Vevishal - 3 books and stories free download online pdf in Gujarati

વેવિશાળ - 3

વેવિશાળ

ઝવેરચંદ મેઘાણી

૩. પહેલું મિલન

આવ્યા બાદ ત્રણેક મહિને સુખલાલે સુશીલાને પહેલવહેલી દીઠી.

વચ્ચે બે’ક વાર સસરાએ જમવા નોતર્યો હતો ત્યારે પોતાની સાથે મોટરમાં જ લાવીને, જમાડીને તરત મોટરમાં પેઢી પર મોકલી દીધેલ. જમતાં જમતાં એણે કોઈનો ફક્ત એટલો જ ટૌકો સાંભળેલ કે ‘સુશીલાબહેનને મૂકીને મોટર પાછી જલદી લાવજો.’ એટલે એણે અનુમાન બાંધ્યું હતું કે કન્યા મોટરમાં બેસીને ક્યાંક બહાર જતી હશે. ભણવા જતી હશે? ભરવાગૂંથવા કે સંગીત શીખવા જતી હશે? બજારમાં સાડીઓ ને સાડીની પિનો લેવા જતી હશે? એવા પ્રશ્નો ઊઠ્યા, ને જમતો જમતો સુખલાલ મનથી તો મુંબઈના કેટલાક પ્રદેશોની ટાંટિયાતોડ કરતો રહ્યો.

પછી પેઢી પર પાછા જતી વખતે મોટરમાં મોખરે શોફરની જોડાજોડ બેઠો, ત્યારે પાછળની કઈ સીટ પર સુશીલા કેવી છટાથી બેસતી હશે તે પણ એણે કલ્પી જોયેલું. એની ઘ્રાણેન્દ્રિયે મોટરમાં રહી ગયેલી કોઈ માતેલી ખુશબોના પરમાણુઓ પણ પીવા પસંદ કરેલા. પણ એ બધું એટલું તો ગ્રામ્ય પદ્ધતિનું હતું કે ન તો કદાપિ સુખલાલ એ મનોભાવોને ભાષામાં મૂકી શકે, કે ન કોઈ કવિ-વાણીને પણ આવા ગ્રામીણની મનોવેદના કલ્પવાનું માફક આવે.

એક જ માણસની સુખલાલને ઈર્ષા આવી હતી—મોટરના શોફરની. એની પાસે સુશીલાનો રજેરજ ઈતિહાસ હશે. એની સામેના નાનકડા દર્પણમાં સુશીલાનું પ્રતિબિંબ રોજેરોજ પડતું હશે. સુશીલા જે કશાં તેલઅત્તરો કે પુષ્પો ધારણ કરતી હશે, તેની ખુશબોનો રાંક-ધરવ તો આ શોફર જ કરતો હશે!

ઘણી ઘણી વાર એ બધી વાતો શોફરને પૂછી જોવાની નાદાન ઇચ્છાને વારંવાર દાબી દેતો પોતે બેઠો રહેતો હતો—એટલે કે પેઢીનું કામ કર્યા કરતો.

ત્રણેક મહિના પછી કેરીની ભરપૂર મોસમ હતી. અમાસની રજા આવતી હતી. મોટા શેઠને બહુ બહુ સતાવી રહેનારું એક ગૂમડું માંડ માંડ મટ્યું હતું, એટલે એમની ઇચ્છાથી આખા કુટુંબની તેમ જ પેઢીના સ્ટાફની એક ઉજાણી ગોઠવાઈ હતી. જી. આઈ. પી. રેલવેના એક પરામાં પહોડોની નજીક સ્નેહીઓનો એક ખાલી બંગલો હતો. ચૌદશની આગલી આખી રાત સ્ટાફના જુવાનોએ મીઠાના માટલાથી માંડીને કેરીના ટોપલા સુધીની તમામ ચીજો ત્યાં પહોંચતી કરવાની ધમાલ બોલાવી.

સુખલાલ એ વૈતરામાં શામિલ હતો. મુંબઈ આવ્યા પછી એના શરીરને પૂરું પોષણ મળતું નહીં. કેમ કે એને રાતદિવસ એક બાજુથી થોરવાડનાં કુટુંબીજનોના અને બીજી બાજુ સુશીલાના વિચારો કર્યા જ કરવાની ટેવ પડી હતી. આ રાત્રીએ એણે વધુ જોરથી મહેનત કરી, કેમ કે આખા દિવસની ઉજાણીમાં ક્યાંઈક ને ક્યાંઈક એકાદી વાર તો સુશીલાને જોઈ લેવાની એને ધારણા હતી. એ ધારણાના કૃત્રિમ જોર પર વધુ પડતો વિશ્વાસ મૂકીને સુખલાલે આખી રાત સામાનની લે-લાવ કરી. તે રાતે એની છાતીમાં પહેલો સટાકો બોલ્યો.

આ સટાકો પેઢી પર ખેંચેલી કામગીરીની પહેલી પહોંચ લઈ આવનારો કાસદ હતો. સુખલાલ પાસેથી કામ લેવાની ગુમાસ્તાઓની આવડતનો એ અંજામ હતો.

‘ક્યાં ગયા સુખલાલ શેઠ?’ ‘શું કરે છે સુખલાલ શેઠ?’ ‘આ કામ એમને બહુ ફાવશે!’ વગેરે વગેરે વાક્યો પેઢીના નોકરો, સુખલાલ જો જરીકે પગ વાળીને બેઠો હોય તો તરત જ, શેઠના સાંભળ્યામાં આવે એ રીતે બોલતા. એટલે સુખલાલ જ્યાં હોય ત્યાંથી બેઠો થઈ જતો. નોકરોને એ રીતે સુખલાલ આમોદનું તેમ જ રાહતનું સાધન થઈ પડેલો. આંહીં ઉજાણીમાં પણ સુખલાલને એ જ બીક લાગી, એટલે એણે પેઢી માંહ્યલા મુખ્ય મશ્કરીખોર ‘પ્રાણિયા’ ઉર્ફે પ્રાણજીવનને હાથેપગે લાગી ફક્ત કેરીનો રસ કાઢવા જ બેસી જવાની મહેરબાની માગી લીધી.

“અરે હવે રાખો રાખો, ભાઈસા’બ!” પ્રાણિયાએ મશ્કરી કરી, “એક દિવસ તમે જ આ બધાના ધણી થવાના છો ને? ઠાલા અમને કાં આમ ભૂંડા લગાડો?”

સુખલાલ સમજતો કે બોલનાર જે બોલે છે તેનાથી ઊલટું જ માને છે. પણ એ સમજણ સ્પષ્ટ ન થઈ શકે તેવી હતી. સુખલાલ ફક્ત ‘ભાઈસા’બ! ભાઈસા’બ!’ જ કરતો રહ્યો.

“સાંભળો!” એમ કરી પેલા મશ્કરીખોરે—સ્ટાફના ‘દાદા’ ગણાતા પ્રાણિયાએ—સુખલાલને એક બાજુ લઈ જઈને કહ્યું, “તમારા પેટમાં આજ પાપ છે.”

“શું પાપ?”

“કહી દઉં?”

“કંઈ જ નથી.”

“તમારો… ઇરાદો… આજરોજ… આ સ્થાનને વિશે… સુશીલાબહેનને… મળવાનો… છે!”

છાતીમાં બીજો સબાકો આવ્યો. છતાં સુખલાલે હસવું ચાલુ રાખ્યું, ને એટલું જ કહ્યું: “મને નિરાંતે બેસીને કામ કરવા દો. મારા નામનું બુમરાણ ન મચાવશો.”

“તો વચન આપો.”

“શું?”

“કે સુશીલાબહેનને બિલકુલ મળવું નહીં.”

“અરે ભલા માણસ, મારો જીવ જાય છે.”

“એમ નહીં છોડી શકાય તમને. કોલ આપો, કે સુશીલાબહેન ચાહીને બોલાવે તોપણ બોલવું નહીં.”

“પ્રાણજીવનભાઈ, હવે ચૂપ કરો ને, બાપા!”

એ રગરગાટથી તો ઊલટાનો આગળ વધતો પ્રાણિયો જરા મોટે ઘાંટે કહેવા લાગ્યો કે “રૂમાલ કે વીંટી આપવાં નહીં.”

“કૃપા કરીને—”

“પ્રેમપત્રો અરસપરસ આપવા નહીં.”

વધુ અવાજ કાઢીને, પણ બીજા કોઈ ન સમજે તેવા ગોટાળિયા શબ્દે પ્રાણજીવન જુલમ કરતો રહ્યો.

“છે કબૂલ?”

“કબૂલ, ભાઈ, કબૂલ! કોણ આપવાનું છે, ને શી વાત છે? મને મરી રહેવા દો ને, પ્રાણજીવનભાઈ!” સુખલાલે એક વિશેષ સટાકાની વેદના અનુભવી.

પ્રાણજીવને રહેમદિલી કરી. સુખલાલ રસોડાની બાજુના ખંડમાં કેરીઓ ઘોળનારાઓની સાથે બેસી ગયો. પ્રાણજીવને તમામને કહી દીધું: “સુખલાલ શેઠને આ કામ પરથી કોઈએ ઉઠાડવાના નથી, દોડાદોડ કરાવવાની નથી; એ બીમાર છે.”

કેરી ઘોળતાં ઘોળતાં છાતીનો દુખાવો વધતો જતો હતો અને સૌના ‘દાદા’ પ્રાણજીવને ચેતાવેલા ગુમાસ્તાઓ જોકે સુખલાલની સીધી મશ્કરી નહોતા કરતા, તો પણ કોઈ ને કોઈ બહાને સુશીલાબહેનનું પાત્ર વચ્ચે લાવી ઊભું રાખતા.

“અરે ભાઈ, આ કેરી તો સુશીલાબહેને જ પાસ કરી—સારામાં સારી તો એમણે પાસ કરેલી જ નીવડી.”

“સુશીલાબહેનને કેરીની પરખ કોણ જાણે કુદરતી જ છે, હો!”

“એ કાંઈ શીખવી થોડી શિખાય છે?”

“સુશીલાબહેન જો કાલે મોટરમાં મારી સાથે ન હોત, તો મારી તો અભાગ્ય જ બોલી જાત; કેમ કે મેં પાંચ મણનો જે ઢગલો પસંદ કરેલો તે માંહ્યલી—જુઓ, આ દસે દસ શેર લીધેલી તે ખાટી નીકળી. સુશીલાબહેને જ મને એ ઢગલો લેતો વાર્યો હતો. એણે કહેલું કે, દયાળિયા, મને આમાં અંદરથી ઊંડી ઊંડી ખાટી બાશ આવે છે.”

“એમના મોસાળમાં આંબા ઘણા થાય છે, એટલે ત્યાંનો અનુભવ હોવો જોઈએ.”

“આંબા તો આ ઓતમચંદની વહુને પિયર પણ ક્યાં ઓછા થાય છે? તોયે એની વહુને કાં કેરીનું પારખું નથી? —વાત કરો છો તે ઠાલા!”

“આ દયાળજી હંમેશાં સુશીલાબહેનનો પક્ષ બહુ ખેંચે.”

“એમનામાં એવા ગુણ છે, આવડત છે; એને કોઈ બેવકૂફ બનાવી જાય? રામ રામ ભજો.”

કેરીઓ ઘોળવાની સૌની શક્તિને તેમ જ રસિકતાને અખૂટ રાખનારું ઝરણું આ સુશીલાબહેનનું નામ થઈ પડ્યું. બધા સામસામા જોઈ જોઈ વાતો કરતા હતા; ઊંચું નહોતો જોઈ શકતો એક સુખલાલ. એણે કષ્ટ પામી પામીને આખરે સૌને પૂછ્યું: “જરાક હું સૂઈ લઉં? છાતીમાં દુખાવો થાય છે.”

“સૂઓને બાપા! તમને જમાઈને ના પાડવાની કોની મગદૂર છે? લો, ગાદલું લાવી આપું? એ… ચોથા ખંડમાં પલંગ પડ્યો. ત્યાં જઈને પોઢોને, બાપલા!”

એવા વ્યંગને કાને ધરવાની વેળા નહોતી રહી. સુખલાલનો દેહ લાદી પર લંબાયો ને એ પડખું ફેરવીને સૂતો. છાતીને એણે દબાવી રાખી હતી.

“હાલો, સૌને શેઠ બોલાવે છે,” એક માણસે આવી ખબર આપ્યા. “તળાવમાં નાહવા પડવાનું છે. રસ કાઢી કરીને જલદી આવી પહોંચવાનું છે.”

“મજા થઈ, ભાઈ! જામી ગઈ, ભાઈ!” એમ બોલતાં સૌએ ઝપાટો રાખ્યો. સુખલાલને સૂતો મૂકીને તમામ તળાવમાં નાહવા ઊપડી ગયા. જતાં જતાં એમણે દયા ખાધી: “એને બચાડાને પડ્યો રે’વા દેજો!”

સુખલાલને કાગાનીંદર આવી ગઈ હતી એટલે બીજાએ હાથ ધોતે ધોતે વધુ સ્પષ્ટ દયા દેખાડી: “કેવો મૂરખનો સરદાર છે! હજીય પડ્યો છે આંહીં ને આંહીં. હજીય એને આશા છે. ઓલ્યો મોટો શેઠ જોયો છે! આખર ધક્કો મારીને કાઢશે.”

“પણ રોક્યો છે શા માટે?”

“ફારગતી લખાવી લેવા માટે!”

“શી ફારગતી?”

“કે હું પોતે માણસમાં નથી, માટે આ વેવિશાળમાંથી છૂટકો કરવા હું મારી રાજીખુશીથી માગણી કરું છું.”

“મૂઓ પડ્યો તો તો! પછી એને કોણ દીકરી દેતું’તું!”

“એમ કાંઈ કહેવાય નહીં. હમણાં જો મુંબઈમાં નસીબનો તડાકો લાગી જાય, પચીસ હજાર રૂપિયાની મૂડી લઈને ઘેર જાય, તો શું કન્યા ન મળે? શી વાત કર છ? કન્યા તે મર્દાઈને મળે છે કે રૂપિયાને?”

આ વાર્તાલાપ ઓરડાની બહાર, બંગલાની બહાર, તળાવની પાળ સુધી લંબાતો ગયો. ને સૌ પોતપોતાનાં સોરઠી ગામડાંની બાલ્યાવસ્થાના ખોળામાં આળોટતા આળોટતા તળાવના પાણીમાં ઝાડ પરથી પલોંઠિયા, કોશિયા ઈત્યાદિ જાતજાતના ધૂબકા ખાવા લાગ્યા. કિકિયાટા મચ્યા, કાન પડ્યું સંભળાતું નહોતું. રસોઈ કરી લઈને બેઉ ‘મહારાજો’ પણ સૌની સંગાથે ભળ્યા હતા.

અર્ધોક કલાક એમ ગયો હશે ત્યારે ‘મહારાજ!’ ‘મહારાજ!’ એમ બોલતું કોઈક બાજુના ખંડમાંથી ચાલ્યું આવતું લાગતાં નીંદરમાંથી ઝબકીને સુખલાલ જ્યાં આંખો ઉઘાડે છે, ત્યાં એણે ‘મહારાજ નથી કે?’ એવો પ્રશ્ન પૂછતી એક કન્યાને પોતાની સામે ઊભેલી જોઈ. એને જોતાં જ સુખલાલ ઊઠીને બાકીની એકાદ-બે કેરીઓ પડી હતી તે ઘોળવા મંડી પડ્યો.

આવનાર કન્યા સુશીલા જ હતી. એણે સુખલાલને પ્રથમ સૂતેલો ને પછી બેબાકળો ઊંઘમાંથી ઊઠતો નિહાળ્યો; એ પાછી ફરવા જતી હતી, પણ એનાથી પુછાઇ ગયું: “રસોયો નથી?”

“મને ખબર નથી.”

ઓરડાની અંદર પાછી ચાલી જઈને એ થોડી વાર થંભી ગઈ. એને ખાતરી તો હતી જ કે આ જ પોતાનો વિવાહિત પતિ સુખલાલ છે. છતાં એકાંતે એને પહેલવહેલો જ જોયો. દૂરથી એ સુકાઈ ગયેલો, કદરૂપ લાગતો હતો; પણ આજે બે જ ફૂટના અંતરે ઊભા ઊભા એણે સૂતેલું નિર્મળ નમણું મોં પણ જોયું ને પછી જાગતા મોંના સ્વર સાંભળ્યા. સ્વચ્છ એક વાક્ય પણ સુખલાલ બોલી શક્તો નથી ને એ તો બેવકૂફ ગાંડા ગમાર જેવો છે વગેરે વાતો એ ઘરમાં રોજ સાંભળતી હતી. એ વાતો સાચી શી રીતે હોઈ શકે?

“તમારે સૂવું હોય તો સૂઈ જજો. મારે તમારું કાંઈ કામ નહોતું.” એટલું બોલીને એ જ્યાં ઊભી હતી ત્યાં જ ઊભી થઈ રહી. એને જાણે કે રોકવા માટે પાછલા ખંડમાંથી સુખલાલે જવાબ વાળ્યો:

“ના, હું તો સહેજ છાતીમાં દુખાવો થતો હતો એટલે જ સૂતો હતો. કામ તો મેં મારા ભાગનું કરી લીધું છે.”

સુખલાલના આ પ્રત્યુત્તરની પાછળ સતત સળગતું ભાન હતું કે સગપણ ન તૂટે તેટલા ખાતર થઈને પોતે તૂટી મરીને પણ પોતાની માણસાઈ પુરવાર કરી દેવાની છે.

“તમે દૂબળા દેખાઓ છો.” સુશીલા હજુય બાજુના ખંડમાં ઊભી ઊભી નખમાં મોઢું જોતી જોતી પૂછતી હતી. સુખલાલને આશા આવી કે એ સુશીલા જ હોય. ખાતરી થતાં તો એ જલદી જલદી બોલી ઊઠ્યો:

“દૂબળો તો હું જરાય નથી…. મારી બાએ તમને બહુ સંભારેલ છે.”

“બાને કેમ છે?” ઓરડામાં ઊભેલી સુશીલાએ થોડીક વાર થંભી જઈને પછી સામો સવાલ કર્યો, ત્યારે સુખલાલના ઊડી ગયેલા પ્રાણ પાછા આવ્યા. કેમ કે ‘મારી બાએ તમને બહુ યાદ કર્યાં છે’ એ સમાચારના જવાબમાં સુશીલાનું જરી જેટલું મૌન પણ દારૂગોળે ભરાતી તોપ જેવું લાગે એ સ્વાભાવિક હતું. થોડી વાર થંભવાનો સુખલાલનો વારો આવ્યો. પોતે ‘મારી બા’ એવો પ્રયોગ કર્યો છતાં આ કન્યા ‘બાને કેમ છે?’ એવું બોલી. બે વચ્ચે હિંદુ સમાજની રચનાએ મોટું અગોચર અને માર્મિક અંતર મૂકેલું છે. ‘બાને કેમ છે?’ એ પ્રશ્નમાં કોઈ અણશીખવ્યો આત્મભાવી વિનય હતો.

“હું નીકળ્યો ત્યારે તો ચાંદલો કરવાય ઊઠી શકાણું નહોતું; સૂતે સૂતે જ દુખણાં લીધાં હતાં. તે પછી કાંઈ ખબર નથી.”

સુશીલાનું ત્યાં થંભી જવું એને પોતાને જ કોઈ વિચિત્ર પ્રદેશમાં આવી પડ્યા જેવું લાગતું હતું. પોતાની સમક્ષ તદ્દન કંગાલ અને રેઢિયાળ ઢોર જેવો રજૂ કરવામાં આવેલો આ જે જુવાન, તેની વાણીમાં નવા નવા ઝંકાર ક્યાંથી ફૂટે છે! પોતાની થનાર સાસુની કાયમી બીમારી તો સુશીલાના ઘરમાં શાપો વરસાવવાનો તેમ જ ગાળો કાઢવાનો એક કાયમી પ્રસંગ હતો. સુશીલાના મનમાં એ માંદી સાસુનાં ગંધાતા રોગનું એક ભૈરવ રૂપ સગાંઓએ સરજાવી દીધું હતું. પણ આ જુવાને આપેલા સમાચારમાં ભયાનકતા કરતાં દયાર્દ્રતા વધુ હતી. પુત્રને ચાંદલો કરવા ઊઠવાનો યત્ન જેણે કર્યો હશે, સૂતે સૂતે જેણે મીઠડાં લીધાં હશે, ને મને સંભાર્યાનું જેણે કહ્યું હશે, તે સાસુ ભયંકર કેમ હોઈ શકે?

“તમે ઘેરે કાગળ જ નથી લખતા?” એ હજુય અંદર ઊભી ઊભી નીચે જોઈ રહીને વિચારો કરી કરી પૂછતી હતી. એની આંખો આગલાં-પાછલાં બારણાંમાં જોતી હતી.

“હવે લખીશ.”

“કેમ હવે?”

“તમારા ખુશીખબર… અને તમે એના ખુશીખબર પુછાવ્યા છે વગેરે,” સુખલાલે કેરીનો રસ કાઢી લીધા પછી હાથ ધોતાં ધોતાં ઓરડા તરફ જોઈને કહ્યું. સુશીલાના ખુશીખબર લખતાં પહેલાં જાણે પોતે પ્રત્યક્ષ ખાતરી કરી લેવા ઉત્સુક હતો કે તબિયત તો સારી જ છે ને!

તબિયત તો અણધારેલા પ્રમાણમાં સારી લાગી. સહેજ શામળી પણ તેજ મારતી ચામડી હતી. એવી ચોખ્ખી આંખો બહુ થોડી છોકરીઓની જ હોય છે. વધુ વિગતો તો સુખલાલ જોઈ જ ન શક્યો. પારકી કન્યાના શરીર પર નજરના ઉંદરડા દોડાવવામાં રહેલું જોખમ એ જાણતો હતો. આ કિસ્સામાં તો જોખમ ઘણું મોટું હતું.

હજુય સુશીલા જતી નહોતી. એટલે સુખલાલ ભય પામવા લાગ્યો. પ્રત્યેક છોકરામાં કુદરતી જ એક ભયભરી માન્યતા ઠસે છે કે છોકરીનો વાંક હશે તોપણ, છોકરી જ છેક છેલ્લી ઘડીએ પોતાની જાતને બચાવી લેવા માટે છોકરા પર બનાવટી આળ નાખતી જશે; એને ખોટું બોલતાં તેમ જ કૃત્રિમ આંસુ પાડતાં વાર નથી લાગતી. આંહીં સુખલાલને પણ આ અજાણી છોકરીની એવી જ કંઈક ફાળ હતી. તેમ આ ઊભી ઊભી મને બનાવતી તો નહીં હોય ને, એવો સંશય પણ પાછળથી એના મનમાં પેદા થયો. એ હવે જાય તો આફત ટળે!

પણ સુશીલાના પગ વધુ ને વધુ ચોંટતા ગયા. બહાર તળાવમાં ઉપરાછાપરી ભફાંગ ભફાંગ અવાજો બોલતા હતા, પાણીની દેગડીઓ ચડી રહી હતી. નાહનારાઓનું કિકિયારણ મચ્યું હતું. નીકળી જનારાઓને ફરી ઘસડી જઈને પાણીમાં નાખવાનાં તોફાનો પણ સંભળાતાં હતાં. મોટા શેઠ ને નાના શેઠ પણ તળાવ પર હતા, એ તેમના ઘાંટા પરથી સુશીલા પારખતી હતી. મોટા બાપુજીનું ગળું, એકદમ બની ગયેલા લક્ષ્મીવંતોના જેવું ભરડાઈ ગયેલું હતું.

એ બધા સ્વરો વચ્ચે ભાત પાડતો એક મોટરનો ગર્જના-નાદ ઊઠ્યો, અને સૌનો સત્કાર-સ્વર ઊઠ્યો: “ઓહો! વિજયચંદ્રભાઈ! ચાલો, જલદી કપડાં ઉતારો.”

મોટરમાંથી ઊતરનાર એક સંસ્કારી દેખાતા જુવાનને લેવા માટે મોટા શેઠ સામા ગયા, ને પછી બેઉની વચ્ચે “કેમ મોડા પડ્યા?” … “સેતલવાડ સાહેબને મળવા જવાનું હતું.” … “સર પી. નો કાગળ આવી પડેલો” વગેરે વાર્તાલાપ થતાં થતાં બેઉ જણા બંગલામાં ચડ્યા.

મોટા શેઠે બૂમ પાડી: “ક્યાં છે સુશીલાનાં બા ને ભાભુ વગેરે? આ વિજયચંદ્ર આવી પહોંચ્યા છે. લો હવે પીરસવાની તૈયારી કરાવો. મા’રાજ ક્યાં છે?” એમ બોલતાં બોલતાં મોટા શેઠ રસોડામાં દાખલ થાય તે પૂર્વે સુશીલાથી એ સ્થાન છોડી શકાયું નહોતું. મોટા બાપુજીને દેખીને એણે ચાલવા માંડ્યું, ત્યારે એની આંખો ઉશ્કેરાયેલી હતી. એને પણ મોટા શેઠે કહ્યું:

“કેમ સુશીલાબહેન, હવે પિરસાવો ઝટ, બેટા! વિજયચંદ્ર આવી ગયા છે.”

જવાબ આપ્યા વગર સુશીલા તો સામી બાજુના સ્ત્રીઓવાળા ઓરડામાં ચાલી ગઈ. પણ મોટા શેઠે આગળ વધી જ્યારે “કાં મા’રાજ, પીરસો હવે,” એમ કહ્યું ત્યારે ત્યાંથી સુખલાલે જ જવાબ આપ્યો: “હા જી, હું બોલાવું છું મહારાજને.”

સુખલાલ એટલું કહીને હાંફળોફાંફળો તળાવ પર દોડ્યો. એને દેખીને મોટા શેઠને ખાઈ ગઈ: એ ગોલો સુશીલાને મળવા જ શું આંહીં પેસી રહ્યો હતો? સુશીલાને શું એણે જ છૂપી ધાકધમકી મોકલીને તેડાવી હશે? સુશીલાનું મોં સૂઝેલું કેમ હતું?… એ તીખો આદમી સબૂરી ન પકડી શક્યો. જરૂર પડે તો આખી ઉજાણી ઉપર પણ ધૂળ વાળી દેવા એ અધીર બન્યો.

સુખલાલની કશી જ ગણના કર્યા વગર એ સ્ત્રીઓના ઓરડા તરફ ઉતાવળે પગલે ચાલ્યો ગયો ને એણે પોલીસ અધિકારીની ઢબે બાતમી મેળવવા માંડી.

“શું હતું સુશીલાને? ત્યાં રસોડે જઈને કેમ ઊભી હતી? કોણે ત્યાં તેડાવી હતી? કોણે એને કડવું વેણ કહ્યું છે? કોણ એને ડરામણી દેખાડે છે? હું એને ચીરીને મીઠું નહીં ભરી દઉં? એ છે કોણ હરામજાદો? કઈ સત્તાને હિસાબે એણે સુશીલાને ત્યાં બોલાવી હતી? ને એનો તો હજી મારા ઘરમાં પગ મૂકવાનો અધિકાર નથી, ત્યાં શું એ છોકરી ઉપર સત્તા ભોગવતો થઈ ગયો? કુત્તો! મવાલી! ગઠીચોર!”

“ચૂપ રહો, અરે, ધીરા રહો ભલા થઈને,” મોટા શેઠનાં પત્નીએ ધીરે સાદે ધણીને ઠપકો આપ્યો. “કાંઈક સમજણ તો પડવા દો.”

“સમજણ શી?” અંદરથી સુશીલાની બા લાજને છતે ઘૂમટે જેઠનો પક્ષ ખેંચતાં બોલી ઊઠ્યાં: “છોકરી હીબકે હીબકાં ભરી રહી છે, ભાભીજી! તપાસ તો કરો, કોણે એને ધમકાવી છે?”

“બા-બા-બા —પણ તમે ચૂપ—છાનાં—તમને કોણ—” એવા શબ્દો સુશીલાનાં હીબકાંમાંથી ઊઠતા હતા. એ શબ્દોનું વાક્ય બની શકતું નહોતું. સુશીલા જે કહેવા માગતી હતી તેનાથી ઊંધો જ ભાવ એની બાએ એના બોલમાંથી ઉઠાવ્યો હતો.

“ભાભુને —ભાભુને—આંહીં—બોલાવો,” સુશીલાએ કહ્યું.

એને ભાભુ પર વહાલ અને શ્રદ્ધા હતાં. મોટા શેઠનાં સંતાનવિહોણાં પત્ની અત્યંત ગરવાં હતાં, ને સુશીલા પર તેમનો જ સંસ્કારપ્રભાવ હતો.

“ભાભુના પડખામાં રહીને જ તું એના જેવી ભલીભોળી બની ગઈ છો,” એમ બોલતાં એની બાએ પોતાની જેઠાણીને બોલાવ્યાં: “આ તમારી રઢિયાળી બોલાવે છે તમને, ભાભીજી!”

“કેમ બેટા?” ભાભુએ કશો જ ઉકળાટ બતાવ્યા વગર પૂછ્યું.

“મોટા બાપુજીને કહો કે કોઈને કંઈ કહે નહીં.”

“ન કહે તો શું સાંખી લ્યે? પરણાવ્યા જેવડી દીકરી જોડે આંહીં એકાંત કરતાં શરમ ન આવી રૂપાળાને! કાઢો ને હવે આંહીંથી, કાંઈક છૂટકો પતાવો ને આ વાતનો!”

સુશીલાની બા આંહીંથી જે બોલતાં હતાં, તેને મોટા શેઠ બહાર ઊભા ઊભા ઝીલતા હતા. “એ હવે તમે તમારે જોયા કરો. તમારા જેઠને બધીય વિદ્યા આવડે છે. તમારા જેઠે પંદર વર્ષથી મુંબઈ ખેડી છે. એની પાસે એકોએક તાળાની ચાવી છે. હવે તમે તમારે તાલ જોયા કરો. ઘીને ઘડે ઘી થઈ રે’શે, બાપા! મને કાંઈ થોડી ચાટી ગઈ હશે? શું કરું? ગમ ખાઈને બેઠો છું, કેમ કે ઘરનું માણસ જ મને મોળો પાડી દે છે ને! નીકર હું આટલી વાર લાગવા દઉં કાંઈ?”

“સબૂરી રાખો, સબૂરી રાખો; ઉતાવળા સો બાવરા થાવ મા,” જેઠાણી હજુય પતિને એ જ જાપ સંભળાવતાં હતાં.

આ હાકોટા તળાવની પાળે પછડાયા. નાહવાનું થંભી ગયું. શી નવાજૂની થઈ તેની કોઈને જાણ નહોતી. ભણકારા વાગી ગયા એક ફક્ત સુખલાલના ભેજામાં. પણ આ તોફાનમાં સુશીલા શો ભાગ ભજવી રહી હતી? એને આવેલી કલ્પનાઓ કારમી હતી. રસોડામાં એની અને સુશીલાની વચ્ચેની છેલ્લી વાત આ હતી:

“શું કામ બધાં તોડાવવા ફર્યાં છે? મેં ક્યાં કોઈને કહ્યું છે? મને ક્યાં કોઈએ પૂછ્યું છે? તમે જે કામના ઢસરડા કરો છો તેની મને ખબર છે, મારું મન બળે છે. તમારા શરીરને સાચવતા શા માટે નથી?”

આટલું કહેતી કહેતી એ ઓરડામાં ઊભી ઊભી રડી કે તરત જ મોટા શેઠ આવ્યા હતા. પણ એણે અંદર જઈને કોણ જાણે શોય ખુલાસો કર્યો હશે?

છોકરીઓનો શો વિશ્વાસ?

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED