લાગણીનો સંબંધ Badal Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીનો સંબંધ

          ભાવિનભાઈનાં ઘરમાં હસીની છોળો ઊડતી હતી. એ જ સમયે માથા ઉપર પાલવ ઓઢી, હાથમાં ચા-નાસ્તાની ટ્રે લઈ, પલકો નીચી રાખીને, પંજાબી ડ્રેસ પહેરેલી અને ધીમા કદમે આવતી જાનવી નામની કન્યા બધાં સમક્ષ હાજર થઈ. 

          પોતાનાં કુલદિપક જન્મેષ માટે છોકરી જોવા આવેલા તેનાં મમ્મી-પપ્પા કિશનલાલ અને રાધાબેન તો જાનવીને જોતા જ રહી ગયા. પોતાના દીકરાને આવી ' અપ્સરા ' જેવી કન્યા મળશે તે વિચાર માત્રથી જ તેમની ખુશીનું કોઈ ઠેકાણું જ ન હતું અને તેઓ અંતરમનમાં તો ગરબે ઘુમવા લાગ્યા હતાં.

          જાનવીએ ટ્રે ટેબલ પર મૂકીને કિશનલાલ અને રાધાબેનનાં ચરણ સ્પર્શ કરી આશિર્વાદ મેળવ્યા. ત્યારબાદ તે તેમની સામેનાં સોફા પર નજરો નીચી રાખીને બેસી ગઈ.

" તો જુઓ કિશનલાલ આ છે અમારી લાડકવાયી દીકરી જાનવી. " જાનવીનાં પિતા ભાવિનભાઈ તેની તરફ હાથ લંબાવી બોલ્યા.

" આ..હા..હા..!! સાક્ષાત જાણે દેવલોકની અપ્સરા છે. " રાધાબેને આશ્ચર્ય ભાવથી જાનવીની સામે જોઈને કહ્યું.

" એ તો હોય જ ને, દીકરી કોની ?? " જાનવીનાં મમ્મી ભાવનાબેને ગર્વથી કહ્યું.

રાધાબેન હકારમાં માથું ધુણાવતા બોલ્યા, " હા..હા...ખરું. બિલકુલ તમારી ઉપર પડી લાગે છે... "

ભાવિનભાઈએ તેમને અધવચ્ચેથી જ અટકાવતા કહ્યું, " ના..ના.. મારી દીકરી તો આખી મારા પર ગઈ છે. જુઓ એનો ભરાવદાર ચહેરો અદ્દલ મારા જેવો જ છે ને ?? "

કિશનલાલ હસતા-હસતા બોલ્યા, " જાનવી જેના ઉપર ગઈ હોય તેના ઉપર ભલે ગઈ પરંતુ અમને તમારી દીકરી ખૂબ પસંદ આવી છે. આવી સોનાની ખાણ સમી વહુ અમારા દિકરાને કયા ભવમાં મળવાની હતી !!! તેથી અમારા તરફથી તો ' હા ' જ છે.

" હા પણ, તમે એકવાર છોકરા-છોકરીની રૂબરૂ મુલાકાત કરાવી આપો તો તેમની પસંદગીની પણ ખબર પડે. " ભાવિનભાઈ કિશનલાલ સામે તાકીને બોલ્યા.

રાધાબેને કહ્યું, " અરે !! તમે અમારા જન્મેષને ઓળખતા નથી. એ અમારો પડ્યો બોલ ઝીલે છે. અમારો આજ્ઞાકારી પુત્ર છે. અમારી વાતને ક્યારેય નકારતો નથી. "

" હા, તો પણ એકવાર છોકરા-છોકરી મળીને વાતચીત કરી લે તો સારું છે. " ભાવિનભાઈએ કહ્યું.

          કિશનલાલ સહેજ મુસ્કુરાઇને બોલ્યા, " તો સારું, જેવી તમારી મરજી. છોકરા-છોકરીની ' મીટીંગ ' પણ ' ફિક્સ ' કરી લઈએ. હું તમને ફોન કરીને જાણ કરી દઈશ કે ક્યાં અને ક્યારે મુલાકાત ગોઠવવી છે. " આટલું કહી કિશનલાલ અને રાધાબેને ઊભા થઈ હાથ જોડીને વિદાય ની અનુમતિ માંગી. તેમજ જતાં-જતાં જાનવીનાં હાથ માં સગુનનાં પાંચ હજાર એક સો રૂપિયા આપ્યા અને કહેતાં પણ ગયા કે, " દીકરી, તારે અમારું ઘર જ ઉજાળવાનું છે. "

          કિશનલાલ કાપડિયા એક ઈજ્જતદાર ઘરનાં ઈજજતદાર વ્યક્તિ હતા. તેમની સમાજમાં સારી એવી શાખ હતી. તેમના ઉપર સરસ્વતીમાતા અને લક્ષ્મીમાતા બંનેનાં ભરપુર આશિર્વાદ હતા. જેના કારણે તેમના કુટુંબનું નામ સમાજમાં માનભેર લેવામાં આવતું હતું. કિશનલાલ એક ભણેલા-ગણેલા સફળ ' બિઝનેસમેન ' હતાં અને તેમને કળિયુગનાં શ્રવણ જેવો જન્મેષ નામનો દીકરો હતો. જે એમ.બી.એ. પૂર્ણ કર્યા બાદ તેમની સાથે બિઝનેસમાં જોડાઈ ગયો હતો અને સફળ સંચાલન કરી રહ્યો હતો.

          જન્મેષ માટે માંગા તો ઘણા આવ્યા હતા પરંતુ તેની સાથે શોભી ઉઠે એવી સર્વગુણ સંપન્ન કુંવારી કન્યા કિશનલાલને હજુ મળી ન હતી. તેઓ આવી કન્યાની શોધમાં આખો સમાજ ખૂંદી વળ્યા હતા. એક દિવસ સમાજનાં એક ગોર મહારાજે તેમને ભાવિનભાઈની જાનવીની વાત કરતાં કહ્યું હતું કે, " છોકરીને મેં જાતે જોઈ અને જાણી છે, જે ઘરમાં જાશે એ આખું કુળ ઉજાળશે. " પછી તો ભાવિનભાઈ સાથે વાત કરીને કિશનલાલ અને રાધાબેન પહોંચી ગયા ' કન્યા દર્શન ' માટે...

          ' કન્યા દર્શન ' બાદ ઘરે પહોંચીને કિશનલાલે જન્મેષને આખી વાત કરી અને તેને એકવાર જાનવીને મળી લેવાનું પણ કહ્યું પરંતુ જન્મેષ બોલી ઉઠ્યો, " ના પપ્પા, મારે કોઈને નથી મળવું. તમે જે નક્કી કર્યું એ ફાઈનલ. "

" પણ દિકરા એકવાર છોકરીને મળીને તેને જાણી લે પછી તને ભવિષ્યમાં કોઈ વાતનો અફસોસ ના રહી જાય. "

" સારું પપ્પા, તમે કહેતા હો તો મળી આવું. " જન્મેષ બોલ્યો.

          ' સ્નેહમિલન ' માટે જન્મેષે સાબરમતી રિવરફ્રન્ટનાં કિનારે આવેલી ' ઓપન એર' ' લવ બર્ડ્સ રેસ્ટોરન્ટ ' પર  પસંદગી ઉતારી. ઢળતી સાંજે તે ખુરશી પર બેસીને સાબરમતીનાં શાંત નીરને નિહાળી રહ્યો હતો. ક્યારેક આકાશમાં ઉડા-ઉડ કરતા અવનવા પક્ષીઓને જોતો હતો તો ક્યારેક સામેથી આવતી ઠંડી હવામાં આંખો બંધ કરીને શાંતિનો અહેસાસ કરતો હતો.

          જન્મેષ જાનવીની રાહ જોતો ઘડિયાળની સામે નજર કરે છે અને જેવું મોઢુ ઊંચું કરે છે કે - આંખમાં ઘટ્ટ કાળા રંગનું કાજળ, કાનમાં મોટા ઈયરીંગ, રૂપકડો સહેજ ગુલાબી ચહેરો અને તેને વધારે ખૂબસૂરતી અર્પણ કરતું તેનું ' સ્લિમ ફિગર ' તેમજ તેનાં ઉપર પહેરેલી લોંગ કુર્તી. આ ઉપરાંત તેનાં આ સમગ્ર રૂપમાં યશકલગી બનીને ઊભરી આવતી મોગરાનાં ફૂલની અત્તરની મઘમઘતી ખુશ્બુ સાથે સાક્ષાત રૂપનાં ભંડાર સમી જાનવી તેને ' હેલ્લો ' કહીને સામે બેસે છે.

          જાનવી પરથી તેની નજર તો હટતી જ નહોતી. જાનવીને નિહાળીને તેનું દિલ તો ' ડોલા રે ડોલા ' થઈ ઊઠ્યું હતું. તે બોલવા માંગતો હતો પરંતુ જાણે તેનાં હોઠ ઉપર જાનવીની ખૂબસૂરતીએ તાળું મારી દીધું હતું અને તેની ચાવી જાણે પોતાના હૈયામાં દબાવીને બેઠી હતી.

          થોડીવાર બાદ જન્મેષ ફક્ત ' હાય.. ' જ બોલી શક્યો.  જાનવીએ વાતની ડોર પોતાના હાથમાં લીધી અને પછી જન્મેષ પણ થોડો સ્વસ્થ થઈને વાત કરતો થઈ ગયો. તેમની વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીતનો દોર ચાલ્યો અને અંતે મીટીંગ ' સક્સેસફૂલ ' નીવડી અને બંને પોત-પોતાનાં પરિવાર માટે ' શુભ સમાચાર ' લઈને છૂટા પડ્યા.

          ત્યારબાદ પંદર જ દિવસમાં બન્નેની સગાઈ થઈ ગઈ અને તેના પછીનાં પંદર દિવસે તો જન્મેષ કેસરીયો સાફો પહેરી, ઘોડી ઉપર સવાર થઈ, જાનૈયાઓ સંગ જાન જોડીને પોતાની ' જાન ' જાનવીને તેડવા તેના આંગણે પહોંચી ગયો. અગ્નિની સાક્ષીએ બંનેએ ફેરા ફરીને સાત જન્મનાં મજબૂત બંધનમાં બંધાઈ ગયા.

          વરરાજા તેની દુલ્હનને ઘરે તેડી લાવ્યા. ત્યારબાદ શરૂ થઈ તેમના લગ્ન જીવનની સુખદ યાત્રા. લગ્ન પછીનાં છ મહિના તો હનીમૂન માણવામાં, પ્રેમાલાપ કરવામાં, એક ગ્લાસમાં બે સ્ટ્રો નાખી નજરથી નજર મિલાવીને શેરડીનો રસ પીવામાં અને ઘરમાં કોઈનું ધ્યાન ન જાય એવી રીતે મીઠા ચેન-ચાળા કરવામાં વીતી ગયા.

          સમય ઘડિયાળનાં કાંટાની માફક સતત આગળ વધતો ગયો. જન્મેષ અને જાનવીનાં લગ્નને હજુ બે વર્ષ પણ થવામાં નહોતા આવ્યા અને તેમની વચ્ચે ઝઘડાનાં બીજ રોપાઈ ગયા હતા. જન્મેષ હવે ઘરે મોડો આવતો અને આવીને પણ ઓફિસનાં કામમાં જ ગળાડૂબ રહેતો. રવિવારનાં દિવસે પણ આખો દિવસ ઘરમાં બેસીને ઓફિસનું કામ કર્યા કરતો, તો હવે જાનવીને લઈને ક્યાંય ફરવા પણ ન હતો જતો. જાનવી જન્મેષનાં મુખેથી પ્રેમનાં બે મીઠા બોલ સાંભળવા તરસતી હતી પરંતુ જન્મેષને તેની જરા પણ દરકાર નહોતી. જાનવીને ઘણી વાર તો એવું લાગતું કે, જન્મેષેે તેની સાથે નહીં પરંતુ તેના કામ સાથે લગ્ન કર્યા છે.

          તો બીજી બાજુ જન્મેષને લાગતું હતું કે, જાનવી હવે તેની સાથે પહેલાં જેવો પ્રેમ દાખવતી નથી, તેની સાથે ખુલ્લા મનથી વાત કરતી નથી ને જાનવીમાં હવે પહેલાં જેવું આકર્ષણ પણ નથી રહ્યું. ખબર નહિ કેમ પરંતુ જન્મેષને હવે જાનવી પરથી રસ જ ઊડી ગયો હતો.

          બંનેનાં વિચારો જ્યારે સામ-સામે ટકરાતા તો ઘણીવાર મોટી તકરારનું રૂપ લઈ લેતા હતાં. તેમની વચ્ચે તીરછી ભાષામાં બોલાચાલી થતી. બંનેમાંથી કોઈ પણ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર જ નહોતું. બંને એકબીજાની સામે જ આરોપ-પ્રત્યારોપ કરતા રહેતા. આવી ઘટનાઓથી વાકેફ એવા કિશનલાલ અને રાધાબેન તે બંનેને ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કરી ચુક્યા હતા પરંતુ બેમાંથી એક પણ હાર માનવા તૈયાર ન હતાં.

          એક દિવસ જન્મેષ ઓફિસેથી ઘરે આવી જમ્યા બાદ જેવો તેમના બેડરૂમમાં પ્રવેશ્યો અને જાનવીએ કહ્યું, " જન્મેષ તને નથી લાગતું કે આપણે રોજ-રોજ આમ લડવા કરતા એકબીજાથી છૂટા પડી જવું જોઈએ. "

સહેજ વિચાર કર્યા બાદ જન્મેષ બોલ્યો, " મને પણ ઘણી વાર એવું જ થાય છે કે આપણે છૂટા પડી જવું જોઈએ. "

" આપણે સવારે જ મમ્મી-પપ્પાને આ અંગે વાત કરીએ અને પછી આગળની કાર્યવાહી હાથ ધરીએ. "

" જેવી તારી ઈચ્છા. હું સવારે જ મમ્મી-પપ્પા સાથે વાત કરીને આપણા ' ડિવોર્સ' ની નોટિસ વકીલ દ્વારા તૈયાર કરાવી લઉં છું. અત્યારે તું સુઈ જા ' ગુડ નાઈટ '. જન્મેષે  આટલું કહી લાઈટની સ્વીચ બંધ કરી દીધી અને જાનવી તેને ' ગુડ નાઈટ '  ' વિશ ' કર્યા વિના જ પડખું ફેરવીને સૂઈ ગઈ.

          કિશનલાલ અને રાધાબેનની ઘણી સમજાવટ પછી પણ બંનેમાંથી એકેય ટસનાં મસ ન થયાં અને અંતે અઢી વર્ષની અતિ ટૂંકી કહી શકાય એવી તેમની લગ્ન જીવનની યાત્રાનો વકીલની સાક્ષીએ દુઃખદ અંત આવ્યો.

          ભાવિનભાઈ અને કિશનલાલ બંનેનાં માથે ફરી એકવાર પોતાના બાળકો માટે યોગ્ય જીવનસાથી શોધવાનું કામ આવી પડ્યું. ભાવિનભાઈએ આખા સમાજનાં જેટલા પણ ઈજ્જતદાર બાપનાં છોકરાઓ હતા, તે દરેકની સામે જાનવીની વાત મુકી જોઈ હતી પરંતુ જાનવીની સાથે રૂપમાં, ગુણમાં, અભ્યાસમાં અને ચારિત્ર્યમાં સમકક્ષ આવી શકે એવો એક પણ છોકરો તેમને મળ્યો નહીં. ભાવિનભાઈ અઠવાડિયામાં બે થી ત્રણ વાર કોઈને કોઈ છોકરો જોવા જતા પણ દરેક વખતે તેમને નિરાશ હૈયે જ પાછા ફરવું પડતું હતું. એક નબીરાનાં બાપે તો સામેથી પૈસા આપીને જાનવીને પોતાના ઘરની વહુ બનાવવાની વાત ભાવિનભાઈને કરી હતી પરંતુ તેમણે ખૂબ શાલીનતાપૂર્વક તેને નકારી દીધી હતી. ભાવિનભાઈ ન હતાં ઈચ્છતા કે, પૈસાનાં ખોખલા પાયા પર સંબંધની ઈમારત ચણાય.

          તો બીજી બાજુ કિશનલાલ પણ જન્મેષની વાત લઈને ઘણા ઘરો ફેંદી વળ્યા હતા પરંતુ તેમને પણ જન્મેષનો જન્મો-જન્મ સાથ નિભાવી જાય એવી છોકરી મળતી ન હતી. જન્મેષ માટે ઘણા માંગા આવતા પરંતુ તે કુંવારી છોકરી ના નહિ પણ વિધવા કે ડિવોર્સી મહિલાનાં આવતા અને કુંવારી છોકરીનાં આવતા તો તે પણ જન્મેષની સાથે શોભી ઊઠે તેવી છોકરીનાં નહોતા આવતા. અંતે કિશનલાલ થાકીને ઘરે બેસી ગયા હતાં.

          ઘણી વેળા જાનવી અને જન્મેષને એકબીજાની યાદો બારણે ટકોરા માર્યા વિના આવી જતી અને તેમના હૃદયને જંજોળી જતી હતી પરંતુ બીજી તરફ તેમને પોતાનો સ્વાભિમાન આડે આવી જતો હતો. કોઈવાર એકબીજાની યાદમાં બંનેની આંખોનાં ખૂણા પણ ભીના થઈ જતા પરંતુ તેઓ તેમનું દુઃખ કોઈની સમક્ષ કહી નહોતા શકતા. દિલમાં ઊઠતી આવેગોની જ્વાળાને તેઓ આંસુનાં નિર્મળ જળ વડે શાંત પાડી દેતા હતાં.

          એક દિવસ સમાજનાં એક પ્રસંગમાં તેઓએ એકબીજાને જોયા અને તેમના મનમાં ફરીથી ' ઈમોશન ' જાગી ઊઠ્યા. જન્મેષે ઈશારો કરીને જાનવીને એક બાજુ વાત કરવા માટે બોલાવી.

" કેમ છે જાનવી તું ? " જન્મેષ કશાય ઉત્સાહ વિના ધીમા અવાજે બોલ્યો.

" હું તો મજામાં છું પણ તું મને કોઈ આઘાતમાં લાગે છે. "

" ના..ના.. મારે શેનું દુઃખ હોય હું તો હંમેશની જેમ મોજમાં જ છું. " જન્મેષ પરાણે હસતાં બોલ્યો.

સહેજ હસીને જાનવીએ કહ્યું, " ખોટુ ના બોલ, તારી આંખો બધુ કહી આપે છે કે તું ખુશ નથી. હું તને બરાબર ઓળખું છું. "

          આંખો પર હળવો હાથ ફેરવીને ભીના અવાજે જન્મેષ બોલ્યો, " જાનવી, તું જ્યારથી ગઈ છે ત્યારથી હું તો જાણે એકલો પડી ગયો છું. કોઈ કામમાં મન પરોવાતું જ નથી. મને બધી જગ્યાએ તારો ખીલેલો ચહેરો જ નજર આવે છે. " આટલું બોલતા જન્મેષ તેનાં આંસુ ના રોકી શક્યો અને જાનવીને ગળે વળગીને રડવા લાગ્યો.

          તો જાનવી પણ હવે પોતાના આંસુ પર નિયંત્રણ ના રાખી શકી અને જન્મેષની પીઠે હાથ વળગાડીને ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી. બંને ભૂતપૂર્વ પતિ-પત્ની દુનિયાદારીની ચિંતા કર્યા વગર કેટલીય વાર સુધી આમ એકમેકમાં લીન રહ્યાં. ત્યારબાદ જન્મેષ જાનવીને પોતાનાં બાઈકની પાછળ બેસાડીને એ જ ' લવ બર્ડ્સ રેસ્ટોરન્ટ ' પર લઈ ગયો અને બંનેએ ભરપુર વાતો કરી. અંતે એકવાર ફરીથી બંને પોત-પોતાનાં પરિવાર માટે ' શુભ સમાચાર ' લઈને છૂટા પડ્યાં.

               ★★★★★★★★★★

પતિ-પત્નીનો સંબંધ " જતું કરવાની ભાવના " પર ટકેલો હોય છે પણ જ્યારે-જ્યારે બંનેનાં અહમ્ ઘવાય છે ત્યારે સંબંધમાં તિરાડ પડ્યા વગર રહેતી નથી. દંપતીએ આ તિરાડને સાંધવાનો પ્રયત્ન કરવો જોઈએ ના કે છૂટા પડીને તેને નષ્ટ કરવાનો !!! બંનેનો એકબીજા પ્રત્યેનો " પ્રેમ " અને " વિશ્વાસ " જ સાચા સંબંધનો મજબૂત પાયો છે... 】

- બાદલ સોલંકી ( બાવલો છોરો )
Whatsapp No :- 9106850269