ડાયવર્ઝન ૧.૫ Suresh Kumar Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયવર્ઝન ૧.૫

Diversion

ડાયવર્ઝન ૧.૫

(સ્ટોરી-૧/પાર્ટ-૫)

જો હું મૃત્યુ ને ભેટ્યો હોવ તો આ બધી ભૌતિક વસ્તુઓ ને હજુ હું કેવી રીતે અનુભવી રહ્યો છું એનો વિચાર આવ્યો. શું હું ખરેખર મૃત્યુ પામ્યો છું. શું હું નર્ક કે સ્વર્ગ એવી કોઈ જગ્યાએ છું? શું મારો પુ:જન્મ થયો છે?

આવા અનેક પેચીદા પ્રશ્નો મને થવા લાગ્યા. (હવે આગળ...)

***

કાદવ ના તળાવ માંથી પાણી જેવા પાતળા પ્રવાહ માં આવ્યો અને કદાચ હવે કોઈ હવામાં તરતો હોવ એવો એહસાસ થવા લાગ્યો. હું આ કાદવ ના તળાવ માં ગરકાવ થવાના કારણ તરફ વિચારવા લાગ્યો. મને જયારે એ ડાયવર્ઝન દેખાયું હતું ત્યારેજ કંઇક અજુગતું મેહસૂસ થવા લાગ્યું હતું પણ એ શું હતું એ હું બરાબર કળી શક્યો ન હતો. કેમકે એ વખતે કુદરત પણ મારી ફેવર માં ન હોય એવું બન્યું હતું. વરસાદ, વીજળી અને પવન નો વેગ વધતો જતો હતો જેથી એ વખતે હું બહુ વધારે વિચારી ન શક્યો. પણ હવે મને જયારે આ અલૌકિક અનુભવો થઇ રહ્યા છે અને કદાચ હું પુરેપુરો મૃત્યુ પામ્યો નથી ત્યારે ખરેખર મારા એ ડાયવર્ઝન લેવા ના નિર્ણય પર આશ્ચર્ય થાય છે. કેમકે હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી આ શોર્ટકટ વાળો રસ્તો આટલો બધો લાંબો તો ક્યારેય ન હતો તો પછી ડાયવર્ઝન લીધા પછી આટલો લાંબો કેમ થયો? મૃત્યુ ના ભય થી પર થઈને હું થોડું વિચારવા લાગ્યો. હું પુરેપુરો બેભાન નહિ તો પુરેપુરો ભાન માં પણ ન હતો. બસ હું ખાલી એટલું જાણી રહ્યો હતો કે હું કોઈ કાદવ ના તળાવ માં ગરકાવ થઇ ગયો હતો અને હવે હું અને મારું બાઈક કોઈ હવામાં હલકા થઈને તરતા હોઈએ એવી રીતે તરી રહ્યા છીએ. મને થોડે આગળ પ્રકાશ જેવું મેહસૂસ થઇ રહ્યું છે પણ મારી આંખો ખોલવા ની હિંમત નથી ચાલતી. બસ હું મારી એકલતા ને દુર કરવા મારી પોતાની જાત સાથે વિચારો ની આપલે કરી રહ્યો હતો અને મારા શાંત થઇ ગયેલા મન સાથે વાર્તાલાપ કરી રહ્યો હતો.

જો હું પેલા ડાયવર્ઝન લેવા વાળી જગ્યાએ કેટલા વાગે પહોચ્યો એ જાણી શક્યો હોત તો કદાચ મેં કેટલો રસ્તો કાપ્યો હતો એનો અંદાજ આવી ગયો હોત. અને આ શોર્ટકટ રસ્તા પર પેલું છેલ્લે છેલ્લે આવતું ગામ પણ કેટલું દુર હોત એ જાણી શકાયું હોત. આ હવા, પાણીવાળા કે કદાચ કાદવના જ તળાવમાં તરતા તરતા મને જયારે એ ડાયવર્ઝન ના રીડીયમ વાળા બોર્ડ પાસે ઉભો હતો એ સીચ્યુએસન યાદ આવી અને એ વખતે સમય ન જોવાની મારી ભૂલ યાદ આવી. ત્યારે સમય સુચકતા વાપરી ને કદાચ હું પાછો વળી શક્યો હોત. જો બહુ આગળ ન આવ્યો હોત તો હું ત્યાંથી યુટર્ન લઈને પાછો મુખ્ય રસ્તા પર આવી શક્યો હોત. પણ હવે એ બધા ઓપ્સન વિચારવાનું નિર્થક છે. હવે હું શું કરીશ એ બહુ ઈમ્પોર્ટન્ટ હતું. કેમકે મને પોતાને હજુ એ પણ ખબર ન હતી કે હું ક્યાં છું? જીવિત છું કે મૃત્યુ મને ગળી ગયું છે અને હું આ બધું કદાચ એના કોઈ અંધારા કોઠાર માં પડ્યા પડ્યા વિચારી રહ્યો છું. મારી આંખો પર કાદવ નો કોઈ ભાર નહતો પણ તોય હજુ હું આંખો ખોલી શકુ એવી હાલત માં તો નહતો જ. મારી આંખો પર કંઇક સ્પર્શી રહ્યું હતું કદાચ પાણી જેવું કે બીજું કોઈ પ્રવાહી. આંખો ના પોપચા હજુ થોડા ભારે લાગી રહ્યા હતા. હા, પ્રકાશ નો અનુભવ હું ચોક્કસ કરી રહ્યો હતો. અને એટલેજ હવે મને બહુ ડર લાગતો નહતો કેમકે મને એ કાદવમાં અંધકાર અને ગુંગળામણની જ બીક લાગતી હતી બાકી મને કોઈ બીક નહતી. પણ હવે હું એ લાંબી ગુંગળામણ માંથી મુક્ત થઇ ગયો હતો. બસ મારી આ અલૌકિક સફર કઈ બાજુ અને ક્યાં જઈને પૂરી થશે એ મને ખબર ન હતી. ફરી થી મેં મારા વિચારો પર કાબુ મેળવીને મારી આજુબાજુ ની પરિસ્થિતિ પર ધ્યાન આપ્યું. મારી બધીજ ઇન્દ્રિયો પહેલાની જેમ કામ કરી રહી હતી. મને થોડી વધારે ભીની ભીની માટી ની ખુશ્બુ આવી રહી હતી જે પહેલા પણ આવી રહી હતી પણ હવે વધારે આવી રહી હતી. મારા કાન સરવા કરીને મેં સાંભળવાની કોશિશ કરી. મને કંઇક વિચિત્ર પણ પોતીકું હોય એવું સાંભળવા મળ્યું. હા, ખરેખર એ મારો જ મારો પોતાનોજ અવાજ હતો. પહેલા તો મને આશ્ચર્ય થયું પણ જેમજેમ મેં એ અવાજ તરફ ધ્યાન આપ્યું ત્યારે મને ધૂંધળું ધૂંધળું કંઇક દેખાવા લાગ્યું. જોકે મારી આંખો તો સમ્પૂર્ણ બંધ જ હતી તોય. હું એક દ્રશ્ય જોઈ ને એકદમ હેબતાઈ ગયો.

‘આ શું ..?’ હું મારી જાત સાથે બબડ્યો. આતો હું પોતેજ મારી જાત ને જોઈ રહ્યો હતો. હા, હું મારી બાઈક સાથે એજ રસ્તે જે રસ્તે હું નીકળ્યો હતો એના પર જઈ રહ્યો છું અને એજ મનપસંદ ગીતો ગણગણાવી રહ્યો છું. કેવું વિચિત્ર દ્રશ્ય છે! હું ફરી મારી જાત સાથે બોલ્યો. આશુ થઇ રહ્યું છે એ મને ખરેખર ખબર નહતી. પણ બસ મને મજા આવી રહી હતી એટલે હું આ બધું થઇ રહ્યું હતું એની સાથે સાથે પ્રવાહ માં વહી રહ્યો હતો. મેં ઉત્સુકતા થી હવે આગળ શું થશે એ જાણવા એજ દ્રશ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જે મેં પહેલા કરી લીધું હતું એજ બહુ ફરી થી હું જાણે રીપીટ કરી રહ્યો હતો. પણ એ બધું હુ ફક્ત એક ટીવી સ્કીન પર જોઈ રહ્યો હોવ એવી રીતે આ વિશાલ સમુદ્ર જેવા તળાવ માં તરતા તરતા મારી પોતાની ફિલ્મ જોઈ રહ્યો હતો. અજુગતું એ હતું કે જે બાઈક લઈને હું એ દ્રશ્ય માં જઈ રહ્યો છું એજ બાઈક અત્યારે મારી પાસે છે અને હું એના પર બેસી ગયો હતો અને એ પણ મારી જેમ આ અદભૂત તળાવ માં તરી રહ્યું હતું. હું જે રસ્તે થી આ ડાયવર્ઝન સુધી આવ્યો હતો ત્યાં સુધી નો પૂરેપૂરો રસ્તો મને સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પણ જ્યાંથી મેં આ ડાયવર્ઝન લીધુ હતું એના પછી નું મને કંઇજ દેખાતું નથી. હવે એ દ્રશ્ય માં મારી બાઈક એજ મોડ પર આવીને ઉભી રહી ગયી અને મારું પૂરેપૂરું ધ્યાન ત્યાં ગયું. મને ત્યાં એજ અનુભવ થયો જે પહેલા થયો હતો. પણ આ વખતે હું ડર્યો નહિ અને મેં જોયું કે ઉપરથી મને બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ત્યાં ખરેખર કોઈ ડાયવર્ઝન નથી એટલે કે ત્યાં સાચેજ કોઈ રસ્તો તૂટેલો નથી કે નથી કોઈ ગાબડું પડ્યું. અને મને બહુ મોટું આશ્ચર્ય તો ત્યારે થયું કે હું જે રસ્તે આવ્યો એ રસ્તે અત્યાર સુધી માં કોઈ વરસાદ કે વાદળો હતાજ નહિ તો એ વખતે મને કેમ એવું લાગ્યું હશે..? એ મારો ભ્રમ હશે? આ ડાયવર્ઝન નો બોર્ડ તો ખબર નહિ કોને લગાવ્યો છે પણ આગળ તો કંઇજ નથી થયું બધું બરાબર છે. અને હું જોઈ સકું છું કે થોડે જ દુર એ રસ્તા પર કોઈ આવી રહ્યું છે. પણ હું થોડીવાર ત્યાં ઉભા રહ્યા પછી તરત એ ડાયવર્ઝન વાળા રસ્તે ઉતરી રહ્યો છું. હું મારી જાત ને રોકવા માટે હાથ લંબાવી ને કંઇક બોલવા જાઉં એ પહેલા મને એહસાસ થયો કે અત્યારે તો હું ખરેખર કોઈ તળાવ માં તરી રહ્યો છું. અને જેવો મને આ મૃત્યુના મુખ નો અહેસાસ થયો મારું ધ્યાન ત્યાંથી હટી ગયું અને હું વાસ્તવિકતા પર આવી ગયો. જરા ગભરાઈ ગયો હતો એટલે મેં મારી તરતી બાઈક નું હેન્ડલ જોર થી પકડી રાખ્યું હતું એ થોડું ઢીલું કર્યું અને મૃત્યુના માહોલ માં પણ હું ફરીથી જાણે જીવતો થયો એમ ધ્રુજ્યો.

મને લાગ્યું કે જયારે આપણે મૃત્યુ પામીએ ત્યારે જ્યાં સુધી આપણા શરીરનો નાશ ન થાય ત્યાં સુધી આપણી આત્મા આજુબાજુના વાતાવરણ માંજ ફરતી રહેતી હોય છે. એવું મેં સાંભળ્યું કે વાંચ્યું હતું. એટલે કદાચ હું કે મારી આત્મા આ વિસ્તાર માં ફરી રહી છે અને મને એનો એહસાસ થઇ રહ્યો છે. પણ પછી મેં મારી બધી ઇન્દ્રિયો પર ફરી ધ્યાન આપ્યું. મેં મારા હાથને એકબીજા સાથે જેમ તાલી મારતા હોઈએ એવી રીતે પછાડ્યા. તાલી વાગી પણ મને લાગ્યું કે જાણે હજુ હું કોઈ પ્રવાહી માં તરી રહ્યો છું અને પાણી માં જેમ બમણું જોર કરવું પડે એ રીતે થોડું વધારે જોર કર્યું ત્યારે મારા બંને હાથ એકબીજા સાથે અથડાયા. પછી મેં મારી બાઈક તરફ હાથ ફેરવ્યો. બાઈક પણ મારી સાથે જાણે તરી રહ્યું હતું. બાઈક, હેલ્મેટ, મારું જેકેટ બધું બરાબર મને ફિલ થઇ રહ્યું હતું. મને લાગ્યું કે જો હું એક આત્મા બની ને ભટકી રહ્યો હોવ તો આ ભૌતિક વસ્તુઓ તો મારી સાથે ન જ હોય ને..!?

(વધુ આવતા અંકે...)

***

(તમારા અભિપ્રાય લેખક ને ફેશબુક પર કે વોટ્સઅપ થી પણ જણાવી શકો છો.)

Ar. Suresh Patel (98792 56446)