Adhuri Ichchha - 2 books and stories free download online pdf in Gujarati

અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી - 2

અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી

(ભાગ – ૨)

(આગળના ભાગમાં તમે વાંચ્યું કે, રાતના દસેક વાગ્યે નિતિન તેના મિત્રના ઘરેથી ગાડી લઈને ઘરે જવા નીકળે છે. સુમસાન સડક પર ગાડી ડ્રાઈવ કરતી વખતે તેને ડિવાઇડર પર કોઈક બેઠેલું દેખાય છે. તે ગાડી ધીમી કરી સાઇડમાં ઊભી રાખે છે. સફેદ સાડીમાં સજ્જ એક સ્ત્રી ગાંડાની જેમ વિચિત્ર મુદ્રામાં ડિવાઇડર પર બેઠેલી હોય છે. તેની આંખો રોડની વચ્ચોવચ એકીટસે તાકી રહી હતી. નિતિન તે સ્ત્રીને મદદ કરવાની ભાવનાથી દરવાજો ખોલે છે અને... તે સ્ત્રીની ધારદાર નજર નિતિનને વીંટળાઇ વળે છે. એ સ્ત્રીનું વિચિત્ર રૂપ નજીકથી દેખીને તેના શરીરમાં ભયથી કંપારી પ્રસરી જાય છે. અજાણતા જ હાથથી થયેલો ઈશારો તેને મોટા સંકટમાં ધકેલી મૂકે છે. એ સ્ત્રી ગાડીનો દરવાજો ખોલી તેની બાજુમાં બેસી જાય છે. તેના બેસવાથી વિચિત્ર સુવાસ ગાડીમાં પ્રસરી ગઈ હોય એવું નિતિન નોટિસ કરે છે. એ સ્ત્રીનું શરીર પણ કંઈક અલૌકિક હોય એવું તેને લાગે છે. ગાડીમાં મૂકેલા આઇફોનને નજરથી કંટ્રોલ કરી તેમાં તે શું કહેવા ઇચ્છતી હતી? હવે વાંચો આગળ...)

તેણે નજર ઊંચી કરી સામે ચાર્જિંગમાં પડેલા આઇફોન પર કરી. આઇફોનની સ્ક્રીન તરત જ ઓન થઈ ગઈ! ડિવાઇસ કંટ્રોલ કરવાની શક્તિ જોઈને હું શોક્ડ થઈ ગયો! તે કશુંક કહેવાની તૈયારી દર્શાવતી હોય એવું લાગતું હતું, પણ એની ભીતરમાં ઘૂઘવતા દુ:ખનો દરિયો તેને પાછું ઘોઘરા અવાજમાં રુદન કરવા તેડી લેતું હતું. તે ફરીથી આંખો ઝુકાવી ઝીણું રુદન કરવા લાગી. કશીક વેદનામાં તેનો અંતર આત્મા કકળતો હોય, તડપતો હોય એવું લાગતું હતું. એનો જીવ ક્યાંક એવી અધૂરી ઈચ્છાની ખીંટીએ કદાચ ભરાયેલો રહી ગયો હતો.

મેં સામે નજર રાખીને વિશ્વાસપૂર્ણ શબ્દે કહ્યું “આઈ પ્રોમિસ આઈ વિલ હેલ્પ યુ એનીથીંગ યુ વોન્ટ. જસ્ટ ડોન્ટ હર્ટ...” આગળ બોલવા જતાં હું અટકી પડ્યો.

મારી માનસિક હાલત રુંધાઇ ગઈ હતી. શરીર પરસેવાથી ઠંડુ પડી બરફ બની ગયું હતું, પણ શરીરમાં લોહીનું પરિભ્રમણ ચાલુ રાખવા હ્રદય મેરેથોનની રેસમાં દોડતા રનરની જેમ સખત જોરથી ધબકે જતું હતું.

સામે થોડેક દૂર રિલાયન્સ પેટ્રોલ પંપની ગ્રીન-રેડ નિયૉન લાઇટ્સ ચમકતી દેખાઈ. પેટ્રોલ પુરાવા ગાડી થોડીક વાર ત્યાં ઊભી રાખવા વિશે મેં તેને પૂછ્યું, પણ કોઈ જવાબ આપ્યો નહીં. મેં ગાડી પેટ્રોલ પંપ આગળ ઊભી રાખી. ભયભીત જીવે જરાક બાજુમાં દેખીને હું દરવાજો ખોલી બહાર નીકળ્યો. તે બાજુમાં જ ઢુબી બેઠકે ઘોઘરું રુદન કરતી બેઠેલી હતી. ગાડી બહાર નીકળતા જ મારા ઢીંચણ એટલા કમજોર થઈ ગયા હતા કે એ મારું વજન જ ખામી ન શક્યા. હું તરત જ નીચે ફસડાઇ પડ્યો! મારા હાથ-પગ પરસેવાથી ઠંડા પડી બહેરા થઈ ગયા હતા. ખુલ્લી હવામાં ઊંડો શ્વાસ ભરી સ્વસ્થ થવાનો પ્રત્યન કર્યો. સામે ખાટલામાં ધાબળો ઓઢીને બેઠેલો પેટ્રોલ પંપ અટેન્ડન્ટ ઊભો થયો. તે મારી નજીક આવીને મજાક વેરતાં પૂછ્યું, ”સલામ સાહબ, ગાડી ચલાકે થક ગયે હોં ક્યા?”

કોઈ જવાબ આપ્યા વિના મેં બંને હથેળી ચહેરા મૂકીને પરસેવો લૂછ્યો. મારો ચહેરો અને હાથ કોઈ મૃત વ્યક્તિની જેમ બિલકુલ ઠંડા પડી ગયા હતા.

“બોલો સાહબ, કિતને કા પેટ્રોલ ડલવાનેકા હૈ?”

“હજાર કા”

પેટ્રોલ પંપ અટેન્ડન્ટે આંકડાઓ દબાવીને કહ્યું, “ક્યા હુઆ સાહબ? કોઈ તકલીફ હો રહી હેં ક્યા?”

મેં નકારમાં માથું હલાવી ઊંડા શ્વાસ ભરી સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો.

“આપ તો પસીનેમે ભીગ રહે હો સાહબ! આપ બોલો તો કુછ ઠંડાબંડા મંગવાઉ?”

પહેલી વાર દેખેલી અલૌકિક ઘટનાના ઓથારમાંથી હું બહાર નીકળી શક્યો નહતો. ભયભીત શરીર ધીરે ધીરે નોર્મલ થઈ રહ્યું હતું.

“અરે ક્યા સાહબ, ટંકીકા ઢક્કન તો ખોલો...”

મેં ઊભા થઈને કપાળ અને પોપચાં પર બાઝેલો ઠંડો પરસેવો લૂછ્યો. હિંમત કરીને ગાડીની સાઈડની સીટ તરફ જોયું તો મારી આંખો આશ્ચર્યથી ફાટી પડી!

એ સ્ત્રી ત્યાંથી ગાયબ હતી!

મેં દરવાજા પર ફ્યુઇલ ટેન્ક ઓપનરની સ્વિચ દબાવી ટાંકી ખોલી આપી. હું હેરતમાં હતો કે, એ સ્ત્રી એટલી વારમાં ક્યાં અદ્રશ્ય થઈ ગઈ હતી!? દરવાજો ખુલવાનો કે બંધ થવાનો બિલકુલ પણ અવાજ નહતો સંભળાયો. એકાએક એનું ગુમ થઈ જવું એ જાણીને હું ફરીથી અસ્વસ્થ મહેસુસ કરવા લાગ્યો. હું કોઈ વિચિત્ર સપનામાં તો નહતો ને? આ બધું અલૌકિક મારી સાથે શું કામ બની રહ્યું હતું? – એવા પ્રશ્નો મેં મારી જાતને પૂછી જોયા. આજ સુધી વિજ્ઞાનમાં માનવાવાળો હું, આ અલૌકિક બનાવનો પ્રત્યક્ષ સાક્ષી રહી શું સાચું અને શું મિથ્યા એનો ભેદ પાડવા મારું મગજ ત્યારે બિલકુલ બહેર મારી ગયું હતું. કેટલીક વસ્તુઓ આપણાં સમજમાં ન આવે એવી પણ બનતી હોય છે એનો પહેલો અનુભવ ત્યારે હું પચાવી શક્યો નહતો. મેં પેટ્રોલ અટેડેન્ટને હજારની નોટ આપીને પૂછ્યું,

“અભી તો યહાં ગાડીમે એક ઔરત બેઠી હુઈ થી, કહાં ગઈ વો? તુમને ઉસકો કહીં જાતે હુએ દેખા?? વાઇટ સાડીમેથી વો...”

“ક્યા સાહબ આપ ભી,” તેણે હસીને કહ્યું, “...ઇતની રાત કો મેરે કો ડરાને કોશિશ કર રહે હોં ક્યા?”

“અરે ડરા નહીં રહા હુ ભાઈ. સચમે બોલ રહા હુ, યહાં આતે વક્ત ગાડીમે મેરી બગલ વાલી સીટ પે વાઇટ સાડી પહેની હુઇ કિસી ઔરતકો બેઠે હુએ તુમને દેખા થા??”

“નહીં દેખા સાહબ, કિસી કો નહીં દેખા...”

“દરવાજા ખોલ કર કિસી કો બહાર જાતે હુએ તો દેખા હોગા. સચ બતા...”

“અરે સાહબ મેં સચ બતા રહા હું. આપકે અલાવા ગાડીમે કોઈ નહીં થા. આપકી ગાડી જેસે યહાં દાખીલ હુઈ તબ મેને ગાડીમે દેખા તો સિર્ફ આપ હી બેઠે હુએ થે. કોઈ ઔરત હોતી તો જરૂર દિખાઈ દેતીના સાહબ.”

પરસેવાથી મારું શર્ટ ભીંજાઇ ગયું હતું. કપાળે બાઝેલો પરસેવો લૂછી, નિ:શ્વાસ નાંખી મેં માથું નકારમાં ધૂણાવ્યું. આ બધું શું બની રહ્યું હતું મારી સાથે? મને કશું જ સમજાતું નહતું. ગાડીમાંથી હું બહાર નીકળ્યો ત્યાં સુધી એ મારી બાજુમાં બેઠેલી હતી. અને આ વ્યક્તિએ ગાડીને અંદર પ્રવેશતી વખતે કોઈ વ્યક્તિને મારી બાજુમાં બેઠેલી જોઈ જ નહતી!! હાઉ કેન ઈટ બી પોસિબલ? મને દેખાય એ કોઈપણ વ્યક્તિને દેખાવું જોઈએ. શું એ ઘટના એ મારું હેલુસિનેશન હતું કે રિયલ?? મારી જાત સાથે આ પ્રશ્ન પૂછતો હતો ત્યારે સામેથી એક વ્યક્તિ સાલ ઓઢીને અમારી તરફ આવતો જણાયો. એણે નજીક આવીને પૂછ્યું,

“ક્યા હુઆ સાહબ, કોઈ મસલા હુઆ હૈ ક્યા? હમ કુછ મદદ કરે?” કહીને મસાલાની પિચકારી બાજુમાં મારી.

“નહીં, કોઈ મસલા નહીં હૈ પર...” હું આગળ બોલવા જાઉં એ પહેલા પેટ્રોલ અટેડન્ટે એ વ્યક્તિની નજીક જઈને ફૂસફૂસાતા અવાજે કહ્યું,

“સાહબ કો વોહ... વોહ સફેદ સાડીવાલી ઔરત દિખી થી...”

હું એના ચોરીછૂપીથી કહેવાના અંદાજ પરથી અચરજમાં પડ્યો!

ગલોફામાં મસાલો ભરેલા ભાઈએ આશ્ચર્યથી ભ્રમરો ઊંચકીને તેને પૂછ્યું, “ક્યા બક રહા હૈ? સચ મેં??”

“હાં, સાહબ કી ગાડીમે બેઠી થી વો. બિલકુલ બગલવાળી સીટ પે...”

મેં જરાક ઊંચા અવાજે તેને કહ્યું, “ઓય... તું તો અભી બોલ રહા થા કી મેને કિસી કો નહીં દેખા મેરે બાજુમે...! મતલબ મેને પૂછા તબ જુઠ બોલ રહા થા તું...??”

“અરે નહીં સાહબ, માતારાની કી કસમ અગર મેંને જુઠ બોલા હો તો. મેને કિસી કો નહીં દેખા થા. આપને કહા બસ વહી ઇનકો બતા રહા થા.” એણે પેલા ભાઈ તરફ જોઈને કહ્યું, “...ચંદનભૈયા, ઉસ ઔરત કે સાથ બની હુઈ પૂરી કહાની આપ ઇનકો સુનાઓ.”

ચંદને માથું હકારમાં હલાવી, મસાલાનો દદૂડો બાજુમાં કર્યો. રૂમાલથી હોઠ લૂછી તે મારી નજીક આવ્યો. તેણે મારા સામે જોઈને પૂરા ગંભીર સ્વરે પૂછ્યું, “સાહબ, ક્યા આપ ભૂતપ્રેત જેસી બાતોમે વિશ્વાસ રખતે હો?”

હાલમાં જ થયેલા અનુભવે મારી વર્ષો જૂની માન્યતાનો ઘડો ફોડી નાંખ્યો હતો. ત્યારે પણ ભયભીત હાવભાવની રેખાઓ મારા ફિક્કા પડી ગયેલા ચહેરા પર કોતરાયેલી જણાતી હતી, એ દેખીને એણે મારા જવાબની રાહ જોયા વિના જરાક માંદલું હસીને મને કહ્યું, “સાહબ, આપ કો વો યહાં સે તીન-ચાર કિલોમીટર કે બીચમે મિલી હોગી. ડિવાઇડર પર બૈઠી હુઈ, ઔર સડક કે બીચમે તાડ તી હુઈ. સહી બતાયાના મેંને સાહબ?”

બિલકુલ સચોટ સ્થિતિ-જગ્યાનું વર્ણન સાંભળીને મારું તો આશ્ચર્યથી લોહી થીજી ગયું! હું માથું હલાવીને હા કહેવા ગયો પણ મોંમાંથી આવાજ જ ન નીકળ્યો. તે સ્ત્રી સાથે એવી તો શી દુષ્ટ બિના બની હતી કે તેનો જીવ આ રીતે ભટકતો ફરતો હતો? ચંદનના મુખેથી એ સ્ત્રીની કહાની સાંભળવા હું બેતાબ બની રહ્યો હતો. મારી ઉત્સુકતા ટોચ પર ચઢી ગઈ હતી. ઘરે પહોંચવામાં મોડું થઈ જશે એ વિચાર પણ મનમાંથી ભુલાઈ ગયો. મેં મનમાં ગાંઠ વાળી દીધી હતી કે હું કોઈ પણ ભોગે એ સ્ત્રીની મદદ કરીને જ રહીશ. પ્રેતયોનિમાં ભરાયેલો એનો જીવ મુક્ત કરીને જ રહીશ. એના ભટકાતાં જીવને શાંતિ અપાવવા માટે હું જરાયે પાછો નહીં પડું. એ સ્ત્રીનો ઘોઘરો ફાટી જતો રડવાનો અવાજ કાનમાં ગુંજતા જ મારા આખા શરીરમાં ભયની કંપારી પ્રસરી ગઈ! મેં તરત જ કાનમાં આંગળી નાંખી એ ગુંજ વિખેરવા બરોબર ઝંઝોળી...

ચંદને મસાલાની લાલચોળ પિચકારી બાજુમાં મારી, વાત કહેવાની શરૂ કરી,

***

(એ સ્ત્રી સાથે એવી તો શું બન્યું હતું? ચંદન એ સ્ત્રીના વિષે કઈ રીતે આટલું બધુ જાણતો હતો? એ સ્ત્રી સાથે બનેલી ઘટનામાં તે શું કહેવાનો હતો? નિતિન શા માટે એ સ્ત્રીને મદદ કરવા ઈચ્છતો હતો? આગળના વાર્તાપ્રવાહમાં શું નિતિન વધુ મોટા સંકટમાં મુકાવાનો છે કે...? – આગળ જાણવા વાંચો ભાગ – ૩)

લેખક – પાર્થ ટોરોનીલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED