વેવિશાળ - 14 Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વેવિશાળ - 14

વેવિશાળ

ઝવેરચંદ મેઘાણી

૧૪. બંગલી પરની વાતો

“તમે ઘેર જાવ, હું હમણાં જરા બજારે જઈને આવું છું,” એમ કહી એ છૂટા પડ્યા. એ વખતે સુખલાલના પિતાનો હાથ એના ડગલાના ગજવામાં હતો. ત્યાં પડેલી એક નાની એવી ચીજ એને એક જરૂરી કામની યાદ આપતી હતી. એણે સુશીલાના ઘરનો રસ્તો લીઘો.

ટ્રામો, બસો અને ગાડીઓના માર્ગમાં આ ગામડિયો અટવાતો, વિચારગ્રસ્ત બનતો, મોટરનાં ઘોઘરાં ભૂંગળાંથી ચમકતો, ટ્રામોની ઘંટડી પ્રત્યે છેલ્લી પળ સુધી બેધ્યાન રહીને તોબાહ બનેલા કન્ડક્ટરોની રોષ-ભ્રૂકુટિ વડે ભોંકાતો, “અરે તુમ ઈન્સાન હૈ કિ ગ…” એવો ઠપકો સાંભળીને મનમાં એ ઠપકાનો બાકી રહી જતો છેલ્લો અક્ષર ‘ધા’ પૂરો કરી લેતો, એ માર્ગ કાપતો હતો. પણ એને ખરેખરો ઓળખ્યો પાલનપુરી વિકટોરિયાવાળાએ! એ ચતુર લોકોએ પોતાની આગળ ચાલતા આ ગામડિયાની સૌથી આગળ પડતી એંધાણી પારખીને ટપાર્યો: “હટ, એઈ ખાસડિયા!”

સાચે જ સુખલાલના પિતાના પગમાં થોડી વાર ઓખાઈ જોડા પહેરાયેલા જેવા નહોતા લાગતા, પણ જુવાન પુત્રોની પાછળ ઘસડાતાં બુઢ્ઢાં માતપિતાની પેઠે પરાણે પરાણે ઘસડાયે જતા લાગતા હતા.

ગમે તેમ પણ ટ્રામનો એક આનો બચાવ્યાનો માનસિક ગર્વ અનુભવતો પિતા વેવાઈ-ઘરને દાદરે ચડ્યો. લિફ્ટ હતી, લિફ્ટવાળો પણ હતો. આવે ખાસડે લિફ્ટને બગાડવા જતાં ગામડિયાને શરમ આવી. દાદર એને અજાણ્યાને વધુ આત્મીય ભાસ્યો.

પહેલાં જ ખંડમાં રસોડા પાસે બે જણીઓ, ભાભુ ને ભત્રીજી, બેઠી બેઠી લીલા વટાણા ફોલતી હતી. તેમણે મહેમાનને જોયા ને ઓળખ્યા. સુશીલાએ સાડીનો છેડો આગળ કર્યો, પણ એ ઘૂમટો નહોતો; ફક્ત મોં ઢંકાય એવો એક બાજુનો પડદો કરીને એણે સાડી સરખી ગોઠવી. સાડીની કિનારમાં આલેખેલા મોરલા એના ગાલના ગલ જોતા જોતા ઝૂલી રહ્યા.

ભાભુએ ઊભાં થઈને આદર આપ્યો: “પધારો! પધારો, કાકા! આમ તે કાંઈ થતું હશે! બચાડા જીવ તમારા વેવાઈએ કેટલી વાર…”

એ શબ્દોમાં નરદમ જૂઠાણું હતું. એ જૂઠાણું ઘણાંય સત્યો કરતાં વધુ પવિત્ર હતું. એ જૂઠાણું પૂરું થયા પૂર્વે તો ભાભુએ ત્યાં પડેલા સોફા પરથી કપડાં ને કૂંચીઓ ઉપાડી લઈ વેવાઈને બેસાર્યા.

પેલું જૂઠાણું અરધેથી પડતું મૂકીને ભાભુએ ઝટ ઝટ કહ્યું: “અમારે સુશીલા બચાડી જીવ કેટલી કોચવાયા જ કરે છે કે કેમ નહીં આવ્યા હોય એના સસરા? કેમ નહીં આવ્યા હોય? ક્યાં ગયા હશે?”

આટલું બોલાતું હતું તે દરમિયાન સુશીલા આસ્તેથી ઊઠીને બીજા ખંડમાં સરી ગઈ ને ત્યાં ઊભી ઊભી સાંભળી રહી.

સુખલાલના પિતાએ પાઘડી ઉતારીને ખોળામાં મૂકી, પસીનો લૂછતે લૂછતે ગોટા વાળ્યા: “અરે બેન, બધાં સગાં આવીને વળગી જ પડ્યાં ને! મને ઘણુંય થયું કે બીજું કાંઈ નહીં, પણ એક વાર આંટો જઈ આવું, ને આ તો પાછું આપી આવું.”

એટલું કહેતે કહેતે છેક ઇસ્પિતાલથી ખીસામાં ને ખીસામાં રહેલો એનો જમણો હાથ ખીસામાંથી બહાર નીકળ્યો. એમાં મોતીજડિત બજરની દાબડી હતી—જે દાબડી તે રાત્રીએ સુશીલાએ સસરાને ઇસ્પિતાલે મોકલી હતી.

“ચાય તોય જોખમ કહેવાય ને, બાપા! સાચાં મોતી જડેલાં છે. શું કરું? ગૂંજામાં ને ગૂંજામાં રાખતો’તો.” એમ કહેતે કહેતે એણે દાબડી પોતાના ખેસ વતી લૂછી કરીને નીચે ધરી દીધી.

“અરે, બચાડા જીવ!” ભાભુએ મરકતે મોંયે કહ્યું, “જો તો ખરી, બાઈ! કેવાં માણસ! ડાબલી પોંચાડવા જ આવ્યા—બાકી કાંઈ સંબંધ જ કેમ ન હોય જાણે!”

“ના એમ તે કાંઈ હોય? કહેતાં જીભ કપાય ને!”

“સુખલાલને કેમ છે? આંહીં કેટલી ચિંતા થાય! કાલ અમે ઈસ્પિતાલે ગયાં તે કેટલો ધ્રાસકો પડ્યો? સુશીલા તો સૂનમૂન બની ગઈ. આમ તે કાંઈ હોતું હશે? માણસ ખરખબર તો આપે ને!”

“ના, પેઢી માથે ટેલિફોન તો જોડાવ્યો’તો; પણ મને કાંઈ બોલતાં આવડે નૈ, ને સામેનો બોલનાર મારું કાંઈ સમજે નૈ, એટલે પછી સામેથી કોઈકે સમજ્યા વગર કહ્યું કે, આવા લપલપિયા કેટલાક હાલ્યા આવો છો? માળું હું તો, વેવાણ, હસી હસીને ઢગલો થઈ ગયો. ટેલિફોનમાં માણસ સામા માણસને ઓળખ્યા-પારખ્યા વગર ગાળ્યુંય દઈ શકે! કહ્યું કે હવે નાહક ટેલિફોન ન બગાડ્યા કરવો; હું પંડ્યે જ જઈ આવીશ.”

“પણ સુખલાલને કેમ છે?”

“તમારા પુન્ય પરતાપે પૂરો આરામ છે. હમણે જ ઈસ્પિતાલ જઈ આવ્યા. દાગતર તો કહે કે રોગ નામ નથી; પણ ઓલી એક નરસ હતી ને, ભાળ્યું, એણે અમને કોણ જાણે કેમ પણ છેવટ સુધી ભડકાવ્યે જ રાખ્યા!”

સુશીલાને એક તરફથી આ વાતો તરફ કાન માંડવાના હતા, બીજી બાજુ અગાશી પરની બંગલીમાં પણ સાંભળ્યા વગર ન રહી શકાય તેવી વાતો ચાલતી હતી. સુશીલાને ખબર નહોતી કે પોતે નાહવા બેઠી હતી તે દરમિયાન ગુપચુપ બિલ્લીપગલે એક માણસ પોતાના મોટા બાપુજીની પાસે પહોંચી ગયો હતો. એનો અવાજ પરખાયો. એ હતો વિજયચંદ્રનો મીઠો કંઠસ્વર.

સુશીલાના કાન એ બંગલી પરના વાર્તાલાપ તરફ વધુ એકાગ્ર બન્યા. મોટા બાપુજી કહેતા હતા (એના સ્વરોમાં કાકલૂદી હતી): “એટલી મારા ઉપર મહેરબાની કરો. ખુશીથી પાંચ વરસ વિલાયત ભણો, પણ પે’લાં લગ્ન કરીને પછી. હું તમારો બોલેબોલ પાળું: સુશીલાને તમે બતાવો તે શાળામાં મોકલું, અંગ્રેજી ભણાવું; સંગીત શીખવું, તમે કહો તે રીતે તૈયાર કરું. પાંચ માસ્તરો રાખું.”

જવાબમાં શબ્દો સંભળાયા: “તો હું એક વરસ રોકાઈને જાઉં. તે દરમિયાન એનો અભ્યાસ, એની તાલીમ વગેરે કેવીક ચાલે તે જોઉં. તે જોયા બાદ લગ્ન કરું.” એ અવાજ વિજયચંદ્રનો હતો. એમાં તાલબદ્ધ, ધીરાં, છતાં સત્તાવાહી શબ્દ-કદમોની કૂચ હતી.

“પણ હું એમ કહું છું, કે તમે લગ્ન કર્યા પછી તમને ફાવે તેવો અભ્યાસ કરાવજો ને! મારી સુશીલા કાંઈ ભોટ થોડી છે! ગામડાનું ભોથું થોડું છે, કે એને એકેય ભણતર નહીં આવડે?”

“વીમો ખેડવા હું તૈયાર નથી. એક વરસનું રોકાણ થવાથી પણ મારે મારા સારામાં સારા ચાન્સ જતા કરવા પડશે.”

“ચાન્સ જતા કરો છો એ હું જાણું છું, હું બેવકૂફ નથી. પણ મારે તો પછી બીજું કોણ છે? આ બધું તમે જ ચલાવજો ને! તમને હું જાપાન, અમેરિકા જ્યાં કહો ત્યાં જવાના ચાન્સ આપું. ચાન્સ તો મારા ગૂંજામાં જોઈએ તેટલા છે. માટે કોઈ રીતે માની જાવ. હું આઠ દિવસમાં લગન ઉકેલી દેવા તૈયાર છું.”

“એમ તો કેમ બને? પૂરેપૂરી ચોકસી કર્યા વગર આજનો જુવાન તો કેમ જ ઝંપલાવી પડે!”

“પણ ચોકસી જે કરવી હોય તે હું કરાવી આપું; તમે એની ચાતુરી ને હુંશિયારી તો જુવો.”

“એમ કરશો?” વિજયચંદ્રે એક નવો માર્ગ સૂચવ્યો, “મારાં એક મિત્રપત્ની છે, એમની પાસે બે’ક મહિના રહેવા આપશો? એની પરીક્ષામાં પાર ઊતરે તો હું વિચારું.”

સુશીલાના હૃદય પર આ શબ્દો પડ્યા. તે પછી એ વધુ સાંભળી શકી નહીં. બંગલીના દાદર પાસે એ ઊભી હતી. બેસી જવા માગતા દેહને એણે દાદરનો ટેકો દીધો.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Vipul Petigara

Vipul Petigara 4 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 8 માસ પહેલા

Foram Shah

Foram Shah 2 વર્ષ પહેલા

Gohil Tarun

Gohil Tarun 3 વર્ષ પહેલા

Bhushan M.Jariwala

Bhushan M.Jariwala 3 વર્ષ પહેલા