' આરવ કાલે રાત્રે તારો ફોન કેમ બિઝી આવતો હતો ? '
' એ તો હું મારા એક ફ્રેન્ડ સાથે વાત કરતો હતો.' આરવે જવાબ આપતા કહ્યું.
' ફ્રેન્ડ સાથે આટલી લાંબી વાતચીત ? ' નેહા સહેજ ગુસ્સા સાથે બોલી.
' હા, એમાં શું થઈ ગયું ? '
નેહાને હવે વધુ દલીલો કરવું યોગ્ય ન લાગ્યું.તેથી તે શાંત પડી ગઈ.
આરવ તેનાં માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો.તેથી તેની દરેક જીદ તેનાં પિતા પૂરી કરી આપે.તેનાં પિતા પોતાના લાડકવાયા દિકરાને કોઈ વસ્તુની કમી રહેવા દેતા નહીં.તે કૉલેજમાં આવતાં તેનાં માટે ચમકાર મારતું નવું બાઈક લાવી આપ્યું.
આરવ દેખાવમાં પણ એવો સોહામણો હતો કે કોઈ પણ છોકરીનાં દિલમાં પોતાનું સ્થાન મેળવી લે.આંખો એવી ધારદાર કે તલવારની ધાર પણ ઓછી લાગે. બોલવામાં એક અનોખો લહેકો.એ જ્યારે કૉલેજમાં પોતાની બાઈકની ચાવી આંગળીમાં નાખીને હલાવતો આવતો ત્યારે કેટલીય યુવતીઓનાં જવાન હૈયા પણ ઊંચા-નીચા થઈ જતા.
આરવની આવી ' પર્સનાલિટી 'ને કારણે જ તેની છોકરીઓમાં મિત્રતા વધારે હતી.તેનાં ભૂતકાળમાં અનેક છોકરીઓ સાથે ચકકર ચાલેલા હતાં.
આરવ ભોળી છોકરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી લેતો પછી તેનાથી મન ભરાયા બાદ બીજી કોઈ સુંદર છોકરીને પ્રેમનું નાટક કરીને લોભવી દેતો.
આરવ અને નેહા એક જ કલાસમાં હોવાથી બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી.જેને આખરે પ્રેમનું રૂપ ધારણ કર્યું હતું. નેહા આરવને ખૂબ જ પ્રેમ કરતી હતી પરંતુ આરવ નેહાને માત્ર એક ' ટાઈમપાસ ' પુરતું માધ્યમ જ માનતો હતો.
ક્યારેક આરવનાં અણછાજ્તા વ્યવહારને કારણે નેહા સાથે તેનો ઝગડો થઈ જતો પરંતુ નેહા તેને સાચો પ્રેમ કરતી હતી.જેથી દરેક વખતે તે ત્યાગની ભાવના દાખવતી હતી અને આરવ સામે નમતું જોખી દેતી હતી.
આરવનાં અનેક લફરાઓનાં કારણે તે તેનાં મિત્રોને પણ સમય આપી શક્તો નહીં.મિત્રો આરવ વિશે અનેક વાતો કરતાં -
' યાર,આરવ તો હવે આપણને મળતો જ બંધ થઈ ગયો છે.' શ્રેય બોલ્યો.
' હા, આપણે તેને બોલાવીએ તો પણ કઈંક ને કઈંક બહાનું કાઢીને જતો રહે છે.' સારંગે પણ વાતમાં સુર પુરાવ્યો.
' મને લાગે છે કે તેને હવે ફક્ત ગર્લફ્રેન્ડમાં જ રસ છે. તેનાં મિત્રોમાં તેને સહેજેય રસ રહ્યો નથી.' પવને પણ ચર્ચામાં પોતાનો મત આપ્યો.
ત્યાં જ આરવનો બેસ્ટફ્રેન્ડ નિર્મલ બોલી ઊઠયો , 'ના , દોસ્તો એવું કંઈ નથી. આરવ આપણને મળવાનાં પ્રયત્નો કરે છે પણ સંજોગો જ એવાં સર્જાય છે કે...'
નિર્મલને વાતમાં વચ્ચેથી અટકાવતા સારંગ બોલ્યો , ' ના ભાઈ , ગર્લફ્રેન્ડ અને દોસ્તમાં જીત હંમેશા ગર્લફ્રેન્ડની જ થાય છે.'
પવન અને શ્રેયે પણ સારંગની વાતને સ્વીકારી અને હા માં હા મિલાવી.
સમયને વીતતા વાર લાગતી નથી. જોતજોતામાં કૉલેજનું પ્રથમ વર્ષ વીતી ગયું અને બીજા વર્ષની શરૂઆત થઈ ગઈ.કૉલેજમાં કેટલાય નવા મુખડાઓનાં પ્રવેશ થયાં.
આવાં જ અનેક મુખડાઓની ભીડમાં એક મનમોહક મુખડું હતું આરોહી પટેલ.રૂપ જાણે સ્વયં રૂપાળું બનીને આવ્યું હોય તેવી લાગતી હતી આરોહી.તેને જોતાં જ યુવાનોનાં મનમાં ઇશ્ક-લહેરીઓ વાગવા લાગતી.તેનાં પાંપણનાં એક પલકારે તો સેંકડો મજનુઓ જીવ આપવા તૈયાર હતાં.હરણી જેવી મોહક તેની ચાલ,કોયલ જેવો મીઠો ટહુકાર.તેને જોતાં જ કેટલાય યુવાનોનાં દિલમાં ઘંટડીઓ વાગવા લાગતી.
આરવને પહેલી નજરમાં જ આરોહી સાથે પ્રેમ થઈ ગયો. એક દિવસ કૉલેજમાં ગાર્ડનનાં ' લવલી ' વાતાવરણમાં તેને આરોહીને ' પ્રપોઝ ' કરી. આરોહી પણ આરવનાં પ્રપોઝલને નકારી શકી નહીં. કારણ કે , આરોહી મલ્લિકા - એ - હુસ્ન હતી તો આરવ પણ ઇન્દ્રલોકનાં ગાંધર્વ જેવો હતો.
આરવે આરોહીનાં પ્રેમની ખાતર નેહાનો સાચો પ્રેમ પણ ઠુકરાવી દીધો અને તેની સાથેનાં બધાં સંબંધ પણ તોડી દીધાં.નેહાને પણ પસ્તાવો થયો કે , તેણે એક ખોટા વ્યક્તિ સાથે સાચો પ્રેમ કર્યો હતો.
એક ઢળતી સાંજે ' પ્રેમીપંખીડાઓનો અડ્ડો ' એવાં રિવરફ્રન્ટ ગાર્ડનમાં આરવ અને આરોહી ભેગા થયાં. વૃક્ષોનાં પાંદડા મસ્ત વહેતી હવાનાં સંગાથે તાલ મિલાવીને મધુર ગીતો ગાઈ રહ્યાં હતાં.તો સાબરમતીનું ખળખળ વહેતું પવિત્ર નીર તેમાં જાણે સંગીત પુરાવી રહ્યું હતું. કુદરતે સોળે કળાએ પોતાનો રંગ જમાવ્યો હતો.
આરવ અને આરોહી નદીનાં અદ્ભૂત સૌંદર્યને નિહાળતાં હાથોમાં હાથ નાખીને પ્રેમાલાપ કરી રહ્યાં હતાં.
' આરોહી , આઈ લવ યુ સો મચ.હું તને ક્યારેય ખોવા નથી માંગતો.' આરવ એક જ શ્વાસે બોલી ગયો.
' હું પણ આરવ તને ક્યારેય ખોવા નથી માંગતી ' આરોહીએ તેનો જવાબ આપતા કહ્યું.
' હું તને વચન આપું છું કે , હું તને ક્યારેય દુઃખી નહીં કરુ અને તારી દરેક જરૂરિયાતો પૂરી કરીશ.'
' આરવ મારી જરૂરિયાતો ઓછી અને આશાઓ વધારે છે. હું બસ તારી પાસે આશા રાખું છું કે, તું મને જીવનભર આટલો જ પ્રેમ કરતો રહીશ.'
' ચોક્કસ.આ પણ કાંઈ કહેવાની વાત છે જાનુ ? '
બસ આમ જ બંને પ્રેમીઓ કલાકો સુધી વાત કરતાં રહ્યાં.એકબીજાનો જીવનભર સાથ નિભાવવાનાં વચનો આપ્યાં , પોતાની લાગણીઓ પર સવાર થઈને પ્રેમનગરનાં ચક્કરો લગાવતાં રહ્યાં.
પરંતુ કુદરતને કઈંક અલગ જ મંજુર હશે.બીજા દિવસે સવારે કૉલેજમાં આરોહીની ફ્રેન્ડ અમૃતા એ તેને જણાવ્યું કે ,
' તું આરવને પ્રેમ કરે છે ને તેનાં ભૂતકાળમાં કેટલીય છોકરીઓ સાથે લફરા રહેલા છે. તે એક છોકરીથી જીવ ભરાઈ ગયા બાદ બીજી છોકરીને પોતાની પ્રેમજળમાં ફસાવી લે છે. તે તને પણ એક દિવસ આમ જ તરછોડી દેશે.'
' ના મારો આરવ આવો નથી.' આરોહીએ દબાયેલા અવાજે કહ્યું.
' જો તને વિશ્વાસ ન આવતો હોય તો તું કૉલેજનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી નેહાને પણ પૂછી શકે છે. તે પણ આરવની પ્રેમજાળનો ભૂતકાળમાં શિકાર બનેલી છે. હું તો તારા ભલા માટે કહું છું. જો તું સમયસર ચેતી જાય તો તારા માટે સારું છે.' આટલું કહીને અમૃતા તો ત્યાંથી જતી રહી.
ત્યારબાદ આરોહીનાં દિમાગમાં આ વાત ફરતી રહી. તેને હજુ પણ અમૃતાની વાત ઉપર વિશ્વાસ બેસતો ન હતો.તેને કૉલેજનાં તેનાં મિત્રો સાથે વાત કરીને સાચી વાત જાણવાનો પ્રયત્ન કર્યો. પરિણામ એ આવ્યું જેની આરોહીને આશા ન હતી. અમૃતાની વાત સાચી પડી. આરોહીનું દિલ ભાંગી ગયું.
આરોહીએ આરવ સાથેનાં સંબંધ તોડી નાખ્યાં અને આરવને ફોન કરવા કે મળવાની કોશિશ કરવાની ના પાડી દીધી.આરવ તો આરોહીને સાચો પ્રેમ કરતો હતો પણ આરોહી હવે આરવની એક પણ વાત સાંભળવા માટે તૈયાર ન હતી. આરવને પોતાની ભૂતકાળની ભૂલો પર પસ્તાવો થવા લાગ્યો. તેને તેની જાત પર શરમ આવવા લાગી.
પરંતુ કહેવાય છે ને કે , ' ડૂબતે કો તિનકે કા સહારા. ' આમ જ આરવને પણ તેનાં મિત્રોનો સાથ મળી ગયો.
એક દિવસ બધાં મિત્રોએ સોડા શોપ પર બેઠક જમાવી અને ચર્ચાની ચકડોળે સવાર થઈ ગયા. -
' ભાઈ , મને તો ખબર જ હતી કે આવું થશે. છોકરીનો ક્યારેય વિશ્વાસ જ ન કરાય. ' સારંગ બોલી ઊઠ્યો.
' યાર , આમાં પેલી છોકરીનો વાંક નથી. આ તો આપણો ભાઈબંધ જ પેલી છોકરી પાછળ પ્રેમ ઘેલો થઈ ગયો હતો. ' શ્રેયે પણ પોતાની વાત મૂકી.
બધાં સોડાનાં એક - એક ઘૂંટ પીતા હતાં અને વાતમાં મસાલો નાખ્યાં જતાં હતાં.
પવને કહ્યું , ' સારુ ભાઈ , આરવ હવે વધારે દુઃખી થઈશ નહીં.કારણ કે , જે થાય છે તે સારા માટે જ થાય છે.'
નિર્મલે પણ ફિલ્મી ડાયલોગ માર્યો , ' હા ભાઈ આરવ કહેવાય છે ને કે - બસ , ટ્રેન ઔર છોકરી ઈન તીનો કે પીછે કભી નહીં ભાગના ચાહિયે ક્યોંકિ એક જાતી હૈ તો દુસરી આતી હૈ. '
અને સૌ મિત્રો હસતાં - હસતાં એકી જ શ્વાસે સોડાનો આખો ગ્લાસ ગટગટાવી ગયાં.
પ્રેમ ભગવાનની સૌથી સુંદર રચના છે પરંતુ આરવ જેવા અનેક યુવાનો તેને ફક્ત મજાક સમજે છે. એ મજાક સમય જતા તેમનાં માટે હાનિકારક પુરવાર થાય છે.
- બાદલ સોલંકી ( બાવલો છોરો )
MO :- 9106850269