બાજીગર
કનુ ભગદેવ
૯ - ખૂન અને આપઘાત...!
બાજીગરની સામે નીચે જમીન પર પાંચસો રૂપિયા વાળી નોટોના બંડલોનો ઢગલો પડ્યો હતો.
એની સિંહાસન જેવી ખુરશી પાસે દીપક તત્પર મુદ્રામાં ઉભો હતો.
એના ચહેરા પર બાજીગર પ્રત્યે સન્માનના હાવભાવ છવાયેલા હતા.
એ બાજીગરના આદેશની રાહ જોતો હતો.
‘દીપક...’
‘જી...’
‘આ...’ બાજીગરે બંદલોના ઢગલા તરફ સંકેત કરતા કહ્યું. ‘કુલ એક કરોડ અને ત્રીસ લાખ રૂપિયા છે. અ રકમ મને ધરમદાસ અને કાશીનાથ પાસેથી મળી છે.’
‘જી, સર...’
‘આમાંથી ત્રીસ લાખ રૂપિયા બધા સભ્યો સરખે ભાગે વહેંચી લેજો...!’
‘થેંકયું સર...!’ કહેતાં કહેતાં દીપકના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા.
‘બાકી જે એક કરોડ રૂપિયા બચે છે, તેમાંથી પચ્ચીસ લાખ રૂપિયાના ગરમ કપડા ખરીદીને ગરીબ લોકોને આપી દે. શિયાળો શરુ થવાની તૈયારીમાં જ છે. બાકીના પંચોતેર લાખમાંથી પચીસ લાખ રૂપિયા આ શહેરની ધાર્મિક સંસ્થાઓને, પચીસ લાખ હોસ્પિટલોને અને પચીસ લાખ વડાપ્રધાન રાહત ફંડમાં દાન કરી દેજે. હા... બધું દાન ગુપ્ત રીતે જ કરવાનું છે.’
‘જી...સર...!’
‘આ કામ તારે તારા હાથેથી જ કરવાનું છે...! મને તારા પર જેટલો ભરોસો છે, એટલો ભગવાન પર પણ નથી.’
સર, આપ મને આવા કામ માટે યોગ્ય માનો છો, એ જ આપની મહાનતા છે !’
‘આ દુનિયામાં કોઈ જ મહાન નથી દીપક...! બધા સરખા જ છે...!’
‘જી, સર...!’
‘ઓ.કે...હું જઉં છું...!’
બાજીગર ચાલ્યો ગયો.
દીપકનું માથું શ્રદ્ધાથી નમી ગયું.
***
સુધાકર પોતાની ઓફિસમાં બેઠો હતો.
એનું દિમાગ પોતાના સસરા રાજનારાયણના વિચારોમાં જ અટવાયેલું હતું.
એને એક જ સવાલ અકળાવતો હતો.
રાજનારાયણે આવું કર્યું, તો શા માટે કર્યું ...?
અચાનક ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.
એના વિચારોનો ક્રમ તૂટી ગયો.
એણે હાથ લંબાવીને રિસીવર ઉચક્યું.
‘હલ્લો... સુધાકર સ્પીકિંગ... !’
‘મિસ્ટર સુધાકર, હું તમારો પૂર્વપરિચિત શુભેચ્છક બોલું છું.’
‘ત... તું...?’ જાણે અચાનક જ પગે સાપ વીંટળાયો હોય તેમ સુધાકર ચમક્યો.
વળતી જ પળે એનો ચહેરો એકદમ કઠોર બની ગયો.
જડબાં ક્રોધથી ભીંસાયા.
રિસીવર પર હાથની પકડ મજબૂત બની ગઈ.
‘હા, મિસ્ટર સુધાકર ...! તમે તમારી પત્નીને ચકાસી ચુક્યા હો એવું મને લાગે છે.’
‘શટઅપ...!’ સુધાકર જોરથી બરાડ્યો, ‘મને તારી એકેય વાત પર ભરોસો નથી. કિરણનું ચારિત્ર્ય પવિત્ર અને સ્વચ્છ છે...! અમારો સંસાર બરબાદ થઇ જાય એટલા માટે તું એની પવિત્રતા પર કાદવ ઉછાળીને અમારા પતિ-પત્ની વચ્ચે શંકારુપી કાંટા ઉગાડવા માંગે છે કમજાત...! પણ તારો હેતુ પાર નહીં પડે સમજ્યો...?’
જવાબમાં સામે છેડેથી અટ્ટહાસ્ય ગુંજી ઉઠ્યું.
થોડી પળો બાદ અટ્ટહાસ્ય શમી ગયું.
પરંતુ એ અટ્ટહાસ્ય હજુ પણ સુધાકરના કાનમાં પડઘા પાડતું હતું.
‘સુધાકર... તારા જેવો મોટો મૂરખ મેં દુનિયામાં બીજો કોઈ નથી જોયો.’ આ વખતે તેને એકવચનમાં સંબોધ્યો હતો.
‘એટલે... ?’
‘સાંભળ... તું તારી ચારિત્ર્યહીન પત્નીને દેવી માને છે... ! એ દેવી તો છે પણ પોતાની આંટી વીરા જેવી...!’
એની વાત સાંભળીને સુધાકર પર જાણે વીજળી ત્રાટકી.
‘તને મારી વાત પર ભરોસો નથી બેસતો... પણ હું સાચું જ કહું છું. તારા બનેવી અતુલ સાથે કિરણને અનૈતિક સંબંધ છે !’
‘તારી પાસે આ વાતનો શું પુરાવો છે ?’ સુધાકરે વિચારવશ અવાજે પૂછ્યું.
‘હવે તેં બુદ્ધિભરી વાત કરી છે... ! પ્રત્યક્ષને પુરાવાઓની જરૂર નથી હોતી. મેં મારી સગી આંખે તારી પત્નીને અતુલના આલિંગનમાં જકડાયેલી જોઈ છે. પરંતુ તું પુરાવા વગર મારી વાત પર ભરોસો નહીં કરે એની મને ખબર છે. ખેર, કિરણ ચારિત્ર્યહીન છે કે ચારિત્ર્યવાન એનો પુરાવો તને એક કલાકમાં જ મળી જશે.
વળતી જ પળે સામે છેડેથી સંબંધ કપાઈ ગયો.
એને ફોન કરનાર બીજું કોઈ નહીં પણ બાજીગર જ હતો.
સુધાકરે રિસીવર મૂકી દીધું.
ત્યારબાદ તે એક સિગારેટ સળગાવીને ઊંડા વિચારોમાં ડૂબી ગયો.
વિચારતા વિચારતા તેને કંટાળો આવ્યો તો તે એક ફાઈલના પાનાં ઉથલાવવા લાગ્યો.
તે ફાઈલ વાંચવામાં એટલો બધો મશગુલ બની ગયો હતો કે તેને પોતાનું પણ ભાન નહોતું રહ્યું.
‘સાહેબ...’
સહસા ચપરાશીનો અવાજ સાંભળીને એણે માથું ઊંચું કર્યું.
‘શું છે ?’
ચપરાશીએ ખાખી રંગનું એક કવર તેની સામે ટેબલ પર મૂકી દીધું.
‘એક સજ્જને આ કવર આપને પહોંચાડવા માટે આપ્યું છે.’ એણે કહ્યું.
‘કોણ છે એ સજ્જન ...?’
‘હું એમને નથી ઓળખતો સાહેબ...!’
‘ક્યાં છે એ ...?’
‘એ તો ચાલ્યા ગયા સાહેબ...!’
‘ઠીક છે ...એક કોફી લઇ આવ...!’
‘જી, સાહેબ...!’ કહીને ચપરાશી તેની ઓફિસમાંથી બહાર નીકળી ગયો.
એના ગયા પછી સુધાકરે કવર ઉઘાડ્યું.
કવરમાંથી પાંચ ફોટા નીકળ્યા.
એ ફોટા પર નજર પડતાં જ જાણે કે તેના પર આભ તૂટી પડ્યું.
એનો શ્વાસ અટકી ગયો.
જાણે વરસાદમાં પલળીને આવ્યો હોય એમ શરીર પરસેવાથી રેબઝેબ બની ગયું.
એ ફોટા અતુલ અને કિરણના હતા.
બંને એકબીજાના આલિંગનમાં જકડાઈને સૂતેલાં હતા.
પાંચેય ફોટા જુદી જુદી મુદ્રામાં હતા.
સુધાકરનો ચહેરો કાપો તો લોહી ન નીકળે એવો થઇ ગયો.
‘ના...’ એ સ્વગત બબડ્યો, ‘આવું ન હોય... આવું ન હોય...! કિરણ...કિરણ આવું હીન કૃત્ય કરે જ નહીં ?’
પરંતુ વળતી જ પળે એના અંતરમને કહ્યું – તું મહામૂરખ છો સુધાકર...! આ ફોટા જોયા પછી પણ કિરણના ચારિત્ર્ય પર ભરોસો નથી બેસતો ? એ વાસ્તવમાં આવારા અને ચારિત્ર્યહીન છે...! તારા શુભેચ્છકે ખોટું નથી કહ્યું...!
જાણે હમણાં જ તે પાગલ થઇ જશે, એવા હાવભાવ તેના ચહેરા પર છવાઈ ગયા.\સહસા તેના કાને કોઈના આવવાનો પગરવ સંભળાયો.
એણે ફોટાને કવરમાં નાખીને કોટના અંદરના ગજવામાં મૂકી દીધું.
થોડી પળો બાદ ચપરાશી કોફીના કપ સાથે અંદર પ્રવેશ્યો.
‘લો સાહેબ...!’
‘મૂકી દે ....!’ સુધાકર ખુરશીમાંથી ઉભો થતાં બોલ્યો.
ચપરાશી કપને ટેબલ પર મુકીને ચાલ્યો ગયો.
સુધાકરે ઉભા ઉભા જ કોફી પીધી.
પછી તે એક સિગારેટ સળગાવીને બેચેનીથી ઓફિસમાં આંટા મારવા લાગ્યો.
એના મનને ક્યાંય ચેન નહોતું પડતું.
કિરણના વિશ્વાસઘાતથી તે મનોમન હચમચી ઉઠ્યો હતો.
રહી રહીને એના મગજમાં એક જ વાત આવતી હતી.
-સુધાકર...! તું કિરણને અનહદ ચાહતો હતો... દેવી સમજતો હતો... એને ગંગા નદી જેવી સ્વચ્છ અને પવિત્ર માનતો હતો. એના પર તને આંધળો વિશ્વાસ હતો.
પરંતુ એ દગાબાજ નીકળી સુધાકર...!
એણે તારા પવિત્ર પ્રેમ સાથે વિશ્વાસઘાત કર્યો છે.
એ ચારિત્ર્યહીન સ્ત્રીએ તારા ભરોસાનું ખૂન કર્યું છે.
એ તારા બનેવી અતુલ સાથે અનૈતિક સંબંધ બાંધીને તારી નાની બહેન મંદાકિનીના હક પર તરાપ મારે છે !
એ તમારા ભાઈ-બહેનનો પ્રેમ લુંટે છે...!
તારા પ્રેમનો ખૂની છે...!
તું કોઈપણ રીતે એ ચારિત્ર્યહીન સ્ત્રીને ઘરમાંથી બહાર કાઢ નહીં તો તે તારા સ્વર્ગ જેવા ઘરને નર્કમાં ફેરવી નાખશે.
‘હે ઈશ્વર...!’ એણે બંને હાથેથી પોતાનું માથું પકડી લીધું. પછી ધીમેથી બબડ્યો, ‘હું શું કરું ...? હું શું કરું ...? મને કશું જ નથી સમજાતું...! મને કોઈક માર્ગ બતાવ પ્રભુ... નહીં તો હું ગાંડો થઇ જઈશ...’
ત્યારબાદ એ પુનઃ ખુરશી પર બેસી ગયો.
એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
માંડમાંડ એણે પોતાની જાત ઉપર કાબુ મેળવ્યો.
એનો ચહેરો ફિક્કો પડી ગયો હતો.
વિચારવમળમાંથી છુટકારો મેળવવા માટે તે એક સિગારેટ સળગાવીને તેના લાંબા લાંબા કસ ખેંચવા લાગ્યો.
વીસ મીનીટમાં એણે ઉપરાઉપરી ચાર સિગારેટ ફૂંકી નાખી.
એ જ વખતે એના પિતાજી કાશીનાથ તેની ચેમ્બરમાં પ્રવેશ્યા.
કાશીનાથ સુધાકરના ટેબલ પર પડેલી એશ-ટ્રે સિગારેટના ઠુંઠાથી ખીચોખીચ ભરેલી જોઇને ખુબ જ ચિંતાતુર બની ગયો.
‘સુધાકર...!’ એ ગંભીર અવાજે બોલ્યો, ‘હમણાં હમણાં તું વધુ પડતી સિગારેટ ફૂંકવા લાગ્યો છે.’
‘પિતાજી...!’સુધાકર એકદમ થોથવાઈ ગયો.
એ કાશીનાથની સામે ક્યારેય શરાબ કે સિગારેટ નહોતો પીતો.
‘આ ટેવ બહુ ખરાબ છે દિકરા...! વધુ પડતી સિગારેટ તંદુરસ્તી માટે હાનિકારક છે !’
‘સોરી, પિતાજી...!’ સુધાકરનું માથું કોઈક ગુનેગારની જેમ નમી ગયું.
‘સુધાકર...! ખાવા-પીવાની દરેક ચીજોનું ઉપભોગ માટે જ નિર્માણ થયેલું હોય છે. તું સિગારેટ છોડી દે, એમ હું નથી કહેતો. તને સિગારેટ પીવાની ટેવ પડી ગઈ છે એટલે હું ના પાડીશ તો પણ તું પીવાનો જ છે ! હું કંઈ તારા પર ચોકીપહેરો થોડો જ બેસાડવાનો છું ? પરંતુ કોઈ પણ વસ્તુના સેવનની હદ હોય છે. તને ઓફિસેથી આવ્યાને માંડ ત્રણ કલાક થયા હશે. ત્રણ કલાકમાં તેં આટલી સિગારેટો ફૂંકી નાખી છે તો ચોવીસ કલાકમાં કેટલી ફૂંકતો હોઈશ ?’
‘હું એક પેકેટથી વધારે નથી પીતો પિતાજી...!’
‘અર્થાત્ ચોવીસ કલાકમાં કુલ દસ સિગારેટ પીએ છે ખરું ને ?’
‘હા...’
‘તો શું એશ-ટ્રેમાં પડેલા સિગારેટનાં ઠુંઠાનો ઢગલો તેં નથી કર્યો ?’
‘વાત એમ છે પિતાજી, કે આજે હું ખુબ જ પરેશાન છું.’
‘શું...?’
‘હા, પિતાજી...!’
‘તારી પરેશાનીનું કારણ મને જણાવીશ ?’
‘ના, પિતાજી...! હું મારી ઈચ્છા હોવા છતાંય તમને કશું જ જણાવી શકું તેમ નથી.’
‘પણ દિકરા...!’
‘પ્લીઝ પિતાજી...! મને લાચાર ન કરો ...! તમને મારા સોગંદ છે ...!’
કાશીનાથના દિમાગમાં સન્નાટો પથરાઈ ગયો.
એના ચહેરા પર વિચારના હાવભાવ છવાઈ ગયા.
ઘણું વિચાર્યા પછી પણ તે કોઈ નક્કર પરિણામ પર ન પહોંચી શક્યો.
તે ઉભો થઈને ચાલ્યો ગયો.
એ આખો દિવસ સુધાકરે બેચેનીભરી હાલતમાં પસાર કર્યો.
સાંજે એ જાણીજોઈને થોડો મોડો ઘેર ગયો.
એ થાકેલા પગલે પોતાના શયનખંડમાં પ્રવેશ્યો અને સોફા પર ફસડાઈ પડ્યો.
જીંદગીમાં આજે પહેલી જ વાર તે માનસિક રીતે થાક અનુભવતો હતો.
માણસ શરીરનો થાક સહન કરી શકે છે પણ મનનો થાક એનાથી સહન નથી થતો.
કિરણના વિશ્વાસઘાતથી એ માનસિક રીતે ખુબ જ થાકી ગયો હતો.
પોતે હવે આ હાલતમાં વધુ દિવસો સુધી નહીં જીવી શકે એવો ભાસ તેને થતો હતો.
અચાનક જ તેને કિરણ યાદ આવી.
વળતી જ પળે તેની આંખો અંગારાની જેમ ભભૂકવા લાગી.
ચહેરા પર ક્રોધમિશ્રિત નફરતના હાવભાવ છવાઈ ગયા.
જો અત્યારે કિરણ તેની સામે હોત તો ચોક્કસ જ એ તેનું ખૂન કરી નાખત કારણ કે એના દિમાગ પર કિરણનું ખૂન કરવાનું ભૂત સવાર થઇ ગયું હતું.
ધીમે ધીમે એના ક્રોધે આંસુનું સ્વરૂપ ધારણ કરી લીધું.
સુધાકર ખુબ જ ભાવુક અને લાગણીશીલ સ્વભાવનો માણસ હતો. પોતે જે પત્નીને પ્રેમનો પ્યાલો પીવડાવતો હતો, એ પત્ની પ્રેમના બદલામાં તેને વિશ્વાસઘાતનું ઝેર પીવડાવે તે વાત તેનું ભાવુક મન સહન કરી શકે તેમ નહોતું.
વળતી જ પળે તેને વિચાર આવ્યો- કિરણ ક્યાં ગઈ ? એ તો પોતે ઓફિસેથી આવે ત્યારે હંમેશા પોતાની રાહ જોતી વરંડામાં જ ઉભી હોય છે.
ક્યાંક તે અતુલ પાસે તો નથી ગઈને ?
આ વિચાર આવતાં જ તેનું હૃદય ભાંગી પડ્યું.
એનો આત્મા પાણી વગરની માછલીની જેમ તરફડી ઉઠ્યો.
એણે કિરણના નામની બુમ પાડી.
પરંતુ કશો જ જવાબ ન મળ્યો.
થોડી પળો બાદ બંગલાની કામવાળી એની બુમ સાંભળીને ત્યાં આવી પહોંચી.
‘કિરણ ક્યાં છે રાધા ...?’ સુધાકરે પૂછ્યું.
‘મેમસા’બ તો અતુલ સાહેબને ત્યાં ગયા છે !’
‘શું... ?’ જાણે કોઈકે પોતાના ગાલ પર તમાચો ઝીંકી દીધો હોય એવો ભાસ સુધાકરને થયો.
‘હા, સાહેબ...! ફોન આવ્યો હતો !’
‘અતુલ કે મંદાકિનીનો ...?’
‘એ તો હું નથી જાણતી ...!’
સુધાકરે એક ઊંડો શ્વાસ લીધો.
‘આપને માટે કોફી બનાવી લાવું સાહેબ ...?’
‘ના...અત્યારે કંઈ જ પીવાની ઈચ્છા નથી.’
‘આપની તબિયત તો સારી છે ને સાહેબ ...?’
‘હા... એકદમ સારી છે ...! તું જા ...’
રાધા ચાલી ગઈ.
સુધાકરની આંખોમાં આંસુ ચમકવા લાગ્યા.
***
ઓફિસેથી નીકળ્યા પછી કાશીનાથ ધરમદાસને ત્યાં પહોંચી ગયો.
જયારે તેમણે ટેપરેકોર્ડર પર પોતાના કાળા કરતૂતોની કેસેટ સાંભળી ત્યારે તેમના ચહેરા પર રાહતના હાવભાવ છવાઈ ગયા.
ધરમદાસે એ કેસેટ સળગાવી નાખી.
‘કાશીનાથ...!’ એ સ્મિત ફરકાવતાં બોલ્યો, ;બાજીગર પાસે આપણી વિરુદ્ધ જે પુરાવો હતો, તેનો આપણે નાશ કરી ચુક્યા છીએ. હવે એ હરામખોર આપણું કશું ક બગાડી શકે તેમ નથી.
‘એક વાત તું ભૂલી જતો લાગે છે ધરમદાસ...!’
‘કઈ વાત ...?’
‘એ જ કે તેની પાસે આ કેસેટની બીજી નકલ પણ હોઈ શકે છે ! એક કેસેટ પરથી તેની જેટલી નકલો તૈયાર કરવી હોય, તેટલી કરાવી શકાય છે !’કાશીનાથે વિચારવશ અવાજે કહ્યું.
કાશીનાથની વાત સાંભળીને ધરમદાસને આશ્ચર્યમિશ્રિત આઘાતનો ધક્કો લાગ્યો.
કાશીનાથની વાતમાં તથ્ય હતું.
વળતી જ પળે ધરમદાસના ચહેરા પર ગમગીની ફરી વળી.
‘કાશીનાથ...!’ એ ધીમેથી સ્વગત બબડ્યો.
‘શું મારી વાત ખોટી છે ધરમદાસ...?આપણને બાજીગરથી છુટકારો મળી ગયો છે, એમ માનીને આપણે ઘીના દીવા ન પ્રગટાવવા જોઈએ...લાપસીના આંધણ ન મુકવા જોઈએ...! હજુ આપણને તેનાથી સંપૂર્ણ રીતે છુટકારો નથી મળ્યો. આપણે હજુ પણ તેની ચુંગાલમાં જ છીએ. એના સંકેત પર નાચતા રહેવાનું જ કદાચ આપણા નસીબમાં લખ્યું છે.’
કાશીનાથે નિરાશાથી માથું હલાવ્યું.
ત્યારબાદ ધરમદાસ સાથે થોડી આડાઅવળી વાતો કરીને તે વિદાય થઇ ગયો.
ત્યાંથી એ સીધો પોતાના બંગલે પહોંચ્યો.
એ પોતાના શયનખંડમાં પ્રવેશ્યો કે જાણે તેના આગમનની રાહ જોતી હોય એમ સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.
એણે પોતાના હાથમાં રહેલી બ્રિફકેસને ટેબલ પર મૂકી દીધી. પછી આગળ વધીને રિસીવર ઊંચક્યું.
‘હલ્લો કાશીનાથ સ્પીકિંગ ...’
‘મિસ્ટર...કાશીનાથ...! હું સી.આઈ.ડી. ઇન્સ્પેકટર મેજર નાગપાલ બોલું છું.’
‘બોલો, નાગપાલ સાહેબ...!’ કાશીનાથે સન્માનસૂચક અવાજે કહ્યું.
‘તમારે માટે એક માઠા સમાચાર છે મિસ્ટર કાશીનાથ !’
‘શું ?’ કોઈક અજાણી આશંકાથી કાશીનાથનું કાળજું કંપી ઉઠ્યું.
‘રાજનારાયણે વીરાને મારી નાખીને પછી પોતે પણ આપઘાત કરી લીધો છે !’
‘શું ...?’ કાશીનાથના હાથમાંથી રિસીવર છટકતાં છટકતાં રહી ગયું.
‘હા....’
‘પરંતુ તે પોલીસ-કસ્ટડીમાં હતો ને ?’
‘હા...’
‘તો પછી તેના હાથમાં હથિયાર કેવી રીતે આવ્યું ?’
‘ઇન્સ્પેકટર વામનરાવ તેને તથા વીરાને પોલીસવાનમાં બેસાડીને ડીસ્ટ્રીકટ જેલમાં મુકવા માટે લઇ જતો હતો, ત્યારે અચાનક જ એણે વામનરાવના હોલ્સ્ટરમાંથી તેની રિવોલ્વર ખેંચી કાઢીને પહેલા વીરાને શૂટ કરી નાખી અને પછી પોતે પણ એ જ રિવોલ્વરથી આપઘાત કરી લીધો. આ સમગ્ર બનાવ આંખના પલકારામાં જ બની ગયો હતો. વામનરાવને, તેને અટકાવવાની કોઈ જ તક નહોતી મળી.’
‘આ તો ઘણું ખોટું થયું નાગપાલ સાહેબ...!’
‘હા...પરંતુ વિધાતાના લેખમાં કોઈ જ મેખ નથી મારી શકતું. બનવા કાળ બન્યે જ રાખે છે.’
‘જી...’
‘અમે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ સવારે જ થશે. આવતી કાલે બપોર સુધીમાં તમે મૃતદેહોને કબજો મેળવી શકશો.’
‘ભલે નાગપાલ સાહેબ...!’
કાશીનાથે ધીમેથી રિસીવર મૂકી દીધું.
અત્યારે આ સમાચાર કુટુંબના કોઈ સભ્યોને જણાવવાનું તેને યોગ્ય ન લાગ્યું.
એણે સવાર સુધી ચૂપ જ રહેવાનું નક્કી કર્યું.
વળતી જ પળે તેની નજર સામે બાજીગરનો કલ્પિત ચહેરો તરવરી ઉઠ્યો.
બાજીગરે જે રીતે રાજનારાયણના કુટુંબને પોતાના ષડ્યંત્રનું શિકાર બનાવ્યું છે, એ જ રીતે પોતાના કુટુંબને પણ શિકાર બનાવ્યા વગર નહીં જંપે એવો ભાસ તેને થતો હતો.
એના ચહેરા પર ભય, ખોફ અને દહેશત સિવાય કશું જ નહોતું.
નીચેના ખંડમાં બાપ દુઃખી ને ઉપરના ખંડમાં દીકરો....!
ઉપર પોતાના શયનખંડમાં સુધાકર પલંગ પર સુતો હતો.
એની આંખોમાં ઊંઘનું નામોનિશાન પણ નહોતું.
કિરણ તેની બાજુમાં જ સુતી હતી.
એ પણ જાગતી હતી.
સુધાકર કિરણના ચારિત્ર્ય વિશે વિચારતો હતો.
જયારે કિરણ સુધાકર વિશે વિચારતી હતી કે આજે એને શું થઇ ગયું છે ?
આજ પહેલાં એણે ક્યારેય સુધાકરને આટલો ગંભીર અને ઉદાસ નહોતો જોયો.
‘સુધાકર...!’
એ તેની નજીક સરકીને સ્નેહથી એના માથા પર હાથ ફેરવવા લાગી.
જયારે સુધાકર...?
એ વિચારતો હતો –સ્ત્રી વાસ્તવમાં કેટલા મોટા ફરેબનું નામ છે...! કિરણ આજે સાંજે જ અતુલ પાસે જઈને આવી છે અને હવે મારા પ્રત્યે પ્રેમ દર્શાવવાનો ઢોંગ કરે છે !
કિરણના ગાલ પર તમાચો ઝીંકીને પોતાના પ્રેમમાં શું ખોટ હતી કે એણે આવું કર્યું, એમ પૂછવાનું તેને ઘણું મન થયું.
પરંતુ મનની વાત એણે મનમાં જ દબાવી રાખી.
‘તું ચૂપ શા માટે છો સુધાકર...કંઈ બોલતો કેમ નથી...?’ કિરણે પૂછ્યું.
‘શું બોલું...?’ જાણે કોઈક અંધારી ગુફામાંથી આવતો હોય એવો સુધાકરનો અવાજ હતો.
‘તું ઓફિસેથી આવ્યો છે, ત્યારથી જ ગુમસુમ અને ઉદાસ છે. ડીનર કરતી વખતે પણ તું બે-ત્રણ કોળિયા જમીને ઉભો થઇ ગયો હતો. શું વાત છે ?’
‘કોઈ વાત નથી...!’
‘હું નથી માનતી...!’
‘શું ?’
‘જરૂર કોઈક વાત તો છે...! તું મારાથી કંઇક છુપાવતો લાગે છે...!’
મનનો બધો રોષ ઠાલવી દેવાની સુધાકરને તીવ્ર ઈચ્છા થઇ. પરંતુ એના ભાવુક આત્માએ તેને એમ કરતો અટકાવી દીધો.
‘મારે વળી તારાથી શું છુપાવવાનું હોય કિરણ...? હું તો તારી સામે ખુલ્લા પુસ્તક સમાન છું...! મારી કોઈ વાતથી તું અજાણ નથી.’
‘સુધાકર...’
‘હવે સુઈ જા કિરણ...!’
‘પણ...’
‘પણ શું...?’
‘મારાથી તારી ઉદાસી નથી જોવાતી સુધાકર...!’
‘તો હું તારી સામેથી મોં ફેરવીને સુઈ જઉં છું બસને ?’કહીને સુધાકરે ખરેખર જ તેની તરફ પીઠ ફેરવીને સુઈ ગયો.
કિરણે સુધાકર પાસેથી આવી ઉપેક્ષાની આશા નહોતી રાખી.
એની આંખોમાં આંસુ ચમકી ઉઠ્યા.
સુધાકર પોતાનાથી આટલો બધો નારાજ શા માટે થઇ ગયો છે ? શું પોતાની કોઈ ભૂલ થઇ ગઈ છે ?
એણે આ બાબતમાં ઘણું વિચાર્યું.
પરંતુ એને પોતાની કોઈ ભૂલ નહોતી દેખાતી.
એ આખી રાત એણે જાગતી હાલતમાં જ આંસુ સારતાં પસાર કરી.
સવારે કાશીનાથે તેને રાજનારાયણ તથા વીરાના અવસાનના સમાચાર આપ્યા.
આ સમાચારની કિરણ પર કોઈ અસર ન થઇ...!
‘કિરણ...! હું તથા સુધાકર મૃતદેહનો કબજો લેવા માટે મોર્ગમાં જઈએ છીએ. તું પણ તારા પિતાજીના અંતિમ દર્શન કરી લે...!’
‘ના...મારે નથી કરવા...!’
‘આ તું શું કહે છે કિરણ...?’ કાશીનાથે નર્યા અચરજથી તેની સામે તાકી રહેતાં પૂછ્યું.
‘હા, પિતાજી...!’ કહેતાં કહેતાં કિરણનો ચહેરો એકદમ કઠોર બની ગયો. ‘હું આપને અગાઉ પણ કહી ચુકી છું કે મને જેટલી નફરત મારા શયતાન બાપ પ્રત્યે છે, એટલી દુનિયામાં કોઈના પ્રત્યે નથી...! એ માણસ નહીં પણ માણસના રૂપમાં સાક્ષાત શયતાનનો અવતાર હતો. અરે...એ તો નફરત કરવાને લાયક પણ નથી રહ્યો. મેને એના મૃત્યુથી જરા પણ દુઃખ નથી થયું. ઉલટું આનંદ જ થયો છે...! માણસને તેની કરણીનું ફળ ભોગવવું જ પડે છે ! માણસ જેવું વાવે છે, તેવું જ લણે છે...! મારે માટે તો એણે જે દિવસે પ્રભાકર અંકલનું ખૂન કર્યું એ દિવસે જ મૃત્યુ પામ્યો છે. એને તેની માઠી કરણીનું ફળ મળી ગયું છે. એ મરી ગયો તે સારું જ થયું છે...! આ ધરતી પરથી એક પાપ ઓછું થયું છે !’
‘તારા મનની હાલત હું સમજુ છું કિરણ...! રાજનારાયણના કાળા કરતુતોથી તને દુઃખ થયું છે... હું બધું જ સમજુ છું. પરંતુ તું જરા દુનીયાદારીનો તો વિચાર કર...! જો તું એના મોત પર સાચા-ખોટા બે-ચાર આંસુ નહીં સારે તો લોકો શું કહેશે ? દિકરી, મારનારનો હાથ પકડી શકાય છે પણ બોલનારની જીભ નથી પકડી શકાતી !’
‘મને લોકોની જરા પણ પરવા નથી પિતાજી...! તેમને જે બોલવું હોય તે બોલે...! એ નીચ માણસનું મોં ન જોવાનું મેં નક્કી કરી લીધું છે એટલે હું નહીં જોઉં. પ્લીઝ... મને લાચાર ન કરો... હું આપને હાથ જોડું છું...’
‘સુધાકર...’
‘જી, પિતાજી...!’
‘તું જ હવે કિરણને સમજાવ...!’
‘હું એને વળી શું સમજાવું ? એ કંઈ નાની બાળકી નથી. પોતાની મરજીની માલિક છે...! એને મરજી પડે તેમ કરે !’ સુધાકર રુક્ષ અવાજે બોલ્યો.
સુધાકરની આ વાત કટારની માફક કિરણના હ્રદયમાં ખૂંચી ગઈ.
એ ઘણું વિચાર્યા પછી પણ સુધાકરની વાતનો અર્થ ન સમજી શકી.
***
અનુપ પોતાના ખંડમાં ગાઢ ઊંઘમાં સુતો હતો.
અચાનક ડોરબેલનો અવાજ સાંભળીને તેની ઊંઘ ઉડી ગઈ.
‘આવું છું ભાઈ...!’ એ પલંગ પર બેઠો થઈને ઊંચા અવાજે બોલી ઉઠ્યો.
પછી નીચે ઉતરી, આગળ વધીને એણે બારણું ઉઘાડ્યું.
બહાર અતુલ ઉભો હતો.
અતુલને જોઇને એના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા.
એ પ્રેમપૂર્વક અતુલનો હાથ પકડીને અંદર લઇ ગયો.
‘તારી ઊંઘ તો કુંભકર્ણ જેવી લાગે છે અનુપ...!’ અતુલ સ્મિત ફરકાવતા બોલ્યો.
‘રાત્રે મોડો સુતો હતો...! ખેર, બેસ....!’
અતુલે સ્ટેન્ડ પર ગોઠવેલા અધૂરા પેઇન્ટિંગ પર ઉડતી નજર ફેંકી. પછી ખુરશી પર બેસતાં બોલ્યો, ‘કમાલ છે યાર...! તેં હજુ આ પેઇન્ટિંગ પૂરું નથી કર્યું....? ગયા વખતે હું આવ્યો, ત્યારે પણ અ પેઇન્ટિંગ આમ ને આમ જ હતું.’
‘આ પેઇન્ટિંગ પૂરું કરવાનો મુડ નથી આવતો...!’
‘તને ઊંઘમાંથી ફુરસદ મળે તો મુડ આવે ને ? હું જયારે પણ આવું છું, ત્યારે હંમેશા મારે તને ઉઠાડવો જ પડ્યો છે. શું તું રાત્રે નથી સુતો ?’
‘ના...હું પેઇન્ટિંગોનું કામ રાત્રે જ કરું છું.’
‘શું ધૂળ કરે છે ? એક અઠવાડિયાથી આ બીજું પેઇન્ટિંગ પણ અધૂરું પડ્યું છે !’
‘તો પછી એમ માની લે કે રાત્રે મને ઊંઘ નથી આવતી.’
‘તારી ઊંઘની દવા છે મારી પાસે !’
‘શું ?’
‘લગ્ન કરી લે...!’
‘આ બાબતમાં મેં હજુ સુધી નથી વિચાર્યું ! તું કહે છે તો વિચારીશ!’
‘એમાં વિચારવાનું શું હોય ? તું અત્યારે લગ્ન નહીં કરે તો શું ઘડપણમાં કરીશ ?’
‘ના રે ના ...! ખેર, બોલ શું પીવું છે ?’
‘ગરમ ગરમ કોફી પીવાની ઈચ્છા છે !’
અનુપે કાઉન્ટર કલાર્કને ફોન કરીને કોફી મંગાવી.
બંનેએ કોફી પીધી.
ત્યારબાદ થોડીવાર વાતચીત કરીને અતુલ અનુપની રજા લઈને ચાલ્યો ગયો.
***