Trutya - paachhala janm no badlo - 10 books and stories free download online pdf in Gujarati

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૦

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૦

( ગયા ભાગ માં આપણે જોયું કે આદિત્ય, વીર અને વિધિ વિલાસપુર જવા માટે કાળગઢ નો શોર્ટકટ પકડે છે જ્યાં રસ્તા માં તેમનો ટેમ્પો બગડી જાય છે અને તેમની મદદ માટે માખન આવે છે જે તેમને પોતાના ઘરે લઈ જાય છે અને ત્યાં તેમનો સામનો એક પિશાચ સાથે થાય છે. વીર વિધિ ત્યાંથી ભાગે છે અને કસ્તુરી આદિત્ય ને બચકું ભરી ને પોતાના જેવો બનાવી દે છે અને ૬ કલાક નો સમય આપે છે. વીર વિધિ વચ્ચે નાનો ઝઘડો થાય છે અને વિધિ મદદ લેવા માટે નીકળી પડે છે અને એટલા માં આદિત્ય વીર ને શોધતો શોધતો ત્યાં આવી પહોંચે છે. )

હવે આગળ.....

વિધિ ચાલતી ચાલતી જંગલ ની બહાર તરફ જાય છે અને ત્યાં રસ્તા માં જ તેને એક પોલીસ સ્ટેશન દેખાય છે. જેના પર લખેલું હોય છે બૂંદેલી પોલીસ સ્ટેશન. વિધિ અંદર દાખલ થાય છે અને જુએ છે આખું પોલીસ સ્ટેશન વેરાન હતું અને તેનું સમારકામ પણ સરખું નહોતું સાવ તૂટી ગયેલું. વિધિ આગળ જઇ ને જુએ છે એક પોલીસ કર્મચારી ખુરશી માં ગોદડું ઓઢી ને સૂતેલો હોય છે. વિધિ ત્યાં જઈ ને ધીમે થી ચાદર ખેંચી ને ઉઠાડે છે અને કહે છે.

વિધિ :- સાહેબ, તમારે જલ્દી થી મારી સાથે જંગલ માં આવવું પડશે. મારા મિત્રો બહુ મોટી મુસીબત માં છે.

પોલીસ :- જંગલ માં ? કેમ અને ક્યાં ?

વિધિ :- અહીંયા નજીક માં એક કઠિયારો છે તેના ઘરે. તેના ઘર માં એક ભૂતની છે. જે લોકો ને મારી નાખે છે અને એમનું લોહી પી જાય છે. અને એનું નામ કસ્તુરી છે. મારા મિત્ર ને પણ એને પોતાના કબ્જા માં લઇ લીધો છે અને ત્યાં બાંધી રાખ્યો છે. પ્લીઝ તમે જલ્દી મારી સાથે ચાલો.

પોલીસ વાળો પોતાની જગ્યા પર થી ઉભો થાય છે અને ચાલવા માટે તૈયાર થાય છે અને બોલે છે.

પોલીસ :- આજ્ઞા નું પાલન કરવું એ અમારો ધર્મ છે પણ તારી નહીં. અમારી ઠાકુરાણી ની. હા.… હા.… હ.… અને અટ્ટહાસ્ય સાથે પોતાનું મોઢું ખોલે છે અને પોતાના બે તીક્ષ્ણ દાંત બહાર કાઢે છે. વિધિ ડરી જાય છે અને જોર થી બુમો પાડવા લાગે છે. વિધિ ત્યાંથી ભાગે છે અને બહાર તરફ જવાનો પ્રયત્ન કરે છે. બહાર જતા જ બારણાં પાસે તેની નજર પડે છે જ્યાં એક બંદૂક લટકાવેલી હોય છે જે વિધિ ઉઠાવી લે છે અને પોતાના બચાવ પક્ષ માટે પોલીસ પર ચલાવે છે. પણ તેની કોઈ અસર થતી નથી કારણ કે મરેલા ને કોણ મારી શકે છે ?

પોલીસ વાળો ધીરે ધીરે આગળ વધે છે અને વિધિ પાસે જાય છે. વિધિ ડર ના માર્યે હવે ભાગી પણ શકતી નથી અને મજબૂર થઈ ને ત્યાં ઉભી રહે છે. અને પોલીસવાળો આગળ આવે છે. તે જેવો વિધિ પર હુમલો કરવા જાય છે કે પાછળ થી એક તીક્ષ્ણ હથિયાર જેવું લાકડાનું તિર આવીને તેની પાછળ ઘુસી જાય છે અને તે ત્યાં જ ઢળી પડે છે. વિધિ સામે ની તરફ જુએ છે તો તેની સામે આદિત્ય, વીર અને પહાડસિંઘ ઉભા હોય છે. વિધિ ખૂબ ખુશ થઈ જાય છે અને દોડી ને તેમની પાસે જતી રહે છે. એટલી જ વાર માં આદિત્ય ના હાથ પર અસહ્ય દુખાવો શરૂ થાય છે અને આદિત્ય દર્દ થી કકળી ઉઠે છે. આદિત્ય પોતાનો હાથ ફેરવે છે અને એના હાથ પર નું બચકું ભરેલું નિશાન પર એ ત્રણેય ની નજર પડે છે. પહાડસિંઘ નિશાન જોતા જ આખી વાત સમજી જાય છે.

આદિત્ય :- તમે બધા અહીંથી ભાગી જાવ નહિ તો તમારા બધાના જીવ ને જોખમ છે.

વીર :- પણ બ્રધર. આ શું છે અને થયું શુ એ તો કે ?

પહાડસિંઘ :- કસ્તુરીએ એના હાથ પર બચકું ભરી લીધું છે અને એને પોતાની જેવો બનાવી લીધો છે અને બોલતા બોલતા પોતાનો પણ હાથ દેખાડે છે જ્યાં તેને પણ એવું જ બચકું ભરેલું નિશાન હોય છે. પણ તમે લોકો ચિંતા ના કરશો. મારી પાસે આનો રસ્તો છે. અહીંયા થી થોડે દુર જંગલ માં એક ગુફા છે જેમાં એક કુંડ છે અને એ કુંડ માંથી એક વાદળી રંગ નો ધુમાડો નીકળે છે. એ ધુમાડો અમૃત સમાન છે. જો આ ધુમાડો કોઈ પણ માણસ ને પીવડાવી ને એના શરીર માં ઉતારવામાં આવે તો એના થી કોઈ પણ રોગ દૂર થઈ જાય છે. આદિત્ય પણ એ ધુમાડો પીને પહેલા જેવો થઈ જશે.

આદિત્ય :- પણ મારી પાસે સમય ખૂબ ઓછો છે. મારી પાસે ફક્ત દોઢ કલાક જ બાકી રહ્યો છે. આપણે જલ્દી જવું પડશે અને એ ગુફા શોધવી પડશે. પહાડસિંઘ તું વિધિ ને લઈ ને અહીં થી ભાગી જા અને એને ઘર સુધી પહોંચવાની વ્યવસ્થા કરી આપજે. હું અને વીર ગુફા શોધવા જઈએ છીએ અને અમે અમારું કામ પતાવીને જ પાછા આવશું.

પહાડસિંઘ :- ઠીક છે. તું વિધિ ની ચિંતા ના કરીશ હું છું. તમે લોકો જલ્દી નીકળો.

પહાડસિંઘ વિધિ ને લઈ ને ભાગી જાય છે અને વીર - આદિત્ય જંગલ માં ગુફા શોધવા માટે નીકળી પડે છે. વિધિ અને પહાડસિંઘ જંગલ માં ભાગતા - ભાગતા રસ્તો ભૂલી જાય છે અને ખોટા રસ્તા પર ચડી જાય છે. તેઓ ભાગી ને ફરી ફરી ને એક જ રસ્તા પર આવે છે. હવે બંને લોકો હિંમત હારી ને બેઠા હોય છે એટલા માં એમની નજર થોડે દુર પડે છે. તેમને લાગે છે કે કોઈ મદદ કરવા વાળું મળી ગયું છે અને બંન્ને તેની પાસે જાય છે. ત્યાં જઈ ને જુએ છે તો ત્યાં ગરઢો માણસ બેઠો હોય છે.

પહાડસિંઘ :- અમે, લોકો રસ્તો ભૂલી ગયા છીએ. અને તમે જાણીતા લાગો છો. શુ તમે અમને રસ્તો દેખાડશો ?

ગરઢો માણસ :- રસ્તો તો હું પણ શોધું છું છેલ્લા 10 વર્ષ થી.

આટલું બોલી ને તે ઉભો થાય છે અને પિશાચ રૂપ ધારણ કરે છે. લાંબા સફેદ વાળ, સાવ કરમાઈ ગયેલી ચામડી, ફાટેલા કપડાં, લાંબા નખ અને વિકરાળ ચહેરો જોઈ ને થોડી વાર વિધિ અને પહાડસિંઘ સ્તબ્ધ થઈ ગયા. એકા એક પહાડસિંઘ ને વડ નું લાકડું યાદ આવ્યું અને તે લેવા માટે એ આમ તેમ નજર દોડાવવા લાગ્યો. તેની નજર સામે પડેલા લાકડા પર પડી જે વડ નું હતું અને તે લેવા માટે ભાગ્યો. આ બાજુ પિશાચ વિધિ ની નજીક આવ્યો અને તેને બે હાથે તેડી લીધી અને એ સાથે જ એને લઈ ને હવા માં ઉડીને ગાયબ થઈ ગયો. પહાડસિંઘ લાકડું લઈ ને પાછળ ફરે છે તો તેને કોઈ જ દેખાતું નથી અને એ આમ તેમ નજર નાખતો રહી જાય છે. આ ઘટના એટલી સેકેન્ડ માં બની ગઈ કે પહાડસિંઘ ને આનો ખ્યાલ જ ન રહ્યો. એ પિશાચ વિધિ ને લઈ ને કસ્તુરી પાસે જાય છે અને ત્યાં જઈ ને વિધિ ને ભેટ તરીકે અર્પણ કરે છે. વિધિ ને જોઈ ને કસ્તુરી ખૂબ રાજી થઈ જાય છે. વિધિ બુમો પાડે છે અને પોતાને છોડી દેવા વિનંતી કરે છે પણ એની કસ્તુરી પર કોઈ અસર થતી નથી. કસ્તુરી વિધિ ને કહે છે કે તું એટલી બધી સુંદર છે કે તારી એકની જ જવાની ચૂસીને હું પહેલા જેવી સુંદર બની જઈશ અને એ પિશાચ ને પૂજા માટે ની તૈયારી કરવા માટે કહે છે.

કસ્તુરી :- માખન તું જલ્દી જા અને તપાસ કર કે આદિત્ય ક્યાં છે ? એ હજી આવ્યો કેમ નહીં ? અત્યાર સુધીમાં તો એનો સમય પુરી થઈ ગયો હશે.

***

આ બાજુ આદિત્ય - વીર અમૃત ધુમાડો શોધતા - શોધતા ગુફા માં આવી પહોંચે છે પણ એમને ક્યાંય કાઈ દેખાતું નથી. આદિત્ય પાસે સમય પૂરો થવા આવ્યો હોય છે અને હવે એનો દુખાવો વધતો જાય છે અને એ રાક્ષસ ની જેમ પોતાના બે દાંત બહાર કાઢી ને વર્તવા લાગે છે. વીર ડરી જાય છે અને ભાગવા માટે આમ તેમ નજર કરવા લાગે છે એટલા માં એની નજર સામે પડે છે જ્યાં એક કુંડ હોય છે અને તેમાંથી વાદળી રંગ નો ધુમાડો નીકળતો હોય છે. વીર હિંમત કરે છે અને આદિત્ય નો હાથ પકડી લે છે અને તેને દોડી ને ત્યાં કુંડ પાસે લઈ જાય છે. ત્યાં જઈ ને વીર ખોબો ધરે છે અને હાથ માં ધુમાડો લઈ ને આદિત્ય ના મોઢા પાસે લાવી ને એને પીવડાવે છે. જેવો ધુમાડો અંદર જાય છે એટલા માં આદિત્ય નું વર્તન બદલવા લાગે છે. એકા એક એને સારું લાગવા લાગે છે અને તે ઠીક થવા લાગે છે. આદિત્ય અને વીર ત્યાંથી નીકળવા ની તૈયારી કરતા જ હોય છે એટલા માં માખન તેમને શોધતો - શોધતો ત્યાં આવી પહોંચે છે અને પૂછે છે.

માખન :- આદિત્ય, તું અહીંયા શુ કરે છે ત્યાં ઠાકુરાણી તારી રાહ જુએ છે.

આદિત્ય :- હા હું નીકળતો જ હતો.

માખન :- અને આ તારી સાથે શુ કરી રહ્યો છે ?

આદિત્ય :- અરે હું પણ એ જ પૂછું છું. આને ખબર છે બધી. આ મને અહીંયા ખેંચી ને લાવ્યો છે કાઈ જવાબ જ નથી આપતો.

( એટલા માં વીર છાનો માનો બાજુ માં પડેલું લાકડું ઉઠાવે છે અને હાથ પાછળ સંતાડી ને આદિત્ય ને ઈશારો કરે છે કે આ લાકડું માખન ને ઘુસાડી દે. પણ આદિત્ય એને આંખ ના ઈશારા થી ના પાડે છે.)

માખન :- આને ઠાકુરાણી પાસે લઈ લે એ જ આના મોઢે થી બોલાવશે બધું.

આદિત્ય :- સાચી વાત છે, ત્યાં જઈ ને બધું ખબર પડશે.

અને તે ત્રણેય કસ્તુરી પાસે પહોંચે છે. કસ્તુરી પૂજા ની તૈયારી પુરી કરીને જ બેઠી હોય છે અને હવે એ બલી આપવાની તૈયારી માં જ હોય છે એટલા માં માખન, વીર અને આદિત્ય ત્યાં આવી પહોંચે છે. કસ્તુરી હવે બલી આપવા જાય છે એટલે આદિત્ય થી રહેવાતું નથી અને તેને લાગે છે કે વિધિ ખતરા માં છે. પોતે મજબૂર હોય છે કારણ કે પોતે પોતાના અસ્ત્ર વગર કાંઈ કરી શકતો નથી અને વીર એક તૃત્યા હોય છે એટલે વીર ને મારવાની કોઈ પણ પિશાચ માં હિંમત હોતી નથી. આદિત્ય વીર ને બૂમ પાડે છે.

આદિત્ય :- વીર, મારી નાખ જલ્દી આને, નહિ તો આ વિધિ ને પોતાની બલી બનાવી દેશે.

આટલું સાંભળતા કસ્તુરી સમજી જાય છે કે આદિત્ય ને એના રોગ ની દવા મળી ગઈ છે અને તે સાજો થઈ ગયો છે. તે માખન અને પિશાચ ને વીર ને રોકવા માટે કહે છે. માખન અને પિશાચ એને રોકવા માટે જાય છે પણ વીર ના હાથ પર નું નિશાન જોઈ ને ડરી જાય છે અને કસ્તુરી ને કહે છે.

માખન :- ઠાકુરાણી, અમે આને કંઈ રીતે મારી શકીએ ? આ તો પોતે એક તૃતીયા છે.

કસ્તુરી :- તૃતીયા ? કઈ રીતે બની શકે ? વિક્રાલ નો અંશ અહીંયા ?

આદિત્ય ને એક યુક્તિ સુઝે છે અને એ વચ્ચે બોલી પડે છે.

આદિત્ય :- હા, વિક્રલે જ એને અહીંયા મોકલ્યો છે આને તને મારવા માટે ?

કસ્તુરી :- એવું ના બની શકે. વિક્રાલ એવું શું લેવા કરે ? એની મારી સાથે શુ દુશ્મની છે ?

આદિત્ય :- કારણ કે તે એના દુશમનો ને કહી દીધું હતું કે તે ક્યાં છે.

કસ્તુરી :- ખોટું છે આ બધું. મેં એને ઘણા સમય થી જોયો જ નથી.

આદિત્ય :- ખોટું તું બોલી રહી છે તને ખબર છે એ ક્યાં છે અને તે જોયો પણ છે.

કસ્તુરી :- મને નથી ખબર એ ક્યાં છે મેં તો એને છેલ્લી વાર મન્નતપુર માં જોયો હતો ?

આદિત્ય :- મન્નતપુર માં કઈ જગ્યા એ ?

કસ્તુરી :- ઠાકુર નહારસિંઘ ની હવેલી..... ( કસ્તુરી ને ભાન થાય છે કે એની જીભ લપસી ગઈ છે અને એ આવેશ માં આવીને કેટલું બોલી ગઈ છે. ) ઓહહ..બહુ હોશિયાર છે તું, બધું મારી પાસે થી બોલાવવા માંગે છે ? માખન માર આને.......

આ સાથે વીર કસ્તુરી પર હુમલો કરવા માટે આગળ વધે છે કે એને સામે રહેલા અરીસા માં સુંદર છોકરી નું પ્રતિબિંબ દેખાય છે. અને તેમાં થી અવાજ પણ આવે છે, " ઉભો રે......"

વીર ને એ અવાજ જાણીતો લાગે છે જે વિધિ નો હોય છે. વીર પોતાનો રસ્તો બદલી ને એ બાજુ જાય છે. અને એ અરીસા સામે જઇ ને ઉભો રહે છે. આદિત્ય વીર ને રોકવાનો પ્રયત્ન કરે છે પણ વીર માનતો નથી. કારણ કે કાંઈક તો જાદુ હોય છે એ અરીસા માં જે લોકો ને પોતાની તરફ આકર્ષે છે. પહેલા આદિત્ય અને હવે વીર. બન્ને ને એ અરીસા એ પોતાની તરફ આકર્ષ્યા હતા. અને એના આકર્ષણ દ્વારા લોકો પોતાનું ભાન ભૂલી જતા હતા. વીર સાથે પણ એવું જ થયું. એ પણ પોતાનું ભાન ભૂલી ગયો. વીર મોહિત થઈ ગયો અને આગળ વધવા લાગ્યો. પ્રતિબિંબ માંથી અવાજ આવ્યો કે વીર, લાકડું ફેંકી દે અને મારી બાહો માં આવી જા. હું તને ખૂબ પ્રેમ આપીશ. વીર ને વિશ્વાસ નહોતો આવતો અને પોતે આગળ વધવા લાગ્યો. આદિત્ય એ ખૂબ બૂમો પાડી પણ વીર ને કાંઈ અસર થતી નહોતી. આ બાજુ આદિત્ય ને લાગે છે કે હવે મારે જ કાંઈક કરવું પડશે. કસ્તુરી હવે વિધિ ની બલી આપવા માટે એટલે કે પોતાના બે તીક્ષ્ણ દાંત બહાર કાઢી ને વિધિ ની જવાની ચૂસવા માટે જાય છે. માખન અને પિશાચ ને લાગે છે કે કદાચ આદિત્ય પણ એક તૃત્યા હશે એટલે એ લોકો ગભરાઈ ને એના પર હુમલો કરવાનું ટાળે છે. આદિત્ય હવે વીર ના હાથ માંથી પડી ગયેલું લાકડું ઉઠાવે છે અને કસ્તુરી જેવી વિધિ ને બચકું ભરવા માટે નીચે નમે છે કે પાછળ થી જઇ ને એની કમર માં ઘુસેડી દે છે. એટલા માં કસ્તુરી બૂમ પાડી જાય છે અને દર્દ થી કકડાવા લાગે છે અને મરી ને આત્મા સ્વરૂપે ગાયબ થઈ જાય છે. તેની સાથે સાથે પિશાચ અને માખન નો પણ વિનાશ થાય છે. આદિત્ય ત્યાં પડેલું પોતાનું અસ્ત્ર ઉઠાવે છે અને પોતાના ખીસ્સા માં મૂકી દે છે.

વિધિ ભાન માં આવે છે અને એને જેવી ખબર પડે છે કે આદિત્ય એ એની જિંદગી બચાવી છે કે એ આદિત્ય ને ભેટી પડે છે. કદાચ વિધિ ને હવે આદિત્ય પ્રત્યે પ્રેમ ની કૂંપળો ફૂટવા લાગી હતી. આ જોતા જ વીર ના ચહેરા પર એક અણગમો આવી જાય છે અને આદિત્ય ની વીર પર નજર પડતા તે વીધી થી અલગ થઈ જાય છે. આદિત્ય, વીર અને વિધિ હવે જંગલ ની બહાર નીકળે છે. બહાર નીકળતા નીકળતા એ લોકો ને સવાર પડી જાય છે અને તેઓ ગાડી પાસે જાય છે. આદિત્ય વીર - અને વિધિ ને પોતાને અહીંયા સુધી સાથ આપવા માટે દિલ થી ધન્યવાદ માને છે અને હવે એ બન્ને ને વિલાસપુર પાછા જવાનું કહે છે. અને પોતે હવે આગળ મન્નતપુર ઠાકુર નહારસિંહ ની હવેલી પર એકલો જવાનું જણાવે છે કારણ કે એ હવે નથી ઈચ્છતો કે એના કારણે એ બંને હવે સંકટ માં મુકાય. પણ વિધિ પાછા જવાની ના પડે છે અને એની સાથે લઈ જવાનું કહે છે. આ જોઈ ને વીર પણ તેની સાથે આવવા માટે જીદ કરવા લાગે છે. આદિત્ય ના સમજાવવા છતાં પણ એ લોકો માનતા નથી અને અંતે આદિત્ય એમની સામે ઝૂકી જાય છે અને પોતાની સાથે મન્નતપુર લઈ જવા માટે તૈયાર થઈ જાય છે. આદિત્ય, વીર અને વિધિ આગળ જઇ ને ગાડી રીપેર કરાવે છે અને એમા બેસે છે. વીર ગાડી ચાલુ કરે છે અને અને પોતાની આગળ ની મંઝિલ પર જવા નીકળી પડે છે.....

To be Continued........

* આખરે શુ રહસ્ય છુપાયેલું છે મન્નતપુર માં ?

* શુ વિક્રાલ મન્નતપુર માં હશે ?

* શુ થશે જ્યારે આદિત્ય મન્નતપુર પહોંચશે ?

Anand Gajjar

Mo - 7201071861

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED