વેવિશાળ - 10 Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વેવિશાળ - 10

વેવિશાળ

ઝવેરચંદ મેઘાણી

૧૦. જુવાન પુત્રીની આફતમાંથી

એ આખો દિવસ ‘વેવાઈ’ જમવા કે ચા પીવા ન આવ્યા. રાત્રીએ ચાદર, દાતણ વગેરે ચીજો આપીને પાછા વળેલા શોફરને સવારે સુશીલાએ ભાભુની સમક્ષ ઉપર બોલાવ્યો હતો, ત્યારે શોફરે સુખલાલના પિતાના બધા સમાચાર આપ્યા હતા. સુશીલાએ જાણે કે ભાભુની વતી જ પ્રશ્ન કર્યો: “કાંઈ બોલ્યા હતા મહેમાન?”

શોફર અહમદે મરક મરક કરતે કહ્યું: “દૂસરા કુછ નહીં, બસ ઇતના જ: અરે દીકરી! વાહ રે, મારી દીકરી! એસા કહ કર ક્યા બહુત ખુશ હોતા થા કિ ક્યા બહુત રંજ કરતા થા, કુછ માલૂમ નહીં પડા.”

“તબિયત કેમ હતી?”

“ઠીક. વો સુખલાલ બાબુ સોતે થે, ઔર એક નર્સ વહાં ખડી થી, વો મહેમાનકો બિછાના બિછા દેતી થી, ઔર ‘ફાધર! ફાધર! બાપા! બાપા! યું કરો, ઐસા કરો, બચ્ચાકો અફસોસ હોવે ઐસા કોઈ હાલ મત સુનાઓ’ —ઐસી ઐસી બાતાં અલગ લે જાકર કહતી થી. ઔર મહેમાન બાબુ તો નર્સકા કહેના, બસ, હાથ જોડ કર સુન રહે થે—બેચારેકો બોલને આતા નહીં, તૂટીફૂટી બાત બોલતે થે કિ, મડમ સા’બ, બાપુ, પ્રભુ તેરા ભલા કરેગા, તેંને મેરા લડકાકો બચા લિયા, વગેરે.”

“રાતે નર્સો બદલાતી નહીં હોય?” સુશીલાથી એકાએક બોલાઈ ગયું.

“હાં, બદલી હોતી હૈ,” શોફરે વધુ ખબર દીધા, “વો થી દિનકી નર્સ: ડ્યૂટી ખતમ કરકે જા રહી થી ઔર કહ રહી થી કિ ‘કલસે મેરી નાઈટ-ડ્યુટી હો જાયગી. તબ બાપા, બાપા, તુમકો કુછ તકલીફ નહીં પડેગી.’ ઔર સુખલાલ બાબુકો બોલતી થી કિ, ‘ઈસ્માટી! ઈસ્માટી! મૈં આજ સિનેમા દેખનેકો જાતી હું, તો ગુડ નાઇટ કરનેકો ફિર નહીં આઉંગી.’ બસ, પીછે, ‘ફાધર, ગુડ નાઈટ, બાપા સલામ, ઈસ્માટી સલામ’ કરતી કરતી મુઝકો ભી ગુડ નાઇટ કહેતી ચલી ગઈ ઔર —મૈં ક્યા કહું! —મહેમાન બાપા તો બિચારા વો નર્સકી સામને પૂતલાકી તરહ મું ફાડ કર કહાં તક દેખ હી રહે થે! સબ દરદી લોક, ઔર વહાંકે સબ દરવાન-ફરવાન હસહસકે બેજાર હો ગયે.”

પછી શોફરને એકાએક યાદ આવ્યું કે મહેમાને એક કાગળ સુશીલાબહેનને આપવા દીધેલો છે. એ કાગળ શોફરે સુશીલા તરફ ધર્યો. સુશીલાએ લઈને ભાભુને આપ્યો. થોડું થોડું ભણેલાં ભાભુએ કાગળની ગડીઓ ઉખેળીને જોયું, તો પોતાને ગમી જાય તેવા હસ્તાક્ષરો નીકળ્યા. એ અક્ષરોમાં અણઘડ ગામડિયો મરોડ હતો ખરો ને, એટલે ભાભુને સુપરિચિત થતાં વાર ન લાગી. એ એક ગ્રામ્ય છોકરીના અક્ષરો હતા. અક્ષરો જાણે આપોઆપ બોલી ઊઠ્યા કે, અમે તો માંડ માંડ જડી આવેલી એક દેશી પેનસિલના નાના બુઠા ટુકડાનાં ફરજંદો છીએ. કાગળમાં લખ્યું હતું કે—

“ઈશવર સદા સુખી રાખે મારાં માયાળું ભાભી સુશીલા. બા તમને બઉ સંભારે છે. અમે તમને બઉ સંભારી છીં. મળવાનું મન બઉ છે. બા કેવરાવે છે કે મરતાં પેલાં એક વાર મોં જોઉં તો અવગત નૈં થાય. પણ છેટાંની વાટ, મળાય ક્યાંથી. બાએ ન મળીએ તો આશિષ કેવારેલ છે. તમારે માટે ચોખ્ખા માવાના દૂધપેંડા મોકલેલ છે. તમારાં ભાભુની ને માતુશરીની સેવા કરજો ને ડાયાં થૈ રેજો. ન મળાય તો અપરાધ માફ કરજો. ધરમ નીમ કરજો. બા ન મળે તો બાની પાછળ છ મૈનાની સમાક્યુંનું પુન દેજો. વધુ શું લખાવું. તમારા દેરનું અને નણંદનું કાડું તમને ભળાવું છું. તમારા સસરાએ જેવી મારી ચાકરી કરી છે, તેવી જ ચાકરી એ તમારે હાથે પામજો. ભાભી, બાએ આટલું લખાવેલ છે. બાને તાવ ભરાઈ ગયો છે. ભાભી, મારા માટે એક-બે ચોપડિયું મોકલજો. તમારી જૂની હોય તે મોકલજો. હું બગાડીશ નૈ. તમે આવશો ત્યાં સુધી સાચવી રાખીશ. ભાભી, અમે તો તમને જોયાં જ નથી. કેવાં હશો. રોજ મને તમારું સપનું આવે છે. પણ સવારે પાછું મોઢું યાદ રે’તું નથી. ભાભી, તમે ચણિયા ઉપર ચોરસો પેરો છો કે સાડી પેરો છો, તે ચોક્કસ લખજો હો. હું તો ચોરસો પેરું છું. એક નવો ચોરસો બાપા લઈ આવેલા તેના ઉપર એક છાપ હતી. તેમાં એક રૂપાળી બાયડી હતી. હું એને સુશીલા ભાભી કહું છું, ને મારી પેટીમાં રાખું છું. લીખતંગ તમારી નાની નણંદ સૂરજ.”

ભાભુ પોતે અક્ષરો બેસાડતાં બેસાડતાં ધીરે અવાજે વાંચતાં ગયાં તે સુશીલા સાંભળતી ગઈ. કાગળ પૂરો કરીને ભાભુએ કહ્યું: “લે વાંચ જોઉં, કેવો રૂપાળો કાગળ લખાવ્યો છે બચાડા જીવે! એને કાંઈ ઊંડી વાતની ખબર છે? અજાણ્યું ને આંધળું બેય બરોબર! શી થાવી ને શી થાશે? અરેરે બાઈ! લેણદેણની વાત મોટી છે. અંજળ લખ્યાં હશે ત્યાં જ જવાશે. હું તો મૂઈ જૂના વિચારની જ રહી ગઈ.”

સુશીલા એ કાગળ ફરી ફરીને વાંચતી રહી. દરમ્યાન આજુબાજુમાંથી આવી ચડેલી સુશીલાની બાએ બધી વાત જાણીને ઝટ કહી નાખ્યું: “ગામડાનાં ભોથાં! હજી તો અટાણથી ‘ભાભી ભાભી’ કહેવાનું શરૂ કરી લીધું. ભાભી કહેવી એમ રેઢી પડી હશે!”

***

રેટ કરો અને રિવ્યુ આપો

pritiba jadeja

pritiba jadeja 1 માસ પહેલા

Vipul Petigara

Vipul Petigara 4 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 8 માસ પહેલા

Hardik Variya

Hardik Variya 11 માસ પહેલા

Yogesh Raval

Yogesh Raval 1 વર્ષ પહેલા