ખુદીરામ બોઝ - એક અમર ક્રાંતિકારી Badal Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખુદીરામ બોઝ - એક અમર ક્રાંતિકારી

          

કોર્ટ રૂમમાં ચારેય તરફ "વંદે માતરમ"નાં અખંડ નાદ ગુંજતા હતાં.લોકો જાણે તન-મનમાં નવો ઉલ્લાસ અને જોશ ભરીને આવ્યાં હતાં.આવો નજારો કદાચ પહેલી વાર જ કોઈ કોર્ટ રૂમમાં જોવાં મળ્યો હશે.


          મુખ્ય ન્યાયાધીશ પણ વિમાસણમાં પડી ગયાં. કારણકે, તેમણે પણ માથે ધોળા આવ્યા ત્યાં સુધી તો આવું દ્રશ્ય ન હતું જ નિહાળ્યું તેમની સામે કઠેડામાં ઊભા રહેલા નવજુવાન લોહિયા ને જોઈને કે જેના મોં પર નું તેજ તો ભરઉનાળાનાં રવિના તેજને પણ ઝાંખું પાડી દે તેવું હતું. હિમાલયના બર્ફીલા પહાડો કરતા વધારે ઊંચાઈ ધરાવતો તેનો આત્મવિશ્વાસ તેને આ ઉંમરના સામાન્ય યુવાન કરતા અલગ તારવતો હતો.તે નવયુવાનની દેશભક્તિ તેની આંખોમાંથી ઊભરીને બહાર આવતી હતી.

          ન્યાયાધીશને પણ એ વાતનું આશ્ચર્ય હતું કે, આ માત્ર 18 વરસનો યુવાન આટલી ઉંમરે આવું પરાક્રમ કરીને આવ્યો છે. મહામહેનતે ન્યાયાધીશ ભીડને શાંત પાડવામાં સફળ થયા. ત્યારબાદ કોર્ટની કાર્યવાહી આગળ વધારવામાં આવી.ન્યાયાધીશે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સજા સંભળાવતા પહેલા તેમણે તે છોકરાને પૂછ્યું,


         
          "તારે કંઈ કહેવું છે ?"

          તે યુવાનના આખા બદનમાં ક્રાંતિની મશાલ જલતી હતી.તેને કોઈ પ્રત્યુત્તર ન આપ્યો.ન્યાયાધીશે ફરી પૂછ્યું,

          "એ છોકરા , તારે કંઈક કહેવું છે ?"

           મૌનના કમાડ ખોલીને તે ફક્ત એટલું જ બોલ્યો, "જો તમારે બોમ્બ બનાવતા શીખવું હોય તો હું તમને શીખવી શકું છું."

          આ છોકરાનો આવો ધારદાર જવાબ સાંભળીને ન્યાયાધીશ ચોંકી ગયા.તેનાં સવાલનો જવાબ આપવા માટે જાણે ન્યાયાધીશનો શબ્દકોશ ખુટી ગયો.

          આ છોકરો બીજું કોઈ નહીં પણ ભારત માતાની લાજ ખાતર લડનાર યુવાન લડવૈયો કે જેના જીવનનો એકમાત્ર ઉદ્દેશ હતો બ્રિટિશ સત્તાને ભારતની પવિત્ર ધરતી પરથી ઉખાડી ફેંકવી.જેને આટલા વરસો ભારતની પ્રજા પર જુલમ કર્યા છે તેવી બ્રિટિશ સત્તાનો અંત કરવો.આ વાત છે કુમળી વયમાં જ જે છોકરાના રગે રગમાં રાષ્ટ્રવાદનો સંચાર થયો હતો તેવા બ્રિટિશ રાજ વિરુદ્ધ સ્વતંત્રતા માટે જાન ન્યોછાવર કરનાર પ્રથમ મુખ્ય ક્રાંતિકારી ખુદીરામ બોઝની.

          ખુદીરામ બોઝનો જન્મ ઈ.સ.1889 ની 3 ડિસેમ્બરનાં રોજ બંગાળાનાં મિન્દાપોર જીલ્લાનાં હબીબપુર ગામમાં થયો હતો.તેમનાં માતા-પિતા અનુક્રમે લક્ષ્મીપ્રિયા અને ત્રીલોકનાથનું તેઓ ચોથું સંતાન હતાં.તેઓ માત્ર છ વર્ષના હતા ત્યારે જ તેમના માતાનું અવસાન થઈ ગયું હતું અને તેના એક વર્ષ બાદ તેમણે પિતાની પણ છત્રછાયા ગુમાવી દીધી હતી.માતા-પિતાનાં અવસાન બાદ તેમના સૌથી મોટા બહેન અપારૂપા રોય એ તેમનો જતનભેર ઉછેર કર્યો હતો.ખુદીરામે હમિલ્ટન હાઇસ્કુલથી શિક્ષણ મેળવ્યું હતું .

          ખુદીરામને બાળપણથી જ સાહસી કાર્યો કરવાનો શોખ હતો.જન્મથી જ તેમની નસોમા ક્રાંતિ નું લોહી વહેતું હતું. જેને 15 વર્ષની નાની વયે તેમને ક્રાંતિકારીનું રૂપ દઈ દીધું હતું. તેમણે આટલી નાની વયથી જ સ્વરાજ ની વાતો ધરાવતી પત્રિકાઓ,સામયિકો અને અખબારો વહેંચવાનું શરૂ કરી દીધું હતું.જે બદલ અંગ્રેજ સરકાર દ્વારા તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી પરંતુ કિશોર વયનો સમજીને તેમની ઉપર ગંભીર પગલાં ભરવામાં નહોતા આવ્યા.આ ઉપરાંત તેમણે બૉમ્બ બનાવતા પણ શીખ્યું હતું. ખુદીરામ અરવિંદ ઘોષ અને 'શ્રીમદ ભગવતગીતા' થી ખૂબ જ પ્રભાવિત હતાં.

          પોલીસ દ્વારા 'જુગાંતર' અખબારને પ્રસારિત થતું રોકવાના પ્રયત્નો કરવામાં આવ્યાં.જે તે સમયનું એક મુખ્ય ક્રાંતિકારી અખબાર હતું. પોલીસનાં આવા આકરા વલણ થી ક્રાંતિકારીઓ રોષે ભરાયા હતાં.જેથી તેમણે અંગ્રેજ સામ્રાજ્યનો પાયો હચમચાવી નાખવા માટે ચીફ મેજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડ ને મોતને ઘાટ ઉતારી દેવાનું ષડયંત્ર રચ્યું.આ કામ કરવા માટે કોઈપણ બે ક્રાંતિકારી ની જરૂર હતી.ખુદીરામની નીડરતા અને તેમના ભરપૂર આત્મવિશ્વાસ ને જોતાં તેમની પસંદગી કરવામાં આવી અને તેમની સાથે તેમના મિત્ર પ્રફુલ્લ ચાકીને પણ આ ભગીરથ કાર્યને અંજામ આપવા માટે પૂરતી તાલીમ આપવામાં આવી.

          આ બંને યુવાનોએ બે સપ્તાહ સુધી રેકી કરી હતી અને ક્યાં ઊભા રહેવું ? બોમ્બ ક્યાં ફેંકવો ? કેવી રીતે ફેંકવો ? જેવી દરેક બાબતોનું પહેલાથી જ આયોજન કરી રાખ્યું હતું. ચીફ મેજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડનાં રામ બોલાવવા 30 એપ્રિલ,1908 નો દિવસ નક્કી કરવામાં આવ્યો.આ કામને અંજામ આપવા ખુદીરામ બોઝે હરેન સરકાર અને પ્રફુલ્લ ચાકી એ દિનેશકુમાર રૉય નામ ધારણ કર્યા.

          કિંગ્સફોર્ડ અને તેમના મિત્ર એવા બેરિસ્ટર અને લેખક પ્રિગલ કેનેડી તેમના કુટુંબ સાથે યુરોપિયન ક્લબમાં ઉપસ્થિત હતાં.ત્યાં સૌ બ્રીઝ (પત્તા) રમતા હતાં.બંને ક્રાંતિકારીની યોજના કિંગ્સફોર્ડ જેવા ક્લબમાંથી બહાર નીકળીને પોતાની બગીમાં બેસી તેવો જ તેમની બગી પર બોમ્બમારો કરીને તેમને ચકનાચૂર કરી દેવાની હતી.

          કિંગ્સફોર્ડ અને પ્રિગલ કેનેડીની બગીઓ એક સરખી જ હતી.રાતનાં 8:30 વાગ્યા હતા, ચારેય તરફ ઘોર અંધકાર હતો.કિંગ્સફોર્ડ અને પ્રિગલ કેનેડી તેમના કુટુંબ સાથે બ્રીજ (પત્તા) રમીને બહાર આવ્યાં.ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી લાગ જોઈને બગી પર બોમ્બ ઝીંકવા લાગ્યા અને ધરા કંપાવી નાખે તેવો ધડાકો થયો.જયાં જુઓ ત્યાં ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું.

          ખુદીરામ અને તેમના સાથી પ્રફુલ્લ ચાકી પોતાના કામને અંજામ આપીને ત્યાંથી ભાગી છૂટ્યા. રસ્તામાં તેઓ વાતો કરતા હતા -

           "મિત્ર આપણે જે કર્યું છે તે બાદ પોલીસ આપણને ક્યાંયથી પણ શોધી કાઢશે." પ્રફુલ્લ ચાકીએ ધીમા અવાજે કહ્યું.

          "મને પણ ખબર છે પરંતુ આપણા દેશના ઉજ્જવળ ભાવિ માટે આ જરૂરી હતું." ખુદીરામ બોઝ મક્કમ અવાજે બોલ્યા.

          "આપણા પર કોઈને શક ન જાય તે માટે આપણે છૂટા પડી જવું જોઈએ."
 
          "હા મિત્ર, આપણે હવે વિખુટા પડવું પડશે.હવે પછી ફરી મળશુ કે નહી તે પણ નક્કી નથી."

          આટલું બોલતા તો બંને મિત્રોની આંખોમાંથી જાણે કોઈ નદીના પવિત્ર નીર જેવા આંસુ વહી રહ્યા અને તેઓ એકબીજાને ભેટી પડ્યાં. થોડીવારનાં મિલન બાદ ભારે હૈયે બંને ક્રાંતિકારીઓ એકબીજાની વિદાય લઈને આગળ ચાલવા લાગ્યા.

          ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીને ત્યારબાદ જાણ થઈ કે તેમના હુમલામાં ચીફ મેજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડ નહીં પરંતુ બગીમાં બેસેલા બેરિસ્ટર પ્રિગલ કેનેડીનાં પત્ની અને પુત્રીનું મૃત્યુ થયું હતું.આ વાત જાણીને તેમને બહુ દુઃખ થયું. પોલીસ હુમલાખોરોની શોધમાં લાગી ગઈ હતી.તેમજ તેમની પર ઈનામ પણ રાખવામાં આવ્યું હતું.

          પ્રફુલ્લ ચાકી ત્યાંથી ભાગી જાય છે પરંતુ તેઓ ચાલતા ચાલતા ખૂબ જ થાકી જાય છે. તેઓ અંગ્રેજ પોલીસથી બચવા માટે ખૂબ જ લાંબું અંતર પગપાળા ચાલીને કાપે છે. ત્યારબાદ એક સ્થળે તેમને એક સજ્જન મળે છે જેમનું નામ હોય છે ત્રિગુણાચરણ ઘોષ.તેઓ પ્રફુલ્લ ચાકીને તેમના ઘરે લઈ જાય છે અને તેમને વ્યવસ્થિત ભોજન કરાવે છે તેમજ તેમને પહેરવા માટે સારા વસ્ત્રો પણ આપે છે.ત્રિગુણાચરણની સેવા થી પ્રફુલ્લ ચાકી ખૂબ જ ગદગદ થઈ ગયા.

          "આપનો ખૂબ ખૂબ આભાર" પ્રફુલ્લ ચાકી આભારવશ બોલ્યા.

          "આભાર તો તમારો મનાય તેટલો ઓછો છે જેટલું તમે દેશ માટે કર્યું છે. તેની સરખામણી એ આ સેવા કંઈ જ નથી." ત્રિગુણાચરણે ખૂબ જ માનપૂર્વક પ્રફુલ્લ ચાકીની સામે જોઈ ને કહ્યું.

          "તમારો આભાર પરંતુ મારું હવે અહીંયા વધારે રોકાવું યોગ્ય નથી, તેથી હું અહીંથી રવાના થાઉં છું."

          "તમારું કહેવું સાચું છે. પોલીસ તમને દરેક જગ્યાએ શોધી રહી છે. તેથી તમારા માટે ક્યાંક દૂરના સ્થળે જતું રહેવું જ વધારે હિતાવહ છે."

          ત્રિગુણાચરણ ઘોષે થોડીવાર વિચારીને કહ્યું, "તમારે હાવડા જતું રહેવું જોઈએ.કાલે સવારે સમસ્તીપુર થી હાવડા ની ટ્રેન રવાના થાય છે. હાવડા તમને બીજા ક્રાંતિકારીઓની મદદ મળી રહેશે."

          ત્રિગુણાચરણનાં જણાવ્યા મુજબ પ્રફુલ્લ ચાકી સમસ્તીપુર થી હાવડા જવા માટે ટ્રેનમાં બેસી જાય છે. તેઓ જે ડબ્બામાં હોય છે તેમાં જ નંદલાલ બેનર્જી નામના બ્રિટિશ સબ ઇન્સ્પેક્ટર હાજર હોય છે. જેમને પ્રફુલ્લ ચાકી પર શંકા થાય છે.

          નંદલાલ બેનર્જી તેમની સાથે વાતો કરવાનું શરૂ કરે છે અને વાત-વાતમાં તેઓ જાણી લે છે કે, મુઝફ્ફરપુર બોમ્બ કેસમાં પ્રફુલ્લ ચાકી સંડોવાયેલા છે. નંદલાલ બેનર્જી કોઈ રીતે બ્રિટિશરોને તેની જાણ કરી દે છે.

          ત્યારબાદ આગળનાં 'મુકામઘાટ' સ્ટેશને બ્રિટિશરો દ્વારા પ્રફુલ્લ ચાકી ની ધરપકડ કરવામાં આવે છે. પ્રફુલ્લ ચાકી બળપ્રયોગ કરીને કોઈ રીતે તેમની ચુંગાલમાંથી છટકી જાય છે. તેમને ખબર હતી કે જો તેઓ પકડાઈ જશે તો પોલીસ તેમને ખૂબ જ મારશે અને તેમના સાથીઓ ની માહિતી મેળવી લેશે. જેથી ક્ષણવાર પણ વિચાર કર્યા વિના તેઓ પોતાની પાસેની પિસ્તોલ કાઢે છે અને તેમનાં માથામાં ગોળી ધરબી દે છે. જયાં ઘટનાસ્થળે જ ભારતનો વીર સપૂત મોતને વરે છે.

          1 મે, 1907 ની સવારનો સમય.પગે ચપ્પલ પહેર્યા વગર અને પાણીની એક બુંદ પણ ગળે ઉતાર્યા વિના ખુદીરામ બોઝ 25 માઈલ અંતર કાપીને 'વાઈની' નામના સ્થળે પહોંચે છે. આખી રાત ચાલ્યાનો થાક તેમના વિલા પડી ગયેલા ચહેરા પરથી દેખાઈ આવતો હતો.

          ખુદીરામ બોઝની આવી હાલત જોઈને બે કોન્સ્ટેબલ ફતેહ સિંહ અને શિવપ્રસાદ સિંહને તેમની પર શંકા થાય છે.તે બંને કોન્સ્ટેબલ ખુદીરામ પાસે જઈને તેમની પાસેથી વાત જાણવાની કોશિશ કરે છે પરંતુ ખુદીરામ તેમની વાતો પર ધ્યાન નથી આપતા જેનાથી બંને કોન્સ્ટેબલ અકળાઈ જાય છે અને ખુદીરામ સાથે જોર-જબરદસ્તી કરે છે. ત્યારે ખુદીરામ પાસેથી તેમને એક પિસ્તોલ, દારૂગોળો અને રેલવેનો નકશો પ્રાપ્ત થાય છે. ખુદીરામ બોઝ તેમની સામે લડીને ભાગવાનો પ્રયત્ન કરે છે પરંતુ સફળ થતા નથી.તેમની ધરપકડ કરવામાં આવે છે.

          21 મે, 1908થી ખુદીરામનાં કેસની ટ્રાયલ શરૂ કરવામાં આવે છે.આ નાના ક્રાંતિકારીને જોવા માટે જાણે આખો દેશ ઉમટી પડે છે.દરેક વ્યક્તિ તેની એક ઝલક મેળવવા માટે તલપાપડ હોય છે.સૌ કોઈ તેને જોવા માંગે છે કે જેણે બ્રિટિશ સામ્રાજ્યનાં પાયા હચમચાવી નાખ્યાં.કારણ કે, આની પહેલા આવો કોઇ મોટો બનાવ બન્યો ન હતો.આ એક 'ઐતિહાસિક ક્ષણ' હતી.

          ખૂબ જ મોટી ભીડ એક 18 વર્ષના છોકરા ને નિહાળવા ભેગી થાય છે.ખદીરામ બોઝ "વંદે માતરમ"નાં જયઘોષ સાથે નીકળે છે.બધાં લોકો પણ તેમની સાથે "વંદે માતરમ"નાં નારા લગાવવાનું શરૂ કરી દે છે. આખું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઇ જાય છે. આવું મનોહર દ્રશ્ય આની પહેલા આઝાદીનાં ઈતિહાસમાં સર્જાયું ન હતું.

          ખુદીરામ બોઝ વતી ખૂબ જ પ્રખ્યાત વકીલો કેસ લડે છે.ખુદીરામનાં વકીલો દ્વારા ઉગ્ર દલીલો કરવામાં આવે છે અને તેમને છોડાવવાના ભરપૂર પ્રયત્નો કરવામાં આવે છે.એક સમયે તો એવું લાગે છે કે ખુદીરામ બોઝ મુક્ત થઈ જશે પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું.

          ધીમે ધીમે ખુદીરામનાં વકીલોનાં હાથમાંથી તેમની મુક્તિનાં પ્રયત્નો નિષ્ફળ નીવડે છે.ત્યારબાદ તેમનાં વકીલો ગવર્નર જનરલને પણ તેમની ફાંસીની સજા મોકૂફ રાખવાની અપીલ કરે છે પરંતુ તેનું ધાર્યું પરિણામ પ્રાપ્ત થતું નથી.આ સમય દરમિયાન કોર્ટ ને એક પત્ર પણ મળે છે જેમાં લખેલું હોય છે કે,

          "ખુદીરામ ને છોડી મુકો નહીંતર તમારી કોર્ટને જ બૉમ્બથી ઉડાવી દેવામાં આવશે."

          ખુદીરામ જ્યારે આ સાંભળે છે ત્યારે ખૂબ જ ખુશ થાય છે.તેમને સંતોષ મળે છે કે, ક્રાંતિ ની મશાલ હજુ બુઝાઈ નથી.આમ છતાં તેનાથી કોર્ટની કાર્યવાહીમાં કોઈ ફર્ક પડતો નથી.

          અંતે 13 જુલાઈ, 1908 એ કોર્ટ ચુકાદો આપે છે કે ખુદીરામે કરેલ ગુના બદલ તેમને 11 ઓગષ્ટ, 1908 નાં રોજ ફાંસી આપવામાં આવશે.ચુકાદો સાંભળીને આખા કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ જાય છે પણ ખુદીરામ બોઝ ના ચહેરા પર એક મુસ્કાન હોય છે.તેઓ લલકાર કરે છે,

          "મેં મરુંગા તો હજારો ખુદીરામ પેદા હોંગે."

          11 ઓગષ્ટ, 1908 એ સૂર્યોદયની સાથે જ સવારે 6 વાગ્યે ખુદીરામ બોઝ હાથમાં ભગવદગીતા લઈને ફાંસીનાં માંચડે ચઢી ગયા.ભારતનો ઉદય પામતો એક ધગધગતો સૂરજ સદાયને માટે અસ્ત થઈ જાય છે.18 વરસ, 8 મહિના અને 8 દિવસનું અતિ ટૂંકુ પરંતુ એક સમ્માનભર્યું જીવન જીવીને એક વીર સદાયને માટે વિદાય લે છે.

          ખુદીરામ બોઝને ફાંસીએ ચઢાવ્યાનાં તુરંત બાદ 'સ્ટુડન્ટ કમ્યુનિટી' દ્વારા સખત વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે.આખા કલકત્તામાં દંગા શરૂ થઈ જાય છે.ખુદીરામ બોઝ તેમની શહીદી બાદ ક્રાંતિનાં મહાનાયક બનીને ઉભરી આવે છે.

          ખુદીરામ બોઝની ફાંસી બાદ ભારત દેશમાં અંગ્રેજોને હાંકી કાઢવાની કવાયતને જોર મળે છે.દેશભરમાં ક્રાંતિ ની લહેર દોડે છે. આબાલ-વૃદ્ધ સૌ કોઈનાં દિલમાં હવે દેશભક્તિ ગુંજવા લાગે છે.

          આ તો ફક્ત એક ખુદીરામ બોઝની વાત કરી છે પરંતુ આ અખંડ ભારતને આઝાદી અપાવવા માટે તો આવા ન જાણે કેટલાય નવજુવાનો એ હસતે મોઢે મૃત્યુને ગળે લગાવી છે.

          દેશની આઝાદી માટે ઘણી બધી માતાનાં લાલ ભરજુવાનીમાં લાલ લોહીની હોળી રમીને દેશને આનંદની દિવાળી અર્પી ગયા છે.આવા ભારતમાતાનાં વીર સપૂતોને શત શત નમન. જય હિન્દ...

- બાદલ સોલંકી ( બાવલો છોરો )
   MO :- 9106850269