉલ્લેખ પણ કરશો નહીં...! એ શયતાનનું નામ સાંભળવામાં પણ હું પાપ માનું છું...!’

‘દિકરી...!’ કાશીનાથે કહ્યું, ‘એનાથી બહુ મોટો ગુનો થયો છે, વાત હું કબુલ કરું છું.’

‘તો પછી...?’

‘પરંતુ તેમ છતાંય એ તારો બાપ છે...!’

‘આવો બાપ હોય...?’

‘બાપ તો બાપ જ હોય છે દિકરી...!’

‘પિતાજી...મારી નસોમાં એ પાપીનું લોહી વહે છે તે વાતનો મને જિંદગીભર અફસોસ રહેશે. એણે આવું નીચ કામ કરીને અમારા કુટુંબ પર કલંક લગાવી દીધું છે...!’

‘તો તારે નથી આવવું એમ ને ...?’

‘ના...’

કાશીનાથ એક ઊંડો શ્વાસ લઈને બહાર નીકળી ગયો.

તેમની વાતો સંભાળી રહેલો સુધાકર કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો.

થોડીવાર પહેલા એના મગજમાં એક જ વાત છવાયેલી હતી...’

-અને આ વાત તેને કથિત શુભેચ્છકે જણાવી હતી.

કિરણનો બાપ ચારિત્ર્યહીન છે તો કિરણ પણ ચારિત્ર્યહીન હોઈ શકે છે એવો વિચાર થોડીવાર પહેલાં તેને આવતો હતો. મા-બાપના સંસ્કારો સંતાનો આવે જ છે...!

પરંતુ કિરણની વાતો સાંભળીને એનું મન સાફ થઇ ગયું.

કિરણ ચારિત્ર્યહીન છે, એવી તેની શંકા દુર થઇ ગઈ.

ઘેરથી નીકળીને કાશીનાથ થોડીવારમાં જ પોલીસ હેડકવાર્ટરે પહોંચી ગયો.

એણે રાજનારાયણને મળવાની ઈચ્છા દર્શાવી.

તેને મુલાકાતી ખંડમાં પહોંચાડી દેવામાં આવ્યો.

મુલાકાતી બેરેકના સળિયા પાછળ ઉદાસ અને ગમગીન હાલતમાં રાજનારાયણ ઉભો હતો.

‘આ...આ બધું કેવી રીતે થઇ ગયું રાજનારાયણ ...? કાશીનાથે તેની નજીક પહોંચીને પૂછ્યું.

‘આ બધું પેલા કમજાત બાજીગરને કારણે જ થયું છે કાશીનાથ...!’રાજનારાયણે રોષભર્યા અવાજે કહ્યું.

‘શું...?’ કાશીનાથનું મોં નર્યા અચરજથી પહોળું થઇ ગયું.

એના ધબકારા એકદમ વધી ગયા.

‘હા, કાશીનાથ...!’રાજનારાયણ બેરેકના સળિયા પકડીને દુઃખી અવાજે બોલ્યો, ‘તને કદાચ મારી વાત પર ભરોસો નથી બેઠો. પણ હું સાચું જ કહું છું. આ બધું કર્યું-કરાવ્યું બાજીગરનું જ છે! જો એ કમજાતે નાગપાલને જાણ ન કરી દીધી હોત તો હું અને વીરા રાતોરાત પ્રભાકરના મૃતદેહને ઠેકાણે પાડી દેત ! એનું ખૂન અમે કર્યું છે, એવી તો પોલીસને ગંધ સુદ્ધા ન આવત !’

‘ઓહ... તો આનો અર્થ એ થયો કે તારે વીરા સાથે અનૈતિક સંબંધ છે અને આ કારણસર જ બાજીગર તને બ્લેકમેઈલ કરતો હતો ખરું ને ?’

‘હા, કાશીનાથ...! આ વાત જાહેર થઇ ગઈ છે તો પછી તારાથી શું છુપાવું ? પ્રભાકરનું ખૂન કરી નાખવાની સલાહ મને વીરાએ જ આપી હતી.’

‘એ તો બધું ઠીક છે, પણ એક વાત મને નથી સમજાતી !’ કાશીનાથના અવાજમાં મુંઝવણનો સુર હતો.

‘કઈ વાત ?’

‘તારે વીરા સાથે અનૈતિક સંબંધ છે, એ વાતની પ્રભાકરને કેવી રીતે પડી ?’

‘એમાં પણ બાજીગરનો હાથ છે !’

‘એટલે...?’

‘એટલે એમ કે એ કમજાતે જ પ્રભાકરને ફોન કરીને મારા તથા વીરાના સંબંધો વિશે જણાવી દીધું હતું.’

‘ઓહ... તો આનો અર્થ એ થયો કે તારું આખું કુટુંબ જ એના ષડયંત્રનો શિકાર બની ગયું છે !’

‘એ કમજાત બહુ ખતરનાક છે કાશીનાથ...! તું અને ધરમદાસ પણ એનાથી સાવચેત રહેજો. જે રીતે એ કમજાતે મારા કુટુંબને પોતાના ષડયંત્રનો શિકાર બનાવ્યું છે, એજ રીતે તે તમારા બંનેના કુટુંબને પણ પોતાના ષડયંત્રનો શિકાર બનાવવાનો પ્રયાસ કરશે.’

એની વાત સાંભળીને કાશીનાથ હેબતાઈ ગયો.

એના ચહેરા પર પ્રસ્વેદબિંદુઓ ચમકી ઉઠ્યા.

‘હા, કાશીનાથ... તમે બંને એકદમ સાવચેત રહેજો નહિ તો તમારી હાલત પણ મારા જેવી થશે.’ રાજનારાયણ ગમગીન અવાજે બોલ્યો.

કાશીનાથે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

એ જ વખતે એક સિપાહીએ આવીને મુલાકાતનો સમય પૂરો થયાની જાણ કરી.

કશિઅથ રાજનારાયણને આશ્વાસન આપીને બહાર નીકળ્યો.

પોલીસ હેડક્વાર્ટરેથી નીકળીને એ સીધો ધરમદાસ પાસે પહોંચી ગયો.

એણે રાજનારાયણ સાથે થયેલી વાતચીતની વિગત તેને જણાવી દીધી.

‘ના...’ એની વાત સાંભળ્યા પછી ધરમદાસ અવિશ્વાસભર્યા અવાજે બોલ્યો, ‘આવું... આવું ન બને...!’

‘હા, ધરમદાસ !’ કાશીનાથે ગંભીર અવાજે કહ્યું, ‘આવું ન બનવું જોઈએ પણ બન્યું છે એ હકીકત છે ! બાજીગરે રાજનારાયણને પોતાના ષડ્યંત્રનો શિકાર બનાવ્યો છે. બાજીગર આપણને પણ નહીં છોડે ! તે એક નંબરનો હરામખોર અને નીચ માણસ છે. તેને આપણી સાથે અંગત રીતે દુશ્મનાવટ હોય એવું મને લાગે છે. એ આપણા કુટુંબને પણ પોતાના ષડ્યંત્રનો શિકાર બનાવવાનો પ્રયાસ કરશે.’

‘ઈશ્વરને ખાતર આવી અશુભ વાતો મોંમાંથી ન કાઢ કાશીનાથ...!’

‘આવું જ થશે એમ મને લાગે છે ધરમદાસ...! આપણે આપણા કુટુંબોને એના ખૂની ષડ્યંત્રનો ભોગ બનતા નહીં બચાવી શકીએ...!’

‘આપણે તેના હુકમનું પાલન કરીએ છીએ...અર્થાત્ આવતી કાલે આપણે બાજીગરને આપણી સંપતિના અડધા અડધા ભાગ જેટલી રકમ સોંપી દેશું તો પછી તે આપણને પોતાના ષડ્યંત્રનો શિકાર શા માટે બનાવશે ?’

‘એમ તો રાજનારાયણે પણ એના આદેશનું પાલન કર્યું હતું...!’

‘કાશીનાથ...’

‘હા, ધરમદાસ...! એ કમજાત રાજનારાયણના બાવીસ લાખ રૂપિયા હજમ પણ કરી ગયો અને તેના કુટુંબને પોતાના ષડ્યંત્રનું શિકાર પણ બનાવ્યું...! આવા ખતરનાક માણસ પર ભરોસો મુકવો, તે હાથે કરીને આપણા જ પગ ઉપર કુહાડો મારવા જેવું છે.’

‘તું કહેવા શું માંગે છે કાશીનાથ ?’

‘આપણા કુટુંબોને એના ષડ્યંત્રનો શિકાર બનવાનું જ છે તો પછી આપણે પણ એ કમજાતના આદેશનું પાલન ન કરવું જોઈએ.’

‘શું...?’ ધરમદાસે આશ્ચર્યસહ પૂછ્યું.

‘હા, દોસ્ત...! આપણે તેના આદેશનું પાલન ન કરીએ એ જ વધુ યોગ્ય રહેશે.’

‘કાશીનાથ...! તારી અક્કલ ઘાસ ચરવા ગઈ હોય એવું મને લાગે છે ...!’

‘તું શું મને મૂરખ માને છે...?’

‘તું મૂરખ નહીં પણ મહામૂરખ છો...! મૂરખનો સરદાર છો...!’

‘ધરમદાસ...!’ કાશીનાથ ચીસ જેવા અવાજે બોલ્યો.

;બુમો પડવાની જરૂર નથી. બાજીગર પાસે કેસેટના રૂપમાં આપણી જીંદગી કેદ થયેલી છે એ વાત તું ભૂલી જતો લાગે છે કાશીનાથ...!’ ધરમદાસે શાંત અને ગંભીર અવાજે કહ્યું, ‘જો આપણે તેના આદેશની અવગણના કરીશું તો, તે આપણા કુટુંબોને પોતાના ષડ્યંત્રનો ભોગ બનાવે કે ન બનાવે, પરંતુ આપણે બંને તો જરૂર તેના ષડ્યંત્રનો ભોગ બની જઈશું. આપણે ફાંસીના માંચડે લટકી જવું પડશે. આપણે જ જયારે હયાત નહીં હોઈએ તો પછી આપણી આ સંપતિ આપણને શું કામ લાગવાની હતી ? શું આપણે આ સંપતિને છાતીએ બાંધીને લઇ જઈ શકીએ તેમ છીએ...?’

કાશીનાથ ચૂપ થઇ ગયો.

એના ચહેરા પર લાચારીના હાવભાવ છવાઈ ગયા.

***

રેટ કરો અને રિવ્યુ આપો

BHARAT PATEL

BHARAT PATEL 2 કલાક પહેલા

Hina Thakkar

Hina Thakkar 3 માસ પહેલા

અમિત

અમિત 4 માસ પહેલા

Asha Dave

Asha Dave 9 માસ પહેલા

Jalpa Navnit Vaishnav

Jalpa Navnit Vaishnav 11 માસ પહેલા