દ્રશ્ય: - 25
- “ચાચા...! ઓ ચાચા!” રાજુ ગભરાઇ ગયો. આમ તેમ જોઇ રહ્યો. ચાચા પાસે જઇને ચાચાને ઢંઢોળવા લાગ્યો. પણ ચાચા તો બેભાન થઇ ગયા. રાજૂ ભાગ્યો. સેલની બહાર અને પીઆઈ જાડેજાની ઓફિસ તરફ દોડતો ગયો, “સાહેબ! જલ્દી આવો. જુઓ. ચાચાને શું થઇ ગયું? સાહેબ! સાહેબ” સેલબ્લોકથી ઓફિસ સુધી જતાં તો તમામને ખબર પડી ગઇ. પીઆઈ જાડેજાને ખબર પડતાં જ દોડતા આવ્યા અને ડોક્ટરને બોલાવવામાં આવ્યા. યુવરાજને પણ જાણ કરવામાં આવી.
“જાડેજાસાહેબ! વધારે કાંઇ થયું નથી. અશક્તિને કારણે અને કોઇ વાત-અજાણતી વાત સાંભળતા આઘાત પામ્યા હોય તો આવું થાય!” ડોક્ટરે નિદાન કરતા જણાવ્યું. પીઆઈ યુવરાજ અને રાજુ સામે જોઇ રહ્યા. બન્ને નિચું જોઇ રહ્યા.
“હવે નીચે શું જોઇ રહ્યા છો?” પીઆઈ જાડેજા સ્વભાવ પ્રમાણે બન્ને પર ગરમ થયા. “બોલો! ચાચાને કોઇ વાત કરી હતી જે તેમને આઘાત પહોંચાડ્યો હોય?” જવાબમાં બન્ને ચુપ! “અને શ્રીમાન રાવળ! તમે કામ પર ગયા હતા. એ તો સારુ કે રાજુ ત્યાં હતો. નહીંતર તમારા કારણે તો જેલનું નામ ખરાબ થઇ જાત..” પીઆઈએ યુવરાજ પર ઠિકરૂ ફોડ્યુ. રાજુ ચુપચાપ ઊભો રહ્યો. “હવે અહિંયા જ રહેજો, જ્યારે ચાચાને ભાન આવે એટલે અમને જાણ કરજો.” પીઆઈ સલાહ આપીને ચાલતો થયો, રાજુ બબડ્યો, પણ તે જે બોલ્યો એ તો યુવરાજને પણ ન સંભળાયુ.
“રાજુ! ચાચાને..”
“યુવરાજભાઇ, ચાચા તમારું નામ જાણવા ઇચ્છતા હતા, પણ મને તો સંકોચ થતો હતો. પણ ચાચાએ દબાણ કર્યું એટલે મારે તમારું નામ જણાવવું પડ્યુ એટલે એ બેહોશ થઇ ગયા...” રાજુ બોલ્યો. યુવરાજ ચાચા પાસે જઇને ખાટલા પાસે બેસી ગયો. ચાચાના હાથને પોતાના હાથ પર મુક્યો. થોડીવાર ચાચાને જોઇ રહ્યો. “યુવરાજભાઇ, મેં ખોટુ કર્યુ?”
“અરે! ના! ભાઇ રાજુ! એ તો મારુ કામ કરી દિધુ, નહીંતર મારામાં તો ક્યાં એટલી હિમ્મત જ હતી.” યુવરાજે રાજુ દોષભાવમાં ન પિડાય એટલે બોલ્યો. “રાજુ! હવે તું જા! હું સંભાળી લઇશ.”
“ભલે યુવરાજભાઇ! કોઇ કામ હોય તો કહેજો.” રાજુ બહાર ગયો, દરવાજે પર તાળુ લટકાવી ગયો.
***
- “યુવરાજ! ક્યા ગયો મારો યુવરાજ? ક્યા ગયો મારો યુવરાજ?” થોડીવારમાં જાફરીચાચાને ભાન તો આવી, પણ તેમના મોઢે યુવરાજનું જ નામ રમતુ હતુ. યુવરાજ પાસે પુસ્તક વાંચી રહ્યો હતો, પણ ચાચા ભાનમાં આવતા ઊભો થઇને ચાચા પાસે ગયો.
“ચાચા! ચાચા! તમને ભાન આવી ગઇ, ચાચા! તમે મને ઓળખી ગયા. ચાચા! હું તમારો યુવરાજ! ચાચા!” ચાચા તેનો ચહેરો જોઇ શકે તેમ યુવરાજ ચાચાની નજીક આવ્યો. ચાચાની આંખો સામે સાદા ખમીસ-પાટલુનમાં ઉભેલો લાંબો યુવાન તરવરવા લાગ્યો. લંબગોળ પણ વધેલી દાઢી-મુંછો, જાડી ફ્રેમના ચશ્માથી સજાવેલી પ્રેમાળ આંખો કૂતુહલથી ચાચાને જોઇ રહી હતી. ચાચાએ યુવરાજનો ચહેરા પર હાથ લગાવ્યો. ચાચા ઊઠવા ગયા. યુવરાજ મદદ કરી. ચાચા બેઠા થયા. યુવરાજ તેમની ઘૂટણે બેઠો. ચાચાએ ઊભો કરીને પાસે બેસાડ્યો.
“આખરે તું આવી જ ગયો મારા દીકરા! મને વિશ્વાસ હતો, મારા અલ્લાહ પર કે તને કોઇને કોઇ બ્હાને મને મળાવી જ દેશે. મારા યુવરાજ! તું આવી ગયો મારા દીકરા!” યુવરાજને પાસે બેસાડતા જ ચાચા વ્હાલ કરવા લાગ્યા. તેનો બોખો ચહેરો યુવરાજના ચહેરા પર ફરી વળ્યો. બન્નેની આંખો ભીની થઇ ગઇ. ચાચાએ તેને ગળે લગાડી દિધો. “યુવરાજ દીકરા! મારે તારી સાથે કેટલી વાતો કરવી છે, મારા દીકરા! તું કેમ મને આટલાં વર્ષથી મને મળવા નહોતો આવ્યો. મારા દીકરા! હું તો તારી રાહ જોતો હતો, ક્યાં હતો મારો દીકરો?”
“ચાચા! હું પણ તમારી સાથે વાતો કરવા તડપતો હતો. ચાચા! જ્યારથી આ જેલમાં આવ્યો અને તમારું નામ સાંભળતાં જ તમને મળવા ઇચ્છતો હતો. ચાચા! મારા મનમાં અનેક સવાલો ઘુમરાઇ રહ્યા છે. ચાચા! તમને ખબર તમારા પ્રત્યે લોકોમાં કેવા-કેવા ભ્રમ ફેલાય ગયાં છે? ચાચા! તમને તો કોમી રમખાણોના મુખ્ય આરોપી ચિતરી દિધા, પપ્પાનું અકસ્માતે મૌત થયું હોવા છતાં તમને પપ્પા હત્યારા ચીતરી દિધા. ચાચા! તમે કેમ મારાથી દુર થઇ ગયા? આજેય મને યાદ છે તમારી સાથે સાયકલ રમતો. તમે મને ઘરે લઇ જઇને રમાડતા-જમાડતા, એ બધું યાદ આવે છે ચાચા! પણ જ્યારથી સમજણો થયો અને જ્યારથી દુનિયાદારીનું ભાન થયું છે, ત્યારથી આ આંખો માત્રને માત્ર તમને જ શોધી રહી છે. ચાચા! મહેંદીવાળી લાલ દાઢીવાળા ચહેરામાંની મમતા-વ્હાલ-પ્રેમાળભરી આંખોને શોધતો હતો. ચાચા! આજે તમારી પાસે મારે સંઘળુ જાણવું છે. ચાચા! આજે મારે જાણવું છે. ચાચા! હું તમને વિનતી કરું છું,” યુવરાજ લાગણીસંભર સ્વરે બોલી ગયો. ચાચાથી અલગ થયો. બન્ને આંખોમાથી હજુ દરિયો વહેતો હતો.
“મારા યુવરાજ! તારે મને વિનંતી કરવાની ન હોય. દીકરા! તું તો મારા દેવરાજસાહેબનો ફરજંદ છે. તારે તો હક્ક કરવાનો હોય. પણ. મારા દીકરા, જુની વાતો શાં માટે યાદ કરવી? જે થઇ ગયું તે થઇ ગયું. હવે જુના કબરમાંથી કંકાલ કાઢીને શું કરવું? મેં મારી પોણા ભાગની સજા તો ભોગવી લીધી. હવે તો અલ્લાહ બોલાવી લે એટલે આ જીવનથી છૂટકારો મળી જાય!”
“ચાચા! દાદાજીએ મને કોમી રમખાણની સંઘળી વાતો કરી છે. કઇ રીતે કોમી રમખાણો થયાં. પપ્પા-અંકલ બ્રોડ-પુરૂષોત્તમકાકા-નરૂભા દરેકની કેવી ભૂમિકા હતી એ મને દાદાજીએ વારંવાર કહ્યું છે. શ્રીમાન મહેતાની કંપનીમાં ગોટાળામાં અંકલ બ્રોડનો નજીકનો સાથી જીમ્મી કુકનું પકડાવુ. તેના કારણે દિવમાં ખ્રિસ્તીઓનું આંદોલન કરવું. અંકલ બ્રોડનું દિવ જઇને પોતાની કોમને મનાવવી. પપ્પા પાસે શ્રીમાન મહેતાની કંપની થતા ગોટાળાની તપાસ કરવાના આદેશ આપ્યા તો નરૂભા દ્વારા કાઠિયાવાડી આંદોલન કરવું. તેના કારણે અન્ય કોમના આંદોલનો. વડોદરાના તમારી કોમની સગીરા પર બળાત્કાર અને એ કારણે ભડકેલી કોમી આગ. તમારી પોળમાં થયેલો હત્યાકાંડ! એ બધુ તો હું જાણું જ છું. મારી સાથે પુરું ગુજરાત જાણે છે. પણ. મારે એ જાણવું છે કે કોમી રમખાણ થવાની પાછળ સાચું કારણ શું હતું? શું ખરેખર પુર્વનિયોજીત હતું કે ખરેખર મારા પપ્પા થાપ ખાઇ ગયાં? કોઇની મહત્વકાંક્ષાનું પરીણામ હતું કે કોઇની નબળી ઇચ્છાશક્તિનું અંજામ? પુરૂષોત્તમકાકા અને તેની સરકારે પપ્પાને અને તમને કોમી રમખાણો માટે જવાબદાર ઠેરવ્યા. પણ. એ ખુદ તમારી અને ખાસ તો પપ્પાની નજીક હોવા છતાં કઇ રીતે નિર્દોષ સાબિત થઇ ગયાં? દાદાજી કહેતા હતાં કે બાબરી મસ્જિદ તુટ્યા પછી દેશમાં કોમી રમખાણો ફાંટી નિકળ્યા હતા પણ ગુજરાતે દુનિયાભરમાં કોમી એક્તાની તાકાતના દર્શન કરાવ્યા હતાં તો એ જ ગુજરાતમાં ઇતિહાસમાં ક્યારેય ન થયાં હોય એવો નર સંહાર કેવી રીતે થઇ ગયો? ચાચા! આ બધું મને તમારા સિવાય કોઇ ન કહી શકે. ખુદ દાદાજી પણ નહીં! ચાચા! જો તમે મને નહીં કહો તો કોમી રમખાણોના દોષીઓ ક્યારેય નહિ પકડાય અને જો હવે કોમીરમખાણો થયા તો એના માટે બીજું કોઇ નહીં બસ. તમે અને હું જ જવાબદાર હશું. બીજું કોઇ નહીં!” યુવરાજનું વલણ જાફરીચાચા માટે સમજી ન શકાય એવુ હતુ. આ છોકરો આટલાં વર્ષ પોતાને મળવા આવ્યો નથી છતાં આટલો વિશ્વાસ ધરાવે છે? જો તેને પહેલેંથી જ જાણવાની ઇચ્છા હતી તો મળવા આવ્યો કેમ નહીં? “ચાચા! મને ખબર છે કે તમે એ જ વિચારો છોને કે મને આટલો રસ શા માટે છે કોમી રમખાણોના સત્યને જાણવનો? જાણવાની આટલી ઇચ્છા હતી તો હું તમને આ પહેલાં મળવા કેમ ન આવ્યો? આજે જાણીને હુ શું કરી લેવાનો છું? જ્યારે હું ખુદ ક્યારે છૂટીશ? છૂટીશ જ નહીં તો આ સત્ય જાણીને શું કરી લેવાનો? ચાચા! આ બધા સવાલોના જવાબ ત્યારે જ મળશે જ્યારે તમે મને સંઘળુ સત્ય કહેશો તો!” યુવરાજ અટક્યા વગર બોલી ગયો. જાફરીચાચા હસવા લાગ્યા.
“બિલકૂલ દેવરાજસાબ પર ગયો છે. મારા શાહજાદા! તને ખબર છે, નાનપણમાં હું તને શાહજાદા કહેતો. તારા પપ્પા પણ કોઇ વાત જાણવાની ઉત્સુક હોય ત્યારે આ રીતે જ વર્તાવ કરતા અને જ્યાં સુધી એ જાણી ન લે ત્યાં સુધી એમને ચૈન ન પડતુ!” જાફરીચાચા હસવા લાગ્યા. યુવરાજ જોકે અધિરો લાગ્યો. “મને કહેવામાં શું વાંધો હોય? પહેલાં પણ ક્યારેય વાંધો હતો જ નહીં! પણ હું સત્તા સામે હારી ગયો હતો. મારામાં લડવાની હિમ્મત જ ન હતી. જ્યારે મારો સૌથી મોટો સહારો આ દુનિયાથી ચાલ્યો ગયો ત્યારે હું હારી ગયો. મને કહેવામાં આવ્યું હતું કે ચુપ રહેજો. નહિતરં તમારો અને રાવળ પરીવાર જડમુળથી ઉખડી જશે. બીજા કોમી રમખાણ થશે તો લોકો તમને જ જવાબદાર માનશે. બેટા! દુનિયાનો ક્યો એવો માણસ હોય જે પોતાને લાખો લોકોને મોતને જવાબદાર ગણવા ઇચ્છતો હોય? બીજું કે મારી પાસે કોઇ સાબિતી હતી નહીં. મારા પર લાગેલા આરોપોને ખોટા સાબિત કરવા માટે! પછી શું બોલવા જેવું રહે? પણ આજે તે મારા નવી હિંમત લાવી છે. આજે મને લાગે છે કે હવે જો બોલીશ તો પડઘો પડશે જ! બેટા! હું તો તને શરૂઆતથી જ વાત કરીશ.ટુકાંમાં વાત કરીશ તો કોઇ વાત નહીં ગળે ઉતરે!” જાફરીચાચામાં નવી હિંમત આવી હોય તેમ આત્મવિશ્વાસ સાથે બોલ્યા.
“બેટા! તે અનેક વાર્તાઓ વાંચી હશે જેમાં સત્તા મેળવવા માટે અનેક સામા કે છૂપા જંગ ખેલાયા હોય. કાવતરાં-દગા-ફટકા થયાં હોય. એકની મહત્વાંકાંક્ષાના કારણે અનેક હોમાયા હોય. ઇતિહાસના મોટામાં મોટા યુદ્ધ પણ આખરે સત્તા મેળવવા જ થતાં હોય છેને! તમારા મજહબનું મહાકાવ્ય મહાભારત તો સત્તાની ખેંચા-ખેંચ પર જ આધારિત છેને!. હું એ જ સત્તાની ખેચતાણનો મુકસાક્ષી રહ્યો છું. આ સત્તાની ખેંચતાણના એટલા પાત્રો છે જેના પર આખું અલગ પુસ્તક લખી શકાય. હું તને દરેક પાત્રની વાત કરીશ. જેથી તને ખ્યાલ આવશે કે આ કોમી રમખાણ કોઇની મહત્વાકાંક્ષાનું પરીણામ નથી.” જાફરીચાચાએ શરૂઆત કરી, “શાહજાદા! સૌથી પહેલું મોટું પાત્ર જો કોઇ હોય તો એ હતાં દેવરાજસાબ! તેઓ ખરેખર બાદશાહ હતા. શાંત-શાલિન-નિર્ણાયક-દુરંદેશી-દીર્ઘદ્રષ્ટા અને સાચા અર્થમાં પ્રજાસેવક હતાં. દેવરાજસાબ સાથે પેલી મુલાકાત મને આજે પણ યાદ છે. ફિલ્મોમાં કામ કરવાનું ભુત ઉતર્યા બાદ દિવ્યરાજચાચાએ દેવરાજસાબને ગુજરાતભરમાં પ્રખ્યાત કરવા માટે પૂરા ગુજરાતભરમાં નવનિર્માણ પદયાત્રા દ્વારા દેવરાજસાબનો લોકસંપર્ક કરાવી રહ્યા હતા. શરૂઆતના દિવસોમાં દેવરાજસાબ અમદાવાદની પોળોમાં ફરી રહ્યા હતા. ત્યારે એક દિવસ અમારી બુખારાની પોળની મુલાકાતે આવ્યા. આજે પણ મને એ લિબાસ યાદ છે. બિલકુલ તારા જેવો મૂછોવાળો હસતો ગોળ ચહેરો-ખાદીના કુરતાની ઉપર ખાદીનું જેકાટ પહેરેલું. હાં! દેખાવમાં જાડા લાગતા હતા. એ સૌમ્ય ચહેરાનું સ્મિત મારા મનમાં અંકિત થઇ ગયુ. હું એક સામાન્ય માણસ! જેમ તેમ બીવી-બચ્ચાઓનું ગુજરાન ચલાવતો માણસ! પણ દેવરાજસાબે મને ક્યારેય ગરીબ કે વિધર્મી હોવાનો અહેસાસ જ કરવા દિધો. બુખારા પોળે આવ્યા. મારા અમ્મીજાનના પગે લાગ્યા. અમારી તમામ ફરીયાદો શાંતિથી સાંભળી. માત્ર સાંભળી જ નહીં, પણ તેની નોંધ પણ કરી. મારી કેટલીક વાતોથી અંજાઇ પણ ગયા. બધા સાથે હસી-મજાક કરતા. તારી ખાલાજાનના હાથનું જમ્યા પણ ખરી. પછી તો અમારી અનેક મુલાકાત થઇ, હું બન્ને કોમના લોકો સાથે નિકટતા ધરાવતો હોવાથી અને વિશ્વાસ ધરાવતો હોવાથી તેમણે મને અભિનવ ગુજરાત પક્ષ માટે કામ કરવા આમંત્રણ આપ્યુ. પહેલા તો મેં ઇન્કાર કર્યો. કારણકે રાજકારણ એ ગંદુ અને છેલ્લી પાટલીનું છે. અહિં સીધાસાદા લોકો ક્યારે બદલાય જાય એ કોઇ કળી ન શકે! પણ દેવરાજસાબે મારો વિશ્વાસ જીતવા સૌથી પહેલાં તો અમારી તમામ માંગણી પુરી કરી. મને ખ્યાલ આવ્યો કે આ માણસ અન્ય નેતા જેવો નથી. તેના કામ કરવાની ધગશ છે. તેના ઇરાદાઓ નેક છે. તેના માટે કામ કરવું ખોટું નથી. ત્યારથી હું પક્ષ માટે કામ કરવા લાગ્યો. દેવરાજસાબની નજીક આવતો ગયો. તેઓ મને મોટાભાઇ જ ગણતા. કોઇપણ કામ હોય કે કોઇ નિર્ણય કરવાનો હોય. દેવરાજસાબ સૌથી પહેલાં મારી જ સલાહ લે. પછી તેઓ મુંખ્યમંત્રી બન્યા. એક તટસ્થ અવલોકન કરુ તો દેવરાજસાબે પ્રથમ પાંચ વર્ષ આમૂલ પરીવર્તનો આણ્યા. ગરીબ, પછાત, ખેડુત, લઘુમતિ, વેપારી, વિદ્યાર્થી એમ દરેક વર્ગને ધ્યાનમાં રાખીને દેવરાજસાબે ગુજરાતના વિકાસની રૂપરેખા ઘડી અને વિકાસ કર્યો. આ દરમ્યાન પુરૂષોત્તમસાબ પામેલામેડમને સાથે પરણીને પામેલામેડમ અને તેમના નાના ભાઇ કેવિનને લઇને ભારત આવ્યાં. દેવરાજસાબ જેટલા શાંત તેવા જ પુરૂષોત્તમસાબ! પણ. પુરૂષોત્તમસાબ દેવરાજસાબ કરતાં જરા વધારે ઉત્સાહી-મહત્વાકાંક્ષી અને દ્રઢ નિશ્ચયી છે. જ્યારે પામેલા અમને તો પુરૂષોત્તમસાબની માફક મહત્વાકાંક્ષી જ લાગતા હતા. તેથી જ સ્તો! તેમણે પોતાના ભાઇ કેવિનને ભારત લઇ આવ્યાં. અહિં આવીને રાવળ પરીવારનો શાહિ ઠાઠ જોઇને તેમને મહત્વાકાંક્ષા થવી અને વધવી એ તો સામાન્ય વાત છે. કેવિન પણ ખુબ મહત્વાકાંક્ષી છે. પણ સાથે-સાથે વ્યુહબાઝ છે. એ માણસમાં માત્ર બે જ ગુણ જુએ છે કામનો અને નકામો! ગુજરાતમાં આવ્યા પછી કેવિન જાણી ગયો કે ગુજરાતમાં રાવળ પરીવાર એક રાજવી પરીવાર જેવો છે, તેનો ફાયદો ઉઠાવવા જેવો છે. દિવ્યરાજકાકા વગર પુછ્યે લગન કરી લેવાના કારણે પુરૂષોત્તમસાબથી નારાજ હતા. કેવિનએ સલાહ આપી કે કાકાને મનાવવા હોય તો ગુજરાતભરમાં યાત્રા કરો. દેવરાજસાબ સત્તા પર આરૂઢ થયા બાદ પુરૂષોત્તમસાબે કેવિન સાથે મળીને પક્ષના પ્રચાર-પસાર માટે વિશ્વાસયાત્રા કાઢી. આ યાત્રા દરમ્યાન અનેક કામના માણસો કેવિનની નજરે ચડ્યા. જેમાં નવિનભાઈ - નરૂભા - ધનરાજસાબ - હરીસિંહ - જીમ્મી કુક વગેરેનું જુથ બન્યુ. જે માત્ર પુરૂષોત્તમસાબ માટે જ કામ કરવા તૈયાર થઇ હતી. આમપણ દેવરાજસાબનો પ્રથમ વિજય સામુહિક મહેનત કરતાં દેવરાજની લોકપ્રિયતા પર વધારે પ્રભાવિત હતો. તે કારણે પુરૂષોત્તમસાબ ગામડાઓ ખુંદી વળ્યા. પક્ષની સાથે-સાથે પુરૂષોત્તમસાબની છબી બનવા લાગી. જોકે સામે દેવરાજસાબે પોતાની લોકપ્રિયતા અનુસાર જ લોકોની અપેક્ષા પર ખરા ઉતર્યા. સરકારના દરેક પગલાં-દરેક કામનો યશ દેવરાજસાબને મળવા લાગ્યો. દેવરાજસાબની લોકપ્રિયતા તો સતત વધવા લાગી. પણ પાંચ વર્ષ પુરા થતાં-થતાં પરીણામ એ આવ્યું કે સરકાર અને પક્ષ વ્યક્તિવિશેષ બની રહી. જેના કારણે ઘણાંને હાંસિયામાં ધકેલાય જવાનો ડર સતાવવા લાગ્યો. જેનું પરીણામ એ આવ્યું કે દેવરાજસાબના વિરોધીઓ પુરૂષોત્તમસાબના જુથમાં જોડાવા લાગ્યાં.”
“તો શું કાકા પપ્પાના વિરોધી હતા? એટલે જ તેમણે પોતાની ઓળખ ઉભી કરવા યાત્રા કરી?” યુવરાજે વચ્ચે પુછ્યું.
“આ દુનિયાનો કોઇપણ વ્યક્તિ કે જે બન્નેને વ્યક્તિગત જાણતો કોઇપણ વ્યક્તિ એ વાતની ખાતરી ન આપી શકે કે બન્ને ભાઇઓ વચ્ચે કોઇપણ જાતના મનભેદ કે મતભેદ હતો, પુરૂષોત્તમસાબને દેવરાજસાબથી વાંધો હતો કે દેવરાજસાબથી તેમને નફરત હતી? અનેક કામોમાં અટવાયા તો પણ જ્યારે પણ બન્ને મળતા ત્યારે આસપાસનું વાતાવરણ ખુશનુમા થઇ જતુ. હસી-મજાકથી વાતાવરણ ખીલી ઉઠતું. તેમા પણ જ્યારે અનંતસાબ તેમાં ભળે તો સોનામાં સુગંધ ભળે! પાંચ વર્ષમાં તેમણે દેવરાજસાબના શાસનનો જ પ્રચાર કર્યો. સૌ તેમને દેવરાજસાબના લક્ષ્મણ જ કહેતા! પણ કેવિન અને પામેલાએ પુરૂષોત્તમસાબને મુખ્યમંત્રી બનવાના સપનાં દેખાડ્યાં. પુરૂષોત્તમસાબ જબરાં વક્તા છે. સાથે-સાથે નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે છે.”
“ચાચા! એમના ભાષણો સાંભળી-સાંભળીને જ મોટા થયાં છીએ. ગમે તેવી પ્રતિકુળ પરિસ્થિતિ હોય તો પણ તેમણે પોતાની જીભ વડે જ કાબુ કર્યો છે. પણ જો કાકાને મુંખ્યમંત્રી બનવું જ હતું તો પપ્પા તેમને ક્યાં ના પાડે તેમ હતા. શું પપ્પા પોતાના ભાઇમાં રહેલી ક્ષમતા ન પીછાણે? શું પપ્પા 1995 ની ચુંટણીમાં કાકાને મુંખ્યમંત્રીપદના ઉમેદવાર ન બનાવત જો કાકાએ કહ્યું હોત?”
“અગર પુરૂષોત્તમસાબે એકવારે પણ કહ્યું હોત તો દેવરાજસાબ એ ઘડીએ જ મુંખ્યમંત્રીપદ છોડી દે એવા હતાં, પણ પુરૂષોત્તમસાબને મુખ્યમંત્રીના ખ્વાબ દેખાડનાર કેવિન જ પુરૂષોત્તમસાબના આ સ્વપ્ન પુર્ણ કરવામાં આડખીલ બની ગયા. કેવિન અને નરૂભાની મિત્રતા બધા માટે જીવલેણ પુરવાર થઇ, નરૂભા કામના અર્થ અમદાવાદ આવ્યો હતો. અનંતસાબના પરિચયમાં આવતા તે અનંતસાબની કંપનીમાં કામ કરવા લાગ્યો. આ દરમ્યાન તે કેવિનના સંપર્કમાં આવ્યો. તને તો ખબર છે કે કેવિન પીવાના શૌખીન છે. તેમને પરમિટ પણ છે. આ કારણે તેઓ દારૂના ગેરકાયદે ધંધો કરનાર સાથે કામ કરવા લાગ્યા. તેમની સાથે નરૂભા સાથ આપવા લાગ્યા. તેના કારણે અસામાજીક લોકો સાથે નિકટતા વધવા લાગી. ચોર-દાણચોર-ગુંડા અરે! અધારી આલમ સુધી તેની પહોંચ હતી. તેમના પરાક્રમ છાપા પર ચમકવા લાગ્યા. પુલીસને તેમને વારંવાર જેલ હવાલે કરવા પડતા! પણ બીજે દિવસે કેવિન આરામથી છૂટ્ટી જતાં! જેના કારણે સરકારની છબી ખરડાઇ રહી હતી અને એ કારણે દેવરાજસાબ અને પામેલાજી વચ્ચે એકવાર મોટો ઝઘડો થયો. પામેલાજી તો ઘર છોડવા સુધી આવી ગયાં હતાં. એ તો દેવી જેવા તારા મમ્મી દેવિકાજીએ પામેલાજીને વાળ્યાં. તેમને દેવિકા સાથે સારુ બનતું. પણ પામેલાજીનો અહમ ઘવાયો. તેમણે દેવરાજસાબને બતાવી દેવાનું નક્કી કર્યું. છતાં. પુરૂષોત્તમસાબ ક્યારેય દેવરાજસાબથી નારાજ હોય એવું દેખાયું જ નહોતું. તેમાં પણ બીજી ચુંટણીમાં કેવિનએ ઉમેદવારની પસંદગીમાં ગોટાળામાં પકડાયા હતા, જેના કારણે દેવરાજસાબને કેવિન અણગમતા થઇ ગયા. જે કેવિન માટે જાણે એક તક મળી ગઇ. ચુંટણી બાદ તે દેવરાજસાબ વિરૂદ્ધ કાવતરા રચવા લાગ્યા. જેનો પહેલો શિકાર બન્યા દેવરાજસાબનો જીગરી મિત્ર એવા અનંતરાય મહેતા! એ ગોટાળો ખરેખર શું હતો એનો મને ખ્યાલ નથી, પણ જીમ્મી કુકની ધરપકડ થતાં કેવિન દાવ રમવાનો શરૂ કર્યો, જીમ્મી કુક કેવિનનો મિત્ર હતો. ત્યારપછી શું થયું એ તો તું જાણે જ છે. દિવમાં કોમને ઊક્સાવ્યા બાદ કેવિનએ નરૂભાને રમતા કર્યાં. દેવરાજસાબ તરફથી મને દરેક કોમને સમજાવવા મોકલતા એટલે મને ખ્યાલ આવતો કે દરેક આંદોલન પાછળ પુરૂષોત્તમસાબના સાથીઓનો હાથ હોય જ! દક્ષિણ જાઓ તો ધનરાજ ગજેરા! કાઠીયાવાડ જાઓ તો નરૂભા! ચરોતર જાઓ તો હરીસિંહ ઠાકોર! કચ્છ જાઓ તો શશિધર છેડા! દરેક પોતાની કોમને ઊક્સાવવા લાગ્યાં. કદાચ અમારી કોમ આ કાવતરાથી દુર રહેત પણ વડોદરામાં સામુહિક બળાત્કારે આ તણખામાં પેટ્રોલ પુરવાનું કામ કર્યું. દેવરાજસાબે મને મારી કોમને શાંત કરવા કહ્યું. પણ. વારંવાર દેવરાજસાબના પીઠુ તરીકે કામ કરવાના કારણે મારી જ કોમમાં મારી છબી ખરડાઇ ગઇ, મારી પોળમાં એ ગોઝારો હત્યાકાંડ થયો, એ હત્યાંકાંડ...” જાફરીચાચા અસ્લખિત બોલ્યે ગયાં. જોકે વારંવાર તેમને ઉધરસ આવતી રહેતી. યુવરાજ તેમને પાણી આપીને તેમની વાતમાં ખલેલ ન આવે તેનો ખ્યાલ રાખતો, “એ હત્યાકાંડનો મને અંદેશો આવી ગયો હતો એ કહેવું ખોટું નહીં ગણાય. એક દિવસની વાત છે.”
“સૌપ્રથમવાર અમારી પોળમાં અમારી જ કોમ દ્વારા અમારા પર, ખાસ કરીને મારા પર હુમલો થતાં તારી ખાલાજાન મને ખુબ વઢી, મેં તેણી સંતાનો સાથે તેના અબ્બાજાનના ઘરે મોકલી દિધી. દાવાનળ વધ્યે જતો હોવાથી એક દિવસ કેવિન દેવરાજસાબના નામ કેટલાક હથિયાર મુકાવી ગયો. મેં ખાતરી કરવા દેવરાજસાબને ફોન કર્યો ત્યારે તેમણે મને રજા આપી કે કેવિન જે લઇ આવ્યો હોય તે તારા ઘરમાં રાખ, સમય જતાં પાછી લઇ લેશે. મને શંકા ગઇ. દેવરાજસાબ ક્યારેય કોઇ હથિયાર આપે નહીં કે મોકલાવે નહીં. કારણે કે તેમને ખબર હતી કે હું મારધાડમાં માનતો નથી અને મારા પરા હુમલાઓ વધી ગયાં, ત્યારે મેં સ્વરક્ષાની વાત કરી, ત્યારે તેમણે મારા માટે બે જમાદાર તૈનાત કરી આપ્યા હતા. મેં જ્યારે ભાંગેલ-તુટેલ હિન્દીમાં પૂછ્યું ત્યારે મારુ અપમાન કરીને ચુપ રહેવા ધમકાવ્યો અને તેના થોડા સમય પછી પોળ પર અજાણ્યા લોકોએ જીવલેણ હુમલો કર્યો, ત્યારે મારી નજરમાં એ ઘાતક હથિયાર આવ્યા અને મેં મારા સાથીઓને હુમલાખોરો પર ગોળીબાર કરવા ઉશ્કેર્યાં. હુમલાખોરો મરાયા. પુલીસ આવી અને ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં અમને પકડી ગઇ. ત્યારે મને પાક્કું થઇ ગયું કે આ પુરા કાવતરા પાછળ કેવિનનો જ હાથ જોવો જોઇએ! મારા જેલ આવ્યા બાદ મને જાણવામાં આવ્યું કે દેવરાજસાબ પર કોમી રમખાણો કરાવવાના આરોપો મુકાય રહ્યાં છે. મને તેમનો સાગરિત તરીકે સંડોવી દેવાયો છે. પુરૂષોત્તમ કે નરૂભા કે કેવિન એટલા માટે નિર્દોષમાં ખપી જાય કારણકે મારા પકડાયા પછી તેઓએ વ્યાપક સમાધાન કરવા અને કરાવવા બેઠકો આદરી હતી. જેમ-જેમ શાંતિ પ્રસરતી ગઇ તેમ-તેમ પુરૂષોત્તમ રાવળ લોકપ્રિય થવા લાગ્યા. દેવરાજસાબ કોમી રમખાણોના આરોપી તરીકે ચિતરાય ગયા. અમારી પોળમાં થયેલ હુમલાના એક અઠવાડિયા પહેલાંની મુલાકાત છેલી સાબિત થઇ રહી. તેમની સાથે અકસ્માત થયો છે એ સમાચાર મળતા હું રીતસર..” દેવરાજસાબને યાદ કરતાં જાફરીચાચા ભાંગી પડ્યા. યુવરાજની આંખો ભીની થઇ ગઇ. જાફરીચાચાને શાંત કરવા લાગ્યો.
“ચાચા તમારી વાતોથી લાગે છે કે અંકલ બ્રોડ જ અસલી કાવતરાંખોર છે. પુરૂષત્તમકાકાને મુંખ્યમંત્રી બનવાના સપના દેખાડનાર પેમકાકીને કારણે કાકા ઉશ્કેરાયા હશે. નરૂભા-ધનરાજકાકા-હરીસિંહ-નવિનકકા એ બધા એમને પ્યાદાઓ હતા અને ગુનેગારો પણ! પોતે જ કોમી રમખાણો આદરીને પોતે જ આ આગ ઠારીને શાંતિના મસીહા બન્યા. હવે ચાચા મને એ જણાવો કે પપ્પાની ખરેખર શું ભૂમિકા હતી. અને પપ્પાના અકસ્માત અંગે તમે શું જાણો છો?”
“કોમી રમખાણોની શરૂઆતમાં એટલે કે વડોદરા સામુહિક બળાત્કારની ઘટના બન્યા પહેલાં પરિસ્થિતિ દેવરાજસાબના હાથમાં હતી, તેઓ સતત એક સમયે તો વાતાવરણમાં શાંતિ પણ પ્રસરી ગઇ હતી. પણ વડોદરાની ઘટના તમામ સહનશક્તિના બંધ તોડી નાખ્યા હતા. મને મારી જ કોમે અટકાવી દિધો હતો. નહીંતર હું મારી કોમને તો રોકી જ શકત! પછી સ્થિતિ કાબુની બહાર ચાલી ગઇ. તો પણ દેવરાજસાબ અંતિમ શ્વાસ સુધી લડ્યે રાખ્યા. બેટા! મને માત્ર એ અકસ્માત વિશે ખબર નથી. ત્યારે હું શારીરિક-માનસિક રીતે ભાંગી ગયો હતો. તપાસ કરાવત તોપણ ખુનખરાબા થઇ જાત!” જાફરીચાચા ચુપ થઇ ગયાં. યુવરાજ તેમને જોઇ રહ્યો, “બેટા! એક વાત કરું?”
“હજુ પણ કોઇ વાત બાકી હોય તો કરી દો, ચાચા! હવે મને સાંભળવાની સહનશક્તિ આવી ગઇ છે.”
“બેટા! મેં જે કહ્યું તે સાબિતી માટે પુરતૂં નથી. એ હું પણ જાણું છું. પણ જ્યાં સુધી મારી વાતોનો મજબૂત આધાર ન મળી જાય ત્યાં સુધી તું કોઇને પણ આ વાત ન કરતો. હુ તને ઓળખતો જ નથી. નથી તું મને ઓળખતો! આ જેલમાં કેવિનના અનેક પીઠુઓ મારી પર નજર રાખીને બેઠા છે. મને ખ્યાલ નથી કે એ કોણ છે? જો એમને જરાપણ શંકા થઇ તો તારા પર આત્મઘાતી હુમલો કરી શકે છે અને હું નથી ઇચ્છતો કે ઇતિહાસ પુનરાવર્તિત થાય!” જાફરીચાચાએ ચેતવ્યો.
“ચાચા! રહસ્ય અંકબંધ રાખતા તો મને ખુબ સારી રીતે આવડે છે. તમે ચિંતા ન કરો. જ્યાં સુધી અહીં છું કોઇ તમારો વાળ વાંકો નહીં કરે!” યુવરાજે ચાચાને નિશ્ચિંત કર્યાં. ચાચા ખાટલા પર લંબાવ્યા. યુવરાજ વાંચવા બેઠો. જોકે એક સાથે આટલું જાણ્યા બાદ તેના મનમાં અનેક વિચારો ઘુમરાવા લાગ્યાં. છતાં એ ખુદ પર કાબુ કરી શક્યો.
***