ત્રિભુવનદાસ ત્રિવેદીનાં ઘરમાં આખા વરસનાં તહેવારોનો ઉત્સાહ આજે જ દેખાઈ રહ્યો હતો. તેમના પત્ની ત્રિવેણીબેન તો ખુશીથી ફૂલા નહોતા સમાઈ રહ્યાં તો વ્હીલચેર પર બેસેલા તેમના સાસુનું મન પણ મોર બની થનગનાટ કરી રહ્યું હતું. ત્રિભુવનદાસ તો બહાર મીઠાઈ લેવા પણ દોડી ગયા હતા. આવો મીઠો કોલાહલ આ ઘરમાં આની પહેલા ક્યારેય જોવા મળ્યો ન હતો.
ત્રિવેણીબેને પોતાના દીકરા સાજનને પણ આ ખુશખબર આપવા ફોન કર્યો.
" હા મમ્મી, બોલ શું કામ હતું ? " ફોન લાગતા જ સામેથી અવાજ આવ્યો.
" બેટા તું ફટાફટ ઘરે આવી જા. " ત્રિવેણીબેન અતિ ઉત્સાહમાં બોલી ઊઠ્યા.
" પણ શું થયું મમ્મી એ તો કહે પહેલા."
" સાજન, એક બહુ મોટી ખુશખબરી છે... "
" શું ખુશખબરી છે જલ્દી કહે મમ્મી... " ત્રિવેણીબેનનો ઉત્સાહ જોઈને સાજન પણ 'ગુડન્યૂઝ' સાંભળવા ઉતાવળો બન્યો.
" સાજન તું પપ્પા બનવાનો છે... " આટલું બોલતાવેંત જ ત્રિવેણીબેન ઉછળી પડ્યા. સામેના છેડે સાજન પણ સ્તબ્ધ થઈ ગયો. તેની પાસે ખુશી જાહેર કરવા શબ્દો ન હતાં.
ત્રિવેણીબેન જ આગળ બોલ્યા, " તો તું જલ્દી ઘરે આવી જા. અમે તારી રાહ જોઈએ છીએ. "
" મમ્મી, મારાથી હમણાં નહીં અવાય ઓફિસે ઘણું કામ છે. હું સાંજે જલ્દી આવવાનો પ્રયત્ન કરીશ. " સાજને કહ્યું.
" સારું પણ થોડો વહેલો આવજે. "
" ચોક્કસ મમ્મી બાય. "
" બાય " આટલું બોલી ત્રિવેણીબેને ફોન મૂકી દીધો.
ત્રિવેણીબેન ફોન મૂકી પોતાની પુત્રવધૂ સંગિની પાસે આવ્યા અને તેની નજર ઉતારી પોતાની આંખમાંથી કાજળ કાઢી સંગિનીને કાળો ટીકો કર્યો અને બોલ્યાં,
" દીકરી, તે તો અમારું કુળ ઉજાળ્યું છે. બોલ, તારે શું જોઈએ. જે માંગે એ આપું. "
સહેજ માથુ નીચું કરીને સંગિની બોલી, " મારા માટે તો તમારા આશિર્વાદ જ બધું છે. બસ તમારા આશિર્વાદ સદૈવ અમારી ઉપર જાળવી રાખજો. "
" એ તો હંમેશા તમારી સાથે જ છે દિકરા. " આટલું બોલી ત્રિવેણીબેને સંગિનીને ગળે લગાવી દીધી.
તો થોડી વારમાં જ ત્રિભુવનદાસ 'હલ્દીરામ્સ' નાં પ્રખ્યાત 'મોતીચુરનાં લડડૂ' લઈને આવી પહોંચ્યા અને ઘરનાં સૌ સભ્યોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને આ ખુશીનાં પ્રસંગને પણ જાણે ખુશ કરી દીધો.
ત્યારબાદ સંગિની પોતાના રૂમ પર જઈને બેડ પર બેઠા-બેઠા વિચાર કરવા લાગી અને ભૂતકાળમાં ખોવાઈ ગઈ.
તે જ્યારે બે મહિના પહેલા નવી-નવી પરણીને આ ઘરમાં આવી ત્યારે તેના દિલમાં પોતાના પતિ સાજનથી ઘણી આશા અને અરમાનો હતાં. તેમના 'અરેન્જ મેરેજ' હતા અને ફક્ત પંદર જ દિવસમાં 'ઝટ્ટ મંગની પટ્ટ બ્યાહ' ની રીતે બધું નક્કી થઈ ગયું હતું. તેઓ બંને એ એકબીજાને મળવાની વાત તો દૂર ફોન પર વાતચીત પણ કરી નહોતી.
લગ્નની પહેલી રાતથી જ સંગિનીને ખબર પડી ગઈ કે, તેનો પતિ ખૂબ ગંભીર સ્વભાવનો છે. સાજન આખો દિવસ કામમાં ગળાડૂબ રહેતો હતો. તેઓ સંયુક્ત કુટુંબમાં રહેતા હોવાથી સવારે સૌ સાથે જ નાસ્તો કરતા અને રાતની સ્થિતિ પણ એવી જ રહેતી. સાજન સંગિની સાથે વાત સુધ્ધા કરતો ન હતો અને રાતે પણ પોતાનું શરીરસુખ ભોગવી પડખું ફેરવીને સુઈ જતો. સંગિની પોતાના પતિ તરફથી પ્રેમનાં બે મીઠા બોલ સાંભળવા આખી રાત તડપતી રહેતી.
ઘણીવાર તો સંગિનીને અફસોસ થતો કે, " હે !! ભગવાન મને કેવો પતિ મળ્યો છે ? જેના મોઢે હું મારું નામ સુધ્ધા સાંભળવા પણ તરસું છું. હું આવા માણસની સાથે આખું જીવન કઈ રીતે પસાર કરીશ ?? "
પરંતુ કુદરતની કરામત તો કોણ પારખી શક્યું છે ? સૂનમૂન અને રસહીન રાત્રિઓનાં ફળસ્વરૂપે લગ્નનાં માત્ર બે મહિનામાં જ સંગિનીને ગર્ભ રહી ગયો હતો. એક રીતે જોઈએ તો સંગિનીની કામણગારી કાયા વધારે ખીલી ઊઠી હતી. તેનાં રૂપનાં ખજાનામાં નવા રત્નનો ઉમેરો થયો હતો.
ડોક્ટરનાં કહ્યા પ્રમાણે મહિના પછી સંગિની તેની નણંદ તુલસી સાથે ચેક-અપ માટે જાય છે. ડૉક્ટર બાકીનાં રિપોર્ટસ કરીને સંગિની સમક્ષ ચોંકાવનારો ખુલાસો કરતાં કહે છે,
" તમને કમળો થયો છે જેની અસર તમારા પેટમાં ઉછરી રહેલ ગર્ભને પણ થઈ છે. "
સંગિનીને ભારે આઘાત લાગ્યો. ચિંતાજનક સ્વરે તેણે પૂછ્યું, " તો હવે ડોક્ટર ? "
" હવે તમારે ગર્ભપાત કરાવવો પડશે. "
" ડોક્ટર, બીજો કોઈ રસ્તો નથી ? " કરુણાસભર અવાજે સંગિનીએ કહ્યું.
" બીજો રસ્તો છે પરંતુ તેમાં ખૂબ મોટું રિસ્ક રહેલું છે. "
" ડોક્ટર હું મારા બાળક માટે કોઈપણ રિસ્ક લેવા તૈયાર છું. " મક્કમ અવાજે સંગિની બોલી ઉઠી.
" તમારે એક મહિના સુધી તમારી જાતની સાર-સંભાળ રાખીને કમળાને નાથવો પડશે પરંતુ આ એક મહિનામાં જ જો તમારો કમળો નહીં મટે તો તમારા ગર્ભાશયમાં તેનો ચેપ લાગવાથી તમારી અને ગર્ભની સ્થિતિ વધારે નાજુક થઈ શકે છે. આગળ શું થઈ શકે છે તમે સમજી શકો છો... " ડોક્ટર સંગિની તરફ સૂચક નજર નાખીને જોઈ રહ્યાં.
" હું તૈયાર છું ડોક્ટર " આટલું કહી ડૉક્ટર પાસેથી જરૂરી સલાહ-સૂચનોનો ભાર અને દવાઓનો જથ્થો લઈને તેઓ ઘરે આવ્યાં.
ઘરે આવીને સંગિની એ સમગ્ર વાત પોતાના પરિવાર સમક્ષ કરી. આખું કુટુંબ ચિંતાના અગાઢ સમુદ્રમાં ગરકાવ થઈ ગયું પરંતુ તે જ ક્ષણે 'ડૂબતે કો તિનકે કા સહારા' ની માફક તેમના પરિવાર માટે એ સહારો સાજન બની ગયો.
સાજન દ્રઢ અવાજે બોલી ઊઠ્યો, " હું તારી સંભાળ રાખીશ "
પછી શું હતું !! સાજન તેના કહેલા વચન ઉપર ખરો ઉતર્યો. તેને એક મહિના માટે ઓફિસથી રજા લઈ લીધી અને 'પત્નીસેવા' નાં કાર્યમાં લાગી ગયો. તે સંગિનીને પૌષ્ટિક ખોરાક પોતાના હાથે જમાડતો, તેને સમયસર દવા આપતો, તેના માટે જાતે જ્યુસ બનાવીને તેને પીવડાવતો. સંગિનીને કોઈપણ વસ્તુની કમી ના વર્તવા દેતો અને 24 × 7 તેની સેવામાં પ્રવૃત રહેતો. જેમ કોઈ મા પોતાના બાળકને સાચવે તે રીતે સાજને સંગિનીને એક મહિનો સાચવી.
સંગિનીને પણ પોતાની આંખ ઉપર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. સંગિની તો આને ભગવાનનો ચમત્કાર માની રહી હતી. એક મહિના બાદ જ્યારે તે ડોક્ટર પાસે ચેક-અપ કરાવવા માટે ગઈ ત્યારે તેના બધા રિપોર્ટસ 'નોર્મલ' આવ્યા અને આજે સંગિનીની સાથે તેની નણંદ નહીં પરંતુ તેનો પતિ સાજન આવ્યો હતો. સંગિની પોતાની ખુશી છુપાવી ના શકી અને સાજનને વળગી પડી અને તેની આંખમાંથી ખુશીરૂપા અશ્રુની નિર્મળ ધાર વહેવા લાગી.
સાજનનો તેના પ્રત્યેનો આ અનહદ પ્રેમ તેને તૃપ્ત કરી ગયો અને સાત મહિના બાદ તેમના ઘરે પારણું બંધાયું. સંગિની એ એકદમ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો અને ત્રિભુવનદાસ 'હલ્દીરામ્સ' ની દુકાને 'મોતીચુરનાં લડડૂ' લેવા દોડી પડ્યા...
- બાદલ સોલંકી " બાવલો છોરો "
Whatsapp No :- 9106850269