Jyarthi roop taru gaayu me books and stories free download online pdf in Gujarati

જ્યારથી રૂપ તારું ગાયું મેં , જોતી રહી ઈર્ષ્યાથી વસંત મને.

         નવ વર્ષ પહેલાંની ઘટના.સમય મધરાતે બાર વાગ્યાનો.અમાસની રાત હોવાથી જયાં વીજળીનાં થાંભલા ન હતાં ત્યાં ઘોર અંધકારનું સામ્રાજ્ય.રસ્તા પર એકલ-દોકલ માનવીને જોઈને કૂતરા ભસતા હતાં.

          મહેસાણા-અમદાવાદ હાઈ-વે પર જાનૈયાઓથી ભરેલી બસ પસાર થઈ રહી હતી. તે બસની પાછળ વરરાજા સહીત તેનાં સાથીઓ કારમાં પ્રવાસ ખેડી રહ્યાં હતાં.રાતનાં અંધકારમાં વરરાજા તેની સંગીનીને તેડવા જઈ રહ્યાં હતાં.

           જાનૈયાઓથી ભરેલી બસમાં મોટાભાગનાં જાનૈયાઓ નિદ્રાદેવીનાં ગાઢ આલિંગનમાં હતાં.તો કેટલાંક યુવક-યુવતીઓ પોતાની મસ્તીની ધૂનમાં સવાર હતાં.

          વરરાજા જે કારમાં સવાર હતાં.તે કાર જાનૈયાઓની બસ કરતા ઘણી પાછળ રહી ગઈ. સૂમસામ રસ્તા પર આંગળીનાં વેઢે ગણી શકાય તેટલા વાહનોની અવર-જવર હતી.ત્યાં અચાનક એક અણબનાવ બન્યો.

          વરરાજાની કારને ઓવરટેક કરીને બે વાન આગળ આવીને ઊભી રહી ગઈ. કારનો ડ્રાયવર કાંઈક સમજે તે પહેલા તો વાનમાંથી તલવાર,ચપ્પુ,લાકડીઓ અને મોટા છરા સાથે છ-સાત માણસો બહાર નીકળ્યા.

           "બહાર નીકલો સારે,જલ્દી બહાર નીકલો."કહેતાં તેઓ કારનો દરવાજો ખોલીને વરરાજાનાં સાથીઓને માર મારીને આંખનાં પલકારે વરરાજાને પોતાની વાનમાં બેસાડીને તેનું અપહરણ કરીને નાસી ગયાં.

          સવારે છોકરી પક્ષમાં જાણ થતાં જ ચારેકોર ખળભળાટ મચી ગયો. દરેકનાં મનમાં અલગ-અલગ સવાલો - અપહરણ કોણે કર્યું ? કેવી રીતે કર્યું ? શા માટે કર્યું ? તો બીજી બાજુ વરરાજાનાં ઘરનાં સભ્યો અને સંબંધીઓમાં પણ દુઃખનાં ઘનઘોર વાદળો ફરી વળ્યાં હતાં.પોલીસ તપાસ શરૂ કરવામાં આવી.
                        
                        ★★★★★★★

          શાંતિલાલ સોરઠીયા તેમનાં પત્ની શાલિનીબેન અને બાળકો સાથે ધાનેરા પોતાના પૂર્વજોનાં વારસાગત મકાનમાં રહેતાં હતાં.તેમને સંતાનમાં બે છોકરીઓ અને બે છોકરાઓ હતાં.જેમાંથી બંને મોટી છોકરીઓનાં લગ્ન યોગ્ય મુરતિયાઓ જોઈને કરાવી દીધાં હતાં.

          બે છોકરાઓમાં મોટો છોકરો નચિકેત સ્વભાવમાં એકદમ શાંત,સરળ,વાણી-વર્તનમાં ઉત્તમ અને દેખાવે સામાન્ય યુવાન.જ્યારે નાનો છોકરો રિધાન તેનાં એકવીસ વરસ પૂરા કરી ચુક્યો હતો અને યુવાનીનાં ઉંબરે આવીને ઉભો હતો.દેખાવે આજનાં એકવીસમી સદીનાં યુવાનમાં જોવા મળે તેવી 'સ્માર્ટનેસ'.જે કોઈ પણ કુંવારી કન્યાનું મન મોહી લે.બોલવામાં અનોખી ચપળતા,સ્નાયુબદ્ધ બાંધો,શરીર-સૌષ્ઠવ પણ શ્રેષ્ઠ અને જવાબ આપવામાં તેજ-તર્રાર.

          રિધાનનાં જ વિસ્તારમાં રહેતી મુસ્લિમ યુવતી રુકસાર. દેખાવમાં  માખણની મૂરત, યૌવનની કળી, વસંતમાં ખીલેલા ગુલાબનાં ફૂલ જેવો મહેકતો ચહેરો,સ્નિગ્ધ ત્વચા,ગુજરાતી નારમાં જોવા મળે તેવી દેહની કોમળતા ધરાવતી હતી રુકસાર.તેને જોતાં જ કોઈ પણ નૌજવાન તેને દિલ દઈ બેસે તેવી સ્વર્ગમાંથી ઉતરી આવેલી અપ્સરા જેવી લાગતી હતી રુકસાર.

          રુકસારનાં પપ્પા અશરફ અલી ખાન.તેમનાં વિસ્તારનાં ખ્યાતનામ ગુંડા.તેમને કુલ પાંચ સંતાનો હતાં.જેમાં સૌથી નાની અને એકમાત્ર દીકરી રુકસાર હતી.રુકસારનાં બાળપણમાં જ તેની માતાનું અવસાન થઈ ગયું હતું. જેથી અશરફ અલી ખાને પોતાની એકની એક પુત્રી રુકસારનો જતનભેર ઉછેર કર્યો હતો.

          એક જ વિસ્તારમાં રહેતાં હોવાથી રિધાન અને રુકસાર વચ્ચે મિત્રતા કેળવાઈ હતી.સમયનાં ફરતાં ચક્ર અને નસીબનાં વંટોળનાં પરિણામે તેમની વચ્ચેની મિત્રતાએ પ્રેમનું રૂપ ધારણ કર્યું હતું. પરંતુ ધર્મની સરહદ તેમનાં પ્રેમને રોકતી હતી.

          એક સાંજે બગીચામાં રુકસારનાં ખોળામાં માથું ટેકવીને રિધાન શાંત બેઠો હતો.પછી અચાનક તેને વાત આરંભી -

"શું તું મને સાચો પ્રેમ કરે છે ?"

"હા" રુકસારે જવાબ આપ્યો.

"તો આપણે ક્યાં સુધી આમ છાનામાના મળતાં રહીશું ?"

"મારે પણ તારી સાથે સંસાર માંડવો છે પણ મારા અબ્બુ અને ભાઇઓ નહીં માને."

"તો આપણે ભાગીને લગ્ન કરી લઈએ."

"ના, મારા અબ્બુને ખબર પડશે તો આપણને જાનથી મારી નાખશે."

રિધાન બોલી ઊઠયો , "જબ પ્યાર કિયા તો ડરના કયા ?"

          ત્યારબાદ આગળનાં દિવસની મઘ્યરાતે તે બંને 'ફૂલ પ્રૂફ પ્લાનિંગ' સાથે ઘરથી ભાગી ગયાં. તેઓ ગોવા જતા રહ્યાં અને ત્યાં હિન્દુ રીત-રિવાજથી લગ્ન કરી લીધાં.

          આ 'ન્યૂ મેરિડ કપલ' ગોવામાં પોતાનું 'હનીમૂન' મનાવી રહ્યું હતું.

          ગોવામાં ઢળતી સાંજે દરિયા કિનારે બંને હાથમાં હાથ નાખીને દરિયાનાં આછા પાણીમાં ચાલી રહ્યાં હતાં.દરિયાનાં મોજા બંનેના તન અને મનને તૃપ્તિ પ્રદાન કરતાં હતાં.રિધાન અને રુકસાર 'રોમેન્ટિક' ગીત ગણગણાવી રહ્યાં હતાં ,

          "મેરે હાથ મેં તેરા હાથ હો...."

          જ્યારે ધાનેરામાં બંને પરિવારોને આ ઘટનાની જાણ થઈ. રુકસારનાં અબ્બુ અને તેનાં બોક્સર જેવા ચાર ભાઇઓ આવીને રિધાનનાં ઘરમાં તોડ-ફોડ કરી નાખી તેમજ નચિકેત અને શાંતિલાલનાં હાથ-પગ ભાંગ્યા એ બોનસમાં.

          રિધાનનાં પરિવારે રુકસારનાં અબ્બુ અને ભાઇઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી.પોલીસ દ્વારા તેમને હિરાસતમાં લેવામાં આવ્યાં.

          રુકસારનાં પરિવારે રિધાન સામે ફરિયાદ નોંધાવાનું કર્યું પણ પોલીસે તેમની ફરિયાદ નોંધી નહીં.કારણ કે,સરકારી કાયદા પ્રમાણે રિધાન અને રુકસાર યુવાન થઈ ગયા હતાં અને તેમને તેમનાં પસંદગીનાં પાત્ર સાથે લગ્ન કરવાની છૂટ હતી.

          થોડા સમય બાદ વાતાવરણ શાંત થતા રિધાન અને રુકસાર ગોવાથી પાછા ફર્યા.ઘરમાં થોડા દિવસ સુધી રિસામણા-મનામણા ચાલ્યા અને અંતે રિધાનનાં પરિવારે નવદંપતિને અપનાવી લીધાં અને સૌ ફરીથી ઉલ્લાસભેર જીવન જીવવા લાગ્યા.

          આ પ્રસંગનાં બે મહિના બાદ રિધાનનાં મોટાભાઈ નચિકેતનાં લગ્ન અમદાવાદની કન્યા સાથે નીરધાર્યા.જાન ધામ-ધૂમપૂર્વક ધાનેરાથી અમદાવાદ જવા માટે નીકળી પડી.

          મહેસાણા-અમદાવાદ હાઈ-વે થી આગળ વરરાજાની જાનને રોકીને વરરાજાનું અપહરણ કરવામાં આવ્યું.

          અપહરણનાં બે દિવસ બાદ પોલીસને તપાસ દરમિયાન અમદાવાદ શહેરની બહાર જતા એક સૂમસામ રોડ પર માર મારેલી અને બેભાનની સ્થિતીમાં પડેલો નચિકેત મળી આવ્યો.

          હોસ્પિટલમાં ડૉક્ટરની સારવાર બાદ નચિકેતને હોશ આવ્યો. નચિકેતે પોતાની ઉપર ગુજારેલી દર્દનાક યાતનાનું વર્ણન પોલીસ સમક્ષ કર્યું -

"રુકસારનાં અબ્બુ અને તેનાં ચાર ભાઇઓ સહીત સાત લોકો મારું અપહરણ કરીને મને એક સૂમસામ જગ્યાએ લઈ ગયાં ત્યાં તેમણે મને એક ખુરશીએ બાંધી દીધો અને મને ખૂબ માર્યો.ત્યાં મારી દર્દનાક ચીસો સાંભળનાર પણ કોઈ જ ન હતું."

          નચિકેતે નોંધાયેલ ફરિયાદનાં આધારે પોલીસે રુકસારનાં અબ્બુ અને ચાર ભાઇઓ સહીત સાત લોકો સામે અપહરણ અને મારામારીનો ગુનો નોંધ્યો અને તેમની શોધખોળ શરૂ કરી દીધી.

          અત્યાર સુધી આ મુદ્દો એક 'નેશનલ ન્યૂઝ' બની ચુક્યો હતો.દરેક ન્યૂઝ ચેનલ 'બ્રેકિંગ ન્યૂઝ'તરીકે તેને ગજવી રહી હતી.

          નચિકેતને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અમદાવાદ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નચિકેતનાં લગ્ન લેવામાં આવ્યાં.સંબંધીઓ,મીડિયા અને અનેક લોકોની હાજરી સાથે નવદંપતિએ અગ્નિ સમક્ષ ફેરા ફર્યા.

          લગ્નનાં અઠવાડિયા બાદ રુકસારનાં અબ્બુ અને તેનાં ભાઇઓ સહીત સાતેય લોકોની પોલીસને ભાળ મળી. પોલીસે મળેલી બાતમીનાં આધારે તેમની ધરપકડ કરી.

          રુકસારે તેનાં અબ્બુ અને ભાઇઓ વિરૂદ્ધ પોલીસ સમક્ષ જુબાની આપી.પોલીસે તેમને અપહરણ અને મારામારીનાં ગુનામાં જેલમાં ધકેલી દીધાં.

          એકવીસમી સદી 'આધુનિક સદી' કહેવાય છે પરંતુ ભારતીય સમાજમાં આજે પણ લગ્ન સંબંધ બાંધતા પહેલા બંને પરિવારો નાત-જાત, ધર્મ,અમીરી-ગરીબી જેવા પરિબળોને એકબીજા સાથે સરખાવે છે. જે આજનાં યુવાનોને સમાજથી પર જઇને લગ્ન કરવા મજબૂર કરી દે છે.

【સત્ય ઘટના - રિધાન અને  રુકસાર હાલ અમદાવાદમા સ્થાઈ થયેલ છે. રિધાને પોતાનો નાનો બિઝનેસ વિકસાવ્યો છે અને તેઓ પોતાનું સફળ લગ્ન જીવન માણી રહ્યા છે. જેના ફળ સ્વરૂપ તેઓ બે પુત્રીઓનાં માતા-પિતા બન્યાં છે.】

- બાદલ સોલંકી 'બાવલો છોરો'

         
           

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED