વેવિશાળ - 8 Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વેવિશાળ - 8

વેવિશાળ

ઝવેરચંદ મેઘાણી

૮. શૂન્ય ઘરની બે સહિયરો: ભાભુ અને ભત્રીજી

“કાલે, પરમ દિવસે, જ્યારે ઠીક પડે ત્યારે વિચાર કરીને જવાબ દેજો, શેઠ; મને મેલું પેટ પરવડતુંય નથી, તેમ રાખતાંય આવડતું નથી. આંહીં તમને તાર કરીને તેડાવવા પડ્યા તે એટલા સારુ. હવે જવું હોય તો જાવ ઈસ્પિતાલે; નીચે મોટર તૈયાર ઊભી છે.”

એટલું બોલીને સુશીલાના મોટા બાપુજી બારી પર ગયા. ત્યાં ઊભા ઊભા શોફરને સૂચના આપી, ને પછી સુખલાલના પિતાને સૂનમૂન બેઠેલા મૂકી પોતાના સૂવાના ખંડમાં ચાલ્યા ગયા.

સુખલાલના પિતાએ નીચે ઊતરીને મોટર પડતી મૂકી પગે ચાલવા માંડ્યું. આ ગામડિયો માણસ શોફરનું ધ્યાન ખેંચી ન શક્યો. મહેમાનના નીચે ઊતરવાની રાહ જોઈ શોફર તો અરધા-પોણા કલાક સુધી ઊભો જ રહ્યો, તે પછી એ ઉપર આવ્યો. શેઠ સૂઈ ગયા હતા. સુશીલા પોતાનાં ભાભુની પાસે જાગતી હતી. શોફરે વરધીવાળા મહેમાનની પૂછપરછ કરી. આખી વાતચીત પરથી ભાભુને અને સુશીલાને સમજ પડી કે મહેમાનને પગ ઘસડતાં જ દવાખાને જવું પડ્યું છે.

“અરેરે!” ગરવાં ભાભુએ હળવેથી ઉદ્ગાર કાઢ્યો, “તારા મોટા બાપુજી બચાડા જીવ મે’માનને મોટર સુધી મૂકવા જવાનુંય ચૂકી ગયા!”

“હવે તમે ઇસ્પિતાલે મોટર લઈ જઈને તપાસ કરી આવો, ત્યાં પહોંચ્યા છે કે?” સુશીલાએ હળવેથી શોફરને વરધી આપી.

માલિકની લાડકી દીકરી હોવા છતાં ખરી જરૂર પડ્યા વિના કદાપિ વરધીઓ ન આપનાર સુશીલા જ્યારે જ્યારે વરધી આપતી ત્યારે ત્યારે એનો તાત્કાલિક અમલ થતો.

“હા ભાઈ,” ભાભુએ પણ ટેકો મૂક્યો, “જાવ, જોઈ આવો, હેમખેમ પોં’ચ્યા તો છે ને? અને ભેળા ભેળા આપણા જમાઈની તબિયતના પણ ખબર કાઢતા આવજો.”

‘આપણા જમાઈ’ એવો ભાભુનો બોલ ભાવથી ભરેલો હતો. સુશીલાએ એ શબ્દ સાંભળતાંની ઘડીએ જ બિછાનમાં ચત્તા ને ચત્તા સૂતેલા ક્ષીણકાય સુખલાલની નમણી આકૃતિ કલ્પી, બપોરે દીઠેલાં આંસુ કલ્પ્યાં—અને આંસુ લૂછતી નર્સ લીના કલ્પી.

એણે ભાભુને કહ્યું: “ત્યાં ઇસ્પિતાલમાં સૂવાવાળાઓને તો એકલું ગાદલું જ આપતા હશે ને? ચાદર કાંઈ આપે?”

“ના રે બેટા; ચાદર કોણ આપે? ને ગાદલાંય સેંકડો માણસનાં સૂયેલાં હોય!”

“ત્યારે ચાદર અને બાલોશિયું મોકલું, ભાભુ?”

“મોકલ મોકલ, મારી દીકરી; પણ છાનીમાની હો? જોજે, તારી બા જાણી ન જાય! નીકર એને બચાડા જીવને આ બધું નહીં ગમે, ને કોચવાશે તો એનાથી ઊંચે સાદે બોલાઈ જશે; તો ક્યાંક તારા મોટા બાપુજી જાગી જશે. એય બચાડા જીવ સમતા નહીં રાખી શકે, કોચવાઈ જશે.”

સારાંનરસાં સર્વ કોઈને ‘બચાડા જીવ’ સમજનારાં ભદ્રિક ભાભુ સમતાનું મૂંગું આરાધન કરતાં માળા ફેરવતાં રહ્યાં, ત્યાં તો સુશીલાએ સસરાજીને માટે ધોબીની ધોયેલ સાફ ચાદર તથા એક નવા ગલેફવાળું ઓશીકું તૈયાર કર્યું. સવારને પહોર દાતણ જોશે એ યાદ આવતાં એકના સાટાનાં બે લીલાં દાતણ છડીમાંથી કાપીને મૂક્યાં. કદાચ ગામડાના માણસને દાંતે છીંકણી દેવાની આદત હશે એમ ધારી ભાભુને છાનીમાની કાનમાં પૂછી આવી: “તમારી ડાબલી મોકલું?”

જવાબ જડ્યો: “મોકલ, મારી દીકરી; ભલું સાંભર્યું! મને સાંભરે છે, વેવાઈ બચાડા જીવ દાંતે બજર દેતા’તા; સાત વરસ મોર્ય અમે એના બાપને કારજે ગયાં’તાં તે દી મેં જોયું’તું. પણ હેં દીકરી, તને આ બધું કેવું યાદ આવ્યું? જો, મારી જસતની ડાબલી મોકલજે—પતરાની નહીં, હોંકે માડી! બચાડા જીવ આપણે માટે શું ધારે?”

આ તમામ સરંજામ સુશીલાએ ઘાટીની સાથે મોટર પર મોકલાવ્યો, અને તદ્દન સ્વાભાવિક સ્વરમાં જ ઉપર ઊભાં ઊભાં શોફરને ફરી વાર યાદ આપ્યું કે “તબિયત કેવી છે તે પણ પૂછતા આવજો, બીજું કાંઈ મહેમાનને જોઈએ તો જાણતા આવજો.”

“મને તો કાંઈ ખર નહીં, ખબર નહીં!” મોટર ગયા પછી પાછી સુશીલા શાંતિથી બેઠી ત્યારે ભાભુ માળા ફેરવતાં ફેરવતાં બોલવા લાગ્યાં: “પ્રાણિયો રોજ શાક મૂકવા આવે છે. એ બચાડો જીવ પણ મને કહેતાં વીસરી ગયો હશે. તારા મોટા બાપુજી પણ બચાડા જીવ રોજ થાક્યાપાક્યા આવે, એટલે આ ખબર તો આપવા જ ભૂલી ગયા! નીકર ઈસ્પિતાલે જોવા તો જઈ આવત, માડી! માણસ જેવું માણસ—ને પારકું નહીં, આપણું પોતાનું માણસ! સૂઝે એવું તોય આપણું અંગનું માણસ છે, એમાં કાંઈ અટાણથી ના પડાય છે? આંહીં પારકા પરદેશમાં એની સારસંભાળ લેનાર કોણ? દવાખાનાનાં નોકરચાકર ને બચાડા જીવ નર્સ-દાગતર તે કેટલાંકની સાર-સંભાળ્યે પોં’ચી શકે? આપણે જવું જોવે, માડી. મારે તો ગયા વગર છૂટકો જ નહીં! હા, તારી વાત નોખી છે. તારાથી ન જવાય. કુંવારી વેળા કે’વાય ને, બેન; કરી મૂકેલ છે ને, બેન! અને વળી હજી તો બધું ડગમગી રિયું છે ખરું ને? જુવાન દીકરીને તો ચેરાઈ જતાંય વાર નહીં. બચાડા જીવ લોકોય પૂરું ભાળ્યું ન ભાળ્યું, સાંભળ્યું ન સાંભળ્યું, ત્યાં તો હાંકી મૂકે…”

સુશીલાના હોઠ પર આવેલા બોલ ‘ભાભુ, હું તો આજ એને જોઈ આવી,’ હૈયામાં પાછા વળી ગયા. વળી વિચાર આવ્યો: કાલે-પરમે ભાભુને જાણ થશે તો? તો એ મને જુઠાડી સમજશે, ને અત્યારે ભાભુ સત્ય સાંભળશે તો બહુ બહુ તો મને ઠપકો દેશે. મારે ભાભુથી છૂપું ન રાખવું જોઈએ; એ તો પ્રભુથી છુપાવ્યા બરોબર વાત છે.

એણે હૈયામાં ઊતરેલા બોલને પાછા હોઠ પર બોલાવ્યા: “ભાભુ, તમારે પગે માથું મૂકીને એક અપરાધ માની જાઉં તો?”

“તોય હું તને મારું!”

“ભલે મારજો, ભાભુ,” એમ કહેતે સુશીલાએ ભાભુના પગ ઝાલી લીધા: “મારજો, વઢજો, મને ચાર દિવસ ભૂખી રહેવા કહેજો—હું કરીશ. તમે એકલાં મને જે કરવું હોય તે કરજો, ભાભુ! પણ…” સુશીલા અટકી ગઈ, એનો કંઠ રુંધાઈ ગયો.

“કેમ ચૂપ થઈ ગઈ?” ભાભુએ પૂછ્યું. સુશીલા ન બોલી. થોડી વારે ભાભુએ પોતાના પગ પર ગરમ ટીપાં ટપકેલાં અનુભવ્યાં.

માળા ફેરવવી પૂરી કરીને ભાભુએ માળા હાથીદાંતની મોતીજડિત દાબડીમાં નાખી, અને પછી સુશીલાની પીઠ પર હાથ પસવાર્યો. સુશીલાનું લોહી ગરમ જણાયું. કપાળ પર અડકવા ગયેલો હાથ પણ એ જ સંદેશો લાવ્યો. એણે સુશીલાને ધીરેથી ઢંઢોળીને પૂછ્યું: “શું કહેતી કહેતી રહી ગઈ? મારામાં ભરોસો રાખ. હું તને દગો નહીં દઉં, સુશીલા. મારું ભલે ચાય તે થાવ.”

પાંત્રીસેક વર્ષની આ સંતાનવિહોણી ભદ્રિક પ્રૌઢા વીસ વર્ષની સુશીલાને ગોદમાં લેતી લેતી આ શબ્દો જ્યારે બોલી ત્યારે સુશીલાની શમવયસ્ક સહિયર સમાણી લાગી. માળાને મોતીજડિત ડાબલીમાં મૂકી દેવાની જોડાજોડ આ ભદ્રાએ પોતાનું મુરબ્બીપણું પણ કેમ જાણે અળગું કરી નાખ્યું હોય એવી એ રહસ્ય-સખી બની. એણે સુશીલાને ફરી વાર કહ્યું:

“જ્યાં સુધી કોઈ ફોડામાં પગ પડી ન ગયો હોય ત્યાં સુધી ગભરાવું નહીં, બેન! લાચાર તો આપણે અસ્ત્રીની જાત ત્યારે જ બનીએ, જ્યારે પગ પાછો નીકળી જ ન શકે તેવું હોય.”

“એવું કાંઈ જ નથી, ભાભુ!”

“ત્યારે શું છે? એવડી બધી શી વાત છે?”

“તમને અણગમતી વાત નાની હોય તોય મારા મનથી મોટી ખરી ને?”

“હવે ઝાઝું મોંણ ઘાલ મા ને, ડાહીલી!”

“ભાભુ, હું આજ ઈસ્પિતાલે ગઈ’તી.”

“ઓય મારા બાપ!” ભાભુએ સુશીલાના બરડામાં લચકતા છલોછલ રુધિર-માંસમાં જબરી એક ચપટી ભરી. “એમાં શું તું અભડાઈ ગઈ? કોને મળવા ગયેલી? સુખલાલે તને દીઠી’તી? હેરાન તો નો’તી કરીને? કોઈના દેખતાં કશું અઘટિત વેણ તો નો’તું કાઢ્યું ને?”

“ભાભુ, હું એમને જ જોવા ગઈ’તી. એમની આવી દશા? મારા મોટા બાપુજીને કાંઈ દયા જ ન આવી!” એમ બોલતે બોલતે સુશીલાના સ્વરમાં કંપારી આવી, “ત્યાં—કોઈ—કૂતરું—પડ્યું—હોય—એવું…”

સારી એવી વાર સુધી શાંત રહ્યા પછી ભાભુએ સુશીલાના શરીરને વિશેષ વહાલપમાં ભીંજાવ્યું અને પૂછ્યું: “તારા મોટા બાપુજી તારી આવડી આ જ ફિકરમાં પડ્યા છે એ જાણછ ને, બે’ન?”

“જાણું છું, પણ હું કોને કહું? આજ તમને કહું છું.”

“તારે શું કહેવાનું હોય? તારા વડીલો ક્યાં નથી સમજતા? હું મૂઈ જૂના વિચારની છું, એટલે એક મારા મનની વાધરી જૂના વેશવાળમાં વળગી રહી છે, બાકીનાં તો સૌ તારે જ માટે ખુવારના ખાટલા થાય છે.”

“હું ક્યાં કોઈને ખુવાર થવા કહું છું?”

“તું તો બેટા, અમે નરકમાં મોકલીએ તોય ના ન પાડે. પણ તારા મોટા બાપુ તને એમ કાંઈ નાખી દિયે?”

“ભાભુ,” સુશીલા જેમ વધુ સ્પષ્ટ કરવા માગતી હતી તેમ એની મનોવૃત્તિ વિશે ભાભુની ગેરસમજ વધતી હતી: “મારી ફેરવણી કરવાનું મૂકી દેવા સૌને કહો.”

“પણ તારે શા ઉચાટ છે? હાં, હવે સમજી! આ તો બેનબા ઉતાવળમાં લાગે છે! —તે તને શું એમ લાગે છે કે તારા મોટા બાપુજીને તારા જેટલી જ ઉતાવળ નથી?”

***

રેટ કરો અને રિવ્યુ આપો

Vipul Petigara

Vipul Petigara 4 માસ પહેલા

Ravina Vankar

Ravina Vankar 4 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 8 માસ પહેલા

Hardik Variya

Hardik Variya 11 માસ પહેલા

arti

arti 1 વર્ષ પહેલા