બાજીગર - 1 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાજીગર - 1

બાજીગર

કનુ ભગદેવ

૧ - બાજીગર

રાતના આઠ વાગ્યા હતા.

શેઠ દેવીપ્રસાદના બંગલામાં સ્થિત તેમના પ્રાઇવેટ રૂમના ખૂબસૂરત, ઘેર લાલ રંગના ટેલીફોનની ઘંટડી રણકતી હતી.

ફોન રિસીવ કરવા માટે ત્યાં કોઈ હાજર નહોતું.

સતત પાંચ મિનિટ સુંધી રણક્યા પછી ઘંટડીનો અવાજ બંધ થઇ ગયો હતો.

વળતી જ પળે એ શાહી તથા દબદબાભર્યા ખંડમાં ખામોશી પથરાઈ ગઈ.

-શેઠ દેવીપ્રસાદ...!

-વિશાળગઢની દરેક રીતે જોરદાર હસ્તી...!

-શેઠ દેવીપ્રસાદ એટલે વિશાળગઢનો બાદશાહ અને વિશાળગઢનો બાદશાહ એટલે દેવીપ્રસાદ!

ઈશ્વરે, અલ્લાએ, ખુદાએ કે કુદરતે જે કહો તે પણ દેવીપ્રસાદને ગણવા બેસીએ તો પણ ન ગણાય એટલી બધી મબલખ દોલત આપી હતી.

વિશાળગઢની કોઇપણ સંસ્થાને તેમણે દાન ન આપ્યું હ્પ્ય એવું આજ સુંધી બન્યું નહોતું.

-શેઠ દેવીપ્રસાદ હાઇસ્કુલ...!

-શેઠ દેવીપ્રસાદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ...સાયન્સ કોલેજ...! મેડીકલ કોલેજ...! લાયબ્રેરી...! દેવાલયો, જાહેર સરકારી તથા ખાનગી સંસ્થાઓ...! આ દરેકને દેવીપ્રસાદે ખુલ્લા હૃદયે, મોકળા મને, ઉદાર હાથે મદદો અને સખાવતો આપી હતી.

પુરા છ ફૂટની ઉંચાઈ...! મજબૂત રાઠોડી બાંધો...! લગભગ પંચાવન વર્ષની ઉંમર...! ગોરો સરખો ચહેરો, મસ્તક પર એક પણ સફેદ વાળ નહોતો.

-આવા દેવીપ્રસાદનું નામ અને કામ સાંભળ્યા બાદ એમના પહેરવેશ વિષે કોઈપણ અજાણ્યો માનવી અનુમાન બાંધવામાં થાપ ખાઈ જાય, કારણ કે આવા આ કક્ષાના ગર્ભશ્રીમંતો, માલેતુજાર શેઠિયાઓ ખાસ કરીને લાંબો, વેપારી ટાઇપનો સફેદ કોટ ને ધોતિયું તથા ધોળી અથવા ભરતવાળી ટોપીમાં સજ્જ હોય છે. પરંતુ શેઠ દેવીપ્રસાદ એમાં અપવાદરૂપ હતા. ટેરેલિનનું સફેદ પેન્ટ તથા ટેરેલિનનો જ કોફી કલરનો શર્ટ ! અ એમનો હંમેશનો પહેરવેશ હતો.

એમની પાસે બે વિદેશી તથા બે ઇન્ડિયન બનાવટની ગાડીઓ હતી.

શેઠ દેવીપ્રસાદ સવારના સાડાદસ વાગ્યે વિદેશથી આયાત કરેલી પોતાની ખૂબસૂરત બેરંગી મર્સિડીઝ કારમાં બહાર નીકળતા...અને આખો દિવસ પોતાની ઓફિસે પસાર કર્યા પછી સાંજે પાછા ફરતા હતા. આ તેમનો રોજનો ક્રમ હતો.

ઇન્કમટેક્ષ કમિશ્નરો, સેલ્સટેક્ષ કમિશ્નરો...પ્રધાનો, સેક્રેટરીઓ, અન્ય શહેરના નગરપતિઓ વિગેરે સુંધી એમની જબરી ધાક હતી.

એમની લાગવગ અને પહોંચ લાગતા-વળગતા ખાતાઓમાં છેક ઉપર સુંધી હતી.

આવા શેઠ દેવીપ્રસાદના ખૂબસૂરત ત્રણ માળના આલીશાન અને રળિયામણા બંગલામાં આજે ઝાક-ઝમાળ રોશની હતી. કંપાઉન્ડમાં સ્થિત નીલગીરી અને આસોપાલવનાં વૃક્ષો પર રંગ-બેરંગી રોશનીનું આયોજન કરવામાં આવ્યું હતું. બેહદ વિશાળ અને ખૂબસૂરત લોનમાં ગોઠવવામાં આવેલા ખુરશી-ટેબલો આમંત્રિત મહેમાનોથી ચિક્કાર હતાં.

શહેરના નામાંકિત બેરિસ્ટરો, વી.આઈ.પી.ઓ, ડોકટરો, ધનવાનો, મીનીસ્ટરો અને એમના સેક્રેટરીઓની હાજરી ખાસ ધ્યાન ખેંચતી હતી.

આટલા બધા મહેમાનો હોવા છતાંય બિલકુલ શોરબકોર નહોતો.

સફેદ વસ્ત્રમાં સજ્જ થયેલા વેઈટરો આમંત્રિત મહેમાનોને તેમની જરૂરીયાત મુજબની ચીજ-વસ્તુઓ પહોંચાડતા હતા.

દેવીપ્રસાદની દીકરીની સગાઇ નિમિત્તે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટેલીફોન કરનાર માનવીને કાં તો શેઠ દેવીપ્રસાદનું ખુબ જ અનિવાર્ય કામ હતું અથવા તો તે કદાચ જુદા સ્વભાવનો હતો.

કારણ કે દેવીપ્રસાદના પ્રાઇવેટ ખંડમાં ટેલીફોનની ઘંટડી દર દસ દસ મિનિટે વાગતી હતી.

આ ક્રમ બરાબર નવ વાગ્યા સુંધી ચાલ્યો.

પરંતુ ફોન રિસીવ કરવા કોઈ આવ્યું નહીં

આવે પણ ક્યાંથી ?

દેવીપ્રસાદ તથા ઘરનાં અન્ય સભ્યો નીચે પાર્ટીમાં મહેમાનો સાથે હસી હસીને વાતોમાં મશગુલ હતા.

-સાડાનવ વાગ્યા.

ભૈરવચોકમાં સ્થિત એક પબ્લિક ટેલીફોન બૂથમાં ઉભેલા એક માણસે રિસીવરને ખુબ જ રોષથી હુક પર પછાડ્યું અને પછી ગજવામાંથી સિગારેટ કાઢી, બે હોઠ વચ્ચે મૂકી સળગાવી.

ત્યારબાદ બુથના કાચમાંથી એણે બહાર સડક નજર દોડાવી.

થોડીવાર પહેલા એકાએક જ ધોધમાર વરસાદ ચાલુ થઇ ગયો હોવાથી ભૈરવચોક લગભગ ઉજ્જડ થઇ ગયો હતો.

એણે એક લાંબો કસ ખેંચીને ઢગલો એક ધુમાડો ગળામાં ઉતાર્યો.

પછી સિગારેટને નિશ્ચયાત્મક ઢબે બુટ નીચે કચડી નાંખી.

પીઠ ફેરવીને એણે રિસીવરને ફરીથી ઊંચક્યું અને ઝડપથી એક નંબર ડાયલ કર્યો.

‘હલ્લો...’ સામે છેડેથી એક બેહદ કઠોર, નઠોર અને પહાડી સ્વર સંભળાયો, ‘બાજીગર સ્પીકીંગ !’

એ માનવી “હલ્લો” સાંભળતાની સાથે જ એક રૂપિયાનો સિક્કો કોઈન બોક્ષમાં સરકાવી ચુક્યો હતો.

‘સર...હું દીપક બોલું છું ...!’એણે ઉતાવળા અવાજે કહ્યું.

‘કામ પતી ગયું...?’અવાજની કઠોરતા સહેજ ઓછી થઇ ગઈ હતી.

‘ના, સર...’

‘કેમ...?’

‘એમાં મારો વાંક નથી સર...!’ એ માનવી કપાળ પર રૂમાલ ફેરવતા બોલ્યો. હાથમાંથી જાણે હમણાં જ રિસીવર છટકી જશે એવા ભયથી એણે મુઠ્ઠીની પક્કડ બરાબર જમાવી દીધી હતી. એની હથેળી તથા રિસીવર ખરડાઈ ગયા હતા.

‘કેમ...? શું થયું ?’

‘હું એક કલાકથી પ્રયાસો કરું છું પણ કોઈ જવાબ નથી મળતો.’

‘દીપક...!’

‘યસ સર !’ એ માનવી એકદમ તત્પર અવાજે બોલ્યો.

‘દેવીપ્રસાદના બંગલામાં અથ-દસ કનેક્શન છે. ટેલીફોનની ડિરેક્ટરી જોઇને કોમન નંબર શોધી કાઢ. એ ફોન નીચે જ છે. આજે એ કમજાતને ત્યાં પાર્ટી છે એટલે કદાચ કોઈને ઘંટડીનો અવાજ નહીં સંભળાયો હોય ! તું કોમન નંબર પર...’ કહેતા કહેતાં સામે છેડેથી બોલતો બાજીગર નામનો માનવી પળભર માટે અટક્યો. પછી બોલ્યો, ‘રહેવા દે... હું પોતે જ એની સાથે વાત કરી લઉં છું. તારે કંઈ કરવાની જરૂર નથી.’

વળતી જ પળે સામે છેડેથી સબંધ કપાઈ ગયો,

એ માનવીએ પણ રીસીવરને હુક પર ટાંગી દીધું.

એણે ફરીથી સિગારેટ સળગાવી.

એ જ પળે બુથના કાચ પર ટકોરા પડ્યા.

એણે કાચની આરપાર નજર કરી.

બહાર એક દુબળો-પાતળો માનવી ઉભો હતો.

દીપક નામધારી યુવાન બુથનું દ્વાર ઉઘાડીને બહાર નીકળી ગયો.

***

દેવીપ્રસાના આલીશાન બંગલાના નીચેના કોમન હોલમાં ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.

‘હલ્લો...’ દેવીપ્રસાદના એક કર્મચારીએ આગળ વધીને ટેલીફોનનું રિસીવર ઊંચકીને કહ્યું.

ઘંટડી વાગી ત્યારે તે જોગાનુજોગ જ આ કોમન હોલમાં આવ્યો હતો.

આ હોલમાં ગમે તેને, ગમે ત્યારે કશીયે રોક-ટોક વગર આવ-જા કરવાની છૂટ હતી.

‘મિસ્ટર દેવીપ્રસાદ છે ?’ સામે છેડેથી એક મુલાયમ અવાજ તેને સંભળાયો.

‘આપ કોણ છો સાહેબ ?’ કર્મચારીએ વિવેક્ભર્યા અવાજે પૂછ્યું અને પછી તરત જ ઉમેર્યું, ‘તેઓ છે તો ખરા પાર્ટીમાં મહેમાનો સાથે છે . આપને એમનું શું કામ છે ?’

‘મારે તેમનું ખુબ જ જરૂરી કામ છે અને એ હું તેમને જ કહી શકું એમ છું.’

ફોન પર થોડી પળો માટે ચુપકીદી છવાઈ ગઈ.

‘હલ્લો...’ એ કર્મચારી બોલ્યો, ‘આપનું નામ જણાવો, એટલે હું તેમને જાણ કરું છું. પછી તેઓને યોગ્ય લાગશે તેમ કરશે.’

‘નામ આપવાથી કશો જ લાબ્ભ નહીં થાય. કારણ કે તેઓ મારાથી અપરિચિત છે.

તમે ફક્ત એટલું જ જણાવો કે એક અત્યંત ગંભીર કામ છે અને આ તેમની પ્રતિષ્ઠાનો સવાલ છે, ’

‘જી… ઈ… ઈ...’ એની વાત સાંભળીને કર્મચારીના મોંમાંથી આશ્ચર્યોદગાર સરી પડ્યો.

‘તમે નાહક જ સમય ગુમાવો છો મિસ્ટર...!’ સામે છેડેથી આવતા અવાજમાંથી નરમાશ અદ્રશ્ય થઇ ગઈ. આ વખતે તેનો અવાજ બ્લેડની ધાર જેવો તીખો હતો.

‘હું...હું...’ કર્મચારી થોથવાયો, ‘આપ..આપ હોલ્ડ ઓન રાખજો સાહેબ...! હું હમણાં જ તેમને ખબર આપું છું.’

પૂરી બે મિનિટ પછી દેવીપ્રસાદ એ હોલમાં એકલો જ પ્રવેશીને ટેલીફોન પાસે પહોંચ્યો.

‘હલ્લો...!’ એ બેહદ રૂક્ષ, ક્રોધિત અને ઘાયલ થયેલા, છંછેડાયેલા કાળા ભોરીંગના ફૂંફાડા જેવા અવાજે ગર્જી ઉઠ્યો. ‘કોણ છો તમે...?’

‘હું શેઠ દેવીપ્રસાદ સાથે વાત કરવા માંગુ છું.’ સામે છેડેથી આવતો અવાજ બેહદ શાંત અને સ્વસ્થ હતો.

‘બોલો...’ દેવીપ્રસાદના અવાજમાં નારાજગીનો સુર હતો.

પેલા કર્મચારીએ ખુબ ડરતાં ડરતાં ટેલીફોન પર કહેવામાં આવેલી પ્રતિષ્ઠાની વાત અક્ષરશ: તેને ધીમે અવાજે કરી હતી. અને એ સાંભળ્યા બાદ તેનો ચહેરો કાળઝાળ રોષથી લાલઘુમ થઇ ગયો હતો. આંખોમાંથી જાણે કે આગ વરસતી હતી. પગ પછાડતો, ઉશ્કેરાયેલી હાલતમાં જ તે ટેલીફોન પાસે પહોંચ્યો હતો. અને રિસીવર ઊંચકીને સીધો બરાડો નાંખ્યો હતો. પોતાની પ્રતિષ્ઠાને જોખમમાં મૂકી શકે એવો કયો માઈનો લાલ વિશાળગઢમાં જનમ્યો છે, એ વાત જાણવાની તેને ઉત્કંઠા હતી અને જાણ્યા પછી એને નેસ્તનાબૂદ કરી નાખવાની તીવ્ર લાલસા તેને જાગી હતી.

‘તમે પોતે જ શેઠ દેવીપ્રસાદ છો ?’ એનો ક્રોધિત અવાજ સાંભળ્યા બાદ સામે છેડેથી ફોન કરનારને ખાતરી થઇ હતી કે તે દેવીપ્રસાદ જ છે અને પ્રતિષ્ઠાની વાત સાંભળ્યા બાદ તે ક્રોધે ભરાયેલો હોય એ સ્વાભાવિક જ હતું પરંતુ તેમ છતાંય એના અવાજમાં કારમી સ્વસ્થતા હતી.

અને આ સ્વસ્થતાને દેવીપ્રસાદે પણ પારખી હતી.

‘હા...’ એણે કહ્યું.

‘મિસ્ટર દેવીપ્રસાદ...! મેં અત્યારે ફોન કર્યો છે, એ તમને ગમ્યું નથી લાગતું. ખેર કંઈ વાંધો નહીં. વાત કરવાની ઈચ્છા ન હોય તો રિસીવર મૂકી દો. હું તમારા વેવાઈ સાથે વાત કરી લઉં છું.’

‘તેમની સાથે શું વાત કરશો ?’ દેવીપ્રસાદે મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું.’

એ જ વાત... કે ભરતપુરથી પકડી લાવ્યા...’

‘ન...ના...!’ દેવીપ્રસાદ ભયભીત અવાજે બોલી ઉઠ્યો. થોડી પળો પહેલાનો તેનો ક્રોધ કોણ જાણે ક્યાં ઉડી ગયો હતો.વળતી જ પળે એનું શરીર પરસેવે રેબઝેબ બની ગયું હતું.

‘શું , ના...દેવીપ્રસાદ...? બોલો, શું ના...?શું ભરતપુરથી નથી પકડી લાવ્યા...?

‘તમે...તમે કોણ બોલો છો...?’દેવીપ્રસાદે કંપતા અવાજે પૂછ્યું. સામે છેડેથી કહેવાયેલી વાત સાંભળીને એના ચહેરાનો રંગ ઉડી ગયો હતો.

‘તો સાંભળો...લોકો મને બાજીગર તરીકે ઓળખે છે.’

‘શું...?’ બજીગરનું નામ સાંભળીને દેવીપ્રસાદનું શરીર બરફ જેવું થઇ ગયું.

બાજીગર એક ખુબ જ હોશિયાર અને ચાલાક બ્લેકમેઈલર હતો. પૈસાદારોની દુઃખતી રગ પકડીને તેમને બ્લેકમેઈલ કરવાનો તેનો મુખ્ય ધંધો હતો અને મજાની વાત એ હતી કે એના બ્લેકમેઈલીંગનો શિકાર બનેલો કોઈ પણ માણસ તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નહોતો નોંધાવતો.

બાજીગરની આવકનું મુખ્ય સાધન બ્લેકમેઈલીંગ જ હતું.

બ્લેકમેઈલીંગનો ભોગ બનનાર શિકાર ફોન પર પોલીસને તેની ફરિયાદ કરતા હતા પરંતુ તેઓ પોલીસને પોતાનું નામ નહોતા જણાવતા.

આ સંજોગોમાં પોલીસ પણ બજીગરનું શું બગાડી શકે તેમ હતી?

જોકે પોલીસે બ્લેકમેઈલરોના હીટલિસ્ટમાં બાજીગરનું નામ નોંધી લીધું હતું પણ પુરાવાના અભાવે એ તેની વિરુદ્ધ કોઈ જાતના કાયદેસર પગલાં ભરી શકે તેમ નહોતી.

આજ સુંધીમાં બજીગરને કોઈએ પ્રત્યક્ષમાં નહોતો જોયો.

એના ચહેરાથી કોઈ જ પરિચિત નહોતું.

બાજીગર નામનો કોઈક માનવી પૈસાદારોને બ્લેકમેઈલ કરે છે, એટલું જ લોકોએ સાંભળ્યું હતું.

બાજીગરના સંગઠનમાં કામ કરનાર સભ્યોએ પણ તેનો ચહેરો નહોતો જોયો.

કારણ...?

બાજીગરની કડક સુચના...!

કોઈએ પોતાનો ચહેરો જોવાનો પ્રયાસ ન કરવો એવી કડક સૂચના એણે પોતાના સંગઠનના સભ્યોને આપી હતી. આવો પ્રયાસ કરનારને સ્વધામ પહોંચાડી દેવામાં આવશે એવી ચેતવણી પણ ઉચ્ચારી હતી.

એક વખત સંગઠનના એક સભ્યે બાજીગરનો ચહેરો જોઈ લીધો.

જોકે એમાં ભૂલ એ સભ્યની નહીં, પણ બાજીગરની જ હતી. કારણ કે એ વખતે એણે પોતાના ચહેરા પર નકાબ ચડાવેલો નહોતો.

પરંતુ આ ભૂલના પ્રાયશ્ચિતરૂપે બાજીગરે એ સભ્યને ગોળી ઝીંકીને પરલોકના પંથે મોકલી આપ્યો.

આ બનાવ પરથી સંગઠનના સભ્યો, એના ચહેરો જોવાનો પ્રયાસ કરવો તો એક તરફ રહ્યો. ક્યારેય ભૂલેચૂકે પણ બાજીગર સામેથી પોતાનો ચહેરો ન બતાવે એવી ઈશ્વરને પ્રાર્થના કરતા હતા.

બાજીગર તીવ્ર બુદ્ધિશાળી હતો.

ગણતરીની મિનિટોમાં જ યોજના બનાવીને તેનો અમલ કરવામાં નિષ્ણાત હતો.

નિષ્ણાત હોવાની સાથે સાથે પૂરો સિદ્ધાંતવાદી પણ હતો.

એણે આજ સુંધીમાં ક્યારેય કોઈ ગરીબને હેરાન નહોતા કર્યા. એ ગુપ્ત રીતે અનાથાશ્રમો અને ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓને મોટી મોટી રકમ દાનમાં આપતો હતો.

એને માત્ર પૈસાદારો સાથે જ દુશ્મનાવટ હતી.

ભગવાન જાણે એના મનમાં પૈસાદારો પ્રત્યે આટલી દાઝ અને નફરત શા માટે ભરી હતી.

‘કેમ, દેવીપ્રસાદ...? આ વખતે સામે છેડેથી તેને એકવચનમાં સંબોધવામાં આવ્યો, ‘મારું નામ સાંભળતા જ તારું ધોતિયું...ભૂલ્યો...પેન્ટ બે ઇંચ નીચે સરકી ગયું ને...?પરંતુ હું પણ તારી જેમ જ હાડ-માંસનો માણસ છું. કંઈ ભૂત-પ્રેત કે જિન્ન નથી...!

દેવીપ્રસાદની હાલત પ્રત્યેક પળે ખરાબ થતી જતી હતી.

એના દિમાગમાં મૂંઝવણયુક્ત વિચારોનું તુમુલ યુદ્ધ જામ્યું હતું.

‘હલ્લો...દેવીપ્રસાદ ઊંઘી ગયો કે શું ?’

‘ન...ના...!’

‘તો પછી તારી બોબડી શા માટે બંધ છે...?કંઈ બોલતો કેમ નથી...?

‘શ...શું બોલું બાજીગર...?’

‘તારી ચારિત્ર્યહીન દિકરીના લગ્ન કરીને તેં સોનેરી તકનો આબાદ લાભ ઉઠાવ્યો છે...! તારી પાસે ખુબ જ પૈસા છે એટલે પૈસાના જોરે તેને જેમતેમ કરીને સાસરે વળાવી દઈશ.’

‘ઈશ્વરને ખાતર ચૂપ થઇ જા બાજીગર...!’ દેવીપ્રસાદે ચોર નજરે આજુબાજુ નજર કરતાં કહ્યું.

‘મારા ચૂપ થવાની કિંમત જાણે છે તું...?’

‘ના...તું જ જણાવી દે...!’

મેં તારી પાસેથી અગાઉ કશું જ નથી લીધું એટલે હું તારી પાસેથી મોટી રકમની આશા રાખું છું.’

‘મોટી રકમ...?’

‘હા...’

‘પચાસ હજાર આપી દઉં...?’

‘શું...? શું કહ્યું...?’ સામે છેડેથી હંટરના ચાબખા જેવો અવાજ તેને સંભળાયો.

‘પચાસ હજાર...!’દેવીપ્રસાદ ફરીથી બોલ્યો.

‘બસ...? બજારમાં તો તારી આબરુ કરોડ રૂપિયાની છે !’

‘બાજીગર...’

‘તું શું મને ભિખારી માને છે દેવીપ્રસાદ...?તારી દિકરી આવારા અને ચારિત્ર્યહીન છે...! એ બળવંત નામના એક યુવાન સાથે નાસી છૂટી હતી. બળવંત સાથે એ બે મહિના સુંધી ભરતપુરની સુપ્રીમ હોટલમાં રોકાઈ હતી. મારા માણસે તારી દિકરી તથા બળવંતના કઢંગી હાલતના ફોટા પાડ્યા છે. આ ફોટા જો તું જુએ તો તારી દિકરીનું ખૂન જ કરી નાખે !પરંતુ તું એનું ખૂન નહીં જ કરે કારણ કે એ તારી એકની એક દિકરી છે અને એના પ્રત્યે ખુબ જ લાગણી છે. આ બધી માહિતી એકઠી કરવામાં જ મારા ચાલીસ હજાર રૂપિયાનો ધુમાડો થઇ ગયો છે અને તું મખ્ખીચુસ મને પચાસ હજાર રૂપિયામાં ટાળી દેવા માંગે છે? બળવંત તારી દિકરીને ભવિષ્યમાં નડતરરૂપ ન બને એટલા માટે તેં એ બિચારાનું મોં હંમેશને માટે બંધ કરી દીધું. વાસ્તવમાં બધો વાંક બળવંતનો નહીં પણ તારી દિકરીનો હતો. બળવંત તારી દિકરીને ભગાડી નહોતો ગયો પણ એ જ તેને ભગાડી ગઈ હતી.ખેર, એ વાતને પડતી મૂકી કાન ખોલીને ધ્યાનથી સાંભળી લે કે હું બળવંત નથી, કે તું મને સ્વધામ પહોંચાડી દઈશ. મારું નામ બાજીગર છે...! અને બાજીગર આજ સુંધીમાં કદાપી એકેય બાજી નથી હાર્યો...! હંમેશા જીતતો જ આવ્યો છે. મારા જેવા સિંહની સામે તારી હેસિયત બકરાથી વધુ નથી સમજ્યો...?’

‘તો પછી તું જ જણાવી દે કે મોં બંધ રાખવા માટે તું મારી પાસેથી કેટલી રકમની આશા રાખે છે ?’

‘પંદર લાખ...’

‘શું...?’ દેવીપ્રસાદનો સાદ ફાટેલા વાંસની જેમ તરડાઇ ગયો, ’પંદર લાખ...?’

‘કેમ...! ઓછા છે...?’

‘ના...બહુ વધારે છે...’

‘તારી હેસીયાતની સરખામણીમાં તો આ રકમ બહુ ઓછી કહેવત...!તારા બાપદાદાઓએ ગરીબ લોકોના લોહી ચૂસી ચૂસીને લાખો રૂપિયા એકઠા કર્યા હતા...! ગરીબ ખેડૂતોને નજીવું ધિરાણ આપીને મફતના ભાવમાં તેમની જમીનો પડાવી લીધી છે અને તું તો એના કરતાંય ઉસ્તાદ નીકળ્યો. તેં તો સરકારની જ જમીનો પચાવી પાડી છે. રાતોરાત પ્લોટો પાડીને વેચી માર્યા છે. બોલ, પંદર લાખમાં તને સોદો મંજુર છે કે નહીં...? બદલામાં હું તને તારી દિકરીના બળવંત સાથેના ફોટાઓ તથા નેગેટીવો સોંપી દઈશ.’

‘પંદર લાખ તો બહુ વધારે પડતા છે બાજીગર...!’

‘ખામોશ કમજાત...!’ સામે છેડેથી હિંસક પશુ જેવો ઘૂરકાટભર્યો અવાજ પીગળેલા સીસાની માફક દેવીપ્રસાદના કાનમાં ઉતરી ગયો, ‘સાલ્લા વનેચર...! ઈશ્વરનો ઉપકાર માન કે હું તને રસ્તામાં છોડી દઉં છું. હું તારી પાસે અડધી મિલકત માંગત તો, એ આપવા માટે પણ તું તૈયાર થઇ જાત...! કારણ...! ઈજ્જત...આબરૂ...પ્રતિષ્ઠા...માન-સન્માન...! ભાઈ દેવીપ્રસાદ...! આ આબરુ બહુ ભયંકર વસ્તુ છે ! ભયંકર હોવા છતાં માણસ તેને ગુમાવવા માટે તૈયાર નથી હોતો. પછી એ ભિખારી હોય કે તારા જેવો પૈસાદાર...!અને એમાંય ખાસ કરીને તારા જેવા સફેદ ચોરને તો આબરૂ જવાનો ભય જ સતાવતો હોય છે...!દસ રૂપિયા માટે જો આબરૂ જતી હોય તો તું એની પાછળ સો રૂપિયા ખર્ચતાં પણ જરાય અચકાઈશ નહીં...! કેમ...? મારી વાત સાચી છે ને ? તને પણ તારા પ્રાણ કરતાં તારી આબરૂ વધુ વ્હાલી હશે એમ હું માનું છું. કદાચ ન હોય તો પણ એમાં મારું કશુંય નથી બગડવાનું...! જે કંઈ બગડશે, તે તારું જ બગડશે. તારી દિકરી અને બળવંતના શરમજનક ફોટા હું તારા વેવાઈ સુંધી પહોંચાડું એટલી જ વાર છે. પછી તારા પ્રાણથી યે વ્હાલી આબરૂની અંતિમયાત્રા નીકળી જશે...કોઈ તારા મોં પર થૂંકવાનું પણ પસંદ નહીં કરે ! આ સંજોગોમાં તારે આપઘાત જ કરવો પડશે.’

‘ન...ના...એવું ન બોલ બાજીગર...!’ દેવીપ્રસાદ ધ્રુજતા અવાજે બોલ્યો. અવાજની સાથે સાથે એનો દેહ પણ સુકા પાંદડાની જેમ ધ્રુજતો હતો.

‘તો મારી વાત તને મંજુર છે ?’

‘હા...’

‘વેરી ગુડ...! તારા જેવા સમજદાર માણસો મને ખુબ જ ગમે છે !’

‘બોલ, રકમ ક્યાં પહોંચાડવાની છે ?’

‘તૈયાર જ પડી છે ?’

‘તૈયાર જ છે એમ માની લે...!’

‘તો પછી કાલે સવારે સાડાનવ વાગ્યે રકમ લઈને નેશનલ પાર્કમાં ભગવાન બુદ્ધની પ્રતિમા પાસે આવી જજે. ત્યાં તને મારો એક માણસ મળશે. તું એને રકમ આપીને ફોટા તથા તથા નેગેટીવોવાળું કવર મેળવી લેજે અને સાંભળ દેવીપ્રસાદ, તું કમજાત છો એટલે તારું કમજાતપણું બતાવવાનો પ્રયાસ કરીશ નહીં. જો કરીશ તો આબરૂની સાથે સાથે તારે જીવ પણ ગુમાવવાનો વખત આવશે એટલું યાદ રાખજે.’

‘મારા પર ભરોસો રાખ બાજીગર...! હું આવો કોઈ પ્રયાસ નહીં કરું...!’દેવીપ્રસાદથોથવાતા અવાજે બોલ્યો.

‘ન કરે એમાં જ તારું હિત છે...!’

‘હું સમજુ છું.’

‘વેરી ગુડ...!’

વળતી જ પળે સામે છેડેથી સમાંબંધ વિચ્છેદ થઇ ગયો.

દેવીપ્રસાદ ગજવામાંથી રૂમાલ કાઢીને કપાળ પરનો પરસેવો લુછવા લાગ્યો.

એનો ચહેરો ધોળો પૂણી જેવો થઇ ગયો હતો.

આંખોમાં ખોફ અને દહેશતના હાવભાવ છવાઈ ગયા હતા.

ત્યારબાદ તે બહારના ભાગ તરફ આગળ વધી ગયો.

મહેમાનોનું પણ માન જાળવવું પડે તેમ હતું.

બાકી બાજીગરની વાત સાંભળ્યા પછી એનો મૂડ બગડી ગયો હતો.

પાર્ટીમાં હવે તેને કશોય રસ નહોતો રહ્યો.

પાર્ટી પૂરી થયા પછી એ પોતાના શયનખંડમાં આવ્યો.

એ આખી રાત એણે જાગતી હાલતમાં જ પસાર કરી.

એને કેમેય કરીને ઊંઘ ન આવી.

રાત દરમ્યાન તેને બાજીગરના જ વિચારો સતાવતા રહ્યા હતા.

મનોમન એ પોતાની દિકરી પર પણ ધૂંધવાતો હતો.

પરંતુ એ તેને કશું જ કહી શકે તેમ ન હતો.

કારણ...?

કારણ કે એ તેની એકની એક દિકરી હતી અને એના પ્રત્યે તેને ખુબ જ લાગણી હતી.

બીજે દિવસે સવારના પહોરમાં જ એણે પંદર લાખ રૂપિયાની વ્યવસ્થા કરી લીધી.

રકમ લઇ તે એ નેશનલ પાર્કમાં પહોંચી ગયો અને બાજીગરના માણસને તે સોંપીને ફોટા તથા નેગેટીવોવાળું કવર મેળવી લીધું.

આ કામ પૂરું કરીને અત્યારે તે પોતાના બંગલા તરફ પાછો ફરતો હતો.

ફોટાઓ તથા નેગેટીવોવાળું સીલપેક કવર એના કોટના અંદરના ગજવામાં પડ્યું હતું.

ઘેર પહોંચતા જ સૌથી પહેલા પોતે આ કવરનો નાશ કરી નાખવાનું કરશે એમ એણે વિચાર્યું હતું.

થોડીવાર પછી એ પોતાના પ્રાઈવેટ ખંડમાં મોજૂદ હતો.

એણે ગજવામાંથી કવર તથા લાઈટર બહાર કાઢ્યા.

એક વખત ફોટા જોવાનું તેને મન થયું.

પરંતુ પછી એ ફોટામાં શું હશે તેની કલ્પના કરતાં જ એણે પોતાનો વિચાર માંડી વાળ્યો.

-ના...પોતે આ ફોટા જોઈ શકે તેમ નથી.

એમાં પોતાની જ દિકરી બળવંત સાથે...

ના...ના...

એના કરતા તો એમ ને એમ સળગાવી નાખું એ જ વધુ યોગ્ય રહેશે.

પછી અચાનક વિજળીવેગે એક વિચાર તેના મગજમાં આવ્યો.

દેવીપ્રસાદ આ તો બાજીગર છે...! એણે તને છેતરવાનો પ્રયાસ તો નથી કર્યો ને ?

જો આમાં તારી દિકરી અને બળવંતના ફોટા નહીં હોય તો...?

તો...?

આ સવાલ હથોડાની માફક તેના દિમાગમાં ઝીંકાવા લાગ્યો.

તો શું થશે ?

તો એ સંજોગોમાં બીજા પંદર લાખ ચુકવવાની તૈયારી કરી લેજે.

બાજીગર બ્લેકમેઈલર છે.

બ્લેકમેઈલરનો શું ભરોસો...?

એ તો પોતાનો શિકાર જ્યાં સુંધી ન નીચોવાઈ જાય ત્યાં સુંધી તેને નથી છોડતો.

એ ભવિષ્યમાં પણ તને બ્લેકમેઈલ કરી શકે તેમ છે.

તો શું કરવું ?

કરવાનું શું હતું માળા મૂરખ...!

કવર ઉઘાડી ફોટા એ જ છે કે નહીં તેની તપાસ કરીને સળગાવી નાખ.

બસ, પત્યું...! તું છૂટ્યો...!

એણે કવરમાંથી ફોટા કાઢ્યા.

પહેલા ફોટા પર નજર પડતા જ એ ચમક્યો. એફોતો ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિતનો હતો.

એણે બીજો ફોટો જોયો...! એ ફોટામાં તો ભાઈ, શ્રીદેવી સ્મિત ફરકાવતી હતી.

અને ત્રીજો ફોટો...! એની તો વાત જ જવા દો...! એમાં જયાપ્રદા ખડખડાટ હસતી હતી.

ચોથો...? ના...હો...એ કોઈ અભિનેત્રીનો નહોતો...! એ તો હતો અનિલકપુરનો ફોટો...!

પાંચમો અને છેલ્લો...? ભાઈઓ...હીરો-હિરોઈન તો આવી ગયા...! હવે કોણ બાકી રહે છે...? હા સમજી ગયા ને ...? એ એકદમ સાચું...! એ ફોટો હતો ફિલ્મી વિલન અમરીશપૂરીનો...!

બાજીગરે ફિલ્મી હીરો-હિરોઈન અને વિલનનો મેળાપ કરી દીધો હતો.

ફોટા જોયા પછી દેવીપ્રસાદની હાલત વિશે કલ્પના કરો જોઈએ...?

એ ગરીબની...ભૂલ્યો...પૈસાદારની શી હાલત થઇ હશે...?

તમે કલ્પના કરવામાં તો મારા કરતા પણ આગળ નીકળી ગયા...!

જાણે કોઈએ ભરબજારમાં લોકોની ભીડ વચ્ચે વગર વાંકે સણસણતો તમાચો ઝીંકી દીધો હોય એવા ક્રોધમિશ્રિત લાચારી અને અપમાનના હાવભાવ તેના ચહેરા પર છવાઈ ગયા હતા.

બાજીગર પાસેથી આવા વિશ્વાસઘાત અને આવી છેતરપિંડીની એણે આશા નહોતી રાખી.

રાખે પણ ક્યાંથી...?

દિકરીનો બાપ હતો ને...?

એના હાથમાંથી ફોટાવાળું કવર તથા લાઈટર છટકી ગયા. તે સોફા પર ફસડાઈ પડ્યો.

એની આંખો સમક્ષ થોડી પળો માટે અંધકાર ફરી વળ્યો.

પંદર લાખની રકમ ગુમાવવા કરતા, એ ફોટા હાથમાં ન આવ્યા એનું દુઃખ તેને વધારે હતું.

એ ફોટા તેની લાડકી દિકરીનું ભવિષ્ય બરબાદ કરી શકે તેમ હતા.

આ બાબતમાં તો જેમ જેમ વિચારતો જતો હતો, તેમ તેમ એનું શરીર પરસેવાથી તરબતર થતું જતું હતું.

સહસા ટેલીફોનની ઘંટડીના અવાજથી તેની વિચારધારા તૂટી.

તે સોફા પરથી ઉભો થઈને નિરાશ વદને થાકેલા લથડાતા પગે ટેલીફોન પાસે પહોંચ્યો.

અત્યારે તે સંસારનો સૌથી દુઃખી માણસ લાગતો હતો.

‘હલ્લો...! એણે રિસીવર ઊંચકીને કાને મુકતા નંખાઈ ગયેલા અવાજે કહ્યું.

‘દેવીપ્રસાદ...! પ્રસાદી મળી ગઈ...?’ સામે છેડેથી બાજીગરનો અવાજ તેના કાને અથડાયો.

‘બાજીગર...!’ એના અવાજમાં ક્રોધમિશ્રિત નારાજગીનો સુર હતો. ‘મેં તારી પાસેથી આવા દગાની આશા નહોતી રાખી.

‘દગો...?’

‘હા...’

‘મેં તો તારી સાથે જાતનો દગો નથી કર્યો દેવીપ્રસાદ!’

‘તેં મને મારી દિકરી તથા બળવંતના ફોટા ન આપ્યા, એ દગો નહિ તો બીજું શું છે?’

‘પણ મારી પાસે એવા કોઈ ફોટા હોય તો આપુંને...?

‘એટલે...?’

‘એટલે એમ કે મારી પાસે આ જાતના કોઈ ફોટા હતા જ નહીં...!’

‘શું...?’ જાણે હાથમાંથી રિસીવરને બદલે ભૂલથી કાળોતરો સર્પ પકડી લીધો હોય એમ દેવીપ્રસાદ ચમક્યો.

‘હા...તને કદાચ મારી વાત પર ભરોસો નહીં બેસતો હોય, પણ હું સાચું કહું છું. મારી પાસે ખરેખર જ આ જાતના કોઈ ફોટા નથી. હોય પણ ક્યાંથી...? ન તો મારો કોઈ માણસ ભરતપુર ગયો છે કે ન તો આવા કોઈ ફોટા પાડવામાં આવ્યા છે !’

‘તો...પછી...?’

‘આ તો મેં અંધારામાં તીર છોડ્યું હતું અને તે આબાદ નિશાન પર ચોંટી ગયું. એટલા માટે ચોંટી ગયું કે હાલમાં મારા ગ્રહો મારી તરફેણમાં છે. નહીં તો તારા જેવા બોકડાઓ મને ક્યાંથી મળે…?’

‘નીચ… સુવ્વર… કમજાત… લબાડ… પાજી...!’ દેવીપ્રસાદના મોંમાંથી ગાળોનો વરસાદ વરસી ગયો.

‘શટઅપ...! હરામખોર, ગાળો આપે છે...? તારી દિકરીને ચારિત્ર્યહીન પુરવાર કરવા માટે મારી પાસે કોઈ પુરાવો નથી એ વાત હું કબુલ કરું છું પરંતુ મારી પાસે જેટલી જાણકારી છે, એ જાણકારીના આધારે હું રાઈનો પર્વત બનાવી શકું તેમ છું. તલનો તાડ બનાવી શકું તેમ છું.તારી દિકરીનું ભવિષ્ય એટલી હદ સુંધી બરબાદ કરી શકું તેમ છું કે તેને તારા વેવાઈ તો ઠોકર મારી જ દેશે, ઉપરાંત બીજું પણ કોઈ તેનો હાથ પકડવા તૈયાર નહીં થાય.

‘ન...ના… બાજીગર.. તું...તું… એવું કરીશ નહીં...!

‘જો કરું તો મને કોણ અટકાવી શકે તેમ છે ? હું જે ધારું તે કરી શકું તેમ છું દેવીપ્રસાદ ...! હું કંઈ ગાજર-મૂળો નથી કે મને કોઈ ચાવી જાય...! બુદ્ધિ નામની ચીજ મારા મગજમાં ઠાંસીઠાંસીને ભરી છે.આ કારણસર જ હું અજ સુધી પોલીસની ચુંગાલમાં નથી જકડાયો. એટલે મારી તને નેક સલાહ છે કે તું ચુપચાપ બેસી જ...! તારો ટાઈમ પાસ ન થતો હોય તો મેં તને જે ફોટા પ્રસાદી રૂપે મોકલ્યા છે, તેની આરતી ઉતારવા માંડ...! જો મારી સાથે અથડામણમાં ઉતરવાનો પ્રયાસ કરીશ તો એનું પરિણામ તારે માટે ભયંકર આવશે. ટૂંકમાં કહું છું... આટલામાં સમજી જા તો સારું...! સમજદાર માટે તો સંકેત જ પુરતો હોય છે. તું સમજદાર છો એની મને ખાતરી છે.

‘મને ...મને માફ કરી દે બાજીગર...!’ દેવીપ્રસાદ કરગરતા અવાજે બોલ્યો, ’સાચેસાચ તો એક તરફ કહ્યું, હું સપનામાં પણ તારી સાથે અથડામણમાં ઉતરવાનો પ્રયાસ નહીં કરું...!

‘ન કર એ જ તારા લાભમાં છે !’

વળતી પળે જ સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઇ ગયો.

એક ઊંડો શ્વાસ લઈને દેવીપ્રસાદે પણ રિસીવર મૂકી દીધું.

બાજીગરનો ખુલાસો સાંભળ્યા પછી એના ચહેરા પર રાહતના હાવભાવ છવાઈ ગયા હતા.

***