બાજીગર - 3 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

બાજીગર - 3

બાજીગર

કનુ ભગદેવ

૩ - બાજીગરની ચાલાકી...!

શેઠ ધરમદાસ...!

વિશાળગઢનો ખ્યાતનામ ઉદ્યોગપતિ...!

ધરમદાસ પોતાની ધરમ પ્રાઈવેટ લીમીટેડ કંપનીની શાનદાર ઓફિસની રીવોલ્વીંગ ચેર પર બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો.

ધરમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નેજા હેઠળ કેમીકલ બનાવવાની ત્રણ મોટી ફેકટરીઓ ચાલતી હતી અને તેમાં બે હજાર મજુરો જુદીજુદી શિફ્ટમાં કામ કરતા હતા.

‘સર...! સહસા એક ચપરાસી તેની ઓફિસમાં પ્રવેશી બોલ્યો.

ચાપ્રશીના અવાજથી ધરમદાસનું ધ્યાન ભંગ થયું.

એણે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

ચપરાસીએ આગળ વધીને એક ખાખી રંગનું કવર તેની સામે ટેબલ પર મૂકી દીધું.

‘શું છે ?’

‘સર, એક માણસે આ કવર આપને પહોંચાડી દેવાની સુચના આપી હતી.’

‘ઠીક છે...તું જા...’

ચપરાશી આજ્ઞાંકિત ઢબે માથું હલાવી ચાલ્યો ગયો.

ધરમદાસ એક સિગારેટ સળગાવીને ધીમે ધીમે તેના કસ ખેંચતો પોતાના કારોબારને વધુ વિકસાવવાનો વિચાર કરવા લાગ્યો.

પેટની ભૂખ ભોજન કરવાથી થોડા વખત માટે સંતોષાઈ જાય છે.

પરંતુ પૈસાની ભૂખ એવી છે કે જે ક્યારેય એક પળ માટે પણ નથી સંતોષાતી.

માણસ જેમ જેમ પૈસાદાર થતો જાય છે તેમ તેમ પૈસાની તેની ભૂખ ઘટવાને બદલે વધતી જ જાય છે.

થોડી પળો સુંધી વિચાર્યા બાદ એણે સિગારેટના ઠુંઠાને એશ-ટ્રેમાં પધરાવ્યું.

પછી અચાનક તેની નજર ચપરાશીએ ટેબલ પર મુકેલા ખાખી કવર ઉપર પડી.

એણે કવર ઉઘાડીને તેમાંથી પત્ર બહાર કાઢ્યો.

પત્રનું લખાણ વાંચતા જ તેના હોશ ઉડી ગયા.

ચહેરો સમગ્ર લોહી નીચોવી લેવામાં આવ્યું હોય એમ સફેદ થઇ ગયો.

એને જાણે કે પોતાની આંખો પર ભરોસો નહોતો બેસતો.

એની આંખો ફરીથી પત્રના લખાણ પર ફરવા લાગી.

એમાં લખ્યું હતું

શેઠ ધરમદાસ,

આજે તું ધરમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો માલિક છો...! કરોડો રૂપિયાનો તું આસામી છો...! બજારમાં તારા નામનો ડંકો વાગે છે પરંતુ ચોવીસ વર્ષ પહેલા તું શેઠ ધરમદાસ નહીં પણ માત્ર ધરમદાસ હતો. એ જમાનામાં તારા રજનીકાંત અને કાશીનાથ નામના બે મિત્રો હતા. આજે કાશીનાથ, શેઠ કાશીનાથ બની ગયો છે. એની કાપડની દસ-દસ મિલો ધમધમે છે. તારી જેમ એ પણ રૂપિયાના ઢગલામાં આળોટે છે.

ધરમદાસ, આજથી ચોવીસ વર્ષ પહેલા તે, કાશીનાથે અને રજનીકાંતે ભાગીદારીમાં એક ડેમ બાંધવાનું કામ હાથ પર લીધું હતું. આ કામમાં બધી મૂડી રજનીકાંતે રોકી હતી. તું તથા કાશીનાથ કાર્યકારી ભાગીદાર હતા. મૂડી રજનીકાંતની અને મહેનત તમારા બંનેની...! આ ડેમ બનાવવાના કોન્ટ્રાક્ટમાં જે કંઈ નફો મળે એ ત્રણેયે સરખે ભાગે વહેંચી લેવાનો હતો.

આ કોન્ટ્રાક્ટમાં રજનીકાંતે પોતાની તમામ સંપતિ મૂડી તરીકે રોકી દીધી હતી. જયારે ડેમ બંધાઈને તૈયાર થઇ ગયો ત્યારે સરકાર તરફથી તમને છેલ્લા પેમેન્ટ રૂપે દસ લાખ રૂપિયા મળ્યા. તમે ત્રણેય રજનીકાંતની કારમાં બેસીને ચંદનપુરથી વિશાળગઢ આવવા માટે નીકળ્યા હતા. રસ્તામાં તમે વિનયગઢમાં સાંજે રોકાયા હતા. ત્યાં રોકાઇને રાત્રે ભોજન કરવાની તારી તથા કાશીનાથની યોજના હતી.

તમે બંને રજનીકાંતને મારી નાંખીને દસ લાખ રૂપિયા કબજે કરી લેવા માંગતા હતા.

પરંતુ રજનીકાંતના સદનસીબે સાંજે નશામાં ચકચૂર બનીને તમે જે વાતો કરી હતી, એના ઉપરથી તમારી યોજનાની તેને ખબર પડી ગઈ. પરિણામે એ તમને થાપ આપીને દસ લાખની રકમ સાથે છૂટીને વિશાળગઢ પોતાને ઘેર પહોંચ્યો. એણે પોતાની પત્ની દેવયાનીને બધી વાતો જણાવીને તાબડતોબ વિશાળગઢ છોડી દેવાનું કહ્યું.

પરંતુ એના કમનસીબે તમે બંને અણીના સમયે તેની પાસે પહોંચી ગયા.

‘તમે બંનેએ રજનીકાંતનું ખૂન કરી નાખ્યું.

દેવયાની પોતાના બે વર્ષના પુત્ર બંટીને લઈને એક રૂમમાં પુરાઈ ગઈ તો તમે માત્ર એ રૂમ જ નહીં, સમગ્ર મકાનને આગ લગાવી દીધી.

એ આગમાં રજનીકાંત, દેવયાની અને તેનો પુત્ર સળગીને રાખ થઇ ગયા.

રજનીકાંતને મારતાં પહેલા તમે તેની પાસેથી દસ લાખ રૂપિયા ભરેલી બ્રિફકેસ મેળવી લેવામાં સફળ થઇ ગયા હતા અને આજે...?

આજે એ દસ લાખ રૂપિયામાંથી જ તું અને કાશીનાથ કરોડપતિ બન્યા છો.

શેઠ ધરમદાસ હું ધારું તો તને તથા કશીનાથને રજનીકાંત, તેની પત્ની અને પુત્રના ખૂનના આરોપસર ફાંસીના માંચડે પહોંચાડી શકું તેમ છું.

તમારા બંનેના ગાળામાં ફાંસીનો ગાળિયો ભેરવાઈ જાય, એના મારી પાસે નક્કર પુરાવાઓ છે.

જો તું તારું હિત ઈચ્છતો હો તો આજે રાત્રે એક વાગ્યે મને ધોબીઘાટ પર મળ...જો તું નહીં આવે તો, કાલે સવારે હું તમારા બંનેની વિરુદ્ધના પુરાવાઓ પોલીસને સોંપી દઈશ.

યાદ રાખ...આજે રાત્રે એક વાગ્યે...ધોબીઘાટ પર...!

લિ. ટાઇગર

કથિત ટાઇગરનો પત્ર વાંચતા જ ધરમદાસના ચહેરા પર સન્નાટો પથરાઈ ગયો.

એનો દેહ નિર્જીવ પૂતળાની માફક ખુરશી પર સ્થિર થઇ ગયો હતો.

આ ટાઈગર કોણ છે અને તેની પાસે રજનીકાંતના કુટુંબના ખૂનના પુરાવા કેવી રીતે આવ્યા એ તેને સમજાતું નહોતું.

એના દિમાગમાં એક પછી એક વિચારો આવતા જતા હતા.

જો ટાઈગર પાસે અગાઉથી જ પુરાવાઓ હતા, તો આજ સુંધી તે સામે શા માટે ન આવ્યો ?

ચોવીસ વર્ષ પહેલા પણ આવો પત્ર લખી શકે તેમ હતો.

એ જેમ જેમ વિચારતો જતો હતો, તેમ તેમ એનું મગજ ગૂંચવાતું જતું હતું.

લાખ પ્રયાસો પછી પણ આ ગુંચવણને તે નહોતો ઉકેલી શક્યો.

વિચારી વિચારીને એનું માથું દુખવા લાગ્યું.

એણે બંને હાથે માથું પકડી લીધું.

દુનિયાનો સૌથી વધુ કમનસીબ માણસ પોતે એકલો જ હોય એવા હાવભાવ તેના ચહેરા પર છવાયેલા હતા.

છેવટે આ બાબતમાં કાશીનાથ સાથે વાતો કરવાનો તેને વિચાર આવ્યો.

એણે કાશીનાથને ફોન કર્યો પરંતુ મુલાકાત ન થઈ.

મેનેજરના કથન મુજબ કાશીનાથે બીઝનેસ અંગે એક પાર્ટીને મળવા ગયો હતો અને ચાર વાગે ઓફીસ પાછો ફરવાનો હતો.

માનસિક સંતુલન જાળવી રખવા માટે તે એક સિગારેટ સળગાવીને ધીમે ધીમે તેના કસ ખેંચવા લાગ્યો.

એ જ વખતે તેનો પુત્ર અતુલ દ્વાર ઉઘાડીને અંદર પ્રવેશ્યો.

‘હલ્લો...ડેડી...!’ આવતાવેંત એ બોલ્યો.

ધરમદાસે સ્મિત ફરકાવવાનો પ્રયાસ કર્યો પરંતુ એમાં તેને સફળતા ન મળી.

માણસ જયારે દુઃખ અને ચિંતાથી ઘેરાયેલો હોય છે, ત્યારે ચહેરા પર સ્મિત લાવવાનું કેટલું અઘરું છે, એ વાતનો જીંદગીમાં આજે પહેલી જ વાર અનુભવ થયો હતો.

‘ડેડી...!’ અતુલ પોતાના પિતાજીના ચહેરા પર છવાયેલા હાવભાવનું અવલોકન કરતાં બોલ્યો.

ધરમદાસે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘ડેડી, તમે ખુબ જ પરેશાન અને ચિંતાતુર દેખાઓ છો. શું વાત છે?’ અતુલે પૂછ્યું.

‘એવી કોઈ વાત નથી દિકરા...!’

‘તમે મારાથી કંઇક છુપાવતા લાગો છો.’

‘ના...તારાથી વળી શું છુપાવવાનું હોય ? એમ જ બિઝનેસની થોડી ફિકર છે.’

‘કોઈ ગંભીર વાત છે ?’

‘ખાસ તો કોઈ ગંભીર વાત નથી. ખરીદીમાં થોડી ગરબડ થઇ હોય એવું લાગે છે.’ધરમદાસે ખોટું બોલતા કહ્યું, ‘પરંતુ ચિંતા કરવા જેવું કશું જ નથી. હું ગરબડ શોધી કાઢીશ.’

‘આ કામ તમારે હિસાબનીશને સોંપી દેવું જોઈએ એમ હું માનું છું.’

‘હું પણ એમ જ વિચારું છું.’

‘ડેડી...’

‘બોલ...’

‘હું કાશ્મીર જવા માટે તમારી મંજુરી લેવા આવ્યો છું.’

‘એકલો જાય છે ?’

‘ના...’

‘તો...?’

‘મંદાકિની સુધાકર અને કિરણ પણ સાથે આવે છે.’

‘તો એમ કહે ને તું તારી પત્ની, સાળા અને સાળાની પત્નીને લઈને કાશ્મીર ફરવા જાય છે !’

‘બધું એક જ છે !’

‘કેટલા દિવસ માટે જવું છે ?’

‘ઓછામાં ઓછા પંદર દિવસ તો લાગી જ જશે.’

‘ભલે...તું તારે ખુશીથી જા...પણ પંદર દિવસથી વધુ મોડું કરીશ નહિ. હું હવે ઉંમરલાયક થઇ ગયો છું. આટલો મોટો બિઝનેસ એકલો સંભાળી શકું તેમ નથી.’

‘પંદર દિવસ તો સંભાળી લેશો ને ?’

‘હા...’

‘તો અમે જવાની તૈયારી કરીએ ?’

‘જરૂર...’

અતુલ ખુશ થઈને ચાલ્યો ગયો.

ધરમદાસ એક સિગારેટ સળગાવીને ફરીથી ટાઈગરના વિચારમાં ડૂબી ગયો.

***

અતુલની પત્ની મંદાકિની બેગમાં જરૂરી સામાન ભરતી હતી.

આ કામમાં અતુલ પણ તેને મદદ કરતો હતો.

‘અતુલ...!’ સહસા મંદાકિની બોલી, તે ભાઈ-ભાભીને સાંજે પાંચ વાગે તૈયાર રહેવાનું તો જણાવી દીધું છે ને ?

‘તું કેટલી વાર પૂછીશ...?’અતુલે કૃત્રિમ નારાજગી વ્યક્ત કરતા કહ્યું, ‘બે વખત તો પૂછી ચુકી છો.’

મંદાકિની ભોંઠપ અનુભવવા લાગી.

‘તને તારા ભાઈ-ભાભીની ફિકર જ છે ને મારી નથી એવું મને લાગે છે. આવું હોય...? હનીમુન માટે તો માત્ર આપણે બંનેએ જવાનું હતું. પરંતુ તેં તારા ભાઈ-ભાભીને પણ તૈયાર કરી લીધા.’

‘તેમના પણ હમણાં જ લગ્ન થયા છે. આપણા અને તેમના લગ્ન વચ્ચે માત્ર એક મહિનાનો ફર્ક છે. તેમના લગ્ન એક મહિના અગાઉ થયાં છે ને આપણા પછી...!’

સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.

‘આ ટેલીફોનનું હવે મારે શું કરવું ? જયારે ને ત્યારે રણક્યા જ કરે છે ૧ ખેર, હું જોઉં છું. તું બધો સામાન મૂકી દેજે...! અને હા, મારી વ્હીસ્કીની બોટલ લેવાનું ભૂલીશ નહીં. ટ્રેનમાં સાળા-બનેવી સામસામે પેગ અથડાવીશું. ત્યારની પીવાની મજા જ કંઇક જુદી હશે.’ કહીને અતુલ ટેલીફોન તરફ આગળ વધ્યો.

‘બસ, તારી આ પીવાની ટેવ જ મને નથી ગમતી.’

‘ટેવ તો ટેવ છે...બીજું શું થાય ?’

મંદાકિની મોં મચકોડીને રહી ગઈ.

‘હલ્લો...અતુલ સ્પીકિંગ...!’ અતુલે રિસીવર ઊંચકીને કાને મુકતા કહ્યું.

‘અતુલ, હું સુધાકર બોલું છું.’ સામે છેડેથી એના સાળા સુધાકરનો અવાજ તેને સંભળાયો.

‘બોલ ભાઈ સુધાકર...તારો અવાજ ઢીલો શા માટે લાગે છે ? શું વાત છે ?’

‘એક ગરબડ ઉભી થઇ છે.’

‘શું ?’

‘હમણાં પિતાજીનો ફોન આવ્યો હતો. એક જરૂરી કામ આવી પડ્યું છે.’

‘હા, તો...?’

‘તો એમ કે બે દિવસ પછી કાશ્મીર આવી શકીશ !’

‘તો પછી અમે પણ બે દિવસ માટે પ્રોગ્રામ સ્થગિત કરી દઈએ છીએ.’

‘તમે લોકોએ તો જવાની તૈયારી પણ કરી લીધી હશે ખરું ને ?’

‘હા, પણ તું કહેતો હો તો પ્રોગ્રામ કેન્સલ કરી નાંખીએ.’

‘ના...પ્રોગ્રામ કેન્સલ કરવો યોગ્ય નથી. કિરણ પણ તૈયારી કરી ચુકી છે.’

‘તો પછી...?’

‘એક કામ કરો ...’

‘શું ?’

‘તમે ત્રણેય નીકળી જાઓ. હું બે દિવસ પછી પહોંચી જઈશ.’

‘આવું હોય...?’

‘તારે ખોટું લગાડવાની જરૂર નથી. જો પ્રોગ્રામ કેન્સલ થશે તો નાહક જ મંદાકિની અને કિરણ નારાજ થઇ જશે. તમે ત્રણેય આજે નીકળી જાઓ. હું આવી જઈશ.’

‘ઠીક છે ..ઓ કે...’ કહીને અતુલે રિસીવર મૂકી દીધું.

‘સુધાકર શું કહેતો હતો ડીયર...?’ મંદાકિનીએ પૂછ્યું.

અતુલે સુધાકર સાથે થયેલી વાતચીતની વિગત તેને જણાવી દીધી.

‘આપણે બે દિવસ પછી જ જઈએ તો ?’ એની વાત સાંભળ્યા પછી મંદાકિનીએ પૂછ્યું.

‘ના...’

‘કેમ...?’

‘કાશીનાથ અંકલની જેમ બે દિવસ પછી પિતાજીનો મુડ બદલાઈ જાય એ બનવાજોગ છે. એના કરતાં તો ત્રણેય નીકળી જઈએ. સુધાકર બે દિવસ પછી આવી જશે.’

‘ભલે...જેવી તારી ઈચ્છા...!’

બંને ફરીથી સામાન પેક કરવા લાગ્યા.

***

કાશીનાથ સુપ્રીમ હોટલમાંથી નીકળીને પાર્કિંગ તરફ આગળ વધ્યો.

એની કાર પાર્કિંગમાં પડી હતી.

કારની પાછલી સીટના દરવાજા પાસે વર્દીધારી ડ્રાઈવર તત્પર મુદ્રામાં ઉભો હતો.

‘સાહેબ...સાહેબ...’

કાશીનાથે પીઠ ફેરવીને જોયું.

હોટલનો એક વેઈટર ઉતાવળા પગલે તેની તરફ જ આવતો હતો.

વેઈટર તેની નજીક પહોંચ્યો, ત્યાં સુંધીમાં તે કાર સુધી પહોંચી ગયો હતો.

‘હું આપને જ કહું છું સાહેબ...!’

આ દરમિયાન કાશીનાથ પાછળની સીટ પર બેસી ચુક્યો હતો.

વેઈટર હાંફતો હાંફતો કાર પાસે આવ્યો.

એણે ચુપચાપ એક ખાખી રંગનું કવર કાશીનાથના હાથમાં મૂકી દીધું.

‘આ શું છે ?’

‘આપનું નામ જ શેઠ કાશીનાથ છે ને ?’

‘હા...’

‘તો આ કવર આપને પહોંચાડવા માટે એક માણસે મને આપ્યું હતું.’

‘ઠીક છે ...’

‘ચાલો, ડ્રાઈવર...!’ કાશીનાથે કવરમાંથી પત્ર બહાર કાઢતા કહ્યું.

ડ્રાઈવરે કાર સ્ટાર્ટ કરીને મિલોની ઓફીસ તરફ દોડાવી મૂકી.

કાશીનાથે પત્રનું લખાણ વાંચ્યું.

વાંચ્યા પછી જાણે કે તેના પર વીજળી ત્રાટકી.

એની આંખોમાં નર્યા અચરજ અને અવિશ્વાસના હાવભાવ છવાઈ ગયા.

એ પત્ર ટાઈગરનો જ હતો. આવો જ પત્ર ધરમદાસને પણ મળ્યો હતો.

એણે પત્ર ત્રણ ત્રણ વખત વાંચ્યો.

આટલા વર્ષો પછી રજનીકાંત તથા કુટુંબીજનોનાં ખુનનો ભેદ જાણનાર ટાઈગર નામધારી ક્યાંથી ટપકી પડ્યો એ તેને નહોતું સમજાતું.

એ ખુનનો ભેદ કોઈક જાણે છે એના વિચાર માત્રથી જ તેને ઠંડો પરસેવો વળ્યો.

પરંતુ ઘણું વિચાર્યા પછી પણ તે કોઈ નક્કર પરિણામ પર ન પહોંચી શક્યો.

કાર જ્યારે ઓફીસવાળી ઈમારતના કમ્પાઉન્ડમાં પ્રવેશીને ઉભી રહી ત્યારે જ એની વિચારધારા તૂટી.

એ પોતાની ઓફિસમાં પહોંચ્યો અને તરત જ ધરમદાસને ફોન કર્યો.

‘હલ્લો...’સામે છેડેથી ધરમદાસનો અવાજ પારખીને એણે કહ્યું, ’હું કાશીનાથ બોલું છું.’

‘ઓહ...કાશીનાથ...! તું ઓફિસે આવી ગયો ?’

‘હા...હમણાં જ પહોંચ્યો છું. દોસ્ત, આપણા માઠા દિવસો શરુ થવાની તૈયારીમાં હોય એવું મને લાગે છે.’ કાશીનાથ નંખાઈ ગયેલા અવાજે બોલ્યો.

‘એટલે...?’

‘હમણાં થોડી વાર પહેલા મને એક ખાખી રંગનું કવર મળ્યું છે કાશીનાથ...!’

શું...?’ સામે છેડેથી ધરમદાસના અવાજમાં રહેલી ઉત્તેજના એણે સ્પષ્ટ પારખી હતી.

‘શું વાત છે ધરમદાસ ...? તારો અવાજ આટલો ઉત્તેજિત શા માટે છે ?’

‘કાશીનાથ ...તને મળેલો પત્ર ટાઈગરે લખેલો છે ?’

‘હા...પણ તને આ વાતની કેવી રીતે ખબર પડી ?’કાશીનાથે આશ્ચર્યસહ પૂછ્યું.

‘મને પણ ટાઈગરનો પત્ર મળ્યો છે કાશીનાથ...!’

‘શું...?’

‘હા...’ સામે છેડેથી ધરમદાસે તેને પત્રની વિગત જણાવી દીધી.

‘મને પણ ટાઈગરે આવો જ પત્ર લખ્યો છે કાશીનાથ...એણે તને પણ રાત્રે એક વાગ્યે ધોબીઘાટ પાસે બોલાવ્યો છે ખરું ને ?’

‘હા...’

‘તું એક કામ કર ધરમદાસ...!’

‘બોલ...!’

‘તું તાબડતોબ ડિલક્સ હોટલે જવા માટે નીકળી જા...! હું પણ સીધો ત્યાં જ પહોંચું છું. ત્યાં શાંતિથી બેસીને આ બાબતની ચર્ચા કરીશું.’

‘ભલે...’

કાશીનાથ રિસીવર મુકીને થાકેલા પગલે દરવાજા આગળ વધી ગયો.

વીસ મિનિટ પછી તે અને ધરમદાસ ડિલક્સ હોટલની એક કેબીનમાં બેઠા બેઠા શરાબના ઘૂંટડા વચ્ચે વાતો કરતા હતા.

‘તને શું લાગે છે ધરમદાસ...?આ ટાઈગર કોણ મુઓ હશે ?’

‘મને તો આપણા ભૂતકાળનો કોઈક દુશ્મન હોય એવું લાગે છે.’

‘ના, ધરમદાસ તારી આ વાત સાથે હું સહમત નથી.’ કાશીનાથે નકારમાં માથું હલાવતા કહ્યું.

‘કેમ...?’

‘જો ટાઇગર આપણો કોઈ જુનો-ભૂતકાળનો દુશ્મન હોત તો તે અત્યાર સુધી ચૂપ ન બેસી રહેત...! રજનીકાંતવાળા બનાવને ચોવીસ વર્ષ વીતી ગયા છે. આજે ચોવીસ વર્ષ પછી ટાઈગર આપણી સામે આવ્યો છે. આના પરથી જ સ્પષ્ટ થાય છે કે તે આપણો કોઈ જુનો દુશ્મન નથી.’

‘તો પછી રજનીકાંતવાળા બનાવની તેને કેવી રીતે ખબર પડી ?’

‘આ બાબતમાં એક જ વાત મને સુઝે છે.’

‘શું...?’

‘આ ટાઈગર રજનીકાંતનો કોઈક સગો-સંબંધી હોય એ બનવાજોગ છે.’

‘શું ગધેડાને તાવ આવે તેવી વાતો કરે છે કાશીનાથ...!’

‘કેમ...?’

‘જો એ રજનીકાંતનો કોઈ સગો-સંબંધી હોત તો ચોવીસ વર્ષ સુધી રાહ ન જોત...! બલ્કે વર્ષો પહેલા જ આપણી સામે આવી ચુક્યો હોત ! એ કાં તો આપણને બ્લેકમેઈલ કરીને આપણી પાસેથી જંગી રકમ કઢાવી ચુક્યો હોત અથવા તો પછી આપણને ફાંસીના માંચડે પહોંચાડી ચુક્યો હોત ! પરંતુ આવું કશું જ નથી બન્યું. ટાઈગર રજનીકાંતનો સગો-સંબંધી નહીં, પણ કોઈક બીજો જ છે !’

‘તો પછી તે આપણા વર્તમાનનો કોઈક દુશ્મન હોવો જોઈએ.’

‘કાશીનાથ, ટાઈગરના ડરથી તારી અક્કલનું દેવાળું નીકળી ગયું લાગે છે.’

‘કેમ ?’

‘તું જરા પણ સમજ્યા-વિચાર્યા વગર જ માન ફાવે તેમ બકવાસ કર્યા રાખે છે !’

‘તું શું મને મૂરખ માને છે ...?’કાશીનાથ ધૂંધવાતા અવાજે બોલ્યો, ‘જો હું મૂરખ હોત તો આજે દસ-દસ મિલોનો માલિક ન હોત સમજ્યો ?’

‘તું નાહક મારા પર નારાજ થાય છે...! મારા પર ક્રોધે ભરાય છે !’

‘નારાજ ન થઉં તો શું કરું...?’

‘કાશીનાથ...અત્યારના સંજોગોમાં આપણે એકબીજા પર નારાજ થવું કે ક્રોધે ભરાવું યોગ્ય નથી. મારી વાતને સમજવાનો પ્રયાસ કર...!’

‘બોલ...!’

‘ટાઈગર આપણા વર્તમાનનો કોઈ દુશ્મન નથી.’

‘એ આપણા વર્તમાનનો દુશ્મન નથી એવું તું કયા આધારે કહે છે ?’ કાશીનાથે પોતાનો પેગ ખાલી કર્યા બાદ એક સિગારેટ સળગાવતાં પૂછ્યું.

‘બહુ ચોખ્ખી ને દીવા જેવી સ્પષ્ટ વાત છે.’

‘જે હોય તે, તું બોલ તો ખરો...!’

‘પહેલા મારા સવાલનો જવાબ આપ...!’

‘બોલ...!’ કાશીનાથે સીગારેટનો કસ ખેંચીને પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહેતાં કહ્યું.

‘તો સાંભળ...ચોવીસ વરસ પહેલા આપણે દસ લાખ રૂપિયા માટે રજનીકાંતને મારી નાંખ્યો હતો અને તેની પત્ની તથા પુત્ર સાથે એનું ઘર સળગાવી નાખ્યું હતું, એ વાતનું શું આપણા વર્તમાન દુશ્મનને સપનું આવ્યું હતું ? જયારે ટાઈગરના લખવા મુજબ આપણને રજનીકાંત તથા તેના કુટુંબીજનોના ખૂન કરવાના આરોપસર ફાંસીના માંચડે પહોંચાડી શકાય એવા નક્કર પુરાવાઓ પણ તેની પાસે છે. તેમ છતાંય ઘડીભર માટે માની લઈએ કે ટાઈગર ઉપનામધારી માનવી આપણો વર્તમાનનો જ કોઈક દુશ્મન છે, તો પણ આટલું જાણ્યા પછી આપણી પાસેથી પૈસા કઢાવવા માટે આપણને ધમકીભર્યો પત્ર લખત ! પોતાની પાસે આપણી વિરુદ્ધ પુરાવાઓ છે એમ ન લખત !’

‘પુરાવાઓ હોવાની વાત એણે ખોટી લખી હોય એ બનવાજોગ છે.’

‘એ વળી શા માટે ખોટું લખે ?’

‘કેમ...?શા માટે ન લખે...?’ કાશીનાથે સામો સવાલ કર્યો.

‘કાશીનાથ, તારી અક્કલ ખરેખર ઘાસ ચરવા ગઈ હોય એવું મને લાગે છે. એણે પત્રમાં રકમની માંગણી કરી છે ખરી ?’

‘ના...’

‘તો પછી...? એણે આપણને માત્ર મુલાકાત માટે જ બોલાવ્યા છે. જો એણે રકમની માંગણી કરી હોત તો તે પુરાવાઓ વિશે ખોટું લખે છે એમ આપણે માની શકત ! પરંતુ એણે એ જાતની કોઈ માંગણી ન કરતાં માત્ર રાત્રે એક વાગ્યે ધોબીઘાટ પાસે આપણને મળવા માટે જ બોલાવ્યા છે.’

‘ઓહ ..તો ટાઈગર આપણા વર્તમાનનો કોઈ દુશ્મન નથી એમ જ તું કહેવા માંગે છે ખરું ને ?’

‘હા... વર્તમાનનો દુશ્મન હોવાનો સવાલ જ ઉભો નથી થતો. ખેર, એ કમજાત જે કોઈ હોય તે, પરંતુ એ આપણા ભૂતકાળ વિશે રજેરજ માહિતી ધરાવે છે. તું બરાબર યાદ કરી જો...! આવો કોઈ દુશ્મન યાદ આવે છે તને ?’

‘મને તો કશું જ નથી સૂઝતું ધરમદાસ...! આ ટાઈગરે તો મારી બુદ્ધિ કુંઠિત કરી નાખી છે. મેં નાહક જ તારી વાતનું ખોટું લગાડ્યું. તું સાચું કહે છે ...! ખરેખર જ મારી અક્કલનું દેવાળું નીકળી ગયું છે. મને કશું જ નથી સમજાતું.’ કાશીનાથ નંખાઈ ગયેલા અવાજે બોલ્યો.

તું નાહક જ નિરાશ થાય છે કાશીનાથ...! નિરાશ થવાની જરૂર નથી...!’ ધરમદાસે એના ગ્લાસમાં વ્હીસ્કી રેડતા કહ્યું, ‘લે ...પેગ ખાલી કર...!’

‘નિરાશ ન થઉં તો આશાના દીપ પ્રગટાવું...?’ કાશીનાથ પેગ ઊંચકીને તેમાંથી એક ઘૂંટડો ગળે ઉતાર્યા બાદ ધૂંધવાતા અવાજે બોલ્યો. ‘ના. દોસ્ત...! મને ટાઇગરના અણસાર સારા નથી દેખાતા...! એ કમજાત આપણને બરબાદ કરી નાખશે એવું મને લાગે છે...! કદાચ તે આપણને ફાંસીના માંચડે પહોંચાડી દે એવું પણ બની શકે છે !’

‘આ વાત તો તારા મગજમાંથી સાવ કાઢી જ નાખ કાશીનાથ...!’

‘કેમ ?’

‘એનો હેતુ આપણને ફાંસીના માંચડે પહોંચાડવાનો નથી.’

‘આવું તું કયા આધારે કહે છે ?’

‘એટલા માટે કે જો તેનો હેતુ આપણને ફાંસીના માંચડે પહોચાડવાનો હોત તો કદાપી આપણો સંપર્ક ન સાધત. બલ્કે, આપણી વિરુદ્ધ તેની પાસે જે કંઈ પુરાવાઓ છે, એ પુરાવાઓ એણે અત્યાર સુંધીમાં પોલીસમાં સોંપી દીધા હોત !’

‘તો પછી એ કમજાત આપણી પાસે મોટી રકમની માંગણી કરશે.’

‘હા...એ તો સ્પષ્ટ જ છે...!’

‘ધરમદાસ, જો આપણે તેની માંગણી પૂરી નહીં કરી શકીએ તો...?’

‘તું વળી પાછો મુર્ખાઓ જેવી વાતો કરવા માંડ્યો...!’

‘કેમ...? આમાં મૂર્ખાઈ જેવી વાત ક્યાં આવી ?’ કાશીનાથે પૂછ્યું, ‘મેં તો માત્ર એટલું જ પૂછ્યું છે કે આપણે તેની માંગણી પૂરી નહીં કરી શકીએ તો...?’

‘બસ, એ જ તો મૂર્ખાઈભરી વાત છે.’

‘કેવી રીતે...?’

‘કહું છું...પહેલાં એક વાતનો જવાબ આપ કે તારે જો કોઈ પાર્ટીને ઉધાર માલ આપવો હોય તો, તું એમને એમ આંખો મીંચીને જ તેને માલ આપી દઈશ કે પહેલા તેની હેસિયત કેટલી છે, એની તપાસ કરીશ ?’

‘પહેલાં હું તેની હેસિયતની તપાસ કરીશ એ તો સ્પષ્ટ જ છે !’

‘બસ, તો પછી... બ્લેકમેઈલરોની બાબતમાં પણ આવું જ છે !’ ધરમદાસ બોલ્યો, ‘એ પોતાના શિકારની હેસિયત જોઇને જ તેની પાસે રકમની માંગણી કરે છે. પોતાનો શિકાર, પોતાની હેસિયત કરતાં એક રૂપિયો પણ વધુ નહીં આપી શકે એ વાત તે બરાબર રીતે જાણતો હોય છે. ટાઈગર જે કોઈ હોય તે...! પરંતુ એ મૂરખ નથી કે, આપણે ન આપી શકીએ એટલી રકમની તે માંગણી કરશે !’

‘ધરમદાસ...!’ સહસા કાશીનાથે ચપટી વગાડતાં કહ્યું, ‘ટાઈગર કોણ છે એની મને ખબર પડી ગઈ છે.’

‘એમ...?’

‘હા...’

‘કોણ છે એ કમજાત ...?’ કહેતાં કહેતાં ધરમદાસના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા.

બાજીગર...!’

કાશીનાથની વાત સાંભળીને ધરમદાસનો ચહેરો ઉતરી ગયો.

‘ધરમદાસ...! બાજીગર જ એક એવો માણસ છે કે જે પૈસાદારોના ભેદ જાણીને તેમને બ્લેકમેઈલ કરવામાં નિષ્ણાત છે. રજનીકાંતના બનાવની તેને ગમે તે રીતે ખબર પડી ગઈ છે.’

‘બરાબર છે...પરંતુ તેમ છતાંય વાત તો ફરી ફરીને શરુ થઇ હતી, ત્યાં જ આવીને અટકી જાય છે !’ ધરમદાસે સહમતિસૂચક ઢબે માથું હલાવતા કહ્યું.

‘એટલે...?’ કાશીનાથે મૂંઝવણભરી નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું.

‘તારા કહેવા મુજબ જો બાજીગર જ ટાઈગરનો પાઠ ભજવતો હોય તો પછી સવાલ એ ઉભો થાય છે કે તેની પાસે આપણી વિરુદ્ધ પુરાવાઓ ક્યાંથી આવ્યા ?’

‘લે કર વાત ...! એટલુંય ન સમજ્યો ?’

‘ના...તું જ સમજાવી દે...!’

‘એણે કોઈકની પાસેથી પુરાવાઓ મેળવી લીધા હશે. આ તો નાના બાળકને પણ સમજાય તેવી વાત છે !’

‘કોની પાસેથી...?’

‘આપણા ભૂતકાળના કોઈ દુશ્મન પાસેથી...!’

‘તું ફરીથી મૂર્ખાઈ કરવા પર ઉતરી આવ્યો લાગે છે !’

‘કેમ ...?’

‘એ વળી બાજીગરને પુરાવાઓ શા માટે આપે...? બાજીગરને પુરાવા આપવાને બદલે એ પોતે જ આપણને બ્લેકમેઈલ ન કરત...?’

કાશીનાથ મનોમન પોતાની જાત પર ધૂંધવાયો.

ધરમદાસ પોતાની દલીલથી તેની દરેક વાતને કાપી નાખતો હતો.

ટાઈગર, બાજીગર નથી તો કોણ છે એ તેને કેમેય કરીને નહોતું સમજાતું.

‘તો તું જ કહે કે ધરમદાસ, કે ટાઈગર કોણ છે ?’

‘કાશીનાથ...!’ ધરમદાસ એક સિગારેટ સળગાવીને વિચારવશ અવાજે બોલ્યો, ‘હાલ તરત હું આ બાબતમાં ખાતરીપૂર્વક કશું જ કહી શકું તેમ નથી.’

‘તો પછી ક્યારે, એ આપણને બ્લેકમેઈલ કરીને આપણી હાલત રસ્તે રઝળતા ભિખારી જેવી બનાવી દેશે ત્યારે કહીશ...?’

‘કાશીનાથ, હજુ ક્યાં એણે આપણને બ્લેકમેઈલ કર્યા છે ને ક્યાં આપણે રસ્તે રઝળતા ભિખારી બની ગયા છીએ ?’ ધરમદાસ બોલ્યો.

‘જરૂર નથી નમ્યા... પરંતુ બની જઈશું, એ દિવસ હવે બહુ દુર નથી ?’

‘આજે રાત્રે આપણે તેને મળવાનું તો છે જ !’

‘હા, તો ...?’

‘’વાસ્તવમાં એ કોણ છે , તે જાણવાનો પ્રયાસ કરીશું...!’

‘અને જાણ્યા પછી...?’

‘પછી આપણે તેને સ્વધામ પહોંચાડી દઈશું...! આ સંસારમાંથી તેને હંમેશને માટે વિદાય કરી દેશું...!’

‘વેરી ગુડ...! તને સપના જોતાં તો બહુ સારા આવડે છે !’ કાશીનાથ કટાક્ષ ભર્યા અવાજે બોલ્યો.

‘કેમ...? આમાં સપના જોવા જેવી કઈ વાત છે ?’

‘આ સપનું નથી તો બીજું શું છે ધરમદાસ ? ટાઈગર કંઈ અક્કલનો બારદાન તો નથી જ...! એના મગજમાં પણ થોડીઘણી બુદ્ધિ તો જરૂર હશે જ...! આપણે તેને સહેલાઈથી સ્વધામ પહોંચાડી શકીશું, એ વાત જો તારા મહાજમાં હોય તો અત્યારે જ બલ્કે આ પળે જ તેને તિલાંજલિ આપી દે !’

‘તું જરૂર કરતા વધુ પડતો ગભરાઈ ગયો છે કાશીનાથ...!’આ તારે માટે સારું ન કહેવાય...! કોઈ પણ વસ્તુનો ડર મોત કરતાં પણ વધુ ખતરનાક અને ભયંકર હોય છે ! મોત તો માણસને એક જ વખત મારે છે, જયારે દર તો તેને પ્રત્યેક પળે મારતો રહે છે.’

‘તું સાચું કહે છે પરંતુ આપને ટાઈગરથી નીડર પણ રહી શકીએ તેમ નથી. એ કમજાત પાસે આપણને ફાંસીના માંચડે પહોંચાડનારા પુરાવાઓ છે.’

‘તો શું આપણે તેને ઘૂંટણીએ પડી જવું જોઈએ એમ તું કહેવા માંગે છે ?’

‘હા...એ સિવાય આપણો છૂટકો જ નથી...! આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.’

‘આપણે પહેલા એક વખત ટાઈગરને મળી તો લઈએ. ત્યારબાદ શું કરવું ને શું નહીં એ બાબતમાં વિચારીશું.’

‘મારી એક વાત માનીશ ધરમદાસ ?’

‘બોલ, માનવા જેવી હશે તો જરૂર માનીશ !’

‘ટાઇગરે આપણને બંનેને એક સાથે એક સમયે ને એક જ સ્થળે બોલાવ્યા છે.’

‘હા...પણ તેનું શું છે ?’

‘તો પછી આપણે ધોબીઘાટને જ ટાઈગરનું સ્મશાનઘાટ બનાવી દઈએ તો ?’

‘તારી અક્કલ ઘાસ ચરવા તો નથી ગાઈને કાશીનાથ ?’

‘કેમ ...?’

‘આપણે તેને મારી નાખવાનો પ્રયાસ પણ કરી શકીએ તેમ છીએ એ વાત શું તે નહીં જાણતો હોય ? એ પોતાની સલામતીની વ્યવસ્થા કરીને જ આપણને મળશે. ધોબીઘાટની આજુબાજુમાં તેના માણસો એ વખતે છુપાયેલા હશે.’

‘આપણે રાત્રે એક વાગ્યાની પહેલા જ ધોબીઘાટ પહોંચીને ત્યાં તેના સાથીદારો છુપાયેલા છે કે નહીં એની તપાસ કરી લેશું...’

‘કાશીનાથ...! ધોબીઘાટ પર અટય્રથી જ તેના માણસો ગોઠવાઈ ગયા હોય એવું બની શકે તેમ છે. જો આપણે ત્યાં જઈને તેના માણસોની નજરે ચડી જઈશું તો એનું ભયંકર પરિણામ આપણે ભોગવવું પડશે. આપણું ટાઈગરથી બે ડગલા આગળ રહેવું યોગ્ય નથી દોસ્ત...! આપણે તેની વિરુદ્ધ જે કંઈ પગલાં ભરવાના છે, તે ખુબ જ સમજી-વિચારીને અને સાવચેતીથી ભરવાનાં છે.’

કાશીનાથ ધીમેથી માથું હલાવીને રહી ગયો.

ધરમદાસ બંને માટે પેગ તૈયાર કરવા લાગ્યો.

પેગ પૂરો કર્યા પછી બંને બીલ ચૂકવીને બહાર નીકળ્યા.

રાત્રે એક વાગ્યે સીધા ધોબીઘાટે જ મળવાનું નક્કી કરીને તેઓ છુટા પડ્યા.

ધીમે ધીમે સાંજ આથમી ગઈ અને રાત પડી.

રાત્રે લગભગ એક વાગ્યે ધોબીઘાટ પાસે ત્રણ ત્રણ મિનિટના અંતરે બે કાર આવીને ઉભી રહી.

પહેલી કારમાં ધરમદાસ અને બીજી કારમાં કાશીનાથ આવ્યો હતો.

બંને પોતપોતાની કારમાંથી નીચે ઉતરીને ધોબીઘાટ પર પહોંચ્યા.

વાતાવરણમાં હૃદયને કોરી ખાતો સન્નાટો પથરાયેલો હતો.

દુર દુર સુંધી કોઈ જ નહોતું દેખાતું.

તેમણે ચારે તરફ નજર દોડાવી.

ત્યારબાદ તેઓ કંઈ વાતચીત કરે એ પહેલાં જ એક ખડકની ઓટ પાછળથી એક માનવ આકૃતિ બહાર નીકળી આવી.

આગંતુકના શરીર પર લાંબો ઓવરકોટ અને માથા પર ફેલ્ટ હેટ હતી. એના ગળામાં મફલર વીંટાળેલું હતું. રાતના સમયે પણ આંખો પર ચશ્માં ચડાવેલા હતા. ફેલ્ટ હેટ કપાળ સુધી નમેલી હોવાના કારણે તેનો અર્ધા ઉપરાંત ચહેરો છુપાઈ ગયો હતો. બાકીની કસર ચશ્માં અને માફલરે પૂરી કરી નાખી હતી.

એનું વ્યક્તિત્વ ખુબ જ રહસ્યમય લાગતું હતું.

‘તમે બંને આવી ગયા...?’ એણે ધરમદાસ અને કાશીનાથને ઉદ્દેશીને કહ્યું. એના અવાજમાં કારમી ઠંડક હતી.

‘શું તું જ ટાઇગર છે ...?’ કાશીનાથે હિંમત એકઠી કરીને પૂછ્યું.

‘હા, કાશીનાથ...!’ આગંતુકનો અવાજ પૂર્વવત રીતે ઠંડકભર્યો હતો.

‘કમાલ કહેવાય...!’

‘કેમ...?’

‘તે મને અવાજ પરથી જ ઓળખી લીધો...?’

‘એ વાતને પડતી મુક કાશીનાથ...! હું તો માણસની ચાલ જોઇને જ તેના મનની હાલત વિશે જાણી લઉં છું.

‘ટાઈગર...!’

‘અત્યારે તમારા બંનેના ગજવામાં તમારી રિવોલ્વરો પડી છે, એની પણ મને ખબર છે.’

ટાઈગરની વાત સાંભળીને ધરમદાસ અને કાશીનાથના ચહેરા રેડહેન્ડ પકડાઈ ગયેલા ગુનેગાર જેવા થઇ ગયા.

‘મારી વાત સાચી છે ને ધરમદાસ...?’

બેમાંથી કોઈ કશું જ ન બોલી શક્યા.

‘પણ કાન ખોલીને સાંભળી લો...!’ ટાઇગર નામધારી રહસ્યમય ઓવરકોટધારી એક એક શબ્દ પર ભાર મુક્ત કઠોર અને નઠોર અવાજે બોલ્યો, ‘તમારા બંનેમાંથી કોઈએ પણ ભૂલેચૂકેય તમારી રીવોલ્વરોનો ઉપયોગ નથી કરવાનો ! જો આવો કોઈ પ્રયાસ કરશો તો તમારે કુતરાના મોતે મરવું પડશે. તમારા મૃતદેહના અગ્નિસંસ્કાર પણ નહીં થઇ શકે એટલું યાદ રાખજો.’

‘ટાઇગર અમે તારી સાથે કોઇપણ જાતની ચાલબાજી રમવાનો વિચાર પણ કરી શકીએ તેમ નથી.’ધરમદાસને બદલે કાશીનાથે કહ્યું.

‘ક્યારેય વિચારશો પણ નહીં...! જે દિવસે તમને આવો વિચાર આવશે, એ દિવસ તમારી જિંદગીનો છેલ્લો દિવસ હશે.’ ટાઇગર પૂર્વવત અવાજે બોલ્યો.

‘હવે આપણે મુદ્દાની વાત પર આવીએ તો વધુ યોગ્ય રહેશે.’ ધરમદાસે કહ્યું.

‘મુદ્દાની વાત બીજી કઈ હોય સજ્જનો...!’ હંમેશા વહેંચીને ખાવું જોઈએ !’

‘એટલે...?’ ધરમદાસ તથા કાશીનાથ ચમકીને એકીસાથે જ બોલી ઉઠ્યા.

‘કમાલ કહેવાય...! આટલી સીધી સાદી વાત પણ તમારા મગજમાં ન ઉતરી ? હું તો તમને ખુબ જ બુદ્ધિશાળી માનતો હતો પરંતુ અફસોસ, કે મારી માન્યતા ખોટી પડી છે.’

‘તું..તું કહેવા શું માંગે છે ?’

‘સાંભળો... ચોવીસ વરસ પહેલા તમે બંનેએ રજનીકાંત બલ્કે એના આખા કુટુંબને સ્વધામ પહોંચાડી દીધું હતું...! રજનીકાંતના દસ લાખ રૂપિયા તમે ચાઉં એટલે કે હજમ કરી ગયા હતા. તમે રજનીકાંતના હજમ કરેલા પૈસામાંથી જ તમારા અલગ અલગ બિઝનેસો શરુ કરીને તેને વિકસાવ્યા. ધરમદાસ તું આજે ધરમ પ્રાઈવેટ લીમીટેડ કંપનીનો માલિક છો અને તારો મિત્ર તથા વેવાઈ કાશીનાથ કાપડની દસ-દસ મિલો ધરાવે છે.’

‘હા, તો...? તું છેવટે કહેવા શું માંગે છે ?’

‘હું કંઈ કહેવા નહીં, પણ પૂછવા માંગું છું.’

‘શું ?’

‘એ જ કે આ વાત સાચી છે કે નહીં ?’

બંને ચૂપ રહ્યા.

‘મારી વાતનો જવાબ આપો સજ્જનો...!’

‘હા...એ સાચું છે...!’ કાશીનાથે કહ્યું.

‘શું સાચું છે...?’ કહેતાં કહેતાં ટાઇગર નામધારીએ પોતાના કોટના ગજવામાં હાથ નાંખ્યો.

કાશીનાથથી ન બોલી શકાયું તો ધરમદાસે વાત સંભાળી લીધી, ‘એ જ કે અમે રજનીકાંતના દસ લાખ રૂપિયા મેળવવા ખાતર એના ઘરમાં તેનું ખૂન કરી નાખ્યું...મેં તેને પકડી રાખ્યો હતો અને કાશીનાથે એના હૃદયમાં મૂઠ સુધી છુરી ખુંચાડી દીધી હતી. અમારું આ પરાક્રમ રજનીકાંતની પત્ની દેવયાની જોઈ ચુકી હતી એટલે એનું મોં બંધ કરવું અમારે માટે જરૂરી બની ગયું હતું પરંતુ અમે તેને પકડીએ એ પહેલાં જ તે પોતાના બે વર્ષના પુત્ર સાથે એક રૂમમાં પુરાઈ ગઈ. પરિણામે અમે રજનીકાંતના આખા ઘરને આગ લગાવી દીધી જેથી કરીને રજનીકાંતના મૃતદેહની સાથે સાથે એ પણ પોતાના પુત્રની સાથે સળગીને રાખ થઇ જાય...!’

‘ઓહ...તો તમે રજનીકાંતના ઘરને સ્મશાનઘાટમાં ફેરવી નાખ્યું એમ ને ?’

‘હા...’ બંને એકી સાથે બોલી ઉઠ્યા.

‘તો પછી રજનીકાંતના દસ લાખમાંથી તમે બિઝનેસો ઉભા કરીને કરોડો રૂપિયા કમાયા છો, એનો ભાગ પડવો જ જોઈએ...!’

‘કેવો ભાગ...?’ ધરમદાસે ડરતાં ડરતાં પૂછ્યું.

‘એ ભાગ મારી ઈચ્છા મુજબ પડશે ધરમદાસ...!’

‘એટલે...?’

‘એટલે એમ કે તમારે બંનેએ તમારી તમામ પ્રકારની મિલકતમાંથી મને અડધો અડધો ભાગ આપવો પડશે. અર્થાત અડધી સંપતિ તમારી અને અડધી મારા એકલાની...! બોલો મારી શરત તમને મંજુર છે...?’

‘ન...ના...!’ બંનેએ ધ્રુજતા અવાજે કહ્યું.

‘તમે ના પાડી શકો તેમ નથી સજ્જનો...! આ વખતે ટાઇગર નામધારી રહસ્યમય માનવીનો અવાજ એકદમ શાંત અને ગંભીર હતો, ‘જો હું તમારા બંનેના ગળામાં ફાંસીનો ગાળિયો ભેરવી દઈશ તો તમારી બધી સંપતિ અહીં જ રહી જશે, તમે એમાંથી પાંચ પૈસો પણ તમારી સાથે નહીં લઇ જઈ શકો...! અને કદાચ લઇ જશો તો પણ ઈશ્વરના દરબારમાં એ નહીં જ ચાલે કારણ કે ત્યાનું ચલણ જુદું છે...! ત્યાં દરેક વિનિમય પૈસાથી નહીં, પણ પાપ-પુણ્યથી થાય છે !’

ધરમદાસ તથા કાશીનાથ પરસેવે રેબઝેબ બની ગયા.

‘બોલો...શું વિચાર છે તમારો...? મરવું છે કે ઈશ્વરના દરબારની મુલાકાત લેવી છે ?

‘ટાઇગર, આ દુનિયામાંથી દુઃખીમાં દુઃખી માણસ પણ વિદાય થવા નથી માંગતો...! તો પછી અમે તો પૈસાદાર છીએ...! અમારી પાસે એશોઆરામના તમામ સાધનો છે...! અમે તો કુદરતી મોત ન આવે ત્યાં સુધી મારવા નથી માંગતા...! ધરમદાસ બોલ્યો.

‘તો પછી મારી વાત માની લેવામાં જ તમારું ભલું છે ધરમદાસ...!’

‘અમારું ભલું શેમાં છે ને શેમાં નહીં, એ તો અમે પછી વિચારી લેશું ટાઇગર...!’ આ વખતે કાશીનાથ બોલ્યો, ‘પરંતુ એ પહેલા તું અમને અમારી વિરુદ્ધના પુરાવાઓ બતાવ કે જેના આધારે તેં અમને તારા હાથનું રમકડું બનાવી દીધા છે અને અમારી સંપત્તિમાંથી અડધો અડધ ભાગ માંગે છે !’

‘પુરાવો...?’

‘હા...’

‘વળતી જ પળે ટાઇગર નામધારી માનવીના ગળામાંથી પ્રચંડ અટ્ટહાસ્ય નીકળ્યું.

એનું અટ્ટહાસ્ય સાંભળીને ભયના ઠંડા લખલખા વીજળીના કરંટની માફક ધરમદાસ તથા કાશીનાથના દેહમાં પગથી માથા સુધી ફરી વળ્યા.

ટાઇગરનું અટ્ટહાસ્ય તેમને હિંસક માનવભક્ષી વરુની ચીસો જેવું લાગતું હતું.

છેવટે ટાઇગરે અટ્ટહાસ્ય રેલાવવાનું બંધ કર્યું.

વાતાવરણમાં બ્લેડની ધાર જેવો તીખો સન્નાટો પથરાઈ ગયો.

ધરમદાસ તથા કાશીનાથના હોશ ઉડી ગયા હતા.

તેમનામાં કશુંય બોલવાની હિંમત નહોતી રહી.

‘શેઠ ધરમદાસ...!’ જાણે લોખંડ સાથે કાનસ ઘસાતી હોય એવા કર્કશ અવાજે ટાઇગર બોલ્યો, ‘તમે બંનેએ રજનીકાંત તથા તેના કુટુંબીજનોના ખુન્ કર્યા હતા, એ વાતનો કોઈ જ પુરાવો પહેલા મારી પાસે નહોતો. પરંતુ હવે છે...!’

‘ક...કેવી રીતે...?’

‘મેં આપણા ત્રણેય વચ્ચે હમણાં જે કંઈ વાતચીત થઇ તેમાંથી ઉપયોગી નીવડે એવી વાતો ટેપ કરી લીધી છે. તમે બંનેએ તમારા મોંએથી જ તમારો ગુનો કબુલ કર્યો છે, અર્થાત હાથે કરીને જ ફાંસીનો ગાળિયો તમારી ગરદનમાં પહેરી લીધો છે.’

‘ન...ના...!’ બંને ભયથી ધ્રુજતા અવાજે બોલ્યા.

મનોમન તેઓ પોતાની જાતને ભાંડવા લાગ્યા કે પોતાનાથી આવી ભૂલ કેવી રીતે થઇ ગઈ ?

પરંતુ તીર કમાનમાંથી છટકી ગયું હતું અને હવે પાછું ફરી શકે તેમ નહોતું.

‘હા...હું સાચું જ કહું છું ...! જો તમને મારી વાત પર ભરોસો ન હોય તો ટેપરેકોર્ડર પર, અમીન સયાનીને પણ ટક્કર મારે એવો તમારો મધુર અવાજ સંભળાવું...!’

કાશીનાથનો હાથ પોતાના કોટના અંદરના ગજવા તરફ સરકવા લાગ્યો.

‘ખબરદાર કાશીનાથ...!’ ટાઇગર ચેતવણીભર્યા અવાજે બોલ્યો, ‘ગજવામાંથી રિવોલ્વર કાઢવાનો પ્રયાસ કરીશ નહીં, નહીં તો તું તો મરીશ સાથે સાથે તારા મિત્ર ધરમદાસને પણ લેતો જઈશ ! આપણી ચારેય તરફ મારા સશસ્ત્ર માણસો ઉભા છે.’

કાશીનાથ લાચારીથી હોઠ કરડીને રહી ગયો.

ત્યારબાદ ટાઇગરે ગજવામાંથી મીની ટેપરેકોર્ડર કાઢીને પોતે ટેપ કરેલી વાતચીત એ બંનેને સંભળાવી.

સાંભળ્યા પછી તેમના શરીર જાણે બરફ સાથે હરીફાઈ કરવા લાગ્યા.

જાણે હૃદયના ધબકારા બંધ પડી ગયા હોય એમ શ્વાસ અટકી ગયો.

‘હવે તમારી અક્કલ ઠેકાણે આવી ગઈ હશે એમ હું માનું છું.’

‘અમે તારી પાસેથી આવી ચાલબાજી અને વિશ્વાસઘાતની આશા નહોતી રાખી ટાઇગર...!’ ધરમદાસે કહ્યું.

‘મારું નામ ટાઇગર નહીં પણ બાજીગર છે સજ્જનો...!’

‘શું...?’ બંને આશ્ચર્યથી ઉછળી પડ્યા.

‘હા, સજ્જનો...! મેં પત્રમાં જાણીજોઈને જ મારો અસલી પરિચય નહોતો આપ્યો, કારણ કે હું એક બ્લેકમેઈલર તરીકે આખા શહેરમાં બદનામ છું. ખાસ કરીને તમારા જેવા માલેતુજારો વચ્ચે તો મારું નામ ખુબ જ નફરતથી લેવાય છે ! જો મેં પત્રમાં મારો સાચો પરિચય લખ્યો હોત તો તમે કદાચ મારી સામે આમ બેધડક તમારો ગુનો કબુલ ન કરત ! એટલે જ મારે આટલું લાંબુ ચક્કર ચલાવું પડ્યું. ખેર, મારા ભાગની મને ઉતાવળ નથી કારણ કે હું ભિખારી નથી...! તમે મગજ પર બરફ રાખીને શાંતિથી વિચારી લેજો. પછી તમને જેમાં લાભ દેખાતો હોય, એ કામ કરજો. જો જીવતા રહેવામાં લાભ દેખાતો હોય તો જીવતા રહેજો અને મરવામાં લાભ દેખાતો હોય તો ફાંસીના માંચડે લટકી જજો...! તમને જે યોગ્ય લાગે તેમ કરજો...હું તમને વિચારવા માટે એક મુદત આપું છું. એક મહિનામાં તમે તમારો નિર્ણય જણાવી દેજો. બસ, મારે તમને આટલું જ કહેવાનું છે. હવે તમે જઈ શકો છો...! ગુડ નાઈટ...!’

ધરમદાસ તથા કાશીનાથ લથડતા પગે પોત-પોતાની કાર તરફ આગળ વધી ગયા.

તેમના ચહેરા હારી ગયેલા જુગારી જેવા બની ગયા હતા.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 3 માસ પહેલા

Arzu Barot

Arzu Barot 4 માસ પહેલા

ભરત પી કારિયા

ભરત પી કારિયા 4 માસ પહેલા

Ronak Patel

Ronak Patel 8 માસ પહેલા

Jay  Mataji

Jay Mataji 9 માસ પહેલા