Diversion 1.1 books and stories free download online pdf in Gujarati

ડાયવર્ઝન ૧.૧

Diversion

ડાયવર્ઝન ૧.૧

(સ્ટોરી-૧/પાર્ટ-૧)

પ્રસ્તાવના:

એક એવું ડાયવર્ઝન જે આપણને લઇ જશે એક અનોખી અચરજ ભરી દુનિયામાં જે પહેલા ક્યારેય નહિ જોઈ હોય. આ ડાયવર્ઝન ક્યારેક તો બહુ મજા કરાવે છે પણ અમુક વખત તો એવી ભયાનક જગ્યાઓ એ લઇ જાય છે કે તમે સપનામાંય નહિ વિચારી હોય કે નહિ જોઈ હોય..!!

એક વખત જો તમે મેઈન રસ્તા પર થી આ ડાયવર્ઝન લઈને કોઈ શોર્ટકટ લેવા કે કોઈ ઉતાવળ કરવા ગયા તો સમજો કે તમે કોઈ મહા મુશીબત માં ફસાવવા જઈ રહ્યા છો. તો જોઈ, જાણી અને વિચારીને આ ડાયવર્ઝન પર વળજો. કેમકે એક વખત આ ડાયવર્ઝન વાળા રસ્તે વળ્યા પછી તમે પાછા નહિ વળી શકો પછી તો તમારે આ રસ્તો પૂરો કર્યેજ છૂટકો. આ રસ્તા પર ચાલવા ના પણ અમુક છુપા નિયમો છે અને જો તમે એ નિયમો નું બરાબર પાલન કર્યું તો તમે આ ડાયવર્ઝન આસાની થી પાર કરી શકો છો પણ જો તમે કોઈ નિયમ નો ભંગ કર્યો તો તમારી સાથે કંઇક વિચિત્ર થઇ શકે છે અને તમારો જીવ જોખમ માં મુકાઇ શકે છે! પણ તોય છેલ્લે તમારે ડરવાની બિલકુલ જરૂર નથી. વધુ માં વધુ આપણને ભય શેનો હોય મોત નો, નહિ..?! જો આ ડાયવર્ઝન વાળા રસ્તા પર તમને મોત પણ મળી જાય તો પ્રેમ થી સ્વીકારી લેવાનું..!!

હા. કેમકે એજ તો છે આ ડાયવર્ઝન ની ખાશીયત. જો તમે આ રસ્તા પર ગમે ત્યાં મોત ને ભેટો છો તો સમજી લ્યો કે તમે તમારા ડાયવર્ઝન ને રીસ્ટાર્ટ કરો છો. એટલે કે તમે ફરી થી જ્યાંથી ડાયવર્ઝન લીધુ હતું ત્યાં પહોચી જશો. જાણે કોઈ રોલર કોસ્ટર ની રાઈડ ફરી થી શરૂ કરતા હોવ તેમ. ફરી થી જો તમારે રોમાંચ જોયતું હોય તો આ ડાયવર્ઝન વાળા રસ્તા પર વળી જોવ નહિતર પકડો તમારો રસ્તો. ફરી વખત આ ડાયવર્ઝન પર આવવાથી તમે એજ દુનિયા કે એજ માહોલ મળશે એ નક્કી નથી એટલે જરા વિચારી ને ડાયવર્ઝન પર વળજો. જેટલી વખત આ ડાયવર્ઝન પર આવસો એટલી વખત અલગ અલગ રોમાંચ અને અચરજ ના જુદા જુદા વળાંકો આવશે...!! તો થઇ જાવ તૈયાર એક અલૌકિક દુનિયા ની સફર માટે. આ ડાયવર્ઝન પર સફર ખેડવા વાળો લગભગ હું પહેલો માણસ છું. અને કદાચ મારી પહેલા કોઈ જઈને આવ્યું હશે તોય ધ્યાન માં નથી. હું તમને મારા અનુભવો કહેવા જઈ રહ્યો છું.

***

આમ તો હું રોજ 7 વાગ્યા પછી જ ઓફીસ થી નીકળતો હોઉં છું પણ, આજે હું ઓફીસ થી વહેલો ઘરે આવવા નીકળ્યો. આજે સાંજે મારે કોઈ જરૂરી ઘરકામ પતાવવાનું હતું.

હું મારા રોજ ના આવવાવાળા રૂટ ની જગ્યાએ આ વરસાદી મોસમમાં એ રોડ પર વધુ ભીડ ભાડ હશે એમ વિચારીને શોર્ટકટ લઈને બીજા રસ્તે નીકળ્યો. આ શોર્ટકટ રસ્તો આમ તો મારા માટે નવો ન હતો. પણ કદાચ વરસાદ ના લીધે થોડા ઘણા ડાયવર્ઝન લેવા પડશે એનો ખ્યાલ મને એ રસ્તા પર ચડતા જ આવી ગયો. આમ તો રાત્રે કોઈ જલ્દી આ શોર્ટકટ વાળો રસ્તો લેતા નથી કેમકે આ રોડ નાના નાના ગામડાઓ, વેરાન પટ, લીલા ખેતરો માંથી થઈને નીકળે છે અને રસ્તામાં અમુક અંતરે નાના જંગલ જેવી ઝાડીઓ પણ આવે એટલે લોકો થોડું અંધારું થઇ જાય પછી આ રસ્તે જતા નથી.

પણ, આજે મારે થોડી ઉતાવળ હતી અને હજુ તો અંધારું થવાને ઘણી વાર હતી એટલે મેં હિંમત કરીને મારી બાઈક એ રસ્તે લીધી અને મન માં હનુમાન ચાલીસા બોલવાની ચાલુ કરી. ધીમે ધીમે હું આગળ વધી રહ્યો હતો ક્યારે મારી હનુમાન ચાલીસા પૂરી થઇ ગઈ અને મારા મનપસંદ ગીતો ગાવાના ચાલુ કરી દીધા મને એ પણ ખબર ના રહી! હું આજુબાજુ નો નજારો જોઈને એકદમ મોહિત થઇ રહ્યો હતો ભીની ભીની ખુશ્બુ આવી રહી હતી કેમકે થોડા દિવસ થી વરસાદે પુરેપુરો રંગ જમાવ્યો હતો. હમણાં થોડુ વરસાદ જેવું છે પણ એકદમ જીણા જીણા છાંટા પડી રહ્યા છે અને મને થોડે દુર આકાશમાં સૂર્યના કિરણો પણ દેખાઈ રહ્યા છે. કાળા વાદળો માંથી સૂર્ય પણ ગભરાઈને જલ્દીજ પોતાના ઘરે જવા ઉતાવળો બન્યો હોય તેમ આથમવા તૈયારી કરી રહ્યો છે. હું ઠંડી હવા અને મનમોહક ખુશ્બુ સાથે આ શોર્ટકટ રસ્તા ની મજા માણી રહ્યો હતો. હેલ્મેટ પહરેલું હતું એટલે મારો ગણગણવા નો ધીમો અવાજ પણ જાણે હું સ્ટુડીઓમાં ગાતો હોવું એવો લાગતો હતો. હું મારી મસ્તીમાં મસ્ત થઈને બાઈક, વરસાદ અને આજુબાજુના નજારા ની મજા લુટી રહ્યો હતો.

ટમટમ પડતા વરસાદમાં બાઈક ચલવવાની મજા કંઇક ઔર જ હોય છે! અને એમાં પણ જો તમારી વ્હાલમ તમારી સાથે હોય તો તો ઓ હો..હો...શું મજા આવે?! પણ, હું મારો હાથ બાઈક ના ટેંક પર પછાડીને અફસોસ કરી રહ્યો હતો કે કાશ આજે મારી વ્હાલમ મારી સાથે હોત, તો આ મૌસમ ની કંઇક અલગ જ મજા હોત. મારા મનના અતરંગી તરંગો અને વાતાવરણ ના રંગો સાથે હું રોમેન્ટિક મૂડ માં આવી ગયો હતો. મારા બાઈકને થોડી વધારે સ્પીડમાં ભગાવીને બંને હાથ ખુલ્લા કરીને હું કરતબ કરી રહ્યો હતો. રસ્તો એકદમ સૂમસાન હતો એટલે કોઈ બીક કે કોઈ શરમ મને નડવાની નહતી. પણ આગળ રોડ પર ખાબોચિયા દેખાયા એટલે મેં બાઈકને કંટ્રોલ કરવા સ્ટેયરીંગ ઝટ પકડી લીધુ અને સ્પીડ ધીમી કરી તો પણ આગળનું ટાયર એ નાના ખાડા માં પડ્યું અને મારું બેલેન્સ બગડ્યું. જેમતેમ કરીને મેં બાઈક ને સંભાળી અને ફરી આગળ વધ્યો. થોડીવાર પછી મારી નજર મિરર પર પડી, અત્યાર સુધી હું આ મનમોહક વાતાવરણના મોહ માં હતો એટલે સાઈડ મિરર પર મારી નજર જ પડી નહોતી, પણ એકદમ થી મેં જોયુકે પાછળ ઘટાદાર કાળા વાદળો જાણે સેના લઈને યુદ્ધે ચડ્યા હોય તેમ પુરપાટ મારી તરફ આવી રહ્યા હતા. હું એકદમ ગભરાયો બાઈક ઉભું રાખીને હેલ્મેટ ઉતારી બરાબર મારી પાછળ જોયું તો વીજળીના કડાકા સાથે વાદળો જાણે કે મને ઘેરી વળવાના હોય તેમ બિલકુલ મારી ઉપર સુધી આવી ગયા હતા. સામે સુરજ પણ આ વાદળોની સેના થી ડરી રહ્યો હતો. હવે, મને એ મનપસંદ ગીતો નહિ પણ વળી પાછી હનુમાન ચાલીસા યાદ આવી. હું થોડો સ્વસ્થ થયો અને મારા મોબાઈલમાં જોયું સમય ૬.૩૦ અને બેટરી લેવલ ૩૫% બતાવી રહ્યું હતું. મે મારો મોબાઈલ મારી પાછળ ભરાવેલી બેકપેક માં મુક્યો અને મારા જેકેટ ની ચેન બરાબર બંધ કરીને પહેર્યું જે અત્યારે સુધી ફિલ્મના કોઈ હીરો ની જેમ ખૂલ્લુ રાખી ને હું મજા માણી રહ્યો હતો.

‘ચલ હીરો હવે આ હીરોગીરી છોડ અને જો આ વાદળો ફાટ્યા તો તારી ખેર નથી!’ હું મનમાં બબડ્યો અને ધીરે ધીરે બાઈક આગળ વધાર્યું. શહેર થી મારા ગામ તરફ જતો હાઇવે જે મારે આ શોર્ટકટ થકી પકડવાનો છે એ હજુ થોડો દુર છે એટલે કે હું બરાબર આ શોર્ટકટ વાળા રસ્તા ના વચોવચ પહોચ્યો છું, એકાદ બે ગામડા નીકળી ગયા હવે આ રસ્તો પૂરો થશે ત્યાં છેક છેલ્લે એક નાનું ગામ આવશે વચ્ચે કોઈ ગામ નથી બસ થોડા ખેતરો અને જંગલી ઝાડીઓ. ખેતરો બધા ચોમાસું છે એટલે વહેલા ખાલી થઇ ગયા હોય એ સ્વાભાવિક છે, એકાદ ટ્રેક્ટર ને બાદ કર્યા સિવાય કોઈ રસ્તા માં હજુ મને દેખાયું પણ નહિ અને કદાચ કોઈ સામું આવ્યું હશે તો એ મને ખબર નથી કેમકે હું અત્યાર સુધી મસ્તી માં મશગુલ થઈને ‘મજનું’ બનીને કોઈ અલગ મુડમાં જ હતો. હવે મારા વાસ્તવિક મૂડ અને વાસ્તવિક વાતાવરણ માં આવ્યો છું. એટલે ટૂંક માં મારી નજર હવે આગળ ઓછી પણ પાછળ થી આવતા એ ખૂંખાર વાદળો પર વધુ છે. એનાથી પણ ટૂંક માં કહું તો મારી ધીરે ધીરે ફાટી રહી હતી!

બાઈકની સ્પીડ માપ ની હતી અને પવન ઠંડો હતો પણ મારા કપાળ પર પસીનો વળી રહ્યો હતો. મારી બાઈક નો અવાજ પણ હવે મને આવતો બંધ થઇ ગયો હતો અને મારું મન અને કાન બસ અંધાર ગુફ બનેલા આ વાતાવરણમાં કોઈ અજુગતા અવાજ ને ચેક કરી રહ્યા હતા. બસ હેડલાઈટ ચાલુ કરવાનું વિચારીજ રહ્યો હતો અને સામે એક ખાડાને ટાળવા માટે મેં બાઈક થોડું સાઈડમાં લીધું અને એકદમથી બાજુ ની ઝાડી માંથી કઇંક નીકળ્યું. અચાનક બ્રેક મારી કોઈ જનાવર રસ્તામાંથી આડું નીકળ્યું એના પર નજર કરી એ કુતરું હતું કે શિયાળ એ ખબર ના પડી પણ મારા શ્વાસ અધ્ધર થઇ ગયા અને બાઈક એના પર ચડતા ચડતા રહી ગયું. ‘ઉફ સાલુ શું હતું..?’ કરીને મેં નિસાસો નાખ્યો.

હું વધારે સમય વેસ્ટ કરવા માંગતો નહોતો એટલે ફટાફટ બાઈક રવાના કર્યું અને હેડલાઈટ નું સ્વીચ ચાલુ કર્યું. સ્વીચ બે ત્રણ વાર ઓન-ઓફ કર્યું પણ લાઈટ ચાલુ ના થઇ. હું થોડો ગભરાયો પણ પછી દેશી જુગાડ નબર-૧ નો ઉપયોગ કર્યો, એટલે લેમ્પ પર હાથ માર્યો. ‘ઠપ...ઠપ..’ કરીને અવાજ જાણે સૂમસાન રસ્તા પર સંભળાયો અને લાઈટ ધીરે થી ચાલુ થઇ ગઈ. હું જીવ અદ્ધર કરી ટટ્ટાર થઈને બેઠો હતો જે હવે બરાબર રસ્તો દેખાયો એટલે થોડો રિલેક્ષ થયો. સ્વસ્થ થઇ મેં થોડી સ્પીડ વધારી. પણ જેમ જેમ હું સ્પીડ વધારી રહ્યો હતો તેમ તેમ એ વાદળો પણ મારી સાથે રેસ લગાવતા હોય તેમ વધારે સ્પીડમાં મારા થી આગળ નીકળી રહ્યા હતા. હું થોડીવાર ઉપર તો થોડીવાર આજુબાજુ જોઈ રહ્યો હતો. બાઈક ને એક્સીલેટર આપી આપીને લાઈટ અને બાઈક નો અવાજ વધારી રહ્યો હતો જેથી મને એકલાપણું ના લાગે અને બાઈક બંધ ના પડી જાય. આમ તો બાઈક મેં હમણાજ સર્વિસ કરાવ્યું હતું પણ બે ત્રણ દિવસ થી સતત વરસાદમાં બાઈક પલળેલું એટલે કદાચ પ્લગ કે પેટ્રોલ માં પાણી આવતું હોવા થી બાઈક થોડા જટકા લઇ રહ્યું હતું અને એટલે બંધ થઇ જવાની બીક લાગી રહી હતી. પણ થોડા જટકા પછી હવે સ્પીડ બરાબર છે અને બાઈક પણ બરાબર ચાલી રહ્યું છે એનો મને સંતોષ થયો. મનોમન હનુમાનજી નો આભાર માન્યો અને હનુમાન ચાલીસા હવે લગભગ ત્રીજી કે ચોથી વખત રીપીટ થઇ રહી હતી. થોડો જ આગળ ગયો અને કંઇક અજુગતો અવાજ મને સંભળાયો. મેં કાન સરવા કર્યા અને બાઈક થોડું ધીમું કર્યું. લાઈટ વધ ઘટ કરવા કે ડીપર મારવાનું મન થયું પણ હિંમત ના થઇ. ધીરે ધીરે મેં આગળ રસ્તા પર જોયું તો એક રેડીયમ વાળું ડાયવર્ઝન નું બોર્ડ દેખાયુ અને એની આજુબાજુ પેલી જૂની ઓડિયો કેસેટ ની ભૂખરા કલરવાળી રીલ ની પટ્ટીઓ ખેચીને લગાવેલી હતી જે જોરદાર પવન માં કંઇક ‘હુવવ....હુવ્વ....’ કરીને અજુગતો અવાજ ઉત્પન કરી રહી હતી. અને એકબાજુ ખૂણામાં એક લાકડી પર તેલ નો જુનો ડબ્બો બાંધેલો હતો એ પણ અથડાઈ અથડાઈ ને ડરામણો અવાજ કાઢતો હતો. ડાયવર્ઝન ના બોર્ડ પાસે જઈને મેં બાઈક ઉભું રાખ્યું હેલ્મેટ ઉતારી આગળ સ્ટેયરીંગ સીધું કરી લાઈટ નાખીને જોયું તો હું જે રસ્તે આવતો હતો એ રસ્તો આગળ થી પાણીમાં ધોવાઇ ગયો હોય એવું લાગ્યું. રસ્તો ખરેખર ધોવાઇ ગયો છે કે નહિ એ ખબર ન પડી પણ ડાયવર્ઝન ના બોર્ડ ના લીધે મેં અનુમાન કરી લીધું કે આગળ રસ્તો બંધ હશે.

(વધુ આવતા અંકે....)

***

(તમારા અભિપ્રાય લેખક ને ફેસબુક કે વોટ્સઅપ થી પણ જણાવી શકો છો.)

Ar. Suresh Patel (98792 56446)

[S.Kumar]

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED