Adhuri Ichchha - 1 books and stories free download online pdf in Gujarati

અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી

અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી

વિજ્ઞાનમાં કહેવાય છે કે, કલ્પના એ હકીકત જેટલી જ વાસ્તવિક અને વિશ્વાસનીય લાગતી હોય છે. કેટલીક વાર આપણી સાથે બનેલી ઘટના આપણાં માટે તો હકીકત હોય, પણ બીજા લોકો માટે એ માત્ર કોરી કલ્પના હોય છે.

ભૂતપ્રેતોની કહાનીઓ પર મને ક્યારેય વિશ્વાસ બેસતો નહતો. લોકોના મનને પંપાળી તેમને મનોરંજન કરવા માટે ઉપજાવી કાઢેલી વાતોમાં સત્ય તો શું, ક્યારેય તથ્ય જેવું પણ નહતું લાગ્યું. બધી હંબક વાતો હોય છે એવું હું કહેતો. આજે અહીં એક એવી સત્યઘટના પરની વાર્તા કહીશ, જે મેં મારી નજર સમક્ષ, આંખોદેખી બનતી જોઈ છે. અને એ ઘટનાનો હું એકમાત્ર ગવાહ રહ્યો છું. ૬ માર્ચની એ રાતના સફર વખતે બનેલી ઘટનાનું અચરજ હજુ પણ મારા મનમાંથી ઓસર્યું નથી. એ અનુભવ આજે પણ યાદ કરું છું ત્યારે દિમાગ વિચાર કરવા સુન્ન પડી જાય છે.

રાજકોટમાં બિઝનેસ અંગેની મિટિંગ હતી એ પતાવી, હું મારા કોલેજના ખાસ મિત્ર, દિલિપને ફોન કરી તેના ઘરે મળવા ગયો હતો. ત્યાં એમના પરિવાર સાથે ડિનર કરી અમે બંને મિત્રો સોફામાં વાતો કરવા બેઠા. જૂના કોલેજ ફ્રેંડ્સ મળે એટ્લે યુ નો... વાતોનો ખજાનો ખૂટે જ નહીં! કોલેજ કાળની અને મેરેજ લાઈફ બાદ બદલાયેલા જીવન વિશેની વાતો કરી બેચલર લાઈફના એ વિતેલા દિવસોને યાદ કર્યા. વાતોના સિલસિલામાં સાડા નવ ક્યારે વાગી ગયા એની પણ ખબર ન રહી. ઘરે નીકળવા માટે મારી વાઈફ, તેજલનો ઘરેથી ફોન આવ્યો એ પછી મારે વાતોનો દોર સંકેલવો પડ્યો.

દિલિપે મને રાતે ત્યાં જ રોકાઈ જવા ઇનસિસ્ટ કરતાં કહ્યું, “નિતિન, મોડી રાત્રે ડ્રાઇવિંગ કરવામાં ઘણું રિસ્ક રહે યાર. ઇટ્સ અ લોંગ ડિસ્ટન્સ ટુ ડ્રાઈવ યુ નો...! ક્યાંક ઝોકું-બોકું આવી ગયું અથવા તો ક્યાંક ગાડી બંધ પડી ગઈ તો એટલી મોડી રાત્રે મદદ કરવાવાળું કોણ મળે? અત્યારે અહીં જ રોકાઈ જા. સવારે વહેલા ચા-નાસ્તો કરીને નીકળી જજે...”

પરંતુ મારે એ રાત્રે અમદાવાદ પહોંચવું ખૂબ જરૂરી હતું. બીજે દિવસે સવારે ફાધરને ડાયાલિસિસ માટે હોસ્પિટલ લઈ જવાની આપોઈંટમેન્ટ હતી, એના વિશે મેં કહ્યું ત્યારે એણે મને રાત રોકાવા વધુ ઇન્સિસ્ટ ન કર્યું.

પોણા દસે હું ત્યાંથી અમદાવાદ જવા નીકળ્યો. નેશનલ હાઇવે પર SVR પાણીના રેલાની જેમ સડસડાટ જતી હતી. સ્મૂથ અને સેફ રોડ હોય એટ્લે યુ નો, ગાડી ડ્રાઈવ કરવાનો રોમાંચ જ કંઈક ઔર હોય. ડ્રાઈવ કરતી વખતે મેં સ્પીડોમીટર પર નજર કરી. ૧૧૪.૭ km/hની સ્પીડ ડિજિટલ આંકડામાં બતાવતી હતી. મારી નજર ત્યાં બાજુમાં લાલ રંગના પેટ્રોલ ઈંડિકેટર પર પડી! પેટ્રોલ લગભગ પૂરું થવા પર હતું. ડ્રાઈવ કરતી વખતે સામે મૂર્તિની જેમ ચાર્જિંગમાં ઊભા મૂકેલા આઇફોનમાં મેં સિરિને પૂછ્યું, ‘Hey Siri, Show me the location of nearer petrol pump’. સિરિએ તરત જ સ્ક્રીન પર મેપ બતાવી રીલાયન્સ પેટ્રોલ પંપ 3.5 km દૂર છે એમ બતાવ્યું. ત્યાં સુધી તો ગાડી પહોંચી જશે એમ વિચારી છાતીમાં થોડોક હાશકારો થયો. સિરિની મદદથી તેજલને પણ મેસેજ મોકલી દીધો : Hey honey, I’ll be there in 3 hours. Don’t be too much worried about me. Bye. Love you.

આઈફોનની સ્ક્રીન પર ઓટોમેટિક રીતે મેસેજ પહોંચી જતો જોઈને મેં નજર સામે કરી ત્યાં તો.... ડિવાઇડર પરનું ધૂંધળું દ્રશ્ય દેખાતાં જ ભયની આછી કંપારી મારા શરીરમાં પ્રસરી ગઈ! દૂર ડિવાઇડર પર સફેદ સાડીમાં એક સ્ત્રી બેઠેલી હતી. મેં ગાડીની સ્પીડ તરત જ ધીમી કરી. તેની ઉંમર લગભગ ત્રીસેક આસપાસની હોય એવી દેખાતી હતી. તેનો દેખાવ ખરેખર ડરામણો હતો. ખુલ્લા ઝીંથરિયા વાળ, સફેદ સાડી, કપાળે લગાવેલો મોટો લાલ ચાંલ્લો, અને બંને હાથ ખોળામાં લઈ, ગાંડાની જેમ અધખુલ્લી પલાંઠી વાળી જાણે ઊંડા વિચારોમાં ખોવાઇ ગઈ હોય એવી બિહામણી મુદ્રામાં એ બેઠેલી હતી. બે રોડ વચ્ચેના ડિવાઇડર પર આવી અસુરક્ષિત રીતે કોઈ સ્ત્રીને આમ એકલી બેઠેલી જોઈને મારી અંદર ડર ઘૂંટાવા લાગ્યો. મૂંઝવણભર્યા મને મેં વિચાર્યું : આટલી મોડી રાત્રે આવી સુમસાન સડક પર આ સ્ત્રી આમ એકલી કેમ બેઠી હશે??

મેં ગાડી ધીમી કરી સાઈડમાં ઊભી રાખી. એ હજુ પણ અધખુલ્લી પલાંઠીની મુદ્રામાં રોડ પર એકધારી નજરે તાકી રહી, મગ્ન થઇ બેઠી હતી. હું ગાડીના કાચમાંથી એને જરાક ભયભીત પણ મદદ કરવાના લાગણીભાવથી દેખી રહ્યો હતો. મારા મનમાં ધૂણતાં પ્રશ્નોનો જવાબ શોધવા હું મથતો હતો. સફેદ સાડીમાં કોઈ વિધવા સ્ત્રી હોય તો ચાંલ્લો ભૂંસેલો હોવો જોઈએ પણ... પણ એણે તો મોટો લાલ ચાંલ્લો લગાડેલો હતો!

મેં એની રોડ પર મંડાયેલી આંખો સામે જોયું. રોડ પર જડાયેલી તેની આંખોમાં કોઈક મોટા દુ:ખનો ભાવ છલકાતો હોય એવું લાગ્યું. તેના ચહેરા પર ગમગીની છવાયેલી હતી. હિંમત ભેગી કરી, દરવાજો ખોલીને એને મદદ કરવા પૂછવા જાઉં એ પહેલા જ તો તેની વેધક આંખો સડક પર સાપની જેમ સરકતી મારા પર વીંટાઇ ગઈ!

ઊભા થવા એના પગ સળવળ્યા.

એને મારા તરફ આવતી જોઈને મારી તો રગેરગમાં ભયનું લખલખું દોડી ગયું! એક પળ માટે તો પગ એક્સીલેટર પર દબાવી ગાડી ત્યાંથી મારી મૂકવાની ઈચ્છા જોર કરી ગઈ, પણ મારા અંતરભાવે મને રોક્યો. તેનો વિચિત્ર બિહામણો દેખાવ અને ચાલ જોઈને મારા હ્રદયના ધબકારા એકાએક તેજ થઈ ગયા. ચહેરા પર અચંબિત ભાવ અને વિચિત્ર ડર થીજવા લાગ્યો. તેની વેધક નજરથી મારું હ્રદય પળેપળે જાણે ભયના ભાલાથી વીંધાઈ રહ્યું હોય એવું લાગતું હતું. ભૂતપ્રેતમાં બિલકુલ ન માનનારો હું, તે સમયે તો જાણે... જાણે પૂતળાની જેમ જડ બની ભયભીત નજરે તેને જોઈ રહ્યો હતો. એ સુમસાન રાત્રે મારી છત્રીસની છાતી જાણે મીણના પૂતળાની જેમ ઓગળી રહી હોય એવું લાગતું હતું.

તે ગાડીની બાજુમાં આવીને ઊભી રહી. હું તેનો બિહામણો દેખાવ કાચમાંથી સ્પષ્ટ દેખી શકતો હતો. હવામાં તેના ઝીંથરિયા વાળ જાણે ઘેઘૂર વડલાની વડવાઈઓની જેમ ઝૂલતા હતા. સફેદ સાડી મંદિરની ધજાની જેમ હવામાં લહેરાઈ રહી હતી. અપલક અને વેધક નજરે તે મને જોઈ રહી હતી. કદાચ તે મારી આંખોની છેક અંદર ઉતરી મારું હલબલી ચૂકેલું સમગ્ર અસ્તિત્વ ખુલ્લી કિતાબની જેમ વાંચી રહી હતી. મારી છાતીના પાટિયા તેને નજદીકથી જોઈને જ અંદર બેસી ગયા હતા. તેની પાણીદાર આંખોમાં ઘણું અનકહ્યું હું વાંચી શકતો હતો. નીચેની પાંપણે ઝીલાઇ રહેલું આંસુનું બુંદ તેને ભીતરમાં કશુંક પજવી રહ્યું હોય અથવા તો કોઈ મોટા દુ:ખમાં દુભાઇ રહી હોય એવું મને લાગ્યું. મારા મનમાં ભય અને એકલી સ્ત્રીને મદદ કરવાનો ભાવ - એકબીજા સાથે તલવાર વીંઝતા હતા. મૂંઝવણથી શું વિચારવું એની મતિ મારી ગઈ હતી.

તેણે મારા સામે જોઈને જમણા હાથની આંગળી રોડ વચ્ચે જાણે કશુંક બતાવવા ઇચ્છતી હોય એમ ચીંધી.

એનો ઈશારો શું હતો એની કશી જ ખબર મને ન પડી. અજાણતા જ ડરથી ધ્રૂજતું માથું મારાથી હકારમાં હલી ગયું. આંગળી પણ એ દિશા તરફ જરાક ઊંચકાઈને રોડ તરફ ચીંધાઈ ગઈ! મેં આવું શું કરવા કર્યું એની ખબર મને પોતાને પણ ન પડી. પણ મારા એ અજાણતા થઈ ગયેલા ઇશારે મને એવો થથરાવી મૂકેલો... માનો કે ઉઘાડા શરીરે માઇનસ ડિગ્રીના બર્ફીલા તળાવમાં ધુબાકો માર્યો હોય!

મારો ઈશારો જોઈને તે ગાડી આગળ ચાલીને ગાડીના બીજી બાજુના દરવાજે આવીને પૂતળાની જેમ ઊભી રહી. મેં ભયથી થીજેલો ઠંડો શ્વાસ છાતીમાં ભર્યો. હ્રદયના ધબકારા તો એવા જોરજોરથી ધબકતા હતા જાણે રઘવાયું જંગલી જાનવર પસળીઓ ફાડીને હમણાં બહાર કૂદી પડશે! ફફડાટભર્યા જીવે મેં સ્વિચ દબાવી દરવાજાનું લોક ખોલ્યું. તે દરવાજો ખોલીને અંદર બેસી ગઈ! દરવાજો જોરથી વખાતા જ... મારા કાનના પડદા રચી ગયા! હું તરત જ ચમકી ઉઠ્યો! તેણે ઢુબી બેઠકે બેસીને માથું નીચું ઢાળી દીધું. તેના બિહામણા ઝીંથરિયા વાળ ચહેરા આગળ પાથરીને અંદર રડવા કકડવા લાગી. તેનો ફાટેલો ઘોઘરો અવાજ સાંભળીને મારો તો જીવ અધ્ધર થઈ ગયો! પરસેવાથી ઠંડુગાર પડી ગયેલું શરીર તો જાણે પથ્થરની જેમ બહેરું પડી ગયું હતું. પળે પળે મારું ભીતર વિચિત્ર ભયથી ગૂંગળાઇ રહ્યું હતું. કેટલીક વાર કોઈ કામ કર્યા પછી આપણને અંદરથી ફિલિંગ આવે કે : ‘બોસ... ભૂલ કરી નાંખી હોં, બહુ મોટી ભૂલ કરી નાખી! આ નહતું કરવા જેવું.’ આવી ફિલિંગ્સ સતત મારા ભીતરમાં ઘુંટાતી હતી. શક્ય બને એટલું નોર્મલ વર્તવાનો પ્રયત્ન હું કરતો રહ્યો, છતાં પણ ભયનું વાવાઝોડું કેમેય કરીને ભીતરમાં જંપતું નહતું. પરસેવાથી હું લગભગ નાહીં રહ્યો હતો. શરીર બરફ જેવું ઠંડુગાર લાગતું હતું.

મેં હિંમત કરીને થથરતા અવાજમાં પૂછી લીધું, “ત...તમારે ક્યાં જવાનું છે? વ...વહેર ડુ યુ વો..વોન્ટુ...” આગળ બોલવા ગયો એ પહેલા એણે ધીરેથી માથું ઊંચું કર્યું. માથા આગળ ઢળેલા ઝીંથરિયા વાળમાંથી તેની વેધક આંખો મને વીંધી રહી હતી. રોડ પર જે જગ્યાએ તે નજર ખોડીને બેઠી હતી, બિલકુલ એ જગ્યાએ તેણે ફરીથી આંગળી ચીંધી. તેના લંબાયેલા હાથ પર મારી નજર પડી! અંધારા છાપરામાંથી રેલાતાં સૂર્યના કિરણમાં ઝીણાં ઝીણાં રજકણો ઉડતા દેખાય એમ તેના શરીર અને સાડી પરથી ઝીણાં ઝીણાં સફેદ-પીળા કણો ઉડતા ઉપર જતાં દેખાતાં હતા. પાણીમાં દવાની ટીકડી નાંખતા જેમ ઝીણાં પરપોટા નીકળે એમ. મને એ સ્ત્રીનું શરીર કંઈક જુદું જ લાગ્યું. અલૌકિક. દૂધિયું અને આછું પારદર્શક. એ કોણ હતી એની હકીકત સમજાઇ ત્યારે મારી હાલત જાણે ગાડીમાં વાઘ સાથે બકરી પુરાઈ ગઇ હોય એવી થઈ ગઈ હતી. મેં કશુંયે બોલ્યા વિના ગાડી સ્ટાર્ટ કરી રોડ પર લીધી. ભયમાં ફફડતા જીવે હું આંખના ખૂણેથી તેની તરફ નજર કરવા જેટલી હિંમત પણ જુટાવી નહતો શકતો.

એક વાત મેં નોટિસ કરી હતી. તેના અંદર આવતા જ એક અજીબ પ્રકારની સુવાસ ગાડીમાં પ્રસરી ગઈ હતી. વિચિત્ર પ્રકારની સુવાસ. ગાડી ડ્રાઈવ કરતાં મને વિશ્વાસ નહતો આવતો કે મારી બાજુમાં એક... એક ભટકતું પ્રેત બેઠું હતું! આ વિચાર મનમાંથી ધકેલી કાઢવાના લાખ પ્રયત્નો કર્યા, પણ બધા જ વ્યર્થ. ગાડી ડ્રાઈવ કરતાં મેં મનમાં પ્રશ્ન ગોઠવી વાતચીત કરવા પૂછ્યું,

“ત-તમારે ક્યાં જવાનું છે એ વિશે તમે કહ્યું ન-નહીં??” બોલતા કેટલાક શબ્દો ગળામાં જ ગૂંગળાઈ જતાં હતા.

તેણે કોઈ જ પ્રત્યુતર આપવાની ઈચ્છા ન બતાવી.

થોડીક વાર બાદ મેં પૂછ્યું, “હું તમારી મદદ ક-કરી શકું છું, જો તમે ઇચ્છતા હોવ ત-તો? આઈ એમ અ નાઇસ પર્સન.”

તેણે માથું ઊંચું કરી સામે ચાર્જિંગમાં પડેલા આઇફોન પર નજર કરી. આઇફોનની સ્ક્રીન ઓટોમેટિક ઓન થઈ ગઈ!

ડિવાઇસ કંટ્રોલ કરવાની શક્તિ જોઈને હું શોક્ડ થઈ ગયો! તે કશુંક કહેવાની તૈયારી દર્શાવતી હોય એવું લાગતું હતું, પણ એની ભીતરમાં ઘૂઘવતા દુ:ખનો દરિયો તેને પાછું ઘોઘરા અવાજમાં રુદન કરવા તેડી લેતું હતું. તે ફરીથી આંખો ઝુકાવી રુદન કરવા લાગી. કશીક વેદનામાં તેનો અંતર આત્મા કકળતો હોય, તડપતો હોય એવું લાગતું હતું. એનો જીવ કદાચ કોઈ એવી અધૂરી ઈચ્છાની ખીંટીએ ભરાઈ ગયો હતો.

***

(એ સ્ત્રીનું એ રીતે ભૂત બની ભટકવા પાછળનું કયું ખોંફનાક કારણ જવાબદાર હશે? તે આઇફોન તરફ નજર કરી તેમાં શું કહેવા ઇચ્છતી હશે? શું નિતિન એ રાત્રે સહીસલામત ઘરે પહોંચી શકશે કે પછી...? એ સ્ત્રીની એવી તો કઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હશે? – સસ્પેન્સફૂલ અને હોરર સ્ટોરીનો ભાગ – ૨ વાંચવા વાંચતાં રહો ‘અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી...’)

લેખક – પાર્થ ટોરોનીલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED