વેવિશાળ - 1 Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેવિશાળ - 1

વેવિશાળ

ઝવેરચંદ મેઘાણી

૧. સાસરિયાંની ધમકી

શનિવારની અધરાત હતી: પેઢીના માલનો સ્ટોક લેવાતો હતો: મોટા શેઠ ધૂંવાપૂંવા થતા હતા. પોતાની ગેરહાજરીનો લાભ લઈ રવિવારની રજા પાળવાનો નિયમ નાના શેઠે દાખલ કરી દીધો હતો, તેની ખબર પોતે દેશમાંથી પાછા આવ્યા ત્યારે જ મોટા શેઠને પડી હતી. પોતે નાના શેઠને એકાંતે ઘણો ઠપકો આપ્યો હતો; પણ બન્ને સંપીલા હતા, પેઢીની પ્રતિષ્ઠા સમજતા હતા. મોંકાણ તો એ હતી કે નાના શેઠે નોકરોને રવિવારની રજા લેખિત કરી આપી હતી અને મહેતાઓને એક મંડળ—ક્લબ જેવું કરાવી આપ્યું હતું. એ બધા પર એકાએક હુમલો કરવાને બદલે, મહેતાઓ સામે ચાલીને જ રવિવારો પાછા સોંપે, ને એક અમાસનો જ અણોજો પાછો માગી લે, તેવો અંજામ લાવવાનો મોટા શેઠનો સંકલ્પ હતો. એટલે તેમણે શનિવારની રાતે કામ ખેંચવાનું આદર્યું હતું. પોતે અંત:કરણપૂર્વક એવી માન્યતા ધરાવતા કે રવિવારો પાળવાથી નોકરોનું અહિત વધે છે. તેઓ નાહક રઝળપાટ કરી બેપાંચ રૂપિયા ભાંગી નાખે છે, ને પાછું સોમવારે કામમાં ચિત્ત ચોંટતું નથી, તે પોતાની જાતમાહેતીની વાત હતી. તેમણે ફરજ પાડીને નહીં, પણ સમજપૂર્વકનો નિર્ણય લેવરાવવા આ શનિવારોની રાતો લાગટ ખેંચાવવા માંડી હતી.

એક શનિવારે રાત્રે અગિયાર વાગ્યે દુકાન પરથી ઘેર ટેલિફોન આવ્યો કે સુખલાલને લોહીની સખત નાખોરી ફૂટી છે, બેશુદ્ધ જેવો બની ગયો છે.

“તદ્દન તકલાદી છોકરો છે. ફૂટી બદામ પણ કોઈ આપે તેમ નથી. આપણો જમાઈ થયો એ જાણે આપણો ગુનો! તકલીફ જ ન આપે ને ડિલને! મોકલું છું મોટર, દવાખાને મૂકી આવો.” એવો જવાબ મોટા શેઠે ટેલિફોનમાં આપ્યો; મોટર મોકલી. સુખલાલ દવાખાને પહોંચ્યો. માંદગી લંબાયે ગઈ.

જુવાન સુખલાલ નાના શેઠનો જમાઈ હતો. લગ્ન હજુ નહોતાં થયાં. સગપણ તો બેઉ કુટુંબો સમાન કક્ષા પર હતાં—એટલે કે સુખલાલના બાપ તેમ જ આ બેઉ શેઠ ભાઈઓ વતનનાં ગામડાંમાં નાની હાટડીઓ રાખી કપાસ, ઘાસલેટ અને ગંધારું ઘી વેચતા—ત્યાર વેળાનું થયેલું હતું. પણ તે પછી સુખલાલના બાપ પોતાની માંદી પત્નીની સદાની સારવારમાં રોકાઈને ગામડે જ પડ્યા રહ્યા, ત્યારે આ વેવાઈ ભાઈઓ એક મુનિશ્રીનું વચન ફળ્યે વિલાયતી કાપડના ધંધામાં પડી મુંબઈ ખાતે મોટરવાળા બન્યા. તેમણે સુખલાલ વેરે વરાવેલી દીકરી સંતોકનું નામ બદલી સુશીલા પાડ્યું; અને એમની પત્નીઓએ દોઢિયા સાડલા ઉતારી પાંચ હાથની સાડીઓ ચડાવી, કાપડાંનાં સ્થાન ફૂલેલ બાંયનાં પોલકાંને ને પછી બ્લાઉઝને આપ્યાં; ને નાનાની વહુએ તો ‘સ’ને બદલે પ્રત્યેક ઠેકાણે ‘ચ’ ઉચ્ચાર કરવાનો આગ્રહ રાખી ‘સાચું છે’ને બદલે ‘ચાચું છે’ બોલવાની ભૂલો વધારી અને સંતોકમાંથી સુશીલા બનાવેલી પુત્રીને માટે ઘેરે સંગીત, સંસ્કૃત તેમજ અંગ્રેજી, એમ ત્રણ વિષયના શિક્ષકો રાખ્યા. સુશીલા નાનપણથી જ પૂરી સાડી પહેરતી થઈ ગઈ.

પછી તો મૂંઝવણ બસ એક જ રહી હતી: આવી નમણી ને સંસ્કારી પુત્રીનું સગપણ પેલા સુખલાલની સાથે શી રીતે ચાલુ રાખવું?

સુખલાલના બાપને ઘણું ઘણું સમજાવવામાં આવ્યા હતા કે, જમાઈને અમારી જોડે મુંબઈ મોકલો: ભણાવીએ-ગણાવીએ, ને પછી કામે લગાડીએ. સુખલાલના બાપે તો સુખલાલને કહ્યું કે, “ભાઈ, તારું જો સુધરતું હોય તો તું જા.” પણ સુખલાલનું મન માનતું નહોતું. મા લાંબી માંદગીમાં પડ્યાં હતાં, તેની સતત સારવાર એકલો બાપ શી રીતે કરવાનો હતો? નાનાં ભાંડરુંને કોણ રાંધી ખવરાવવાનું હતું? જેવી તેવી ચાલતી હાટડીને પણ કોણ ચાલુ રાખી શકે તેવું હતું?

સુખલાલે પિતાનું કહેવું પણ ન માન્યું, ત્યારે માંદી માએ એક દિવસ સુખલાલને પોતાની પાસે એકાંતે તેડાવીને ખાટલે બેસાડી સમજ આપી હતી કે, “બીજું તો કાંઈ નહીં ભાઈ, પણ વખત છે ને… મોટાં આબરૂદાર છે… એટલે… મન ઊઠી જાય… તો… વેશવાળ ફોક કરે, માડી! ને એવું થાય તો અમારું જીવ્યું ઝેર થઈ જાય.”

માએ સંભારી આપેલો આ મુદ્દો સુખલાલને માટે નવીન જ માહેતી જેવો બન્યો. વેવિશાળ ફોક કરવાનું કારણ છેલ્લાં પાંચ વર્ષમાં ઊભું થઈ ગયું છે, તેની સુખલાલને સરત જ નહોતી રહી. માએ વાત વધુ સ્પષ્ટ કરી:

“એક તો ઈશ્વરે એનો દા’ડો વાળ્યો છે. બીજું, કન્યા પાછી—ખમા!—શે’રમાં હજારો રૂપૈયાને ખરચે ભણતર ભણે છે. જે ત્યાં જઈને આવે તે સારા સમાચાર આપી જાય છે કે કન્યા હાડેતી બની છે, ગજું કરી ગઈ છે, વાને ઊઘડી ગઈ છે. એ બધાંય વાનાં વિચારવાં જોવે, માડી! તમારો સંસાર બંધાઈ જાય, વચમાં વિઘન ન આવે તો બસ; મારે કાંઈ કોઈની ચાકરી જોતી નથી. તું તારે સુખેથી તારા સસરા રાખે ત્યાં રહીને ભણતર ભણ, ને કન્યાના જેવો જ પાવરધો બન.”

“બા,” સુખલાલે જીભને તાળવે ફેરવીને બોલવા પ્રયન કર્યો, “મને ત્યાં નહિ ગમે.”

“નહિ કેમ ગમે?” ને માંદું માતૃ-મોં મલકાયું, “રૂડી વહુ તો ત્યાં હશે!”

“એટલે જ નહીં ગમે, બા!” સુખલાલનો નમણો ચહેરો હસવાને બદલે લેવાઈ ગયો; એની આંખોમાં તે દિવસ પહેલી જ વાર ઝળઝળિયાં હતાં.

એ કહી કે સમજાવી ન શક્યો, પણ એની પાસે જો ભાષાભંડોળ હોત તો એણે કહી નાખ્યું હોત કે, “સંતોકડીમાંથી સુશીલા બની ચૂકેલી કન્યા મારી લાયકાતનું રોજેરોજ માપ લીધા જ કરશે, મારે તો સતત એને લાયક બનવા માટે જ મહેનત કરવી રહેશે, ને હું મૂંઝાઈ જઈશ.”

“તારા મનમાં તું સૂઝે એ ઘોડા ઘડતો હો, ભાઈ,” માએ મહામહેનતે કહ્યું, “પણ સગપણ તૂટ્યે અમારું જીવ્યું ઝેર થાશે, ને પાછળ તારાં આ ભાંડરડાંને કોઈ નાળિયેર લેવા કે દેવા નહીં ડોકાય. વળી એવી પદમણી કન્યા આજ પંદર વરસના વેશવાળ પછી પારકા ઘરમાં જઈને હિંડોળે હીંચકશે તો એ તારા બાપથી કે મારાથી આ અવસ્થાએ હવે નહીં સહેવાય. મારી આંતરડી આવી કકળી રહી છે માટે તને હું ફરી ફરી કહું છું કે જા, બાપ!”

મુંબઈથી સુખલાલના મોટા સસરાએ પણ છેલ્લો કાગળ ભારી આકરો લખ્યો હતો:

“હવે જો સુખલાલને બહાર ન કાઢવો હોય તો આખરી ચેતવણી સમજજો. અમે કાંઈ દીકરીને વેચી નથી. અમારે પેટના છોરુને જાણી બૂજીને કૂવામાં નથી ધકેલવું. સુખલાલે જમાઈ રહેવું હશે તો લાયક બનવું પડશે. આંહીં આવીને ભણવું હશે તો ભણાવશું, ને ધંધો કરવો હશે તો દુકાનો ક્યાં ઓછી છે? બાકી તમે જો એમ સમજી બેઠા હો કે અમારી સુશીલા આકડે લાગેલ મધ છે, તો તમે ખાંડ ખાવ છો, શેઠ! તમારા થોરવાડ ગામના ધૂડિયા ખોરડામાં છાણાંના અને તલસરાંના ધુમાડા ફૂંકવા સારુ દીકરીને કોઈ ભણાવતું નથી, શેઠ! જેવો વિચાર હોય તેવો લખી જણાવજો, એટલે અમે નાતને જાહેર કરી દઈએ.”

આ કાગળમાં સંપૂર્ણ ધમકી હતી. સુખલાલના પિતાને તે દિવસે ખાવું ભાવ્યું નહીં, અને પિતા તેમ જ મોટા ભાઈ ઝાંખા દેખાયા એટલે માતાને સ્થાને મહામહેનતે રાંધણું કરનારી, નાના—પાતળા, પૂરો રોટલો પકડી પણ ન શકનારા હાથવાળી બહેન સૂરજે પણ ન ખાધું, ને નાનેરો ભાઈ પણ ખાધું ન ખાધું કરીને નિશાળે ચાલ્યો ગયો.

તે પછી ચોથે જ દિવસે સુખલાલને મુંબઈ જવા ઊપડવું પડ્યું. ગામ નજીકના કસબામાં ઝટ ઝટ પહોંચી જઈને એણે કોલરવાળાં ખમીસ અને કોટ સિવડાવી લીધાં. બૂટ પણ નવા લઈને પહેર્યા. બહેને આ નવીન પોશાકમાં કોણ જાણે શાથી પણ ન શોભતા ભાઈને તેલના રેગાડા રેલાવતો ચાંલ્લો કર્યો. ને મરતી માએ ‘ઘણું જીવો’ના આશીર્વાદ દેવા, બહુ મહેનતે પતિને ટેકે ટેકે બેઠી થઈ, દોરડી જેવા હાથ સુખલાલના નીચે ઢળેલા માથા સુધી લંબાવ્યા.

***