ડાયવર્ઝન ૨.૧
(સ્ટોરી-૨ / પાર્ટ-૧)
સુરજ અને તેની પત્ની રોશની આજે શોપિંગ માટે નજીક ના શહેરમાં આવેલા મોલ માં ગયા હતા. આવતા થોડું મોડું થઇ ગયું એટલે જમવાનું પણ બહાર થી પતાવીને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે.
શહેર થી પોતાનું ગામ થોડું જ દુર છે પણ આજે વધારે મોડું થઇ ગયું છે એટલે મેઈન હાઇવે કરતા આ શોર્ટકટ વાળા રસ્તે થી જઈએ તો સારું એવું વિચારી બંને જણ પોતાના ફેવરીટ એફ એમ રેડિયો પર આવતી પેલી વાર્તાઓ ની મહેફિલ માણતા જઈ રહ્યા છે. રોશની ને એફ એમ પર આવતી આ સ્ટોરીઓ રોજ સાંભળવાનો શોખ, અને પત્નીના શોખ ને માન આપવાનું તો પતિદેવ માટે લગ્નસિદ્ધ અધિકાર(બંધન) હોય..! એટલે સુરજ માટે પણ આ વાર્તાઓ સાંભળવી એક મજબુર શોખ હતો. રોશની પોતાની ફેવરીટ આર.જે. ના અવાજ અને એ સ્ટોરી ના માહોલમાં જાણે ખોવાઈ જ ગઈ છે, સુરજે બે ત્રણ વખત કંઇક માંગ્યું એની પાસે થી પણ રોશની તરફ થી કોઈ જવાબ ન આવ્યો. સુરજે તેની સીટ તરફ નજર કરી તો જોયું કે રોશની તો આંખો બંધ કરી માથું ટેકવી ને જાણે કોઈ રાજપાટ ભોગવી રહી હોય એમ પડી હતી! એટલે સુરજે પોતે વાંકા વળીને સાઈડ ના ડ્રોવર માંથી મોબાઈલ નું ચાર્જર કાઢ્યું. થોડો વધારે વાંકુ વળી જવાથી ગાડી થોડી અનબેલેન્સ થઇ અને રોડ થી નીચે ઉતરી ગઈ એટલે થોડા ઝટકા આવ્યા અને રોશની ના ફેવરીટ રેડિયો સ્ટેશનને પણ જાણે થોડી ઉધરસ થઇ. આમ ફીજીકલ અને મેન્ટલ ઝટકા સાથે રોશની એકદમ જબકી ગઈ અને આજુબાજુ શું થયું એ જાણ્યા વગર બુમાબુમ કરવા લાગી.
‘ઓ...માં. ઓ મમ્મી...ઓ પપ્પા...! બચાવો, ઓહ ગોડ..!!’
‘વોટ..?! શું થયું?’ બ્રેક મારતા મારતા અને એક હાથે ચાર્જર અને બીજા હાથે ગાડીનું સ્ટીયરીગ કંટ્રોલ કરતા સુરજ આશ્ચર્યથી બોલ્યો. ‘કોને બચાવ..!!? શું થયું?’
‘અરે, અરે. તમે પણ શું આમ કોઈ ગાડી ચલાવતું હશે?!’ હાંફતા હાંફતા રોશની પોતાના વાળ સરખા કરતા અને આજુબાજુ જોતા બોલી. કપાળે જરા પરસેવા ના ટીપાં પણ આવી ગયા. જે પોતાના ડ્રેસના દુપટ્ટા થી સાફ કર્યા. અને આમતેમ કંઇક શોધતી હોય તેમ જોવા લાગી.
‘શું..? શું જોઈએ છે તને બોલ? જરા ભાર થી સુરજ બોલ્યો.
‘પાણી. પાણી ની બોટલ.’ રોશની એ ધીરે થી પાણી માંગ્યું.
ડ્રાઈવર સાઈડ ના દરવાજા માંથી પાણી ની બોટલ કાઢીને રોશનીને આપતા સુરજ થોડું હસ્યો.
‘કેમ તમને હસવું આવે છે?’ તરત પાણી ની બોટલ લઇ પાણી ઘટઘટાવતા રોશની ખીજાઈને બોલી.
‘બચાવો, બચાવો. પણ કોને? તું તો જાણે આ રેડીયોવાળા બેન આવે એટલે બધાને ભૂલી જ જાય છે.’
‘એ બધું મુકો આવી રીતે તો કોઈ ગાડી ચલાવતું હશે? એકદમ, અચાનક આટલા મોટા ઝટકા લાગ્યા એટલે મને એમ કે આપણું એક્સીડેન્ટ થયું’ રોશની પાણીની બોટલ પોતાની સાઈડવાળા દરવાજામાં રાખતા બોલી.
‘જોજે..જોજે...કોઈને મારી ના નાખતી. હજુ જીવતા છીએ આપણે. ખરેખર તમે બયરાઓ પણ ખરા છો હો. તમે આમ તો કોઈનું સાંભળો નહિ પણ આ બેન જાણે કોઈ જાદુ કરતા હોય તેમ તમને ન જાણે શું સંભળાવે છે કે તમે શાન બાન ભૂલીને બસ રેડિયો માં ઘુસી જ જાવ છો. પછી ભલે આજુબાજુ ભૂકંપ પણ આવ્યો કેમ ના હોય..!’
‘અરે, મને એમ કે તું આ બાજુ મારા ખોળામાં પડ્યો હતો અને ગાડી પણ આખી ઝટકા ખાતી હતી એટલે સાચેજ તારી આંખ લાગી ગઈ હોય અને ક્યાંક...!’
‘બસ બસ..! હું સમજી ગયો તું રેહવા દે..! આતો તને બુમો પાડી પાડી ને થાક્યો’તો, એટલે પેલા ડ્રોવર માંથી ચાર્જર કાઢવા એ બાજુ નમ્યો. અને જરા બેલેન્સ બગડી ગયું અને થોડી નીચે ઉતરી ગઈ ગાડી. એ તો એક બે પથ્થર આવી ગયા એટલે જરા ઝટકા લાગ્યા બાકી કંઈ થયું નથી હો..! તમ તમારે વળી પાછા સાંભળો આ બેનની વાર્તાઓ. હોં..સાંભળો.’ સુરજે ટ્યુનર ને જરા સેટ કરી પેલા બેનનો અવાજ પણ સરખો કરી આપ્યો.
‘...ઔર સુમસાન રોડ પે વોહ લડકી અકેલે હી અપની મંજિલ કો પાને નિકલ પડી હૈ..!’ રેડિયો પર થી મસ્ત અવાજમાં પેલા આરજે બેન જાણે આ બંને કપલને પોતાના અવાજ તરફ ખેંચી રહ્યા હતા.
‘હા, હવે મને ખબર છે તમને આ સ્ટોરીઝ સાંભળવી બોરિંગ લાગે છે, પણ હું શું કરું આપડી ગાડી માં ટી.વી. પણ નથી.’ રોશનીએ માસુમ જીદ કરી.
‘હા. હા. તારા માટે એક ૩૨ ઇંચ નું ટીવી કાલે જ લગાવી દઉં ઓકે.’ સુરજ પણ મસ્તીમાં આવી એકદમ થી રોશની તરફ જોયું અને બંને હસવા લાગ્યા. પોતાની આ હસીને કેટલા સમય સુધી બરકરાર રાખશે એતો ખબર નથી પણ, હજુ થોડા દિવસ પહેલાંજ સુરજના મિત્રે કરેલી એક ડાયવર્ઝન ની વાત જાણે આ બંને જણ ભૂલીજ ગયા છે એમ આ રસ્તે થી બેફીકર થઇને પોતાની ગાડી હંકારતા જઈ રહ્યા છે. આગળ આ રસ્તો ક્યા જઈને અટકવાનો છે કે પછી કોઈ અલગ જગ્યાએ જ લઇ જવાનો છે એ વાત થી અનજાન થઇને બસ પોતાની મસ્તીમાં મશગુલ આ કપલ આગળ વધી રહ્યું છે.
‘સુરજ જો તમે આપણી ગાડીમાં એક ટીવી લાગવાના હોવ તો એક કામ બીજું પણ કરજો ને.!’ રોશની રેડિયો પર આવેલા બ્રેક નો જાણે ઉપયોગ કરતી હોય તેમ વળી પાછી થોડી મસ્તીમાં આવી ગઈ.
‘હા, બોલ ને બોલોને શું જોઈએ છે બીજું તમારે મહારાણી’ સુરજ પણ ટાઇમ પાસ માટે તાલ મિલાવે છે.
‘પાછળ ની સીટ કાઢીને એક મસ્ત સોફા લગાવી દઈએ તો કેવું રહે..?’
‘બસ બસ મહારાણી હવે પાછી વળી જા અને દયા કર મારા પર અને આ બિચારી ગાડી પર પણ..!’
‘કેમ? દયા કર એટલે..?’ રોશની જાણે મુંજાઈ.
‘ટીવી અને સોફા. એ પણ ગાડી માં ..? બિચારી ગાડી પણ ભગવાન પાસે ભીખ માંગશે કે ‘અગલે જનમ મોહે લીવીંગ રૂમ કીજો પર સોફા વાલી ગાડી મત કીજો.’
‘જરા તું જ વિચારી જો કે કેવો સીન હોય જો બધાની ગાડીમાં સોફા અને ઘરમાં હોય એવડું મોટું ટીવી લાગેલું હોય તો? આપણા પડોશી પેલા સીરીયલોના આશિક રમીલાબેન જો શાકભાજી લેવા આવી ગાડીમાં નીકળે તો જવાનું હોય શાક માર્કેટ અને પોહચી જાય છેક અમદાવાદ. એતો ઠીક પણ જો તમારા ફેવરીટ હીરો કે હિરોઈનને જો કંઈ થઇ જાય તો તો પછી જાણે ગાડી નું તો આવી જ બને હેને..!?’ રેડિયો નો વોલ્યુમ ધીમો કરીને સુરજ પોતાના રમુજી સવાલો ના જવાબ સાંભળવા જરા રોશની તરફ વળ્યો. રોશની જાણે ખુબ ગુસ્સા માં હોય તેમ જોઈ રહી અને થોડીવાર પછી બંને જણા ખડખડાટ હસી પડ્યા. એમની હસી નો અવાજ એટલો જોર થી આવી રહ્યો હતો કે સુમસાન રસ્તા પર એ અવાજ પેલા રસ્તાની આજુબાજુ ની ઝાડીઓ માંથી આવતો પેલા તમ્મરાઓ ના આવજનો મજાક કરી રહ્યો હતો. મોડી રાત થઇ ગઈ હતી. આમેય આ શોર્ટકટ રસ્તા પર રાત્રે જલ્દી કોઈ આવતું નહિ એટલે રસ્તો વધુ સુમસાન લાગતો હતો. અજવાળી રાત હતી એટલે કે ચાંદની નું અજવાળું હતું બહાર થોડુ અને થોડા વાદળા હતા જે એ ચાંદની સાથે છુપા છુપી રમી રહ્યા હતા. આ એજ રસ્તો હતો જેના પર પેલા રહસ્યમય ડાયવર્ઝન આવે છે. હજુ બહુ આછા લોકોને ખબર છે કે આ રસ્તે એ રહસ્યમય, અલૌકિક, અદ્રશ્ય ડાયવર્ઝન છે. જે ક્યાં છે અને ક્યારે આવે છે આ રસ્તા માં એ કોઈને ખબર નથી. પણ રાત્રીના ઘણાખરા પ્રવાસીઓ ને હવે એ ડાયવર્ઝન વિશે જાણ છે. સુરજ અને રોશની ને પણ થોડા દિવસ પહેલા એના મિત્ર એ કોઈ ડાયવર્ઝન વિશે વાત કરી હતી પણ કદાચ હમણાં એ લોકો એ વાત કે એ ડાયવર્ઝન વિશે ભૂલી ગયા છે. અને આ ભૂલ એમને કદાચ મોંઘી પડી શકે છે.
(વધુ આવતા અંકે....)
====== ====== ===== =====