ઘેલછા - પ્રકરણ 02 Ranna Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘેલછા - પ્રકરણ 02

(૦૨)

આ મંથન, છેલ્લીવાત અને નિર્ણય ની દુવિધા માં સમજાઈ જ જાય એવી કથા કે આભા ની વ્યથા કૈક આવી હતી.....કૉલેજ દરમ્યાન સાથે જતાં-આવતાં સામાન્ય પરિચય માં થી મૈત્રી થઇ અને પછી એક કડવું સત્ય ‘સ્ત્રી અને પુરુષ વચ્ચે ની મૈત્રી નિર્મળ ભાગ્યેજ હોય છે’ આભા અને અવિ ના સંબંધ ને લાગુ પડ્યું. અવિના મનમાં કુળી લાગણી વહેલી જન્મી અને કદાચ આભા ને એ લાગણી ની તીવ્રતા કે સત્યતા નો અહેસાસ પણ નહતો. આભા જેવી સુંદર સંસ્કારી અને ભણવા માં ખુબ મહેનતુ છોકરી માટે અવિ જેવા ભણવા માં બેદરકાર અને પાછા વ્યસની છોકરા માટે વિચારવા નો અવકાશ જ નહતો. એક મિત્ર તરીકે એણે અવિને વ્યસન છોડવા સમજાવેલો અને અવિ એ વખતે રટ્યા કરતો કે જો આભા એને ‘હા’ પાડે એટલે કે એનો પ્રેમ સ્વીકારે તો પોતે વ્યસન પણ છોડી દે અને ભણવામાં પણ ધ્યાન આપે. પણ આભાએ આ વાત ક્યારેય વિચારી જ નહી. આભા જાણતી હતી કે વાસ્તવિક જીવન માં જેમ પાકા ઘડે કાંઠા ના ચઢે તેમ મોટી ઉંમરે ભણવા માં મહેનત કરવાની શરુઆત કરનાર નો મેળ ના પડે. અને એટલેજ એણે અવિની વાત હસી કાઢી.

કૉલેજ પણ પૂરી થઇ ગઈ અને અવિ આભા સમક્ષ પ્રેમ પ્રસ્તાવ ના મૂકી શક્યો. આભા બી.એડ. કરી રહી હતી ત્યારે એટલે કે ચોથા વર્ષે અવિએ પેલી છેલ્લી વાત કરી જેમાં અવિ પૂછી રહ્યો કે શું તુ મને બે વર્ષ પછી ‘હા’ પાડીશ? અને આભાએ આપેલો જવાબ નકાર માં હતો જે સાંભળી અવિ બસમાં નિરાશ થઇ ને બેસી રહેલો પણ આભાએ પાછુ વળીને જોવાની તસ્દી નહી લીધેલી. કારણ એકજ કે એ વાત ના બે-ત્રણ દિવસ અગાઉ અવિએ આભા સમક્ષ સિગારેટ પીધી. સમક્ષ એટલે આભા ઉભેલી એ જગાથી થોડે દુર. આભાએ એ વખતે જ નિર્ણય કરી લીધેલો. જોકે અગાઉ ક્યારેય અવિ માટે હકારાત્મક રીતે નહી વિચારેલુ છતાં આજે એણે મન મક્કમ કરી લીધું કે જે છોકરો મારી સમક્ષ સિગારેટ નો કશ ખેંચી લે એ ભવિષ્ય માં શું એની ઈજ્જત જાળવી શકશે? અને ત્યાર બાદ આભા તો નોકરી પણ લાગી ગઈ.

નોકરી ના બે વર્ષ બાદ એટલે કે છેલ્લી વાત થઇ અને અવિને સ્પષ્ટ ના સંભળાવ્યા ના બે વર્ષ પછી એકવાર અચાનક ફોન આવ્યો અને અવિ આભાને શોધી રહ્યો પણ આભાએ અવાજ માં શક્ય તેટલો બદલાવ અને આક્રોશ ઉમેરી વાત કાપી નાંખી. અને ફોન ની એ વાત ના થોડા દિન બાદ આભાએ જાણ્યું કે અવિ કેનેડા પહોચી ગયો. અને ત્યારે આભાને સમજાયું કે અવિએ છેલ્લી વાર પુછવા ફોન કરેલો. વિઝા મળ્યા પછી પણ અવિ આભા ને ઝંખી રહ્યો હતો. એણે છેલ્લી વાત વખતે કહેલું કે ‘તારા જવાબ પર મારે એક નિર્ણય કરવાનો હતો’ અને એ નિર્ણય કદાચ વિદેશ જવાનો પ્લાન પડતો મુકવાનો હોઈ શકત જો આભાએ અવિના પ્રેમ નો સ્વીકાર કર્યો હોત. અને ત્યારે આભાને પહેલી વાર થોડો અફસોસ થયો કે ભવિષ્ય માં આટલો પ્રેમ કરનાર પતિ કદાચ નહી મળે. અને પોતે અવિ વિશે વિચાર સુદ્ધાં ન કરવાની ભૂલ એને સમજાઈ. પણ હવે એ બધી વાતનો કોઈ મતલબ નહતો. ફરી એકવાર આભા ના મગજ નો દિલ પર અંકુશ આવી ગયો. અને બધા વિચારો એક ઝાટકે મનમાં થી કાઢી આભા રોજીંદા ક્રમ પ્રમાણે નોકરી અને ઘર સંભાળતી.

ધીમે ધીમે આભા માટે છોકરા શોધવા કવાયત હાથ ધરાઈ. હા...કવાયત સર્વ ગુણ સંપન્ન કન્યા માટે યોગ્ય વર શોધવો કેટલો અઘરો છે એ વાત તો યુવાન ગુણિયલ કન્યા નાં માં-બાપ જ જાણે. એવું નથી કે છોકરાઓ ભણતા નથી કે સંસ્કારી નથી પણ દરેક સમાજ નો આજે એક સામાન્ય પ્રશ્ન છે કે છોકરીઓ ની તુલના માં તેમને શોભે એવો વર શોધવો અઘરો છે.

બાયોડેટા જોતાં સારુ ભણેલા અને કમાતા છોકરાઓ સાથે ઊંચાઈ-વજન ને દેખાવ જોયા પછી ,જન્માક્ષ્રર મેળવ્યા પછી રૂબરૂ મુલાકાત નો વારો આવે. પણ મોટા ભાગે સંતોષકારક બાયોડેટા જ ધ્યાન માં ન આવતા. કોઈ સારુ ભણ્યા હોય તોય નોકરી નું બરાબર ઠેકાણું ન હોય તો વળી સારુ કમાતા છોકરા ની ભણતર ની ડીગ્રી પર શંકા જાય. ભણતર વગર સારુ ભલે કમાઈ લેતો હોય પણ આભા માટે તો એના પિતા આવો જમાઈ વિચારે પણ નહી. કોઈની વળી ઊંચાઈ આભા કરતાં ઓછી પડતી. ક્યારેક બધું બરાબર લાગે તો જન્માક્ષ્રર ના મળે. ધીમે ધીમે જેની પર હસવું આવતુ, એવા બાયોડેટા નો ખડકલો થતો ગયો. અને ધીમે ધીમે હાસ્યનું સ્થાન ચિંતાએ લેવા માંડ્યું. ઘરમાં એક ભાર રહેતો. એકાદ વર્ષ પસાર થઇ ગયુ ત્યાં માંડ બે છોકરા જોડે રૂબરૂ મુલાકાત નો વારો આવ્યો. એમાં પણ કઈ સંતોષ ન થયો. એક છોકરાએ તો આભા ના વ્યસન અંગે સવાલ ના જવાબ માં કોઈ કોઈ વાર ‘ડ્રીંક’ લેતો હોવાનું કહ્યું. ત્યાર પછી તો ઘણા છોકરાઓ વ્યસની નીકળ્યા. આભા ને નવાઈ લાગતી હતી કે જેને પોતે વ્યસન તરીકે ધુત્કારી કાઢે એ બાબત ‘ફેશન’ થઇ ગઈ છે. છોકરાઓને એ બાબતે કોઈ છોછ પણ નહતો હોતો.

કોઈ છોકરો પરણવા લાયક કુમાર કરતાં પક્વ વધારે દેખાતો તો કોઈ વળી હજી કૉલેજ પૂરી ન થઇ હોય એવો છોકરમત લાગતો. કોઈ નું ડ્રેસીંગ સેન્સ આભાને ન ગમતુ તો કોઈ વળી સાવ રસહીન લાગતો. એવું નહતું કે આભા દેખાવ ને વધારે મહત્વ આપતી પણ વ્યક્તિત્વ માં પ્રભાવ તે શોધતી જેના બદલામાં ક્યાંક ઉછાંછળા તો ક્યાંક સાવ નૂર વગરના યુવકો મળતા જેમના વિશે આભા વિચારી પણ ન શકતી. રૂબરૂ મુલાકાત વખતે વાત-ચીત નો અવકાશ મળે ત્યારે આભા જોતી કે મોટા ભાગ ના છોકરાઓ આભા એમને પુછતી એના કરતાં અડધા પ્રશ્નો પણ નહતા પુછતા.

વધારે ચિંતા તો આભા ના મમ્મી-પપ્પા ને હતી. એમની ચિંતા ની જગ્યા હતાશા પણ લઇ રહી હતી.

આભા ની મમ્મી,પપ્પા અને આભા પોતે એમ ત્રણેય જણ પોતાની રીતે વિચારતા. આભા ની મમ્મી છોકરા ના ઘર ની આર્થિક પરિસ્થિતિ – ઘરબાર સંપન્ન હોય એ વાત નો આગ્રહ ખાસ રાખતી. દેખાવ માં થોડી બંધ છોડ કરવી પડે તેનો એમણે વાંધો નહતો. આભા ના પપ્પા છોકરા ની પ્રતિભા પર વધુ બહાર આપતા. તો આભા પોતે એક પ્રેમાળ પતિ શોધતી જે તેને જાળવી શકે ને જીવન માં વધારે પ્રગતિ કરવા પ્રેરણા આપી શકે. આ ત્રણેય પાત્રો ની પોત પોતા ની પ્રાથમિકતા એ હદે મજબુત હતી કે એ ત્રણેય આ બાબતે બાંધ છોડ કરવા તૈયાર નહતાં. એમની પ્રાથમિકતા તીવ્ર હતી. એટલી તીવ્ર કે એમાં કોઈ બાંધ છોડ નહી. અને આ તીવ્રતા એટલે ઘેલછા.

આખી કથા આભા ની આસપાસ ફરવાની છે છતાં આભા ની મમ્મી કે પપ્પા નું આપડે કોઈ નામ નથી રાખવું. આભા ની મમ્મી દરેક લગ્નોત્સુક કન્યા ની માં હોય એ ઉંમર ની સ્ત્રી અને એના પપ્પા એટલે પરણાવવા લાયક કન્યા ના પિતા હોય એ ઉંમર નો પુરુષ. ભારતીય સમાજ માં આવા પુરુષ અને સ્ત્રી એટલે કે મમ્મી અને પપ્પા ઘેર ઘેર છે.

પિતા એ પુરુષ છે જેણે દુનિયા ની કડવી વાસ્તવિકતા જોઈ છે કે બાપ-દાદા ની ગમે એટલી જાગીર હોય પણ યુવક જો બાહોશ ન હોય તો મિલકત પણ જાળવી ના શકે અને તેના કુટુંબ ને પણ સુખી ન કરી શકે. અને એટલે એ પોતાની દીકરી ના પતિ માં એ હોશિયારી શોધે છે ... એ હોશિયારી જે એ માને છે કે એના પોતા ના માં પણ છે. અમીર પુરુષ પોતે અમીર બનવા કેટલી મહેનત કરી કે કેવા કપરા સંજોગો માં ધીરજ ન ગુમાવી એ પોતે જાણે છે. એ પોતાની દીકરી માટે પણ એવો ખંતીલ યુવાન જ શોધે છે. એ ગર્ભ શ્રીમંત ના હોય તો તેને વાંધો નથી. પણ લક્ષ્મી રીઝવવા કે સિદ્ધ કરવા નિષ્ઠા, ચતુરાઈ અને ખંત જેવા ગુણ સંપન્ન હોય એ યુવક ને તે શોધે છે. સાધારણ પિતા પણ દીકરી માટે પતિ માં આવું જ કૈક શોધે છે. પોતાની યુવાની ના સમયે પુરતુ પીઠબળ ન મળવાને કારણે, યોગ્ય દિશા સુચન ના અભાવે, કે લક્ષ્મી માતા ની મહેર નહતી એટલે ધારી ઉંચાઈ હાંસલ ન કરી શકેલ પુરુષ પોતાની દીકરી ના પતિ માં એ ઊંચાઈ સુધી પહોચવાની ક્ષમતા શોધે છે. એને પીઠબળ પૂરું પાડવા એ તૈયાર છે. પણ એ ઊંચાઈ સુધી પહોંચવાની ઝંખના જ ન હોય તેવા ગર્ભ શ્રીમંત ના નબીરા ને પસંદ કરવાની તેની કોઈ તૈયારી નથી. “દેવતા માં થી કોયલા અને કોયલા માં થી દેવતા” એ કહેવત એ પુરુષ જાણે છે. એના વાળ આ અનુભવ થી જ સફેદ થયા છે. પણ આ કડવી હકીકત એની દીકરી સમજવા તૈયાર નથી, કે નથી એની માં એ વાત સમજાવવા તૈયાર. માં ને એની પોતાની કૈક ઈચ્છા છે .”વર માં થી ઘર થાય પણ ઘર માં થી વર ના થાય” એ કહેવત તે સમજાવવા જાય પણ કોઈ સમજવા તૈયાર નથી. દરેક પિતા ની આ વ્યથા છે.

લગ્નોત્સુક કન્યા ની માં એ સ્ત્રી છે જે ઈચ્છે છે કે દીકરી નું ઘર સંપન્ન હોય. ભૌતિક સુવિધા બાબતે દીકરી ને કોઈ તકલીફ ન પડવી જોઈએ એ વાત પર એ ભાર આપે છે. કન્યા માટે છોકરો જોવા જતાં એ હંમેશાં એનું ઘર કેવું છે...પોતાની દીકરી માટે યોગ્ય રૂમ છે કે નહી, ઘર માં જરૂરી બધી વસ્તુઓ છે કે નહી...એવી બધી બાબતો ને ખુબ પ્રાધાન્ય આપે છે. જેને સંસાર વિષ સાગર નો અનુભવ નથી તેને આ બાબતો ક્ષુલ્લક લાગે પણ કોઈ પણ સ્ત્રી ....યુવતી નહી સ્ત્રી આ વાત સમજી જ જશે. જો એ સ્ત્રી પહેલેથી પૈસાદાર ઘર ની વહુ થઇ ને રહેલી છે, શરૂઆત થી આ બધી સુવિધા વચ્ચે રહેલી છે તો સહજ રીતે તે એવું વિચારે કે પોતાની દીકરી પિયર માં જે સુવિધા માં રહી એટલી સુવિધા હોય તો જ એને ફાવશે. જો કોઈ સ્ત્રી પોતાની દીકરી પરણાવવાની થાય ત્યાં સુધી હજી મધ્યમ પરિસ્થિતિ માં છે તો તે વિચારે છે કે મને જે સુવિધા ના મળી એ મારી દીકરી ને મળવી જોઈએ. પોતે મારેલા શોખ કે બાળેલા-દફનાવેલા સ્વપ્ન એ પોતાની દીકરી ના જીવન માં પુરા થતાં જોવા માંગે છે. અને જો કોઈ સ્ત્રી ને શરૂઆત થી વૈભવ ના મળ્યો હોય અને ધીમે ધીમે સમૃદ્ધિ આવી એમ સુવિધા વધારતાં વધારતાં એની જુવાની ના દસ-પંદર વર્ષ વીત્યા પછી સંપન્ન કહેવાય એ સ્થિતિ એ પહોંચાયું હોય તો એ સ્ત્રી વિચારે છે કે જે તકલીફ એણે ભોગવી એ એની દીકરી એ ના ભોગવવી પડે. તન-મન થી થનગનતી ઉંમર પર દસ-બાર વર્ષ નાં પડ ચઢ્યા બાદ વટ પડે એવા ઘર કે બીજા ને ઈર્ષા થાય એવાં કપડાં-દાગીના ગમે એટલા મળે પણ એની શોભા મન ને ઠરતી નથી. અરમાનો લઇ જીવતું હૈયું એ વર્ષો માં બલી ગયેલા ઝાડ ના ઠુંઠા જેવું થઇ ગયુ હોય છે જેની પર ફરી કૂંપળ ન ફૂટે. સરવાળે દરેક સ્ત્રી પોતાની દીકરી માટે આર્થિક સંપન્ન ઘર શોધે છે. “નાણા વગર નો નાથીયો, નાણે નાથાલાલ” કહેવત એ જાણે છે અને એના બદલા માં બીજી બાબતો અવગણવાની એની તૈયારી છે એના વાળ અનુભવ થી જ સફેદ થયા છે પણ કોઈ એની વાત પર ખાસ ધ્યાન આપતું નથી. દરેક માતા ની આ વ્યથા છે.

કન્યા તો હજી વાસ્તવિકતા ની ધરતી પર ક્યાં છે? પિતાને ઘેર રહેલી યુવતી ને ક્યાં ખબર છે કે લગ્ન પછી નું જીવન ખરેખર શું છે! ગમે એટલી બીજા ના મોઢે વાતો સાંભળે પણ હકીકત તો પોતે અનુભવે ત્યારે જ સમજાય. હિન્દી ફિલ્મ જોઈ જોઈ ને કે વાર્તા-નવલકથા વાંચી ને કે અન્ય બહેનો-બહેનપણીઓ ના વર ની વાતો સાંભળી ને સારા-નરસા ગુણો ની છણાવટ કરી ને એણે તો એક કલ્પના મૂર્તિ ઢાળી હોય છે. કૉલેજ માં કદાચ કોઈ સાથે પ્રેમ-સંબંધ બંધાયો હોય કે કોઈ યુવક એક તરફી જો એના પ્રેમ માં હોય કે પછી બીજા કોઈ ના પ્રેમ સંબંધ ની વાતો સાંભળી ને પણ આ કલ્પના મૂર્તિ ઓપ પામતી રહી હોય છે. એ જે પ્રેમ, આદર અને પોતાનું આત્મ સમ્માન જાળવી જાણે એવો પતિ શોધે છે એ તો વાસ્તવ માં નામશેષ પ્રાણી જેટલા ઓછા અસ્તિત્વ માં છે એ વાત ની હજી તેણે ખબર નથી.

કૉલેજ કાળ માં આભા એ કવિતા લખવા નો શોખ કેળવેલો. અને એની ઘણી બધી રચનાઓ સરાહના પણ પામેલી. અમુક વખત ગુજરાતી માં લખે તો કોઈ કોઈ વાર હિન્દી અને અંગ્રેજી માં પણ લખતી. પોતાના જીવન સાથી માટેની કલ્પના મૂર્તિ માટે એણે એક કવિતા લખેલી.

My Imagination

He would have a feeling of grace if I share all my distress.

And would be sad if I suppress.

In the battle of life he is my companion

Yet always makes him-self my shield.

In my misery, his face is pale.

And his eyes full of haste.

Just to wipe-out my trouble

And make me happier than him-self.

May be totally different than I.

Yet he is able to understand me.

He may be the factor of change in me,

Yet is ready to accept as ‘I am’.

As extreme love makes us like

Everything of one whom we like.

He is a person any girl would like to love.

But I am ready to pray to gain what I imagine in dreams.

આભા ની કવિતાઓ ક્યારેય તેનાં માં-બાપે તો વાંચેલી પણ નહી. હા, આભા ની બધી બહેનપણીઓ એ જરૂર વાંચેલી. એક મેડમ હતાં કૉલેજ માં. આભા એમને ખુબ માનતી. એમણે તો આ કવિતા ને રામરાજ્ય જેવી અશક્ય ગણાવેલી. આ સિવાય ઘણી નાની મોટી રચનાઓ હતી આભા ની. એણે એક ડાયરી માં સુંદર અક્ષરે પોતાની કવિતાઓ લખેલી. એ ડાયરી માં બીજા કવિઓ ની પણ સારી રચનાઓ એણે ઉતારેલી. એને પોતાને ગમતાં ઘણાં સુવાક્યો, શાયરી ને એવું ઘણું બધું. ઘણી વાર એ કલ્પના પણ કરતી કે ભવિષ્ય માં એના જીવનસાથી ને એ ડાયરી બતાવશે. અને કદાચ પતિ ની સરાહના પણ પામશે.

દીકરી ના મન ની વાત એ ખોટી ઘેલછા છે એ માં-બાપ બન્ને જાણે છે પણ દીકરી એ વાત હમણાં નહી સમજે એ વાત પણ બન્ને જાણે છે. બન્ને ના વાળ અનુભવ થી સફેદ થયેલા છે પણ કોઈની એકબીજા ની વાત સ્વીકારવાની તૈયારી નથી. આમ જુઓ તો બન્ને ની વાત સાચી જ છે. સંતાન પરણાવવાની ઉંમર ના આ તબક્કે અગાઉ પણ હજારો વખત થઇ ચુકેલા એવા મત ભેદ ના ઝઘડા માં-બાપ વચ્ચે થાય છે. પોતાની વાત સાચી સાબિત કરવાની પણ એમને ઘેલછા હોય છે. એટલે અહી આપણે કોઈ નામ વગર જ આભા નાં માં-બાપ ની દુવિધા આગળ વધારીશું.

એક પછી એક છોકરા ના બાયોડેટા ની છણાવટ થતી ગઈ. આભા પોતે પણ નિરાશ થતી ગઈ. ઘણી વાર એને વિચાર આવતો કે આ ઝમેલા માં પડ્યા કરતાં એણે જાતે કોઈ છોકરો શોધી કાઢ્યો હોત તો સારુ થાત. પણ ખરેખર યોગ્ય કહેવાય એવો કોઈ છોકરો આભા ની સમક્ષ આવ્યો પણ નહતો. કૉલેજ, બી.એડ અને ત્યાર બાદ નોકરી સાથે એમ.એ. કરી રહેલી આભા એક પછી એક પોતાની સાથે ભણતા ને કામ કરતા છોકરાઓ- યુવકો ને યાદ કરતી. ઘણા સારા છોકરાઓ એની નજર માં આવ્યા હતા. પણ એ લોકો કોઈ ને કોઈ યુવતી સાથે સંબંધ બાંધી ચુકેલા. સ્પષ્ટ શબ્દો માં આભા ને સારા લાગતા છોકરા ને પહેલેથી કોઈ ને કોઈ ગર્લફ્રેન્ડ હતી. ને જે આભા સમક્ષ પ્રેમ પ્રસ્તાવ લઇ આવ્યા હતા એમના માં આભા ને કોઈ યોગ્યતા નહતી દેખાઈ.

ઘણી બધી વાર આભા એ તેની સમક્ષ પ્રેમ પ્રસ્તાવ લઇ ને આવેલા યુવકો ને યાદ કર્યા હશે પણ કોઈ એક પણ યુવાન તેને પ્રભાવિત નહતો કરી શક્યો. ખરેખર તો જે જે પ્રસ્તાવ આવેલા એ બધા પ્રેમ પ્રસ્તાવ જ હતા. એમાં કોઈ ની ભવિષ્ય માં લગ્ન કરવાની ગણતરી હોય એવું કઈ આભા ને લાગ્યું પણ નહતું. અને આભા ને એ વિશે ઝાઝુ વિચારવાની પણ જરૂર નહી પડેલી. હા..આગળ જે અવિ ની વાત થઇ એ બહુ ગંભીર હતો આભા બાબતે પણ એ એના જીવન માં ખાસ તો કેરિઅર બાબતે ગંભીર નહતો. અને આભા ક્યાં એને આ તબક્કે યાદ પણ કરતી હતી?

એક દિવસ હદ થઇ ગઈ જ્યારે એક સંપન્ન ગણાતા કુટુંબે પોતાના બાર ધોરણ ભણેલા નબીરા માટે આભા નું માગું નાખ્યું. અગાઉ પણ દસ વર્ષ મોટા છોકરા માટે એક-બે વાતો આવેલી. આભા અકળાઈ જતી કે શું જોઇને આ લોકો પોતાના જેવી છોકરી માટે દસ દસ વર્ષ મોટા છોકરા નાં માગાં લઈને આવતાં હશે? એ પોતે હવે એવા તબક્કે હતી કે ઈચ્છે તો પણ કઈ ના કરી શકે. પોતાની પ્રગતિની લીટી નાની કરવી શક્ય નહતી કે નહતી એની જરૂર. હા, પસંદગી ક્ષેત્ર વિસ્તારવાની જરૂર હતી. પણ પોતાની નાત બહાર બીજે નજર પણ ક્યાં ઠરતી હતી?

અચાનક એક દિવસ એક એવું માગુ આવ્યું જેને લઈને આભા ના મન માં આશા બંધાઈ.

આભા કરતાં સહેજ નિમ્ન દેખાવ પણ ભણતર સારુ. હા...આભા ની જેમ એ ક્લાસ નો સ્કોલર હીરો નહી જ રહ્યો હોય પણ નોકરી સારી મળી ગયેલી. ઘર સંપન્ન તો નહી પણ બહુ નજીક ના ભવિષ્ય માં સંપન્ન થઇ જાય એવી એ છોકરા ની કમાણી. પણ સૌથી મોટી વાત કે એને કોઈ વ્યસન નહતું, આભા ને મન આ બહુ મોટી વાત હતી. ખુબ ઝડપથી સગાઈ અને ત્યાર બાદ લગ્ન નક્કી થઇ ગયાં.

સગાઈ અને લગ્ન વચ્ચે નો સુવર્ણ કાળ બન્ને એ ખૂબ માણ્યો. આભા ને આશા અને ઉત્સાહ સભર કવિતાઓ લખવાનો જાણે જોમ આવ્યો. અને રચાયું સ્વપ્નમય કાવ્ય વિશ્વ. આભા ના ચહેરા પર હવે એક સુરખી નવી દેખાઈ. સાચા અર્થ માં હવે તે આભા દેખાઈ આવી. આ મંગલમય સમય ઉડી રહ્યો હતો અને સપનાં વવાઈ રહ્યાં હતાં. અને અચાનક એક દિવસ ક્યાંકથી જાણવા મળ્યું કે છોકરો સટ્ટો રમવાનો શોખીન હતો. આભા ના માથે જાણે આભ ફાટ્યું