ડિજીટલિયો રંગ
વૈશાલી રાડિયા
સખી
જન્મોજન્મની
તા. 14/2/18
પ્રિય દોસ્ત,
મને યાદ છે, એ તારો પહેલો મેસેજ. તારું હાય અને મારું હેલ્લો. ઘણા દિવસો આ સિલસિલો ચાલ્યો અને અચાનક એક દિવસ તારો મેસેજ આવવો. MAY I CALL YOU? અને મારું YES કહેવું. ત્યારે તને ક્યાં ખબર હતી કે મને સામાન્ય હાય હેલ્લો જેટલું જ અંગ્રેજી આવડતું હતું! હું પ્યોર ગુજરાતણ લખવામાં, બોલવામાં અને લાગણીથી જીવવામાં પણ અને તું અંગ્રેજીને વરેલો ગુજરાતી! શોર્ટ મેસેજ અને તારા મુડ પ્રમાણે જીવવાવાળો! પહેલાં જ ફોનમાં એ તો પરખાઈ ગયું. પરિચય થયો અને એક નવી જ દોસ્તી રંગ પકડતી ગઈ અને ખબર જ ના રહી કે મેચિંગ કેમ થતું ગયું! એક 40+ સ્ત્રી જે ઉંમરના એક એવા પડાવ પર એકલી ઉભી હતી, જ્યાં કોઈ એને સમજવા તૈયાર ન હતું! કે એને એક દિલ છે, મન છે અને આ ઉંમરે આવતા હોર્મોન્સ ઈમ્બેલેન્સના ચડાવ-ઉતાર સાથે બદલતો મુડ છે, જે આજ સુધી બધાની કેર કરતી એ આજે કોઈ એની કેર કરે, હૂંફ આપે એમ ઈચ્છતી હતી. અને તું 20+ માં યુવાનીના જોમ અને ડીજીટલ યુગ સાથે કદમ મિલાવતો એક થનગનતો યુવાન!
આ કોઈ હમઉમ્ર દોસ્તી કે કોઈ મોજ-મજા લેવાના નેટિયા ચેટિયા સંબંધો નહોતા, એ તું પણ સારી રીતે સમજતો હતો. છતાં દુનિયાથી અલગ વિચારધારા, માણસાઈ અને પ્રેમનો એક સમજણભર્યો ભાવ લઇ એક માનભર્યા પ્રેમ સાથે મારા ચેન્જ થતા મુડના દરેક નખરા સામે તે તારી ઉંમર કરતાં ઘણી વધુ સમજદારી બતાવી અને મને ઓળખતો ગયો, સમજતો ગયો. શાંત ચિતે એક સ્ત્રીને સમજતો ગયો. તારી એ મેચ્યોરીટી પર હું વારી ગઈ. નખરા કરવાની કે રીસાવાની અને તારી ગર્લફ્રેન્ડ સાથે સમય માણવાની તારી ઉંમર છે એના બદલે એકવાર દોસ્તી કરી તો નિભાવવાની ધીરજ રાખીને, તારી ગર્લફ્રેન્ડ સાથેના સમયમાંથી માણસાઈના નાતે મને સમય આપી મારા જીવનમાં ખૂટતાં તમામ રંગો ભરવા તું પ્રયત્ન કરી રહ્યો છે. તારી આ નિ:સ્વાર્થ લાગણી માટે હું શું આપી શકું? દુનિયા તો દોરંગી છે, દોસ્તીનો સાચો મતલબ ના સમજે પણ મને હવે એવી પરવા નથી. મતલબ વિના પણ સંબંધ હોય અને સંબંધનો પ્રકાર કોઈ પણ હોય સાચા પ્રેમભાવનું તત્વ હોય એ પૂરતું છે અને તે મને તારી દોસ્તીમાં સમજાયું છે.
ટ્વેન્ટી ટ્વેન્ટીની એક ઇનિંગ ખેલી નાખીએ
ચાલને દોસ્ત આપણે તમામ રંગોથી રમી નાખીએ
સ્ત્રી અને પુરુષની મૈત્રીને દુનિયા કદાચ શંકાની એક જ નજરથી જુએ છે. પણ હકીકત એ છે કે સારું અને સાચું પાત્ર મિત્ર તરીકે મળે તો એક સાચી સમજણ અને કાળજીની હૂંફ થકી ખાસ તો સ્ત્રી એ કપરો સમયગાળો ઘણી સારી રીતે પસાર કરી શકે છે. એ માટે હું હંમેશ તારી આભારી રહીશ. આ સમયે હીંમત હારું કે રોવા બેસું કોઈ પણ પરિસ્થિતિમાં તેં મને હિમત આપી છે અને કોઈ પણ સવાલો કે નિરર્થક ચર્ચાઓ કર્યાં વિના મારા મુડને પારખી લઇ એક વાત કરે છે કે,
દરિયાના મોજા ભલે ઉછળે
થોભો કિનારે તો કંઈ ન મળે
મરજીવા થઈએ તો મોતી મળે
આંધી કે તુફાન ડરવું નહિ
મૃત્યુની પહેલા જ મરવું નહિ
બેફીકર થઈ જીવો જિંદગી
ને જીગરથી જીવો જિંદગી...
આ સમયમાં આવી રહેલા સ્ટ્રેસ અને ડીપ્રેશન અને એના લીધે કેટલી ફરિયાદો સાથે તારી સામે મેસેજમાં ફરિયાદોના પોટલાં લઈને આવું ને તું આમ જ ઉત્સાહ અને હીંમત આપી જીંદગીમાં રંગો ભરવા પ્રેરિત કરી દે છે. 20 + અને 40+ ની આ દોસ્તીમાં હંમેશ હું જ રિસાઉં છું કે નખરા કરું છું, તું તો બસ એ રીસામણા સામે એક સ્માઇલીમાં બધો જવાબ આપી ચુપ જ રહે છે.
આ પત્ર લખવાનું કારણ પણ એ જ છે કે તું જરૂર પડ્યે નેટ દ્વારા મારી મદદમાં હાજર જ હોય છે, પણ મને સતત લખ્યા કરવાની ટેવ અને તને ઘણીવાર મેસેજ જોયા વિના ડિલીટ કરવાની કુટેવ! અને પછી ગુસ્સે થતી હું અને તો પણ જગડ્યા વિના હસીને ચુપ રહેતો તું! એટલે મને થયું હવે પત્ર સ્વરૂપે મારી લાગણી તારા સુધી પહોચાડું, જેથી આ 40 ‘મોટી’ ને તું ડિલીટ ના કરી શકે! મને આ તારા જમાનાના મેસેજ ડિલીટ થઇ જાય એ ના ગમે એટલે મારા જમાનાના માધ્યમ દ્વારા આપણી 20 + 40 ની દોસ્તીને નવો રંગ આપી પાક્કી બનાવી. અમારો સમય યાદ કરું તો મને ડર લાગે કે પાક્કી દોસ્તી રહેશે ને? કેમકે ત્યારે વિજાતીય મૈત્રીની તો વાત જ નહોતી, પણ શાળા કે કોલેજ જીવનની સખીઓની મૈત્રી પણ ક્યાં સુધી નીભાવી શકશું એ નક્કી નહોતું. ત્યારે ફોન નહિ, સાસરે જઈ પત્ર લખવા મળશે કે નહિ એ નક્કી નહિ એટલે સખીઓને સરનામા વિના શોધવી એ પણ અઘરું. આજે તો ડિજીટલ યુગ આવ્યો અને ઘણી સખીઓ સાથે વર્ષો પછી નેટ થકી ‘WET’ થયા! પણ તોય મન તો હજુ એ જમાનાની અસરમાં રહે ને?
તારા માટે મારા શબ્દો,
લાગણીના માળામાં પંખી ટહુક્યું
એણે ફંફોસી ફંફોસી કીધો કલશોર
ઢંઢોળી જાત એણે લૂણો ઉતાર્યો
ચાંચૂડી ઘસી-ઘસી ઘા એવો માર્યો
કોરાકટ રણમાં ઉગાડ્યો ગુલમહોર
એણે ફંફોસી ફંફોસી કીધો કલશોર
અરે હા, એક વાત તેં નોટિસ કરી દોસ્ત? મને નવા અંગ્રેજી શબ્દો ઘણા આવડતા ગયા. હું ઘણા અંગ્રેજી મેસેજ વાંચતી થઇ અને નવું શીખવાનો આનંદ લેતી મારી તકલીફોમાંથી બહાર આવતી થઇ. મારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે એ માટેની ક્રેડિટ તને જ આપીશ. મેં આજે અહીં કેટલા અંગ્રેજી શબ્દો લખ્યા એ વાંચીને તને કેવું લાગ્યું એ કહેજે. અને તું મને મોટીવેટ કરવા ગુજરાતી ગીતો, સારા સાહિત્યકારોના આર્ટિકલ નેટ પરથી શોધી મને મોકલતો થયો એમાં તારો માતૃભાષા તરફ લગાવ વધ્યો. એ મને તો ગમ્યું, તને ગમ્યું કે?
મારી પેઢી જ એક એવી પેઢી છે જે પહેલા એક ‘વસમી’ અને હવે એકવીસમી સદીમાં જીવવાનો એમ બંને યુગને જોડતી કડી બની છે. એ આશીર્વાદ સમજુ છું હું તો, કેમકે એના જ પ્રતાપે જૂની સખીઓની સાથે તારા જેવા નવા સંબધો મળ્યા અને અમારા બાળકો સાથે મેચ થવા અમે નવું શીખી રહ્યા છીએ. હા, અમારો જમાનો ગમે તે હતો પણ આટલા સમયમાં ખાતરી થઇ ગઈ કે તારી પેઢીના યુવાનો સંબંધ બાંધ્યા પછી નીભાવે પણ સરસ રીતે છે. ઉંમર જોયા વિના કે મળવાની કોઈ વાત વિના. હા, આપણે જાણીએ છીએ કે આપણે કદાચ રૂબરૂ ક્યારેય નહિ મળી શકીએ તો પણ એક લાગણીથી ભરપુર સંબંધ જીવીએ છીએ. એ માટેનો તમામ યશ હું તને જ આપું છું દોસ્ત. મારા લાંબા મેસેજથી તું કંટાળતો એટલે હવે પત્ર બહુ લાંબો નહિ કરું પણ એક સવાલનો જવાબ માંગીશ.
સમજણના દરિયે એક સ્ત્રીને વહેતી કરી તેં
એકલી પડેલી એક સ્ત્રીને તારી કરી તેં
મરી રહેલી એક સ્ત્રીને જીવંત કરી તેં
એક સ્ત્રીને ફરી ષોડશી કન્યા કરી તેં
તો મારી જિંદગીને રંગીન કરનાર અને એક અનેરા પ્રેમની વસંત લાવનાર મારા ડીજીટલિયા એવા એ મીઠડા દોસ્ત,
શું હું તને આજના પ્રેમાળ દિવસે I LOVE YOU કહી શકું? હું રાહ જોઇશ મેસેજ નહિ, તારા પત્રની હો! જે ક્યારેય ડિલીટ ના થાય અને હું એ મધુર સંભારણું સાચવીને જન્મોજન્મ તારી દોસ્તી પામવા અંતિમ સમય સુધી એને સાથે વળગાડીને સુઈ શકું, છેલ્લા શ્વાસ સુધી! આપીશ?
તારી જ
સખી
જન્મોજન્મની
વૈશાલી રાડિયા