ખાંભીઓ જુહારું છું - સંપૂર્ણ પુસ્તક Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખાંભીઓ જુહારું છું - સંપૂર્ણ પુસ્તક

ખાંભીઓ જુહારું છું

ઝવેરચંદ મેઘાણી

સંપાદક : મહેન્દ્ર મેઘાણી

***

અનુક્રમણિકા

અંધારિયા પરોઢે

કલેજાની કોર પરથી ઉતરાવેલું

વૈધવ્યકરુણ માધુર્ય

પૂમડે પૂમડે વીણેલાં

પ્રાસવો મૂકતાં ડોશીઓનાં દિલો

ચૂનામાં કાવ્યનું રસાયન

આભે નિસરણી માંડતાં ગીતો

ચિરસાથી વતનભાંડુઓ

ગીત-ભવનનાં બારણાં ઉઘાડનારાં

જીવન-સ્મૃતિઓના મહાનિધિ

સાગર-સિંહોની ઓળખાણ

ઇતિહાસગાનનું ધ્રુવપદ

“વંજી ન કેણી વટ્ટ !”

કીર્તિલેખ કોના રચાય છે?

“ગણજો ગોરી, પીપળિયાનાં પાંદ...”

નિરક્ષરની કહેણીમાં પ્રાણવંત ચિત્ર

સિપારણોની મેંદીનો રંગ

શબ્દોની અગનઝાળ

સાહેદોને કેમ ન સેવ્યાં?

અસ્થિઓ પર અંજલિ છાંટીને —

ઘટનાનાં જીવતાં પાત્રો

ઉંબરે ઉંબરે ઊજળો આચાર

દીનતા વચ્ચે ઝબૂકતી માનવતા

સજણ ગિયાં ને શેરિયું રહી!

હૈડાની કોરે હરિજનનું નામ

ઝબૂકીને બુઝાઈ ગયેલા

ધરતીની ધૂળમાં આળોટનારા

શ્રદ્ધાળુઓને સાવધાન કરનારી

“એવાં શું કરવાં સુખ પારકાં!”

પટકુળના વાણા ને તાણા

અજાણ્યા ચહેરાઓ પરની અણસાર

ગુંજતો રહેલો ગુરુમંત્ર

જોખમની વચ્ચે જીવવાની મોજ

નિહાળ્યું, તે જીવનમાં ઘટાવ્યું

અણરુંધ્યો આનંદનો ઝરો

વાતડાહ્યાઓનો આશીર્વાદ

વાર્તા માંડવાની કલા

કેટલાં રઝળપાટ, ઉદ્યમ ને સબૂરી!

દુ:ખનાં કૂંડાં પી જઈને —

આશા અને આસ્થાના બોલ

અનાડીના અંતર સુધી પાંગરેલી

નિરક્ષરોનું ઊર્મિ-ધન

પાંચાળ-પુત્રીઓની પિછાન

***

અંધારિયા પરોઢે

પ્રવાસે તો દર શુક્રવારે પરોઢની ટ્રેનમાં ચડી જતો. એવું એક પરોઢ, ચાર વાગ્યાનો સમય, સાંભરી આવે છે. અંધારિયું હતું. સ્ટેશને ઊભો હતો. ગાડી આવી. અને ઘેરથી સ્વ... દોડતી આવી. “આ લ્યો ઘડિયાળ : ભૂલીને આવ્યા છો!”

પૂછયું : “અરે, આ ભયાનક અંધકારમાં તું છેક ઘેરથી આવી શી રીતે?” કહે, “ચાલતી, દોડતી.”

રાણપુરનો ઘરથી સ્ટેશન સુધીનો માર્ગ ભેંકાર હતો. ફાળ ખાતો ગાડીએ ચડ્યો હતો. તાજી પરણેતર, મુંબઈ શહેરની સુકુમારી, એક બાળક : બંનેને ફફડતાં મૂકીને, નીરસ ધૂડિયા વાતાવરણમાં ધકેલી દઈને દર અઠવાડીએ ચાલી નીકળતો

**

કલેજાની કોર પરથી ઉતરાવેલું

કોરેમોરે લખિયું છે સો સો સલામું રે

વચાળે વેરણ ચાકરી રે લોલ...

ટાંચણપોથીએ સંઘરેલા ઉપલા અક્ષરો એક ઓચિંતાની ચિરવિદાય લઈ ગયેલા હાથના છે. એ હાથની ઉશ્માને આસ્વાદી હતી ચોવીસ વર્ષ પૂર્વેના જેઠ વદ નોમની રાત્રીએ. અલમ્.

ઉતારનાર ગયું છે. અક્ષરો સ્વચ્છ યાદ આપે છે. એ ગીત મારી ઉંમરનાં અઢાર વર્ષોનો પરદો ઊંચકે છે અને મને સ્મરાવે છે : મારી લગ્નચોરીનું ધામ જેતપુર, ભેખડાળી ભાદર. ટ્રેનમાંથી ઊતરી અધરાતે જઈ ઊભો રહું, ત્યારે ઉઘાડી ડેલીમાં બેઠું બેઠું ધીરા વિશ્રમ્ભ-ટૌકા કરતું શિવલાલભાઈ-સાંકળીબાઈનું નિત્ય-નવરસવંતું પ્રૌઢ-જોડલું : મારા માટે ટાણું-કટાણું કદી ન વિચારતો એ યુગલનો સત્કાર : શરમિંદા મહેમાનની સાંપટ સમજતી ગૃહિણીએ ડેલીએ આણીને પીરસેલ બાજરાના પાતળા રોટલા પર ઘીના દડબાનું વાળુ, અને પછી તો અણખૂટ વાત-ધારા...

માસાજી શિવલાલ ગોસળિયાનું ઘર મારી મહોબતનું ધામ. માસીજી સાંકળીબાઈએ કલેજાની કોર પરથી એની ભાણી હસ્તક ઉતરાવેલું આ કરુણ લોકગીત. હતાં તો માતૃસ્થાને, પ્રૌઢ ને પાકટ, છતાં મારી કને ન ગાયું.

કારણ છે : શિવલાલ ગોસળિયા જૂના-નવા યુગની સંક્રાંતિ-ધારે ઊભેલા સરકારી હાકેમ હતા, કરડા હતા, ચોખલિયા હતા, ને લોકગીત જેવી અળખામણી વાણીને તો ઘરમાં ચૂપ કરનાર હતા.

કવિતા સાથે કજિયો કરી બેસે એવા ડરકામણા એ વડીલ એક વાર કહે કે, “સંભળાવો તો!” સંકોચ પામતે પામતે મેં ગાયો ગોપીચંદનો ગરબો :

સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી,

ગોપીચંદ રાજા બેઠો ના’વા રે ભરથરી.

હાથપગ ચોળે એના ઘરની અસતરી,

વાંસાના મોર ચોળે માતા રે ભરથરી.

મોર ચોળતા એનું હૈયડું ભરાણું જો,

નેણલે આંસુડલાંની ધાર રે ભરથરી.

નહિ રે વાદળડી ને નહિ રે વીજળડી,

ઓચિંતાં નીર ક્યાંથી આવ્યાં રે ભરથરી.

ટપ! ટપ! ટપ! ગોપીચંદ કુંવરને નવરાવતાં જનેતાનાં નેણલેથી આંસુડાંની ધાર થઈ. પુત્ર ઝબક્યો, ઊંચે જોયું : “મા, શીદને રોવું આવ્યું?” કે બાપ —

આવી રે કાયા તારા બાપની હતી જો!

ઈ રે કાયાનાં મરતુક હુવાં રે ભરથરી!

સાંભળીને ગોપીચંદે ભરપૂર ભોગની વચ્ચેથી ઊઠીને કાયાને અમર કરનાર ભેખ લીધા... વગેરે વગેરે જેમ સાંભળતા ગયા, તેમ તે જવાંમર્દ અને કરડા ગોસળિયા રડતા ગયા. કહે કે ચૌદ વર્ષનો દીકરો સાતેક વર્ષ પર મૂએલો, તે સાંભર્યા. ચકિત બન્યા કે “લોકગીતોમાં શું આવું ભેદક તત્ત્વ ભર્યું છે? મને તો આ ખબર જ નહોતી!”

“અં-હં—,” દીકરીઓ ત્યાં હતી તે હળવેથી, ભારે હૈયે બોલી ઊઠી : “કેશોદ વગેરે ઠેકાણે બાપુ જોડે જતાં, ને રાતે ગામની બાઈઓ રાસડા લેતી તે સાંભળીને અમેય એમાં ભળવા તલસી ઊઠતાં, ત્યારે તો બાપુ અમને જવા ન દેતા; કહેતા કે એ તો હલકાં માણસોનું કામ!”

શરમાઈને શિવલાલભાઈએ ભૂલનો સ્વીકાર કરેલો મને સાંભરે છે. મેં કહેલું કે, આ દોશ કરવામાં આપ કંઈ એકલા નથી. ઘણા પિતાઓ એ સંક્રાતિ-યુગની ચાબાઈના ભોગ બન્યા હતા, અને સુધારાની શિલા તળે એમની પત્નીઓ-પુત્રીઓની કૈંક હૃદયોર્મિઓ ચેપાઈ પણ ગઈ છે.

**

વૈધવ્યકરુણ માધુર્ય

મેરોનું બાપોદર ગામ. નથુ ને એની ગુણિયલ વહુ. વહુ ગાર-ગોરમટી બહુ સારી કરે. પડોશીને ઇર્શ્યા આવે; પિયરિયે જઈને ભરાવ્યું કે, તમારી દીકરીને તો બહુ કામ કરાવે છે!

સાતમ-આઠમ : વહુ પિયર જાય. સાસુને કહે : “નથુને મારે પિયર જરૂર મોકલજે હો! નીકર મારી સાતમ નૈ સધરે.”

પિયર ગઈ. માવતરે ના પાડી પાછી મોકલવાની. સસરાને બોલાવીને લખણું કરાવી લીધું.

કહે કે, બીજે પરણાવીએ. દીકરી કહે કે, ન પરણું. નદીએ ધોવા ગઈ. ડૂબી મૂઈ.

‘સૌરાષ્ટ્રની રસધાર’(ભાગ 4)ના વાચકોને યાદ આવી જશે ‘ઓળીપો’ વાર્તા. એ વાર્તાનાં આટલાં જ અસ્થિ મારી ટાંચણપોથીમાંથી મળે છે. પણ એ અસ્થિ એકલી ‘ઓળીપો’ની વાર્તાનાં નથી; એ તો મારા છ-સાત વર્ષના શૈશવથી માંડીને 28-30ના યૌવન સુધીના જીવનપટને અજવાળતું એક ટાંચણ છે.

ઠક્કરબાપાએ જેસાવાડા ગામે ભીલોને માટે રામજી મંદિર ચણાવ્યું તેની ઉદ્ઘાટનક્રિયા હતી. મને તેડાવેલો. જેસાવાડાથી વળતાં ગોધરે મને ત્યાંની સાહિત્યસભા તરફથી ઉતારવામાં આવ્યો. ગોધરાની સાહિત્યસભા એટલે તો બિચારા એક ભાઈ, ‘બાળક’ નામના માસિકના તંત્રી. સૂર્યાસ્ત સમયે મને ટ્રેનમાંથી ઉતારી, એક ગાડીમાં બેસારી, કહે કે, તમારો ઉતારો ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સાહેબને ઘેર છે. મનમાં એક સંસ્કાર પડી ગયેલો કે ઊતરું હમેશાં નોતરનાર વ્યક્તિને ઘેર. ભૂખ કેવળ એના ઘરનો પરોણો થઈને એના કુટુંબપરિવારનો આત્મીય બની રહેવાની. એને બદલે આ પોલીસના સાહેબને ઘેર! — હશે જીવ! બીજે સગવડ નહિ હોય.

સાહેબને બંગલે પહોંચું ત્યાં તો આશ્ચર્ય અને આનંદ રાહ જોતાં હતાં. એ ઘર પોલીસના સાહેબનું હતું તે કરતાં વધુ તો મારાં વર્ષોનાં આત્મજનોનું હતું. મારા જમાદાર પિતાના મોટાભાઈ જેવા ઉપરી ફોજદાર ભટ્ટ્ સાહેબ ત્રિપુરાશંકર, એમનાં પત્ની મણિબા, મારો બાળગોઠિયો બાલુભાઈ — બધાં મને ચકિત કરીને ભેટી પડવા ઊભાં હતાં. એમની અંદર હતાં વિધવા કુમુદબહેન.

યાદદાસ્ત આગળ ને આગળ જાય છે... રાજકોટની પોલીસ-લાઇનની એક ઓરડી : ત્યાં એક માંદા મહેમાન, મહેમાનની ચાકરી કરતાં કુમુદબહેન : સાતેક વર્ષની મારી બાળવયનું આ સ્મરણ. મહેમાન ગુજરી ગયા. જમાદાર ત્રિપુરાશંકર ભટ્ટની મોટી, મર્માળી, મીઠાબોલી, રૂપાળી, જોબનવંતી પુત્રી કુમુદબહેન રંડાણી... તે દિવસનાં જે કુમુદબહેન હતાં તે જ હતાં બગસરા ફોજદાર ત્રિપુરાશંકરને પિતા-ઘેર રહેતાં કુમુદબહેન... અને તે જ હતાં ગોધરાના પોલીસ-ઉપરી સાહેબનો બંગલો અજવાળતાં કુમુદબહેન. ત્રેવીસ- ચોવીસ વર્ષનો આખો સ્મરણપ્રદેશ એ એકનાં એક ગરવાં, હેતાળવાં, હસમુખાં, વાતડાહર્યાં, પ્રસન્ન અને પ્રશાંત કુમુદબહેનના લાવણ્યે લળકી રહ્યો છે.

ઘણાં વર્ષે મળ્યાં. એ સૌની જીભે ‘ઝવેરચંદ’ નહિ પણ ‘ઝવો’ સંબોધન જ અણબદલ્યું રહ્યું હતું.

સાહિત્યસભાનો મારો સમારંભ પતી ગયો. મોડી રાતે સૌ ઘેર આવ્યાં. પણ ઊંઘ કોને આવે? મેં ઘણું ઘણું ગાઈ સંભળાવ્યું. અને રાણાવાવમાં વર્ષો સુધી કાકાને ઘેર રહેલાં કુમુદબહેને, ઉપર જે ટાંચણ કર્યું છે તે નથુની વહુની વાત મને કહી. એમના સ્વાનુભવની એ વાત; વાર્તા નહિ, પણ બનેલો કિસ્સો. એમણે મારી કલ્પનાને નથુની વહુ આપી. ફક્ત એનું નામ રૂપી મેં પાડયું.

‘ઓળીપો’ મારી એક સારી કૃતિ ગણાય છે. જો એ સારી બની શકી હોય, તો તેનું કારણ એની પાર્શ્વભૂ છે. એ પાર્શ્વભૂ છે કુમુદબહેન. કુમુદબહેનને બદલે કોઈ ચારણે કહી હોત, તો એને મારામાંથી આવું શિલ્પવિધાન નયે મળ્યું હોત. રૂપી મેરાણીનું કથાનક તેમ જ એની આકૃતિનું ‘મોડેલ’ પૂરું પાડતાં કુમુદબહેને ટૂંકી ને ટચ વાતમાં પોતાનું વૈધવ્યકરુણ માધુર્ય મૂકી આપ્યું.

હવે તો ‘ઓળીપો’ વાર્તા પરલોકવાસી કુમુદબહેનની ને મારી વચ્ચેની સ્મરણ-કડી બની રહેશે.

***

પૂમડે પૂમડે વીણેલાં

જેમ સુકાય તારી જુઈનાં ફૂલ, મારા વાલાજી રે!

તેમ તારી ગોરાંદે કરમાય — જઈને કે’જો મારા વાલાને રે!

લોકગીતોમાં જેને હું ઉત્કૃશ્ટ ઊર્મિગીતો ગણું છું, તેમાંનું આ એક મને કોણે આપ્યું? ભાવનગરનાં બહેનોએ : મારા મિત્ર કપિલ ઠક્કરના કુટુંબનાં બહેનો એ ભાવનગરની ખવાસણોને પોતાને ઘેર તેડાવી મારે માટે રાસડા લેવરાવતાં. એ ગીત એ બહેનોના કોમળ કંઠેથી પ્રથમ વાર જાગ્યું ત્યારે મન પર મોરલી વરસી. ખવાસણોના નાનકડા નારીવૃંદે ઓરડામાં ફૂલ-ક્યારી જેવડે કુંડાળે ગાયું કે—

શેના લીધા મોરા શ્યામ,

અબોલડા શેના લીધા રે!

હૈયામાં રહી જાશે હામ,

અબોલડા શેના લીધા રે!

લોકગીતોની નવી લગની લઈને મને આવતો જોયો, લોકગીતોની ઘેલછામાં પડેલો જોયો, ત્યારનું મારા પ્રત્યેનું એ કુટુંબીજનોનું વિનોદ-મધુર હાસ્ય હજી પણ મને શ્રવણગોચર થાય છે. લોકગીતો એ તો જે ઘરનો શોખ હતો તે ઘરનાં આબાલ-વૃદ્ધ તમામને, મેઘાણી લોકગીતોની લતે ચઢે એ એક કૌતુક બન્યું. લોકગીતો મારે માટે તેઓ પૂંમડે પૂંમડે વીણી આપતાં.

**

પ્રભાત પડે છે, ઘરમાં બીજે માળે ટોકરી વાગે છે, કોઈક ગાય છે :

તમે મારાં દેવનાં દીધેલ છો,

તમે મારાં માગી લીધેલ છો,

આવ્યાં ત્યારે અમર થૈને રો’!

કરુણતાઘેરે કંઠે કોણ ગાય છે? કપિલભાઈનાં બા. પુશ્પો ને ધૂપદીપના મંગલ વાતાવરણ વચ્ચે મઢાયેલું એ લોકહાલરડું મને દેવની વૃદ્ધ પૂજારિણી મોંઘીબા પાસેથી મળ્યું હતું. વર્ષોથી ગુજરાતને હૃદયે રમતું મૂકેલું એ હાલરડું મોંઘીબાનું પૂજન-સ્તોત્ર હતું.

મોંઘીબા મંદ મંદ મલકતાં જાય અને ઘરમાં ઘૂમતાં ઘૂમતાં મને ગીતો સંભળાવે. એમાંનું એક ગાતાં ગાતાં એ ગદ્ગદિત બનેલાં (કંઈક તો પોતે પુત્રવધૂઓ પર કડક રહેતાં તેના આંતર્-મંથનને લીધે હશે!), તે ‘ચૂડલો’ આમ આરંભાતો :

કમાડ પછવાડે માતા દેવકી ને

સાંભળે વહુની રે વાત;

અમ રે સાંભળતાં વવારુ બોલિયાં,

હવે કેની રાખશે લાજ!

તેડાવો ગામ-ગરાસીઆ રે,

લખાવો રે કાગળ!

વેગે તેડાવો વઉનો બાંધવો રે,

વઉને મૈયરીએ મોકલ!

આર્થિક ભીંસમાં પણ ઊજળાં મોં ને ઊજળી રખાવટ જારી રાખીને, ઘણાં બાળકો-પૌત્રપૌત્રીઓને મોટાં કરી, અને એવાં “પાણા પેઠે પકવેલાં” કેટલાંયને મસાણે વળાવીને મોંઘીબા ગયાં.

***

પ્રાસવો મૂકતાં ડોશીઓનાં દિલો

કપિલ ઠક્કરનાં બા મોંઘીબા, મારી માતા, અમારા છાપખાનાના કારીગર બારોટ હીરજીનાં બા, બીજાં એક-બે ડોશીઓ — દાંતવાળાં ને વગરનાં, પાંચ-છ કરચલિયાળાં મોઢાં તરવરે છે. વૈધવ્યના કાળા વેશ, સંસારની ધમાચકડ, પાવળેપાવળે કરકસર કરીને ઘરવ્યવહાર ચાલતો રાખવાની ચીકણાશ, કૈંક ક્ષુદ્રતા-લઘુતાઓ, કૈંક મનોવૈશમ્યો, મૂર્ખાઈઓ ને મૂંઝવણો : તેની વચ્ચેથી આ ડોશીઓનાં દિલ પ્રાસવો મૂકતાં, વાણીની ક્ષીરધારાઓ વર્ષતી, જેનાં દોણાં મેં ‘કંકાવટી’ પુસ્તકરૂપે દોહર્યાં છે.

એક આંખમાં આંસુ ને બીજીમાં હાસ્ય ભરતાં મોંઘીબાનું સુરેખ ચિત્ર આંકતો આ ‘લાલજી’નો ટુચકો ટાંચણમાં પડયો છે :

એક હતી કણબણ, ને એક હતી બામણી. બેઉ પાડોશી. કણબણ વસ્તારી, ને બામણી વિધવા.

કણબણના ઘરમાં દીકરાના દીકરા, દુઝાણું ને વાઝાણું, ખેતર ને પાદર. પણ ધરમમાં જીવ. સવારમાં ઊઠીને નાઈધોઈ લ્યે ને કામકાજ કરતી “રામરામ” કહેતી જાય.

એક દાડે બામણી આવી : “બેન, બેન, હું જાઉં છું ગામતરે, ને મારા આ લાલજીને (બાળકૃષ્ણની મૂર્તિને) તારા ટાંકામાં બેસારતી જાઉં છું. ભલી થઈને મારા લાલજીને રોજ ઘીનો દીવો કરજે, ને સાકરની કટકી ધરાવજે.”

કણબણે તો સવાર પડયું એટલે ટાંકા આગળ જઈને લાલજીને કહ્યું કે, “લાલિયા! બેટા! મારા છોકરા છે વઢકણ. તું તારે ખાઈ-પીને ગોખલામાં ગરી જા. પછી કોઈ તારું નામ ન લ્યે, બેટા!”

લાલજી નાના બાળક બની નીચે ઊતરી, કણબણને કહ્યે ખાઈ-પી લેતા, ને પછી ટાંકામાં ચડી છાનામાના બેસી જતા.

બામણી ગામતરેથી પાછી વળી. લાલજીની મૂર્તિ લેવા આવી. પૂછયું : “કાં બેન, સાકર ધરાવતી’તી ને?

કણબણ કહે કે, “બેન! તારો લાલજી તો બહુ ડાહ્યો. કહ્યા ભેળો રોજ હેઠે ઊતરી, ખાઈ કરીને છાનોમાનો બેસી રહે.”

બામણી તો સાંભળીને ઝંખવાણી પડી કે, “બાઈ, મારી — રંડવાળની — મશ્કરી કરછ?”

કે બાપુ, મશ્કરી શીની?

કે ત્યારે શું મારી મૂર્તિ ખાતી’તી?

કે રૂડોરૂપાળો પેટ ભરી લેતો’તો, બાપુ.

લે બાઈ! ખવરાવ જોઉં?

કે લાલિયા, બેટા, હેઠો ઊતર ને ખાઈ લે.

મૂર્તિ ન ઊતરી.

કણબણ ભોંઠી પડી ગઈ : “અરે, મને જૂઠી પાડી! અલ્યા મહિનો મહિનો ખાછ-પીછ, ને આજ મા આવી છે એટલે મરડાછ? ખાછ કે નહિ? નહિ ખા, તો માને શું ખબર પડે મેં ખવરાવ્યું’તું કે ભૂખ્યો રાખ્યો’તો? ખાઈ લે છ — કે નીકર લાકડી લઉં?”

ને લાલજી પ્રત્યક્ષ થયા. બાળ ભગવાને ડાહ્યાડમરા થઈ જમી લીધું.

નાની ને મોટી આવી કથાઓ દ્વારા એક જ સત્ય ઠસાવવા આપણી સંસ્કૃતિ મથી રહી છે કે, સાચી ઈશોપાસના શ્રમજીવન છે; શ્રમીને જ દેવ ત્રૂઠે છે, નર્યા દમીને નહિ. દેવને ગમે છે પાર્થિવ જીવનમાં જ રચેલાંપચેલાં સરલહૃદયી શ્રદ્ધાળુ માનવોની વચ્ચે બેસણાં.

**

ચૂનામાં કાવ્યનું રસાયન

કરસનજી તેડાં મોકલે રે

રાધા! મારે મોલે આવ,

રે રાધા! મારે મોલે આવ.

ઓતર-દખણ ચડી વાદળી રે

ઝીણા ઝરમર મેહ,

રે ઝીણા ઝરમર મેહ :

જાઉં તો ભીંજાય ચૂંદડી રે

નીકર તૂટે રે સનેહ,

રે નીકર તૂટે રે સનેહ.

ઘોળી ભીંજાય મારી ચૂંદડી રે

મારે રાખવો સનેહ

રે મારે રાખવો સનેહ.

આ ગીત 1928નો ભાવનગરમાં લીધેલો બેએક વર્ષનો વસવાટ યાદ કરાવી રહેલ છે. મકાન-માલિક નવું ચણતર કરાવતા હતા, મજૂરણો ચૂનો ખાંડતી ખાંડતી તાલે-સ્વરે ને કાવ્યે આ ચણતર-મસાલાને રસતી હતી.

“જાઉં તો ભીંજાય ચૂંદડી રે, નીકર તૂટે રે સનેહ!” સ્નેહજીવનની એ સનાતન સમસ્યા છે. અને સાચો પ્રેમ પલનાયે વિલંબ વિના સમસ્યાનો નિકાલ લાવે છે : “ઘોળી ભીંજાય મારી ચૂંદડી રે, મારે રાખવો સનેહ.”

“ઘોળ્યો” — એક એક જ શબ્દમાં આ પંજાબીઓએ, સિંધીઓએ અને સોરઠવાસીઓએ નિછાવરપણાની કેટલી બધી ઘટ્ટ્ ઘન તાકાતની ઊર્મિ ભરી આપી છે! સામા પારના વાસી પિયુ મેહારને છેલ્લી વાર મળવા જતી સુહિણીએ પણ, સિંધુનાં મધ્યવહેનમાં મધરાત્રીએ ઓગળેલા ઘડાનો આધાર ગુમાવ્યો હતો ત્યારે, આ “ઘોળ્યો” શબ્દ જ ઉચાર્યાે હતો : “ઘરો ભગો ત ગોરેઓ” — ઘડો ભાંગ્યો તો ઘોળ્યો! હું આપબળે તરીને આ ભયાનક સિંધુ- પ્રવાહ પાર કરીશ; પાછી તો નહિ જ વળું. મારો પિયુ વાટ જોઈ રહેશે.

***

આભે નિસરણી માંડતાં ગીતો

ભાવનગર-વાસ વેળાની જ વાત છે. હું રહેતો તેની સામે જ નરોત્તમ ભાણજીનો બંગલો. ત્યાં ઊંચા ટેકરા પર થોડીક ઓરડીઓ હતી. ત્યાં રહેતાં હતાં “મારવાડાં”. એવા તિરસ્કારદર્શી શબ્દે ઓળખાવાતાં એ હતાં રાજસ્થાની મજૂર લોકો. મોટે ભાગે દાણા બજારમાં અનાજ-ગુણોની ભરેલી રેંકડીઓ ખેંચનારાં એ “મારવાડાં” બૈરાંના ગગને આરોહતા સ્વરો રાતવેળા સંભળાતા, ને ઊંઘ ઊડી જતી. સ્વરોની એ સીડી પર ચડી જતું મન જાણે કે તારાનાં ઝૂમખાં તોડવા સુધી પહોંચી જતું. સ્વરોમાં લહેરાઉં, પણ શબ્દો પકડી શકું નહિ. હતાં તો પાડોશી, પણ પહોંચું શી રીતે?

બીતો બીતો એ બાઈઓને ઉંબરે ગયો. એના મરદોનો વિશ્વાસ મેળવ્યો. સ્ત્રીઓ અને પુરુશો બધાં મળીને કહે કે, “હા, આવજો તમતમારે સાંભળવા; મંડાવશું. એમાં શું વાંધો છે?” પછી એમણે જે રુતુગીતો, લગ્નગીતો કે આણાં વળાવવાનાં ગીતો ગાઈ ગાઈ, શબ્દોથી પરિચિત બનાવી મને કાગળ પર ઉતારવા દીધાં, તેણે મારી સામે ગુજરાત-મહાગુજરાતને બદલે તો સમસ્ત રાજસ્થાન-પશ્ચિમ હિંદની સાંસ્કૃતિક એકરૂપતાનાં આજે થઈ ગયેલ પૂર્ણ દર્શનની તે કાળે પણ ઝાંખી કરાવી હતી. આજે પણ એના એક લગ્નગીતને હિંડોળે મન ઝૂલી રહ્યું છે :

પગે પગે વાવલડી ખોદાવું હો લાખેણી લાડી!

પગે પગે વાવલડી ખોદાવું હો રૂપાળી લાડી!

લઈ ચાલાં મારે દેશ!

નિર્જળી મરુભોમનો વાસી વરરાજ એ પાણીવિહોણા પ્રદેશથી ભય પામતી વધૂને લાલચ આપે છે — તારે પગલે પગલે કૂવા ગળાવીશ!

**

એક સાંજે નરોત્તમ ભાણજીને ટેકરે જઈ ચડયો. એક ઘરની મારવાડી સ્ત્રી અન્ય ઘેરે ઘેરે જઈને, વાટેલ મેંદીનો અક્કેક વાટકો આપતી હતી. પૂછયું, આ શું? કહે કે, “દીકરીને તેડવા જમાઈ આવ્યા છે. એ અવસરનાં ગાણાં ગાવાનાં આમ મેંદી દઈને નોતરાં કરીએ. ઘરઘરની વહુદીકરીઓ આ મેંદી હાથે મેલીને પછી રાતી હથેળીએ ગીતો ગાવા અમારે ઘેર આવે. ચાલો, સાંભળો એ ગાણાં.” પછી એમણે આભ-નિસરણી માંડતા ભરપૂર સ્વરે જે ગીતો ગાયાં, તે આ હતાં — સ્વરો જાણે કે છેક ઊંચે ઊડતી કુંજડીને સંદેશો પહોંચાડવાના હતા :

ઊડતી કરુંજડી અંકાશે રે કરુંજા!

એક સંદેશો લેતી જા.

જાય જમાયાંને ઈવું કે’જે કરુંજા!

અમારી ધીડયાં ધાન ન ખાય.

ખાજો ખારેક-ટોપરાં રે કરુંજા!

પીજ્યો જોટ્યાંરાં દૂધ.

ખારાં ખારેક-ટોપરાં રે કરુંજા!

મચળાં જોટ્યાંરાં દૂધ!

હે આકાશે ઊડતી કુંજડી, એક સંદેશો લેતી જા. અમારા જમાઈને જઈ કહેજે કે હવે તો અમારી દીકરી વિરહની મારી ધાન પણ ખાતી નથી. ... જમાઈ જવાબ વાળે છે કે, ધાન ન ભાવતાં હોય તો તમારી દીકરીને ખારેક-ટોપરાં ને ભેંસોનાં દૂધ ખવરાવજો... અરે જમાઈ! ખારેક-ટોપરાં ને દૂધ પણ બેસ્વાદ બન્યાં છે. માટે ઝટ તેડવા આવો!

જમાઈ તેડવા આવે તે અવસર પરનાં ગીતો આ સ્થળે પહેલાં જ જડયાં. એ સ્વરોમાં મને વિરહી નવવધૂઓની ઉત્કટ મનોદશાનો ચિતાર મળ્યો, મેંદી-નોતરાંની નવીનતા મળી; અને ગીતો તો લગ્નનાં, વર્ષારુતુનાં કૈંક મળ્યાં. એક વાર તો પુરુશોએ પણ ગાયું — નાગજીનું ગીત.

નાગજી નામના મારવાડી વીરને એની પ્રિયતમા યુદ્ધમાં જતો રોકવા મથે છે. નાગજી નથી રોકાતો; લડાઈમાં જ કામ આવે છે.

હો રે નાગજી! ઘડી એક ઘોડલો થંભ રે,

વેરીડા! ધરતી ત્રંબાવરણી તપે હો!

હો રે નાગજી! લટઘૂંઘટરી છાંયા કરું રે,

વેરીડા! ઘડી એક ઘોડલો થંભ જો!

હો નાગજી! આ ધોમ તાપ તપે છે. ધરતી ત્રાંબાવરણી બની છે. એક ઘડી ઘોડો રોક, તો હું તારા પર મારી વાળ-લટોની ને ઘૂંઘટની છાંયડી કરું.

**

ચિરસાથી વતનભાંડુઓ

જેમને “મારવાડાં” કહી હસીએ છીએ, જેમની હોળી પર્વ પરની મહિનો મહિનો પહોંચતી રંગમસ્તીમાં એકલી અશ્લિલતા જ ઉકેલીએ છીએ અને જેમનાં ઉચ્ચારણો આપણને કર્ણકટુ લાગે છે, તેઓના કંઠની નજીક જતાં મને આ રત્નો મળ્યાં. આ તો મજૂરો હતાં; પુરુશો ને ઓરતો બેઉ ભારભરી રેંકડીઓ ખેંચનારાં. જન્મભૂમિ અન્ન ન આપી શકી, તેથી કાઠિયાવાડ ખેડનારાં. પણ આ ગીતો તેમનાં ચિરસાથી વતનભાંડુઓ બની રહ્યાં હતાં. જન્મસ્થાનથી હજારો ગાઉ વેગળા પડીનેય જો મૂળ ગીતો ગાવાને રહ્યાં હોય, તો પછી માણસને દેશાંતર ખટકે નહિ. મૂળ ધરતીના સ્વરો ને સુગંધ તેમને ખુમારી આપી રહે છે. એકેક ગીતનું સ્મરણ એટલે તો નાનપણમાં કયે ખેતરે ક્યારા વાળતાં, ને કઈ ડુંગરીની ઓથે યૌવનમાં પ્રણય કરતાં તેની જીવતી કલ્પના. મારવાડણો કહેતી હતી : ચોમાસું બેસતું હોય, ખેતરમાં ઊભાં હોયેં, આકાશે વાદળી ચડે, વરસાદ મંડાય, અમે બધી સૈયરું દોડીને એકાદ ડુંગરીની ઓથે ઊભીએં, ને પછી ગાઈએં :

વ્રસજે વ્રસજે હો મેહુલા બાવાજી રે દેશ,

જઠે ને માડીરો જાયો હળ ખેડે.

વાવજો વાવજો હો બાંધવ મોરા, ડોડાળી જુવાર,

ધોરે ને વવાડો નાના કણરી બાજરી.

વૂઠા વૂઠા હો! બાંધવ મારા, આશાઢા હે મેહ,

ભરિયા હે નાંડા ને વળી નાંડડી.

ભીને ભીને હો! બાંધવ મારા, પાઘડિયાળો પેચ,

ભીને હો ભીને હો મારી ભાભજ કેરી ચૂંદડી.

નીપજે નીપજે હો! બાંધવ મારા, ડોડાળી જુવાર,

થારે ને વાયોડાં સાચાં મોતી નીપજે.

હે મેહુલા! તું જઈને મારા બાપને ગામ વરસજે, કે જ્યાં મારો માડીજાયો હળ ખેડે છે.

હે મારા ભાઈ! ડોડાળી જુવાર વાવજે, ને ઢોરા પર નાના કણની બાજરી વાવજે.

હે મારા વીર! અશાઢા મે ઢળ્યા, ને નાળાં-નદીઓ ભરાઈ ગયાં.

હે ભાઈ! તારી પાઘડીના પેચ ભિંજાતા હશે, ભાભીની ચૂંદડી ભિંજાતી હશે.

આશિશો દઉં છું કે હે ભાઈ! તારા ખેતરમાં મોટે ડૂંડે જુવાર નીપજજો, સાચાં મોતી સમા દાણા પાકજો.

આ મારું મહાગુજરાત-દર્શન છે. ગુજરાત શબ્દ ગૌણ બની રહે છે. પશ્ચિમ હિંદ-રાજસ્થાન-સમસ્તની રગરગમાં સંચરતું સંસ્કાર-શોણિત મારાં પિંડને ને પ્રાણને ધબકતાં કરે છે.

**

ગીત-ભવનનાં બારણાં ઉઘાડનારાં

“મેઘાણીભાઈ, તમે લોકગીતોનો ગરબા, રાસડા વગેરે પ્રદેશ ખેડો છો, પણ કાવ્યદૃષ્ટિએ ઘણાં વધુ ચડિયાતાં આપણાં લગ્નગીતોને તો તપાસો!” આ હતી ભાઈ અમૃતલાલ દાણીની વારંવારની ટકોર. બોટાદકરની કવિતાનું લાલન કરનાર એ જ અમૃતલાલે અમૃતમય ઉત્સાહે સિંચીને મારી કવિતા-કૂંપળોને પણ ઉઝેરી. લગ્નગીતોનો પ્રદેશ મારે માટે અણદીઠ હતો. એમાં મને પ્રવેશ કરાવનારા અમૃતલાલ. એમનાં પત્ની જયાબહેને આ ગીત-ભવનનાં બારણાં ઉઘાડી આપ્યાં. દાણી સાચા પડયા.

ધરતીમાં બળ સરજ્યાં બે જણાં :

એક ધરતી, બીજો આભ;

વધાવો રે આવિયો.

આભે મેહુલા વરસાવિયા,

ધરતીએ ઝીલ્યા ભાર;

વધાવો રે આવિયો.

*

દૂધે તે ભરી રે તળાવડી, મોતીડે બાંધી પાળ;

ઈશવર ધોવે ધોતિયાં, પારવતી પાણીની હાર.

*

એક ઊંચો તે વર નો જોશો રે દાદા,

ઊંચો તે નત્ય નેવાં ભાંગશે!

— એવાં ગીતો જયાબહેન જેમ જેમ ગાતાં ગયાં, તેમ તેમ જીવન-ચૂંદડીનાં ગલફૂલ વણાટમાં ઊપડતાં આવ્યાં. ‘ચૂંદડી’ નામના લગ્નગીત-સંગ્રહો પ્રજાને આપ્યા એ તો ઠીક, પણ એ ગીતોની સંજીવનીએ આ બળતા વેરાન વચ્ચે આતમ-ભૂમિને રસવાનું જે ચિરકાલીન કામ બજાવ્યે રાખ્યું છે, તેની વાત કરવા બેસતાં વાચા વિરમી જાય છે.

પછી તો ‘ચૂંદડી’ની રંગઝાલકો ક્યાંક્યાંથી ઊડી તે યાદ કરું છું. એક અજાણ્યાં બહેને છેક આક્યાબ(બ્રહ્મદેશ)થી એક ગીત કાગળમાં મોકલ્યું :

ગોરાં ...વહુ તે ...ભાઈને વીનવે :

તારા ગામની સીમડી દેખાડ રાયજાદા રે;

લાલ છેડો લટકાં કરે.

તમે આઘેરાં તે ઓઢો ગોરી, ઓઢણાં,

મારા છોગલિયાને છાંયે ચાલી આવ રાયજાદી રે;

લાલ છેડો લટકાં કરે.

એ એક જ ગીતે મને નિહાલ કરનાર સૌરાષ્ટ્રણ બહેનનાં દર્શન અને સમાગમ તે પછી પંદરેક વર્ષે અચાનક પામ્યો. ચલાળાનાં એ લાખાણીપુત્રીનું નામ સૌ. હેમકુંવર મગનલાલ.

અને બીજો પરિચય તો એ કરતાં પણ વધુ વિસ્મયકર બન્યો. મંગલમૂર્તિ વિજયાબહેન દુર્લભજી પરીખ સાથેની લેણાદેવીના અખૂટ રહેલ ચોપડામાં પહેલો આંકડો એક લગ્નગીતથી પડયો. સીધાં તો મને લખે પણ નહિ એટલાં બધાં અજાણ, તે એક ત્રીજા સ્નેહી દ્વારા ‘ચૂંદડી’ના એક ગીતની ખંડિત પંક્તિઓ પૂરી પાડી, અને વિશેષ સંખ્યાબંધ ગીતો લખી મોકલ્યાં.

હડાળા-દરબાર શ્રી વાજસુરવાળાનાં પુત્રીઓએ અધરાત સુધી જાગીને કાઠી લગ્નગીતો ગાઈ ગાઈ ઉતરાવ્યાં. મિત્ર હાથીભાઈ વાંકે એમનાં (તે વખતે મારી ઓજલ પાળતાં) પત્ની પાસે ગવરાવી, નોટ ભરી ઉતારી મોકલ્યાં.

ખવાસણો ને કાઠીઆણીઓ, વણિક ને બ્રાહ્મણ સ્ત્રીઓ, અનેકની કનેથી હું પ્રસાદી પામ્યો છું. મને સાંપડેલ છે સ્થળેસ્થળના ટહુકાર. બલકે મને તો બૃહદ ગુજરાતનાં પ્રતિનિધિઓ પણ વિલક્ષણ રીતે ભેટી ગયાં છે.

**

જીવન-સ્મૃતિઓના મહાનિધિ

અગર ચંદણની એક રાત હતી. કાઠી જુવાનનું ઘર હતું. બે બહેનો હતી. પ્રૌઢ પિતા હતા.

જુવાને જમાડયો, જમાડીને પછી બહેનોને ઓરડે બોલાવી : “...ભાઈને કાઠી લગ્નગીતો સાંભળવાં છે.” બહેનોએ અગર ચંદણની રાતના આંગણામાં લાંબી સુરાવળ વડે ઓળીપો કરી આપ્યો.

લાંબી બીમારીએ જુવાનને ત્રણ વર્ષ પર ઉપાડી લીધેલ છે. ગાનારી બહેનોમાંથી મોટેરી ગઈ છે. રહી છે નાનેરી — “પગ ઢાંકીને પિયરમાં બેઠેલી.” રહ્યા છે પિતા — વેદનાઓને પચાવતા. આંસુને એની આંખોએ કદી ઓળખ્યું નથી.

આ વર્ણવું છું, કારણ કે સોરઠી સાહિત્યના મારા સંશોધનકાર્યનું એ “સેટિંગ” છે. પુત્રી મૂઈ ત્યારે પિતાએ કાગળમાં લખ્યું હતું કે, “તને કાઠી લગ્નગીતો દેનારી હીરાબેન ગઈ.”

લોકસાહિત્યનું પ્રત્યેક સ્મરણ મને એ હડાળાના દરબારગઢમાં એ પુત્રપુત્રીઓના પિતા દરબારશ્રી વાજસુર વાળાની પાસે લઈ જાય છે : એ અને એમની યૌવનસંગિની સિતાર, એ અને એમનાં કલાપી-સ્મરણો.

વાજસુર વાળા એટલે તો જીવન-સ્મૃતિઓના મહાનિધિ. દરબારશ્રીની પાસે જઈ આઠેક દિવસ નિરાંતે બેસું, તો તો ‘સોરઠ, તારાં વહેતાં પાણી’નો નવો ખંડ કરવા જેટલી રોમાંચક, ભેદી અને બહુરંગી સામગ્રી ઝંઝેડી શકું. અર્વાચીનને આરે બેઠેલા વાજસુર બાપુ જૂના સોરઠની આસમાનીઓમાં પણ ખૂબ આળોટયા છે, આપવીતી ને પરવીતીથી ભરેલી પોણી સદી એમના કોઠામાં પડી છે.

**

સાગર-સિંહોની ઓળખાણ

દુલા ભગતનો પ્રથમ મેળાપ ભાવનગરમાં થયો. પ્રભુના ને ચારણી દેવીઓના નિજરચ્યા છંદો મને સંભળાવ્યા. સહજમાં સ્નેહ બંધાઈ જાય તેવા રસિક અને હેતાળ જુવાન; મંડયા ગીરની ને દરિયાકાંઠાની વાતું કરવા. એમાંથી ભાવનગર-કંઠાળના ચાંચિયા સાગર-સિંહોની ઓળખાણ મળી : ખીમો વાજો, કાળો ભીલ, દંતો કોટીલો, એવા ડાંખરા બહાદુરોનાં વૃત્તાંતો સાંભળ્યાં.

અને પછી તો એક દિવસ ગીરના અને સાગરતીરના પ્રવાસે દુલાભાઈની સાથે ચાલી નીકળ્યો. અમારી ઊંટની સ્વારી તળાજા, ગોપનાથ, ઝાંઝમેર, મધુવન ને મેથળા થઈને, જ્યાં બગડ નદી દરિયાને મળે છે એ દરિયા-બારુ નામના સ્થાને ભરતીનાં નીર ઊતરે ત્યાં સુધી વાટ જોઈ, પછી ઊતરાણ કરીને ઊંચા કોટડા પર ચડી, ત્યારે સાંજ નમી ગઈ હતી. દરિયાની તરફથી બરાબર કાટખૂણે ખડા થયેલા એ ભયાનક ઊંચા ખડકની ઉપર ચાંચિયાનું વસેલું ગામ કોટડા જોવાને અમે ચડયા, ત્યારે ચાંચિયાની બોલબાલાનું કારણ નજરે દીઠું. ત્રણ તરફથી દરિયામાં કાટખૂણે ઊભેલ આ ભૈરવી ખડકને માથે જવાનું જે પ્રવેશદ્વાર છે, તે તો બે જ બંદૂકદારો કે સમશેરવીરો સેંકડોની ફોજને ખાળી રાખે તેવું વંકું ને જુક્તિદાર છે.

ઉપર ગયા. પુરાતન ચાંચિયા કાળા ભીલની કોઠીઓ (માલ સંતાડવા માટે ખડકમાં દરિયાબાજુએ કોરેલાં ઊંડાં ટાંકાં) જોઈને એનાં પરાક્રમ સાંભળ્યાં. કોટડાનો એ ચાંચિયો બાર વહાણ રાખતો, રાતોરાત ગોવા સુધી લૂંટ કરીને સવારે કોટડા આવી પહોંચતો. એકવાર ફિરંગીઓ પાછળ થયા, પકડયો, અને ગોવાના કિલ્લામાં ચણી લીધો હતો.

પછી ક્ષત્રિય ચાંચિયા ખીમા વાજાની વાત સાંભળી.

થળ પર હાલે થાટ, જળ પર જહાજ તાહરાં;

વાજા! બેને વાટ, ખીમા! ધર રૂંધી ખાત્રી!

હે ખીમા વાજા! તારાં તો પૃથ્વી પર સૈન્યો ચાલે ને જળ પર જહાજ ચાલે. બન્ને મારગે તેં ધરણીને રૂંધી રાખી છે.

શત્રુ બાદશાહનો કવિ કહે છે :

ખીમા! મ કર ખલવલાં, મ કર મામદ શું મેળ્ય;

જાજન તણો જડ કાઢશે, કાળ વળુંધ્યો કેળ.

હે ખીમા! તું જાજનશાહના બેટા મામદશાહ સાથે યુદ્ધ ન કર; એ કાળ જેવો તારી જડ કાઢશે.

ખીમો ઉત્તર વાળે છે :

કાળ વાળુંધ્યો કાંઉ કરે જેને બાંયાબળ હોય;

તું ખર ને હું ખીમરો, જુદ્ધ કરું તે જોય!

અરે, તારો કાળ જેવો બાદશાહ પણ, જેને બાંયમાં — ભુજામાં બળ છે તેને શું કરશે? હું જુદ્ધ કરું તે જોઈ લેજે!

આ બાદશાહ મામદશા કોણ? લોકવાર્તા આમ બોલે છે : ખીમો વાજો કોઠ ગાંગડની વાઘેલી કન્યાને પરણેલા. કન્યાને લઈને વેલડું ચાલ્યું આવતું હતું. રસ્તામાં ધોકડવા ગામે થઈને નીકળ્યું. ત્યાં એણે મામદશા બાદશાહનો બગીચો દીઠો. પછી કોટડે આવ્યાં. ત્યાં તો બાઈએ ઉજ્જડ દીઠું. પતિને કહ્યું કે, “ઓહો! શું બાદશાહનો બગીચો હતો! અને આંહીં તો તમે કહેલ આંબા-આંબલીને બદલે બાવળ ને બોરડી જ છે!” ખીમો કહે, “હા, બગીચો તો ધોકડવે જ છે — જાવ બગીચાવાળા કને!”

વાઘેલી રાણી ચાલી ગઈ. હેલ ભરીને મામદશાને આંગણે જઈને ઊભી રહી. મામદશા કહે, “કોણ?”

કે “મેણીઆત.”

કે “મેણું ખુદા ઉતારશે. બેન છો.”

બહેન કરી રાખી. કોલ દીધો કે તારા ધણીને મારીશ નહિ, પણ કોટડા તો પાલટીશ. કોટડે બાદશાહી ફોજે ઘેરો ઘાલ્યો. ત્રણ ત્રણ વર્ષ થયાં, પણ કોટ તૂટે નહિ. પણ ખીમાએ એક વાર “રતનાગરની શાખ” લોપીને ભરૂચના એક વાણિયાને લૂંટયો. વાણિયો ગાંડો થઈ ગયો. ખીમાએ એ દિવસે એક લાલ વાવટાવાળું વહાણ જોયું : વહાણ દીઠા ભેળું સમાઈ ગયું. ને ખીમાએ રતનાગર રૂઠયા ગણી તલવાર છોડી.

**

ઇતિહાસગાનનું ધ્રુવપદ

યુરોપના અનેક દેશોમાંથી નાસતા બળવાખોરો બ્રિટનને ખોળે શરણું મેળવતા. સોરઠદેશે પણ મહાન રાજસત્તાઓના બહારવટીઆને ઓશીકું આપ્યું કહેવાય છે. મુગલ શાહજાદા દારા શિકોહને કરાલકાળ આલમગીરથી સંઘરનારો મીતીઆળાનો કિલ્લો આજે ઊભો છે. સમ્રાટ અકબરશાહનો બળવાખોર ગુજરાતનો છેલ્લો સુલતાન વીર નહનૂ મુઝફ્ફર પણ સોરઠમાં જ સંઘરાયો, અને એને ખાતર ભૂચર મોરીના ભયાનક સંગ્રામમાં કાઠિયાવાડના કલૈયા રાજપુત્રો ને બુજરગો તોપે ફૂંકાયા. એવો ત્રીજો બંડખોર હતો કડીનો મલ્હારરાવ. મૂળ તો ગાયકવાડ કુળનો જ કુમાર. કડી પર સૂબાગીરી લઈને આવ્યો. એવો તો બળવાન બની બેઠો કે વડોદરાને “ફિરંગીની ફોજ” લઈ કડી પર ઊતરવું પડયું. મલ્હારરાવ નાઠો અને સોરઠદેશમાં ઊતર્યાે.

“ફિરંગીની ફોજ”ને ઉતારવાનું એ મહાપાપ. ગાયકવાડે ઓખાના વાઘેરો ઉપર પણ કંપની સરકારનાં સૈન્યોને નિમંત્રયાં. અને એ જ પ્રમાણે કાઠિયાવાડનાં નાનાં મોટાં રાજપૂત રાજ્યોએ પાડોશીઓને જેર કરવા ગાયકવાડી ફોજો બોલાવી.

ફિરંગીઓ-ગોરાઓ, ખાસ કરીને અંગ્રેજો આ દેશમાં ફરી વળ્યા, તેની શરમ અને વેદના સોરઠી લોકજીભેથી વારંવાર ગવાતી રહી છે. ધ્વનિ એક જ ઊઠે છે કે ભાઈ, આપણે સામસામા ભરી પીત; પણ આ પરદેશી ગોરાને શીદ આપણા બેઉનાં નખ્ખોદ વાળવા બોલાવ્યો? ઓગણીસમી સદીના સોરઠી ઇતિહાસગાનનું એ ધ્રુવપદ બન્યું છે. “ગોરાને શરણે ગયા તો લ્યાનત હજો!” એ તેમના યુદ્ધબોલ હતા.

**

“વંજી ન કેણી વટ્ટ !”

કચ્છમાં જરાર નદી. લાખો ફુલાણી ત્યાં જેઠ મહિને નીકળ્યા. મેનું સરવડું આવ્યું. સૌનાં રેટા, દુશાલા, શાલું ઓઢેલ તે પલળી ગયાં. નદીકાંઠે તલબાવળાં ઉપર સૌએ એ બધાં સૂકવ્યાં.

લાખે જોયું : “વાહ, તજારાનો બાગ હોય એવી નદી લાગી છે શોભવા!” તજારાનો એટલે અફીણના છોડવાનો બાગ. અફીણનાં ફૂલ લીલાં, રાતાં, પીળાં, આસમાની હોય. સાથીઓને કહે કે, “જુવાનો, હવે લૂગડું કોઈ લેશો નહિ.” નદીને એવી રૂડી દેખીને લાખો સૂકવેલાં શાલ-રેટા મૂકીને જ સાથીઓ સાથે ચાલી નીકળ્યો.

આવળ બાવળ બોરડી ખાતર ખીજડિયાં,

લાખે વન ઓઢાડિયાં પીરી પાંભરિયાં.

**

તે પૂર્વે એ જ નદીકાંઠે એક વાર રાજા ઉન્નડ જાડેજો આવેલો. ભાદરવો મહિનો : નદીકાંઠે ચારણો ભેંસડીયું ચારે, વાંસળીયું વગાડે, દુહા લલકારે. કડય કડય સુધી ઝીંઝવો ઊગેલ.

“વાહ, નદી કેવી રૂડી લાગે છે!” રાજા ઉન્નડે એ નદીકાંઠો ચારણોને બક્ષિસ દીધો.

તેની પણ પૂર્વે એક વાર હેમહડાઉ વણજારો નીકળેલો. ભેળી મોતીની ભરેલી પાંચસો પોઠયું. પોઠીઆ નદી ઊતરતા હતા, એમાં એક ગુણ ઊતરડાઈ ગઈ. ઝરરર! મોતી નદીમાં વેરાણાં. માછલીયું મોતી સાથે ફડાકા મારવા લાગી.

હેમહડાઉ જોઈ રહ્યો : “વાહ, નદી કેવી રૂડી લાગે છે! આ નદીમાં તે કાંઈ વેળુ શોભે? એલા, બધી પોઠું નદીમાં ઠાલવી દ્યો!” એવી શોભા કરીને હેમહડાઉ ચાલ્યો ગયેલો.

છેલ્લા આવેલા રાજા લાખા ફુલાણીના કવિએ મલકાઈને પૂછયું નદીને : “હે જરાર! તું તો પુરાતની નદી છે. તને આ ત્રણ જેવા સૌંદર્યની ખુમારીવાળા કોઈ નરો સાંપડયા છે?”

ત્યારે જરાર હસીને જવાબ વાળે છે :

લાખા જેહડા લખ ગિયા, ઉન્નડ જેહડા અઠ્ઠ;

હેમહડાઉ હલ ગિયો, વંજી ન કેણી વટ્ટ.

હે માનવી! લાખા ફુલાણી જેવા તો લાખ અને ઉન્નડ જેવા આઠ રાજા મેં જોઈ નાખ્યા છે. ને હેમહડાઉ પણ હાલ્યો ગયો; એ કયે રસ્તે ગયો તેનોય કોઈએ ભાવ પૂછયો નથી. માટે ગુમાન કરો નહિ.

માનવીના દિલની ફૂલગુલાબીની સામે માનવગુમાનની વ્યર્થતાનું પલ્લું આ નાનકડું કથાનક સમતોલ રાખે છે.

**

કીર્તિલેખ કોના રચાય છે?

એક કબર : દ્વારકામાં કિલ્લા પાસે. કબરના પથ્થર પર લેખ કોતર્યાે છે :

વિલિયમ હેન્રી મેરિયટ : 67મી રેજિમેંટમાં લેફ્ટનન્ટ, અને મુંબઈના ગવર્નર એલ્ફિન્સ્ટનના એ.ડી.સી. : મૃત્યુ, ડિસેંબર 1820. કિલ્લા પરની સીડી પર પ્રથમ ચડનાર.

કિલ્લો કોનો? ગાયકવાડ રાજ્યનો. કોના મુલકમાં? મૂળ માલિકો વાઘેરોના. સીડી પર પ્રથમ ચડી જઈને મરેલો ગોરો કોની ગોળીએ મૂઓ? કિલ્લાની અંદર કબજો કરી બેઠેલા વાઘેરોની.

એક ભાડૂતી ફોજના ગોરાનો આ કીર્તિલેખ છે. કબરની સામે ઊભો ઊભો હું મારી પોથીમાં આ “કીર્તિલેખ” ટપકાવતો હતો, ત્યારે 1857ની સાલના એક કાળ-નાટકના પરદા પછી પરદા આંખો સામે ઊઘડતા આવતા હતા. દેશી જવાંમર્દાેનો દાળોવાટો કાઢવા માટે ગાયકવાડે સૌરાષ્ટ્રકાંઠે ઉતારેલી આ ભાડૂતી ફોજના એક ભાડૂતી માણસનો કીર્તિલેખ મારાં નેત્રોને લજ્જાથી ભરતો હતો.

સાચા કીર્તિલેખો ત્યાં કોતરાયા નથી. એ જ ગાયકવાડી કિલ્લાને માથે 1858ના ડિસેમ્બરથી થોડા જ મહિના અગાઉ બળવો પુકારી ઊઠનારા બેહાલ, ચીંથરેહાલ ધરતીજાયા વાઘેરોએ નિસરણી માંડી, તેનો કીર્તિલેખ ક્યાં છે? — જનતાના કલેજામાં! ઓખામંડળમાં હું 1928માં ગયો, જઈને મેં લોકજબાન પરથી નીચલા કીર્તિલેખો ઉકેલીને ટપકાવ્યા :

બળવો મુકરર થયો છે. સમસ્ત વાઘેર જવાંમર્દાે જસરાજ માણેકના પાળીઆ પાસે જમા થયા છે. કિલ્લો તોડવો છે.

શુકનાવળીએ શુકન જોયાં; બોલ્યો કે ભાઈ, જુવાન પુંજા માણેક પર ઘાત છે.... એને ઘરમાં પૂરીને નીકળ્યા.

પુરાયેલા પુંજાને બાઈઓએ તાનું [મહેણું] દીધું : “અસાંજાં લૂગડાં પેરી ગીનો!” (અમારાં લૂગડાં પહેરી લ્યો.)

— ને પુંજો કમાડ ભાંગીને નીકળ્યો અને છપ્પન પગથિયાંવાળી સરગદુવારી પર ચડી કિલ્લો તોડવા પહોંચ્યો. ગાયકવાડી દુર્ગરક્ષકોની પહેલી ગોળીએ પુંજો પડયો.

એ કીર્તિલેખ ક્યાં કોતરાયો છે?

નિસરણી હાથ એક ટૂંકી પડી. ગઢ એક જ હાથ છેટો રહ્યો. હાકલ પડે છે : “કીનજી મા શેર સૂંઠ ખાધી આય!”

એના જવાબમાં, મોંમાં તલવાર પકડી, નિસરણી માથેથી ઠેક મારીને ગઢ માથે પહોંચનાર વાઘેર પતરામલ મિંયાણીનો કીર્તિલેખ ક્યાં છે?

પથ્થરના ટુકડામાં નથી. જનતાની જબાન પર છે!

**

“ગણજો ગોરી, પીપળિયાનાં પાંદ...”

ઊભી ઊભી ઊગમણે દરબાર રે,

કાગળિયા આવ્યા રાજના રે લોલ.

ઊઠો દાસી, દીવડિયા અંજવાસો રે,

કાગળિયા આવ્યા રાજના રે લોલ.

લીલી ઘોડી, પીતળિયાં પલાણ રે,

અલબેલો ચાલ્યા ચાકરી રે લોલ.

ઝાલી ઝાલી ઘોડલિયાની વાઘું રે,

અલબેલા, ક્યારે આવશો રે લોલ?

ગણજો ગોરી, પીપળિયાનાં પાંદ રે,

એટલે તે દા’ડે આવશું રે લોલ.

એ સૈનિકનું ગીત છે; અને આજે જગતમાં સૌથી વધુ વેધક કરુણતા લાખો સૈનિકોનાં દિલદર્દની છે. વર્તમાનને કલેજે આ ‘વેરણ ચાકરી’નું ગીત એ ‘કોન્સક્રીપ્રશન’નું ગીત બને છે. રોટીને કાજે ખેતી-મજૂરી છોડી લશ્કરી ભરતીમાં ચાલી નીકળનારાઓનું ગીત બની રહે છે.

વર્ષો સુધી જેમણે ઘરનાં દર્શન કર્યાં નથી, તેવા લાખોની ગોરીઓ પીપળાનાં પાંદ ગણતી આજ બેઠી હશે. એ પાંદ-ગણતરીનો પાર આવનાર નથી. ‘વેરણ ચાકરી’ને તેડે ચાલ્યા ગયેલાઓમાંથી જે અનેકની ગોરીઓ ‘અલબેલા’ને બદલે મરી પરવારેલા અલબેલાઓની વીરતાના ચાંદ-ચંદ્રકોની નવાજેશ પામી રહી છે, તેમનાં સર્વનાં કાળજાંની કોરે લખાયેલું આ લોકગીત છે.

**

નિરક્ષરની કહેણીમાં પ્રાણવંત ચિત્ર

1926ની સાલ હશે. એક દિવસ જામનગર રાજ્યના લાલપુર મહાલથી પત્તું આવ્યું :

અમારી પાસે બહારવટાની, વાઘેરોની ઘણી ઘણી પાયાદાર વાતો છે. કહો તો મોકલી આપું. હું પોતે એજન્સી પોલીસની ઘણાં વરસ નોકરી કરી આવ્યો છું. ઘણા બહારવટિયાનાં ધીંગાણાંમાં કામ કર્યું છે. હાલમાં એજન્સીનું પેન્શન લઈ આંહીં રાજ્યમાં ફોજદાર છું.

લિ. તાબેદાર

જત રાણા આલા મલેક

સૂમને સોનાના ચરુની ખબર મળે ને જે ઝડપે દોટ કાઢે, તે ઝડપે હું ટ્રેન પકડી લાલપુર પહોંચ્યો. શિયાળાની કડકડતી સવારે, ગર્જનાભેર વહેતી નદીની ભેખડ પર આવેલા પોલીસથાણામાં જઈને એને મળ્યો કદાવર આદમી, વાને નાગર જેવો ઊજળો, ભરાવદાર કાળી મૂછ-દાઢી, અંબાઈ લીલા રંગની સુરવાળ અને પહેરણ : મુખમુદ્રા પર કુમાશ; કરડાઈનો વ્યવસાય જોતાં ગળું ત્રાડો પાડતું હોવું જોઈએ, છતાં મારી યાદદાસ્તમાં એક મુલાયમ કંઠ સંઘરાયો છે. પહેલી જ વાત એ કરી કે, “તમે મારા ‘તાબેદાર રાણા આલા’ નહિ, પણ કાકા થાઓ.” “શે સગપણે?” મારા પિતા અને તમે, બેઉ એજન્સી પોલીસની સ્થાપના પછી પહેલી ભરતીના સંબંધ-ભાઈઓ.”

“અરે, કાલિદાસભાઈના ડીકરા!” બેવડા આનંદે રાણાભાઈની જબાન વહેતી થઈ. ટાંચણ કે કાગળની એને જરૂર નહોતી. એને મન તો બહારવટિયાનો ઇતિહાસ એ એક જીવતું જગત હતું, એ જગતનું તો પોતે એક પાત્ર હતા. એક પણ ઠેકાણે અટક્યા કે યાદદાસ્તને તાજી કર્યા વગર રાણાભાઈએ કડકડાટ વાતો કહેવા માંડી, ને મેં ટપકાવવા માંડી. જાણે કે કોઈ છાપેલ ચોપડી વાંચતાં વાંચતાં પોતે લખાવ્યે જતા હતા! નિરક્ષરતાની દુનિયામાંથી ખડો થયેલો એ જત જુવાન એજન્સીની નોકરીમાં સોળ શેરની બંદૂકને ખભે લઈ કોન્સ્ટેબલની છેલ્લી પાયરીથી પ્રારંભ કરી, છેવટે ફોજદારી સુધી પહોંચેલ તે કલમના બળથી નહિ, જવાંમર્દીના જોરથી. લખતાં તો એને પછી શીખવું પડયું હતું. ગામડાના પોલીસ-પટેલ કરતાં વધુ વાક્યરચના આવડતી નહિ, પણ વાચા એના કંઠમાં હતી. સવાર અને સાંજની બે બેઠકોમાં પાનાંનાં પાનાં ભરાવી આપ્યાં.

આ પાનાંમાંથી ઘણાં મારી પોથીમાંથી ખરી ગયાં છે; બાકી વીસેક વળગી રહ્યાં છે. ગયેલાં પાનાંમાંથી મેં ઘણોખરો સંભાર તો બહારવટિયાના વૃત્તાંતોના ત્રણે ભાગમાં ભરી દીધેલ છે, છતાં કેટલીક લાક્ષણિક વાતો ગુમાવી છે એવું લાગ્યા કરે છે. આ જતો, સંધીઓ અને વાઘેરોનાં કથાનકો તો ઠીક, પણ એમની પરંપરાઓ અને આચારવિચારો — જેને હું વધુ મહત્ત્વ આપું છું, જેની પાર્શ્વભૂ પૂર્યા વગર નરી વાર્તાઓના બુટ્ટા નિસ્તેજ લાગે, તેના પર જ મારું ધ્યાન હતું. દાખલા તરીકે ભીમા જતની હકીકતમાં એક પ્રસંગ છે :

ઇસવરીઆ ગામના જુવાન સંધી હાસમને ભીમા બહારવટિયાના માણસોએ મારી નાખ્યો. એના જ ગામને ઝાંપે એને મરેલો ખીલા માથે બેસાર્યાે. પછી કારજને દિવસે સંધીઓનો ડાયરો બેઠો છે, તે વખતે મરનાર હાસમની વહુ માથા પરનું ઓઢણું ખંભે નાખીને ત્યાંથી નીકળી. મુરબ્બીઓની મરજાદ લોપનાર આ બાઈને દેખી સંધી ડાયરો તાજૂબ બન્યો. કોઈએ બાઈને એની બેઅદબી માટે ઠપકો આપ્યો. બાઈ બોલી કે, “હું ભીમા સિવાય કોઈ બીજાની લાજ કાઢીશ નહિ.” એટલા જ શબ્દોએ સંધીઓને ચાનક ચડાવી ખડા કર્યા.

પોતાના ધણીને મારનાર પર કિન્નો લેવા માટે ઉશ્કેરવા કોઈને નામર્દાે, હિચકારાઓ કે એવું કશું કહેવાને બદલે એક રાંડેલી જુવાન ઓરતે ઓઢણું ખંભે નાખીને જ કાતિલ સંકેત કર્યાે, એ મારા આજ સુધીના સંશોધનમાં એક નવીન બાબત છે.

**

રાણાભાઈની અલંકાર, વર્ણન કે ભભક વિહોણી, એક પોલીસ ડાયરી જેવી કહેણી પણ પ્રાણવંત ચિત્ર આપે છે. જૂના વખતના પોલીસખાતાના માણસો એ આ પ્રકારનું સાહિત્ય મેળવવાનાં સારાં સાધનો છે. બહારવટિયા ને ડાકુઓ સાથે હાથોહાથ ધીંગાણાં ખેલેલા, તેમનો પત્તો મેળવવા માથું કોરે મૂકીને ભયંકર જગ્યાઓમાં ભટકેલા, યુક્તિ પ્રયુક્તિઓ ને પ્રપંચો વાપરીને તેમનાં રહેઠાણોમાં જઈ પહોંચેલા - અને છેવટે તો બધો જ જશ પોતાના ગોરા ઉપરીને ખાટી જવા દઈ રૂપિયા બે-પાંચનાં ઇનામો અગર નજીવાં પ્રમોશનથી સાંત્વન લેનારા આ દેશી પોલીસ નોકરોમાં કાંટીઆ વર્ણના લોકો હતા, તેટલા જ પ્રમાણમાં બ્રાહ્મણો-વાણિયાઓ હતા. આવા પાત્રોનો સંપર્ક મને સારા પ્રમાણમાં થયો છે. તેઓનું કે મહત્ત્વનું લક્ષણ એ છે કએ બહારવટિયા-લૂંટારાની વાતોમાં પોતે સામા પક્ષની બહાદુરી, નેકી, ઇમાનદારી વગેરે પણ ચીતરે છે. એક જ ધરતીનાં સંતાનો દૈવગતિથી બે સામસામી છાવણીઓમાં વહેંચાઈ ગયાં અને માથે આવેલી કડવી ફરજ બજાવવાની હતી, એ આ લોકોની વૃત્તિ હતી.

**

સિપારણોની મેંદીનો રંગ

પોલીસ-લાઈનની ઓરડીની પરશાળની ખપાટ-જાળી પર એક દિવસ એકાએક ગુણપાટના ચક બંધાયેલા માલૂમ પડે છે. અંદરથી ફક્ત બંગડીઓના રણઝણાટ, મસાલો વાટવાના ઉપરવટણાના લસરાટ અને રોટલાના ટપાકા સંભળાતા થાય છે. પાણીની હેલને કાખમાં ઘાલીને, ઘેરદાર ચણિયે લપેટેલ ઓઢણીવાળી એ નવી વહુ ઘૂંઘટ તાણીને બહાર નીકળે છે. અને એ બાર રૂપિયાના પગારદારની નવી પરણેતર, જ્યારે પોતાને “એ બા! શિરામણી આલજો!” એવા તાબેદાર બોલ સંબોધતો લાઈન વાળનાર બુઢ્ઢો ભંગી આંગણે ઊભો જુએ છે, ત્યારે પોતે પણ હાકેમીના આસન પર બેઠી છે એવો ગર્વ અનુભવે છે. “એલ્યા, કાલ વે’લો મેંદી લાવજે મેંદી,” એવી એ ઝાંપડાને જ્યારે આજ્ઞા આપતી હોય છે, ત્યારે આ બાઈને આંગણે હોળી, ગોકળ આઠમ કે દશેરાનું પર્વ આવી ઊભું છે એમ નક્કી સમજી લેવું.

**

ચૂનાની કૂંડીમાં ધોકા પડે છે, અને એક ગીત એના તાલ-સ્વર-બોલની ત્રેવડી ધારે સિંચાય છે :

ધૂપ પડે ને ધરતી તપે છે ભલા,

ધૂપ પડે તો ધરતી તપે છે ભલા!

સૂરજ રાણા, ધીમા તપોને!

મારી મેંદીનો રંગ ઊડી જાય!

કોના હાથપગની હથેળીઓ-પાનીઓ પરથી સંસાર-સૂરજના ઉગ્ર સંતાપ આ મેંદીનો રંગ ઉછેડી લેતા હશે? કોઈક મિયાંની બીબીના જ તો! મેંદીના લાલી-શણગાર સજતી, પોલીસોની ગરીબ રસિક સિપારણો મારી શૈશવ-સ્મૃતિમાંથી તરવરી આવે છે. સાત સાત રૂપિયાના પગારદાર પતિઓની એ સપારણો બે રીતે લાલી પ્રગટાવતી : મસાલા વાટીને અને મેંદી વાટીને : “ફૂડ એન્ડ સેક્સ” [અન્ન અને કામવાસના]. મેંદીનો રંગ, એ તો છે મુસ્લિમ સંસ્કારની પ્રસાદી. ગીત પણ મિયાંનો જ નિર્દેશ આપે છે :

મિયાંકે વાસ્તે દાતણિયાં મંગાવું, ભલા!

મિયાંકે વાસ્તે પોઢણિયાં મંગાવું, ભલા!

હાં રે મારાં જોબન જાય ભરપૂર,

હાં રે મારાં નેણાં ઝબૂકે જલપૂર,

સૂરજ રાણા, ધીમા તપોને!

મારી મેંદીનો રંગ ઊડી જાય!

જોબન જેનાં ભરપૂર નીરે વ્યર્થ વહી જતાં હશે, તેનાં નેણાંમાં જલબિન્દુઓ ઝબૂકી રહેતાં હશે. વિવેચનનો સૂર્ય-તાપ વધુ તપે તો આ ગીતોનો મેંદી-રંગ પણ ઊપટી પડે, એ બીકે વધુ કંઈ લખાતું નથી.

**

શબ્દોની અગનઝાળ

બહારવટિયા-ગીતોની ધગધગતી ધરા આવે છે. શબ્દોની અગનઝાળો લાગી છે.

ના છડિયાં હથિયાર

અલાલા પાંજે મરણેજો હકડી વાર.

આ શૌર્યના સ્વરો-શબ્દો મેં ક્યાંથી પકડયા? યાદ આવે છે... ભાવનગરમાં મારા મિત્ર કપિલ ઠક્કરને ઘેર નાથબાવાઓ આવ્યા હતા. તેમની પાસેથી ગવરાવી ગવરાવી લખતો હતો. બાવો રાવણહથ્થા પર ઘૂઘરિયાળી કામઠી નચાવતો આધુનિક સંગ્રામ-સૂત્રોને પુરાતનના પેટાળમાંથી ઉઠાવીને સનાતનની જબાન પર ધરતો હતો :

ના છડિયાં તલવાર!

અલાલા હણે મરદુંમાં લખી લીજો નામ;

દેવોભા કે’ મુરુ માણેકજે,

મ છડિયાંવ તલવાર!

જુવાનો હણે મરણેજો હકડી વાર.

મુરુભા વંકડા! મ છડિયાંવ હથિયાર.

પુરાતન, નૂતન અને સનાતનના સહિયારા સૂર છે આમાં. 1925-26માં એ મને લાધ્યું. વીસ વર્ષે પણ શ્રોતાઓને કાને એની નવીનતા શમી નથી. સૌરાષ્ટ્રની પાસે સંગ્રામ-ગીતો હતાં.

**

સાહેદોને કેમ ન સેવ્યાં?

હું બેટ શંખોદ્ધાર ગયો હતો. પોણોસો વર્ષના ભાટીઆ રતનશીભાઈ : છૂટી પાટલીએ પહેરેલ પોતડી, કસોવાળી સફેદ પાસાબંડી, ખભે ઘડી પાડેલ ખેસ, માથે ગાંધી-ટોપી, પાતળી ઊંચી દેહ-કાઠી અને રણકો કરતો કંઠ આજે પણ સાંભરે છે.

રતનશીભાઈએ નજરે દીઠેલી વાઘેર બળવાની પ્રવાહબદ્ધ વાત ઊછળી ઊછળીને કહેવા માંડી. પોતે, પોતાના પિતા લધુભા, ને દાદા રામજીભા, ત્રણે એ કાળ-નાટકનાં પાત્રો હતાં. પાંચસાત વર્ષનું એનું બાળપણ વાઘેર-બળવાની વિગતો સંઘરીને સિત્તેર સંવત્સરોથી એ બુઢ્ઢા દેહમાં લપાયું હતું. એ પાંચ વર્ષના શિશુની આંખો અને સ્મરણશક્તિ બોલી ઊઠી, ને મેં ટપકાવી દીધું.

ત્રણેક કલાક ધારાવાહી રહેલી રતનશી ડોસાની કથા ખતમ થઈ પછી મેં બળવાની લીલાભૂમિ નિહાળી. થાનકો જોયાં, સમુદ્રકાંઠો જોયો. પંજા પીર, સુણી-મેહારના ડુંગરા નામનું બે ખડકોનું જળતીર્થ, સાવઝ ટાપુ — એ દૂરદૂરથી દીઠાં. પ્રથમ આરંભડા ગામથી મછવામાં બેસી બેટમાં ગયો ત્યારે જળમાં ઊભેલા સાતમૂરુ, પારેવો ને ઢેઢમૂરુ નામનાં બેટડાં પણ જોયાં. ઢેઢમૂરુ નામ અર્થપૂર્ણ છે. બેટ શંખોદ્ધારની એ છેલ્લામાં છેલ્લી અણી : ઢેઢ લોકોને ખુદ બેટની ધરતી પર પગ મૂકવાની મનાઈ હતી મંદિરોના માલિક તરફથી! અસ્પૃશ્યોએ તો દેવની ઝાંખી એ ઢેઢમૂરુ નામના ખડક પરથી જ કરીને પાછા વળવાનું હતું. જેઓએ દેવને આટલા બધા આભડછેટીઆ બનાવ્યા, તેઓ આખરે શું કમાયા?

મને ઓખામંડળમાં લઈ જનાર ભૂપતસિંહભાઈ વાઢેર. ઓખામંડળના જમીનધણી બે : વાઘેરો ને વાઢેરો. ત્યાં વાઢેર દરબારોના ગઢમાં પોતે મને આરંભડા લઈ ગયા, અને નેવુંક વર્ષનાં રાજપૂતાણી દાદીમાની સામે લઈ જઈ બેસાડયો. વાઘેર-બળવાનાં સગી નજરનાં આ બીજાં સાક્ષી દાદીમાં બોલતાં ગયાં ને હું ટાંકતો ગયો —

“આંહીં મનવારો આવી. લડાઈ ચાલી. હું પંદર વર્ષની હતી. પરણીને આવ્યાં બે જ વરસ થયાં હતાં. મેડી પર ઊભી રહીને હું લડાઈ જોતી હતી. ધરતી ધણેણતી હતી. બિચારા વાઘેરો પાસે તોપો નહોતી....”

**

સામે જ દેખાતા બેટ શંખોદ્ધાર પરનો અંગ્રેજ-વાઘેર સંગ્રામ જેણે મેડીએ ચડીને નજરોનજર જોયો હતો, એવાં એ બન્ને સીધાં સાહેદો આ જગતને છોડી ગયાં છે. મને સંતાપ થાય છે કે હું આ દાદીમા અને રતનશીભાની પાસે વધુ દિવસો કેમ ન રોકાયો! પ્રશ્નો પૂછી પૂછી અન્યથા અપ્રાપ્ય એવી હકીકતો હું કઢાવી શક્યો હોત.

પણ આપણાં જીવનમાં ઘર નામે એક બંદીખાનું છે. ઘરસંસાર એ એક સોનાની શ્રુંખલા છે. ગળામાં એક રસી પડી છે. રસીનો એક છેડો પકડીને ગૃહજીવનનો મોહાસૂર બેઠો છે. જરાક દૂર જાઓ, ત્યાં રસી ખેંચાય છે. રવીન્દ્રનાથ જેને “ઘરછાડા” કહી ઓળખાવે છે, તે બન્યા વિના સાહસ શું? સાહિત્યનું સર્જન શું?

આ “ઘરછાડા” સાહસબુદ્ધિની શું એકલા વેપારમાં, ઉદ્યોગમાં, વિજ્ઞાનશોધમાં જ જરૂર પડે છે, ને સાહિત્યમાં નહિ? વાણીવ્યાપાર એ શું આરામખુરશીની વસ્તુ છે? એથી કદાચ ઊલટું જ છે. વાણી તેજ પકડતી નથી, કારણ કે વાણીને આપણે ઘરના એકાદ શીતળ સુંવાળા ખૂણામાં મેજ કે ગાદીની જોડે ઝકડી રાખી છે. શારદાનું વાહન મોર કે હંસ છે, તે એક જ વાત આપણે વીસરી બેઠા.

**

અસ્થિઓ પર અંજલિ છાંટીને —

1927 : તે વખતે હું હતો બહારવટીઆ જોગીદાસ ખુમાણની કાળી શોધમાં. એ શિરોમણિ બહારવટીઆની લીલાભૂમિમાં હું ભટકતો હતો. એને નામે બોલાતી અકેક ઘટનાને ચકાસતો ચકાસતો હું નવા નવા સાહેદોને શોધતો હતો. કોલેજકાળના સહાધ્યાયી અને વિક્ટર મહાલના વહીવટદાર ભાઈ અબ્દલ્લા ગાગનાણીએ મને ડુંગર, રાજુલા વગેરે ગામોમાં ફેરવીને વાતો કહેનારાઓનો સુયોગ કરાવ્યો હતો.

એમાં ડુંગર ગામનો દરબારી સંધી પસાયતો ભેટી ગયો. ડુંગરથી વિક્ટર ત્રણેક ગાઉને માર્ગે અમે ઘોડાગાડીમાં અને એ પડખે પડખે પગપાળો વાતો કરતો આવે. છેક વિક્ટર સુધીનો મારો પંથ એ પસાયતાએ જોગીદાસ ખુમાણનાં ઘોડાંની રજ-ડમ્મરે જાણે ધૂંધળો કરી આપ્યો. હમણાં જ જાણે જોગીદાસ આંહીંથી નીકળ્યા હતા, એનાં ઘોડાંના ડાબલા જાણે કે એ રસ્તા પર તાજા પડેલા હતા, મારે ને બહારવટીઆને જાણે કે ઘડી-બ-ઘડીનું જ છેટું પડયું હતું.

સિલસિલાબંધ કરીને મૂકી આપેલી એ જોગીદાસ-કથા જ્યારે તમે વાંચતા હશો, વાચકો! ત્યારે તમને થતું હશે કે અંકોડાબંધ એ કોઈ એકાદ માણસે ઉતરાવી આપી હશે! એ મારી કથાને નાટક લેખે વાપરનારાઓ, બહારવટીઆના વૃત્તાંતોને રેડીઓ ઉપર કથનારાઓ, બીજી-ત્રીજી રીતે જાહેર પાસે મૂકનારાઓ સહુ એવો સંતોશ ને દાવો ધરાવતા હશો કે આ તો છે પ્રચલિત સાહિત્ય, આ તો છે સર્વકોઈના સ્વાધિકારની સામગ્રી. તમને ભાગ્યે જ આ સત્ય સમજાશે કે એ કથાનું સમગ્ર પટ વણવા માટે કેટલે કેટલે ઠેકાણેથી ત્રાગડા મેળવી મેળવી મારે વાણા-તાણા કરવા પડયા છે. ગઢવી માધવદાને, પીંગળશી પાતાભાઈએ, રાજપ્રકરણી અધિકારી ભૂપતરાયભાઈએ, ગગુભાઈ ગઢવીએ, સૂરા બારોટે, જેઠસૂર બારોટે, ગઢવી દાદાભાઈએ, ખોજા વાલજી ઠક્કરે, ડુંગરના આ સંધી પસાયતાએ — નામો જેનાં નથી સાંભરતાં એવા બીજા પણ કેટલા કેટલાએ અક્કેક અસ્થિ આપ્યું; આખું કલેવર એ અસ્થિઓને બંધબેસતાં કરી કરીને ઘડવું પડયું : અને તેના પર ઊર્મિની અંજલિ છાંટી પ્રાણ જગાડયો.

ખેર! અત્યારે તો એક આ સંધી પસાયતાનું જ સ્મરણ કરું છું. એ એક મુસલમાન હતો, પણ એના સાહિત્યરસમાં કોમી ભેદભાવ નહોતો. જોગીદાસ બહારવટીઓ એની નજરમાં નહોતો હિંદુ કે નહોતો મુસ્લિમ. એના ચિત્તતંત્રમાં રમતી હતી બહાદુરી, માણસની માણસાઈ. ફિફાદની ઝાડીમાં પીર ધંતરશાના મોરલાને મારી ખાઈ જનાર સંધી સિબંદીઓના કુકર્મનો કિસ્સો એ સંધી પસાયતાનો જ કહેલો છે. નવલખાના નેરડામાં જોગીદાસને ભેટેલી જુવાન સુતાર કન્યાની પ્રેમ-યાચનાની, અને એવી પ્રેમયાચનાનો “તું તો મારી દીકરી!” એવા બહારવટીએ દીધેલા જવાબની, ઘટના પણ એ કંગાલ પસાયતાએ કહી. તે દિવસથી, પરનારીઓનાં લુબ્ધકર નેન-કટાક્ષોથી આત્મરક્ષા કરવા માટે જોગીદાસે જનપદના રસ્તા તરફ પીઠ ફેરવીને ચોરા પર બેસવાનું નીમ લીધાની વાત પણ એણે જ કહી. રાજ્યનાં લૂણ હક્ક કરવા બહારવટીઆની સામે હથિયાર બાંધી, પિરસાયેલ ભાણેથી ઊભા થઈ ઘોડે ચડેલા અને ધિંગાણે ખપી ગયેલા નાગર આણંદજીભાઈની વાત પણ એણે કહી.

**

ઘટનાનાં જીવતાં પાત્રો

મિયાણા બહારવટિયા વાલા નામોરીની મેં લખેલી કથા (‘બહારવટિયા’-1)ના કિસ્સા પૂરા પાડનાર આદમી એક પ્રવાસમાં ભેટયો હતો. રાજપરાની ખળાવાડમાં એ હવાલદાર હતો. પડછંદ, સીધો સોટા સરીખો, ઘાટી સફેદ દાઢી, જબાને મૂંગો, કરડી પણ ગંભીર આંખો : ઓળખાવ્યો ત્યારે જ ખબર પડી કે વાલા નામોરી અને મોવર સંધવાણીના બહારવટામાં જાતે જોડાનાર એ મિયાણો હતો. એણે મને પેટ દીધું, સમસ્ત બહારવટાની કથા કહી : પોતે એ પ્રત્યેક કિસ્સાનો સાક્ષી જ માત્ર નહિ પણ સક્રિય પાત્ર હતો.

ચારણ, ભાટો અને કથાકારો જ મને વાતો કહી ગયા છે, એમ નથી. ઘટનાનાં જીવતાં પાત્રો મને સાંપડર્યાં છે. તેમની વિશ્વસનીયતાને મેં ચકાસી જોઈ છે. તેમણે સારું-બૂરું બેઉ દિલ ખોલીને સંભળાવ્યું છે. તેમણે તો પોતાને વિશે પ્રચલિત કેટલીક અતિ શોભાસ્પદ અને ભભકભરી વાતોનો પણ સરળ ભાવે ઇનકાર કર્યાે છે.

એ મિયાણાના છેલ્લા શબ્દો, કલ્યાણકારી શબ્દો, અહીં ઉતારીને હું તેને સલામો દઉં છું :

વાલો મોર : ઘઉંલો વાન, સામાન્ય કદનો, શરીરે મજબૂત; સ્વભાવ બહુ શાંત : કોઈ ગાળ દે તો પણ બોલે નહિ, કોઈ દી હસે નહિ, કોઈ દસ વેણ બોલે ત્યારે પોતે એક બોલે; સાંજ પડયે બંદૂકને લોબાન કરે : એની હાજરીમાં ભૂંડું બોલાય નહિ.

આ બહારવટિયો! આ મિયાણો! આવા શીલવંતા કેવે કમોતે ગયા! આમ કેમ થયું? પરચક્રને પ્રતાપે જ તો. બહાદુરોને બદમાશો કરી ટાળ્યા.

**

ઉંબરે ઉંબરે ઊજળો આચાર

બગસરા ગામનો કાઠી દરબાર હરસુરવાળો. એની સામે માત્રો અને ઓઘડ નામના ભાયાત બાપ-બેટો બહારવટે. બાપ ને બેટો કેવા? ધિંગાણામાં સામસામા પડકારા કરી શૌર્ય ચડાવે.

એ બહારવટું પાર પડાવવા બીજા બે કાઠી પિતા-પુત્રે, માંગા ધાધલ અને જાંતરુ ધાધલે જવાબદારી લીધી. હરસુરવાળાનો કોલ મેળવીને બહારટિયાને બોલાવવા ગયા. બહારવટિયા કહે કે, “મામા! જેમ બોકડાને કાપી નાખે તેમ કાપી નખાવવા ન હોય, તો વચમાં પડશો મા!”

કે “ના બાપ! કૂવામાં ઉતારીને વરત વાઢવી નથી.”

પણ હરસુરવાળાએ ખુટામણ કરીને, શરણે આવેલ બહારવટિયાઓનું કાસળ કાઢવા માટે, જમાન બનેલા માંગા ધાધલને ઠાર કર્યાે. માંગાના પુત્ર જાંતરુએ બહારવટિયાને બચાવવા તલવાર ચલાવી. બીજાઓને તો માર્યા, પણ જ્યારે હરસુરવાળાને ઠાર કરવાની તક આવી, ત્યારે જાંતરુ પારોઠ કરીને ઊભો રહ્યો, (પારોઠ કરવી એટલે પીઠ દેવી. બસ, પાપીના પરિત્યાગ અને તિરસ્કારનું આ મૌનભર્યું સૂચન હતું : “પારોઠ દઈને ઊભો રહ્યો.”) —ને કહ્યું : “હરસુરવાળા, તને ન મારું. તું પાળક કહેવા. પણ તારા બગસરાનું પાણી હવે નહિ પીઉં.”

જખ્મી બાપ માંગો મરવાની આખરી પળે દીકરાને કહે કે, “જાંતરા, મને પાણી મેલ્ય.”

જાંતરુ કહે, “બાપુ, આંહીંનું પાણી ન પિવાય. હવે તો પ્રાચીને પીપળે પિવડાવીશ.” (મૂઆ પછી પ્રાચીને પીપળે પિતૃને પાણી નખાય છે.)

મરતા પિતાને મોંએ પણ એ ધરતીનું પાણી પુત્રે ન મૂક્યું. કારણ કે એ પૃથ્વી ગોઝારી હતી. એના માલિકે ખુટામણ કર્યું હતું. અને ખુટામણની તોલે આવે તેવું બીજું એકેય પાપ સોરઠની ધરામાં મનાયું નથી. એક વાર જેને આશરો દેવાઈ ગયો તે ચોર, ખૂની કે ડાકુ હોય તો પણ એના પ્રત્યે ખુટામણ — વિશ્વાસઘાત — ન થઈ શકે.

ઇતિહાસ જેની ખેવના જરીકે ન કરે તેવી નાની નાની, ગામટીંબાની, કુટુંબની, ઘરઘરની ઘટનાઓ લોકજિહ્વાએ લખી રાખી. કારણ કે એને તો લોકોને ઉંબરે ઉંબરે જઈને સંસ્કાર સચવાવવા હતા. માનવી માનવી વચ્ચેનો આચારવ્યવહાર ઊજળો રખાવવો હતો.

**

પ્રેમજી મેઘાણી તે ભાયાણી કાઠીઓના કામદાર; ધણીના કટ્ટર શત્રુ ધાનાણી કાઠીઓના ગામ લાખાપાદરની બજાર સોંસરા નીકળે છે. ગાડું હતું સાથે, પણ બજારમાં પોતે હેઠા ઊતરી ચાલતા હતા. ત્યાં હાથની આંગળીમાંથી સોનાનો વેઢ પડી જાય છે; પણ એની ખેવના કર્યા વગર પોતે ચાલ્યા જ જાય છે. ધાનાણીઓનો ભરચક દાયરો બેઠો છે. એમાંથી એક જણે વેઢ પડી ગયેલો જોયો; સાદ પાડયો, “અરે કામદાર! આ વેઢ પડી ગયો.”

પ્રેમજી મેઘાણીએ પાછળ ફરી, પલ વાર ઊભા રહી, ઉત્તર વાળ્યો : “જાણું છું, પણ હું ભાયાણીનો કામદાર — ધાનાણીની ધૂડમાં હાથ નાખું નહિ!”

ચાલ્યા ગયા. એવા તિરસ્કાર-શબ્દો પણ શત્રુ-હૃદયોમાં પડેલી ઉમદા લાગણીને સપર્શ્યા. ડાયરામાંથી કોઈએ સામો હરફ ન કાઢયો.

એ વણિક સંસ્કાર, જેના પર વર્ષોથી “વાણિયાગત”ના કુસંસ્કારનો પોપડો બાઝી ગયો છે, તેની ચમક.

**

દીનતા વચ્ચે ઝબૂકતી માનવતા

‘કરિયાવર’ નામની વાર્તા (‘રસધાર’-5) એવી છે કે એક વૃદ્ધ બની ગયેલા વિધુર પિતાએ, પોતાને સંતાનમાં જે એક જ હતી તે પુત્રીને પરણાવી કરી, એને આણે તેડવા આવેલ જમાઈ સાથે પોતાના ઘરની કુલઝપટ સંપત્તિ સહિત વિદાય દીધી. બધો કરિયાવર લઈને જેવી બાઈ ગામ સોંસરી વેલડામાં નીકળે છે તેવા જ, ચોરે બેઠેલા પિતરાઈઓ ડાંગ-તલવારો લઈ આડા ફરે છે : “નહિ લઈ જવા દઈએ આટલું બધું — વાંસે અમે વારસ બેઠા છીએ.”

બાઈએ કહ્યું : “વેલડું પાછું વાળો.”

તેડવા આવેલ ધણીને એણે કહ્યું, “ધાધલ, આ લે, તું આ રૂપિયા લઈ જા; બીજે પરણી લેજે.”

કે “કાં?”

કે “હું તો મારા બાપને દીકરો થયા પછી જ આવીશ. તે પહેલાં તું મારો ભાઈ છો.”

બાપને બીજી વાર પરણાવ્યો. દૂધના કઢા પાઈ મર્દ બનાવ્યો. વરસ દહાડે નવી માને દીકરો આવ્યો. એની છઠ્ઠી કરી. પછી ધાધલ પતિને કહેવરાવ્યું કે, “હવે તું તારે મને તેડી જાજે.”

પછી તો બધું જ લઈને દીકરી સાસરે જવા નીકળી. ચોરે બેઠેલા પિતરાઈઓને વેલની ફડક ઊંચી કરીને કહ્યું, “હવે આવો આડા ફરવા!”

“હવે શું આડા ફરીએ?”

“હા જ તો. શું ફરો! ઘોડીએ ભાઈ રમે છે.”

(આહીં સુધી તો મેં વાત આપી છે, પણ તે પછીનો પ્રસંગ ટાંચણમાં જ રહી ગયેલો :)

આ વૃદ્ધ કાઠીના જે બે દીકરા થયા, તેનાં નામ સૂરો ને માત્રો. મોટપણે એમણે સાંભળ્યું કે, વડાળાના કણબીએ પોતાના બે બળદોનાં નામ આપણાં નામ પરથી સૂરો ને માત્રો પાડર્યાં છે, માટે જઈને એને મારીએ.

ગયા પટેલને ખેતરે. જુએ તો પટેલે બેઉ બળદોની ગમાણમાં એક કોર ખોળ ભર્યાે છે, ને બીજી કોર કપાશીઆ ભર્યા છે. બેઉને જેટલું ખાવું હોય તેટલું ખવરાવે છે, ને “બાપો સુરા!... બાપો માત્રા!” કરતો જાય છે. પશુ પર પ્રેમથી ઓછો ઓછો થઈ રહ્યો છે.

બેઉ ભાઈઓ ગયા હતા તો પટેલને મારવા, પાછા વળ્યા બંનેની ઘોડીઓ પટેલને ઇનામમાં આપીને.

એની એ જ વાત : સંસ્કાર.

**

જેની ગાળો ખાતાં ખાતાં પણ ક્ષુધાર્ત ઠાકોર વજેસંગ ખરા બપોરે છાશની ઘેંશ પામ્યા તે ખેડૂતને મોટું દાન દીધું (બોળો : ‘રસધાર’-1); જે પોતાનો કારમો શત્રુ હતો તે વીરાવાળા પર વિશપ્રયોગ થનારો જાણીને તુરત ચાતુરી કરીને ખાંટ ભાયા મેરે શત્રુને બચાવ્યો (દુશ્મન : ‘રસધાર’-3); જે પોતાની સ્ત્રીને પરણી બેઠો હતો તે જુવાનને રાતના અંધકારમાં શત્રુહાથે ઘવાયેલો પડેલ દેખી, કાંધે ઉપાડી વાઘેરે ઘરભેગો કર્યાે (વાઘેરનાં બહારવટાં : ‘બહારવટિયા’-2); પરરાજ્યના જે પટેલને એની પરોણાચાકરી બદલ ગોંડળના કુંવર પથુભાએ પોતાની જમીન જાણી ભૂલભૂલથી પારકી જમીન સરપાવમાં સમર્પી, તે પટેલને તે જમીન તેના ધણી કાઠીરાજે ખરેખાત આપી દીધી (રખાવટ : ‘રસધાર’-5)... ...એવા પ્રસંગો સોરઠી જીવનમાં ઠેરઠેર પડયા છે. સાહિત્યમાં મળે તો તો કલાકૃતિ તરીકે જ સારા લાગે, અને વાસ્તવ જીવનમાં એ સામા મળે તો બેવકૂફીનાં પરિણામો લાગે, એવી એ ઘટનાઓ છે. સોરઠી જીવનના જે સંસ્કારને સોરઠી સાહિત્ય-કલાસંપત્તિનો જનક ગણાવતાં હું થાકતો નથી, તે આ સંસ્કાર છે.

માણસાઈ ઘસાતી ઘસાતી પણ આટલા જમાના પછી જીવનની અનેકવિધ દીનતા વચ્ચે ઝબૂકે છે, તે આવા સંસ્કારની ઊંડી જડને આભારી છે.

**

સજણ ગિયાં ને શેરિયું રહી!

વિશ્વ-સાહિત્યમાં ઠેકાણે ઠેકાણે બે તત્ત્વોને સામસામે છેડેથી ખેંચી લાવીને ભેગાં બેસારેલાં જોવાય છે : મરણ અને પરણ, લગ્નમંડપ અને મસાણ, કંકુ અને ભસ્મ. મારી ટાંચણપોથીનાં પાનાંમાં પણ એવાં બે તત્ત્વોની જોડી બની ગઈ છે; ચાલતી ટ્રેનમાં કોઈક ભરવાડે કથેલાં તૂટક છૂટક લોકકવિતાના ટુકડા ટપકાવ્યાં છે. કોણ જાણે ક્યાંથી કાને પડેલાં, કેટલી પેઢીએ ટોચાતાં ને ખરી જતાં ખંડિત પદોને એ ભરવાડે પકડી, કલેજે ને કંઠે રમમાણ રાખ્યાં હશે —

સજણે શીખું માગિયું,

રુદાના રામ રામ કરે.

પલમાં ખોળા પાથર્યા,

ચડીને થિયાં સવાર.

ચડીને થિયાં સવાર, તે ઊભાં સલામું ધરે;

સજણે શીખું માગિયું, રુદાના રામ રામ કરે.

સજણે સાંકળું ચડાવિયું,

ખોરડાં કર્યાં ખાલી;

પાડોશમાંથી પ્રીતાળુ ગિયાં,

હેડાઉત ગિયાં હાલી.

હેડીનાં — સરખી જોડીનાં — સ્વજન, ઘરને સાંકળ ચડાવી પાડોશમાંથી ચાલ્યાં તો ગયાં, તે છતાં તેમનું સૌંદર્ય નથી વીસરાતું.

સજણાં ખાંડે જે દી ખાંડણાં,

હલકે ઉપાડે હાથ;

દસે આંગળીએ ચોગઠય વળે, નવરો દીનોનાથ.

નવરો દીનોનાથ ને માઢૂડાં ઘડર્યાં,

માઢૂ કમાણસને પાને પડર્યાં.

દરેક પ્રેમિકની એ જ માન્યતા! પોતે સુમાણસ, અને સ્વજનને જે પરણી ગયો તે કુમાણસ! ખેર, એ આશ્વાસન કંઈ ઓછું નથી. આપણને ગમે છે તે તો આ “માઢૂડાં” (માનવી) જેવો લાડપ્રયોગ.

પછી તો પ્રવાસી સાથી સોન-હલામણ, નાગમદે-નાગવાળો, શેણી-વિજાણંદ, મેહ-ઊજળી વગેરેની કરુણાંત પ્રેમગાથાઓમાં ઊતરી પડી દુહા પર દુહા રેલાવ્યે જાય છે. ખંડિત અને તેમ છતાં મૂળ વિશયને વળગી રહેતી આ કવિતા સૂત્રાત્મક સ્વરૂપને પામી રહે છે.

સજણ ગિયાં ને શેરિયું રહી,

ઊડવા લાગી ખેપ;

ઊડવા લાગી ખેપ તે ઝારા ઝરે,

ઓતરની વાદળી સૂકાં સ્રોવર ભરે.

તૂટી પાળ તે નીર ગ્યાં વહી,

સજણ ગિયાં ને શેરિયું રહી.

છેવટે —

માયા રાખજો માનવી, હૈયે રાખજો હેત;

બોલ્યાં ચાલ્યાં માફ કરજો, અવગણ અમારા અનેક

એમ કહીને પાછા વળવું જ રહ્યું! પછી તો રાત્રીએ —

સજણ સ્વપને આવિયાં,

ઉરે ભરાવી બાથ;

જાગીને જોઉં ત્યાં જાતાં રિયાં,

પલંગે પછાડું હાથ.

પલંગે પછાડું હાથ ને કાંઈ ન ભાળું,

વાલા સજણ સાટુ ખોબલે આંસુ ઢાળું.

આદર્યાં કામ તે અધવચ રિયાં,

જાગીને જોઉં તો સજણ જાતાં રિયાં.

અને પરોડથી સવાર સુધીનો રેલગાડીનો આ સંગાથી, જીવની આખરી ગતિને યાદ કરાવતું એક ભજન ગાઈને જુદો પડયો :

ચેતનહારા, ચેતી લેને ભાઈ!

જાવું છે નિરવાણી.

માટી ભેળી તારી માટી થાશે,

પાણી રે ભેળાં પાણી;

કાચી કાયામાં કાંઈયે ન જાણ્યું ભાઈ!

શું ભૂલ્યો તું તો પ્રાણી રે!

સજણાંનાં સૌંદર્ય, વિદાય, શેરીઓના સૂનકાર, ખાલી પડેલ ખોરડાં, સ્વપ્નાલિંગન — એમ પ્રગાઢ પ્રણયની આરજૂઓ ગાઈ. છેલ્લે નિર્વાણ ગાયું. એ ગાન એક ને અખંડ છે. લોકકવિતા સમુચ્ચયસ્વરૂપ છે. સમગ્રતાએ જ એનું ગાયેલું ગ્રહવું જોઈએ. એના એકાદ કોઈ પ્રદેશને છૂટો પાડીને સમૂહજીવનનું તત્ત્વરહસ્ય તોળાય નહિ.

**

હૈડાની કોરે હરિજનનું નામ

માગશરે મારગડે રમતાં,

ભેળાં બેસી ભોજનિયાં જમતાં,

હરિને હવે નથી ગમતાં રે,

ભરમ્યા ભૂદર શું ના’વ્યા!

એમ માગશર, પોશ, માહ... એવી લોકવિરહિણીની આખી બારમાસી કોણે લખાવી? હૈયાની કોરે ટાંકેલ છે નામ ને ઠામ : એ તો રાણપુર ગામના હરિજનવાસના ઢેઢ ધૂડાનું ગાયેલું. ધૂડે ગીતો ઘણાં આપેલાં.

ધૂડો અમદાવાદ રળતો. હોળીએ ને ગોકળાઠમે ઘેરે આવતો. કાને બહેરો, બોલવે દબાતા સાદવાળો, પચાસેક વર્ષનો શ્વેતવસ્તરો ધૂડો, એ બેય તહેવારે ઢેઢવાડાનાં નરનારીઓને ઘેલાં કરતો. કડતાલ બજવતો ને છલાંગો મારતો ધૂડો વિશાળ કૂંડાળે ગવરાવતો. એના રાસડા-ગરબા ઝીલતી સ્ત્રી-પુરુશોની મિશ્રમંડળી ધૂડાના કરતાં બેવડી ઝૂકાઝૂક મચાવીને ગાતી-ઘૂમતી.

કોઈ કોઈ વાર ધૂડો ખડીઓ લઈને આવી ઓફિસે ઊભો રહેતો, લખતાં લખતાં માથું ઊંચું ન કરું ત્યાં સુધી ચૂપચાપ ઊભો રહેતો; નજર કરું એટલે માગે : “રુશનાઈ આપો!”.... “કાગળ આપો!”

ક્યાં છે આજે એ ધૂડો? છેલ્લે દીઠે બે-ત્રણ વર્ષો વહી ગયાં. અંધાપો આવી ગયો હતો. રુશનાઈ માગી, તે આપી હતી કે નહિ? “હમણાં કામમાં છું; હમણાં જાવ, પછી આવજો,” એમ કહીને વળાવ્યો હતો શું? પાછો આવ્યો જ નથી. ક્યાં છે? જીવે છે કે નહિ? હરિજનવાસ તો પડોશમાં છે, તોયે વાવડ લીધા નથી.

**

ખોખરી એવી “સુંદરી”(સારંગી)ને ખોળામાં લઈને અંત્યજ નથુ તૂરી બેસતો, અને બે રાભડાં છોકરાંમાંથી એકને ધવરાવતી ધવરાવતી નથુની ચૂંચી આંખોવાળી લઘરવઘર વહુ બેસતી. બેય જણાં ગળાં મેળવીને રાણપુરમાં ‘સૌરાષ્ટ્ર’ કાર્યાલયના નાનકડા ચોકની હરિયાળી પર —

લાવો લાવો રે બાદૂરખાં મિયાં, હિંદવાણી!

એને આવતાં મેં તો જાણી લાલ હિંદવાણી!

એવું કોઈ મુસ્લિમ દરબારને રીઝવવા માટેનું ગીત પણ ગાતાં — જે ગીતે મને “આવો આવો રે બહાદુર બહેન હિંદવાણી” (‘વેણીનાં ફૂલ’) જેવા રાષ્ટ્રગીતનો ઝૂલતો-મલપતો ઢાળ આપ્યો. અને બીજે છેડે સંત દાસી જીવણનાં ભજનો પણ ગાતાં :

મુંને માર્યાં નેણાંનાં બાણ રે વાલ્યમની વાતુંમાં,

વાલ્યમ તારી વાતુંમાં હાંકી મેલ્યાં હૂંડી વા’ણ રે,

શામળા! તારી શોભાનાં.

નથુનાં ગાયેલાં બીજાં ભજનોનો આખો ચોસર માંડેલો છે. ત્યારે પડેલાં બીજમાંથી અઢાર-વીસ વર્ષે આજ આંબો ફાલે છે. લોકસાહિત્યનો સંસ્કાર એકલી શૌર્યની વાતોએ, એકલા દુહાએ, એકલા પ્રેમશ્રુંગારના છકડિયાએ નહિ, પણ ભજનો વડેય સર્વદેશીય વારિસિંચનથી પોશાતો હતો. આજે ફળ બેઠાં છે. ભજનવાણીની ઘડ મગજમાં બેઠી છે.

એ વધેલી હજામતવાળો નથુ વર્ષોથી નજરે નથી પડયો. નથુ અને એની ચૂંચી આંખોવાળી વહુ, બે છોકરાં, ખોખરી “સુંદરી”, સ્વરોની એ જોડલી અત્યારે ક્યાં છે? એની “સુંદરી” કોઈને વારસામાં દઈ ગયો નહિ હોય? એ તો હતો ભટકતો પરિવાર. નાના નાના ઠાકોરોની ડેલીઓ પર એ કુટુંબ નભતું હતું.

પરંપરાઓ આમ જ તૂટે છે. એક જાય છે, તેની જગ્યા લેવા બીજો આવતો નથી.

એક દિવસ ‘સૌરાષ્ટ્ર’ને બગીચે નથુની મૂંગી સ્ત્રી મળી ગઈ, ને નથુના સમાચાર પૂછતાં એણે કહ્યું કે, “ઈ તો ગયો; હું એકલી વાંસળ રૈ ગૈ, બાપા!”

**

ઝબૂકીને બુઝાઈ ગયેલા

જેસા વજીરની વહુ : થાન લબડે, લૂગડાં ધોવામાં અડચણ. થાન ખંભે નાખેલ : નાગડો ધાવે પાછળ ઊભો ઊભો.

જામ : જેસા ડાડા! હી જોરાર કીંજે ઘરજી હુંદી? (તૂટેલ આઉવાળી ભેંસ-ગાય “જોરાળ” કહેવાય.)

જેસો : અંજા ઘા થીંદા ઈ અગીઆં ન્યારજા! (એના જે ઘા થાય તે આગળ નિહાળજો.)

મારી નજરે તો એ બનાવ હજીયે બની રહેલો, એક સોરઠી નદીને આરે, દેખાયા કરે છે. મારી ‘સમરાંગણ’ની આખીય નવલકથામાં એ એક જ પ્રસંગે બળ પૂર્યું. સૌરાષ્ટ્રમાં શહેનશાહ અકબરશાહની મોકલેલી સૌ પહેલી ચઢાઈ; અને અમદાવાદના અકબર-શત્રુ શાહ મુઝફ્ફર નહનુના આશ્રયદાતા સોરઠી ઠાકોરો સાથે એ અકબર-ફોજના ભયાનક જુદ્ધનું નામ ભૂચર મોરીની લડાઈ. ભૂચર મોરી : કોઈ મહાકાવ્ય-મહાગાથાને દીપાવે તેવો મામલો, અને એમાં નાયકપદે મૂકી શકાય તેવા સુરાપરા લાડકપુત્ર નાગડા વજીર નામના જે જુવાન પાત્રની માવજત મેં ‘સમરાંગણ’માં ઊઘડતા પાનાથી માંડીને કરી છે, તે પાત્રનું પ્રથમ બીજારોપણ મારી કલ્પનામાં ઉપલા કચ્છી શબ્દો વડે મૂકીને જીજી બારોટ ચાલ્યા ગયા : યાદ આવે છે મીઠું મોં, મીઠપભરી બારોટ-જબાન, હસમુખો ચહેરો.

જીજી બારોટને શા માટે આટલા વહેલા વળાવી દીધા? આજે ઓરતો થાય છે. જીજી બારોટો વારંવાર ભેટતા નથી. એક વાર ઝબૂકી ગયા પછી કેટલાય દીવા કાયમને માટે બુઝાઈ જાય છે.

**

ધરતીની ધૂળમાં આળોટનારા

મારા સોરઠી સંતો — કાઠી, કુંભાર, કોળી, કડીઆ, માળી, રબારી, મુસ્લિમ અને હરિજન જેવી કોમોમાંથી ઊઠેલા, નિજનિજના ધંધાધાપા કરતાં કરતાં ખેતરો ખેડતા, ઢોર ચારતા, ચાકડો ચલાવતા, ગાયોનાં છાણનાં સૂંડા શિર પર ધરી વાસીદાં વાળતા, કોઈ ઘરસંસારી, લોકસમાજની વચ્ચે રહેતા, ધરતીની ધૂળમાં આળોટતા, સાદા ને સરળ આ મારા સોરઠી સંતો — મને વહાલા લાગે છે.

સંતોનું સ્મરણ એક દૂબળા, પાતળા, બેઠી દડીના, આંખે લગભગ અખમ (નહિ દેખતા), અને દાંત વગરના મોંમાંથી વાતોનાં અખૂટ વહેન ચાલુ રાખતા બુઢ્ઢા સૂરા બારોટની આકૃતિને ખડી કરે છે. સોરઠી સંતોના સંશોધનના શ્રીગણેશ એમણે કરાવ્યા. સૂરા રાવળે એ સોરઠી સંતોનાં દર્શન કરાવ્યાં.

સૂરા બારોટે અધૂરા મૂકેલા ત્રાગડા વૃદ્ધ અને સુરદાસ કાઠી રાવત જેબલિયાએ ઉપાડી લીધા. એણે મને પ્રેમથી સંતોની વાતો કરી :

દાના ભગત કુંડલાના ગામ કરજાળે ગાયું ચારે. ભાવનગર મહારાજને છોરુ નહિ. ભગતને વાત કરી. ભગતે નાળિયેર મોકલ્યું. કુંવર અવતર્યાે. એ પ્રતાપ ભગતનો જાણીને મહારાજે કરજાળા ગામ દીધું. પણ ભગતનો જવાબ તો જુઓ :

“ના બાપ, બાવાને ગામ ન્હોય. ખેડૂતોને મારી ગાયુંના સંતાપ હશે, તેથી જ ગામ દીધું લાગે છે. અર્થ એમ કે હવે આંઈથી વયા જાવ! હાલો.” ચાલી નીકળ્યા.

રતો ભગત ખેતરમાં સાંતી હાંકતા હતા. સાંતીની કોશ ધરતીમાં દટાયેલ કોઈ ચરૂના કડામાં ભરાઈ ત્યારે ભગત ભાખે કે, “લખમી, તારે મારી ઇરખા (ઈર્ષ્યા) હોય તો પેટ પડ (મારે ઘેર અવતાર લે), બાકી હું તો પરસેવાનો પૈસો ખાનારો.”

બુડી વા બુડી વા (તસુ તસુ જેટલીયે) જમીનને માટે જ્યાં ઝાટકા ઊડે ત્યાં, તે જ સોરઠી ધરામાં ગામગરાસનો છાંયો પણ નહિ લેનારા સંતો એ જ ભોંયભૂખી કોમોને પેટ પાક્યા, માટે જ મને સોરઠી સંતો વહાલા લાગે છે. માટે જ મેં એમને ‘સોરઠી સંતો’ અને ‘પુરાતન જ્યોત’માં લાડ લડાવ્યાં છે.

**

ભયંકર રોગ રક્તપીત, એની નિર્બંધ સારવાર કરનારાં સોરઠમાં ત્રણ સંત-સ્થાનકો હતાં : રબારી સંત દેવીદાસનું પરબવાવડી, મુસ્લિમ સંત જમિયલશાહનો ગિરનારી દાતાર ડુંગરો, અને ગીગા ભગતનું સતાધાર. હિંદમાં બીજા કોઈ સંતે આ કાળ-રોગની સેવા કરી જાણી નથી.

ગીરના પહાડો વચ્ચેનું ધર્મસ્થાન સતાધાર એ ગીગા ભગતનું કર્મક્ષેત્ર હતું. ધેનુઓની અને પીતિયાં-કોઢિયાં માનવીઓની સેવા : સતાધારની એ બે સંત-ધૂણીઓ હતી.

ગીગા ભગત જાતે ગધૈ. એની મા લાખુ રાણપુર પરણાવેલી. ધણી છેલબટાવ. કાઢી મૂકી. ચલાળે મોસાળ તેડી આવ્યા. ધણીએ બીજું ઘર કર્યું. મોસાળિયાં કહે કે, આપણેય લાખુને બીજે દઈએ. પણ લાખુએ ના પાડી.

ચલાળામાં એક વાર લાખુ પાડોશણના છોકરાને રમાડે. રમાડતાં રમાડતાં મન થયું સંતતિનું. દાના ભગત કહે કે, “ભણે લાખુ, વાસના મારવી નહિ, વાસના નડે; ફલાણા બાવાનું બુંદ લઈ લે.”

લાખુને એક બાવા જોડે સંબંધ થયો. આશા રહી.

“રાંડ ઘરઘાવતાં ઘરઘી નહિ, ને ભગતના ખૂંટડાઓમાં જઈને રહી.” — એવી બદનામી થઈ. વિચાર્યું કૂવામાં પડું.

ભગત રાતે નીકળ્યા; કૂવાકાંઠે લાખુને જોઈ. “લાખુ, કૂવામાં પડીને હાથપગ ભાંગતી નહિ. તારા પેટમાં છે બળભદર. ઈ કોઈનો માર્યાે મરે નહિ.”

જનમ્યો. નામ પાડયું ગીગલો.

માનવતાનો આથી ઊંચો આદર્શ આપણને નહિ જડે. “વાસનાને મારવી નૈ, વાસના નડે; ફલાણા બાવાનું બુંદ લૈ લે.” એ તો આધુનિકોનેય અદ્યતન લાગે તેવી ઉદારતા છે. “કૂવે પડીને હાથપગ ભાંગીશ નૈ, તારા પેટમાં બળભદ્ર છે.” એવી હામ દેનાર સંત દાનો પાપ-પુણ્યના રૂઢિગત ખ્યાલો લઈને બેઠેલા જનસમાજની વચ્ચે જીવતા હતા, ને એ જનતાને આધારે નિર્વહતા હતા. તે છતાં એણે થડકાટ ન અનુભવ્યો, તિરસ્કૃત માતાને માનભેર જિવાડી, એના પુત્રને સંતપદે સ્થાપ્યો, ને એ મુસ્લિમ મા-બેટાની સાથે સંતો એક થાળીમાં જમ્યા.

રાવતભાઈની કથનીમાંથી તો સંત-કુળની કલંકકથા પણ મળી હતી. લોકજબાન કૂડને છુપાવતી નથી. ગુરુ દાનાએ શિષ્યને જુદી જગ્યા કરી દઈને કહ્યું, “ગીગલા, અભ્યાગતોને રાબડી દેતો જાજે.”

દાના ભગત દેવ થયા. એની પછવાડે વંશ ચાલ્યો એના સંસારી ભાઈ આપા જીવણાનો. ચલાળાની ધર્મજગ્યા એ કુટુંબવારસે ચાલી ગઈ. ભત્રીજા દેવા ભગતે પોતાની જગ્યામાં આવનાર અભ્યાગતોને ચીંધવા માંડયું : “જાવ ગીગલા પાસે.” એકવાર ખાખી બાવાની જમાત આવી : “લાવ બે માલપુડા!” “જાવ, ગીગલો દેશે!” ગીગો તે ક્યાંથી દ્યે? ખાખીઓએ ગીગા ભગતને માર માર્યાે. દેવો કહે, “જા અહીંથી.” “ક્યાં જાઉં?” “જા સાવઝના મોંમાં” — એટલે કે સિંહભરપૂર ગીરના પહાડોમાં. એમ હડધૂત થઈને સંત ગીગો ધેનુઓ હાંકીને સતાધાર આવ્યા.

સંતકુળોની વારસામોહિત સ્વાર્થપરતાની એ કાળી કથા છે. માટે જ સંત દેવીદાસે જરજમીનનાં અર્પણનો અસ્વીકાર કરી કેવળ આકાશવૃત્તિનું જ કરડું વ્રત લીધું હતું ને!

**

શ્રદ્ધાળુઓને સાવધાન કરનારી

વેલા ધણી! વચન સુણાવ રે,

આગમ-વેળાની કરું વીનતિ.

બાળુડા! બાળુડા!

મૂવાં મૈયતને બોલાવશે.

એને હથેળીમાં પરમેશર દેખાડે રે,

એવા પાખંડી નર જાગશે.

બાળુડા! બાળુડા!

જળને માથે આસન વાળશે,

એનાં અધ્ધર પોતિયાં સુકાય રે,

એવા પાખંડી નર જાગશે.

બાળુડા! બાળુડા!

બગલાની વાંસે બાળા દોડશે,

એક નરને ઘણી નાર રે,

એવા પાખંડી નર જાગશે.

બાળુડા! બાળુડા!

ઘોડામુખા નર તો જાગશે,

એની વાણીમાં સમજે નહિ કોઈ રે,

એવા પાખંડી નર જાગશે.

વેલનાથ ચરણે રામો બોલિયા,

ઈ છે આગમનાં એંધાણ રે.

પાખંડી નરોનું આ કળિયુગમાં જાગવું, એ આ ભજનની આગમ-વાણી (ભવિશ્યવાણી) થઈ. મુર્દાંને બોલતાં કરી બતાવે, હથેળીમાં પરમેશ્વર દેખાડે, પાણી પર બેસી બતાવે — એવાને પાખંડી કહેનારો ભજનિક, એક શિકારીમાંથી પલટાઈને અહિંસાનો ઉપાસક બનેલો કોળી હતો. ગુરુ વેલો બાવો પણ કોળી હતા. ચરિત્રહીન ચમત્કાર-વિધાયકોની જાદુગીરીમાં સપડાઈ જનારી શ્રદ્ધાળુ દુનિયાને ચેતવનારા આવા શબ્દોથી ભરપૂર એવી આપણી લોકભજનોની વાણી આપણને ચકિત કરે છે. જેને આપણે અંધશ્રદ્ધાની પોશક માની હતી, તે જ આ વાણી પાખંડોની સામે સાવધાની પુકારે છે. ને એનો એક ચેતવણી-સ્વર તો આધુનિક યુવતીઓને માટે શબ્દશહ્ સજુગતો છે. “બગલાની વાંસે બાળા દોડશે.” ઊજળા દેખાતા બેવફા પ્રેમિકોની પાછળ લટુટુ બનતી બાળાઓનો ઉલ્લેખ એક કોળીના ભજનમાં થાય, એ પણ વિલક્ષણ વાત છે!

“ઘોડામુખા નર” કયા, તે કળાય છે? “એની વાણીમાં નહિ સમજે કોઈ રે!” એટલે કેવા લોકોની વાણી? વિદ્વત્તાના ડોળઘાલુઓની? પોકળ દલીલબાજોની? શબ્દમાત્રથી સત્યને ગુંગળાવી મારનારા વિપથગામી વાદપ્રચારકોની?

નરી શબ્દચાતુરીથી દુનિયાને સર કરનારાઓ પર ભજનવાણી હમેશાં પ્રહાર કરતી રહી છે.

**

“એવાં શું કરવાં સુખ પારકાં!”

“દાસી જીવણ” નામે જાણીતા ચમાર સંત જીવણદાસના ગામ ઘોઘાવદરનો પ્રવાસ : 1928ની સાલનો સ્મરણ-ખાંભો. સોએક વર્ષ પૂર્વે થઈ ગયેલા આ સંતનું ઘર, ચમારોનાં બીજાં ખોરડાંની સાથે આંબલીઓના એક ઝુંડ વચ્ચે ઊભું હતું. ચામડાં ધોવાનો એ સંતનો કુંડ પણ ત્યાં બતાવવામાં આવ્યો. આંબલીઓના ઝુંડ નીચે એક ચમાર બાઈ ઊભી હતી. મીઠે સાદે એણે તો દાસી જીવણનું પદ ગાવું શરૂ કરી દીધું :

ચકચૂર ઘેલીતૂર,

બાયું, મુંને જોગીડે કરી છે ચકચૂર;

બાયું, મુંને શામળીએ કરી છે ચકચૂર;

કો’ક તો વલાતીડે મુને કેફ કરાયો રે,

તે દી’ની ફરું છું ઘેલીતૂર.

માણસોએ ભેગા થઈ વાતો કહેવા માંડી. મુખ્ય વાત સંતની સોહામણી આકૃતિ વિશે ને મીઠા કંઠ વિશે કહી :

ગામ બંધીઆમાં ગરાસીઆને ઘેર લગ્ન : દાંડીઆરાસ રમાય. એમાં જીવણદાસજીએ પોતે ચાર રાસ લેવરાવ્યા : મોહી પડેલ કેટલીક સ્ત્રીઓ પાછળ ચાલી, અને પોતાનો દેહ એમને અર્પણ કરવાની વાત કહી. ત્યારે સંતે એ બાઈઓને નીચેના પદમાં ઉપદેશ દીધો :

બેની! શું કરું સુખ પારકાં?

બેની! માંડર્યાં હોય ઈ થાય;

એવાં શું કરવાં સુખ પારકાં, બાયું!

કરમે માંડેલ થાય જી.

સામે મંદિરીએ મહીડાં ઘૂમે,

ભૂખ્યા તણું મન થાય જી;

દીઠેથી તૃશ્ણા ન છૂટે,

પત પોતાની જાય જી.

શું કરીએ સુખ પારકાં, બાઈ!

માંડેલ હોય ઈ થાય જી.

રાતે ગુજરાતી શાળાના મકાનમાં બેસી, ચમાર ભજનિકો પાસે ભજનો ગવરાવી ગવરાવી મેં ટાંચણ કર્યું. રાત ભાંગી ત્યાં સુધી બેઠા. આ ટાંચણમાં એક કીમતી મુદ્દો છે : “રસ્તે જ્યારે કાવ્યની લહેર આવે, ત્યારે સંત ખાખરાના પતામાં શૂળથી લખતા આવે : ઘેર આવીને પછી મોંયે કરી લ્યે.”

**

પટકુળના વાણા ને તાણા

ધોયો ધફોયો મારો સાડલો,

ખોળાનો ખૂંદનાર દ્યોને રન્નાદે!

કાલિદાસના ‘શાકુંતલ’માંની એક વાત્સલ્યોક્તિની આપણા અઘરણી-ગીતની આ ઉક્તિ જોડે સરખામણી કોણે સુઝાડેલી? એ સ્મરણ સ્પષ્ટ છે : ભાઈ છેલશંકર વ્યાસે. મુંબઈના સફળ વકીલ, અખબારનવેશ, સામ્યવાદી શ્રી છેલશંકર ભાવનગરની શામળદાસ કોલેજમાંના મારા સમારંભમાં “લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું” વાળું લોકગીત પ્રથમ વાર સાંભળીને આવ્યા અને ‘શાકુંતલ’નો એ શ્લોક મારી પાસે ધરી દીધો, જેમાં ભરતને જોઈ દુશ્યંત બોલે છે : धन्यास्तदंगरजसा मलिनीभवन्ति.

એ સ્નેહીએ આ નાનાશા પ્રસંગે મારા મનમાં લોકસાહિત્ય તથા લોકોત્તર સાહિત્યની વચ્ચે સુવર્ણની કડી જોડી આપી. રેડિયમની કણિકા જેવી આવી કોઈ કોઈ સૂચન-કણીઓ અણઓલવાઈ ઝગ્યા કરે છે, પ્રકાશ આપ્યા જ કરે છે, ભમતા માણસને ચોક્કસ એક સૌંદર્યપથ પર ચડાવી આપે છે. નાનુંશું તાપણું છોને બે ગાઉ છેટે ઝગતું હોય, છતાં કાળામાં કાળી રાતના પથિકનેય સાચી દિશામાં રાખે છે.

દિશા ખોવાઈ જાત, જો લોકસાહિત્યના એકાદ કોઈ પ્રદેશને નિરાળો રાખીને ભમ્યા કર્યું હોત તો. એક શાખાને પહેલાં પતાવી દઈએ પછી જ બીજીને પકડશું, એવું વલણ સાહિત્યના સેવનમાં સલામત નથી. સાહિત્યની શાખા-પ્રશાખાઓ એ તો માળાની સેર્યાે છે, ચોટલાની લટો છે, પટકુળના વાણા ને તાણા છે. એ તો છે શાળવીના જેવું, કબીરિયાના જેવું કામ. માનસ-પટનો વણાટ એ સર્વ ધાગાઓની સામટી ચાલ ઉપર જ અવલંબે છે.

**

અજાણ્યા ચહેરાઓ પરની અણસાર

‘ઓતરાતી દીવાલો’માં હોલાની વાત છે. એને મળતી સોરઠમાં તેતરની વાત છે.

ઊઠ બેન! ઊઠ બેન!

તલ તેતલા

તલ તેતલા

તલ તેતલા!

ટાંચણ આટલું જ છે. છતાં આખો પ્રસંગ યાદ છે. કોઈ કોઈ સ્મૃતિને એક પાતળું ટેકણ પણ બસ થઈ રહે છે, જ્યારે બીજાં કોઈક સ્મરણોને સ્થિર રાખવા માટે મોટો થાંભલો પણ નિરર્થક બને છે.

દ. બા. કાલેલકરની કારાવાસની કથા ‘ઓતરાતી દીવાલો’ વાંચતો હઈશ. તેમાં મહારાષ્ટ્રી લોકકથા આવી.

[લેખકે જે લોકકથા આલેખી છે, તેમાં થોડો સ્મૃતિદોશ છે. તેથી ‘ઓતરાતી દીવાલો’માંથી તે અહીં ઉતારી છે. — સંપાદક]

મહારાષ્ટ્રમાં હોલાને ‘કવડા’ કહે છે. કવડો પહેલાં માણસ હતો. તેના ઘરમાં તેની સ્ત્રી અને સીતા કરીને એક તેની બહેન હતાં. એક દિવસ તેણે બહેનને અને સ્ત્રીને શેર શેર ડાંગર આપી કહ્યું, મને આના પૌંઆ બનાવી આપો. સ્ત્રીએ ડાંગર ખાંડી એમ ને એમ પતિ આગળ ધરી દીધી. હેતાળ બહેને ડાંગર ખાંડી, સોઈ-ઝાટકી, કુશકા જુદા કરી, ચોખા બરાબર વીણી, ભાઈ માટે પૌંઆ તૈયાર કર્યા. ભાઈએ જોઈ લીધું કે સ્ત્રીના પૌંઆ શેરે શેર છે, અને બહેનના તો બહુ ઓછા છે.

એણે મન સાથે નક્કી કર્યું કે બહેન પાકી સ્વાર્થી ને પેટૂડી છે. સ્ત્રી તો આખરે સ્ત્રી; એને ધણીનું લાગે એટલું બીજાને ક્યાંથી લાગે? ભાઈ ક્રોધે ભરાયો અને શેરિયો ઉપાડી એણે બહેનના કપાળમાં માર્યાે. બહેન બિચારી ત્યાંને ત્યાં જ તરફડીને મરી ગઈ!

થોડી વારે ભાઈ પૌંઆ ખાવા બેઠો. સ્ત્રીએ તૈયાર કરેલા પૌંઆ મોઢામાં નાખ્યા, પણ કુશકાસોતા પૌંઆ ખાધા કેમ જાય? થૂ થૂ કરીને બધા કાઢી નાખ્યા. પછી પેલા બહેનના પૌંઆ ખાવા લાગ્યો. અહા, શી એની મીઠાશ! દુનિયામાં બહેનના હેતની તોલે આવે એવી કઈ વસ્તુ છે? ભાઈએ એક જ કોળિયો ખાધો, અને પશ્ચાત્તાપથી બહેનના શબ પાસે પડી પ્રાણ છોડયા.

ત્યારથી એને હોલાનો જન્મ મળ્યો છે, અને હજી એની પશ્ચાત્તાપ-વાણી ચાલ્યાં કરે છે :

ઊઠ સિતે

કવડા પોર પોર

પોહે ગોડ ગોડ.

“સીતે, (ક્ષમા કર ને) ઊઠ. કવડાએ તો છોકરવાદી કરી. તારા જ પૌંઆ મીઠા હતા, મીઠા હતા.”

‘ઓતરાતી દીવાલો’માંથી આ કિસ્સો વાંચીને હું ઊછળી પડયો હતો. કાઠિયાવાડી લોકસાહિત્યની કોઈ પણ કૃતિને મળતી આવતી અન્ય પ્રદેશોની નાનીમોટી કોઈ પણ વસ્તુ મળતાં, ન વર્ણવી શકાય તેવો આનંદ થતો. પોતાના પ્રિયજનની અણસાર અજાણ્યા ચહેરાઓ ઉપર એકાએક પકડી પાડતાં જે ગુપ્ત આનંદ અનુભવાય છે, તેવા જ પ્રકારનો આ સામ્યદર્શનનો આનંદ મને લોકસાહિત્યના ઇતરપ્રાંતીય પરિચયમાંથી સતત મળતો રહે છે.

મહારાષ્ટ્રી હોલાના ઘુઘવાટ સાથે સંકળાયેલી કવડા-સીતાની વાત સાંભળતાંની વાર જ અમારા ભાઈ હરગોવિંદ પંડયાએ કાઠિયાવાડી તેતર-બોલીમાંથી ઉદ્ભવેલી લોકકથા કહી સંભળાવેલી :

ખેડૂત હતો. નવા પાકના તલ લાવ્યો. વહુને કહે કે, સોઈ રાખો, આજ તો તલ ખાવા છે. રાતે ઘેર જઈ ખાવા બેસતાં તલ ઓછા થયા દીઠા. વહુ કહે, તમારી બેન ખાંડતાં ખાંડતાં બૂકડાવી ગઈ. વગર વિચાર્યે બહેનને મારી નાખી. પછી તલ ભરી જોયા તો બરાબર થયા. બહેનના શબ પાસે બેસી ભાઈ ઢંઢોળવા લાગ્યો :

ઊઠ બેન! ઊઠ બેન!

તલ તેતલા

તલ તેતલા

તલ તેતલા!

ઊઠ બેન, તલ તો તેટલા ને તેટલા જ છે.

બહેન ન ઊઠી. ભાઈ મરીને તેતર સરજાયો. તેતરના અવતારમાં પણ વણજંપ્યો એ બોલ્યા જ કરે છે :

તલ તે ત લા!

તલ તે ત લા!

તલ તે ત લા!

**

ગુંજતો રહેલો ગુરુમંત્ર

1928માં રોયલ એશિયાટિક સોસાયટી(મુંબઈ)ના ગ્રંથાગારમાં પુસ્તકોમાંથી ટાંચણો કરતો હું એક ખૂણાના મેજ પર બેઠો છું. તે વખતે પાંચથી વધુ નહિ હોય તેટલા ગૃહસ્થોની એક ટુકડી દાખલ થઈ. એક મેજ ફરતા તેઓ બેસી ગયા, અને પછી તેમાંથી સ્વચ્છ પારસી પરિધાનધારી એક દાઢિયાળા વૃદ્ધે એક અંગ્રેજી લખાણ વાંચવા માંડયું. મારા કાન ઝબક્યા : વિશય લગ્નગીતોનો. લોકગીતો પર અંગ્રેજી ભાષામાં આપણા કોઈક ગુજરાતી વિદ્વાનો વિવરણ કરી રહ્યા છે, એથી મનમાં છૂપું આત્મગૌરવ કૂદાકૂદ કરી રહ્યું. વંચાતા લેખમાં વક્તાએ એક ગુજરાતી ગીત ટાંક્યું.

ચાલો રે બાયો, ચાલો રે બાયો,

ચાલો રે ગીતડાં ગાયે જી.

બેનના શુભ લગનનાં

ચાલો રે ગીતડાં ગાયે જી રે.

નિબંધ વંચાતો હતો ને મારી રમૂજ વધતી હતી. આવડા બુલંદ પંડિતની પાસે “ચાલો રે બાયો, ચાલો ચાલો” એવી એક કંગાલ કૃતિ સિવાય કોઈ ગુજરાતી લગ્નગીત નહોતું! ત્યારે મારાં સંશોધિત લગ્નગીતોનો ‘ચૂંદડી’ સંગ્રહ બહાર પડી ગયો હતો. મારા કંઠાગ્રે સો જેટલાં ચૂંટેલાં લગ્નગીતો હતાં. પંડિતોના મેજ પર પહોંચી એ ખજાનો બતાવવાની ઉત્સુકતાને મેં માંડમાંડ રોકી રાખી.

પંડિત બનવું એ પળે મને મોહક લાગ્યું. થોડીક સામગ્રી સાંપડે કે તરત તેના પર અંગ્રેજી ભાષામાં લખવું! એ ભાષા ચીંથરાંની ઢીંગલીને પણ પાંડિત્યનો પોશાક પહેરાવી શકે તેવી છે.

**

મારી સૌ પહેલી નાનકડી કૃતિ ‘કુરબાનીની કથાઓ’થી લઈ આજ પર્યંત મારી લેખન પ્રવૃત્તિમાં જેમનો રસ કદી ન્યૂનતાને પામ્યો નથી, એવા મુરબ્બી કૃષ્ણલાલ ઝવેરીને મળવા ગયો હતો મુંબઈમાં. કહે કે, “ઝવેરચંદ, ડો. જીવણજી મોદીનો આ કાગળ છે. એ લખે છે કે સૂરતમાં પોતે હમણાં ગયેલા ત્યાં ગુજરાતી સ્ત્રીઓનાં લગ્નગીતો સાંભળી આવેલ છે ને એ વિશે વધુ જાણવા માગે છે. તું જ જઈને એમને બધું કહી આવ.”

એમની ચિઠ્ઠી લઈને ગયો. પેલા રોયલ એશિયાટિક સોસાયટીના મારા વાચનખંડમાં લગ્નગીતો પર અંગ્રેજી નિબંધ વાંચનારા જે વૃદ્ધ વિદ્વાન હતા તે જ એ ડો. મોદી. એ બુઝુર્ગને મેં લગ્નગીતોના મારા સંગ્રહ ‘ચૂંદડી’ની વાત કહી. પછી ડો. જીવણજીએ, શ્રી ઝવેરીના સારા અભિપ્રાય પર આધાર રાખી મને ક્હયું : “અમારી જૂની સંસ્થા જ્ઞાનપ્રસારક મંડળી છે. એનું છ વ્યાખ્યાનોનું વાર્ષિક સત્ર હોય છે. દરેક વર્ષે જુદા જુદા વ્યાખ્યાતાને નોતરીએ છીએ. વ્યાખ્યાન દીઠ રૂ. 25ની રકમ આપીએ છીએ. આ વર્ષનાં છ વ્યાખ્યાન તું ન આપે?”

આવા પ્રખર વિદ્વાનની સમક્ષ ઊભવાની અશક્તિનું ભાન છતાં, વ્યાખ્યાનો કેમ અપાય તેની ગમ ન હોવા છતાં, કામ કામને શીખવશે એવી આશાથી એ વ્યાખ્યાનશ્રેણી સ્વીકારી લીધેલી. 1929ના ફેબ્રુઆરીથી એપ્રિલના એ મહિના હતા. વસવાટ હતો ભાવનગરમાં. પખવાડિયે અક્કેક એવાં છ વ્યાખ્યાનોનું સત્ર હતું. દર વ્યાખ્યાને ભાવનગરથી મુંબઈ જતો. કાવસજી જહાંગીર હોલમાં શ્રોતાસમૂહ ચિકાર રહેતો. પ્રમુખસ્થાને બેસતા ડો. જીવણજી મોદી.

હું પાર ઊતર્યાે. વિશેષ યાદ આવે છે છેલ્લા વ્યાખ્યાનની સંધ્યા. રણજિતરામ સુવર્ણચંદ્રકનું પહેલવહેલું સન્માન અમદાવાદમાં પામીને મુંબઈ છેલ્લું ભાશણ દેવા ગયો હતો. પોતે કડક હતા, કરડા હતા, સહેલાઈથી પ્રસન્નતા બતાવતા નહિ, શિખાઉ માણસ મલકાઈ-છલકાઈ જાય એવી રીતે વર્તતા નહિ. મારો ચંદર્ક હાથમાં લઈ, પંપાળી પંપાળી સર્વ શ્રોતાસમૂહને એ બતાવીને મને કહ્યું : “આ ચંદ્રકથી તારી જવાબદારી ઘણી બધી વધી જાય છે. સંશોધન કરતો જ રહેજે, મલકાઈ જતો ના.”

સેંકડો ગુજરાતીઓની સાક્ષીએ સ્વીકારેલો એ ગુરુમંત્ર સતત કાનમાં ગુંજતો રહ્યો છે. યથાશક્તિ એનું પાલન કર્યે ગયો છું.

**

જોખમની વચ્ચે જીવવાની મોજ

જ્ઞાનપ્રસારક મંડળીવાળું વ્યાખ્યાન આપવા મુંબઈ જતો હતો. વઢવાણ જંકશનથી એક સ્નેહીનાં પુત્રી અને એમનું ધાવણું બાળક સાથે થયાં. હું ઘરનો જ સથવારો સાંપડયો; સ્નેહીનાં પત્ની નચિંત બન્યાં. કહે, તાર કર્યા છે, જમાઈ સ્ટેશને આવશે.

વળતી સવારે ગ્રાંટરોડ સ્ટેશને ઊતર્યાં. સામે કોઈ આવેલું નહોતું. બહાર નીકળી વિક્ટોરિયા કરી. આઠ જ આનામાં વિક્ટોરિયાવાળો મુસ્લિમ છેક ભીંડીબજાર આવવા તત્પર બન્યો! ગાડી ચાલી. માર્ગ મોટે ભાગે સૂમસામ દેખાય. પણ કંઈ કારણ પૂછવા-જાણવાનું ઓસાણ જ ન ચડયું. મહમ્મદઅલી રોડ પર આવ્યાં, તો પણ પરિસ્થિતિની વિચિત્રતા વિચારમાં ન આવી. વિક્ટોરિયા છેક જુમ્મામસીદ નજીકના બે માળવાળા એક મકાન પર જઈ ઠેરી, ત્યારે નજર પડી કે મકાનનું પ્રવેશદ્વાર બંધ છે, આજુબાજુ બધા માળા બિડાયેલા છે; મસાણ જેવો મામલો છે : માર્ગ પર સૂનકાર છે, અવરજવર નામ નથી; છે ફક્ત સામે ઉઘાડી પડેલી ભોંય ઉપર લજ્જતથી ચૂપચાપ બેઠેલ કાળાં કપડાંવાળા સોએક શખ્સોનું ટોળું.

“કોઈ બોલતું કાં નથી? અરે ખોલો!”

જવાબ નથી જડતો. ગાડી થંભી ઊભી થઈ રહી છે. સ્નેહીનાં પુત્રી ખોળામાં બાળક સાથે હજુ વિક્ટોરિયાની અંદર છે.

મારી નજર મકાનની બારીઓ પર પડી : એ બધી બંધ હતી. નજર ચડતી ચડતી અગાસીએ પહોંચી, ત્યારે દેખાયા ધોતિયાં ને ખમીસભેર ખુલ્લે માથે ઊભેલા મૂંગા હિંદુ મહોલ્લાવાસીઓ. એમાં આ બહેનના પતિને જોયા. કહ્યું : “અરે ઉઘાડો તો ખરા! ....બહેનને લાવ્યો છું.”

જવાબ નથી દેતું કોઈ. મને મૂઢને પણ સમજ પડતી નથી પરિસ્થિતિની. થોડી વાર રહીને એ ભાઈ નીચે આવે છે, બારણું ખોલે છે, પત્નીને ને બાળકને સામાન સહિત ચૂપચાપ અંદર લઈ લે છે, મને કશું કહેવા પણ થોભતા નથી. હું ગાડીવાળાને ભાડું ચૂકવી, મારું બિસ્તર ખભે ભરાવી ચાલતો થાઉં છું. પેલા સોએક શખ્સો તાકતા ચૂપચાપ જ્યાં બેઠા છે, ત્યાંથી જ મારો માર્ગ છે. એમાંનો એક જણ મને ફક્ત એટલું જ પૂછે છે : “કેમ બાબુ, ઉપડાવવું છે બિસ્તર?”

“ના,” કહીને હું મહમ્મદઅલી રોડ પર ચડું છું.

એ જ ક્ષણે એક ભાડૂતી મોટરગાડી ત્યાં નીકળે છે. થોડેક જઈને એ ગાડી ઊભી રહે છે. અંદરથી ડોકું કાઢીને ડ્રાઈવર તદ્દન ધીરા અવાજે મને પૂછે છે : “ક્યાં જવું છે?”

કહ્યું, “ધોબી ગલીમાં.”

“બેસી જાવ ગાડીમાં.”

“કેમ?”

“ખબર નથી? અહીં તો હુલ્લડ ચાલે છે. આ તો હુલ્લડનો અડ્ડો છે. આ બેઠા છે તેને જોતા નથી? હમણાં તમારું કામ કાઢી નાખશે!”

મને સાંભરે છે કે પેલું ટોળું સળવળતું હતું. એ સળવળાટ તુરત શમી ગયો. અજાણ્યો ડ્રાઈવર, મને એકદમ ગાડીની અંદર લઈ ધોબી ગલીમાં ઊતરી ગયો. ત્યાં પણ વેરાન દશા હતી. નીચેના દરવાજા બંધ. ઉપર જોયું. ઊભા હતા મારા પિતરાઈ ભાઈ, મુંબઈના લોકસેવક ડોક્ટર વ્રજલાલ મેઘાણી અને ચાર ખેતાણી ભાઈઓ.

મોટરવાળાને એક રૂપિયો આપતાં આપતાં પૂછયું, “કેવા છો?”

“મુસલમાન.”

એ તો ગયો. માળો ઉઘાડી મિત્રોએ મને ઉપર લીધો, પછી પૂછયું : “જાણતા નથી? હુલ્લડ ચાલે છે!”

કહ્યું કે, “હું તો વગર જાણ્યે છેક મૃત્યુના મોંમાં પગ મેલી આવ્યો. કશી ખબર નથી. ગાડીવાળાની ચૂપકીદીનો મર્મ હવે મને સમજાય છે. પણ એનો શો વાંક! પેલાં બહેનનાં પતિએ પોતાની સગી સ્ત્રી ને બાળકને લેવા ઊતરવામાં તો વિલંબ કર્યાે, પણ લેવા આવીને મને તો શબ્દ સરખોય ઉચ્ચાર્યા વગર ઝપાટાબંધ બારણાં બીડી લીધાં. ને પચાસેક મર્દાે અગાસી પરથી એક હરફ વગર, મને નીચે એકાકી ને અસહાય અવસ્થામાં જોતાં રહ્યા. પેલા ટોળામાંથી એકે પૂછયું કે, બિસ્તર ઉપડાવવું છે! બસ, એ સિવાય કશો સંચાર પણ ન કર્યાે. જરા છેટે જવા દઈ પાછળથી જે કરવું હતું તે કરી નાખત; પણ એક મુસ્લિમ ડ્રાઈવરે મને ઊંચકી લીધો.”

એમ કહેતો ઉપર જઈ જોઉં છું, તો ચારેક જે ઘર હતાં તેમાં સ્ત્રીવર્ગ અને બાળકો હાજર નથી! “એ બધાંને વગેસગે કરી આવીને અમે મરદો જ અંદર રહી રાંધીને ખાઈએ છીએ. આ ગલીમાં હિંદુ ધોબીઓ રહે છે, તેઓ અહીંથી હુલ્લડખોરોને વેગળા રાખી રહેલ છે. પણ તમે કેમ આવ્યા, તે તો કહો!”

“લોકસાહિત્યનું ભાશણ દેવા.”

“અરે, આજ તે કાંઈ ભાશણ હોતું હશે! તમને ખબર નથી આપ્યા એ લોકોએ?”

“ના.”

“પણ બંધ જ રાખ્યું હશે એ તો.”

“મારે મંત્રીને પૂછી આવવું જોઈએ.”

“ક્યાં?”

“ગ્રાંટરોડ પાસે પારસી કોલોનીમાં.”

“શી રીતે જવાશે?”

મેં કહ્યું કે, “જવાશે. મારા ગજવામાં આ છે.” એમ કહીને મેં મારી પરવાનાવાળી રિવોલ્વર કાઢીને યજમાનોને દેખાડી. તુરત સૌના મોં પર એક ચમક ચડી ગઈ, અને મણિભાઈ ખેતાણી મારી સાથે ચાલી નીકળ્યા.

**

“નહિ નહિ, વ્યાખ્યાન તો આજે સાંજે આપવાનું જ છે.” મંત્રીનો એ જવાબ મને ગમ્યો હતો. ખોપરીમાં એક ખુમારી ભરી હતી. જતાં ને વળતાં, પગે ચાલતાં જે સાંકડી ગલીઓ વટાવતા હતા, ત્યાં ત્યાં મારો હાથ છાતીના ડાબા પડખા પર કબજાના અંદરના ભાગની જેબ પર જતો હતો. કેટલો રોમાંચક એ સ્પર્શ હતો! ગિરનાં પરિભ્રમણોમાં મારી સાથે ઘૂમેલી નાનકડી રિવોલ્વરનો એ સ્પર્શ દેહમાં નખશિખ નવલું સ્પંદન જગાવતો હતો.

આજે સમજું છું કે હુલ્લડખોર ટોળાંની વચ્ચે ઘેરાઈ ગયે આ રિવોલ્વર એના માલિકનો જાન બચાવી તો ભાગ્યે જ શકી હોત; છતાં એને હાથમાં લઈને ઘોડો ચાંપતો ચાંપતો છ ગોળીબાર કરી લીધા પછી પટકાવાની એક મોજ પડી હોત; અથવા કદાચ એક દગલબાજ છૂરીના સપાટાએ આ હથિયાર બહાર કાઢવાનોયે સમય ન આપ્યો હોત. તે બધું આજે તો સ્પષ્ટ સમજાય છે. તે દિવસે દિલમાં રંચ માત્ર ફફડાટ ન હતો. મુકાબલાનો મોકો મળતાં કતલખાનાના બકરા પેઠે નહિ જ મરવું પડે, એવો એક મિજાજ મનનાં છિદ્રોને ભરી રહ્યો હતો. તે દિવસની સહચરી રિવોલ્વર આજે છાતીસરસી નથી રહી, છતાં એની યાદ પણ થીજેલા લોહીમાં થોડો અગ્નિરસ સીંચે છે.

વ્યાખ્યાનમાં સ્ત્રીઓ ને પુરુશો બધાં બરાબર આવ્યાં. રાતે વ્યાખ્યાન બરાબર પતાવી, કાઠિયાવાડ મેઈલમાં મુંબઈ છોડયું. તે પછી હુલ્લડ વધુ સળગી ઊઠયું.

**

નિહાળ્યું, તે જીવનમાં ઘટાવ્યું

ડુંગરિયા ગઢકિલ્લાના અવશેશોને યાદ રાખવા માટે મેં કોઈ અફલાતૂન ચિત્રકારની અદાથી ચિત્રો દોરેલાં. ભીમોરાનો ગઢ ચીતર્યાે છે. નિનામાના ગઢને એક નદીકાંઠે ઊભો કર્યાે છે. ઠાંગનાથ મહાદેવની એક દેરીને ડુંગરના પેટાળમાં ધજા સહિત દેખાડી છે. પ્રશ્ન ફક્ત એટલો જ રહે છે કે મેં આલેખેલું એ તે ડુંગરનું પેટાળ છે, કે કોઈ સ્ત્રીનું ઝંટિયે ઝૂલતું માથું છે!

ઠાંગનાથ મંદિરેથી ગામ તરફ લંબાતી જતી એક ધારની ટોચે સિલસિલાબંધ ઊભેલા પથ્થરો ચિત્રમાં બતાવીને ઉપર લખ્યું છે “પોઠિયા”. આકારે પોઠિયા નથી; ધારની ટોચે ટોચે કુદરતે સીધી કાળી શિલાઓ ખોડી દીધી છે. લોકકલ્પનાએ એ પથ્થરની લંગારમાં અન્ન લાદેલ પોઠિયાની વણઝાર કલ્પી. શંભુની આ અન્નપોઠ ક્યાં ચાલી જાય છે? કાળાસર ગામમાં. ગામ ક્ષુધાર્ત હતું. બાર વરસનો દુકાળ પડેલો. ગામધણીએ પોતાના કોઠાર ખોલી છેલ્લા દાણા સુધી વસતીને નભાવી. ભંડાર ખૂટી ગયા. પ્રજાનો પ્રતિપાલ લાજી ઊઠયો. મોં શું બતાવવું? આત્મવિલોપન એ જ એનો આખરી રાજધર્મ હતો.

એણે મહાદેવ સન્મુખ જઈને ખડગ ખેંચ્યું. “હે નાથ! આ લે આ મસ્તક-કમળ.” શંભુએ માકાર કર્યાે. “જા બાપ! ઘોડો ગામ ભણી વહેતો મૂક. પાછળ જોતો નહિ.”

લોકપાલના ઘોડાની પાછળ અન્નની પોઠ ચાલી. અનંત લંગાર ચાલી આવે છે. ગામડું અનાજે ધ્રપધ્રપી ઊઠે છે. બહુ થયું. લોકપાલે પાછળ જોયું : બાકીના પોઠિયા પાખાણ બન્યા. ઊભા છે હજુ, થંભીને ઊભા છે. “પાછળ જોતો નહિ!” એ બોલના પડઘા પડે છે : પાછળ જોતો નહિ! આત્મશ્રદ્ધા હારતો નહિ, હે મર્ત્યલોકના માનવી! પાછળ જોતો નહિ. દૃષ્ટિ માંડજે ભાવિના ધ્રુવતારકે.

લોકવાર્તાની રચના શું આ પ્રાકૃતિક પાશણદૃશ્ય ઉપરથી થઈ હશે? લોકમાનસ કેવા પ્રકારનું વાર્તાકાર છે! જે કાંઈ નિહાળે છે તેને કેવી રીતે જીવનમાં ઘટાવી કાઢે છે! લોકકલ્યાણનાં સ્તોત્રો કેવી ચોટદાર કલામાં ઉતારી આપે છે!

**

અણરુંધ્યો આનંદનો ઝરો

‘દાદાજીની વાતો’ની વાર્તાઓ કહેનાર માણસની મુખાકૃતિ, હાવભાવ, નીચું જોઈને અર્ધમીંચેલી આંખે પ્રવાહબદ્ધ વાર્તા કરવાની બાળ-વૃદ્ધરંજક છટા, વાર્તા કહેતાં કહેતાં પરિપૂર્ણ આત્મવિસ્મૃતિ : એક વાર કહે, બે વાર કહે, ગમે તેટલી વાર કહે — એક શબ્દ પણ ખડે નહિ એવી તો કંઠસ્થ : અવાજ ઊંચોનીચો થાય નહિ, એકધારો સ્વર અનાડંબરી છટાથી વહ્યા કરે. નહિ વચ્ચે કોઈ વ્યસનની આદત, નહિ આડીઅવળી વાત કરવી, નહિ પળનો પણ પોરો. વિક્રમની વાતો, મનસાગરા અને બધસાગરાની વાતો, એ બધી અદ્ભુત રસિક વાતો એ એનું સમગ્ર જગત હતું. સાચી જીવનસ્રુશ્ટિમાં જાણે એ શ્વાસ લેતો નહોતો. ચાય રાણપુરમાં ધોળાંફૂલ વસ્ત્રે મળે, ચાય પાંચાળમાં ચોમાસે ભીંજાયેલો લદબદ લૂગડે ભેટે : અણિયાળીનો જેઠો રાવળ એ-નો એ જ હતો, એકરંગીલો હતો.

એની પાસેથી કરી કાઢેલાં ટૂંકાંટચ ટાંચણમાંની ‘દાદાજીની વાતો’ લખી ને આજે અઢાર-વીસ વર્ષે, છેક જર્જરિત બની ગયેલાં પતાકડાં પર એની પાસેથી ટપકાવેલા મુદ્દાઓને બેસારી બેસારી, હમણાં ‘રંગ છે બારોટ!’ની વાતો લખી પ્રગટ કરી છે. અણિયાળીનો જેઠો રાવળ કાઠીઓનો વહીવંચો હતો. આ લોકકથાઓમાં જે પ્રાસંગિક વર્ણનછટા જુઓ છો તે એની છે.

જેઠા રાવળની જીભથી ટપકતું ગયું તેમ તેમ એ ઝડપ કરીને એક વિચિત્ર વિશ્વવર્ણન ઉતારેલું :

ચૌદચાળો કાછ

નવલખો હાલાર

સાત હજાર ગુજરાત

બાણું લાખ માળવો

નવ સરઠુંના ધણી

નવ ખંડ ધરતી...

પૂછશો કદાચ, કે આવું આવું તને શા ખપમાં આવ્યું? કશા જ નહિ! છતાં હું ટપકાવતો ગયો. લોકવિદ્યાના જાણકારને સંશોધકે કદી બોલતો રોકવો નહિ, એને બોલ્યે જવા જ દેવો. એનું બોલ્યું ઊંચક્યે જવું. એ બધું એનું સેટિંગ છે. એને જે કંઈ કંઠસ્થ છે, તે સમગ્રપણે એક અને અવિભાજ્ય વસ્તુ છે. એનું કથન જો તમે વચ્ચે ક્યાંય તોડી પાડો, તો એ રંગભૂમિના તખ્તા પર પોતાનો પાઠ ભૂલી ગયેલા નટની અવદશાને પામશે. એનું કથન તે તો આનંદનો ઝરો છે. ઝરાને ઝરવા જ દેજો. એના એકના જ નહિ, તમારા સંશોધકના પણ એ શ્રેયનો પ્રશ્ન છે. એના સમગ્ર કથનમાં ઝબકોળાયા વગર સંશોધકના મગજનું વાતાવરણ બંધાશે નહિ. જે કલ્પનાસ્રુશ્ટિમાં એ વાર્તાકાર તમારી નાવને હંકારી જાય, ત્યાં તમે એને ડોંચ્યા વગર જવા દેજો. તમારી જાતને એના વાણીતરંગો પર વહેતી મૂકજો.

જેઠા રાવળનું વાણી-વહેન સાદ્યંત અણરુંધ્યું રાખ્યું, તેને પ્રતાપે જ એને હું સમગ્રતાએ પામી શક્યો. આજે આટલે વર્ષે પણ અમુક કથયિતાઓ સાથેનો મારો કલ્પનાસંપર્ક જીવંત છે; એ મૂએલા છતાં એમના જગતમાં હું શ્વાસ લઈ રહ્યો હોઉં તેટલો ઓતપ્રોત છું, તેનું કારણ એ કે મેં તેમને સમગ્રપણે સ્વીકાર્યા હતા.

**

વાતડાહ્યાઓનો આશીર્વાદ

અકાળા ગયેલો 1927માં. પાછા વળતાં ગામથી સ્ટેશનના બે ગાઉના પંથમાં ખોજા વાલજીભાઈ ઠક્કર ગાડામાં સ્ટેશને આવવા સંગાથી બન્યા. એ એક જ કલાકની વાટમાં, ચારણો પણ પાણી ભરે એવી સોરઠી વાતોથી એમણે મારી ખોઈ છલકાવી દીધી. હીપા ખુમાણની વાત, બહારવટિયા ચાંપરાજવાળાની વાત, મામદ જામ મિંયાણાની વાત. દરેક વાત ઘડીબંધ, કડીબંધ.

સોરઠના વાતડાહ્યા માણસો એક તરફથી નિરર્થક અલંકાર-ઠઠેરા કર્યા વગર, અને બીજી તરફથી સંકલના ચૂક્યા વગર, લોચા વાળ્યા વગર પાસાબંધી ને સંઘેડાઉતાર જે શૈલી કેળવતા હતા તેના નમૂના લેખે, વાલજી ખોજાએ એ દિવસની બળદગાડીમાં સંભળાવેલી કહેણી મને યાદ રહી ગઈ છે.

ધંધે ગામડાના વેપારી, ન્યાતે ખોજા, વયે પચાસેક વર્ષના, મોભાદાર અને અડીખમ આ માણસ કોઈ અપવાદરૂપ નિરાળી પ્રતિભા નહિ, પણ સામાન્યતાના પ્રતિનિધિ હતા.

વાતડાહ્યાપણું એ સૌરાષ્ટ્રનો એક સંસ્કાર છે. જો એ સંસ્કાર આપણામાં મજબૂત ન હોત, તો વડીલ ઘરઆંગણે બેઠો બેઠો પુત્રવધૂઓને કડવો ઝેર લાગત અને બાળકોને ડરકામણો દેખાત. અરધી જિંદગી સુધી જોયેલું-જાણેલું જે સંચિત જ્ઞાન, તેને પહેલદાર વાત-કૌશલ દ્વારા નવી પેઢીને આપતા જવું, એ તો એક આશીર્વાદ છે. વાલજીભાઈ જેવા તો કુટુંબે કુટુંબે હતા. ચોરે ને દાયરે, નદીઓની વેકુરીમાં કે દુકાનોને ઓટે તેઓ બેસતા; નિવૃત્ત વૃદ્ધોને, આજારોને, બેકારોને, જુવાન દીકરા જેના ફાટી પડયા હોય તેવા હતાશ પિતાઓને, એક વાર સંપત્તિની ટોચે ચડીને પછી પટકાઈ પડેલાઓને, સમાજ જેમને ઓવાળામાં કાઢી નાખે છે તેવા સર્વને બાકીની આવરદા જીવવા જેવી કરી આપનાર આ વાતડાહ્યા વાલજી ઠક્કરો જ હતા.

**

વાલજીભાઈ ઠક્કરના જેવું જ મીઠું સ્મરણ દાદાભાઈનું છે. આસોદર ગામના એ આધેડ ચારણ હતા. ખુશામદ આવડે નહિ. બોલવે-ચાલવે ચાવળાઈ નહિ, ભાષામાં અતિરેક નહિ, ખોટા મલાવા નહિ; વાતું યાદ આવતી જાય એમ ઠાવકી ઢબે કહેતા જાય. લુવારિયા ગામમાં પોતાને ઘેર ત્રણ દિવસ સાથે રહ્યા, તેમાં તો ગઢવી દાદાભાઈ સોળે કળાએ ખીલી ઊઠયા. એની કથાઓમાં પ્રધાન ધ્વનિ આ રહ્યો છે : ઘરધણી માણસની ઠંડી તાકાત અને મરદાઈ — ચમરબંધી સામે પણ સામાન્ય જનતાનો પ્રતિનિધિ અન્યાયનો પ્રતિકાર કરતો ઊભો રહે, અને અન્ય સેંકડો મગતરાં માનવીઓની માણસાઈ જાગ્રત કરે. એવો હતો, દાદાભાઈએ વર્ણવેલો આહિર ભીમો ગરણિયો (‘રસધાર’-5). એનું વ્યક્તિત્વ એક અચ્છા નવલિકાકારની અદાથી દાદાભાઈએ નાની એવી વાર્તામાં આલેખી આપ્યું.

આવા શિલ્પીઓને — આ દાદાભાઈ ગઢવીને અને વાલજી ઠક્કરને હું ફરીવાર કેમ ન મળ્યો, તેમને વધુ પિછાન્યા વગર કેમ આ દુનિયામાંથી જવા દીધા, એ વિચારે પસ્તાઉં છું ને જે ગુમાવ્યું તેનો શોચ કરું છું.

**

વાર્તા માંડવાની કલા

વાર્તાઓ હું માંડતો, એની કહેણી મનમાં ગોઠવતો. દાખલા તરીકે, માત્રા વરુ અને જાલમસંગવાળી સોરઠી પ્રેમશૌર્યવંતોની વિલક્ષણ ભાઈબંધીની વાત (‘રસધાર’-1) કહેવી છે. કચ્છ દેશના એક વીરને વર્ણવવો છે. તો એમાં શરૂઆતમાં આવે એ દેશનું કાવ્યવર્ણન : કચ્છના દુહા કહીને વાર્તાની લીલાભૂમિનો ચિતાર ખડો કરવો. કાઠિયાવાડી ને કચ્છી, બેઉ બોલીની ગૂંથણી કરીને એ બેઉ પ્રદેશોને સાંકળતી વાર્તાનો ઉઠાવ કરવો.

એવા કચ્છની એક ઠકરાતનો ઠાકોર ચીંથરેહાલ વેશે, અણઓળખ્યો, કાઠિયાવાડના એક ઠાકોર માત્રા વરુને ડાયરે આવીને ચુપચાપ બેઠો છે. પછી એ કચ્છી પાત્રની નીંદરવિહોણી રાત આવે છે. સૌ ઊંઘે છે, એ જાગે છે. રાતે એ ધ્રૂજતા પુરુશે ઘરની અંદર જઈને શું જોયું? જોઈ એક નારી — પણ કેવી?... ટાંકો સુશીલા સોરઠિયાણીનું દુહાચિત્ર :

લંબવેણી, લજ્જા ઘણી, પોંચે પાતળિયાં;

આછે સાંયે નિપાવિયાં, કો કો કામણિયાં.

આછે (અચ્છે) સાંયે, ભલા ભગવાને, કોઈક કોઈક જ નિપજાવી છે તે પૈકીની એક કામિની.

પીતળ સરખી પીંડિયું, હીંગળા સરીખા હાથ;

નવરો દિનોનાથ (તે દી) પંડ બનાવી પૂતળી.

પ્રવેશ પછી પ્રવેશને આવાં ભાવવ્યંજક સુભાશિતોએ સજાવીને વાર્તા માંડવાની કલા હું તે કાળમાં કેળવતો. સોરઠી મધ્યયુગી જીવનનું જે વાતાવરણ મારે મારી કથાઓમાં સર્જવવાનું હોય, તેની પરિપુશ્ટિ આમ થતી આવેલી.

અને મદભરી સોરઠિયાણીનાં જૂનાં પાત્રોની વર્તમાનમાં થઈ રહેલી અવદશાનો આવો ચિતાર પણ ગામડે ગામડે મળી રહેતો, જેના બળે હું અવાસ્તવની આસમાનીમાંથી ઊગરી ગયો છું :

મોટા માત્રા ગામ : પચાસ હાથ ઊંડો કૂવો, તળિયે વીરડા જેટલું પાણી : કેડયે રાંઢવું બાંધીને એક છોકરી અંદર ઊતરી છે, એ ત્યાં તળિયે ઊભી ઊભી ડોલ ભરે છે. આ ડોલ ઉપરથી સિંચાય છે, કાંઠે પનિહારીનાં બેડાં એ ડોલે ડોલે ભરાય છે. કૂવાને કઠોડો નથી.

કઠોડા વગરના એકાકી કૂવાને તળિયે તબકતા ચાંદરડા જેટલા એ પાણીને, તળીએ ઊભી ઊભી ડોલો ભરી દેતી એ છોકરીને, અને વેદનામૂર્તિ મૂંગી કાઠિયાણીઓને મનના વેરાન વચ્ચે તાદૃશ કરી આપે છે એવું આછુંપાતળું ટાંચણ. અને —

કાઠિયાણી કડય પાતળી, હલકે માથે હેલ્ય;

બરડા હંદી બજારમાં ઢળકતી આવે ઢેલ્ય.

ઓદરથી ઉરે સરસ, નાકનેણનો તાલ;

ગૂઢે વસ્તરે ગોરિયાં, પડ જોવો પંચાળ.

—એવી એવી મેં એકઠી કરેલી કંકુવરણી ભોમકાની સૌંદર્યખ્યાતિનાં ચાંદુડિયાં પાડતો વર્તમાન પાંચાળ નજરે તરે છે.

**

કેટલાં રઝળપાટ, ઉદ્યમ ને સબૂરી!

દુહારૂપ સમશેરોના સંગ્રામોથી સૌરાષ્ટ્રનો કયો મેળો મુક્ત હશે! ગિરનારની શિવરાતનો તો મૂળ મેળો જ ગાંડોતૂર. તેમાં લોકોને વધુ ગાંડાં કરી મૂકનાર બે જણાં : એક કોર મારા વડવાઓના ગામ બગસરાનો લુકમાનભાઈ વોરો, અને બીજી કોર બરડાના બખરલા ગામની અડીખમ મેરાણી.

મેળાને પહેલે જ દિવસે પ્રભાતથી એ બે જણાંના સામસામા કવિતાના સંગ્રામ મંડાય. બેઉને વીંટળાઈ વળીને સેંકડો સોરઠવાસીઓ સામસામા જાણે મોરચા માંડયા હોય તેવાં ગોઠવાઈ જાય. સોય પડે તોય સંભળાય એવાં મૂંગાં, એકધ્યાન, વેણેવેણને ઝીલીઝીલી રસના ઘૂંટડા પીતા એ માનવીયુંના મેળા : અને એની વચ્ચે આ વોરો અને આ મેરાણી ત્રણત્રણ દિવસ સુધી સામસામા દુહા-સોરઠા લલકારે. એ ત્રણ દિવસ ઊંઘ તે કોને આવે? મલ્લા ને મેરાણી તો બેસેય નહિ, ખાય પણ નહિ; ઊભાં ને ઊભાં, પોતપોતાનો પોરો આવે ત્યારે ટોયલી ટોયલી કઢેલું દૂધ પી લ્યે ! અક્કેક દુહો પૂરો થયે મલ્લાને ને મેરાણીને શાબાસી પડકારતાં લોકો રસના ઘૂંટડા પીવે. દેહને ડાંગોને ટેકણે ટેકવ્યા હોય, અને આ મલ્લા-મેરાણીનું મસ્ત જોડલું સોરઠની રસહીન બનતી જતી માનવમેદનીને દુહાકાવ્યના નીચોડ પાતું — ત્રણ ત્રણ દિવસ અને ત્રણ ત્રણ રાત સુધી ઘોળી ઘોળી પાતું — એ વાત મેં વારેવારે સાંભળી છે.

કવિતાના એ સંગ્રામ તો સમશેરોના સંગ્રામ કરતાંયે વધુ કાતિલ. એ બે જણાં એક એકથી ચડિયાતા દુહા વીણીવીણીને છાતીમાં ચોડવા માંડે: સોન-હલામણના, મેહ-ઊજળીના, ઓઢા-હોથલના, વિજાણંદ-શેણીના, માંગડા ભૂતના. ઓહોહો! અખૂટ ભંડાર. વીણીવીણીને કાઢે, સાંભળનારની છાતીયુંમાં બરછીયું ચોડે.

તે બાળ-દિનોમાં કૌતુક હતું, પણ આજે દુહાના મરમ સમજવાની સાન પામ્યે પારખી શકાયું છે કે —

દુહો દસમો વેદ, સમજે તેને સાલે;

વિયાતણની વેણ્ય, વાંઝણી શું જાણે?

**

દુહા તો, નહિ નહિ તોય બસો-ત્રણસો જેટલા મેં લખેલી ‘રસધાર’ અને ‘બહારવટિયા’ની કથાઓ ઉપર પથરાયેલા પડયા હશે. ઉપરાંત, અખંડ વહેતા કવિતા-વહેનની આ દુહાઓ વડે સાંકળેલી સળંગ ધારાવાહી ગીતકથાઓ અલાયદી જ સંઘરાયે જતી હતી.

લોકોની યાદદાસ્ત નબળી પડી છે. જૂના પાવરધા દુહાગીરો મરી ખૂટયા છે. દુહાના સાચા પાઠ શોધવા માટે ભમી ભમીને મેં કૈં કૈં વાતડાહ્યાઓને પંપાળ્યા છે. અનેક પાઠો ભેગા કરી, સાચું સ્વરૂપ કયું હોઈ શકે તે કોમળ હાથે તપાસ્યું છે.

રેલગાડી દોડી જતી હોય, દિવસની કામગીરી પતાવી રાતની મુસાફરી કરતો, સૂવાનું ને પંથ કાપવાનું એમ “એક પંથ દો કાજ” પતાવતો હોઉં. એવી અનેક અધરાતે ટ્રેનના ડબામાં ચડીને લલકાર કરતા ગ્રામ્ય દોસ્તોએ મને મીઠી મીઠી ગીત-સૃષ્ટિમાં જગાડ્યો છે. હળવદના ચીંથરેહાલ ખેડુ ભાઈઓ ભાવનગર ગાડાં ખરીદવા જતા હોય; બરડાનો ચારણ એની ભેંસોના ચરણ માટે ગિરના કોઈ બીડને વેચાતું રાખવા દોડ્યો જતો હોય; એ સૂવે શી રીતે? કયે સુખે એને નીંદર આવે? ફાટેલા કેડીઆના ગજવામાં સંતાડીને દબાવી રાખેલી, લોહી સાટે રળેલી એની ખરચી રખેને કોઈ અંતરિયાળ કાતરી જાય! - આ બીકે એ ઉજાગરા ખેંચે, અને ગળામાંથી દુહા-સોરઠા ખેંચે.

હું જાગીને છેટે બેઠો બેઠો વેણ પકડવા મથું. નોટ કાઢીને શબ્દો ટપકાવવા માંડું. ગાનારની આંખો ત્રાંસી થાય — નોટબુકમાં પેનસિલ ફરી રહી છે, પોતાની વિરુદ્ધ કાંઈક ભેદી ટાંચણ થઈ રહ્યું છે! એ અટકી જાય. ગરજ રહી મારે, એટલે એની પાસે જવું, એનો અંદેશો દૂર કરવો; એ મશ્કરી સમજીને સંકોડાઈ જાય, એટલે મારી સચ્ચાઈની ખાતરી આપવી; એની સ્મૃતિને હુલાવવી. એ કહેશે, “અરે બાપા! આ તો અજડવાણી, આ અમારાં અભણનાં ગાંડાંઘેલાં, તમને સુધરેલાંને આમાં શો રસ?” ઘણું ઘણું કહીએ, પણ એ ઠેકડી જ માને. બીતો ને સંકોડાતો બોલે, વળી શબ્દો ભૂલી જાય. ફરી ફરી ઉથલાવે, યાદ ન આવે એટલે ઊંડો નિશ્વાસ નાખીને કહે કે, “ભાઈ! હવે તો હૈયું ફૂટી ગયું; હતા તો સો સો દુહા જીભને ટેરવે, પણ હવે છાતીયું ફૂટી ગઈ!...”

“પોરસાના દુહા ને! ઓહો, ગઢડામાં ફલાણા ભાઈને પોરસાની વાતના પચાસ દુહા કડેડાટ મોઢે છે; માંગડાના તો નહિ નહિ ને સો દુહા ફલાણા ગામના ફલાણા તુરીને આવડે છે; અરે, વળાના થડમાં ફલાણા ગામનો ચારણ ગામેતી તો તમારે દુહાનો ભંડાર! જઈને માંડો માંડવા : તમારી પાંચ ચોપડીયું ભરાય.” — આવી અનેક લાલચોથી લલચાઈ, ખરે ઉનાળે તરસે તલખતા હરણ જેવો હું, વાહન મળે નહિ તો પગપાળો, બતાવેલા ગામડે પહોંચું. જ્યાં ઢગલેઢગલા કલ્પાયા હોય, ત્યાં ચપટી પણ ન જડે. પછી સામેથી આપણે ગાવાનું આદરીએ, ત્યારે એ અડબંગ સ્મૃતિને પાનો ચડે. શબ્દોની ઢગઢગ માટીમાંથી એકાદ સરસ પંક્તિ, એકાદ સાચો બોલ, મૂળ દુહાના વિકૃત સ્વરૂપને મટાડી અસલનો રમ્ય આકાર પ્રગટાવનાર એકાદ શુદ્ધિ તો નીકળી જ આવે :

સૌ રોતો સંસાર સૌ સૌને સ્વારથે;

ભૂત રૂવે ભેંકાર, લોચનીએ લોહી ઝરે!

આ માંગડા ભૂતની કથાનો દુહો : તદ્દન અર્થહીન ને ભાવહીન, કારણ કે વિકૃત. એમાં એક જ ભૂલ સુધરાઈ ગઈ :

સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે;

(પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનીએ લોહી ઝરે!

ઓહો! આ તો પાણી ટપકાવતા માનવ-રુદન અને ભૂતના ભયંકર લોહીઝરતા રુદનનો મુકાબલો! આંધળાને આંખો આવે, તેમ દુહામાં અર્થની સંગતિ આવી; વિરોધમાંથી નિશ્પન્ન થતી વેદના, રચનાનો મરોડ વગેરે આવી ગયાં. આવાં દૃશ્ટાંતોનો પાર નથી. એ બધી સ્વચ્છતા, સુડોલતા, અને અસલ સ્વરૂપની નમણાઈ આણવાનું કામ કેટલી કેટલી સબૂરી, કેટલાં ઉદ્યમ, રઝળપાટ અને કળવકળ માગી લ્યે છે!

**

દુ:ખનાં કૂંડાં પી જઈને —

પાંચાળના પાલરવ ગઢવી પરજિયા ચારણ હતા. (પરજિયા એ ચારણની શાખા છે. પશુધારી, સોદાગરી કરનાર, મોટે ભાગે અકવિ, રાજદરબારે ન ડોકાનારા, દાન ભીખવા ન ભટકનારા, પરપ્રશંસાના ત્યાગી, અજાચી ચારણ.) 1926 કે ’27માં પ્રથમ ભેટયા ત્યારે જ એ 60-65 વર્ષના હતા. દૂબળા-પાતળા, દાઢીના શ્વેત કાતરા, ઝીણી આંખો, સફેદ કપડાં, ઝાડને ગુંદર ઝરે તેમ આંખોમાંથી ઝીણાં જળ ટપકે.

કહ્યું કે, “પાલરવ ગઢવી! તમે પોતે જ ‘શામળાના દુહા’ રચનાર પાલરવ?”

“અરે બાપા! કહ્યા છે શામળાના દુહા. આ જોવોને બાપા! ઈ તો એમ ભણ્યું બાપા, કે—

ભગવંત ભલા જોગ, (કે’નાય) ભૂંડામાં ભગવંત નૈ;

(પોતાનાં) સુ-કરતાંનો સંજોગ પ્રાપેવુ પાલો ભણે.

ભગવાન તો ભલું જ કરનાર છે. કોઈના બૂરામાં ભગવાન નથી. અને પોતપોતાનાં સુકૃત્યને યોગ્ય જ સૌને પ્રાપ્તિ થાય છે, એમ પાલો (પાલરવ) કહે છે.

એમ પ્રારંભ કરીને આ બુઢ્ઢા પાલરવે, હાથમાં નાનકડી સૂડી હતી તે ઘુમાવતાં ઘુમાવતાં, પાસાબંધી કેડિયાની ચૂડીદાર બાંયોમાં ચપોચપ પાતળિયા હાથે અભિનય કરતે કરતે, ઈશ્વરને સાક્ષાત્ લાડ લડાવતા હોય તેવી ચેશ્ટા કરતે કરતે, શામળાના દુહા અર્થાત્ ઈશ્વરને સંબોધેલાં કડીબંધ દુહા-સુભાશિતો ચાલુ કર્યાં.

વાગ્યાની તમને વગત ઝાંઝર કીડીનાં જે,

દૈવ! ધાઉં દેતે સુણતા નથી, શામળા!

પછી અર્થ કરે : કહ્યું એમ બાપુ, કે હે દૈવ! હે શામળા! તમને તો કીડીના પગનાં ઝાંઝર વગડે તેની પણ ખબર પડે છે, તો પછી મારા પોકારને શું તમે સાંભળી શકતા નથી?

હડસેલા હજાર પેટ સારુ ખાવા પડે;

દિયો તો અન્નદાતાર, સૂઝે ભગતી શામળા!

મને હરીન ચટ્ટોપાધ્યાયનું પદ યાદ આવે છે : “બિન ભોજનકે ભગવાન કહાં!”

અને પાલરવ જેવો એક કંગાલ, નિરાધાર વૃદ્ધ, કોઈક ઠાકોર કે ગરઢેરાની થોડીએક પ્રશસ્તિ કરવી પડી હશે તેની પણ ઈશ્વર સમક્ષ તોબાહ પુકારે છે :

મોઢે માનવીયું તણા ગાયા મેં તો ગણ,

પરભુ! કરશો પણ શી ગત મારી શામળા!

પ્રભુના પોતે કેવા ગુના કર્યા હશે—

અનીતિ અતપાત અવડી શું કીધેલ અમે?

(કે) મટે નૈ માબાપ! સંતાપ દલનો શામળા!

એવી કઈ અનીતિ અમે કરી છે કે આ દિલનો સંતાપ મટતો નથી?

કર્યાં હોય (તો) કે’ને ગોપીવર, ગના;

મારી લે માધા! સો સો જૂતી શામળા!

મારા જે કોઈ ગુના હોય તે માટે સો સો જૂતીઓ મને મારી લે, ને પછી હે શામળા!

ભીલડીનાં જમ્યાં ભાળું જૂઠાં બોર જકે,

ઈ લટકું આણ્યે સેવક માથે શામળા!

શબરીનાં બોર જમવા ટાણે જેવું પ્રેમનું લટકું કર્યું હતું, તેવું લટકું — તેવું હેત મારા પર હવે આણો, શામળા!

ઠપકાના, મહેણાંના, કાકલૂદીના, લાડના, ફોસલામણીના એવા કેટલાય ‘શામળાના દુહા’ કહી જનાર પાલરવ છેલ્લે ભેટેલા 1939-40માં. માળખું જ રહ્યું હતું હાડકાંનું. આવીને લજવાતા બેઠા હતા બાંકડા ઉપર. જઈને ઉમળકાથી મળ્યો ત્યાં તો એક જ પલકમાં, હાડકાંના માળખામાં કોણ જાણે ક્યાંયે લપાઈ રહેલો જીવ જાણે કે પોતાના જ કલેવરનું વર્ણન ટહૂકી ઊઠયો :

બે-ત્રે વીસું બરડવાં, (માંય) સો-બસો સાંધા;

માંહે પોલ, માધા! એમાં સાસ ક્યાં રે’ શામળા!

હે માધવ! આ શરીરમાં ચાલીસ કે સાઠ નકૂચા છે, સો-બસો સાંધા છે; અંદર સર્વત્ર પોલું છે, તો એમાં શ્વાસ ક્યાં રહેતો હશે?

આવું એ પોલું માળખું પોતાની અંદર છુપાઈ રહેલા શ્વાસનો પરિચય ચાર-પાંચ વાર કરાવી ગયું. એ તો મૂંગા દુ:ખની ગૌરવભરી મૂર્તિ હતી. એણે કોઈ દિવસ સંતાપની વાત કરી નથી. એકવાર એનાં કુટુંબીજનો વિશે પૂછતાં જવાબ મળેલો કે, “ઘણાંય હતાં, બાપા; પણ આજ હું વિના કોઈ ન મળે. આ હાથે તો, બાપા! મેં તેર તેર મડદાં બાળ્યાં છે.”

વધુ પ્રશ્ન કરવાની હિંમત નહોતી. દુ:ખોનાં કૂંડાંનાં કૂંડાં (કટોરા નહિ — કૂંડાં!) પી જઈને પાલરવ કવિતાના ઓડકાર કાઢતો હતો, એટલું જ યાદ છે. દૂબળડે હાથે નાનકડી સૂડી ઉલાળતો ઉલાળતો લહેકાદાર વાતો કરતો, એનું ચિત્ર હજુય દિલ પર અણીશુદ્ધ છે. અરે, મારી કને આવેલી એકાદ વાર્તા વિશે પૂછતાં એણે જે બે-ત્રણ નવાં વાક્યોની નકસી કરી આપી, તે પણ વાર્તામાં મેં ગોઠવી દીધી છે. ‘અણનમ માથાં’ (‘રસધાર’-4)માં અગિયાર મિત્રો પોતાના ગામ-ગૌરવ માટે મ્લેચ્છોની મોટી ફોજ સામે લડતાં લડતાં, શાહી સૈન્યની બંદૂક-ગોળીઓ વડે વિંધાઈને કેવા બની ગયેલા? — “નવરાતના ગરબા જેવા!” એ ઉપમા પાલરવે પૂરી પાડેલ. બારમો તેજરવ, ગામતરે ગયેલો ત્યાંથી મોડો આવ્યો અને અગિયારે ભાઈબંધોની ચિતામાં ઝંપલાવવા દોડયો. માણસોએ એને રોક્યો, ત્યારે એણે શો જવાબ દીધો? બારેએ સાથે જ જીવવા-મરવાનાં લીધેલ વ્રતને યાદ આપીને એણે કહ્યું કે, “એ ભાઈ! તે દી છોડીયું છબે નો’તી રમી, પણ મરદુંએ મોતનાં કાંડાં બાંધ્યાં’તાં!” એ પાલરવનો વાક્યપ્રયોગ!

પાંચેક વર્ષથી ડોકાયા નથી. હવે તો આશા પણ નથી. છેલ્લા મેળાપને ટાણે જ શ્વાસ કેવળ છાતીને વળગી રહ્યો હતો.

**

આશા અને આસ્થાના બોલ

ખાનખાનાન નવાબ નામના મોટા અમીર અકબરશાહને રાજદરબારે શોભતા હતા. દાનેશ્વરી હતા. પણ દાન દેતાં દેતાં શરમાતા. કવિ પ્રશ્ન લખી મોકલે છે :

સીખે કહાં નબાબ જી, એસી દેતે દેન?

જ્યું જ્યું કર ઊંચે કરો, ત્યું ત્યું નીચે નેન.

હે નવાબ ખાનખાનાન! આવું દાન દેવાનું ક્યાંથી શીખ્યા, કે જેમ જેમ હાથ ઊંચો કરો છો તેમ તેમ નેણાં નીચાં ઢળે છે?

ખાનખાનાન પણ કવિ હતા; તે જવાબ મોકલે છે :

દેને વાલા ઓર હે, ભેજત સો દિનરેન;

લોક ભરમ હમ પે ધરે, તાતે નીચે નેન.

હે કવિ! દેવાવાળો તો કોઈક બીજો (અલ્લાહ) છે. દિવસરાત મોકલે છે તો એ. પણ લોકો એનો ભ્રમ મારા પર આરોપે છે (કે હું આ દઉં છું), તેથી લજ્જા પામીને મારાં નેણ નીચાં ઢળે છે.

અકબર-દરબારના “રત્ન” ગણાતા એ નેકપાક શાહિર-સેનાપતિ ખાનખાનાન પર સ્વર્ગસ્થ મહારાણા પ્રતાપસિંહના પુત્ર રાણા અમરસિંહે, મુગલ સામ્રાજ્યનાં પીડનોથી તોબાહ પુકારતા બે દુહા મોકલેલા :

કમધજ હાડા કુરમ્મા મહલાં મોહ કરન્તા;

કહજ્યો ખાનખાનાન મેં બનચર હુવા ફિરન્ત.

રાઠોડો, હાડાઓ ને કચ્છવાહા ક્ષત્રી રાજવીઓ તો અકબર-સામ્રાજ્યને શરણે થઈ જઈને મહેલોમાં મોજ કરે છે; એક હું જ વનનું વનચર બનીને ભટકું છું.

ચહવાણાં દલ્લી ગઈ, રાઠોડાં કનવજ્જ;

કહજ્યો ખાનખાનાનને, એ દન દીધે અજ્જ.

ચહુવાણોની દિલ્લી ગઈ, રાઠોડોનું કનોજ ગયું, એ જ દિવસ મારા મેવાડનો પણ આજે દીસે છે.

તેના જવાબમાં ખાનખાનાન ભાવિની વાણીથી ભરેલો દુહો મોકલે છે :

ધર રહસી, રહસી ધરમ્મ, ખપ જાસી ખુરસાણ;

અમર! વિશંભર ઉપરે રાખ નહચ્ચો રાણ!

ધરા રહેશે, ધર્મ રહેશે, ખોરાસાનીઓ (પરદેશી પીડકો) ખપી જશે. હે અમરસિંહ! વિશ્વંભર પર વિશ્વાસ રાખજે.

**

“ધર રહસી, રહસી ધરમ્મ....” એ શબ્દો ચારણમિત્ર ગગુભાઈ નીલાના કંઠેથી જ્યારે ઊઠયા, ત્યારવેળા તેમના મોં પર ખાનખાનાનનું આત્મસંવેદન ઝલક મારતું હતું. આ ત્રણ દુહા ઉચ્ચારતી વેળા એ ગગુભાઈની પાસે નરી પ્રાર્થના, નરી આરજૂ, નરી આપદા જ છવાઈ રહેતી. આંખોમાં જળના ટશીઆ આવતા. “અમર! વિશંભર ઉપરે રાખ નહચ્ચો રાણ!” — આશા અને આસ્થાના શા એ બોલ હતા! થોડાક જ બોલ — પણ ચારણના બોલ, વલોવાઈ જતા એક મુસ્લિમના હૈયા-બોલ.

**

અનાડીના અંતર સુધી પાંગરેલી

“મને દુહા ઘણા હૈયે છે, ભાઈ!” આમ કહેનાર તરફ હોઠ હાંસી રમ્યા હતા. 1929માં એ જુવાન ‘સૌરાષ્ટ્ર’ છાપખાનાનો કારીગર હતો. અનાડી લેખે એની નામના હતી. વા સાથે બાઝવા ઊઠતો. એને કોઈ ગણતી નહોતી. એનામાં કોઈ સાહિત્ય હોઈ શકે ખરું? છતાં આવીને આપમેળે કહે કે, દુહા આવડે છે, લ્યો લખાવું.

“આ લે,” કહીને નોટ જ આપી; “તું જ લખીને લાવ.” લખીને લાવ્યો હતો :

રાણા પ્રતાપ

અકબર ઘોર અંધાર, ઉંઘાણા હિંદુ અવર;

જાગે જગદાતાર, પહોરે રાણા પ્રતાપસિંહ.

‘બિડદ-છહુંતરી’ના જે છોંતેર દુહા ચારણ કવિ દુરશા આઢાએ સોનાના સાચા સિક્કા સરીખા કરીને પાંચસો વર્ષ પૂર્વે આપ્યા, તેમાંના આઠેકની રચાએલી એ બિરદાવલિ રાજસ્થાનેથી પાંગરી ક્યાં જતી ફેલાઈ! — એક અડબૂત મોલેસલામ પણ જાણે!

પછી તો સોરઠી બોલીની સગી બહેન જેવી કચ્છી બોલીમાં એણે પ્રેમકથાઓના દુહા ટપકાવ્યા છે : ઓઢો કેર, લાખો ફુલાણી, હમીર સુમરો : પણ પંક્તિઓ ને ચરણો અસ્તવ્યસ્ત છે. ખેર, એ અનાડી મુસ્લિમ યુવાનના હૃદયમાં વસેલી કવિતાએ મારી પોથીમાં વિસામો મેળવ્યો.

**

અનાડીના અંતર સુધી પાંગરેલી

“મને દુહા ઘણા હૈયે છે, ભાઈ!” આમ કહેનાર તરફ હોઠ હાંસી રમ્યા હતા. 1929માં એ જુવાન ‘સૌરાષ્ટ્ર’ છાપખાનાનો કારીગર હતો. અનાડી લેખે એની નામના હતી. વા સાથે બાઝવા ઊઠતો. એને કોઈ ગણતી નહોતી. એનામાં કોઈ સાહિત્ય હોઈ શકે ખરું? છતાં આવીને આપમેળે કહે કે, દુહા આવડે છે, લ્યો લખાવું.

“આ લે,” કહીને નોટ જ આપી; “તું જ લખીને લાવ.” લખીને લાવ્યો હતો :

રાણા પ્રતાપ

અકબર ઘોર અંધાર, ઉંઘાણા હિંદુ અવર;

જાગે જગદાતાર, પહોરે રાણા પ્રતાપસિંહ.

‘બિડદ-છહુંતરી’ના જે છોંતેર દુહા ચારણ કવિ દુરશા આઢાએ સોનાના સાચા સિક્કા સરીખા કરીને પાંચસો વર્ષ પૂર્વે આપ્યા, તેમાંના આઠેકની રચાએલી એ બિરદાવલિ રાજસ્થાનેથી પાંગરી ક્યાં જતી ફેલાઈ! — એક અડબૂત મોલેસલામ પણ જાણે!

પછી તો સોરઠી બોલીની સગી બહેન જેવી કચ્છી બોલીમાં એણે પ્રેમકથાઓના દુહા ટપકાવ્યા છે : ઓઢો કેર, લાખો ફુલાણી, હમીર સુમરો : પણ પંક્તિઓ ને ચરણો અસ્તવ્યસ્ત છે. ખેર, એ અનાડી મુસ્લિમ યુવાનના હૃદયમાં વસેલી કવિતાએ મારી પોથીમાં વિસામો મેળવ્યો.

**

પાંચાળ-પુત્રીઓની પિછાન

ફૂલમાળ : પાંચાળની કાઠી ઘોડી. એ પાંચાળ-પુત્રીઓની પિછાન વગર લોકસાહિત્યનો પટ ખેડાય નહિ.

પ્રતાપ રાણાનો ચિતોડિયો ચેતક ઇતિહાસ-પાને ઉજ્જ્વળ છે. સોરઠમાં વોંકળે વોંકળે ચેતક-જનેતાઓના મૂંગા કીર્તિલેખ લોકમુખે ઊભા છે.

ભીમોરાની લડાઈ વખતે જસદણનો શેલો ખાચર મરાઠા બાબારાવની ફોજ લઈને આવેલો છે. નાજો ખાચર, ભીમોરાના ગઢની અંદર આઠ દિવસ અન્નજળ વગરના ખેંચ્યા પછી, કેસરિયાંની છેલ્લી પળે પોતાની કેસર જાતની ઘોડીઓને ગૂડવાનો હુકમ આપે છે. આઠને ગૂડી નાખી. એક નવમી વધ કરવા ટાણે હણહણે છે. નાજા ખાચરે કહ્યું કે “બસ, એનો જીવ મોળો પડયો છે. દુશ્મન પાસે જવા એ રાજી છે. સરક-કોટિયું ગળે વીંટીને છોડી દ્યો.”

**

મારોય નાનકડો અનુભવ કહું. 1928ના રેલસંકટમાં સૌરાષ્ટ્ર સેવા સમિતિ તરફથી મદદ વહેંચવા મને આ પાંચાળ સોંપાયો. કામ પૂરું કરીને રેશમીએથી ઘોડી લઈ ચોટીલે ટ્રેન પકડવા ચાલ્યા. ખબર હતી કે ચોમાસે પાંચાળની ભોંયમાં “ફોડાં” પડી જાય છે. આ ફોડાં દગલબાજ હોય છે. ઉપરથી ધરતી સૂકી હોય, પણ અંદર પગ દીધે પૃથ્વીમાં ગારદ બનાય છે. ચેતજો!

પણ રાંગમાં જ્યારે તેજીલી ઘોડી હોય છે ત્યારે માણસની — તેમાંય પાછી જુવાન માણસની — આંખ્યું ઓડે જાય છે. પાંચાળના રેલમછેલા લીલા ડુંગરા, રાંગમાં પહાડ જેવડી કદાવર અને પાણીના રેલા જેવી તરવરતી ઘોડી, જુવાનીનો મદ, મીઠી ફોરમ છાંટતી ધરતી, અને રંગે રમાડતું આકાશ : એમાં ભાન ન રહ્યું. ઘોડીને પણ મારગ સોપારી રડતી જાય તેવો ટાકરીઓ લાગતો હતો. એકાએક એક ઠેકાણે ઘોડીને જાણે ધરતીએ ગળવા માંડી. ભાન આવે તે પૂર્વે તો ઘોડી સાથળ સુધી ભોંમાં ઊતરી ગઈ. પાછળ આવતા ઘોડેસવાર સાથીને મેં બૂમ પાડી : “હરિભાઈ, મૂવા! તમે દૂર રહેજો! ફોડું!”

સાંભળેલું કે આ ફોડાં પલઘડીમાં જ માણસને ગળી જાય છે, ને માથે થોડી વાર ફક્ત બડબડીઆં જ બોલીને ખેલ ખલાસ થાય છે; કોઈ નિશાની પણ રહેતી નથી. મેં મારો ખેલ ખલાસ માન્યો. પણ એ તો પાંચાળી કાઠી-ઘોડલીનું જ ગજું કે સાથળ લગી ખૂત્યા પછીય પાછી બહાર નીકળે! મને નવો અવતાર આપનાર એ પાંચાળની ઘોડી હતી. ને એને ગળે પડતી મારા પંજાની થબડાટીનો પોતાની બંકી ગરદન વડે જ મૂંગો પ્રત્યુપકારભાવ પ્રગટ કરતી, કાનસોરીના ડાબાજમણા ઘૂમટા કાઢયે જતી એ ઘોડી પણ આજ હૃદયને ખીલે બાંધેલ છે.

ઘોડાંનાયે શીલ હતાં. ઓલાદનું ઓઢણું હતું. એની વચ્ચે જીવનારા માનવીનેયે શીલ પ્રાણ સાટે હતાં. એ માનવી નહોતાં પ્રાચીન, નહોતાં પ્રાગૈતિહાસિક, નહોતાં મધ્યયુગી. એ તો જીવતાં અર્વાચીનતાને ટીંબે.

*****