રાવી જયારે રક્તરંજિત બની... Vaishali Radia Bhatelia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાવી જયારે રક્તરંજિત બની...

રાવી જયારે રક્તરંજિત બની...

વૈશાલી રાડિયા

ડિસેમ્બરની કાતિલ ઠંડી અને અંધકારભરી રાત સમસમ વહેતી હતી. પંજાબની કાતિલ ઠંડીમાં પાકિસ્તાન બોર્ડર પરની રાવી નદી હિમ સમાન પાણી વહાવતી 2 થી ૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કોઈને પણ પોતાની પાસે ફરકવા ના દેવા જોગણી જેમ ધૂણી ધખાવીને એક મિજાજથી આગળ વધતી હતી. ત્યાં જ એનું તપોભંગ થયું હોય એમ છપાક... અવાજ સાથે એની બરફ જેવી સપાટીમાં કોઈના પગલાં પડ્યા! થોડી વારમાં ચોર પગલે એક પછી એક એમ ચૌદ જેટલા માનવ ઓળાઓ નદીમાં ખાબકી રહ્યા હતાં. કોઈ છુપી નજરે જોતું હોય એને લાગે કે હમણાં જોગણી રાવી એનો કેર બતાવશે અને હિમ જેવા એના પાણીના વીંછી સમાન ડંખથી અંદર પગ મૂકનારાઓનો ચિત્કાર સંભળાશે! પણ એવું કશું જ ના થયું. રાવી એક મા પણ હતી ને? અને એના એ બહાદુર બાળકોને કાતિલ ઠંડીમાં પણ સામે પાર પહોંચાડવા એ પણ ઉત્સુક હતી. રાવીને યાદ આવી ગઈ એ ભર બપોરે પણ લખલખું પસાર થઇ જાય એવી વાત! એના આ જ બાળકો જેમાં બે સાર્જન્ટસ અને 14 જવાનો ‘બોલે સો નિહાલ...સત શ્રી અકાલ’નો નાદ કરતાં એની ઠંડી ગોદમાં ઊતરી પડ્યા હતાં. હજુ તો અધવચ્ચે પહોંચ્યા ત્યાં વીજળીના કડાકા થતા હોય એવા અવાજો વચ્ચે મા રાવીની છાતી વીંધી ધાવણને બદલે આગના ફુવારા ઉડતા હોય એમ ચમકારા અને છમકારા સાથે પાણી ઉડ્યું! બધા જ માની ગોદમાં સ્થિર થઇ ગયા પણ સામે પાર ડાબી તરફના કાંઠે પાછલી રાતે જ તેના પુત્ર ભારતની 6 નંબરની ચોકી દુશ્મન બની બેઠેલા તેના જ ધાવણથી ઉછરેલા બીજા પુત્ર પાકિસ્તાને કબજે કરેલી. જ્યાંથી લાઈટ મશીનગન ઓટોમેટીક ફાયરીંગ કરી રહી હતી. ભારતપુત્રો સામા કિનારે પહોંચે એટલીવારમાં તો દુશ્મન ત્રણ લાઈટ મશીનગન અને 2” મોર્ટરથી સજ્જ એક પ્લેટૂનને બરાબર સામેના કાંઠે લાવી પોતાની જ ગોદમાં જળસમાધી આપી શકે એ નિશ્ચિત હતું. અને એક મા અકળાઈ રહી હતી કે એક પુત્ર આજે બીજા પુત્રના રક્તથી જ માની ગોદ લજવશે કે શું? અને રાવી ફળફળી રહી. એક માના દર્દને ભગવાને સાંભળ્યું એમ પાંચ નંબરની ચોકી પાછી મેળવવા જઈ રહેલી એ ટીમના સૌથી આગળ રહેલા કેપ્ટન નરેન્દ્રએ ત્વરિત નિર્ણય લીધો કે દિવસના સમયે અને સીધા રસ્તે આ ચોકી સર કરી શકાય એવી કોઈ શક્યતા નથી. મોતના મુખમાં જતા પહેલા દુશ્મનોને પણ સાથે લઇ જવા હોય તો બુદ્ધિથી કામ લેવું જોશે. અને એમણે તરત ટુકડીને પાછાં ફરવા આદેશ કર્યો. દુશ્મનોનો વધતો ગોળીબાર અને બૂટ-મોજાંથી માંડીને ગળા સુધી ભીંજાઈને તરબોળ થયેલા એ જવાનો એકદમ શાંતિથી ફરી કિનારે પાછાં વળ્યા. અને મા રાવીએ એક શાંતિનો શ્વાસ લીધો; સાથે ત્યારે જ એક નિર્ણય કર્યો કે જે સંતાન વંઠી જાય, માનું ધાવણ લજવે, છાતી વીંધે એને જીવતું ના છોડાય. શરીરનું કોઈ અંગ સડી જાય તો એને કાપવા દર્દ સહેવું સારું.

અત્યારે કાળી રાતે મા રાવી એટલે જ કાતિલ ઠંડીમાં પણ પોતાના ભારતપુત્રોને એક હૂંફ સહેવાની તાકાત આપતી હોય એમ ગોદમાં રસ્તો કરતી રહી. કેપ્ટન નરેન્દ્ર અને એમની ટીમ પણ કદાચ અંધારામાં એક-એક કદમ સાવચેતીથી મા રાવીના વહાલમાં ભીંજાતા એક સ્થિરતાથી આગળ વધી રહ્યા હતા. મા રાવીનું મન થોડું પાછળ બપોરની ઘટના તરફ પણ પહોંચી જતું હતું. કિનારે પહોંચતાવેંત જ નરેન્દ્રએ કર્નલને કહેલ, ‘હું 5 નંબરની બીઓપી પાછી મેળવીશ જ, પણ મારી પોતાની યોજના મુજબ.’ અને કર્નલે ત્યારે સમય પારખી એની વાત મંજુર રાખેલ. બપોરે પહેરેલ કપડે પોતાના એચ.ક્યુ. પરથી ફક્ત એના સી.ઓ.ના આદેશથી એક તપાસ માટે આવેલ અને કર્નલના આદેશથી સીધા આ યુદ્ધમાં જોડાઈ ગયેલ એવો નરેન્દ્ર અને એમની ટીમના જવાનો અંધારી રાતે રાવીના ભીના રસ્તે ફરી એ જ યુનિફોર્મ ભીંજવતા ચોકી કેમ સર કરવી એ એક જ લક્ષ્ય એમ બધું ખંખેરી જવાનોનો ઉત્સાહ વધારતા આગળ વધી રહ્યા અને મા રાવી પોતાના આ બહાદુર પુત્રોણે જોઈ હરખાતી રહી.

હજુ બપોરે જ પાણીમાંથી નીકળતા વેંત બીજા રસ્તેથી નવી યોજના મુજબ ચાલી રહેલા આ જવાનોએ પાંચ નંબરની ચોકી સર કરવા પહેલા ચાર નંબરની ચોકી પર પહોચવું જરૂરી હતું. એ માટે ધુસ્સી બંધ પર ચારેક કલાક ચાલ્યા બાદ હોડીમાં બેસી રાવી નદીની વચ્ચે આવેલ મોટા ટાપુ પર ઉતરી છ-સાત ફીટ ઊંચા સરકંડા(એલીફન્ટ ગ્રાસ જે સળીઓમાંથી મુંઢાની ખુરશીઓ બને છે એવું ખીલા જેવું) નામના ઘાસના જંગલમાંની પગદંડી પર અર્ધો કિલોમીટર ચાલ્યા પછી રાવી નદીમાંથી ફંટાયેલા ‘તેજનાલા’ વહેળો પાર કરી ભીના-ભીના અને હુકમ બજાવવાના વિચાર સામે ભૂખનો તો વિચાર પણ ન આવેલ એવા જવાનો કિનારે-કિનારે ઉપરવાસ ચાર નંબરની ચોકી તરફ ચાલતાં બપોરે દસ-પંદર ખોરડાંના ગામ પાસે પહોંચેલ. જ્યાં બધા લોકો ઘરબાર છોડી જતા રહેલ. છેવાડે એક બિસ્માર હાલતની ઝૂંપડીના ઓટલે એક માજી નાનકડી છાબડી લઇ બેઠેલા. જવાનોએ ત્યાં પહોંચી ‘સત શ્રી અકાલ, માઈ’ કહી પૂછ્યું, ‘હજુ સુધી અહીં કેમ રહ્યા છો? લડાઈ શરુ થઇ ગઈ છે’ ત્યારે રાવી જેવી જ એ માએ બોખા મોંએ હળવું હસતાં કહેલું, ‘અરે પુતર, આખી જિંદગી આ ઘરમાં કાઢી છે, હવે ક્યાં જઉં? જુઓ, તમે બધા દેશની રખ્યા (રક્ષા) કરવા નીકળ્યા છો. અહીં બેઠી છું તમ સરખા જવાનોની સેવા કરવા. મેં થોડા રોટલા ઘડી રાખ્યા છે, વાહે ગુરુનું લંગર સમજી આરોગો.’ અને બધા જવાનોના ભાગમાં અડધી-અડધી ભાખરી એક માના પ્રસાદ જેમ તાકાત બનીને પેટમાં પડી. અત્યારે એવી જ મા રાવીના સાથમાં અંધારે, એકાગ્રતા અને ધ્યાનથી નદી પાર ઉતરી ગયા! ઈશ્વરીય સાથ ક્યાંક સત્યને સહાય કરી રહ્યો હતો!

હું જોઈ રહી હતી, સામે જ સરકંડાના જંગલમાં જ્યાં દુશ્મનો વાર કરવા છુપાઈને સંતાયાની પુરેપુરી શક્યતાઓ વચ્ચે અંધારે નરેન્દ્રની આગેવાનીમાં ધીમા પગલે જવાનો આગળ વધી રહ્યા હતા. દસેક મિનીટ ‘માર્ચીંગ’ કર્યું ત્યાં અચાનક આછો કડાકાભર્યો કદી ના ભૂલી શકાય એવો એક અવાજ કાનમાં પડ્યો અને બધા એ જ પોઝીશનમાં એકકાન! એ અવાજ હતો LMG- લાઈટ મશીનગનનો ઘોડો ચડાવવાનો (‘કૉક’ કરવાનો)! પાંચ જ સેકન્ડમાં મેગેઝિનમાંથી અઠ્યાવીસ ગોળીઓ છૂટી શકે અને નિશાન સાધીને બેઠેલ જવાન ગભરાટમાં ટ્રીગર પર આંગળીનું દબાણ એક વાળના તાંતણા જેટલું પણ વધારે તો એક જ લાઈનમાં ચાલી રહેલા નરેન્દ્ર અને તેની ટીમના તમામ જવાનોમાંથી કોઈ બીજી સેકન્ડે બચી ના શકે! મારું વહેણ જાણે થંભી ગયું હતું! આ વિધાતાએ શું ધાર્યું હતું?

મારા પુત્રો અજાણ હતા પણ હું મારી આસપાસની બધી દિશાઓમાં ચાલી રહેલ તાંડવ જોઈ રહી હતી! આ જ સમયે નરેન્દ્રના હેડક્વાર્ટર્સ પર એક અભૂતપૂર્વ યુદ્ધ ચાલી રહ્યું હતું! 1971ની 4 અને 5 ડિસેમ્બરે પાકિસ્તાને છેડેલા યુદ્ધમાં બે દિવસમાં દેશ આખો ઉચક જીવે બેઠો હતો ત્યારે કેટલા નરબંકાઓ અલગ-અલગ સ્થળ પર પણ એક જ લક્ષ્ય સાથે જીવ પર આવી ખાધા-પીધા વિના બસ ગોળીઓ અને તોપો તેમજ મશીનગનોના વરસાદ વચ્ચે સામી છાતીએ લડી રહ્યા હતા અને દરેક જગ્યાએ અલગ-અલગ નારા.. ક્યાંક, ‘ભારત માતાકી જય!’

‘આયો ગોરખાલી!’

‘બોલે સો નિહાલ, સત શ્રી અકાલ!’

‘છત્રપતિ શિવાજી મહારાજકી જય! હર હર મહાદેવ!’

‘નારા-એ-હૈદરી, યા અલી! યા અલી!’ ભારતના રાજપુતાના રાઈફલ્સની કાયમખાની જવાનોની રણહાક!

પણ મિશન એક જ-મારી માતૃભૂમિ પર દુશ્મન આવે તો મારા પ્રાણ જાય ત્યાં સુધી એક-એકને વીંધી નાખીશ. યુદ્ધભૂમિ દરેક ટુકડીની ભલે અલગ હતી પણ 4 ડિસેમ્બરથી દુશ્મનોએ ભારતની પાંચ અગત્યની ચોકીઓ પર આક્રમણ કરતાં જ બધા જવાનો ગોળીઓ ખાઈને ડર પી જઈને ક્યા જુસ્સાથી લડી રહ્યા હતા? પરિવાર કે પ્રાણ વિશે વિચારવાની કોઈ પાસે એક સેકંડ પણ નહોતી! એક-એક પળમાં કેટલી ગોળીઓ ઝીલતાં એ બસ ક્યાંક રાજકારણીઓની કુટનીતિમાં અપૂરતા મળેલા હથિયારો અને દુશ્મનોના આધુનિક હથિયારો સામે પણ જુના હથિયારોથી લડી રહ્યા હતાં!

હજુ તો આગલી રાતે 4 ડિસેમ્બરે નરેન્દ્રની હાજરીમાં જ સબઇન્સ્પેકટર દર્શનસિંહની ટુકડીએ સેના અને બીએસેફના જવાનોએ મળી જડબેસલાક પ્રતિકાર કરતાં દુશ્મનો તેના 21 ઘાયલ અને મૃત્યુ પામેલા જવાનોને છોડીને જતો રહેલ. ત્યાં તો એકાદ કલાકમાં દુશ્મન બોમ્બમારા સાથે વરસ્યો અને અજાયબસિંઘ અને સંતોખસિંઘ બન્ને જવાનોની શહીદી દિલમાં દબાવી લેફ્ટનન્ટ સિંઘ અને દર્શનસિંહ બન્ને પોતે મશીનગન ચલાવતા રહ્યા અને દારૂગોળો ખતમ થયો ત્યાં સુધી દુશ્મનોને રોકતા રહ્યા! અંતે ઘાયલ સૈનિકોને લઇ સુરક્ષિત સ્થાન પર લઇ આવ્યા! જીવો મારા બહાદુર બચ્ચાઓ!

મારા કિનારે રહેલી આઠ નંબરની ‘બુર્જ’ નામની ચોકી અને બાજુમાં આવેલ ફતેહપુર અતિ મહત્વની ચોકી હતી. ત્યાંના કમાન્ડર સબઇન્સ્પેકટર મહેરસિંહ 21 જવાનો સાથે સાબદા થઇ સામે નજર રાખી રહ્યા હતા. અહી કુદરતને આધિન હું પાકિસ્તાનમાં વહેતી હતી. મને શું ખબર કે મોટી ઉંમરે દીકરાઓનો આ વિખવાદ લોહી પ્યાસા થઇ મારા પણ બટવારા કરવા જીવ પર આવી જશે. મારા કપૂત દીકરાને રોકવા અસમર્થ હતી! લાચાર બનીને હું જોઈ રહી મારો બેટો મહેર અને તેના 21 જવાનો ચાર કલાક યુદ્ધ લડ્યા. સામે પાકની નાપાક મુરાદો લઇ આવેલી 43 બલૂચ રેજીમેન્ટની બે કંપનીઓના 200 જવાનો અને 6 અફસરોએ બોમ્બમારો ચલાવ્યો અને હું મારા પુત્રો મહેર અને લાન્સ નાયકને ખોઈ બેઠી. મારા બહાદુર પુત્રોના રક્તથી હું ધોવાતી રહી. એક માના રક્તરંજિત આંસુઓ વહેતા રહ્યા! એ કપુતને સુહૃદય હોત તો એક માની આ દશા ના હોત! પણ મને ગર્વ હતો કે ચોકી છોડવી પડી ત્યારે મારા બે વીરપુત્રો અને અન્ય 7 જવાનો એમની સાથે 40-45 દુશ્મનોને પણ સાથે રક્તમાં નવડાવી અંતિમ યાત્રાએ લેતા ગયા!

આ તરફ મારો પુત્ર નરેન્દ્ર અને તેની ટીમ મને મોતની પળોથી બસ એક પળ દૂર દેખાઈ રહી હતી! અદ્ધર જીવે હું પણ એ ખેલ જોઈ રહી હતી. મારા પુત્રોના રક્ત હજુ તો ધોવાયા નહોતા ત્યાં આ દશા જોઈ મારી આંખો મીંચાઈ ગઈ ત્યાં કાન ચમક્યા અને ગોળીઓના બદલે એક અવાજ કાને પડ્યો, ‘હોલ્ટ, હુકમદાર?’ ને નરેન્દ્રનો અવાજ જવાબ સાથે સંભળાતા મારી આંખો ખૂલી. ત્યાં બીજો હુકમ છૂટ્યો, ‘ઓળખાણ માટે હાથ ઊંચા કરી આગળ વધો.’ ત્યાં સામેથી મારો વીર પુત્ર કરમચંદ ઠાકુરને આવતો જોઈ હું હરખાઈને ઉછળવા લાગી! ફક્ત 16 સૈનિકો સાથે એ તેજનાલા અને મારી વચ્ચે આવેલા બેટ પર ખાઈઓ ખોદીને મોરચો લઈને દુશ્મનોનો રસ્તો રોકીને બેઠા હતા! નરેન્દ્રને ખબર નહોતી કે ચાર નંબરની ચોકી પણ ત્યારે દુશ્મનોએ કબજો કરી લીધેલ.

મારા બન્ને વીરોને સ્કાઉટસ બની રાતના અંધારામાં ચાલતા હું જોઈ રહી હતી. ઓહ! ઠાકુર, બેટા, ત્યાં ટ્રીપ વાયર છે જો જરા. ઓહ! પગ ફસાવી બેઠો! અરે! તારના એક છેડે મેગ્નેશિયમની મિકેનીઝમ છે દીકરા. જો, સળગ્યું. દુશ્મનો સાબદા થઇ ગયા. ત્રીસ સેકન્ડનો ઉજાશ એમના માટે કાફી હતો. લાઈટ મશીનગનનું ફાયરીંગ શરુ થઇ ગયું અને નરેન્દ્રે ‘પોઝિશન’નો હુકમ આપતા બધા જમીન પર પડીને સરકંડામાં જતા રહ્યા. અને અંધારું થતા જ મારા જવાનો કોટની પાળ પર ‘ચાર્જ’ કરી ચડવા લાગ્યા અને બંકરમાં રાઈફલ-બેયોનેટ સાથે ઘુસી ગયા ત્યારે દુશ્મનો ભાગી ગયેલા! ચાર નંબરની ચોકી પર ફરી મારા વીરોએ કબજો લઇ લઈ લીધો. પણ આ શું? એકાદ કલાક ખુશી ટકી ત્યાં તો ફરી દુશ્મનની તોપ દ્વારા બોમ્બવર્ષા શરુ થઇ અને આખી રાત ગોળાના વરસાદ વચ્ચે મારા દીકરાઓ વીરતા સાથે ટકી રહ્યા! અને વહેલી સવારે હું જોઈ રહી અંધારામાં એક ખાઈથી બીજી ખાઈ તરફ બે પડછાયા જઈ રહ્યા હતા. હું ના ઓળખું એ કેમ બને? નરેન્દ્ર અને ઠાકુર બન્ને ખુલ્લા મેદાનમાં પહોંચ્યા અને ત્યાં જ નરેન્દ્રએ અચાનક ઠાકુરનો હાથ પકડી હુકમ આપી દીધો, ‘ડાઉન’. બન્ને જમીન પર ચત્તા પડ્યા કે એમની ઉપરથી સુપરસોનિક જેટ ગર્જના કરતાં 500 પાઉન્ડર બોમ્બ ઝીંકતા નીકળી ગયા! હું ઉછળી પડી પણ ત્યાં સુધી પહોંચીને મારા બચ્ચાઓને બાથમાં લઇ શકું એમ નહોતી. મારી નિયતિ-એક માની નિયતિ ઈશ્વરે આવી કેમ ઘડી હશે? એ જ્યાં પડ્યા ત્યાંથી વીસેક મીટર દુર પડેલ બોમ્બ ધરતીકંપ જેમ ફાટ્યો અને મારા પુત્રોના શરીર અને માથા પરથી બોમ્બની કિલો-કિલો વજનની અનેક કરચો સુસવાટા કરતી નીકળી ગઈ. જો ચાલતાં હોત તો એમના શરીરના ફુરચા ઉડી ગયા હોત! ઠાકુર પૂછી રહ્યા, ‘સર જી, તમને કેવી રીતે ખબર પડી કે બોમ્બ પડવાનો છે?’ નરેન્દ્ર પણ મૂંઝવણમાં બોલી રહ્યો, ‘મને બીજી કશી ખબર નથી પણ અંતરમનમાં અચાનક ગેબી પડઘો પડ્યો એને હુકમ જ કહો જાણે, ‘નરેન, જમીન પર પોઝીશન લે.’ અને બસ એ જ પળે મારાથી તમારો હાથ પકડાઈ ગયો અને હુકમ અપાઈ ગયો!’ અને હું ખુશીના અશ્રુઓથી વહેતી રહી કે, માની પુકાર કુદરતે સાંભળી ખરી. માની નિયતિ ઘડવા માટે થોડીવાર પહેલા જે ઈશ્વરને હું કોસતી હતી એ જ ઈશ્વરને મનોમન વંદી રહી કે ‘મા પહોંચી ના શકે ત્યાં એની ચિંતા સાંભળી તું પહોંચી શકે છે એ સૌભાગ્ય પણ ફક્ત માની જ નિયતિ છે!’ અને સવારે મારા બેટાઓએ 4 નંબરની ચોકી સર કરી લીધી. જય જવાન! 4-5-6-8 નંબરની ચોકીઓ અને બુર્જ તથા ફતેહપુર 5 ડીસેમ્બર સુધીમાં દુશ્મનોએ કબજો કરી લીધેલ. એ જ ચોકીઓ એ જ તારીખમાં મારા બહાદુર પુત્રો એક પછી એક સર કરી રહ્યા હતાં અને મારી વિંધાયેલી છાતીમાં ફરી ધાવણ ભરાઈ રહ્યું હતું. મારા વીર પુત્રોને પાણી ચડાવવા હું ઉછળી રહી હતી!

અરે! આ હું શું જોઈ રહી છું? મારા નાપાક સંતાનો આટલું કબજે કર્યું એમાં તો ભાન ભૂલ્યા અને 6 ડિસેમ્બરે 43 બલૂચ રેજીમેન્ટના સૈનિકોએ ભાંગડાનૃત્ય ચાલુ કરી નશામાં ગાતાં-ગાતાં ભારત માટે અપશબ્દો બોલવા લાગ્યા! જે જમીન એમની પણ મા હતી, એ જ જમીન પર લોહી વહાવી માને જ ગાળો? દૂરબીનથી જોઈ રહેલા અને આ ગંદો નાચ જોઈ ગાળો અનુભવી રહેલા બીએસેફના પ્લેટૂન કમાન્ડર અજીતસિંઘથી સહન ના થયું અને એમણે લાઈટ ઇન્ફ્રન્ટીના કંપની કમાન્ડર મેજર શેરસિંહને કહ્યું ‘સર, અપની સરજમીં પર ઇન પાકિસ્તાનીયોંકા યહ નંગા નાચ બર્દાશ્ત નહીં હોતા. આપ હુકમ કરેં તો હમ જા કે ઉસકો બંધ કરેંગે. ફિર ચાહે જાનકી કુરબાની દેની પડે.’ હું જોઈ રહી કે હવે શું થશે? પણ મેજર પણ હરિયાણાનો જાટ બચ્ચો હતો મારો. તરત લેફ્ટનન્ટ ચીમાને બોલાવી એ પુતર બોલી ઉઠ્યો, ‘દુશ્મન ગાફેલ છે. આપણે ‘સરપ્રાઈઝ એટેક’ કરવો જોઈએ. તમારામાંથી કોણ તૈયાર છે?’ અજીતસિંઘ તો રાહ જ જોઈ રહેલ. ‘બીએસએફની બન્ને પ્લેટૂનો આક્રમણ કરવા તૈયાર છે. તમે ફક્ત હુકમ કરો બસ,’ મેજરની બે પ્લેટૂન, ડેલ્ટા કંપનીની બે પ્લેટૂન અને આર્મડ રેજીમેન્ટના લેફ્ટનન્ટ ચીમાની ચાર ટેંક્સની ‘બેટલ ફોર્મેશન’ રેડી ફોર ‘સરપ્રાઈઝ’. અને શેરસિંહે હુકમ આપ્યો, ‘ચાર્જ’. સૌથી આગળ ચીમાની ટેંકસ, તેમની પાછળ દોડતી બીએસએફની પ્લેટૂને રણનાદ કર્યો, ‘ભારતમાતાકી જય!’ બીજી પ્લેટૂનમાં મારા શીખ પુતરો વધારે હતા એ ગર્જ્યા , ‘બોલે સો નિહાલ..સત શ્રી અકાલ!’. લાઈફ ઇન્ફ્રન્ટીએ ગગન ગજવ્યું, ‘છત્રપતિ શિવાજી મહારાજકી જય..હર હર મહાદેવ!’ ત્રણ જુદી જુદી ‘battle cry’ સાંભળી દુશ્મનને લાગ્યું કે એક બ્રિગેડ તેમના પર હુમલો કરી રહી હતી. જીઓ મારા વીર પુતરો જીઓ! કપૂત જેમ નાપાકી કરવાને બદલે સામી છાતીએ હાકોટા નાખતા મેદાનમાં જે દોડ્યા કે મારી છાતી ગજ-ગજ ફૂલવા લાગી! ધુસ્સી બંધ પર અમુક જૂના સિપાહી આ બધું જોતા બેઠા હતા તેમણે તરત ગોળીબાર શરુ કર્યો. છતાં એક પણ નરબંકો અટક્યો નહિ અને ‘ચાર્જ’ કરવાનું ચાલુ રાખ્યું. એક બ્રાઉનીંગ મશીન મારા વીરો પર ભારે ફાયરીંગ કરી રહી હતી મને એને ઠાર કરવાનું મન થતું હતું. ત્યાં મારો બેટો અજીતસિંઘ ચાલુ ટેન્કમાંથી એના મોરચાની નજીક કૂદી જ પડ્યો અને મશીનગનનું લાલચોળ, ગરમ નાળચું પકડી બહાર ખેંચી લીધું, અને બંકરમાં ગ્રેનેડ ફેંક્યો. અરે! મારા દીકરા, તારો હાથ જો બૂરી રીતે બળી ગયો છે. લાવ, મારા ધાવણથી ધોઈને એને ઠંડક આપું દીકરા! અરેરે! તમે ક્યાં જીવ જાય ત્યાં સુધી મારી સેવા લ્યો એવા છો એ જાણું છું. પણ કહેવાય જાય, મા છું ને? અરે! પેલી બાજુ જો પેલો બીએસએફનો હવાલદાર ચંદર મોહન ધપ્યે જ જાય છે. હાથોહાથની લડાઈ કરે છે. વાહ! જવાન વાહ! દુશ્મનના ચાર સૈનિકોને એકલે હાથે ઠાર મારી તેમની ખાઈ પર કબજો કર્યો. અને બીજો મારો જવાન તો જો, લાઈફ ઇન્ફ્રન્ટીનો લાન્સ નાયક એકનાથ. ગ્રેનેડથી એક મશીનગન અને તેને ચલાવનારા ત્રણ દુશ્મન સૈનિકોને ઉડાડી દીધા. એકલે હાથે નાથી દીધા. પણ ઓહ! પ્રભુ! બાજુની ખાઇમાંથી ગોળીબાર ચાલુ થયો. બસ કર, હવે નથી જોવાતું. એ..એ..એકનાઆઆ...થ....હટી જા દીકરા.. પડખું વિંધાઈ ગયું અને મારા એકનાથની છાતી ચાળણી કરતુ ગયું. ફટ ભૂંડા દુશ્મન તને! સરપ્રાઈઝ એટેક બાદ ચોકી ફરી સર કરી મારા જવાનોએ.

પણ હજુ મારા પુતરોને શાંતિનો શ્વાસ નહિ લેવા દયે આ નપાવટો. ‘નરેન્દ્ર, ગઈ કાલે બપોરે ચોકી જીતી લીધા બાદ આક્રમણ કરનાર આપણી ડેલ્ટા કંપનીની બે પ્લેટૂનોનો પત્તો નથી. બટાલિયનમાં બીજો કોઈ ભરોસાપાત્ર અફસર હાજર નથી જેને આ અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ કામ સોંપી શકું. તમે મારી જીપ લઇ શોધવા જાવ અને આપણા બહાદુર જવાનો નાસી ગયા છે એ આરોપ વાહિયાત છે એ પણ બતાવી દયો. કામ જોખમભર્યું છે પણ મને આશા છે તમે પૂરું કરશો.’ જવાબમાં સી.ઓ.ને ફક્ત એક સેલ્યુટ કરી મારો નરેન એના સી.ઓ.ની જીપમાં ઉપડ્યો અને ડ્રાઇવર જર્નેલસિંઘે ગાડી મારી મૂકી.

હું જોઈ રહી હતી, નરેન્દ્ર દોડી રહ્યો હતો અને બધું જાણવા છતાં હું એને કહી શકું એ મારી નિયતિ ક્યાં હતી? ધુસ્સી બંધની નજીક એચ.ક્યુ. પર ટુકડી પાટાપીંડી કે આરામ કરતી હશે એમ માની એ ત્યાં ગયો, ત્યાંથી મેજર શેરસિંહના બટાલિયન એચ. ક્યુ. પર ગયો. પણ ગઈ કાલના વિજયી પણ ભૂખ્યા ૫૦થી વધુ જવાનો એમના બે પ્લેટૂન કમાન્ડર મારા બેટા અજીતસિંઘ અને ચંદરમોહન નરેન્દ્રને ક્યાંય ના મળ્યા. અને મારા દિલની વાત સાંભળી હોય એમ નરેન્દ્રના પગ જ્યાં જંગ ખેલાયેલ એ રણભૂમિ તરફ વળ્યા. નરેન્દ્ર ધુસ્સી બંધની નીચે આવેલા લાઈફ ઇન્ફ્રન્ટીના બંકર્સ પાસે પહોંચ્યો જ્યાં મિલિટરીના જવાનો પોઝિશન લઈને રેડી હાલતમાં બેઠેલા હતાં. તેના કંપની કમાન્ડર મેજર તેજાને તેને બધી વાત કરી પણ આગલી ટ્રેન્ચ બાદ ‘નો મેન્સ લેન્ડ’ હોવાથી એમના માનવા મુજબ દુશ્મન અને ઇન્ફ્રન્ટ્રી વચ્ચેના વિસ્તારમાં કોઈ હોય જ નહિ. છતાં પણ એ એક જ રસ્તો બાકી હતો અને નરેન્દ્ર મક્કમ બન્યો કે હું ત્યાં જઈશ જ. એને તેજાને ‘કવરીંગ ફાયર’ આપવા કીધું પણ તેજાએ સી.ઓ. ને ફોન કરતાં મનાઈહુકમ આવી ગયો. એ પણ મારો જ દીકરો હતો ને? પણ એક દુ:ખ વર્ષોથી હૈયામાં સંઘરીને હું બેઠી છું. આજે થોડું કહીશ કે 47માં આઝાદ થયા બાદ સૈન્યની ત્રણે પાંખ (ભૂમિદળ, વાયુદળ અને નૌસેના)ના એકહથ્થું વડા કમાન્ડર-ઇન-ચીફનો હોદો તત્કાલીન વડાપ્રધાને અન્ય બાબુશાહી ચલાવતા રાજકારણીઓની સલાહથી રદ કર્યો અને ત્રણે પાંખનું નિયંત્રણ સંરક્ષણમંત્રીના હાથમાં મૂક્યું. ભારતીય સેનાની રાજકારણથી તદન અલિપ્ત રહેવાની પરંપરા આ નિર્ણયથી તૂટી. એના ફળ સ્વરૂપે અમુક એવા નિયમો ‘નસીબજોગે’ ભારતને અનુસરવા પડ્યા હતા! દેશ પ્રત્યે સૈનિકોની વફાદારી અપ્રતિમ હતી. હું આ બધું વર્ષોથી જોઈ રહી હતી. મારું ચાલે તો...પણ હું બસ એક નદી હતી. મા હતી, પણ મારું કામ સતત વહેતા રહેવાનું સમયની સાથે. હું જોઈ રહી કે તેજાએ નરેનને રોકવા ઘણી કોશિશ કરી કે આગળના સેક્શનમાં મારી છેલ્લી પોઝીશન છે ત્યાંથી આગળ દુશ્મન પેટ્રોલિંગ કરે છે કે તેનો ‘સ્નાઇપર’ છુપાઈને બેઠો હશે તો મને જાણ નથી. હું કશી મદદ નહિ કરી શકું. ‘નો મેન્સ લેન્ડ’માં કોઈ પણ હિલચાલ દેખાય તો ગોળીબારનો શિકાર થઈશ અથવા તો પ્રિઝનર ઓફ વોર થઈશ. બેવકૂફ ના બન નરેન. પણ નરેને પણ મારું ધાવણ પીધું હતું. એ એકલો ચાલી નીકળ્યો. ‘નો મેન્સ લેન્ડ’ના આખરી ટ્રેન્ચ સુધી વળાવવા આવેલ લાઈફ ઇન્ફ્રન્ટ્રીના પ્લેટૂન કમાન્ડર નરેન્દ્રને કહી રહ્યા, ‘સાહેબ, યા પુઢે શત્રુ આહે.’ (અહીંથી આગળ દુશ્મન છે.) દુ:ખભર્યા ચહેરે સેલ્યુટ કરી પોતાની ટ્રેન્ચમાં ગયા અને એ મારો બહાદુર ગુજરાતી જાણી જોઇને મૃત્યુના મુખમાં એના ભાંડુઓને બચાવવા ચાલ્યો. એની ચિંતા પણ હતી અને ગર્વ પણ હતો કે મારા અન્ય સંતાન માટે એ જીવની બાજી ખેલવા નીકળેલો મારો મરદ બચ્ચો હતો! હર્ષ અને ચિંતા એ તો કોઈ પણ માની બંને આંખોમાં જીવનપર્યંત રહે છે. તો હું કેમ બાકાત રહું? ફક્ત એક 9 મિલીમીટર કેલિબરની ઓટોમેટિક પિસ્તોલ સાથે ધુસ્સી બંધ પર હિલચાલ જણાતા નરેન જીપમાંથી ઠેકી પડ્યો અને અચાનક એક અલગારી ફકીરની વૃત્તિથી બોલી રહ્યો, ‘જર્નેલ, જીપનું એત્થે રોકીં. અગ્ગે મૈં ઇક્લ્લા હી પૈદલ જાવાંગા. તેરી જાન ખતરે વિચ નહિ ડાલની.’ ત્યાં એ બેટો પણ મને ગર્વ અપાવી રહ્યો. જર્નેલ હિમતવાન શીખ જવાન હતો. તે ગરજી ઉઠ્યો, ‘જનાબ, તુંસી ફિકર ના કરો. મૈં સિક્ખદા પુત્તર હાં, તુહાડે સાથ હી રહેણાં. અસાં નાલ-નાલ હી અગ્ગે જાવાંગે.’

તે વખતે પાકિસ્તાન સેના અને બીએસએફ, બન્નેના યુનિફોર્મ ખાખી રંગના એટલે સામે ડોકું ઊંચું કરી જોઈ રહેલ જવાન ભાઈ હતો કે દુશ્મન તે નક્કી કરવું મુશ્કેલ હતું અને મારા એ વીર પુતરો મારા દિલની વાત સાંભળી એના અંતરમનની અવાજે આગળ વધી રહ્યા, ‘આગળ વધ, તને કોઈ આંચ નહિ આવે. આ તારા જ જવાનો છે.’ દિલધડક દૃશ્ય ને દિલ થંભાવનારી એ પલોમાં હું ત્યારે સ્થિર હતી. કેમકે મને સામે મારા જવાનો દેખાઈ ગયા હતા. અને નરેન્દ્રને ‘સત શ્રી અકાલ ..’ કહેતાં શીખ લાન્સ નાયક સામે આવી ગયા અને ખુશીથી હવાની લહેરખી પણ એ જોઈ આનંદમાં ઝૂમી ઉઠી. બાકી એ ‘નો મેન્સ લેન્ડ’માં તો ચકલું પણ વીંધાઈ જાય અને હવાના સુસવાટા પર પણ ગોળીબાર કરી નાખે એવા જાલિમ દુશ્મનો હતા! બધા જવાનોને મળ્યા તેમની સાથે હતા હવાલદાર ચંદરમોહન, સબ ઇન્સ્પેક્ટર અજીતસિંઘ અને તેમના સાથીઓ. એમની આગળ હતો વાસ્તવિક ‘નો મેન્સ લેન્ડ’ અને પાછળ હતો ભારતની લાઈટ ઇન્ફ્રન્ટ્રી માટેનો ‘નો મેન્સ લેન્ડ’! છેલ્લા ચોવીસ કલાકથી આગળ અને પાછળ એવા બબ્બે નો-મેન્સ લેન્ડમાં મારા 50 બહાદુર બેટાઓ કોઈ પણ જાતના ભારે હથિયાર વિના દુશ્મનોના ગોળીબારનો સામનો કરી રહ્યા હતા. આ જગ્યા એવી હતી કે દેશ તરફ મદદ માંગવા કોઈ જવાન સંપર્ક માટે આવે તો પણ ખાખી યુનિફોર્મ દુરથી જોઈ એમનું સ્વાગત આપણા જ ભાંડુઓની ગોળીઓથી થાત! કેમકે ‘નો મેન્સ લેન્ડ’ હતી એ. ઓળખાણ કરવાનો સમય કે પ્રયત્નમાં થાપ ખાવ તો બધી બાજી ચોપટ. મારા એ શુરવીરો પાસે ના કોઈ વાયરલેસ સેટ, ના કોઈ મોટા હથિયારો અને છેલ્લે લડેલા યુદ્ધના કલાકો તો હિસાબમાં પણ નહિ ત્યાર પછીના ચોવીસ કલાકથી ભોજન તો શું ચાનો એક કપ પણ નહોતો મળેલ. પેલી રાજકારણી નીતિના કારણે ઇન્ફ્રન્ટ્રી બટાલિયનની જવાબદારી થાય. દેશ હિતની આગળ અંગત દ્વેષ, અર્થહીન ઈર્ષા અને સંકુચિત મનોવૃત્તિમાં ફસાયેલા કમાન્ડરોને એમનાથી થોડે જ આગળ રહેલી આ બીએસએફની ટુકડીના અસ્તિત્વ વિશે કોઈ જાણકારી પણ નહોતી તો એમના ભૂખ-તરસ કે ઓછા મળેલા હથિયારો સાથે જીવ પર ખેલી રહેલી આ ટુકડીની હાલતની તો વાત જ શું કરવી? ક્યારેક એમ થતું કે રાજકારણીઓના નિયમોમાં બંધાયેલ આ પણ મારા જ સંતાનો છે? દુશ્મન ક્યાંક દેશમાં પણ પગ રાખતો ગયો હતો. પણ મારા બહાદુર સંતાનોને જોઈ હું એ ભૂલવા પ્રયત્ન કરતી જતી. જવાનોને હિમત આપી ભોજનની વ્યવસ્થા મોકલવા વિચારી નરેન અને જર્નેલ જીપ ચાલુ કરી ત્યાં.. ‘નરેન્દ્ર, જર્નેલ.., બચજો દીકરાઓ...હું બૂમો પાડી રહી. FDL (ફોરવર્ડ ડિફેન્ડેડ લોકેલિટી) સુધી જીપમાં જનાર સિનિયર ઓફિસર જ હોય એમ માની દુશ્મને મશીનગનનો મારો ચાલુ કર્યો. ડાબી બાજુ ધુસ્સી બંધ અને જૂની જીપનું સ્ટીયરીંગ પણ ડાબી બાજુ. અને જમણી તરફ ખુલ્લી જમીન અને ખેતર. દુશ્મનો બ્રાઉનીંગ મશીનગનથી મિનિટની 300 થી 400 ગોળીઓ છોડતા હતા. ફરી એક વાર હું આંખ બંધ કરી રહી પણ કાન કેમ બંધ કરું? ગોળીઓના અવાજથી બંધ આંખે પણ બધું દેખાતું હતું. ધના-ધન ...સનનન.. કેટલી ગોળીઓ.. કોઈ જીપના ટાયર પાસે ધૂળ ઉડાડતી, કોઈ જીપને સમાંતર તો કેટલીક નરેન્દ્રના કાન પાસેથી રમઝટ બોલાવતી હવામાં જાણે હરીફાઈ કરી રહી હતી. સાથે જર્નેલસિંઘની જીપ પણ હરીફાઈમાં ઉતરી હોય એમ દોડી રહી હતી. પૂરી વીસ મિનિટ! હા, પૂરી વીસ મિનિટ ચાલેલા આ એક મિનિટમાં 300 થી 400 ગોળીઓના વરસાદી યુદ્ધમાં બે નરબંકાઓ અને સામે છુપાઈને વાર કરી રહેલા દુશ્મનોની ટુકડી. આજે પાણી નહિ મારું લોહી ઉકળી રહ્યું હતું કે આપણા દેશના સંરક્ષણ મંત્રી રાજકારણની અન્ડરમાં ના હોત અને સેનાથી રાજકારણને તત્કાલીન વડાપ્રધાને જેમ હતું એમ અલિપ્ત રાખ્યું હોત તો લાઈફ ઈફ્રન્ટન્ટ્રીના જવાનોએ મારા બીએસએફના જવાનોની સંભાળ લીધી હોત અને નરેન તેમજ જર્નેલ આ મુસીબતમાં ના મુકાયા હોત. પણ મારી જેમ એમની પણ કોઈ નિયતિ હશેને? ત્યારે જ તો..હા, ત્યારે જ વીસ મિનિટના આ જીવ સટોસટના ખેલ પછી અંતે ધુસ્સી બંધનો બેવડા કાટખૂણે ચોરસ U જેવો વળાંક આવ્યો અને નાપાક ગોળીઓ પરનું નરેન અને જર્નેલનું નામ એક માની કાકલૂદીથી કોઈ પરમ તત્વ અને વિધાતા મળીને ભૂંસી રહ્યા હતા! કોઈ અગમ શક્તિ મારા બચ્ચાઓને મદદ કરી રહી હતી. મતલબ સત્યની રાહે કોઈના બલિદાન ચડતા હતા પણ સાથે મારા સંતાનોની શહીદી એળે નહોતી જતી. બીજે દિવસે મારા 50 જવાનો અને બે પ્લેટૂન કમાન્ડર સુધી ભોજન પહોંચે એ વ્યવસ્થા કરાવામાં આવી. ત્યારે કેટલા કલાકો થયેલ તો પણ મારા જવાંમર્દો અડીખમ દુશ્મન સામે મોરચો સંભાળી બેઠા હતા. ધન્ય મારા વીરો.

હું ક્યાં અટકું આજે? 6/7 ડિસેમ્બરની રાતે 43 બલૂચ રેજીમેન્ટને પરાજય આપ્યા પછી હાથમાં લાગેલ નકશાથી મારા યુદ્ધવીરોને ખબર પડી કે જો સમયસર કાર્યવાહી ના થઇ હોત તો અમૃતસરના રસ્તેથી રાજાસાંસી એરપોર્ટ કબજે કરી પાકિસ્તાન એરફોર્સના વિમાનો અને એક બ્રિગેડ તથા હળવી ટેંકસ ઉતારી શકાત. કલ્પના પણ મારા પાણીને ગરમ કરી દે છે! આ અનુસંધાને પ્રથમ યુદ્ધ ડેરા બાબા નાનક વિસ્તારમાં થયેલું, ત્યાં પણ ગોરખા રાઈફલ્સનો મારો ગુજરાતી અફસર બેટો મેજર પીયૂષ ભટ્ટ મોરચો લઇ ત્રણ જ દિવસથી પરિચિત એવી 120 સૈનિકોની ટીમ લઇ નીકળી પડેલ. મારા પર રચાયેલા ધુસ્સી બંધની પાકિસ્તાનની મજબુત સંરક્ષણ પ્રથા જેવા ‘રિંગ બંધ’ની ત્રણ હરોળ પર એ દુશ્મનની ડાબી પાંખ પર ‘આયો ગોરખાલી’ના યુદ્ધ-નિનાદ સાથે એ ગુજરાતી હાથમાં ભયાનક ધારદાર ખુલ્લી ખુખરી વિંઝતો દોડી રહ્યો. એ અદભુત અને રોમાંચક દૃશ્ય જોઇને મને શેર-શેર લોહી ચડ્યું! ત્રણે હરોળ કબજે કર્યાં પછી રાતે માઈન્સ બિછાવતી વખતે હજુ તો કામ પૂરું થયું ત્યાં તો અંધકારમાં અવાજથી દુશ્મનોએ તોપખાનાના ગોળા વરસાવવાનું શરુ કર્યું. જેના ફ્યૂઝમાં ટાઇમર હતા. જેથી ગોળો હવામાં જ ફાટે અને એની જીવલેણ કરચ વરસાદ સ્વરૂપે આકાશમાંથી ધારિયા જેવી કિલો-બે કિલો વજનની ઘાતક shrapnel મારા વીર જવાનો પર વરસવા લાગી અને મારા કેટલાય દીકરાઓ ઘાયલ થયા. કેટલાયના રક્તથી ફરી હું લોહિયાળ બનતી રહી. આ બધા વચ્ચે મારો ગુજરાતી જવાન પીયૂષ દીકરો હેમખેમ આવી શક્યો એ ખુશી! બાકી માને મન તો સંતાન બધા સરખા.

મને થયું હવે થાકશે મારા નાપાક દીકરાઓ. પણ એ કઈ માટીના બન્યા હતા? મારા જ થાનકે લગાડી મેં એમને મોટા કર્યાં હતા? કુદરતે ત્યારે એક સંકેત આપ્યો હોત તો? હું એમને થાનકે લગાડવાને બદલે મારા જ ‘પાણી પીતા’ કરી નાખત. યુદ્ધથી લોહી અને અશાંતિ સિવાય કશું નથી મળતું છતાં પણ શાંતિ માટે ક્યારેક યુદ્ધ લડવું પડે છે. પ્રકૃતિને ના સમજી કોઈ લાલસા અને નાપાક ઈરાદોથી કોઈ યુદ્ધ લડવા આવે તો સત્ય અને સન્માન, મા અને માતૃભૂમિને ઘમરોળનાર સામે યુદ્ધ અનિવાર્ય થઇ જાય અને એ યુદ્ધ શાંતિ માટે જરૂરી હોય છે. અને મારા ભારતપુત્રો એ જ કરી રહ્યા હતા. પણ મારે કેટલા ઘા સહેવાના હતા એ કુદરત જાણતી હશે. એટલે જ આ યુદ્ધની વાર્તા મારે માંડીને મારા આજના સંતાનોને કહેવા આવવું પડ્યું. કેમકે એક યુદ્ધ મારે આજે એવું કહેવું છે જે આ 6/7 ડિસેમ્બરના અનુસંધાને ખેલાયું અને આજ સુધી ફક્ત બ્રિગેડની તથા રેજિમેન્ટની ‘વોર ડાયરી’માં અને આર્મી હેડકવાર્ટર્સના ‘બેટલ ઓનર’ની તવારીખમાં તથા આ યુદ્ધમાં જેને ચંદ્રક મળ્યા ફક્ત તેમનાં પ્રશસ્તિપત્રમાં લખાયું છે. આ માહિતી ક્યારેય મારી આમ જનતા સુધી પહોંચી જ નથી. પણ હું કેમ ભૂલુ એ વિરલાઓની શહીદીને? મારે આજે તમને એ અગત્યની વાત કહેવા આ યુદ્ધોની વાત કરવી જરૂરી હતી. એ વિના મારી આ રક્તરંજિત વિજય યાત્રા સંપૂર્ણ ના થાય.

આ યુદ્ધ પ્રસંગ કથાને એક નામ છે. ‘રેડ ઓવર રેડ...રિપીટ, રેડ ઓવર રેડ’. મારો નરેન પણ એ યુદ્ધનો સાક્ષી છે જે ભારતીય સેનાની શીખ લાઈટ ઇન્ફ્રન્ટ્રીની આઠમી બટાલિયને ખેલ્યું હતું. 6 ડિસેમ્બર 1971ના 43મી બલૂચ રેજીમેન્ટને મારી વીર સેનાએ કારમી હાર આપી આપેલ એના જવાબી હુમલાની ગંધ આવતા 17 ડિસેમ્બરે એક લોહિયાળ જંગ મંડાયો. ફતેહપુર ચોકી પરથી જ દુશ્મનને સામો હુમલો કરી હઠાવવા પડે. Pre-emptive strike કહેવાતા આ હુમલામાં દુશ્મનની સંખ્યા કરતાં ત્રણ ગણી સંખ્યા જોઈએ. કેમકે એક તો આવા હુમલામાં સામેના સૈનિકો મજબુત મોરચામાં લગભગ સુરક્ષિત સ્થિતિમાં હોય છે, જયારે હુમલો કરનાર સેના ખુલ્લ્લા આકાશ નીચે કોઈ પણ જાતના બખ્તરબંધ કવચ વિના ધસી જતી હોય છે. તેમનાં સ્વાગતમાં દુશ્મન સેના તોપ અને માઈન્સ બિછાવીને જ બેઠી હોય. એક વાત મારે મારા સિવિલયન સંતાનોને જણાવવી છે કે એમને મારા વીર પુત્રોની મર્દાનગી પર ગર્વ થાય. માઈન્સ બે પ્રકારની હોય છે: Anti-personnel તથા Anti-tank. પહેલા પ્રકારની માઈન્સ પર વીસ રતલ જેટલું વજન એટલે કે કોઈનું પગલું પડતાં જ એવો ધડાકો થાય છે કે પગ ઊડી જાય. બીજા પ્રકારની માઈન્સ પર 200 રતલ વજન એટલે ટેન્કનો પટો કે વાહનનું પૈડું આવે તો મોટો સ્ફોટ થાય અને વાહન સંપૂર્ણ નષ્ટ થાય. ફતેહપુરમાં દુશ્મનોએ બનવેલ મોરચા સામે એક માઈનફિલ્ડ હતું. એ પાર કર્યાં પછી જ હુમલો થઇ શકે. એની રચના પણ એવી હતી કે ધુસ્સી બંધની દીવાલો વચ્ચે ત્રણે પાળ પર દુશ્મનોના મોરચા. મારા વીર પુત્રો પાસે એમને અટકાવવા એક જ ઉપાય હતો-સામી છાતીએ ‘frontal attack’. અને એ માટે આખી બટાલિયન એક સાથે. આ જોવાની મારી હિમત હવે ખલાસ થઇ રહેલી. મેં આંખ અને કાન બન્ને બંધ કરી દીધા. પણ એ જંગ પૂરી થયે મારો દીકરો કર્નલ હરીશ ચંદ્ર પાઠક મારે કિનારે આવી બેસી ગયો અને એની આંખના પાણી મારી આંખના પાણીમાં સ્પર્શતા જ હું ધ્રુજી ઉઠી. માના ખોળામાં માથું મૂકી એ કહી રહ્યો હતો, ‘મા રાવી, બધા સંતાનોની યુદ્ધગાથા જોઈ અને સંભળાવી તો અમને બીજું કોઈ ના સાંભળે તો કાંઈ નહિ પણ એક મા માટે લડીએ છીએ તો બીજી મા પાસે નહિ કહીએ તો કોને કહેશું અમારી વાત? સાંભળ ને મારી માવડી, મેં મોખરે રહી ત્રિશુલ પાંખીયા વ્યૂહની દિશા આપી પ્રાણોનું બલિદાન આપવા રેડી મારા જવાનોને યુદ્ધનિનાદ આપી ‘બોલે સો નિહાલ’ કોલ આપતા જ મારી આખી બટાલિયન ‘સત શ્રી અકાલ’ની ત્રાડ સાથે ખુલ્લા મેદાનમાં ગોળીઓની રમઝટ વચ્ચે દોડી. જાણતા જ હતા છતાં એ માઈન્સ પર મારો એક-એક શીખ જવાન દોડી રહ્યો હતો અને ધડાકામાં કેટલાય સૈનિકોના કપાયેલા પગ ઊંચે ઊડતા હતા. ઘાયલ થતા, મરતા, પગમાં અટવાતા એક-એક જવાન કણસવાને બદલે કહી રહ્યો હતો, ‘સાઢી પરવા ન કરના, કર્નૈલ સાબ. બસ, ઇન્હાનું છડના નહિ.’ ‘સાબજી, ઓબ્જેક્ટિવ આ ગયા. મેરી પરવા મત કરના.’ અને એમને સહાનુભૂતિના બે શબ્દો કહેવા કે એમની સામે જોયા વિના ક્યારેક તો એમના શરીરને કુદીને અમે આગળ વધતા ગયા. દસ ફીટ ઊંચા બંધ પર આ રીતે બાકીના જીવતા રહેલા જવાનોએ બેયોનેટ લગાવેલી રાઈફલથી હાથોહાથની લડાઈ કરી દુશ્મનોના છક્કા છોડાવી ફતેહપુર સર કર્યું. મારા 325 જવાનો અને અફસરોને જખમ થયા, કેટલા શહીદ થયા. અને મા હુમલો હજુ પૂરો નહોતો થયો હાં! થોડે આગળ દુશ્મનો રેડી હતા અને મારા મેજર સાધુસિંહ પોતાની ટુકડી સાથે મરણીયા થઇ દુશ્મનોને રોકી રહ્યા. એમાં દુશ્મન તેમની ટ્રેન્ચ સુધી પહોંચવા આવ્યા. એમને રોકવા એમની મદદમાં કુમક લઇ જવાની તૈયારી કરી રહેલા મારા કાને વાયરલેસ પર મેજર સાધુસિંહના શાંત શબ્દોનો આદેશ વહેતો થયો. ‘હેલો આલ્ફા, રેડ ઓવર રેડ, રિપીટ, રેડ ઓવર રેડ. ઓવર એન્ડ આઉટ.’ એ મતલબ સમજી જતા આપણા તોપખાનાએ હુકમ પાળ્યો મા અને બોમ્બવર્ષા કરી દુશ્મનોને હટાવ્યા. પણ ત્યાં પહોંચ્યા ત્યારે મેજર સાધુસિંહના શબ પાસે જખમી અવસ્થામાં તેમના સેકન્ડ-ઇન કમાન્ડ અને કંપની સાર્જન્ટ મેજર બેઠા હતા. એક પણ શીખ સિપાહીએ પોતાનું સ્થાન છોડ્યું નહોતું. મા મારી રાવી મા તારા વહેતા શુદ્ધ પાણીથી મારા ભાઈઓના રક્તને ધોઈ દે મા!’ હું જે નિયતિથી ભાગતી હતી એ સામે આવી ગઈ. મારા દીકરા પાઠકને કેમ રોકી શકું? રેડ ઓવર રેડ, રિપીટ, રેડ ઓવર રેડ’નો મતલબ ફેલાતી શાંતિ. સ્મશાન શાંતિ!

દેશ અને દુનિયામાં યુદ્ધના ભણકારા ધીમે-ધીમે ઓછા થયા અને 26મી જાન્યુઆરી 1972ના પ્રજાસતાક દિવસે બ્યુગલ સાથે રાષ્ટ્રપતિના હાથે નરેન્દ્રની બટાલીયન સૌથી વધુ બહાદુરીના ચંદ્રક જીતી બીજા નંબર પર ચંદ્રક જીતનારી ટુકડી બની. અજીતસિંઘને વીરચક્ર, દર્શનસિંહને સેનામેડલ, ઠાકુર કરમચંદ, ચંદરમોહન, લાન્સનાયક તુલસીરામ અને સુરજીતસિંહ, હવાલદાર હરબંસ લાલ અને કેપ્ટન નરેન્દ્ર ભટ્ટ એ છ પુત્રોને રાષ્ટ્રપતિના પોલીસ એન્ડ ફાયર સર્વિસીઝ મેડલ ફોર ગેલન્ટ્રી એવોર્ડ અને ત્રણ પોલીસ મેડલ ફોર ગેલન્ટ્રી સંતોખસિંહ, અજાયબસિંહ અને પ્રભાકરન નાયરને મળ્યા. સાથે મારા ગુજરાતી જવાન મેજર પીયૂષ ભટ્ટને યુદ્ધની કાર્યદક્ષતા અને બહાદુરી માટે સેના-મેડલથી નવાજ્યો. તેમજ 6 ડિસેમ્બરના હુમલામાં અભૂતપૂર્વ સફળતા મેળવનાર મારા અન્ય વીરો યાદ છે ને? લેફ્ટનન્ટ ચીમા તેમજ મેજર શેરસિંહને વીરચક્ર, લાન્સનાયક એકનાથને મરણોપરાંત મહાવીરચક્ર તેમજ બીજા ઘણા જવાનો સાથે મારા શહીદપુત્રોના પરિવારને બોલાવી એમને પણ બિરદાવવામાં આવ્યા. આ હરખમાં છાતી ફૂલાવી ઉછળવું એ પણ એક માની જ નિયતિ હતી અને શહીદ થયેલા મારા વીર જવાનોની યાદમાં રક્તરંજિત થઇ એ રક્તને તળિયે છુપાવી વહેતા રહેવું એ પણ એક માની જ નિયતિ હતી.

આજે પણ હું વહેતી રહું છું. મારા નાપાક કપુતોના છમકલાં સહેતી રહું છું. અને એ વધુ ને વધુ ત્રાસવાદ ફેલાવતા જાય છે એવા સમયે મારે આજે મારા વીર પુત્રોની શૌર્યગાથા કહેવા મારું વહેણ બદલી તમારી વચ્ચે આવવું પડ્યું. કે આજે સરહદ પર લડી રહેલા મારા બીજા નવજવાનોને સાથ આપવા વધુ પુત્રો મારી પાછળ નીકળી પડે. અને એક આશા કે કોઈ પ્રધાનમંત્રી ફરી રાજકારણ અને સેનાને અલગ કરી કોઈ એકહથ્થું કમાન્ડર-ઇન-ચીફને સેના સોંપી એવો દોર આપે કે ગંદુ થયેલું મારું રક્તરંજિત પાણી તળિયેથી સાફ થવા લાગે! મારી નિયતિ મને બોલાવી રહી છે. ફરી મારા સીમિત કિનારા તરફ જતાં એટલું માગતી જાઉં છું કે ક્યારેક 6,7 અને 17 ડિસેમ્બરે મારા એ વીર શહીદ અને અત્યારે ક્યાંક દેશની આ દુર્દશા જોઈ જીવી રહેલા અને ક્યારેક રાજકારણનો ભોગ બની રહેલા જવાનોની યાદમાં થોડી પળો વિતાવજો બસ, આ મા રાવી હંમેશ આશીર્વાદ વહાવશે.

વંદે માતરમ!

(કૃતિના શબ્દો: 4897)

વાર્તાના વહેણ સાથે લેખિકાનું કહેણ

નાની-નાની વાતોમાં વ્યથિત થતા અને ઉદેશ્યને આમતેમ ફંગોળી ક્યારેક સ્વાર્થમાં જીવતા મારા જીવને છેલ્લા એક અઠવાડિયાથી ચેન નથી. મિલીટરી સ્ટેશન પર અંદર જવા ના મળ્યું. ધ્યાનમાં હોય એવા તમામ સંપર્કમાં નિરાશા મળ્યા બાદ અઠવાડિયા પહેલા જીવ બીજે પરોવવા વિચાર્યું. મેં 20 દિવસ પહેલા ગુર્જર પ્રકાશનમાં એક પુસ્તક હાથમાં લીધું, મૂકી દીધું, ફરી લીધું અને એ પાર્સલ અઠવાડિયા બાદ મારી પાસે આવ્યા પછી મેં બે દિવસ કોઈ સૈનિક મળે એ લાયમાં ફોન અને મિલીટરી પાછળ એ પાર્સલને હાથ ના લગાડ્યો. જયારે ખોલ્યું ત્યાં ઉપર જ જોયું. ‘જીપ્સીની ડાયરી’. પ્રસ્તાવના ખોલી અને મેઈલ આઈ ડી જોતા વેંત કેપ્ટન નરેન્દ્ર સરને લાંબો મેઈલ લખી નાખ્યો કે ના તમારા પુસ્તક વિષે જાણું છું કે ના આટલા વર્ષે આ મેઈલ તમને મળશે કે કેમ? જેમણે 1965 અને 1971 બન્ને યુદ્ધ આ વીરતાથી લડ્યા હોય એ મારા જેવા સામાન્ય નાગરિકના મેઈલ જોવા ફ્રી હશે કે કેમ? એ ચિંતામાં એ જ રાતે 12 વાગ્યા પછી મેઈલ મળ્યો કે ખુશીથી આપ કાલે મારી સાથે વાત કરજો. અને નીંદર ઉડી ગઈ. ખુશીની મારી જે મિત્રો મને કોઈ સૈનિક શોધવામાં મદદ કરી રહ્યા હતા એમને મેં રાત્રે 1.30 મેસેજ કરી નાખ્યા કે, યેસ્સ હું સ્ટોરી કરીશ. અને બીજા દિવસે કેપ્ટન નરેન્દ્ર સરનો લંડનથી વોટ્સએપ કોલ આવતાં જે શાલીનતાથી, મૃદુ અવાજ સાથે એમણે મને જવાબો આપ્યા અને મારા સવાલો સામે જવાબો સાથે એ ત્યાં પેજ નંબર બોલતા ગયા, હું અહી પેજ ખોલતી ગઈ. એ ‘જીપ્સી’ સાથે હું ઘરમાં બેઠા જીપ્સી બની રખડતી રહી અને એક-એક પાને રોતી રહી. અને અઘરું હતું! આ વખતે મારા માટે છતાં મારા ‘અંતરમન’થી મેં માતૃભારતી અને એક સૈનિક સાથે કમિટમેન્ટ કરેલ જે તોડવું અશક્ય હતું. જેમાં કોઈ અતિશયોક્તિ નથી. આ એક અઠવાડિયું બેચેનીમાં જીવી અને આજે (29/4/18 સમય સાંજે 8:00) આ જીપ્સી યાત્રા પૂર્ણ કરતી વખતે મન શાંત નથી, નથી અને નથી જ.

સાથે એક માફી ચાહું છું કે બે વર્ષથી માતૃભારતી પર દરેક વખતે સ્પર્ધામાં નિયમોમાં રહી લખેલ છે અને દર વખતે પસંદ થયેલ છે એ સદભાગ્ય! આ વખતે પણ મારી ‘વાર્તા’ નિયમોના શબ્દોમાં જ રહેલ છે. પણ આ ‘દિલની વાત’ના શબ્દો વધારાના છે. એમને કૃતિ સાથે ગણી કૃતિની અવગણના ના કરવા વિનંતી. કેમકે સચ્ચાઈ વિના નરેન્દ્ર સર અને મારા વાચકોનો આભાર હું કઈ રીતે માનું? અને કૃતિ સાથે આ વાત પણ વાચકો સુધી પહોંચાડવી એટલી જ જરૂરી. છતાં પણ આપની વ્યવસ્થાને કોઈ બાધ આવે તો ક્ષમા સાથે પણ આ કૃતિ તમારી તાકાત હોય એટલા વાચકો સુધી પહોંચાડશો તો હું ઋણી થઇ આભારી રહીશ.

આ ક્ષણે...

મગજ બંધ...અને દિલ?

‘રેડ ઓવર રેડ, રિપીટ, રેડ ઓવર રેડ’

~ વૈશાલી રાડિયા