Atuly dairy books and stories free download online pdf in Gujarati

અતુલ્ય ડાયરી

Vaishali Radia Bhatelia

vaishaliradiabhatelia@gmail.com

‘અતુલ્ય’ ડાયરી

૮ જૂન ૨૦૧૦,

ધોરણ સાત નો પહેલો દિવસ. વર્ગમાં બીજો પિરિયેડ ચાલુ થયો અને મીઠો, કાનમાં ઘૂઘરી વાગે એવો અવાજ સંભળાયો, “May I come in Ma’am?” ને એ બે ચોટીવાળી બેબીની નીલી આંખોમાં મને અરબી સમુદ્ર દેખાયો. સ્કૂલ છૂટતાં પહેલાં એનું નામ જાણવા મળ્યું ‘તુલ્યા’. ૮ જૂનનો દિવસ મને ગમી ગયો.

-આ ડાયરી મારી છે.

મારા સિવાય કોઈએ વાંચવી નહીં.

– ‘અતુલ્ય’

સાંજે મમ્મીએ અતુલ્યને કીધું, “બેટા, આપણી પડોશમાં ઘોષ અંકલ કલકત્તાથી રહેવા આવ્યા છે. તેમને ત્યાં આ પાણીનું કેન આપતો આવ .આજે એમનો જામનગરમાં અને ઘરમાં પહેલો દિવસ છે.અને લાઈટ સવારથી નથી તો બિચારા હેરાન થતા હશે.” ઈચ્છા ન હતી પણ અતુલ્ય ડાહ્યો અને કહ્યાગરો છોકરો એટલે તરત કહે, “હા, મમ્મી .” અને અતુલ્ય કેન લઇ ચાલતો થયો ને બાજુના ઘરની બેલ વગાડી .દરવાજો ખુલ્યો ત્યાં તો અતુલ્યના હાથમાંથી કેન પડતાં-પડતાં રહી ગયું. ઢીંગલી જેવી લાગતી, ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરેલી તુલ્યા સામે ઊભી હતી અને અતુલ્ય પાણી નું કેન ત્યાં જ મુકીને ઊંધો ફરીને ચાલવા લાગ્યો. મનમાં તો કેટલુંયે બોલાતું હતું કે, “હું અતુલ્ય,તમારા ક્લાસમાં જ ભણું છું.” પણ હોઠ સિવાઈ ગયા હતાં .

૮ જુન, ૨૦૧૦ –

આજે મને ઊંઘ નથી આવતી. મને એમ થાય છે કે સાઇકલ લઈને હું અને તુલ્યા લાખોટા તળાવની પાળ પાસે રજવાડીના ગોળા ખાવા જઈએ ને જોર-જોરથી બરફ ચૂસીને સબડકા બોલાવીએ અને કલરવાળા હોઠ થાય એ જોવાની કેવી મજા આવે!

-આ ડાયરી મારી છે.

મારા સિવાય કોઈએ વાંચવી નહીં.

– ‘અતુલ્ય’

સવાર પડે અને તુલ્યાની સાઇકલની ઘંટી વાગે ક્વ ચાલ, અતુલ્ય સ્કૂલે ..અને બન્નેની સાઇકલ સવારી ઊપડે.અતુલ્યને તુલ્યાની બે ચોટીની હવામાં ફર-ફર થતી રિબન ને અડવાનું મન થાય. ત્યાં સ્પીડબ્રેકર આવતાં સાઇકલ ઊછળી ને અતુલ્ય જોરથી રોડ પર પટકાયો ને તેના પર સાઇકલ પડી.તુલ્યા જલ્દી સાઇકલ ઉપરથી ઊતરીને દોડી. એ અતુલ્યને ઊભો કરવા ગઈ ત્યાં એ રાડ પાડી ઉઠયો .તેનો પગ સીધો થયો જ નહિ .તુલ્યા ઘર તરફ પાછી દોડી અને થોડીવારમાં અતુલ્યના મમ્મી –પપ્પાને લઇ આવી ને બધાં હોસ્પિટલે ગયા.

૯ ઓકટોબર ,૨૦૧૦

પગમાં ફેકચર થયાને આજે અઢી મહિનાં થાય.તુલ્યા મને રોજ નોટ્સ આપી જાય.એના મોતીના દાણા જેવા અક્ષરો જોઈ એમ થાય ક નોટ્સ લખ્યા જ કરું! એક દિવસ તુલ્યા મારા માટે ફાઈવ સ્ટાર લાવેલ.તુલ્યા મને મુકીને એક પણ ચોકલેટ્સ ના ખાય ! કેવી ગમે મને ! એ આવે તો જાણે ઘરમાં કોયલ જેમ કલબલ લાગે.પરીક્ષા માટે વાંચવામાં મને રોજ કંપની આપે અને કલાસવર્ક સમજાવે. Thank you તુલ્યા .

-આ ડાયરી મારી છે.

મારા સિવાય કોઈએ વાંચવી નહીં.

– ‘અતુલ્ય’

સવાર પડે અને ફરી તુલ્યાની સાઇકલની ઘંટડી વાગે ને હાઇસ્કુલમાં આવેલા અતુલ્ય અને તુલ્યા નીકળી પડે...ડ્રેસ અને ઊચું પોની વાળેલી તુલ્યાને જોઈ અતુલ્યને એના શેમ્પુ કરેલાં લીસા વાળ પર હાથ ફેરવવાનું મન થાય પણ સ્પીડબ્રેકર સામે જોવું પડે ન એ ભાઈ!

૨ જાન્યુઆરી,૨૦૧૧

આજે આઠમાં ધોરણના મારા બીજા મિત્રો સાથે તુલ્યાએ પણ મારી slam book ભરી. મારા માટે તુલ્યાએ લખ્યું છે.My best friend, best buddy, cute boy, helpful guy and every time supporter

હું તો આખી રાત એ મોતીના દાણા જેવા અક્ષરો જોતો રહ્યો અને અમે હાથમાં હાથ નાખી કૂદકા મારી એવા હસ્યા જાણે !

-આ ડાયરી મારી છે.

મારા સિવાય કોઈએ વાંચવી નહીં.

– ‘અતુલ્ય’

૧૫ ડિસેમ્બર, ૨૦૧૨

આજે અમારે ૯માં ધોરણમાં ભણતાં વિદ્યાર્થિઓ માટે ’૧૦ માં ધોરણની પૂર્વ તૈયારી’ એ વિષય પર લેકચર હતું. લેકચર પછી તુલ્યાએ મને રિશેષ માં એકતરફ બોલાવી કહ્યું, “અતુ, આજે સાંજે મને પ્રોજેક્ટમાં હેલ્પ કરીશ?” ને સાંજે અમે બંનેએ તેના ઘરે ‘ગ્રહો ની અવકાશીય યાત્રા’ પર પ્રોજેક્ટ પૂરો કર્યો ત્યારે કેવી ખુશીથી ઊછળીને એણે મારા ગાલ પકડીને એક બકી ભરી લીધી કે, “અતુ, તું કેવો મજ્જાનો છે?” અને મને તો બધાં ગ્રહો મારી આસપાસ ચક્કર ફરતાં હોય એમ લાગ્યું.

-આ મારી વ્હાલી ડાયરી છે.

મારા સિવાય કોઈએ વાંચવી નહીં.

– ‘અતુલ્ય’

રીશેષમાં તુલ્યા એની બહેનપણીઓ સાથે બેઠી હતી ત્યાંથી થોડા છોકરાઓ સીટી વગાડતાં નીકળ્યા અને ગંદી મજાક કરી. તુલ્યા અને એની બહેનપણીઓ રોવા જેવી થઇ ગઈ. ત્યાજ અતુલ્ય આવી ગયો અને પેલાં છોકરાઓ સાથે ઝઘડી પડયો. ઓફિસમાં ખબર પડતાં જ આચાર્ય અને બે શિક્ષકો આવીને તેમને છુટા પાડતાં ગુસ્સે થયા કે , “હવે તમે લોકો દસમાં ધોરણમાં આવ્યા. બોર્ડની પરીક્ષાની તૈયારીમાં ધ્યાન આપો આવા ઝઘડામાં નહિ.”

૨૦ એપ્રિલ, ૨૦૧૩

તુલ્યા વેકેશનમાં કોલકતા ગઈ છે. મને જરાય ગમતું નથી. સાંજે સૂનું લાગે છે. અને દોસ્તો સાથે રમવા જાઉં તો પણ તુલ્યા જ યાદ આવે. મમ્મી – પપ્પા અને અંકલ- આંટી તો હજુ અમને નાના છોકરાંવ જ સમજે છે ને તુલ્યા મારાં સાથે વ્હાલથી બોલે છે પણ ક્યારે એવું નથી કહેતી કે, ‘અતુ, તારી સાથે મને ગમે છે.’ પણ આજે મને એમ થાય છે કે મને તુલ્યા બહુ ગમે છે. નહિ તો આમ એના વિના મન આવું ઉદાસ થોડું લાગે!

-This is my personal diary. Don’t read.

– Atulya

૧૧ માં ધોરણ માં ક્યારેક બંક મારીને તુલ્યા, અતુલ્ય અને એમનું ગ્રુપ મેહુલ સિનેમેક્ષ માં મુવી જોવા માટે નીકળી જતું. ક્યારેક સાંજે કૉફી હાઉસ માં બન્ને બેસ્ટ ફ્રેન્ડ જેમ વાતો કરતાં, જોક મારતા આરામથી કોલ્ડ કૉફીની લિજ્જત માણતા ક્યારેક તળાવની પાળે સાંજે સિગલ પક્ષીઓના ટોળાને આકાશમાં ચકરાવા લેતા જોવા જતાં એ તુલ્યાને બહુ ગમતી પ્રવૃત્તિ હતી.

૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૪

આજે વેલેન્ટાઇન ડે અને સાથે તુલ્યાનો જન્મદિવસ! તુલ્યા માટે શું ગિફ્ટ લેવી એ મૂંઝવણમાં મંદ એક દુકાનમાંથી સ્ટોલ પસંદ કર્યો,રેડ રેપર માં પેક કરાવી સાથે એક મોટી ડેરીમિલ્ક લગાવી. આ નાનકડી ધમાલમાં મારે મોડું થયેલ તો તુલ્યા કેવી રાહ જોતી હતી કે મારો બેસ્ટ ફ્રેન્ડ આવે પછી જ કેક કાપું. બધાં મહેમાનોને પણ રાહ જોવડાવેલ! શું એને પણ મારી જેમ મનમાં સુવાળું પીછું ફરતું હશે કે ઓન્લી બેસ્ટ ફ્રેન્ડ !

-આ મારી વ્હાલી ‘વેરી વેરી લવલી’ડાયરી છે.

મારા સિવાય કોઈએ વાંચવી નહીં.

– ‘અતુલ્ય’

“તુલ્યા, હવે કામ મૂકી દે.વાંચવા બેસ.૧૨ મું ધોરણ છે.” તુલ્યાની મમ્મી સલાહ દેતી હતી. અને તુલ્યા ચાલી બુક્સ લઈને અતુલ્ય ને ત્યાં વાંચવા. સ્ટડી રૂમમાં ટેબલ પર સામ-સામે બેસીને વાંચતા -વાંચતા અજાણતાં તુલ્યાનો પગ અતુલ્યના પગ સાથે અથડાયો ને અતુલ્યની આંખોમાં તુલ્યાને કૈંક ચમકારો દેખાયો પણ એ નજરઅંદાજ કરી એ તો વાંચવામાં ખોવાઈ ગઈ.

૨ માર્ચ, ૨૦૧૫

હમણાં તો હું અને તુલ્યા ૧૨ માં ધોરણની પરીક્ષામાં એટલા ડૂબ્યા છીએ કે સારા માર્ક્સ લઇ કોલેજમાં એડમિશન લઇ ડોક્ટર બનવું એ એક જ ધ્યેય .

– ‘અતુલ્ય’

૧૨ માનું વેકેશન અને યુથહોસ્ટેલમાંથી ગોવા ગયેલ ગ્રુપમાં કલંગુટ બીચ પર બધાં સાથે ચિચિયારી પાડતાં ને એકબીજાને પાણી ઉડાડતાં મોજ મસ્તીમાં અતુલ્ય પાછળ તુલ્યા હસતી દોડતી દરિયા કિનારાની ભીની રેતીમાં મોજાં ના ફીણમાં પગ ખૂંપાવતી જાણે માછલી જેમ સરકતી હતી.ને તુલ્યાએ અતુલ્ય ને પકડયો ત્યાં બન્ને ભીની રેતીમાં લપસ્યા અને નીચે પડતાં હાથ પકડીને ખડખડાટ હસી પડયા. તુલ્યા કહે,”ચાલને અતુલ્ય,આપણે વોટર –બાઈકમાં જઈએ.” અને દોડીને બન્ને બાઈકમાં પાણીની છોળોમાં નહાતા ચક્કરો માર્યા. અલગ અલગ બીચ પર ફર્યા ,નાહ્યા,પેરાગ્લાઇડિંગ કરી જાણે હવામાં ઉડયા. ટીન એજની એ મસ્તી અને ખૂબ મજા કરી ફરી ઘરે આવ્યા.

૨૧ મે ,૨૦૧૬

તુલ્યાએ આપેલ ચોકલેટ્સ ના સાચવેલ રેપર,ઊડીને અગાસીમાં આવેલ તુલ્યાની સાચવી રાખેલ રિબન ,તુલ્યાએ બર્થ ડે માં આપેલ પેન,તુલ્યાની નીલી આંખો, સાઈકલની ઘંટડી, ઘૂઘરી જેવો અવાજ, મોતી ના દાણા જેવા અક્ષરો એ બધું ગમવું તો ‘ગમવું’ કહેવાય. પણ ગોવાના બીચ પર માણેલ મસ્તી, રમતિયાળ સ્પર્શ થી જાગેલ સ્પંદનો, વર્ષોની લાગણી એ પ્રેમ છે? હા, મારા મન, મને તુલ્યા ગમે છે. કોલેજ માં આવતાં જ પહેલાં જ દિવસે તુલ્યાને પ્રપોઝ કરીશ કે, “રોજ કોલેજ મારી બાઈક માં આવીશ? તુલ્યા, તું અતુલ્યમય બની જઈશ? તુલ્યા, તારું નામ મારા માં સમાયેલું છે, તેમ તું પણ મારી જીંદગી માં સમાઇશ”

** ‘તુલ્યા’ ~ ‘અ~તુલ્યા’ **

અને અતુલ્ય ડાયરી મૂકી ગણગણતો બહાર નીકળી ગયો . ‘ઘર સે નિકલતે હી.. કુછ દુર ચલતે હી.. રસ્તે મેં હૈ ઉસકા ઘર.. ’

થોડા દિવસો પછી ...

“આન્ટી, અતુલ્ય ક્યાં? મારે એની લાયબ્રેરીમાંથી બુક જોઈએ છે.” તુલ્યા રણકતી આવી અને અતુલ્યની મમ્મી કહે, “જા એના રૂમમાંથી શોધી લે.એ લાઈટ બીલ ભરવા ગયો છે.” દોડતી તુલ્યા અતુલ્યના રૂમમાં જઈ બુક શોધવા લાગી.ત્યાં એના હાથમાં એક ડાયરી આવી.પહેલાં જ પાને વાંકાચૂકા અક્ષરોથી લખાયેલ,‘-આ ડાયરી મારી છે. મારા સિવાય કોઈએ વાંચવી નહીં.– ‘અતુલ્ય’

પણ કુતૂહલતાવશ તુલ્યા ડાયરી વાંચતી ગઈ અને પાને પાને શાંત અતુલ્ય ના શબ્દો એનામાં લાગણી બનીને નીતરવા લાગ્યા. એનો બેસ્ટ ફ્રેન્ડ આજે એના દિલમાં પગલાં પાડી ઊંડો ઊતરતો એણે મહેસુસ કર્યો અને એ બોલી ઊઠી કે , “હા, હું તારી પાછળ બાઈક માં બેસીને કોલેજ તો શું જીવનપ્રવાસ માં પણ સાથે જ આવીશ. હું અતુલ્યમય જ છું. અતુ !!!!”

અને શરમના શેરડા થી લાલ થયેલ તુલ્યાએ રેડ પેન ઊઠાવી અને ....

૧ જૂન, ૨૦૧૬

અતુ, કાલે કોલેજ જવા સમયે બાઈક નું હોર્ન વગાડજે. હું તારી પાછળ બાઈક માં બેસીને કોલેજ તો શું જીવનપ્રવાસ માં પણ સાથે જ આવીશ. હું અતુલ્યમય જ છું. ILU 2 અતુ!!!!

~આ ડાયરી ‘આપણી’ છે.

** ‘તુલ્યા’ ~ ‘અ~તુલ્યા’ **

ડાયરીને છાતી સરસી ચાંપી ગુલાબી પરવાળા જેવા હોઠોથી હળવું ચુંબન કરી ડાયરીને ટેબલ પર મૂકી. ડેનીમ ના જીન્સ પર પતંગિયા ની ભાતવાળું ગુલાબી સ્પગેટી ટોપ પહેરેલ એ છોકરી જાણે પતંગિયુ ઊડતું હોય તેમ દાદર ઠેકતી દોડી. અને અતુલ્યની માં બોલતી હતી કે, “તુલી, તને બુક મળી ગઈ?” પૂરો પ્રશ્ન સાંભળ્યા વિના જ, “એ ... હાં ...” બોલાતી તુલ્યા નિર્દોષ પ્રેમ ના તરંગોની ધૂન પર સવાર થઇ ઘરની બહાર દોડી ગઈ.

જુનના પહેલાં વરસાદ ના અમીછાંટણામાં ભીંજાતી ગુલાબી યૌવના ગુલાબ જેમ ખીલેલી રોડ પર નહાવા લાગી અને સામેથી બાઈક પર આવતો અતુલ્ય બ્રેક મારીને તુલ્યાને જોતો રહ્યો અને વિચારવા લાગ્યો કે, ‘ચાલ ને, અત્યારે જ હિંમત કરીને કહી દઉં કે તુલી , I LOVE YOU.’ બાઈકમાંથી ઊતરી ધીમેથી આગળ વધતાં અતુલ્યને જોયા વિના જ અતુલ્યના પ્રેમમાં ખોવાયેલ તુલ્યા દોડતી પોતાના ઘરમાં જતી રહી. અને અતુલ્ય ચોક વચ્ચે વરસાદ ઝીલતો ઊભો રહ્યો કે સાદ પાડું ક હવે કાલે જ કહું?? ત્યાં એને ક્યાંક વાંચેલું યાદ આવ્યું કે,

એક ટકો કાફી છે મહોબતમાં

બાકીના નવાણું ખર્ચી નાખ હિંમતમાં

અને અતુલ્ય મક્કમ પગલે આગળ વધ્યો અને તુલ્યાના ઘરની બેલ મારી તો પણ અધીરાઈમાં બોલાઇ ગયું , “તુલી, એય.... તુલી. તુલી, એય... તુલી”

----०----०----०----०----०----०----

-વૈશાલી રાડિયા ભાતેલિયા ‘ઉડાન’

vaishaliradiabhatelia@gmail.com

MO.:9428863730

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED