Featured Books
શ્રેણી
શેયર કરો

નદીની રેતમાં...(કાવ્ય આસ્વાદ) - નદીની રેતમાં રમતું નગર(કાવ્ય આસ્વાદ)

> કાવ્ય

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્શ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્ર્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઇને જોઇ લેવા દો,
આ હસતા ચહેરા, આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઇ અહીં,
પછી કોઇને કોઇની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઇ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

                                - આદિલ મન્સૂરી

     >   આસ્વાદ

              આદિલ તખલ્લુસથી સુપ્રસિદ્ધ આ ગઝલકારનું મુળ નામ ફકિરમહમ્મદ ગુલામનબી મન્સૂરી હતું. તેમનો જન્મ ૧૮-૫-૧૯૩૬ માં અમદાવાદમાં થયો હતો. તેમનો અભ્યાસ થોડો કરાચી અને થોડો અમદાવામાં થયો. તેમણે કાપડ વેચવાની દુકાનમાં પણ કામ કર્યું જ્યારે થોડો સમય પત્રકારીત્વ. એમ યોગક્ષેમ માટે વિવિધ પ્રવૃતિઓ કરી હતી. ઇ.સ ૧૯૮૫ માં ભારત છોડી કાયમને માટે અમેરિકા વસ્યા હતા. ઉર્દુમાં ગઝલ લખવાની શરૂઆત કરનાર આદિલ નું ગુજરાતી અને ઉર્દુ પર આગવું પ્રભુત્વ હતું તેમના ગઝલ અને કાવ્યસંગ્રહો માં "વળાંક", "પગરવ","સતત", "ગઝલના આયના ઘરમાં" નો સમાવેશ થાય છે જ્યારે "હાથપગ બંધાયેલા છે", " જે નથી તે" જેવા નાટકો પણ આપ્યા. આદિલના ગઝલ ક્ષેત્રના પ્રદાન બદલ તેઓ "વલી" ગુજરાતી ગઝલ એવોર્ડ થી સન્માનિત થયા હતા.
 
        ગઝલ રૂપી ઉત્તમ પ્રદાન આપનાર આદિલે કેટલાય દિલો માં રાજ કર્યું, તેમને ચિત્રેલા અવનવા ભાવો ગઝલ ને જાણે એક નવી ઉચાઈએ લઈ જતા અને તે વાચકોના માનસ પટ પર સ્થિર બનતા. આવા એક પ્રતિભાશાળી કવિ/ગઝલકારનું તા. ૬-૧૧-૨૦૦૮ ના રોજ અમેરિકામાં ડાયાબિટીસના કારણે અવસાન થયું.

             થોડા સમય પહેલાજ વિદાયમાન થયેલ કવિ/ગઝલકાર આદિલ મન્સુરી પ્રસ્તુત કાવ્યમાં જે ઘટના છે તે અંગત જીવનના અનુભવોને આલેખીને રચાઈ છે આમ છતાં આપણા જીવનને પણ એ સ્પર્શે છે. માનવી સ્વભાવ ને અને પોતાના સરળ સ્વભાવ ને આલેખીને ગઝલ લખતા આદિલ બધા લોકો ની વાચા બને છે જાણે બધા વ્યક્તિ ઓ ના મનની વાત બહાર લાવવાનું કામ આદિલ કરતા હોય પ્રસ્તુત કાવ્યમાં કવિએ પોતાના વતનની યાદ ને તાજી કરી છે અને કવિ હાથમાં કલમ લઈ અને સ્મરણોની દુનિયામાં ખોવાયા છે.

        "નદીની રેતમાં રમતું નગર મળે ન મળે...''
     
             વિદેશમાં વસ્વા માટે જઈ રહેલા કવિને પોતાનું એ નદીના કાંઠે આવેલું નગર (અમદાવાદ) યાદ આવે છે અને એ નગરની યાદો ફરી આ સ્મૃતિપટ ઉપર આવશે કે નહી એ પણ મુંજવણ છે. આથી કવિ વતન છોડતી વેળાએ પોતાના વતનની યાદોને પોતાના મનમાં અંકિત કરી લેવા માંગે છે નદીના ઉછળતા મોજાઓને એક દરિયોજ સમાવી શકે તેમ કવિ આ નદીની રેતમાં રમતા નગરને પોતાના શ્વાસમાં એની સુગંધને દરિયાની માફક સમાવવા માંગે છે કારણ પછી વિદેશમાં આ વતનની માટીની અસર ન પણ મળે. આમ છતાં તે પોતાની યાદોના મૂળિયાં વતનની માટીમાં છોડી જાય છે અને એ વતનની ધૂળ તેના અસ્તિત્વ સાથે ચોટેલી રહે છે.
          
           અચાનક વિદેશ જવાનો પ્રસંગ આવ્યો ત્યારે આ કાવ્યનું સર્જન થયું પરંતુ કવિનું આ વર્ણન કોઈ પણ વિદેશમાં વસતા વ્યક્તિને પોતાના વતનની યાદમાં આંખો ભીની કરાવે તે સહજ છે જે કેટલાય મનુષ્યમાં સમાન છે પરંતુ આદિલ મન્સૂરી જ તેને વાચા આપી શકે.
       
               
       "પરિચિતોને ધરાઈને જોઈ  લેવા દો..."

                કવિ વતન છોડતી વેળાએ પોતાના નગરને તો યાદ કરેજ છે સાથે સાથે તેમને કેટલાય સ્નેહીજનો/પરિચિતોનો સાથ પણ છોડવાનો છે આથી તેઓ બધા પરિચિતોને ધરાઈને જોઈ લેવા માંગે છે જેથી તેમની આ છેલ્લી મુલાકાતની યાદી પણ મનમાં અંકિત થઇ શકે કારણ ફરી પાછા આ હસતા ચહેરા ઓ અને સ્નેહ ભરી મીઠી નજર પાછી ન પણ મળે આવીજ રીતે તેઓ પોતાના નગરના રસ્તાઓ, બારીઓ, ભીંતો જેવી નિર્જીવ વસ્તુઓ ને પણ મન ભરીને માંણે છે જાણે આદિલે એમાં પ્રાણ પૂર્યા હોય. તેમને આ ઘર, ગલી જેવી નિર્જીવ વસ્તુનો વિયોગ પણ પોસાય તેમ નથી આથી તેમને પણ આંખોમાં ભરીલે છે.
             
             કોઈ એવી વિશાળ જગ્યા માં કવિ  સ્મૃતિ ઓ ને કેદ કરવા માંગે છે જ્યાં થી એ ક્યારે પણ વિસરાય નહીં. પોતાના મન થી વિશાળ જગ્યા કવિને બીજી કોઈ લાગતી નથી. આથી તે ધરાઈ ને આં સ્મૃતિ ઓ ને મનમાં ભરી લેવા માંગે છે.અને નવ જીવન તરફ પ્રયાણ કરે છે
              
      "રડીલો આજ સંબંધોને વીંટળાઈને અહીં..."

                આ પંક્તિમાં કવિની વેદનાની સાચી પ્રતીતિ થાય છે જે અંતિમ વેળાએ દૃશ્ય ઊભું થાય તેવું જ દૃશ્ય વતન છોડતી વેળાએ ઉભુ થયું છે.જ્યાં કવિ મન ભરીને સ્નેહીજનો સાથે રડી લેવા માંગે છે કારણ કે પછી મળવા નો વખત આવે કે ન પણ આવે.એક રીતે જોતાં  વતન  છોડવાથી હવે તે કે પછી ત્યાંના સ્નેહીજનો એને મળશે પણ નહીં આથી આ અંતિમ મેળાપ છે.આમ છતાં તેમને વળાવવા માટે જે સ્નેહીજનો આવ્યા છે તે સ્મૃતિ પટ પર સ્થિર જ રહેશે ભલેને પછી સફરમાં બીજું કોઈ મળે કે ન પણ મળે.
         
    કવિ પોતાનો બધો અહમ ઓગાળીને નિસ્વાર્થ  પણે બધા સ્નેહીજનો ને મળે છે.અને કવિ ને ખબર છે કે આખરે તો બધા ને કબરકબરમાં દફન  થવાનુ જ છે અને થોડા સમય બાદ તો તે કબર ની જાણ પણ કોઈને નહિ રહે. તો પછી શા માટે કોઈ ઊચનીચ ના ભેદ કરવા ના. તેથી જ કવિ સ્નેહીજનો ને ભેટી ને રડી લેવા માંગે છે અને પોતાની ભૂલો ને ભૂલવા માંગે છે.
   
"વતનની ધૂળ થી માથું ભરી લઉં આદિલ..."
  
                    કવિ પોતાના વતનની ધૂળને એટલે કે તેની યાદોને માથે ધરે છે કારણ કે આ વિયોગ પછી તે ધૂળ પાછી ન પણ મળે. માનવ જીવનમાં સ્થાયી થવાના અને રખડવાના અંતિમો વચ્ચે અટવાયા છે એકમાં સલામતી છે અને બીજામાં સાહસ છે અને બને અનિવાર્ય છે કવિ એક જગ્યાએ સ્થાયી થયા છે આમ છતાં તેમની યાદી વતનની ધૂળ માં રખડતી રહે છે.
               
           પોતાના વતન થી વિખૂટા પડીને જે વેદના કવિ અનુભવે છે તેને આલેખવા માં તે  સફળ રહ્યા છે એમણે જે પ્રવાસ ખેડ્યો છે અને જ્યાં સ્થાઈ થયા છે ત્યાં ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં એમણે વતનની એ ધૂળ યાદ આવ્યા વગર રહે તેમ નથી.
અને એમને એ પણ ખાતરી છે કે હવે ભવિષ્ય માં આ ધરા પરના પ્રેમ ને તે પામવાના નથી અને એટલેજ તે આ સ્મૃતિ ઓ ને તાજી કરે છે.

               આમ,કવિ આદિલ મન્સૂરી કેટલાય એવા દૃશ્યોને સાંકળીને કાવ્યમાં રહેલ ભાવને પ્રકાશિત કરવામાં સફળ રહ્યા છે પોતના વતન (અમદાવાદ) માં જન્મેલા અને વિદેશમાં દેહ છોડનારા કવિ આજે પણ હર એક ગુજરાતીના હૃદયમાં જીવંત છે અને તેમની ગઝલો આજે પણ હર એક ગઝલ પ્રેમી ના મુખેથી લયબદ્ધ સંભળાયા કરે છે અને તેમની સ્મૃતિ ઓ તાજી કરાવે છે તેમણે ગઝલ ના વિકાસ માં પોતાની જે ભૂમિકા ભજવી તે સદાય ને માટે યાદ રહેશે.

       
                    આસ્વાદ :- આહિર દિનેશ.એસ
                                     પધ્ધર, ભુજ -કચ્છ
                                     9638887475