અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી
ભાગ – ૪
(ગયા ભાગમાં તમે વાંચ્યું, ચંદન એ સ્ત્રી સાથે બનેલી આખી ઘટના નિતિનને જણાવે છે. નિતિન ત્યાંથી ઘરે નિકળે છે ત્યારે ગાડીમાં આઇફોનની રિંગ વાગે છે... હવે આગળ....,)
હું ત્યાંથી નીકળતો હતો ને ગાડીમાં ફોનની રિંગ વાગી. ગાડીમાં બેસતા મારું હૈયું ભયથી થડકી ઉઠ્યું! બાજુમાં અને પાછળની સીટ પર કોઈ નહતું છતાં ભીતરમાં ઘૂંટાતો ભય ભાંગવાં એક વખત નજર ફેરવી લીધી. ઘરેથી તેજલનો ફોન આવી રહ્યો હતો. મેં ફોન રિસીવ કરીને ગાડી સ્ટાર્ટ કરી. તેજલે તેના મીઠા અવાજમાં પૂછ્યું,
“ક્યાં પહોંચ્યા, મિસ્ટર?”
“બસ આ પેટ્રોલ પુરાવીને હાઇવે પર ગાડી લઉં છું... કલાકમાં ઘર ટચ થઈ જઈશ...”
“હજુ કલાક થશે પહોંચતા??”
હું તેના ચહેરા પર ઉપસી આવેલા ચિંતાગ્રસ્ત હાવભાવ સ્પષ્ટપણે ઈમેજિન કરી શકતો હતો. એના સૂરીલા કંઠનો ખનકદાર અવાજ મારા ગમે તેવા ખરાબ મૂડને તરત જ ખીલવી મૂકતો. મેં મુસ્કુરાતા નટખટ અંદાજમાં કહ્યું, “આટલી બધી ચિંતા થાય છે મારી...!? હં...! કે પછી... ડુ યુ મિસ મી ઇન બેડ...?”
“સાવ પાગલ છો તમે...” કહેતા જ તેની ખનકદાર હસીનો અવાજ મારા કાનમાં રેલાયો. હું તેનો ખીલી ઉઠેલો ગુલાબી ચહેરો મન:ચક્ષુ આગળ કલ્પી રહ્યો હતો. “વાઈફ છું તમારી એટલે ચિંતા તો કરું જ ને! કાલે સવારે પપ્પાને ડાયાલિસિસ માટે લઈ જવાના છે, યાદ છે ને!”
“હા યાદ જ છે...”
“ઓકે તો, સામે જોઈને ચલાવો અને જલ્દી ઘરે પહોંચો... લવ યુ... બાય.” કહીને તેણે તરત ફોન મૂકી દીધો.
મુસ્કુરાતા ચહેરે મેં ફોન આગળના સ્ટેન્ડ પર મૂર્તિની જેમ ઊભો મૂકી દીધો. થોડીક વાર બાદ ફોનની સ્ક્રીન વગર મેસેજે આપમેળે ઓન થઈ ગઈ! અજીબ પ્રકારની આછી સુગંધ ગાડીમાં ઘોળાવા લાગી. એ સ્ત્રીનું પ્રેત યાદ આવતા જ ડરનું લખલખું ફરી પાછું મારી રગેરગમાં પ્રસરી ગયું. મોબાઇલની સ્ક્રીન પર UNKNOWN મેસેજની નોટિફિકેશન રણકી...
ટન્ન....
મેસેજની ટોન સંભળાતા જ મારા હ્રદયના ધબકારા અચાનક વધી ગયા. જેમાં નામ, નંબર અને એડ્રેસ લખેલા હતા. ડ્રાઈવ કરતી વખતે મેં મેસેજ તરફ એટલું ધ્યાન ન આપ્યું. મેં રિયર મિરરમાં નજર નાંખી તો... અચાનક મારી છાતીમાં ધ્રાસ્કો પડ્યો! આંખો ભયથી પહોળી થઈ ગઇ! એ સ્ત્રી પાછળની સીટમાં વચ્ચે બેઠેલી હતી! તેને જોઈને મારું હ્રદય કબૂતરની જેમ ભયથી ફફડી ઉઠ્યું...! ગાડીનું સ્ટેરિંગ જરાક ફગી ગયું, પણ જેમતેમ કરી ગાડી કંટ્રોલ કરી લીધી. ધડકતા હૈયે મેં ફરીથી રિયર મિરરમાં જોવાની હિંમત કરી તો... તે વેધક નજરે મિરરમાં મને દેખી રહી હતી. અસ્તવ્યસ્ત ફૂટી નીકળેલા પીળા દાંત વાળું મોં ખોલીને ઘોઘરા અવાજે ઘૂરકી... “મુક્તિ અપાવ...!! છૂટવું છે મારે અહીંથી...!!” કહીને તેણે ધીરેથી માથું નીચું નમાવી દીધું. ઝીંથરિયા વાળ તેના ચહેરા આગળ પથરાઈ ગયા. બંને હાથ ધીરેથી ઊંચા કરી જાણે હવામાં ધક્કો માર્યો હોય એમ જોરથી આગળ હડસેલ્યા, ને એ ચાલુ ગાડીમાંથી બહાર નીકળી ગઈ!
હોલી ફક...!! – આંખો પર વિશ્વાસ ન બેસે એવું અલૌકિક દ્રશ્ય દેખીને અજાણતા જ અપશબ્દ નીકળી ગયો!
રિયર મિરરમાં હું તેને અચંબિત નજરે જોઈ રહ્યો હતો. તે રોડ વચ્ચે બિલકુલ સ્થિર ઊભી હતી. મેં ગાડી ફૂલ ગિયરમાં મૂકી, એક્સિલેટર પર પગ દબાવી.... ફૂલ સ્પીડે મારી મૂકી...
***
ઘરે પહોંચીને મેં મોબાઈલમાં આવેલો UNKNOWN મેસેજ ચેક કર્યો. મેસેજમાં વિક્રમ ચૌધરી નામ લખેલું હતું, અને તેનો મોબાઈલ નંબર તથા ઘરનું સરનામું હતું. મેં વિચાર્યું કે આ મેસેજ દ્વારા એ સ્ત્રી શું કહેવા ઇચ્છતી હતી? અને તેના એ આખરી શબ્દો? એ શું કહેવા માંગતી હતી? એ અલૌકિક ઘટનાએ મને અચરજમાં મૂકી દીધો હતો. કીડીયારામાંથી નીકળતી કીડીઓની જેમ મારા મનમાં પ્રશ્નો ફૂટી રહ્યા હતા.
મેસેજમાં લખેલું નામ એ કદાચ તેનો પતિ પણ હોય શકે! મેં મોબાઈલમાં સમય જોયો. સવા એક વાગ્યા હતા. મેં વિચાર્યું કે કાલે આ નંબર પર ફોન કરીને પૂછી જોઈશ કે કોણ છે આ વ્યક્તિ. ત્યારે તો હું શારીરિક અને માનસિક બંને રીતે ખૂબ થાકી થઈ ગયો હતો.
મેં ઘરમાં જઈને પહેલા તો બરોબર નાહીં લીધું. એ રાત્રે મારી સાથે કેવી વિચિત્ર ડરામણી ઘટના બની હતી એ વિશે તેજલને વાત કરવાની ઈચ્છા થઈ ઉઠી, પણ પછી એ વાત મનમાં જ ધરબી દીધી. અમે બંને બેડમાં સૂઈ રહ્યા હતા. મારી આંખોમાંથી ઊંઘ ગાયબ હતી. મારી બાજુમાં તેજલ મારી તરફ પાસું ફેરવી ઘસઘસાટ ઊંઘી રહી હતી. બિલકુલ નાના બાળકની જેમ. તેને જોઈને મારા બંધ હોઠ સ્મિત ફરકી ગયું. હું પડખા ઘસતો આમતેમ ફરતો રહ્યો, પણ ઊંઘનું કેમેય કરીને ઠેકાણું પડતું નહતું. આંખો મીંચું તો એ સ્ત્રીનો રડતો ચહેરો અને ઘોઘરો અવાજ યાદ આવી જતો, ને તરત જ ભયથી પોપચાં ઉઘડી જતાં!
બારીના કાચમાંથી બેડરૂમમાં ચંદ્રમાનું આછું અજવાળું પથરાતું હતું. હું ખુલ્લી આંખે છત પર તાકી રહ્યો હતો ત્યાં પણ... તે સ્ત્રી જાણે ગરોળીની જેમ છત પર ચોંટેલી દેખાઈ, ઝાટકાથી માથું મારા તરફ ફેરવી ભયાવહ દુષ્ટ હાસ્ય તેના ઘોઘરા અવાજમાં કાઢતી હતી, પશુઓની જેમ તેની આંખો ચળકતી દેખાતી હતી. રિયર મિરરમાં દેખેલા તેના પીળા ઉબડખાબડ ઉગેલા દાંતવાળું ખડખડ હાસ્ય મારી નજર સામેથી લાખ પ્રયત્ને પણ ખસતું જ નહતું. મારા ધબકારા તેજ થઈ જતાં હતા. છાતીમાં ગૂંગણામણ થવા લાગી. નાઈટ લેમ્પ ઓન કરી, ડ્રોવરમાંથી સિગરેટ્સનું પેકેટ અને લાઇટર લઈને હું બાલ્કનીની ફ્રેશ હવા લેવા બહાર નીકળ્યો. એક સિગરેટ સ્મોક કરીને હું બેડમાં આડો પડ્યો. આંખોમાં ઊંઘ ઘેરાવા લાગી હતી... નાઈટ લેમ્પની સ્વિચ ઓફ્ફ કરી, તેજલ તરફ પાસું ફેરવી હું ઊંઘમાં સરી પડ્યો.
***
સવારે તેજલે મને ઢંઢોળીને ઉઠાડયો. મસ્ત મજાની ઊંઘ અધૂરી છોડી મારે ઊઠવું પડ્યું. ફાધરને ડાયાલિસિસ માટે હોસ્પિટલ લઈ જવા માટે હું તૈયાર થઈ ગયો. ગઈકાલ રાતે બનેલી ઘટના જાણે કોઈ ખરાબ સપનું જોઈ લીધું હોય એવું લાગ્યું. હોસ્પિટલમાં ચારેક કલાકમાં ફાધરનું ડાયાલિસિસ પૂરું થઈ જતાં હું તેમને ઘરે મૂકી ગયો. એ રાત્રે મોબાઇલમાં UNKNOWN નંબર પર આવેલા મેસેજમાં લખેલા ફોન નંબર પર મેં કોલ કર્યો. ચારેક રિંગ વાગીને સામે છેડે ફોન ઉપડ્યો,
“હેલ્લો...,”
“મિસ્ટર, વિક્રમ ચૌધરી...?” મેં પૂછ્યું.
“યસ, સ્પીકિંગ...”
સચોટ નામ નંબર નીકળતા મારા ચહેરા પર અચરજભાવ ઉછળી પડ્યો. મેં સ્વસ્થ અવાજમાં મારો પરિચય આપતા કહ્યું, “મારું નામ નિતિન પારેખ છે. મારે તમારી સાથે થોડીક પર્સનલ વાત કરવી છે, એબાઉટ યોર લેટ વાઈફ...” ડાઇરેક્ટ મુદ્દાની વાત પર આવતા મેં કહ્યું.
“એક્સક્યુઝ મી...? ડુ આઈ નો યુ? હેવ વી મેટ બિફોર?”
“નો, બટ આઈ હેવ સમથીંગ ક્વાઇટ સિરિયસ ટુ ટેલ યુ એબાઉટ...”
“ઓલ રાઇટ, વોટ ઈઝ ઇટી...?”
“ગઈ કાલ રાત્રે હું તમારી લેટ-વાઈફના પ્રેતને જોયું હતું...” સ્થિર અવાજમાં મેં કહ્યું.
“વ્હોટ નોન્સેન્સ આર યુ ટોકિંગ એબાઉટ...? હૂ ધ હેલ યુ ગેવ માય નંબર?”
એમના અવાજમાં પરખાતો ગુસ્સો મેં ભાંપી લીધો. મેં શાંત અવાજે તેમનો ગુસ્સો કાબુમાં લઈને મુખ્ય વાત પર આવતા કહ્યું, “વિક્રમભાઈ, હું તમને ક્યારેય મળ્યો નથી, પણ મારા પર વિશ્વાસ કરો, તમારું નામ, નંબર અને ઘર એડ્રેસ ગઈકાલ રાત્રે મારા સાથે એક ખતરનાક ઘટના બની એ વખતે મારા મોબાઈલમાં અન્નોન મેસેજ રૂપે આવી હતી...”
“શું ઘટના બની હતી તમારી સાથે?” તેમણે બેફિકરાઈ પૂછ્યું હોય એવું મને લાગ્યું.
“વાત માન્યામાં ન આવે એવી અલૌકિક તમને લાગશે, પણ એ બિલકુલ સત્ય છે. મેં મારી નજરો નજર સામે તમારી વાઈફના પ્રેતને જોઈ હતી, એ સ્થળે જ્યાં એમનું ટ્રક અકસ્માતમાં મૃત્યુ થયું હતું...” એકદમ ગંભીર અને શાંત સ્વરે મેં આખી ઘટના તેમને સંભળાવી. અન્નોન મેસેજની વાત અને એમની પત્નીએ કહેલાં બે આખરી વાક્યોની વાત પણ કરી. એમણે કશું પણ બોલ્યા વિના શાંતિથી મારી વાત સાંભળી. છેલ્લે જરાક ગંભીર અવાજમાં તેમણે કહ્યું, “શું આપણે રૂબરૂ મળી શકીએ…? મારે તમારી સાથે ખાસ વાતચીત કરવી છે.”
“સ્યોર, મારી પાસે તમારા ઘરનું એડ્રેસ છે... સાંજે પાંચ વાગ્યે હું ત્યાં આવી જઈશ...” કહીને મેં એડ્રેસ કન્ફર્મ કર્યું.
***
ગાડી લઈને સાંજે પાંચ વાગે હું તેમના ઘરે પહોંચ્યો. હીંચકા પર છએક વર્ષની છોકરી, બ્રાઉન ટેડીબેર ખોળામાં લઈને એકલી એકલી રમતી હતી. ઘરમાંથી બહાર આવતા વિક્રમે મને જોઈને મારું નામ પૂછ્યું. જરાક અછડતું સ્મિત કરીને મને અંદર બોલાવ્યો. પ્રવેશદ્વારની બંને બાજુ શુભ-લાભ અને દરવાજાની વચ્ચે લાકડાના ગણપતિ બેસાડ્યા હતા. બેઠકખંડમાં પ્રવેશ કરતાં જ સામેની દીવાલ પર એ સ્ત્રીની મોટી છબી લટકેલી દેખાઈ. જેની પર તાજા ફૂલોનો હાર ચડાવેલો હતો. એ સ્ત્રીનું નામ નિર્મલા હતું. હું સોફામાં બેસી ઘરનું નિરીક્ષણ કરવા લાગ્યો. ઘરનું વાતાવરણ બિલકુલ સ્તબ્ધ હતું. સૂનકારથી ભરેલું; કદાચ સ્ત્રી વિનાનું ઘર જાણે જીવ ઊડેલા શરીરની જેમ બેજાન બની પડ્યું રહેતું હશે.
***
(નિતિનને ઘરે બોલાવવા પાછળ વિક્રમનું શું કારણ હશે? એવી તો કઈ ગંભીર વાતચીત કરવા તે ઈચ્છતો હતો? નિતિનનું આ સ્ટેપ તેના માટે ખતરારૂપ સાબિત થવાનું હતું કે પછી...? આગળ જાણવા વાંચતાં રહો ભાગ – ૫...)