બાજીગર
કનુ ભગદેવ
૨ - મેજર નાગપાલ
સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ડીપાર્ટમેન્ટનો ચીફ ઇન્સ્પેકટર મેજર નાગપાલ અત્યારે પોતાની ઓફીસરૂમમાં બેઠો બેઠો એક ફાઈલ ઉથલાવવામાં મશગુલ હતો.
એના હોઠ વચ્ચે પાઈપ દબાયેલી હતી, જેમાંથી રહી રહીને કસ ખેંચતો હતો.
ઇન્સ્પેકટર વામનરાવના અનહદ આગ્રહથી તેને બ્લેકમેઈલર બાજીગરનો કેસ હાથ પર લેવો પડ્યો હતો.
વામનરાવના કથન મુજબ આજ સુધીમાં બાજીગર વિરુદ્ધ બ્લેકમેઈલીંગની અનેક ફરિયાદો તેને મૌખિક રીતે મળી ચુકી હતી અને હવે તેને પકડવો એકદમ જરૂરી હતો.
શાંતા, રજની પરમાર તથા સમ્ફિયા ઘણા દિવસથી વિશાળગઢની બહાર ગયાં હતા.
હાલમાં દિલીપ અને નાગપાલ એકલા જ હતા.
તાજેતરમાં જ નાગપાલની ગેરહાજરી દરમિયાન દિલીપે બે કેસ પુરા કર્યા હતા. અલબત્ત, આ બંને કેસ એણે પ્રાઇવેટ ડિટેક્ટીવ તરીકે ઉકેલ્યા હતા.
અત્યારે દિલીપ ક્યાંક બહાર ગયો હતો.
નાગપાલ બાજીગરની જ ફાઈલ વાંચવામાં મશગુલ હતો.
અચાનક હકલો ઓફીસરૂમનું દ્વાર ઉઘાડીને અંદર પ્રવેશ્યો.
નાગપાલે ફાઈલમાંથી માથું ઊંચું કરીને પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.
‘સ...સાહેબ, આ સાહેબ આપને મળવા માટે આવ્યા છે.’ કહીને એણે નાગપાલ સામે ટેબલ પર એક વીઝીટીંગ કાર્ડ મૂકી દીધું.
નાગપાલે સહેજ આગળ નમી, કાર્ડ ઊંચકીને તેનું નિરીક્ષણ કર્યું.
એના પર લખ્યું હતું – રાજનારાયણ-ભૂતપૂર્વ એમ.એલ.એ.
નાગપાલ આ નામથી અપરિચિત નહોતો.
રાજનારાયણ છેલ્લા ત્રીસ વર્ષથી વિશાળગઢમાં એમ.એલ.એ.ની ચુંટણી જીતતો આવ્યો હતો. એ હંમેશા શાસક પક્ષ તરફથી જ ચુંટણી લડતો હતો પરંતુ આ વખતે વિધાનસભાની ચુંટણીમાં પોતાના જ વિસ્તારમાં એનો કારમો પરાજય થયો હતો. એની ડીપોઝીટ જપ્ત થઇ ગઈ હતી. પરંતુ તેમ છતાંય પોતાના વિસ્તારમાં આજે પણ એનો રૂઆબ અને દબદબો એવો ને એવો જ હતો. કારણ કે પ્રાંતમાં એની પાર્ટીનું જ શાસન ચાલતું હતું. એને જે ઉમેદવારે પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો, તે વિરોધપક્ષનો હતો. એટલે પોતાના જ વિસ્તારમાં તો તેનો ખોટો સિક્કો ચાલવાનો જ હતો.
રાજનારાયણને પોતાનું શું કામ પડ્યું હશે, એ તેને નહોતું સમજાતું.
‘ઠીક છે...’ છેવટે ફાઈલ તથા કાર્ડને એક તરફ મૂકી, મોંમાંથી પાઈપ કાઢીને એ બોલ્યો, ‘મોકલ...!’
હકલો માથું હલાવીને ચાલ્યો ગયો.
થોડી પળો બાદ આશરે પંચાવન વર્ષની વાય ધરાવતો એક ખાદીધારી નેતા જેવો માનવી ઓફિસનું દ્વાર ઉઘાડીને અંદર પ્રવેશ્યો. એની શારીરિક તંદુરસ્તી જોતા તે પંચાવન વર્ષનો હશે એવું કોઈ જ કહી શકે તેમ નહોતું.
‘આવો મિસ્ટર રાજનારાયણ...!’નાગપાલે તેની સાથે હાથ મિલાવતા કહ્યું, ‘બેસો...!’
રાજનારાયણ તેની સામે પડેલી ખાલી ખુરશીપર બેસી ગયો.
નાગપાલે હક્લાને બોલાવી કોફી લાવવાનો આદેશ આપ્યો.
‘બોલો, મિસ્ટર રાજનારાયણ...! શા માટે આવવું પડ્યું.
હક્લાના ગયા પછી નાગપાલે પ્રશ્નાર્થ નજરે રાજનારાયણ સામે જોતાં પૂછ્યું.
‘નાગપાલ સાહેબ...!’ રાજનારાયણ ગળું ખંખેરીને ધીમા અવાજે બોલ્યો, ‘હું એક વિચિત્ર મુશ્કેલીમાં મુકાઈ ગયો છું.’
‘બોલો...હું આપને મુશ્કેલીમાંથી ઉગારવા માટે મારાથી બનતા તમામ પ્રયાસો કરીશ.’
‘આપ નહીં ઉગારી શકો એવું મને લાગે છે.’
‘આપ કહો તો ખરા...!’
જવાબ આપતા પહેલા રાજનારાયણે ચારે તરફ નજર કરી.
‘અહીં કોઈ જ આપણી વાત સાંભળી શકે તેમ નથી, માટે જે કહેવું હોય તે બેધડક કહો.’ એની નજરનો અર્થ પારખીને નાગપાલે સ્મિત ફરકાવતા કહ્યું.
‘નાગપાલ સાહેબ, બાજીગર મને બ્લેકમેઈલ કરવા માંગે છે...!’ રાજનારાયણ બોલ્યો. પછી એણે ગજવામાંથી રૂમાલ કાઢીને કપાળ પર વળેલો પરસેવો લૂછ્યો.
‘શું...?’ નાગપાલે અચરજભર્યા અવાજે પૂછ્યું.
‘હા, નાગપાલ સાહેબ...!’ રાજનારાયણે નંખાઈ ગયેલા અવાજે કહ્યું, ‘એણે મારી પાસે દસ લાખ રૂપિયાની માંગણી કરી છે. હું આ વખતે હારી ગયો છું...મારી ડીપોઝીટ સુધ્ધાં જપ્ત થઇ ગઈ છે, એ તો આપ જાણતા હશો. અત્યારે મારી હાલત એવી નથી કે હું બાજીગરની માંગણી પૂરી કરી શકું !’
‘ આપ બાજીગરની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દો.’
‘ના...’ રાજનારાયણ ભયભીત અવાજે બોલ્યો. ફરિયાદ નોંધાવાની વાત સાંભળતા જ એનો રંગ ઉડી ગયો હતો.
‘શું થયું મિસ્ટર રાજનારાયણ ?’ નાગપાલે બારીકાઇથી એના ચહેરા પર છવાયેલા હાવભાવનું અવલોકન કરતા પૂછ્યું.
‘હું...’ રાજનારાયણ પૂર્વવત અવાજે બોલ્યો, ‘હું એની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકું તેમ નથી.’
‘કેમ...?’
‘નાગપાલ સાહેબ, જો હું આપના સવાલનો જવાબ આપી શકું તેમ હોત તો બાજીગરના બ્લેકમેઈલીંગનો શિકાર બનત જ શા માટે?’
‘એટલે...?’ નાગપાલની મૂંઝવણ ઘટવાને બદલે ઉલટું વધતી જતી હતી.
‘જો હું તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવીશ તો એનું પરિણામ મારા માટે સારું નહિ આવે એવી ધમકી એણે મને આપી છે.’ રાજનારાયણે એક ઊંડો શ્વાસ લેતા કહ્યું.
‘શું આપને પોલીસ પર ભરોસો નથી મિસ્ટર રાજનારાયણ ? આપ નચિંત બનીને તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવો. હું આપના રક્ષણની જવાબદારી લઉં છું.’
‘પણ...’
‘આપ બેફીકર રહો...! એ આપનું કશું જ નહિ બગાડી શકે. મારો એક સહકારી ચોવીસેય કલાક આપની સાથે રહેશે.’
‘ એતો બધું ઠીક છે નાગપાલ સાહેબ, પરંતુ તેમ છતાંય હું તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકું તેમ નથી. મારી દુઃખતી રગ એ કમજાતના હાથમાં છે.’
‘ઓહ...તો એ આપના અમુક ભેદ જાણે છે ખરુંને?’
‘હા...જો આ ભેદ ઉજાગર થાય તો મારી માન-મર્યાદા અને આબરૂ પર પાણી ફરી વાલે તેમ છે. હું કોઈને પણ મોં બતાવવાને લાયક નહીં રહું. આ સંજોગોમાં મારી પાસે આપઘાત કરવા સિવાય બીજો કોઈ માર્ગ નહીં બચે...!’
-તો કાલે કરતો હોય તો આજે કર ને આજે કરતો હો તો અત્યારે કર સાલ્લા કરમચંડાળ...! નાગપાલ મનોમન બબડ્યો-કાળા કામો કરતી વખતે તને આ વાતનું ભાન નહોતું હ્યું? તારા જેવા નેતાઓ જ આ દેશની પ્રગતિને અવરોધે છે.તું મરી જાય એમાં જ દેશને લાભ છે...!એ બહાને ભારતની પવિત્ર ધરતી પરથી તારા જેવા પાપીનો થોડો ભાર હળવો થશે. અહીં મારી પાસે શું દોડી આવ્યો? સીધું જ ટ્રેનના પાટા પર જઈને સૂઈ જવું હતું ને?
પરંતુ રાજનારાયણ ગમે તેમ તોય નેતા હતો.
એનું માન જાળવવું જરૂરી હતું.
ઈચ્છા હોવા છતાંય નાગપાલના મનની વાત હોઠ પર ન આવી શકી.
‘ઓહ...!’ પ્રત્યક્ષમાં એ બોલ્યો. ‘તો એ ભેદ તમારી પ્રતિષ્ઠા સાથે સંકળાયેલો છે એણે તે આપ કોઈનેય જણાવી શકો તેમ નથી ખરુંને?’
‘હા, નાગપાલ સાહેબ...!’
‘ઓહ...આ સંજોગોમાં તો હું પણ આપને કંઈ મદદ કરી શકું તેમ નથી.’
‘તો એનો અર્થ એ થયો કે મારે તેની માંગણી પૂરી કરવી જ પડશે...!’રાજનારાયણ નિરાશાથી બોલ્યો.
‘એ તો આપની લાચારી અને ઈચ્છાની વાત છે. હું આ બાબતમાં શું કહી શકું ?’
‘નાગપાલ સાહેબ, આપ અંગત રીતે પણ મને મદદ કરી શકો તેમ નથી?’
‘બોલો...અંગત રીતે આપ મારી પાસેથી કઈ જાતની મદદની અપેક્ષા રાખો છો?’
‘આપ ગુપ્ત રીતે તેની તપાસ કરો, એની વિરુદ્ધ પુરાવાઓ એકઠા કરીને તેને પકડી લો...!’
‘હું પોતે પણ એ જ વિચારું છું.’
‘ખરેખર...?’ રાજનારાયણની આંખોમાં આશાની ચમક પથરાઈ. એના ચહેરાનો ઉડી ગયેલો રંગ પાછો ફર્યો.
‘હા મિસ્ટર રાજનારાયણ...! મારી પાસે બાજીગર વિરુદ્ધ કેટલીયે ફરિયાદો આવિક હુકી છે.બાજીગરનો કેસ મેં હાથ પર લીધો છે. એ માત્ર આપના જેવા માણસો માટે નહીં, પોલીસ માટે પણ માથાના દુઃખાવા રૂપ બની ગયો છે અને આ કારણસર જ મારે તેનો કેસ હાથ પર લેવો પડ્યો છે પણ...’
‘પણ, શું નાગપાલ સાહેબ?’ રાજનારાયણે મૂંઝવણભરી નજરે તેની સામે જોતા પૂછ્યું.
‘પોલીસ અને હું પણ બજીગરથી એટલો જ દુર છું કે જેટલા દુર બ્લેકમેઈલીંગનો ભોગ બનનારાઓ છે ! આપણામાંથી કોઈએ બાજીગરને નથી જોયો, તેમ એના સંગઠનમાં કામ કરતાં માણસો વિશે પણ કશું જ નથી જાણતા.’
‘તો શું હું આપની પાસેથી મદદની આશા છોડી દઉં?’ રાજનારાયણે પૂછ્યું.
‘આ આપ શું કહો છો ! હું આપને મદદ કરવાની ના નથી પડતો ! હું મારાથી બનતી તમામ મદદ કરવા માટે તૈયાર જ છું.’
પરંતુ રાજનારાયણને કદાચ નાગપાલના આશ્વાસનથી સંતોષ નહોતો થયો.
કોઈક અજ્ઞાત ભયથી એનું રોમેરોમ ધ્રુજતું હતું.
એ જ વખતે હકલો કોફી લઇ આવ્યો.
બંનેએ કોફી પીધી.
કોફી પીધા પછી રાજનારાયણ ચાલ્યો ગયો.
એના ગયા પછી નાગપાલ પાઈપ પેટાવીને વિચારવશ હાલતમાં કસ ખેંચવા લાગ્યો.
કહેવાની જરૂર નથી કે તે બાજીગર વિશે જ વિચારતો હતો.
બાજીગરના બ્લેકમેઈલીંગનો ભોગ બનનારાઓમાંથી કોઈ જ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવા તૈયાર નહોતું.
કાયદેસર રીતે પ્રત્યક્ષરૂપે બાજીગરની ધરપકડ કરી શકાય તેમ નહોતું.
કારણ કે તેની વિરુદ્ધ કોઈ પુરાવાઓ નહોતા. કાયદો ગમે તેટલા ધમપછાડા કરે તો પણ તેને ગુનેગાર પુરવાર કરી શકાય તેમ નહોતું.
નાગપાલ વિચારમાં એટલો બધો લીન બની ગયો હતો કે દિલીપ ક્યારે અંદર પ્રવેશીને તેની સામે બેસી ગયો એની પણ તેને ખબર ન પડી.
‘શું વિચારો છો અંકલ...?’
દિલીપનો અવાજ સાંભળીને તેની વિચારધારા તૂટી.
‘ હું બાજીગર વિશે વિચારતો હતો દિલીપ...!’ એણે સ્મિત ફરકાવતાં કહ્યું.
‘એના વિશે વળી શું વિચારવાનું હોય?’
‘દિલીપ...બાજીગર પૈસાદારોના એવા તે કયા ભેદ જાણે છે કે જેના કારણે તેની માંગણી તો પૂરી કરતા રહે છે પણ ફરિયાદ કોઈ નથી નોંધાવતું. બસ આ વાત જ મને નથી સમજાતી !’
‘અંકલ...!’ દિલીપ કોઈ તત્વજ્ઞાની અદાથી બોલ્યો, ’આ દુનિયામાં એવો કોઈ માણસ નહીં હોય કે જેમાં કોઈ કમજોરી ન હોય...!દરેક માણસની કોઈક ને કોઈક કમજોરી તો જરૂર હોય જ છે! અને પોતાની આ કમજોરીને હંમેશા માણસ છુપવાવાનો પ્રયાસ કરતો હોય છે. પછી ભલે એ ગરીબ હોય કે પૈસાદાર...! બાજીગર પૈસાદારોની આવી જ કોઈક કમજોરી ઉજાગર ન થાય એટલા માટે તેઓ તેની માંગણી પૂરી કરવા માટે લાચાર બની જતા હશે.’
‘તારી વાત સાચી છે...! જરૂર આમ જ બન્યું છે.’
‘પણ એક વાત મને નથી સમજાતી અંકલ !’
‘કઈ વાત?’ નાગપાલે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતા પૂછ્યું.
‘આજ સુધી કોઈએ બાજીગરનો ચહેરો નથી જોયો એ વાત...!’દિલીપે કહ્યું.
‘હા...તો...?’
‘એક વાત તો ચોક્કસ જ છે કે કાયદા પાસે તેની વિરુદ્ધ કોઈ પુરાવાઓ નથી. કાયદો તેને પકડી શકે તેમ નથી.’
‘હા, પણ તું કહેવા શું માંગે છે ?’ નાગપાલના અવાજમાં મૂંઝવણનો સુર હતો.
‘એ જ કે જો આવો કોઈ ભય ન હોય તો પછી શા માટે બાજીગર કોઈને પોતાનો ચહેરો નથી બતાવતો?’
‘બાજીગર બેવડી રમત રમતો હોય એ બનવાજોગ છે.’
‘એટલે...?’
‘એટલે એમ કે તેના બે રૂપ પણ હોઈ શકે ! એક તો એ કે જેને તે ઉજાગર કરવા નથી માંગતો અને બીજું રૂપ એ કે જે લોકોની સામે બીજા કોઈક નામ અને ચહેરાથી હશે.’
‘ઓહ...’ દિલીપ બબડ્યો.
‘દિલીપ, એણે પોતાનો કોઈક ખાસ હેતુ પાર પાડવા માટે જ પોતાનું અસલી રૂપ લોકોથી છુપાવી રાખ્યું છે, એમ હું માનું છું પરંતુ મેં તેના સુધી પહોંચવાનો નિર્ણય કરી લીધો છે. હું તેને કાયદાની ચુંગાલમાં જકડીને જ જંપીશ...!’
‘અંકલ...તમે એ બ્લેકમેઈલરને પકડશો?’
‘હા, દિલીપ...! હું જ્યાં સુધી બાજીગરને કાયદાને હવાલે નહીં કરું, ત્યાં સુધી મને ક્યાંય ચેન નહીં પડે.’
‘અંકલ...આપણે બાજીગરના ચહેરાથી વાકેફ નથી તેમ તેના વિશે ખાસ કશું જાણતા પણ નથી. આ સંજોગોમાં તેના સુધી કેવી રીતે પહોચીશું ?’
‘આ દુનિયામાં કોઈ કામ અશક્ય નથી પુત્તર...!’
‘મને તો આ કામ આકાશમાંથી તારા તોડી લાવવા જેવું લાગે છે.!’
‘દિલીપ...જો માણસ હિંમતભેર, સાચી લગનથી કામ કરે તો આકાશમાંથી તારા પણ તોડી શકે છે. કોઈને પણ બ્લેકમેઈલ કરવાનું કામ કાયદેસર રીતે ગુનો ગણાય છે અને આવા ગુનેગારને પકડીને કાયદાને હવાલે કરવાની આપણી ફરજ છે.’
‘હા, એ તો છે જ...!’
આ વખતે જે કોઈક મૌખિક રીતે બાજીગરની ફરિયાદ કરવા આવે, એની પાછળ પડી જવાનું છે. અર્થાત્ તેનો પીછો કરવાનો છે. જો આપણે બાજીગરના એકાદ સાથીદાર સુધી પહોંચી જઈએ તો પણ આપણને અડધી સફળતા મળી ગઈ છે એમ માની લેજે.’
દિલીપે હકારમાં માથું હલાવ્યું.
નાગપાલ પાઈપના કસ ખેંચતો ફરીથી વિચારમાં ડૂબી ગયો.
***
ભૂતપૂર્વ એમ.એલ.એ. એટલે રાજનારાયણ પોતાના નાના ભાઈ પ્રભાકરની પત્ની વીરા સાથે ખાનગી ચર્ચા કરતો હતો.
બંનેના ચહેરા પરથી નૂર ઉડી ગયેલું હતું.
સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.
જાણે પગ પાસે બોમ્બ ફૂટ્યો હોય એમ બંને એકદમ ચમકી ગયા.
પછી બોમ્બ નથી ફૂટ્યો, પણ ટેલીફોનની ઘંટડી વાગી છે, એ જોઈ રાહતનો શ્વાસ લીધો.
બંનેએ પ્રશ્નાર્થ નજરે એકબીજાની સામું જોયું.
‘કોનો ફોન હશે...?’ વીરાએ પૂછ્યું.
‘ભગવાન જાણે...!’ રાજનારાયણ સોફા પરથી ઉભો થતાં બોલ્યો.
એ આગળ વધીને ટેલીફોન પાસે પહોંચ્યો.
એણે રિસીવર ઊંચકીને કાને મુક્યું.
‘હલ્લો...! રાજનારાયણ સ્પીકિંગ...!’ એ બોલ્યો.
‘નેતા...! સામે છેડેથી એક બરફ જેવો ઠંડો અવાજ તેના કાને અથડાયો.
અવાજના માલિકને એ ઓળખી ગયો હતો.
એ અવાજ બાજીગરનો હતો.
બાજીગરનો અવાજ પારખીને એનો ચહેરો કાપો તો લોહી ન નીકળે એવો થઇ ગયો.
‘ત...તું ?’ એણે કંપતા આવજે પૂછ્યું.
‘હા...નેતા..! હું બાજીગર જ બોલું છું...!’
‘બ...બાજીગર..’
‘બોલ...!’
‘હું દસ લાખની વ્યવસ્થામાં જ છું...!’
‘બકવાસ બંધ કર તારો...!’
‘હું સાચું જ કહું છું.’
‘સાંભળ, દસ લાખની વ્યવસ્થા કરવાનું કામ તારે માટે મુશ્કેલ નથી. આટલી રકમની વ્યવસ્થા તો તું ચપટી વગાડતાં જ કરી શકે તેમ છે. તારે વ્યવસ્થા કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. તું નેતા હતો, ત્યારે નેતાગીરી દરમ્યાન તેં લાંચ લઇ, જનતાની સેવા કરવાના બદલે તેનું લોહી પીને મેવા આરોગ્યા છે...! તું એક નંબરનો હરામખોર છો ! છતાંય ઘડીભર માટે માની લે કે તારી પાસે રકમની વ્યવસ્થા નથી તો પણ તારા બધા સગાવ્હાલાઓ પૈસાદાર છે બલ્કે તેમને પૈસાદાર બનાવવામાં તારો બહુ મોટો ફાળો છે. તું તેમની પાસેથી વ્યવસ્થા કરી શકે તેમ છો. તારો પહેલો સગો તો, તારો વેવાઈ કાશીનાથ જ છે. કાશીનાથના દીકરા સાથે તારી દિકરીને તેં પરણાવી છે. આ કાશીનાથ એકલો જ દસ લાખ તો શું પચાસ લાખની વ્યવસ્થા પણ કરી શકે તેમ છે. આ શહેરમાં તેની દસ-દસ કાપડની મિલો ધમધમે છે...! તું તારા ઘરમાંથી વાટકો લઈને તેની પાસે ભીખ માંગવા માટે પહોંચી જા...! દસ લાખની ભીખ તો એ તને જરૂરથી આપશે જ ! પરંતુ વાત પૈસાની વ્યવસ્થાની નહીં, પણ બીજી જ છે...!
‘બીજી વાત...?’
‘હા...’
‘બીજી વળી કઈ વાત છે ?’ રાજનારાયણે ધબકતા હૈયે પૂછ્યું.
‘હમણાં હમણાં તને પાંખો આવી ગઈ લાગે છે!’
‘એટલે...?’
‘એટલે એમ કે બહુ ઉંચે ઉડવા લાગ્યો છે...! પરંતુ જયારે આ ઉંચાઈએથી પડીશ ત્યારે જીવતો નહીં રહે, બલ્કે તારું હાડકુંય શોધ્યું નહીં મળે એ વાત તું ભૂલી જતો લાગે છે.’
‘હું...હું...હું...’ આગળના શબ્દો રાજનારાયણના કંઠમાં જ રૂંધાઇ ગયા. એના કપાળ પરથી પરસેવાની ધાર નીતરવા લાગી હતી.
‘બકરીની જેમ બેં...બેં...શું કરે છે કમજાત...?’ સામે છેડેથી જાણે લોખંડ સાથે કાનસ ઘસાતી હોય, એવો બાજીગરનો કર્કશ અવાજ તેને સંભળાયો, ‘નેતા...તું નેતાગીરી છોડીને આ લપમાં ક્યાં પડ્યો.’
‘કઈ લપમાં...?’
‘મારી સાથે ટક્કર લેવાની લપમાં...! સાંભળ, મારી સાથે ટક્કર લેવાનું તારા જેવા ઇંચભરનું કલેજું ધરાવતા નેતાનું કામ નથી. તું તો માત્ર ભાષણ કરતો જ શોભે છે...! ભાષણ છોડીને તેં આ કામ ક્યારથી શરુ કરી દીધું ? સાંભળ...બરાબર કાન ખોલીને સાંભળ...કાનમાં મેલ ભરાઈ ગયો હોય તો પહેલાં એને રૂમાલ વડે સાફ કરી નંખ અને પછી હું જે કંઈ કહું તે સાંભળ...! મારી સાથે ટક્કર લેવાનું છોડીને ચુપચાપ ભાષણ કર્યે રાખ એમાં જ તારું હિત છે સમજ્યો...?’
‘તું...તું છેવટે કહેવા શું માંગે છે બાજીગર...?’ રાજનારાયણ માંડ માંડ આટલું બોલી શક્યો.
આ દરમિયાન વીરા પણ તેની નજીક આવી પહોંચી હતી.
એનો ચહેરો ધોળો પૂણી જેવો થઇ ગયો હતો.
નજીકના ભવિષ્યમાં જ કંઇક અજુગતું બનવાનું છે એવો ભાસ તેને થતો હતો.
‘તું એક નંબરનો મૂરખ છે ...!’
‘જી...’
‘મારી આટલી વાત પણ તું ન સમજ્યો ?’
‘ના...’
‘તું સમજે છે નેતા...બધું જ સમજે છે...પરંતુ ન સમજવાનો ડોળ કરે છે ...! તારા જેવા પાટલીબદલુંને હું બહુ સારી રીતે ઓળખું છું...! ઢોંગ કરવામાં તો તમને નેતાઓને કોઈજ પહોંચી શકે તેમ નથી. તમે કોઈ દિવસ કોઈને કામ કરવાની ના પાડતા નથી ને કામ કરતા પણ નથી. મધ તો તમને ગળથુથીમાં જ પીવડાવામાં આવ્યું હોય છે ! મીઠું મીઠું બોલી, ભોળી પ્રજાને ભોળવીને મતની ભીખ માંગવી એ જ તારું કામ છે...!’
‘જી...’
‘જી… જી… શું કરશ કમજાત...? મતની ભીખનું રીહર્સલ તો નથી કરતો ને ?’
‘ન… ના… તું શું કહેવા માંગે છે, એ જ મને તો નથી સમજાતું.’
‘તો એ પણ હવે મારે જ કહેવું પડશે એમ ને ?’
‘હા...’
‘તો સાંભળ...મેં તને ના પાડી હતી તેમ છતાંય તું નાગપાલ પાસે ગયો...મારી ફરિયાદ કરી...!’
‘ન...ના...’
‘તેં લેખિતરૂપે નહીં પણ મૌખિકરૂપે મારી ફરિયાદ કરી...!’
‘પણ...’
‘ચૂપ...કમજાત...! મારી સામે ખોટું બોલે છે ? જુઠ્ઠાણા પ્રત્યે મને સખ્ત નફરત છે...! તું ખુબ જ ખાનગી રીતે સી.આઈ.ડી.ના ચીફ ઇન્સ્પેકટર નાગપાલને મળ્યો હતો.આ બધી વાતોની મને કેવી રીતે ખબર પડી, એનો તને વિચાર આવતો હશે. આવે છે ને ?’
‘હ...હા...’ રાજનારાયણ થોથવાતા અવાજે બોલ્યો.
જવાબમાં સામે છેડેથી બાજીગરનું બુલંદ અટ્ટહાસ્ય તેને સંભળાયું.
‘નેતા...જે રીતે તને ક્યાંથી કેટલા મત મળી શકે તેમ છે, એ વાત તું જાણી લે છે એ જ રીતે મારો શિકાર ક્યાં ક્યાં જાય છે, કોને કોને મળે છે વિગેરે હું જાણી લઉં છું. સાંભળ... મારે બે નહિ બસ્સો આંખો છે. મારી આ આંખો ચોવીસેય કલાક ઉઘાડી જ રહે છે. એ તમારી જેમ રાત પડતાં જ બંધ નથી થઇ જતી. મારું નામ બાજીગર છે...! અને બાજી હારવાનું તો કદાપી શીખ્યો જ નથી. એ હંમેશા જીતતો જ આવ્યો છે...! મારા શિકારે દિવસ દરમ્યાન કેટલી ઉધરસ ખાધી એ પણ હું કહી શકું તેમ છું. બોલ તું નાગપાલ પાસે ગયો હતો ને ?’
‘હા...’
‘મારી ફરિયાદ કરવા જ ગયો હતો ને ?’
રાજનારાયણ ચૂપ રહ્યો.
‘જવાબ આપ નેતા...! નહીં તો તારી નેતાગીરી કાઢી નાખીશ...!’
‘મને...મને માફ કરી દે બાજીગર...! રાજનારાયણ કરગરતા આવજે બોલ્યો.
જાણે હમણાં તે રડી પડશે એવું તેના ચહેરા પરથી લાગતું હતું.
‘ના, નેતા...! મારી પાસેથી માફીની આશા રાખીશ નહીં...! મારી ડિક્શનેરીમાંથી માફી, દયા અને રહેમ જેવા શબ્દો કાઢી નાખ્યા છે. મારી સુચનાની અવગણના કરનારને હું હરગીઝ માફ નથી કરતો. આજે હું તને માફ કરી દઉં તો કાલે ઉઠીને કોઈ બીજો શિકાર આવી ભૂલ કરીને માફી માંગશે. તેં નાગપાલને મૌખિક રીતે મારી જે ફરિયાદ કરી છે, એનો દંડ તો તારે ભોગવવો જ પડશે.’
‘દંડ...?’
‘હા… દંડ...!’
‘પણ...’
‘તું આ શબ્દનો ઉપયોગ કરવાની હાલતમાં નથી નેતા...!’
‘બાજીગર… તું કહે ત્યારે દસ લાખ રૂપિયા આપવા માટે હું તૈયાર છું.’
‘અને દંડના બે લાખ રૂપિયા કોણ ઉપર સ્વર્ગમાંથી નીચે ઉતરીને તારો બાપ ચૂકવશે ?’
‘તો શું મારે બાર લાખ આપવા પડશે ?’
‘હા...બાર લાખમાં એક રૂપિયો પણ ઓછો નહીં ચાલે...!’
‘તું સમજવાનો પ્રયાસ શા માટે નથી કરતો બાજીગર...?’
‘હું શું સમજુ...?’
‘મારી વાત પર ભરોસો રાખ...! મારી આર્થીક પોઝીશન ખરેખર અત્યારે નબળી છે. આ દસ લાખ રૂપિયાની વ્યવસ્થા પણ હું માંડમાંડ કરી શકીશ.’
‘હું ક્યાં તને પૈસા આપવા માટે લાચાર કરું છું? તું તારે એક પૈસો પણ ન આપ...પણ...’
‘પણ...શું...?’
‘એ સંજોગોમાં ન છૂટકે મારે તારા નાના ભાઈ કેપ્ટન પ્રભાકરને, તારે તેની પત્ની વીર સાથે અનૈતિક સંબંધ છે, એ વાત પુરાવાઓ સાથે જણાવી દેવી પડશે.’
‘ન… ના...!’ રાજનારાયણના હાથમાંથી રિસીવર છટકતા છટકતા રહી ગયું.
‘ચૂપ… સાલ્લા લબાડ...! મને બધી જ ખબર છે...! તારે તારા ભાઈની પત્ની વીરા સાથે અનૈતિક, શારીરિક સંબંધ નથી...? વીરા તારી દિકરી કિરણ સમાન છે... એટલું તો યાદ રાખ...!’
‘તું...તું એવું કરીશ નહીં...!’
‘હું બધું જ કરી શકું એમ છું. મને કોણ અટકાવવાનું હતું ? જરા વિચાર નેતાના દીકરા ...તને કોણે નેતા બનાવી દીધો એ જ મને તો નથી સમજાતું. જયારે પ્રભાકરને તારા તથા વીરાના અનૈતિક સંબંધોની ખબર પડશે ત્યારે એ ક્રોધથી ધૂંવાફુંવા થઇ જશે. પોતાની પત્ની પોતાના સિવાય બીજા માણસ સાથે અનૈતિક સંબંધ રાખે, એ વાત કોઈ સ્વમાનીપતિ સહન નથી કરી શકતો...! અને પ્રભાકર તો ફોજી છે એટલે તેનો મિજાજ પણ ફોજી જેવો જ હશે. તારા તથા વીરાના સંબંધોની જાણ થશે ત્યારે તમને બંનેને જીવતા નહીં મુકે...!’
‘ઈશ્વરને ખાતર એવું કશું કરીશ નહીં બાજીગર...!’ રાજનારાયણ નિરાશાભર્યા કરગરતા અવાજે બોલ્યો, ‘હું તને બાર લાખ રૂપિયા આપવા માટે તૈયાર છું.’
વીરા લથડતા પગે આગળ વધીને સોફા પર ફસડાઈ પડી. બાજીગરનો ખતરનાક હેતુ પારખીને એ ધ્રુજી ગઈ હતી.
‘વેરી ગુડ...! અંતેય તે નેતાગીરી છોડી ખરી...! સાંભળ...તું આજે સાંજે બરાબર સાડા પાંચ વાગ્યે રકમ સાથે મહાકાળીના મંદિર પાસે પહોંચી જજે. મારો માણસ સામેથી જ તારો સંપર્ક સાધી લેશે ઓ.કે...’
વળતી પળે જ સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઇ ગયો.
રાજનારાયણે પણ ધ્રુજતા હાથે રિસીવર મૂકી દીધું.
ત્યારબાદ તે આગળ વધીને વીરાની બાજુમાં બેસી ગયો.
‘રાજ...!’વીરા ભયભીત અવાજે બોલી. ‘આ બાજીગર જિંદગીભર આપણો પીછો નહીં છોડે એવું મને લાગે છે.’
‘આપણે તેનાથી પીછો છોડાવી શકીએ તેમ નથી. બાજીગરથી પીછો છોડાવાનો એક જ માર્ગ છે...!’
‘શું...?’ વીરાએ ઉત્સુક અવાજે પૂછ્યું.
‘આપઘાત... જે આપણે કરી શકીએ તેમ નથી.’
‘હા... તું સાચું કહે છે...!’
‘એટલા માટે જ તો બાજીગરને બાર લાખ આપવા પડે છે. નહીં તો જરૂર જ શી હતી ? બહુ બહુ તો પ્રભાકર આપણને ગોળી ઝીંકી દેત...બીજું એ વળી શું કરત...? તું એક કામ કર વીરા...!’
‘શું ?’
‘તું પ્રભાકર પાસે અજમેર ચાલી જા...!’
‘ના, રાજ...! હું તારા વગર જીવવાની કલ્પના પણ કરી શકું તેમ નથી. પ્રભાકર સાવ ઠંડો છે...! હું તેની પાસે રહી ચુકી છું. એ મહિનામાં એકાદ વાર પણ મારી પાસે નથી આવતો...મારો સાચો પતિ તો તું જ છો રાજ...! જો તું મને પ્રભાકર પાસે જવાનું કહીશ તો હું ઝેર પીને આપઘાત કરી લઈશ.’ કહેતાં કહેતાં વીરાનો અવાજ રૂંધાઇ ગયો. એની આંખે આંસુ ધસી આવ્યા.
‘તારી જાત પર કાબુ મેળવ વીરા...!’ રાજનારાયણે એના ગાલ થપથપાવતા કહ્યું.
વળતી પળે જ વીરાએ પોતાનું માથું એના ખભા પર ઢાળી દીધું.
રાજનારાયણ એના માથા પર હાથ ફેરવવા લાગ્યો.
***